Showing posts with label The Mess. Show all posts
Showing posts with label The Mess. Show all posts

Sunday, January 5, 2025

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - બીઆઈટીએસ, પિલાણીના રહેવાસની મારી દિનચર્યા - (વિદ્યાર્થી) ભોજનશાળા

 


હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ  માટે તેમની મૅસની ખાટીમીઠી યાદો તેમનાં વિદ્યાર્થી જીવનનું એક એવું પાસું છે જેની સીધી નહીં તો આડકતરી પણ અસર તેનાં વિદ્યાથી તરીકેનાં જીવન પર પડતી હોય છે. ભોજનશાળાનું દેખીતું મહત્વ તો વિદ્યાર્થીઓને પૌષ્ટિક, સ્વાદિષ્ટ, વૈવિધ્યપૂર્ણ અને ઉભયપક્ષને પોષાય એ મુજબનો ખોરાક પૂરો પાડવાનો ગણાય. પરંતુ અહીં મળતો સમય સામાન્યપણે વિદ્યાર્થીઓએ માટે તેમની ચિંતાઓ ભૂલીને એકબીજાને હળવા મળવા માટેનો એક આદર્શ સમય બની રહેતો. અમારા માટે તો હોસ્ટેલ કે ઇન્સ્ટિટ્યુટમાં મળવાનું ન  થયું એવા સિનિયર્સ કે એમ એસસીની અલગ અલગ શાખાઓ અને એમ ફાર્મના હોસ્ટલ સહપાઠીઓને મળવા માટે એક બહુ  સગવડભર્યો મંચ પણ ભોજનશાળા બની રહેતી.  

આ પહેલાં મને ૧૯૬૫-૬૬નાં પ્રિ. સાયન્સનાં વર્ષ માટે વી પી. મહાવિધાલય (વલ્લભ વિદ્યાનગર, ગુજરાત) ની અને ૧૯૭૦-૭૧નાં એન્જિનિયરિંગના છેલ્લા વર્ષ માટે એલ ડીની હોસ્ટેલની ભોજનશાળાઓનાં  સવારનાં અને સાંજનાં ભોજનનો જે અનુભવ હતો તેના કરતાં ઉપરોક્ત દરેક પરિમાણનાં સંદર્ભમાં અહીનાં ભોજન ઘણાં વધારે સારાં લાગ્યાં હતાં.    

એક સાથે દસથી બાર લોકો જમવા બેસી શકે એવાં ટેબલોની બે પંક્તિઓની હરોળ અને દરેક ટેબલની એક એક બાજુએ બબ્બે બાંકડા એવી એ સમયની ભોજનશાળામાં જમવા બેસવાની સગવડો કરકસરયુક્ત હતી. દાળ, શાક, ભાત વગેરે મોટાં બાઉલમાં પીરસાતાં અને ગરમ ગરમ રોટલી દરેકની થાળીમાં પીરસાતી.

રામકૃષ્ણ ગોયંકા ત્રણેક વર્ષ પહેલાં ફરી એક વાર રૂબરૂ ગયા હતા અત્યારે તેમણે લીધેલા ફોટોગ્રાફસ દર્શાવે છે કે હવે તો આ બધી વ્યવસ્થાઓમાં બહુ સારા ફેરફારો થઈ ગયા છે.


તેમણે તેમની એ મુલાકાત દરમ્યાન ભોજનશાળાનાં વાતાવરણને પણ વિડીયો ક્લિપ - Budh Bhawan dining hall – live માં બહુ જીવંત સ્વરૂપે કેમેરામાં ઝીલી લીધેલ છે.

( લગભગ ૭.૩૦ થી ૯.૦૦) સવારનો નાસ્તો, (૧.૦૦ થી ૨,૩૦) બપોરનું અને (૭.૦૦થી ૯.૦૦) રાતનું જમણ અને સાંજનો હળવો નાસ્તો (ટિફીન) પિલાણીની રોજીંદી વિદ્યાર્થી પ્રવૃત્તિઓનો એક અભિન્ન હિસ્સો હતાં.

સાદા પરોઠાની સાથે ચણા, છોલે કે રાજમા, પુરી-ભાજી જેવી વાનગીઓથી દિવસની શરૂઆત થતી. રવિવારના સવારના નાસ્તામાં બ્રેડ પકોડા હોય. સાથે ચા કે કોફી તો હોય જ ! પિલાણી આવ્યા પછી મને સવાર અને બપોરની ચા નિયમિત પીવાની ટેવ પડી.  

બપોરનું અને રાતનું જમણ રોટી, શાક, દાળ-ભાત અને દહીંની એક વાટકીનાં ઉત્તર ભારતનાં પારંપારિક જમણનાં જુદાંજુદાં મિશ્રણો વડે સભર રહેતાં. જે જે દિવસે આખા અડદની કાળી દાળ જમવામાં હોય ત્યારે જિમની અમારી પ્રેરણામૂર્તિ એવો કેન્ની દાળમાં બે ચમચા ઘી ભેળવીને બે ત્રણ મોટા વાટકા દાળ અને પાંચ છ  રોટલી જમી જતો. તેના સ્નાયુબધ્ધ શરીર માટે તે જે આકરી કસરતો કરતો તેના માટે જરૂરી પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનો પુરવથાણું આ રહસ્ય હતું!

જોકે શનિવાર અને રવિવારનાં બપોરનાં જમણ 'ખાસ' ગણાતાં.  શનિવારે બપોરે આલુ પરાઠા અને દહીં, સાથે દાળ અને ભાત હોય. શિયાળામાં મુલી પરાઠા પણ તેમાં ઉમેરાય. અમારી બેચના મોટા ભાગના  વિદ્યાર્થીઓ કમસે કમ ત્રણ આલુ પરાઠા તો આરોગતા જ હશે. 'પાતળી' ગુજરાતી રોટલી ખાનારો મારા જેવો 'ગુજ્જુ' પણ બહુ થોડા સમયમાં ત્રણ-પરાઠા-બ્રિગેડનો નિયમિત સભ્ય બની ગયો હતો. ૬+ પરાઠા ખાનાર મહારથીઓની સંખ્યા પણ કમ તો નહોતી જ !!.

રવિવારે બપોરે પુરી, બટાકાની મસાલા (ફ્રેંચ ફ્રાય) કતરી  અને મટરની સબ્જી હોય, શિયાળામાં તો હરે મટરની સાથે પનીર કે ખોયા (માવો) પણ ઉમેરાય. મહિને એકાદ વાર નવરત્ન કોરમા પણ બને. રવિવારનું  બપોરનું જમણ તો લગભગ બધા જ લોકો બે પેટ કરીને જમતા. એટલે પછી, બપોર પછી આખી હોસ્ટેલને આફરો ચડતો અને મોડી સાંજ સુધી આખી હૉસ્ટેલ ભારે પેટે ઊંઘ ખેંચતી.  

બપોરના નાસ્તાનાં ટિફિનમાં ચા કે કોફી સાથે સમોસા, કચોરી, ટીક્કી, ચાટ કે વેજીટેબલ સેન્ડવીચ હોય. સવારના નાસ્તા  કે બપોર કે રાતનાં જમણની જેમ ટિફિનમાં પીરસાતી વાનગીઓ અમર્યાદિત માત્રામાં ન રહેતી. રવિવારે ટિફિન ન હોય.

જે લોકોએ માંસાહારનો વિકલ્પ પસંદ કર્યો હોય તેમને અઠવાડીયામાં ત્રણ દિવસ આમલેટ, ફ્રેંચ ફ્રાય કે બાફેલાં ઇડાં જેવી બે ઇંડાની વાનગીઓ સવારના નાસ્તામાં અને બે દિવસ બપોરનાં જમવામાં મીટની કોઈ વાનગીઓ મળતી. માંસાહારી વિકલ્પનું માસિક મેસ બિલ ૫૦ થી ૬૦ રૂપિયા વધારે આવે.  

ઉત્તર ભારતીય રસોઈ પ્રણાલી મુજબનું જમવાનું મને તો લગભગ પહેલા દિવસથી જ ખૂબ ભાવી ગયું હતું.

ઉત્તર ભારતીય રસોઈ પ્રણાલીની વાત નીકળતાં મને એક બહુ સ-રસ કિસ્સો યાદ આવે છે.     

પહેલાં ઉનાળુ વેકેશનથી પાછાં ફરતાં હું ઘરેથી કાચી કેરીના છુંદાની બરણી સાથે લાવ્યો હતો (જોકે ખરેખર તો એમ કહેવું જોઈએ કે મારાં માએ મને બળજબરી કરીને સાથે વળગાવ્યો હતો !) સાંજે પહોંચીને જ રાતનાં પહેલાં જ જમણના અર્ધાએક કલાકમાં જ એ બરણી તો સાફ થઈ ગઈ. અમારામાંના ઘણા વિદ્યાર્થીઓને ગુજરાતી 'ગળ્યાં' દાળ અને શાકના સ્વાદના (નાકનું ટીચકું ચડાવી દે તેવા) સ્વાદના આછાપાતળા અનુભવ હતા, પણ “મરચું નાખેલ આ 'મુરબ્બો' તો બધાં માટે નવો જ અનુભવ હતો ! એ પછી એ 'આચાર' હતું એમ ચોખવટ કરવાની મારી હિંમત નહોતી ચાલી ! એ અઠવાડીયાનાં મેં ઘરે લખેલ પત્રમાં એટલું જ લખ્યું હતું કે બધાંને છુંદો બહુ ભાવ્યો હતો. કયાં કારણસર ભાવ્યો હતો તે તો પછીનાં વેકેશનમાં ઘરે ગયો ત્યારે, મારાં માને રૂબરૂમાં, માંડ માંડ, સમજાવી શકેલો !