પહેલા વર્ષના કે બીજા વર્ષના અમારામાં સહપાઠીઓમાંથી
રમતગમતના 'ખેલાડીઓ' કહી શકાય એ કક્ષાના હતા. અમારા
માટે રમતગમત માત્ર સારી રીતે સમય પસાર કરવાના વિવિધ શોખ પૈકી એક શોખ જ હતો.
ઈન્સ્ટિટ્યૂટની કક્ષાએ, અમે લોકો બહુ બહુ તો, અનિયમિત દર્શકો તરીકે ભાગ લેતા. જોકે, અમારા હૉસ્ટેલ
સ્તરે, ઇનડોર રમતોમાં શતરંજ અને કેરમ બહુ પ્રચલિત હતાં. દરેક
હૉસ્ટેલ બ્લૉકમાં બન્ને રમતોના કમસે કમ બે કે ત્રણ સેટ તો હંમેશાં ઉપલબ્ધ રહેતા.
ઇન્સ્ટિટ્યુટ કક્ષાની પહેલાં વર્ષની શતરંજ સ્પર્ધામાં તો
પહેલાં વર્ષના ૪૦ અને બીજાં વર્ષના ૩૦ વિદ્યાર્થીઓમાંથી લગભગ ચાલીસેક જણાએ હૉસ્ટેલ
કક્ષાએ શતરંજ સ્પર્ધામાં ભાગ લીધો. તાત્કાલિક ધોરણે દિલ્હીથી શતરંજની છએક કિટ્સ પણ
ખરીદી લેવામાં આવી. સ્પર્ધા પહેલાનું, હૉસ્ટેલ બ્લૉક કક્ષા રાઉંન્ડનું એક અઠવાડિયું
તો અમારી હૉસ્ટેલ શતરંજમય બની ગયેલ. એ દિવસોમાં, જ્યાં જ્યાં,
જ્યારે જ્યારે, નજર પડે ત્યાં એકાદ બે ગ્રુપ
તો શતરંજમાં જ પ્રવૃત્ત જોવા મળે. વિનોદ લરોયા અને કિરોન દોશી અને કદાચ એક બીજા
કોઈ સિવાય, અમે બધા તો ફક્ત મનોરંજન માટે જ રમતમાં જોડાયા
હતા. અમારા બાકીના બધા વચ્ચેની રમતો આઠથી દસ ચાલ સુધી ચાલે, પણ
આમાંથી કોઈપણ ત્રણની સામેની રમતો ત્રણથી પાંચ ચાલ સુધી ટકી શકતી ન હતી. જો મને
બરાબર યાદ હોય, તો વિનોદ લારોયા ઇન્સ્ટિટ્યૂટ સ્તરે ક્વાર્ટર
ફાઇનલ સુધી આગળ વધી શક્યા હતા,
ઈન્સ્ટિટ્યૂટમાં દસબાર વિદ્યાર્થીઓ અને, મને યાદ
છે ત્યાં સુધી, ચારેક પ્રોફેસરો પણ, બ્રિજના
સારા ખેલાડીઓ હતા. તીનપત્તી જેવી પતાંની રમતો હોસ્ટેલોમાં બહુ પ્રચલિત હોય તેવું
ધ્યાન પર નથી.
આઉટડોર રમતોમાં ક્રિકેટ, ફૂટબૉલ, ટેનિસ,
હોકી, બાસ્કેટબોલ જેવી રમતો પણ રમાતી, પરંતુ આ રમતો દરેક હૉસ્ટેલ બ્લૉકની એક એક સબળ ટીંમ બની શકે તેટલી કક્ષાએ
પ્રચલિત નહોતી. દરેક હૉસ્ટેલના પાછળના ભાગમાં વૉલીબૉલ અને બૅડમિન્ટન કૉર્ટ પણ હતા
અને આ બન્ને રમતો માટેની કિટ્સ પણ સારી હાલતમાં જળવાતી. દરરોજ સાંજે એકાદ કલાક
માટે આ કોર્ટ્સ હંમેશ પ્રવૃત જણાતા. દરેક હોસ્ટેલમાં ટેબલ ટેનિસનાં સાધનો પણ સારી
હાલતમાં રહેતાં અને તેનો ઉપયોગ પણ સારો એવો થતો.
ઇન્ડોર અને આઉટડોર વાર્ષિક રમતગમત ચેમ્પિયનશિપ બે ટર્મમાં
વહેંચાયેલી હોવાથી, શતરંજના ચસ્કા પછી અમે ટેબલ ટેનિસમાં પણ
મોટે પાયે ઝુકાવ્યું હતુ. પહેલાં અને બીજાં વર્ષના થઈને ત્રીસેક જેટલા મિત્રોએ એ
વર્ષે સ્પર્ધામાં ભાગ લીધો. જોકે મોટા ભાગના તો સાવ શિખાઉ વર્ગના જ હતા. અમારા બે
સહાધ્યાયીઓ, વિનોદ લરોયા અને કિરોન દોશીએ એ સ્પર્ધામાં રંગ
રાખી દીધેલો. તેમાંથી વિનોદ લરોયા તો તો નખશીખ ગંભીર ખેલાડી હતો. મારા જેવા શિખાઊઓની સામેના રાઉંડમાં પણ એ બિલકુલ યોગ્ય ડ્રેસ-કોડમાં હોય.
દેખાવે પણ એકદમ ચુસ્ત અને રમતી વખતે તેનું ધ્યાન માત્ર અને માત્ર
રમત પર જ હોય. બીજો મિત્ર, કિરોન દોશી, સાવ સામે પાટલે હતો. હોસ્ટેલની ફાઈનલ સુધીના રાઉંડમાં તે લુંગી, ઢીલું ટી શર્ટ અને સ્લીપર્સમાં જ રમ્યો. આ બન્ને જણા વચ્ચે જ
હોસ્ટેલ-ફાઈનલ થઈ હતી. ખુબ રસાકસીભરી પાંચ ગેમ્સને અંતે અમારો અ-ગંભીર મિત્ર,
કિરોન, જીતી ગયો. રમતને ગંભીરપણે લેનાર
વિનોદનું કહેવું હતું કે પેલો નિયમિત ડ્રેસ વગેરેમાં નહોતો રમતો એટલે પોતાનું
ધ્યાન રમતમાં કેન્દ્રિત જ નહોતું થઈ શકતું! ઇંન્ટર-હોસ્ટેલ કક્ષાએ તો કિરોનને
વ્યવસ્થિત ડ્રેસ પહેરીને રમવા જવું પડ્યું. તેમ છતાં ઠીક ઠીક આગળ સુધી પહોયા પછી
તે હારી ગયો. તેનું કહેવું હતું કે આવાં કપડામાં તેની નૈસર્ગિક રમત કુંઠિત થઈ જતી
હતી !
અમે પહેલા વર્ષના શિયાળામાં - ટેનિસ બોલવાળી - ક્રિકેટ પર
પણ અમારો હાથ અજમાવ્યો હતો. શિયાળાના બે મહિના દરમિયાન, અમે
સવારનો નાસ્તો કર્યા પછી ક્રિકેટ ગ્રાઉન્ડ પર જતા અને રવિવારના અમારા ભવ્ય લંચનો
સમય ન ચુકાય ત્યાં સુધી મેચ રમતા. પિલાણીના શિયાળાની ઠંડીમાં સવારના ગરમાવામાં ક્રિકેટના આનંદની સાથે અને રવિવારના તે 'ખાસ'
લંચનો આનંદ પુરેપુરો માણી શકાય એટલે સ્નાન પણ બપોરના ભોજન પછી જ
કરતા. તે પછી લગભગ ચાર કલાક માટે ગાઢ કુંભકર્ણ નિદ્રામાં સરી જતા. અમારામાંથી
કેટલાક તો રવિવારનો ફિલ્મ શો ચૂકી જવાનો ભોગ પણ ખુશી ખુશીથી આપતા!