અમારાં પહેલાં વેકેશન માટે ઘર ભણી જવાની તૈયારીઓ ચાલતી હતી તે સમયે અમારા અનુભવી સહપાઠીઓએ અમને પહેલી વાર પિલાણી આવેલાઓને સૂચના આપી દીધેલી કે અહીંનો શિયાળો બહુ આકરો હોય છે. એટલે પાછા ફરતી વખતે ઓઢવા પહેરવાનાં પુરતાં ગરમ કપડાં સાથે લઈ આવજો. બહુ ચોખ્ખા શબ્દોમાં વધારે સ્પષ્ટતા કરતાં કહેલ કે બે એક સરખાં જાડાં આખી બાંયનાં સ્વેટર, એકાદું અર્ધી બાયનું સ્વેટર અને બે એક જાડી રજાઈ તો કમસે કમ લઈ જ આવવાં.
દસ
બાર દિવસ પછી હું જ્યારે પાછો ફર્યો ત્યારે નવસારીમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું
હતું. શિયાળો હજુ દોઢેક
મહિનો દૂર હતો. એટલે વાતાવરણમાં હજુ ગુલાબી ઠંડી પણ શરૂ નહોતી થઈ. એટલે નવસારીની
બજારમાં સ્વેટર શોધવામાં મારે ‘સરખો પરસેવો પાડવો પડેલો’. (!) ખેર,
મારી પાછા ફરવાની મુસાફરીમાં મારી સાથે (મારાં માએ હાથે વણેલ) અર્ધી બાંયનું એક
સ્વેટર, (નવસારીની બજારમાંથી ખરીદેલ) એક આખી બાંયનું સ્વેટર, ઘરમાં હતી તેમાંથી જાડામાં જાડી કહી શકાય એવી એક રજાઈ અને (ગુજરાતમાં
દેખાવ માટે પહેરાય એવી) એમ શાલ સાથે હતાં.
પિલાણીની
ઠંડીનો મને પહેલો પરિચય તો હું પહેલાં જ એ મુસાફરીના અંતમાં જ થઈ ગયો હતો. એ તો
હજુ ઓક્ટોબર મહિનો હતો. પિલાણી પહોંચતાં સુધી
તો દિવસનો તડકો હતો એટલે મેં કઈ જ ગરમ પહેર્યું નહોતું. બસ
સ્ટેન્ડથી ઉતરીને પેડલ રિક્ષામાં રૂમ પર પહોંચતાં માડ દસેક મિનિટ થઈ હશે. હોસ્ટેલ
પર પહોંચીને હું પહેલાં તો નાહયો અને પછી અમે બધા મેસમાં સાથે જમવા ગયા, પણ એ દિવસે આખી રાત મને ઝીણો ઝીણો તાવ રહ્યો. બીજે
દિવસે નાસ્તો કરતી વખતે આ વાત મેં કરી ત્યારે મને ચોખ્ખા શબ્દોમાં સમજાવાઈ ગયેલું
કે તારી એ ‘ગુજરાતી છાપ’ બહાદુરી
(!) અહીં નહીં ચાલે. અત્યારે દિવસે પણ સ્વેટર પહેરીને ફરતાં લોકો
કંઈ મુરખ નથી ! સાંજ ઢળવાની ચાલુ થાય તે સાથે જ ઉષ્ણતામાન સીધું દસબાર અંશ ગગડી
જતું હોય છે.
શિયાળામાં
તો વહેલી સવારે જ પિલાણીની ઠંડીનો અનોખો પરચો મળી હતો. આખી રાતની ઠંડીમાં ઠરેલ મુખ્ય
બ્લોકની પરસાળો તો શીતાગાર જ બની જતી. સ્વરાના સાડા આઠ વાગ્યાનો પહેલો પિરિયડ ભરવા
જતી વખતે એ પરસાળમાંથી પસાર થતાં જે થોડી મિનિટો ગાળવી પડે એ તો જાણે સીતમ ગુજારાતો
હોય એવું જ લાગતું. સવારે નાસ્તામાં ત્રણેક ગ્લાસ ગામ ગરમ ચા ગટગટાવી હોય એ પણ
કદાચ અન્નનળીમાં થીજી જતી હશે(!).
સ્નાતક
કક્ષાના વિદ્યાર્થીઓ માટે શનિવારે અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અને સ્ટાફા
પરિવારો માટે રવિવારે સાંજે યોજાતા ફિલ્મ શો સમયે બધાં એકાદ રજાઈ ઓઢીને જતાં હોય એ
દૃશ્ય પહેલા શિયાળામાં મારા માટે એક વધારે કૌતુક હતું. જોકે પાછા ફરતી વખતે જ જે
ઠંડી હોય તેને પરિણામે આમ કરવું એ અહીંની ઠંડીમાં જરા પણ અજુગતું નહોતું એ સમજતાં
જરા પણ વાર નહોતી લાગી.
નવસારી -પિલાણી મુસાફરીના ત્રીજા વિકલ્પના અનુભવ સાથે રાજસ્થાનની ખરી ઠંડીનો પરચો નાતાલના વેકશન માટે નવસારી જતાં થઈ ગયો. પિલાણીમાં ભણતા અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે થયેલ પરિચયને કારણે જાણવા મળ્યું કે દિલ્હી-અમદાવાદ મીટર ગેજ લાઈન પરનાં નીમ કા થાના સ્ટેશનેથી રાત્રે ૧૧ વાગ્યે દિલ્હી એક્ષપ્રેસ મળે જે બીજે દિવસે બપોરે અમદાવાદ પહોંચાડે. એ દિવસો ભરપુર શિયાળાના હોય, એટલે જેટલાં ગરમ કપડાં અને ઓઢવાનાં હોય તે લઈને આવવું એવી એ મિત્રોની સલાહ, ખરેખર તો ચેતવણી જ, હતી. મારી પાસે તો એ સમયે એક સ્વેટર અને એક પાતળી રજાઈ અને ઘરેથી લાવેલ એક ચાદર અને શાલ જ હતાં. લગભગ નવેક વાગ્યે પિલાણીથી બસમાં ઉપડ્યા પછી ૧૦ વાગ્યે તો નીમ કા થાના સ્ટેશનનાં ખુલ્લાં પ્લેટફોર્મ પર બધા ખડકાઈ ગયા. ટ્રેન આવતાં પહેલા પ્લેટફોર્મ પર જ જે એકાદ કલાક જે બેઠી ઠંડી અનુભવી છે તેણે તો ત્રણચાર ડિગ્રીની ઠંડી કોને કહેવાય તેનું પ્રત્યક્ષ ભાન કરાવી દીધું.
પરંતુ
એ ઠંડી હજુ એમ કંઈ પીછો છોડવા નહોતી માગતી. ટ્રેનમાં દાખલ થયા પછી સીટ તો, વહેલી સવારે, છેક
જયપુરથી મળી. એટલે બાકીની રાત પણ કૉચના બે દરવાજા વચ્ચે બેસીને જ ઠુંઠવાવાનું
હતું. થોડી મોડી સવારે અજમેર આવ્યું ત્યારે નીચે ઉતરીને સામે દેખાતી ચાની લારીએ
કંઈક હુંફ મળવાનો સધિયારો આપ્યો. ગરમ ગરમ સમોસા અને પકોડાંની બબ્બે ડીશ સાથે બે-ત્રણ
કપ ગરમ ચા મળી એટલે શરીરમાં લોહી ફરતું થયું હોય એવું જણાવા
લાગ્યું. જોકે ચેતનનો પુરેપુરો અહેસાસ તો બપોરે પાલનપુર પહોંચ્યા બાદ જ આવ્યો.
એ
રાતના ઠંડીના અનુભવે મને આ પહેલાં અનુભવી ચુકેલ ગજરાતની બે ઠંડી રાતોની યાદ આવે
છે.
પહેલો
અનુભવ જ્યારે હું નવેક
વર્ષનો હતો ત્યારનો છે. એ સમયે અમે રાજકોટ રહેતાં હતાં. એ દિવસોમાં રાજકોટમાં
સર્કસ આવેલું. હું અને મારા માસીના દીકરા (નરેશ માંકડ) રાતના નવ થી સાડા અગિયારના છેલ્લા શોમાં સરકસનો ખેલ જોવા ગયેલા. શો છૂટ્યો
અને અમે જેવા ખુલ્લા મેદાનમાં આવ્યા તે સાથે જ અમને ખ્યાલ આવ્યો કે બહાર તો બહુ
ઠંડી છે. થોડું ચાલ્યા એટલાં તો એટલી ઠંડી લાગવા લાગી કે ઘર સુધીના બે એક કિલોમીટર
અમે દોડીને પહૉચી જવામાં જ અમારી ભલાઇ છે છે તે સમજાઈ ગયું.
બીજો
અનુભવ થયો એવી જ એક શિયાળાની રાતે નળ સરોવર પર. એલડીનાં બીજાં કે ત્રીજાં વર્ષની એ
વાત હશે. અમે કેટલાક મિત્રો નળ સરોવરની પિકનિક પર ગયા. પરોઢ પહેલાં સરોવર પર
આવેલાં યાયવર પક્ષીઓ જોવા મળે એટલે અમે રાતવાસો પણ ત્યાં જ કરવાનું નક્કી કરેલું. એ દિવસે બહુ મુસાફરો હશે એટલે અમને
ઢંગના કોઈ સ્થળે રહેવાની જગ્યા ન મળી, એટલે કોઈક ખેતરનાં એક
ઝુંપડામાં અમે આશરો લીધો. ઠંડી તો કહે મારૂં કામ! એટલે બારેક વાગ્યા સુધી તો અમે
રમતો રમીને, વાતો કરીને સમય પસાર કરી લીધો. પણ પછી જેવા સુતા
તેવું ઠંડીનું કાતિલ સ્વરૂપ અનુભવાવા લાગ્યું. ખાસ કંઈ ઓઢવાનાં પાથરવાનાં તો સાથે
લઈ નહોતા આવ્યા. એટલે એકાદ કલાકમાં જ સમજાઈ ગયું કે આ ઠંડીમાં ઊંધી ગયા તો સવારે
બરફનું ઢીમચું જ બની જશું. પહેલાં તો બબ્બે જણા એકબીજાની બાથની હુંફમાં સુવાની
કોશીશ કરી. પછી ધીમે ધીમે બેના ત્રણ અને ત્રણના ચાર એમ બધા એકબીજાને વળગી ગયા.
જેમતેમ કરીને ચારેક વગાડ્યા હશે! પછીતો અમે જ જઈને પક્ષીઓને જગાડ્યાં!!.
જોકે
નીમ કા થાનાથી અજમેર સુધીની મુસાફરીની ઠંડીની સરખામણીમાં તો આ બન્ને અનુભવો જાણે
હીટરમાં એ રાતો ગાળી હશે એવું જ લાગે છે ! આ લખતાં લખતાં પણ એ રાતની ઠંડીની યાદ
આવે છે તો શરીરમાંથી શીત લહરનું લખલખું પ્રસાર થઈ જાય છે.
નીમ કા થાનાની એ રાતે ઠંડી (શાબ્દિક અને ખરેખર, એવા શ્લેષ અર્થમાં) શીખ આપી કે જે લોકો ઈતિહાસમાંથી કંઈ
શીખતાં નથી તેમની સાથે ઈતિહાસ ઠંડે કલેજે દોહરાય છે. એ વેકેશનથી પાછો ફર્યો ત્યારે, ઓછામાં
ઓછા સામાનથી મુસાફરી કરવાનો આગ્રહ ધરાવતો હું બીજું એક સ્વેટર, દિગ્જામનો વુલન બ્લેંકેટ અને કચ્છની જાડાં ઉનની ધાબળી મારા સામાનમાં ઊંચકી
લાવ્યો હતો !
એ પછી તરત જ અમે દિલ્હીમાં યોજાયેલ એશિયાડ રમતો સમયે દિલ્હીની ટુંકી સફરે ગયેલા. એ તકનો લાભ લઈને મેં એક આખી બાંયનું સ્વેટર, ઉનનાં હાથમોજાંની એક અને ચામડાના હાથમોજાંની બીજી એક જોડી પણ ખરીદી લીધેલ. પછીનાં વર્ષોમાં શિયાળામાં સ્કુટર પર વટવા જતી વખતે ઉનનાં એ હાથમોજાં મેં ઘણો સમય સુધી વાપર્યાં હતાં.