Showing posts with label Kutch. Show all posts
Showing posts with label Kutch. Show all posts

Tuesday, December 6, 2016

કચ્છ: એક જીવંત મ્યુઝિયમ - પ્રો. ડૉ. મહેશ ઠક્કર



શ્રી કાન્તિપ્રસાદ અંતાણી કચ્છની જમીનના કણે કણને જાણે...... લોકોને અંગત રીતે ઓળખે..... પાંચથીય વધારે દાયકાથી તેમનો કચ્છ સાથે જીવંત, સીધો જ સંબંધ રહ્યો હતો.....   તે પોતે તો કચ્છના એન્સાઇક્લોપીડિયા હતા ! સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને સ્વાતંત્ર્યોત્તર કચ્છની પ્રગતિમાં તેમનું પ્રદાન અનેક રીતે મહત્ત્વનું રહ્યું છે.
તેમની સ્મૃતિમાં 'કાન્તિપ્રસાદ અંતાણી સ્મૃતિ વ્યાખ્યાન માળા' શરૂ કરવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળા અન્વયે  કચ્છનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં વ્યક્ત્વ્યો દર વર્ષે યોજાશે. આ વ્યાખ્યાનમાળાનાં બીજાં પ્રવચન - કચ્છ: એક જીવંત મ્યુઝિયમ[i] © ડૉ. મહેશ ઠક્કર -માં પ્રો. ડૉ.મહેશ ઠક્કર  કચ્છની ઘણી જાણીતી-ઓછીજાણીતી બાબતોને કચ્છના ભૌગોલિક ઈતિહાસના અભ્યાસ દ્વારા આલેખે છે.
પ્રો.ડૉ.મહેશ ઠક્કર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભૂસ્તર શાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના વડા છે. ડો. મહેશ ઠક્કરના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : mgthakkar@gmail.com | mgthakkar68@yahoo.co.in
ઉપગ્રહોથી લેવાયેલ તસ્વીરોમાં કચ્છની ભૂ-આકૃતિ કચ્છના અખાતમાં ઊંધી પડેલ કાચબાની ઢાલ
તરતી હોય એવી દેખાય છે. વાગડનો ઉચ્ચ પ્રદેશ કાચબાની બહાર નીકળેલી ડોક અને માથાનો ભાગ તેમ જ પચ્છમ, ખડીર, બેલા અને ચોચર જેવા ખડકાળ દ્વીપ સમૂહો કાચબાના પગ જેવા જણાય છે.આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે 'આભીર' તરીકે ઓળખાતા પ્રાન્તનું નામકરણ 'ક્ચ્છ' તરીકે પ્રસ્થાપિત થયાનું ઈતિહાસવિદો માને છે.
જોકે કચ્છના ધોળાવીરામાં મળી આવેલા સિંધુ ખીણના અવશેષો ૫૫૦૦ વર્ષ પહેલાનાં ઈતિહાસની ગવાહી પૂરે છે.હરપ્પાની લિપિ હજૂ પણ વણઉકાયેલ રહી હોવાને કારણે કચ્છ વિશેના ઘણા ખ્યાલ થવા જોઈએ તેટલા સ્પષ્ટ નથી થઈ શક્યા.  ધોળાવીરા સિવાય કાનમેર, કુરન, ખીરસરા જેવાં નાનાથી મધ્યમ કક્ષાનાં નગરોના અવશેષો આજે પણ વણઉકેલ્યું રહસ્ય જ રહ્યાં છે.
પાંચથી છ હજાર વર્ષના ઈતિહાસથી આગળ વધતાં નિયોલિથીક તથા પાષાણ યુગ વિશેપણ જો સંશોધન કરવામાં આવે તો કચ્છમાં સેંકડો જગ્યાઓ મળી આવે તેમ છે.પાંચ હજારથી એક લાખ વર્ષના વિવિધ વાતાવરણીય ફેરફારોની સાથે થયેલ આદિમાનવના ઈતિહાસનાં સોપાનોનો નૃવંશશાસ્ત્રીય અભ્યાસ માટેની પણ અઢળક શક્યતાઓ કચ્છમાં રહેલ છે.
કચ્છના ભૂભૌગોલિક જીવંત મ્યુઝિયમનો બીજો મહત્ત્વનો તબક્કો છે ૬૫ કરોડથી એક લાખ વર્ષના સમયગાળામાં બનેલા જળકૃત ખડકો (sedimentary rocks). ભૂસ્તરીય સમયસારણિ પ્રમાણે તેને તૃતીય મહાયુગ (Tertiary Age)ના નામથી ઓળખાય છે. આ જ સમયમાં ભારતની હિમાલય પર્વતમાળા પણ સમદ્રમાંથી ઉત્થાન પામી રહી હતી. આજે લિગ્નાઈટ તરીકે ઓળખાતાં ખનીજના નિર્માણમાં ખંડીય છાજલી વિસ્તારોમાં એ સમયે વિચરતાં અગણિત અપૃષ્ઠવંશી [Invertebrate] પ્રાણીઓનું ઈયોસીન યુગના વિશાળ કાર્બનેસીયસ શેલ ખડકોમાં થયેલું રૂપાંતરણ છે. તે જ રીતે ફોરામીનીફેર તરીકે ઓળખાતાં સૂક્ષ્મ પ્રકારના અપૃષ્ઠવંશી પ્રાણીઓના ખર્વોની સંખ્યામાં જમા થયેલ અવશેષો કાળક્રમે ક્ચ્છના ચૂના ખડકોના વિશાળ વિસ્તારમાં રૂપાંતર થયા.
કચ્છના ખડકો અને તેમાં આવેલ ખનીજો અને અશ્મિઓના અભ્યાસથી ભૂસ્તરશાસ્ત્રીઓ ૧૮ કરોડ વર્ષના ભૂસ્તરીય, ભૂકંપીય અને પર્યારવણીય ઈતિહાસ નોંધી અને ઉકેલી શક્યા છે.આ  સમયમાં કચ્છ વિસ્તાર આફ્રિકા ખંડથી છૂટો પડી પૂર્વ તરફ ખસી રહ્યો હતો એવાં તારણો નીકળે છે. ક્ચ્છના ખડકોમાં એ યુગની સમગ્ર ભારતીય ખંડની પ્લેટની મહત્ત્વની હલનચલનની જાણકારી જોવા મળે છે.કચ્છની ડુંગરમાળાઓ, ટેકરીઓ,નદીઓની ઊભી ભેખડો જ્યુરાસિકથી ટર્શીયરી યુગનો ઈતિહાસ સમજવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 
રૂંવાડાં ઊભા કરી દેતા કચ્છના આ પૃષ્ઠવંશી ઈતિહાસ જેટલો અનેરો ઇતિહાસ પૃષ્ઠવંશી [Vertebrate]  પ્રાણીઓનો જ્યુરાસિક અને ટર્શિયરી ઇતિહાસ પણ છે. એ સમયે જ્યારે ડાયનોસોર જમીન પર અસ્તિત્ત્વમાં હતાં ત્યારે કચ્છના પત્થરો મહ્દ્‍અંશે દરિયાઈ વાતાવરણ સૂચવે છે. એટલે કચ્છમાં ખડીરની ઉત્તરે ચેરિયા બેટ કે ખાવડાની ઉત્તરે આવેલા કુંવારબેટ જેવા જૂજ પ્રદેશોમાં ઘસડાઈને આવેલાં ડાયનોસોર જેવાં પાણીઓનાં કંકાલોના અવશેષો મળી આવે છે. સમગ્ર એશિયામાં મહત્વનું સાબિત થયેલું આવું એક ઈકથીયોસોરસ નામે જાણીતાં ડોલ્ફીન જેવાં દેખાતાં પ્રાણીનું સંપૂર્ણ કંકાલ કચ્છ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીઓની એક ટીમને પ્રો. મહેશ ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ કરાયેલ એક સંશોધન દરમ્યાન મળી આવેલ છે.
જેમ કચ્છના જળકૃત ખડકો કરોડો વર્ષ પુરાણા છે અને જેમ એ સમયે થયેલા વાતાવરણના ફેરફારો સૂચવે છે, તે જ રીતે, કચ્છના રણના અને ખડકીય ઉચ્ચ પ્રેદેશો વચ્ચે આવેલા માટીયુકત વિશાળ વિસ્તારો  'ક્વાર્ટનરી ભૂસ્તરશાસ્ત્ર'તરીકે ઓળખાતા છેલા ૫૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ વર્ષના સમયકાળના ભૂસ્તરીય, ભૂકંપીય અને વાતાવરણના ફેરફારોના અભ્યાસ માટેની જીવંત પ્રયોગશાળા નીવડેલ છે. આ ઉપરાંત કચ્છના રણમાં આવેલ અલ્લાહ બંધનો વિસ્તાર છેલ્લા બસ્સો વર્ષના ભૂકંપીય હલનચલનથી બનતી ધરાકૃતિના અભ્યાસનું ઉત્તમ સ્થાન છે.  

અલ્લાહ બંધ અને સિંદરી સરોવરનું સ્થાન બતાવતી સેટલાઈટ તસવીર

ભૂસ્તરશાસ્ત્રની આ અઢળક ખૂબીઓ ઉપરાંત કચ્છને પક્ષી પ્રેમીઓ માટેનું પણ સ્વર્ગ માનવામાં આવે છે. ખડકાળ ડુંગરાળ પ્રદેશના,બન્નીના ઘાસીયા મેદાનોના, મીઠાયુકત વિશાળ રણ પ્રદેશના, વિવિધ દરિયાકાંઠાના પ્રદેશો અને વેટલેન્ડ વિસ્તારોમાં અનેકવિધ પક્ષીઓ જોવા મળે છે. વળી આ વિસ્તારોમાં આવતાં યાયાવરી પ્રકારનાં સાઈબિરીયાથી આવતાં સુરખાબ જેવાં પક્ષીઓ તો કચ્છની આગવી ઓળખ બની રહ્યાં છે.
પક્ષીઓની જેમ પ્રાણીઓમાં મહદ્‍ અંશે કચ્છના નાના રણમાં જોવા મળતા વિશ્વની અજોડ પ્રજાતિ સમ જંગલી ગધેડા (ઘુડખર)ની જેમ જ નીલગાય કે કચ્છી વાઈલ્ડ બોર જેવાં પ્રાણીઓ પણ હવે કચ્છના જીવંત ઇતિહાસની એક અલગ તવારીખનાં પૃષ્ઠો છે.
  
રણ પરિસર વિજ્ઞાન, કાંઠાળ પ્રદેશ પરિસર વિજ્ઞાન, જળપ્લાવિત જમીન પરિસર વિજ્ઞાન, પર્વતીય પરિસર વિજ્ઞાન કે દરિયાઈ પરિસર વિજ્ઞાન જેવા વિષયો માટે કચ્છ એક આદર્શ પ્રયોગશાળા છે. ૨૧મી સદીના ઔદ્યોગિક 'વિકાસ'ને કારણે દરિયાઈ પ્રદેશોના પરિસરનાં એક મહત્ત્વના અંગ સમાં ચેરીયાંના જંગલો હાલે નાશના જોખમના ઉંબરે ઊભાં છે.
કચ્છનાં માનવ જીવનની મૂળભૂત શૈલીઓ, ભાતીગળ સંસ્કૃતિઓ અને તેની સાથે જોડાયેલ કચ્છી ભરતકામ, કાપડ પરનાં રંગકામ, શાલ-ધાબળી જેવાં ગરમ વસ્ત્રોનું વણાટકામ કે પશુપાલન જેવા આજિવિકા પૂરા પાડતા વ્યવસાયો કે ભૂંગા જેવાં ઘરો, ઘરોની ભીતો પરનાં વિશિષ્ટ ચિત્રકામ કે ઘર સજાવટમાં વપરાતાં હાથગુંથણકામ જેવાં અનેકા પાસાંઓનો પણ અધાર આ વિવિધ પ્રકારનાં પરિસર છે. ઉદાહરણ તરીકે,૫૦૦-૭૦૦ વર્ષો પૂર્વે આવીને સ્થાયી થયેલ બન્ની પ્રદેશના જત લોકો અહીંના રબારી-ભરવાડ લોકથી ઘણી રીતે જૂદા છે. એ જ રીતે ક્ચ્છનાં સમગ્ર પરિસરમાં ઘાટાં અને તેજસ્વી રંગો ધરાવતાં ફૂલો કે વનસ્પતિઓનો અભાવ છે. આ ભાવની પૂર્તતા કરવા માટે અહીંનાં ભરતકામ અને રંગકામમાં ઘાટા અને ભડકીલા રંગોનું પ્રભુત્વ વધારે જોવા મળશે.
કચ્છના ગામડે ગામડે ગામનાં નામો, પાળિયાઓ, લોક સંસ્કૃતિ, લોકબોલી, લોકકલા, લોકમેળાઓમાં કચ્છનો ઇતિહાસ ધરબયેલો પડ્યો છે. અહીંના ગ્રામ્યજનોની ગાથાઓ અને લોકકથાઓના અરીસામાં અહીંના રાજવી કુટુંબ અને તેના અત્યાચારી કાયદાઓ અને કડક શાસનનાં પ્રતિબિંબ પડે છે.
આમ કચ્છની જીવંત પ્રયોગશાળા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂકંપશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, જીવાવશેષશાસ્ત્રીઓ, પરિસર વિજ્ઞાનીઓ, પુરાતત્ત્વવિદો, ભૂગોળશાસ્ત્રીરસાયણ વિજ્ઞાનીઓ, સમુદ્રકીય જીવશાસ્ત્રીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ, પક્ષીવિદો, પ્રાણીવિદો, સમાજ શાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, અર્થશાસ્ત્રીઓ, વ્યવસ્થાપનવિદો, પર્યાવરણવિદો જેવા તજજ્ઞો માટે ગહન અભ્યાસ અને સંશોધન માટે અફાટ ખજાનો પૂરો પાડે છે.


સંકલનકારની નોંધઃ
૧. અહીં મૂકેલ અલ્લાહ બંધની તેમ જ ઘુડખર અને નીલગાયની તેમ જ અન્ય તસવીરો  વિકીપીડિયા પરથી લેખના વિષયની સાથે સંકળાતી હોવાથી પૂરક માહિતી અર્થે સાભાર લીધેલ છે.
૨. વિશ્વવિખ્યાત પક્ષીવિદ્યાનિષ્ણાત સલીમ અલીનું પુસ્તક 'The Birds of Kutch' (1945)  એક સિમાચિહ્નરૂપ સંદર્ભગ્રંથ છે.


[i]  આ પ્રવચનનું  પુસ્તિકા રૂપે પ્રકાશન હરેશ ધોળકિયાએ [સંપર્ક સરનામું ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ) ૩૭૦ ૦૦૧] કરેલ છે.

Monday, December 15, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ અને ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

આપણે 'કલમ કાંતે ક્ચ્છ"શ્રેણીના ૮+૧ પુસ્તક સંપુટનો પરિચય કરી રહ્યાં છીએ.

શ્રેણીમાંનાં આઠ પુસ્તકોમાંથી ચાર પુસ્તકો રણ (૩), દરિયા કિનારો (૪), જળ(નો અભાવ) (૫) અને ધરતીકંપ (૬) જેવી કચ્છનીઅનોખી ભૌગોલિક હકીકકતની, તેને લગતા પ્રશ્નો અને ઉકેલોના સંદર્ભમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ લખાયેલા અગ્રલેખોમાં રજૂ થયેલાં તારણો અને મંતવ્યોની આત્મીય ચર્ચાને આવરી રહ્યાં હતાં.

આજે આપણે 'ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ' અને 'ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ'એમ બે પુસ્ર્તકોની એક સાથે વાત કરીશું. પુસ્તક શ્રેણીના સંપાદક શ્રી માણેકલાલ પટેલ આ પુસ્તકોના કેન્દ્રવર્તી થીમ વિષે કહે છે કે," આઝાદી પહેલાં સ્વતંત્ર રાજ્ય એવું કચ્છ કદની દૃષ્ટિએ વિશાળ હોવા છતાં ગુજરાત સાથે જોડાયા પછી એનું અસ્તિત્ત્વ એક જિલ્લામાં સમેટાઇ જતાં અનેક અણધારી મુશ્કેલીઓ રોજબરોજના કારોબારમાં ઊભી થવા લાગી હતી. તાલુકાથી જિલ્લાસ્તરે ઊભા થતા પ્રશ્નો અને એના નિવારણની ચર્ચા સાથેના આ પુસ્તકમાં સમાવેશ કરાયેલા લેખો અને અગ્રલેખો ગ્રામ્ય પત્રકારિતાની દીવાડાંડી સમાન છે."

બીજા શબ્દોમાં કહીએ તો મુખ્યત્વે સામાજિક, આર્થિક કે રાજકીય માનવસર્જિત પ્રશ્નો અને તેના સંભવિત ઉકેલો, કે પછી વિચારાયેલા અને અમલ કરાયેલા (અને ન વિચારાયેલા કે ન અમલ થયેલા)ઉકેલો પરથી ફરી ઉદ્‍ભવતા પ્રશ્નો અને તેના ઉકેલોનાં અનેકવિધ પાસાંઓની રજૂઆત આ બે પુસ્તકોમાં કરાઇ છે. આ સમગ્ર ચર્ચામાં કચ્છ જેવા આગવા ઐતિહાસિક વારસા, ભૌગોલિક પર્યાવરણ અને રાજકીય/સામાજિક પરંપરાઓ કે આર્થિક વિટંબણાઓ અને શક્યતાઓ ધરાવતા વિસ્તારના પ્રશ્નોને લોકજીવનની વાચા મળે તે રીતની આત્મીય છતાં વિધેયાત્મક અખબારી ભાષામાં ગ્રામીણ પત્રકારિતાની આગવી કેડી પણ કંડારાતી જોવા મળશે.

'ગ્રંથ -૭: પાંજી પીડા પાંજી ગાલ'નાં ૨૧૫ પાનામાં ૧૦૩ લેખો અને 'ગ્રંથ - ૮: પાંજા પ્રશ્ન પાંજી ગાલ'નાં ૨૨૨ પાનામાં ૧૦૧ લેખો છે. પુસ્તકનાં શીર્ષકો પરથી જ સમજી શકાય છે કે આ પહેલાંનાં પુસ્તકોની જેમ કોઇ એક વિષયનાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓના ઊંડાણથી અભ્યાસનો અહીં પ્રયાસ નથી કરાયો, પરંતુ અનેકવિધ બાબતોની કૉલાજ સ્વરૂપની રજૂઆત વડે એક બૃહદ ચિત્ર ખડું કરાયું છે.

બંને પુસ્તકોની અનુક્ર્મણિકાઓની મદદથી જો પુસ્તકોમાં સમાવાયેલા વિષયોની યાદી બનાવવા પ્રયત્ન કરીએ તો કચ્છમાં ઉદ્યોગો, ખનિજ ખનન અને તેને સંલગ્ન બાબતો, નમક ઉદ્યોગ, કચ્છના આર્થિક વિકાસ સાથે સંકળાયેલ રાજકીય કે શાસકીય નીતિઓ, રેલવે કે બસ કે વિમાની જેવી માળખાકીય પરિવહન સેવાઓ, કચ્છના પર્વતો, કંડલા બંદર, કચ્છમાં શાળા કક્ષા તેમ જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, કચ્છનાં પ્રાકૃતિક ક્ષેત્રોની જાળવણી અને તેની સાથે સંકળાયેલ માનવ વસ્તીની સમસ્યાઓ જેવા વિષયો એ કૉલાજમાં નજરે ચડવા લાગે છે.

પુસ્તકની પહેલી આવૃત્તિ સમયે તો કચ્છમિત્રના આશરે ૩૦થી વધુ વર્ષના ૧૧,૫૦૦થી પણ વધુ અંકોમાં ફેલાયેલા ૩૦૦૦થી પણ વધુ લેખોમાંથી ૬૩૯ જેટલા લેખોને અલગ વર્ગીકરણ મુજબ તારવવા, અને પછી સંકલિત કરીને પુસ્તકના સ્વરૂપે મૂકવા, એ પણ કચ્છની બહુઆયામી તાસીરને એક બેઠકે સમજવાનું ભગીરથ કાર્ય છે તે વિષે તો કોઇ બે મત જ ન હોઇ શકે.

જેમ 'કચ્છમિત્ર' કચ્છના લોકોના લોહીમાં ભળી ગયું છે તેમ જ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી પણ કચ્છને સમજવામાં બહુ મહત્ત્વનું યોગદાન આપી તેમ શકે છે. તેમાં પણ કચ્છનાં સામાજિક, આર્થિક અને રાજકીય જીવનના છેલ્લાં ત્રીસ વર્ષના પ્રવાહોને એક જ છાપરા હેઠળ રજૂ કરતાં આ બે પુસ્તકોની ઉપયોગિતા સમગ્ર ગ્રંથ શ્રેણીના સંદર્ભે મહત્ત્વની બની રહે છે.

આ બંને પુસ્તકોમાં પણ અન્ય પુસ્તકોની જેમ સ્વાભાવિક જ રીતે, ૧૯૮૦થી માંડીને છેક ૨૦૧૩ સુધીનો સમય આવરી લેવાયો છે. એટલે પુસ્તકના લેખો અનેક પ્રશ્નોને સ્પર્શે તે પણ સ્વાભાવિક છે. તો આ જ કારણોસર આ બંને પુસ્તકો એ આ સમયખંડના પ્રકાશનોની તવારીખનું દસ્તાવેજીકરણ માત્ર નથી પણ, એક ચિંતક, હિતેચ્છુ અને તળથી જાણકાર તેવા તંત્રીની વિધેયાત્મક દૃષ્ટિએ ચકાસાયેલાં મંતવ્યો અને તારણોના માધ્યમથી કચ્છના આ સમયખંડનાં આર્થિક, સામાજિક અને રાજકીય પ્રજાજીવનનું પ્રતિબિંબ છે. તેથી આ પુસ્તકો વિષેની અપેક્ષા અન્ય પુસ્તકો કરતાં અલગ જ કક્ષાની બની રહે છે.આ પુસ્તકોનાં વાચકોને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય : કચ્છના સાંપ્રત પ્રવાહો સાથે ન સંકળાયેલ હોય એવાં વાચક; કચ્છના સાંપ્રત પ્રવાહોની સાથે સંકળાયેલા હોય તેવાં વાચક અને કચ્છના પ્રશ્નોનાં અભ્યાસુ વાચકો કે ખાસ જાણકારી ધરાવતાં વાચકો. દરેક શ્રેણીનાં વાચકોની આ પુસ્તકોની મૂલવણી પણ અલગ અલગ સ્તરની હશે.

કેટલાય પ્રશ્નો એવા હશે જે આ સમયમાં ક્યાં તો હલ થઇ ચૂક્યા હશે, ક્યાં તો શરૂઆતમાં જે સ્વરૂપે હશે તેમાંથી સમયની સાથે સાથે નવાં સ્વરૂપ પણ લેતા ગયા હશે કે હલ થઇ ગયા પછી ફરીથી એ જ અથવા નવા સ્વરૂપે ફરીથી પેદા થયા હશે એ જાણવાની ઉત્સુકતા થાય. કચ્છની સમસ્યાઓના જાણકાર માટે તો આ પુસ્તકો સંદર્ભ તરીકે પણ કામ આવી શકે તેમ છે પરંતુ કચ્છના સાંપ્રત પવાહો સાથે ન સંકળાયેલ હોય એવા વાચકને આ પુસ્તકોના વાચન પછી આવા પ્રશ્નોના જવાબ શોધવામાં મુશ્કેલી પડશે..

આ બંને પુસ્તકોના સંદર્ભમાં, દરેક પુસ્તકની શરૂઆતમાં પ્રવેશકની ભૂમિકાઓમાં મુકાયેલા લેખોની ભૂમિકા બહુ મહત્ત્વની બની રહે છે. જેમ કે કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિનો લેખ પુસ્તકના થીમના પરિચયની ભૂમિકા ભજવે અને 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરનો લેખ પુસ્તકના સમયખંડ દરમ્યાન વિષયના વિકાસની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે હાલ તે અંગે શું પરિસ્થિતિ છે તે રજૂ કરી શકે. આમ થવાથી કચ્છ સાથે સાવ જ અપરિચિત વાચક સમક્ષ પણ પુસ્તકના થીમના સંદર્ભમાં કચ્છનું પૂરેપુરું ચિત્ર ખડું થઇ જઇ શકે છે.

તે ઉપરાંત પુસ્તકમાં વર્ષવાર, વિષયવાર ઇન્ડેક્સિંગ પણ ઉમેરવામાં આવે તો જો કોઇ ચોક્કસ સમયખંડમાંના કોઇ ચોક્કસ વિષય વિષે ઊંડાણમાં જવા માગતું હોય, તેને માટે તો ખજાનાના અનેક દરવાજાઓમાંથી જોઇતા દરવાજાની ચાવી મળી જાય.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ
અને
કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

Monday, December 1, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન ૩૦૦૦થી પણ વધારે લેખો લખ્યા. તે સમયે તેમના લેખોમાં એક ખબરપત્રી કે તંત્રીની જ દૃષ્ટિ ઉપરાંત એક આગવા વ્યક્તિત્ત્વની ભાવના પણ ભળતી રહી. તેથી 'ક્ચ્છમિત્ર'ના કાર્યભારથી નિવૃત્ત થયા પછીથી એ લેખો પર નજર કરતાં તેમાં એ સમયની સ્થિતિ પરના મંતવ્ય કે તારણ ઉપરાંત એમાં સ્વાભાવિક રીતે જ કચ્છના એક સર્વગાહી ચિત્રની ઝલક ઊભરી રહી.

આ બધા લેખોમાંથી ચૂંટીને લગભગ ૬૩૯ લેખોને ૮+૧ પુસ્તકોની ‘કલમ કાંતે કચ્છ’ ગ્રંથશ્રેણીમાં સંપાદિત કરવાનું કામ કર્યું શ્રી માણેકલાલ પટેલે. આજે આપણે આ ગ્રંથશ્રેણીના ત્રીજા પુસ્તક -રણના રંગ બેરંગ -નો પરિચય કરીશું.

પુસ્તકના સંપાદકીય પ્રવેશક લેખમાં પુસ્તકના થીમ વિષે સંપાદકશ્રી કહે છે કે, "કચ્છનું રણ કુદરતનો બેમિસાલ કરિશ્મા છે. નમકનાં અજોડ મેદાનો અને એની કાંધી પર પાંગરેલી ભાતીગળ માલધારી સંસ્કૃતિ અત્યારે તો દેશી-વિદેશી પર્યટકો માટે આકર્ષણનુંકેન્દ્ર બની ચૂક્યાં છે. પણ કીર્તિભાઇએ છેક ૧૯૮૦ના દાયકાથી રણની વિષમતાઓ અને વિશિષ્ઠતાઓને લાગણીશીલ કવિની માફક પોતાના લેખોમાં વણી લીધી છે. રણની કોઇ પણ વાત પછી એ સલામતી સંદર્ભે સરહદને સ્પર્શતી હોય, જાસૂસીની હોય, સુરખાબની હોય, માલધારીઓની હોય કે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની હોય..પણ તેમણે વિસ્તૃત નિરૂપણ આ પુસ્તકમાં કર્યું છે."

પ્રસ્તુત પુસ્તકમાં સમગ્ર શ્રેણીની જેમ જ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ કીર્તિભાઇ વિષે લખેલા વિચારો રજૂ કરતો જે લેખ પસંદ કરાયો છે તે શ્રી રઘુવીર ચૌધરીનો "મૈત્રી એ જ કીર્તિ" છે. પહેલી નજરે તો લેખ કીર્તિભાઇનાં વ્યક્તિત્વના એક પાસાનું તાદશ્ય વર્ણન દેખાય, પણ થોડી નજદીકથી જોતાં પુસ્તકના વિષય - 'રણના રંગ બેરંગ'-ના પ્રવેશની ભૂમિકા પણ રચતી બે વાત નજરે ચડી આવે છે.

પહેલી વાત છે ચેરનાં વૃક્ષોની. (સામાન્યતઃ છીછરા દરિયા કિનારે ઊગતાં)કચ્છના રણમાં ચેરનાં વૃક્ષોએ ‘કોઇને નડવું નહીં’ની પોતાની લાક્ષણિકતા ઉજાગર કરી છે. બીજાં વૂક્ષોને જ્યાં વાંકું પડે ત્યાં ત્યાં આ ચેરને ફાવે. ભલેને ગમે તેટલા ક્ષાર હોય, ચેર એમાંથી વિટામીન મેળવી લે.

બીજી વાત છે કચ્છી ભરતકામની, જેમાં પણ કચ્છના રણના રંગ બેરંગની છબીઓ પ્રતિબિંબિત થયેલી તેમ માનવામાં આવે છે. આ સંદર્ભમાં રઘુવીર ચૌધરી વીનેશ અંતાણીના લેખમાંનું અવતરણ કંઠસ્થ કરવાનું કહે છે : “...જે આંખોથી ઓઝલ રહે છે તેનો આભાસ ભીતર જીવે છે...કચ્છી ભરતકામમાં લીલા રંગનો કળાત્મક ઉપયોગ કરવામાં આવે છે તેનું કારણ લીલપના અભાવમાંથી પ્રગટતી વિશિષ્ટ અભિવ્યક્તિ..” હોઇ શકે છે.

તે જ રીતે દરેક પુસ્તકમાં રજૂ કરાયેલ એવા કીર્તિભાઇનાં તંત્રીપદની નિવૃત્તિ સમયે લખાયેલ વિશેષ લેખ "ક્ચ્છની કેટલીક લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી"માં ખારાઇ ઊંટ, ભગાડ (ઇંડિયન વુલ્ફની એક ખાસ પ્રજાતિ), સુરખાબ વસાહતોથી માંડીને અન્ય સ્થળાંતરીય અને સ્થાનિક પક્ષીઓની પ્રખ્યાત પક્ષીવિદ્‍ ડૉ. સાલીમ અલીનાં પુસ્તક 'બર્ડ્સ ઑફ કચ્છ' દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાત થયેલી માહિતી કે કચ્છી તસ્વીરકાર એલ એમ પોમલે ઝડપેલ સિમાચિહ્‍ન રૂપ બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરોના ઉલ્લેખ પણ કચ્છના રણના રંગની બેરંગી વિષે ઉત્સુકતા જગાવવામાં પોતાનો સક્રિય ફાળો આપે છે.

"રણના રંગ બેરંગ'નાં ૨૪૦ પાનાંઓમાંના ૬૫ લેખો પૈકી ૧૧ લેખોમાં, ડૉ. જયંત ખત્રીના શબ્દોમાં "એવી વાંઝણી ધરતી કે એની છાતીમાંથી કોઇ દહાડો ધાવણ આવતું જ નહિ. ધૂળ વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા, ઝાંખરા, અને નિઃસીમ મેદાનો" તરેકે ઓળખાવાયેલા રણની પ્રાકૃતિક લાક્ષણિકતાઓની વિગતે વાત કરાઇ છે.

અપણે તેમાનાં કેટલાંક વર્ણનો દ્વારા રણના રંગ બેરંગની ઝાંખી કરીએ :

"ઝાંઝવાં નાચે ને તરા ચૂમે ધરતીને" (પ્રુ. ૩૫-૩૮)
'કચ્છનું રણ તો કુદરત સર્જિત એક બેનમૂન કલાકૃતિ છે... શિયાળાની ઠંડી સાંજ હોય, કે તપતા ઉનાળાના ખરા બપોર, અમાસને પૂનમ જ નહીં, અંધારા-અજવાળાના બે અંતિમ છેડા વચ્ચેના સાતમના અર્ધચંદ્રની અનોખી રાત, દિવસે લાલચોળ સૂર્યના તાપ નીચે તરફડતી ધરતી પર ઝાંઝવાનાં નૃત્ય, તો રાત્રે આકાશમાંથી ધરતી પર નીતરતાં ચંદ્ર-તારાના પ્રકાશની નજાકત..રણ જિંદગી છે અને મોત પણ..એ રૌદ્ર છે અને સૌમ્ય પણ...'રણના આવા સ્વરૂપની અનુભૂતિ કરાવતા ૧૯૭૩ના જૂન મહિનાના કચ્છના સીમા રક્ષક દળ સાથે પસાર કરેલા દિવસનું વર્ણન વાંચતાં, તેમણે જોયેલ દૃશ્યો આપણી સામે પણ તાદૃશ્ય બની રહે છે." આવી લાગણી સભર ઘટનાની સાથે સીમા સુરક્ષા દળ જેવાં થેંન્કલેસ કામ કરતાં સરકારી મહેકમોમાં કામ કરતા જવાનો અને અધિકારીઓની જિંદગી કેવી મુશ્કેલીઓથી ભરી હશે એ વિષેની કીર્તિભાઇની જાગરૂક ચિંતા તો પ્રજ્વલિત રહે જ છે.
"ઝાંઝવાં ડૂબ્યાં રણસાગરમાં" (પ્રુ.૪૮-૫૧)
'ચમત્કાર ભાગ્યે જ થાય છે, પણ થાય છે ચોક્કસ...મેઘરાજા મન મૂકીને મીઠી ધારે વરસે એ ઘટના કચ્છ માટે કુદરતનો બેમિશાલ કરિશ્મા છે.... ગામડાંઓમાં તળાવ છલકાતાંની સાથે જ ઢોલ-ત્રાંસા અને શરણાઇના સૂર સાથે નાચતાં-કૂદતાં લોકો માથે કચ્છી પાઘડી બાંધી તળાવને વધાવવા જાય એ ઘટના અમારા અમદાવાદ કે દિલ્હીના દોસ્તોને ગળે નથી ઊતરતી.....એક આખી પેઢીએ વરસાદ જ જોયો નહોતો. આકાશમાંથી પાણી વરસે એ એના માટે બાળવાર્તા જેવી વિસ્મયકારક ફેન્ટસી હતી..એને કચ્છમાં રહેનાર જ સમજી શકે....બારાતુઓ માટે સૌથી આશ્ચર્યની બીના પાણીના નાના એવા ખાબોચિયાની ધાર પર બેસીને કપડાં ધોતી, સ્નાન કરતી ..(હરિજન, રબારી, કોળી, મુસ્લિમ કે અન્ય જ્ઞાતિની )..સ્ત્રીઓની છે....ચોતરફ લીલવો છવાઇ ગયો છે..વાન ગોગ જો કચ્છમાં જન્મ્યો હોત, અને ત્રણ-ચાર દુકાળ પછી ફાટફાટ લીલોતરી જોઇ હોત તો કદાચ એણે પોતાના ચિત્રોમાં પીળાને બદલે લીલો રંગ વાપર્યો હોત... લોરિયાથી ભીરંડિયારા વચ્ચે અફાટ રણ .. - જ્યાં સત્ત્વહીન ધરતી પર ઝાંઝવાં નાંચતાં જોઇ નિઃસાસા નીકળી જતા.. હોય કે કે ખડીરની આસપાસ પથરાયેલું રણ હોય, આજે વરસાદી પાણીથી છલોછલ છે.. જે પ્રદેશની અસ્મિતા અને લોકસંસ્કૃતિ પાણીના અભાવના પરિબળની આસપાસ ઘૂમતી અને ઘડાતી રહી છે એ પાણીની છતથી છલોછલ છે.' જો કે કીર્તિભાઇની અનુભવી આંખ તો 'લીલાછમ વર્ષે દુકાળ નિવારણ માટે એક પ્રજા તરીકે કટિબદ્ધ(તા)ની લીલોતરીની તલાશ કરવાનું પણ ચૂકતી નથી.
કચ્છનાં રણની સાથે કચ્છનાં સોહામણા પક્ષી સુરખાબ અને અજોડ (ક્ચ્છી જંગલી ગધેડો) ઘુડખર એકસાથે જોવા મળે તે... "કુદરતનો કરિશ્મા સર્જે છે કલ્પનાતીત દૃશ્યો" (પૃ,૧`૫૨-૧૫૩)... સૂર્યના ઉદય અને અસ્ત સમયે સર્જાય છે.

'હંજ વસાહત ઉજાણી માટે નથી' (પૃ. ૧૫૪-૧૫૮)માં રણમાં પક્ષીઓની ગતિવિધિઓનાં બયાનની સાથે સાથે માનવ જીવન વિકાસની આધુનિક શૈલી કુદરતની વ્યવસ્થાને વેરવિખેર કરવામાં કેવી કેવી રીતે ફાળો આપી દે છે તેની ચેતવણીનો સૂર પણ છે.'

"સુરખાબ યાયાવર નથી, એ તો છે કચ્છી ભારતવાસી' (પૃ. ૧૫૮-૧૬૩)માં ૨૦૦૩થી ૨૦૧૧ સુધી સારાં ચોમાસાં ગયાં, તેનાં પરિણામરૂપ સુરખાબ, પેણ, કુંજ, ઢોંક, સીગલ જેવાં સાતથી સાડા સાત લાખ પક્ષીઓના મહાકુંભમેળાની વાત કરતાં કરતાં, કચ્છનાં રણ અને એની અનન્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અંગે વધુ સંશોઘનની જરૂરિયાત પર પણ ભાર મુકાયો છે.

આ લેખોમાં કચ્છના રણના નૈસર્ગિક કરિશ્મા અને રહસ્યોની વાત ભાવિ પેઢીને કુદરતની અકળ કરામતોને કેમ માણવી અને જાળવવી તેની શીખ આપવાનું કામ પણ કરે છે. પણ આજના ટેક્નોલોજીના ઉપયોગમાં બહુ જ આગળ નીકળી ચૂકેલ ભાવિ યંત્રયુગની પેઢીને કુદરત સાથે તાલમેલ કેમ (અને શા માટે ) જાળવવો જોઇએ તેની કોઇ જ જાતના બોધ આપ્યાના ભાર સિવાયની વાત "કચ્છી-ખારાઈ ઊંટ કૂડ ખાય ને સચ કમાય !"(પ્રુ. ૨૨૬-૨૩૦)અને "ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ" (પૃ.૨૩૧)માં કરવામાં આવી છે.”એવું નથી કે ..કચ્છની વિશેષતાઓથી આપણે અજાણ હતાં,પણ વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરાયા પછી તે વિશેષતાઓ કચ્છની અજોડ દેનના રૂપમાં ઉપસી આવી છે. દા.ત. બન્નીની કુંઢી ભેંસ, એ તદ્દન અલગ પ્રકારની ઓલાદ છે. તેવું જ..કચ્છના પાટણવાડી ઘેટાની નસલનું પણ છે.આ જ પ્રકારનાં સંશોધનો વડે જ ખ્યાલ આવ્યો કે લખપતથી ભચાઉ સુધીની દરિયાઇ પટ્ટી, ખાસ તો ચેર (મેન્ગ્રોવ્ઝ)ના જંગલોવાળા વિસ્તારમાં દરિયાઇ ખારી વનસ્પતિ ચરીને ઉછરતા હોય એવા એકમાત્ર ઊંટ 'ખારાઈ ઉંટ' છે. પેટ્રોલ સંચાલિત વાહનોના આજના યુગમાં પણ રણ જેવા કઠિન વિસ્તારોમાં હેરફેર અને ભારવહન માટે ઊંટ જેવું સસ્તું અને ઉપયોગી બીજું કોઈ સાધન નથી...આપણે છારી ઢંઢ કે એવા જળાશય પર ઊંટના ધણને લઇ જતા રબારી કે જતને જોતાં જ કેમેરો ઉઠાવીને ફટાફટ સ્નેપ ઝડપી તેમની જીવનશૈલી પર ભલે આફરીન પોકારી જતા હોઇએ, પણ વાસ્તવિકતા એનાથી ઉલટી, ક્રૂર અને ભયંકર છે. એમની રઝળપાટ પાછળ મજબૂરી, ગરીબી અને આર્થિક શોષણખોરીની કરૂણ કહાણી છે.......ભારતીય આયુર્વેદ પરંપરામાં કમળો, ક્ષય, દમ, લોહીની બીમારી અને ખાસ તો મધુપ્રમેહના ઇલાજ માટે ઊંટડીનું દૂધ લેવાની સલાહ અપાય છે...રાજસ્થાનના બિકાનેર સ્થિત સંશોધન કેન્દ્રે ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ બનાવવાનું શરૂ કરેલ છે. ઉપરાંત ચીઝ અને આઇસક્રીમના પણ સફળ પ્રયોગો થયા છે..એના વાળ(ઉન)માંથી ગરમ કાપડ બનાવવામાં રેમન્ડ જેવી બ્રાન્ડ પ્રયોગો કરી રહી છે.......ગજબની દિશાસૂઝ ધરાવતું ઊંટ વરસો પછીયે પોતાના મૂળ સ્થાને પહોંચી શકે છે.બન્નીના સાડાઇ ગામમાંથી ચોરાયેલો ઊંટ પાકિસ્તાન મોકલી દેવાયો હતો. પાંચ વર્ષે એ ઊંટ ત્યાંથી નાસી આવીને મૂળ માલિકના ઝૂંપડે પહોંચી આવ્યો હતો’....એટલે દાણચોરી જેવાં કામોનાંunmanned missionsમાં ઊંટો બહુ મહત્ત્વનું હથિયાર બની રહે છે.

ચેરિયાં દરિયાને બદલે રણમાં ઊભાં અને એમાં બેઠા પોપટ" (પૃ. ૧૭૫)
‘ધ્રંગના વિખ્યાત મેકણ દાદાના અખાડાની ઉત્તરે અફાટ રણ ડોકાય છે. પણ, આશ્ચર્યની વચ્ચે ત્યાં શ્રવણ કાવડિયાના ધર્મસ્થાન નજીક સમુદ્રી વનસ્પતિ એવાં ચેરિયાનાં કમસેકમ ચારેક ડઝન વૃક્ષ કાળની થપાટો સહન કર્યા છતાં અડીખમ ઊભાં છે....દરિયામાં હોય એના કરતાં અહીંનાં ચેરિયાં ખાસા એવાં ઊંચાં છે, અને સૌથી મોટું આશ્ચર્ય તો એ સર્જાયું છે કે એની હરિયાળીથી આકર્ષાઇને પોપટ જેવાં પક્ષી તેમાં આશ્રય મેળવે છે.’
પૃ.૧૬૩થી ૧૭૨ પરના દીપોત્સવી ૧૯૯૦ના લેખ "મોટા રણમાં ઘૂસતાં દરિયાનાં પાણી કચ્છના બે ટુકડા કરી નાખશે ?"માં રણની ઉત્પત્તિ અને તેની પરિવર્તનશીલ પરિસ્થિતિ વિષેના ભૂતકાળમાં થયેલા અભ્યાસોના હેવાલ, તેમ જ રાજય સરકારે નીમેલા ક્ષાર નિયંત્રણ સમિતિના હેવાલની ખૂબ જ ઝીણવટભરી, વિશ્લેષણાત્મક ચર્ચા આવરી લેવાઇ છે. કીર્તિભાઇ પોતાની લાક્ષણિક શૈલીમાં માહિતી સાથેની વિગતો સમજાવવાની સાથે સાથે જણાવે છે કે “કચ્છના મોટા રણમાં કોરી ક્રીક મારફત ઘૂસતાં અરબી સમુદ્રની ભરતીનાં પાણી પવન પર સવાર થઇને ઇન્ડીયા બ્રિજ સહિતના વિસ્તારમાં એક અજોડ નમક સરોવરનાં સ્વરૂપમાં” ફેરવાઇ ગયાં છે. આપણે નજરે જોતાં હોવા છતાં તેની દૂરગામી અસરોનો આપણને ખ્યાલ નથી આવતો એવા, કુદરતના જ પ્રમાણમાં મંદ ગતિએ થતા, કરિશ્માને માનવ પ્રવૃત્તિઓ જાણ્યે અજાણ્યે એવી પરિસ્થિતિમાં ફેરવી નાખી શકે છે, જેનાં પરિણામો બહુ જ જોખમી, અને સમજ પડે ત્યારે લગભગ હાથ બહારનાં, બની જઇ શકે છે.

કચ્છનું રણ પણ કચ્છના દરિયાની જેમ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમાના સંદર્ભે પણ અવનવા અને અનોખા પડકારો કરતું રહે તે સ્વાભાવિક છે. દાણચોરી, જાસૂસી અને સરહદની સલામતીની સતત માથાના દુઃખાવા સમી સમસ્યાઓ અને તેની સાથે કપરા સંજોગો અને (મોટે ભાગે)ટાંચાં સાધનોથી બાથ ભીડતાં રહેતાં સીમા સુરક્ષા દળની ગતિવિધિઓ, સીમા સુરક્ષા દળનાં જ સારાં નરસાં પાસાંઓનાં બહુ જ નજીકથી કરાયેલ વિશ્લેષણ અને તેમાંથી ફલિત થતાં મંતવ્યો અને તારણો પુસ્તકના ૬૫માંથી અન્ય ૫૪ જેટલા લેખોની સામગ્રી બની રહે છે. આપણે આ જ વિષયોની અલગ માવજતવાળા બે લેખોનો પરિચય કરીશું.

આ લેખો ૨૦૦૪માં લેખકે "સીમાના સંત્રીઓ સાથે રાજસ્થાનના રણમાં રઝળપાટ' કરતાં ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના ઇતિહાસને યાદ કર્યો છે.

"મુનાબાવઃ ભારત-પાક સંબંધોના ચડાવ-ઉતારનું પ્રતીક" (પૃ. ૧૭૭-૧૮૧)માં વર્ણવાયેલું મુનાબાવ એટલે 'રાજસ્થાનના બાડમેરથી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખોખરાપાર ગામ વચ્ચે દોડતી ઉતારુ ટ્રેનની લાઇનનું ભારતનું છેલ્લું ગામ...ત્રણેક દાયકા પહેલાં એ દિવસભર પ્રવૃત્તિઓથી ધમધમતું રહેતું. બાડમેરથી ઘી નીતરતી મિઠાઇઓ અને ચમચમ કરતી મોજડીઓ ખરીદીને લોકો પાકિસ્તાન લઇ જતા તો ત્યાંથી પાછા ફરતી વખતે વનસ્પતિ રંગોની અજરખ તેમજ અન્ય વસ્તુઓ લઇને પાછા ફરતા.... ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના સાપ ગયા અને લિસોટા રહ્યા જેવા રેલ્વે લાઇનના પાટા મૃતપ્રાય બની રહ્યા છે'..અહીંથી થતી અવરજવર લેખકને તેમનાં વતનના શહેર માંડવીની 'સ્‍હેજે' યાદ અપાવી જાય છે..૧૯૬૫ સુધી ત્યાં પણ મુંબઇથી કરાંચી વાયા માંડવીની સ્ટીમર સેવા ચાલતી હતી...પણ બે યુદ્ધની કમનસીબ ઘટનાઓએ આ વ્યવહારોની કડીઓને છૂટી કરી નાખીને બંને દેશના લોકો વચ્ચે જેટલું ભૈતિક અંતર વધારી નાખ્યું, તેનાથી ઘણું વધારે અંતર રાજકીય ભાવનાની દષ્ટિએ કરી નાખ્યું છે.

એ જ 'રઝળપાટ'માંના ઉત્તરાર્ધ સમા લેખ "સીમાદળને સહકાર આપવામાં ગુજરાત પડોશી રાજ્ય કરતાં ઘણું આગળ છે" (પ્રુ. ૧૮૨-૧૮૩)માં લેખક નોંધે છે કે ‘સીમા દળના એકમ માટે જોઇતી જમીન ફાળવવાની બાબત હોય કે પાણી અને વીજળીની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રશ્ન હોય, કે સીમા ચોકીઓ પર ટેલીવીઝન અને ડિશ જેવી સગવડો હોય, ગુજરાત સરકારે હરહંમેશ ઝડપથી પ્રતિભાવ આપ્યો છે’. તો બીજી બાજુ જેસલમેરના ઊંડાણવાળા વિસ્તારોની સીમા પર ઇન્દિરા કેનાલનું 'પાણી ખળખળાટ વહેતું હતું'. ત્યાંના લોકોનું સપનું 'સાકાર થઇ ગયું હતું, જ્યારે કચ્છમાં...નર્મદાનું પાણી હજુયે (૨૦૦૪ની આ વાત છે) મૃગજળ છે.'

રણ સરહદ હોય કે દરિયાની ક્રીક સરહદ હોય, કીર્તિભાઇએ તેમને પોતાના પગથી ખૂંદી છે, અને ત્યાંની પરિસ્થિતિનો અને તેની સાથે સંકળાયેલાં અનેકવિધ પાસાંઓનો તલસ્પર્શી ચિતાર રજૂ કર્યો છે. ‘'અલબત્ત..(અહીં રજૂ થયેલા ) લેખો જે તે સમયે લખેલા હોવાને કારણે (ક્યાંક) વિગતવાર” નથી એ મર્યાદા સંપાદકીય પ્રસ્તાવનામાં સ્વીકરાઇ છે. આશા રાખીએ કે હવે પછીની આવૃત્તિઓમાં આ ઉણપને નિર્મૂળ કરીને આ દરેક પુસ્તકને તેનાં યથોચિત મૂલ્યની કક્ષાએ પહોંચાડવામાં આવે.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

  • વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખ ¬ ૧૩-૧૧-૨૦૧૪

Monday, November 17, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ

કચ્છમાં થતી કુદરતી ઘટનાઓ, તેને લગતી ભૌગોલિક અને રાજકીય તેમ જ સામાજિક સમસ્યાઓ અને તેના શક્ય ઉકેલો ને 'કલમ કાંતે ક્ચ્છ' પુસ્તક શ્રેણીમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન લખાયેલા અગ્રલેખોમાં એક આગવું સ્થાન મળ્યું હોય તે સ્વાભાવિક છે - એમના એ કાર્યકાળમાં આવી ઘટનાઓ થવાનું પણ ઘણું બન્યું, જે ઘટનાઓ થઇ તે હતી પણ મહાકાય કક્ષાની, એટલે એ બંને દૃષ્ટિએ કીર્તિભાઇ જેવા જાગૃત અને વિચારશીલ ખબરપત્રીની બળૂકી કલમ એ સમયની પરિસ્થિતિને અને તેનાં અનેકવિધ પાસાંઓને પૂરેપૂરો ન્યાય કરી શકે તે રીતે ઝીલી લેવાના પડકારને સફળતાથી સિદ્ધ કરે તે પણ કદાચ એટલું જ સ્વાભાવિક કહી શકાય.આ પ્રકારના ઘણા લેખોને સ્વતંત્ર પુસ્તકના વસ્તુ તરીકે સંપાદિત કરવામાં શ્રી માણેકભાઇ પટેલે સારો એવો પરિશ્રમ ઉઠાવ્યો છે.

'કલમ કાંતે કચ્છ' શ્રેણીનું છઠું પુસ્તક છે "ધરતીતાંડવ". સંપાદક તેમના પ્રવેશક લેખમાં નોંધે છે કે,”૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું, તોયે કચ્છી માડુએ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઇને નવસર્જનનો એક અજોડ ઇતિહાસ સર્જ્યો એ સૌ કોઇ જાણે છે. પણ, કુદરતના અભિશાપને તકમાં પલટાવીને આશીર્વાદ સુધી લઇ જવાની આ પ્રક્રિયાના સાક્ષી બનીને કીર્તિભાઇ સતત લખતા રહ્યા હતા. જુદા જુદા જુદા તબક્કે લખાયેલા લેખો પૈકી પસંદ કરાયેલા લેખ આ પુસ્તકમાં સમાવી લેવાયા છે તે ખરા અર્થમાં તો પુનર્વસનના દસ્તાવેજીકરણ સમાન છે.”

દરેક પુસ્તકમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ અલગ અલગ વ્યક્તિઓના કીર્તિભાઇનાં વ્યાવસાયિક અને વ્યક્તિગત, વિવિધ પાસાંઓનું ચિત્રણ કરતા લેખોમાંથી ચૂંટેલા લેખને પ્રવેશક લેખ તરીકે લેવાયેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં આ પ્રકારનો પ્રવેશક લેખ પણ બહુ જ યથાર્થ પૂર્વભૂમિકા રચી આપે છે. "ભૂકંપ પછીના નવસર્જનની પ્રક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા"માં (પૃ.૧૯-૨૧)લેખક અને સમાજ ચિંતક શ્રી નલિન ઉપાધ્યાય હૃદયપૂર્વક એવું માને છે કે '૨૦૦૧ના કારમા ભૂકંપ બાદ કચ્છનું એ સદનસીબ જ રહ્યું કે ...નવસર્જનના બાર બાર વર્ષ સુધી કીર્તિભાઇ 'કચ્છમિત્ર'ના તંત્રી પદે રહ્યા.. કીર્તિભાઇની સમજુ અને પારખી દૃષ્ટિએ કચ્છના ધરતીકંપ બાદના નવસર્જનમાં લોકસહકારની ભૂમિકાની સંસ્કૃતિના સ્પિરીટને સમગ્ર વિશ્વની સામે રજૂ કરી મૂક્યું (છે)...કચ્છના નવસર્જનનો એક પણ મુખ્ય કે ગૌણ પ્રશ્ન એવો નથી જેની 'ક્ચ્છમિત્ર'એ નોંધ ન લીધી હોય'.

તે જ રીતે કીર્તિભાઇના 'ક્ચ્છમિત્ર'ના સહકાર્યકરના પ્રવેશક લેખ "સંવેદનશીલતાનો પર્યાય" (પૃ. ૨૨-૨૫)માં જો. ન્યૂઝ એડિટર નવીન જોશી ભલે 'ધરતીકંપના સમયની અને પછીની કીર્તિભાઇની સક્રિયતા અને સંવેદનશીલતા'ને સ્પર્શતાં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓની વાત કરે છે, પણ એ વર્ણનો પણ આપણને પ્રસ્તુત પુસ્તકમાંના વિષયના સંદર્ભે લાગણી અને સંવેદનાને રંગે રંગાયેલી,કયા કયા પ્રકાર અને સ્તરની માહિતી જાણવા મળશે તેનું રેખાચિત્ર ખેંચી આપવામાં મદદરૂપ બની રહે છે.

કુલ ૨૧૨ પાનાંમાં ૬૭ લેખો વડે સમગ્ર પુસ્તકમાં ધરતીકંપની તાત્કાલિક અસરો, રાહત કામ ને પુનવર્સનની પ્રત્યક્ષ સમસ્યાઓની સાથે સાથે કેટલીય પરોક્ષ બાબતોને સાંકળી લેવાઇ છે. તેને કારણે પુસ્તક એક મસમોટા ધરતીકંપ વિષે માત્ર દસ્તાવેજી તવારીખ બની રહેવાને બદલે, ભવિષ્યમાં ક્યાંય પણ આ સ્તરની કુદરતી આપત્તિ આવી પડે તે પહેલાં સભાનતા અંગે શું કરવું (અને શું ન કરવું)થી લઇને, ટુંકા ગાળાનાં રાહતનાં અને લાંબા ગાળાના પુનર્વસનના કાર્યક્રમમાં કેવી કેવી બાબતોને પણ ધ્યાન રાખવી જોઇએ તેની માર્ગદર્શિકા તરીકે પણ એક મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ બની રહે તેમ છે.

પુસ્તકની શરૂઆતમાં જ ધરતીકંપની શક્યતાઓની આગોતરી જાણ અને તૈયારી વિષેના૨૭-૯-૧૯૯૬ના લેખ 'ધરતીકંપ સામે સાવધાની' (પૃ. ૩૭/૩૮)થી પહેલી એક વાત તો એ ફલિત થાય છે કે કચ્છ જેવા કુદરતી આપત્તિની સંભાવનાની પ્રબળ શકયતાઓ ધરાવતા પ્રદેશોમાં પણ તકનીકી સ્તરે આગોતરા અભ્યાસ હાથ ધરાતા તો હોય છે જ. પણ, આવી ઘટનાઓ ખરેખર જ્યારે થાય છે ત્યારે તેને માટે કોઇ જ પ્રકારની તૈયારી નથી હોતી. આ સંદર્ભમાં અગાઉ ઉલ્લેખ કરેલા શ્રી નવીન જોશીના પ્રવેશક લેખમાં સખેદ નોંધ લેવાઇ છે કે તે સમયે સાવધાની માટેના જે ઉપાયો ચર્ચાયા હતા તેનો અમલ ન થવાની અસરરૂપે ભુજમાં ૧૯૯૬થી ૨૦૦૧ના સમયમાં '૧૦૦થી ૧૨૫ એપાર્ટમેન્ટ ઊભા થઇ ગયાં જે પૈકી ૧૦૦ મકાનો ૨૦૦૧ના ધરતીકંપમાં ધરાશાયી થયાં હતાં.'

તે જ રીતે ધરતીકંપના પાંચેક મહિના જ પહેલાં લખાયેલા લેખ 'સાવધાન, ધરતી ધ્રૂજે છે' (પૃ. ૩૯/૪૦)માં પણ 'ધરતીકંપની શક્યતાઓનો નિર્દેશ થઇ શકે પણ ચોક્કસ આગાહી થઇ શકતી નથી...પણ..તે વખતે ઓછામાં ઓછું નુકસાન થાય એવી વ્યવસ્થા વિચારી શકાય...'એ સૂર ઉભરી રહે છે.
[પરિચયકર્તાનીનોંધઃ તાજેતરમાં કાશ્મીરમાં પણ આવેલાં પૂર વખતે કુદરતના ખોફની સાથે માનવ સર્જિત (ટૂંકા ગાળાના) પગલાંઓએ તબાહીમાં વધારે ફાળો આપ્યો એવું મનાય છે. તે જ રીતે વિશાખાપટ્ટ્નમ પર હુદ હુદ ત્રાટક્યું તેની બહુ જ ચોક્કસ જાણ થવાને કારણે માનવ જાનહાનિ મહદ્‍ અંશે નિવારી શકાઇ, જો કે માલ મિલ્કતને થયેલી નુકસાનીને રોકવા માટે તો બહુ જ લાંબા ગાળાની દૃષ્ટિએ લેવાયેલાં પગલાં જ કારગત નીવડી શકે છે.]
૫-૨-૨૦૦૧ના "કાશ, ભૂસ્તરશાસ્ત્રીઓની ચેતવણી સરકારે સાંભળી હોત" (પ્રુ. ૪૪-૪૬)માં પણ “જે કોઈ ચેતવણીઓ અપાઇ તેની ધોરીધરાર અવગણના”નો સૂર ગાજે છે.

સમગ્ર પુસ્તક વાંચતાં એવું પણ જોઇ શકાય છે કે આવી અવગણનામાં જો સરકારી તંત્ર ઊણું પડતું જણાય છે, તો પ્રજામાનસ પણ કાચું પડતું જણાય છે.

પુસ્તકમાંના મોટા ભાગના લેખો ધરતીકંપ બાદની સીધી અસરો અને તેની રાહતનાં કામો પર પડતી પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો‍નો અભ્યાસને લગતા હોય તે સ્વાભાવિક છે. તેને કારણે આવડી મોટી કુદરતી ઘટનાની અસરોનાં વમળ ક્યાં ક્યાં સુધી પહોંચી શકે તે સમજવામાં ઘણી મદદ મળી રહે છે.ધરતીકંપ પછીના ૨૦૦૧ના વર્ષના ૧૮ લેખો આ પ્રકારના કહી શકાય.

૧૬-૨-૨૦૦૧ના લેખ "સીમા નજીકનાં એ ગામડાં 'માં (પૃ.૫૧) ધરતીકંપની અસરો અને રાહત કામો માટે કરીને “જ્યારે ..સમગ્ર પોલીસતંત્ર ઉપરાંત સીમા સુરક્ષા દળ અને લશ્કરી જવાનો બચાવ અને રાહતની કામગીરીમાં પરોવાયેલા છે..(ત્યારે) અલબત્ત ..સરહદ પર ચાંપતો બંદોબસ્ત છે.. (તેમ છતાં) કચ્છના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વિદેશી પણ મુક્ત રીતે હરીફરી શકે છે તે બાબતમાં સજાગ થવાની જરૂરિયાત.. છે” જેવી બહુ જ ચોક્કસ મુદ્દાની ચિંતા વ્યક્ત થઇ છે.

૨૧-૨-૨૦૦૧ના લેખ "નબળાં બાંધકામની તપાસમાં દાનત સાફ છે ખરી' શીર્ષકમાં જ નબળા બાંધકામના પ્રશ્ને રાહત અને પુનઃવસનનાં કામ રહેલાં 'દાનત'ને લગતાં સંભવિત ભયસ્થાનો વિષે બહુ પહેલેથી જ ચેતવણી અપાઇ છે.

૧૪-૩-૨૦૦૧ના લેખ "હિજરત રોકવામાં જ રાષ્ટ્રીય હિત છે"માં "ધરતીના લગાવથીયે કારમી એવી વેદના..(ને કારણે)..જ ભૂકંપનો મોકો ઝડપી લઇ ચોક્કસ જ્ઞાતિની સામૂહિક હિજરતને.. 'માત્ર સામાજિક ધરતીકંપ'ની નજરથી ન જોવાની અગમચેતી વર્તવાની ચાંપ કરાઇ છે. એ બાબતની ચર્ચામાં “આ દેખીતાં વલણમાં પાકિસ્તાનનો હાથ હોવાની અપવાદ રૂપ કારણ પણ નઝરઅંદાજ ન કરવાની” સાવચેતી વર્તવા માટે પણ ધ્યાન દોરાયું છે. તો વળી “સરહદી સલામતીની સાથે સામાજિક અને આર્થિક સલામતીનું વાતાવરણ સર્જીને આ હિજરત અટકાવવા”નો તકાજો પણ છે.

૨૩-૪-૨૦૦૧ના લેખ "ભૂકંપપીડિત પ્રજાને તો કોઈ કાંઈ પૂછતું જ નથી"માં જે બોલકી નથી એવી ૯૦% પ્રજાની મનોદશાનો ચિતાર રજૂ કરવાની સાથે સ્થાનિક તંત્રને રાહત કાર્ય માટે જરૂરી સત્તા નથી, નિર્ણયો લેવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ ન થવાથી નિર્ણય લેવામાં લેવાયેલા નિર્ણયોને યોગ્ય કક્ષાએ સમયસર જાણ કરવા સુદ્ધાંમાં થતા વિલંબ જેવાં પાસાંઓની પણ સવેળા જ ચર્ચા કરાઇ છે.

૩-૬-૨૦૦૧ના લેખ "ક્ચ્છ ઝંખે છે કેન્દ્રની ખાસ માવજત"માંતે સમયના વડાપ્રધાનની ક્ચ્છની મુલાકાતના સદર્ભમાં ક્ચ્છને થતા (રહેલા)'અન્યાય અને અવગણના'ને (પણ) વાચા આપવાની તક ચુકાઇ નથી.

૨૩-૬-૨૦૦૧ના લેખ 'કચ્છીયતની અગ્નિપરીક્ષા"માં (પૃ.૭૨-૭૪)દેશ-વિદેશની સહાયને સરકારના...આર્થિક પેકેજોની ભરમાર વચ્ચે 'કચ્છીયત અટવાઈ પડી' હોવાના સચિંત સૂરમાં રાહત કામગીરીમાં અનુચિત માનસિકતા અને વ્યવહારો દાખલ ન થઇ જાય એવી દહેશત પણ વ્યક્ત કરાઇ છે.

તે પછી, ધરતીકંપ પછીની પહેલી દિવાળીના ટાંકણે "સૌના નકાબ ભૂતાંડવે ચીરી નાખ્યા છે"માં (પૃ.૭૫-૮૦)'ભૂકંપ બાદ નવ માસ દરમ્યાનની વિવિધ કામગીરીમાં બહાર આવેલી ક્ષતિઓ' છતાં 'આટલો ગાળો સ્પષ્ટ તારણ કાઢવા માટે અપૂરતો જણાય છે'નો સમસ્યાઓ વચ્ચેથી પણ ટકી રહેલો આશાવાદ પ્રગટ થતો રહે છે. 'પ્રજાની વર્તણૂંક અને તેનો મિજાજ', 'સરકારની નવસર્જનની પ્રક્રિયા વેગવાન બનાવવાની નેમ', 'રાજકીય પક્ષોનીકામગીરી', ‘સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા’ જેવાં અનેકવિધ પાસાંઓના લેખાંજોખાં પણ સ્પષ્ટવિગતે ચર્ચાની એરણે ચડાવાયાં છે. તે સાથે અમલીકરણની કામગીરી વડે આ 'અભિશાપને આશીર્વાદમાં પલટાવી નાખવા માટે પારદર્શિતાની તેમજ ગેરરીતિમુક્ત રહેવાની' આગ્રહપૂર્વકની અપીલ પણ કરવાનો મોકો પણ ઝડપી લેવાયો છે.

૨૬-૭-૨૦૦૧ના લેખ "-તો આવતીકાલ આપણી છે" માં (પૃ.૯૪-૯૭) 'કુદરતી આપત્તિએ આપણી આજ કષ્ટમય અને અનિશ્ચિત ભલે બનાવી દીધી છે પણ આપણે સૌ..આત્મનિરીક્ષણ કરીશું તો આપણી આવતી કાલ ઉજળી હશે" જેવા આશાવાદમાં ધરતીકંપ પછીના છ મહિના પછીની પરિસ્થિતિનાં સકારાત્મક અને નકારાત્મક પાસાંઓની ચર્ચામાં પણ બધાં જ પક્ષકારો માટે સાવચેતીનો સૂર તો રહે જ છે.

અહીંથી હવે પ્રશ્નનાં સમગ્ર પાસાંઓને લગતા નીતિવિષયક નિર્ણયો અને તેના અમલ બાબતે વાર્ષીક સમીક્ષા કરતા લેખો ૨૬-૧-૨૦૦૨થી લઇને ૨૦૧૧નાં વર્ષના સમયખંડને આવરી લે છે. આ લેખોમાં પણ દરેક બાબતને લગતી સીધી સીધી ચર્ચાની સાથે નિર્ણયો અને / અથવા અમલનાં પગલાંની અનપેક્ષિત, પરોક્ષ અને વણકહેવાયેલી અસરોને પણ તેટલી જ વિધેયાત્મકતાથી આવરી લેવાઇ છે.

આમ કુલ ૬૭ લેખોમાંથી ૨૪ લેખો ધરતીકપ અને ધરતીકંપની બહુવિધ અસરોની નોંધ લેવાની સાથે દરેક મુદ્દાઓની છણાવટ પણ કરે છે.

તે પછીના વર્ષ ૨૦૦૨ના સમયને આવરી લેતા ૧૪ લેખો પણ વિષયોના વ્યાપને વધારતા રહેવાની સાથે આ પ્રકારની ઘટનાની, રાહતની અને નવસર્જનની પ્રક્રિયા પર પડતી, સીધી અને આડી અસરોની ઊંડાણથી રજૂઆત કરે છે.

"ટાઉન પ્લાનિંગમાં ફળિયા સંસ્કૃતિ જીવંત રાખવા અનેરી પહેલ" (પૃ.૧૨૪-૧૨૭)' 'ભુજઃનવસર્જનના વિરોધાભાસ' (પૃ.૧૨૮-૧૨૯)જેવા લેખોમાં નવેસરથી હાથ ધરાયેલ ટાઉન પ્લાનિંગની કવાયતમાં નડતી અનેકવિધ પ્રકારની અડચણોની ચર્ચા વડે આ પ્રકારના પ્રશ્નોની જટિલતાના વિવિધ આયામોનો પરિચય થાય છે.

ધરતીકંપ જેવી કુદરતી આપત્તિને લગતા અખબારોના તંત્રી લેખોમાં નુકસનનાં વિવરણ કે તે સમયે ચાલી રહેલી ગતિવિધિઓના અહેવાલોની સમીક્ષાનું વિવરણ વધારે હોય તે સ્વાભાવિક છે. તે પ્રાથમિક ફરજ પૂરી કરવાની સાથે સાથે ધરતીકંપ જેવી બહુ જ અસામાન્ય ઘટનાનાં દેખીતાં ન કહી શકાય તેવાં સીધાં કે આડકતરાં કંપનોનો કેલીડૉસ્કોપિક ચિતાર પણ બહુ જ નજદીકથી કરવાની સાથે વિધેયાત્મકતાનું અંતર જાળવવામાં પ્રસ્તુત પુસ્તક સફળ રહે છે.

પુસ્તક વાંચતાં વાંચતાં વાચકને થતા આ અનુભવની સાહેદી છેલ્લા ત્રણ લેખ પુરાવે છે, તે સાથે ધરતીંપની અસરોનું, પુસ્તકમાં આવરી લેવાયેલા સમયખંડના સંદર્ભમાં છેલ્લું ચિત્ર પણ દોરી આપે છે.

૭-૧-૨૦૧૦ના લેખ "ભૂકંપ કૌભાંડો...સજા ક્યારે?" (પૃ.૧૯૫/૧૯૬) :
ફરી એક વાર ભૂકંપને પગલે, કેશ ડૉલ્સ, વેપારી સહિતના પેકેજો, કાટમાળ ખસેડવાની કામગીરી હોય કે ટીપી કે કપાતને લગતી રાહત પ્રવૃત્તિ અને નવસર્જનની પ્રક્રિયામાં છડેચોક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ વિષે ઇન્કાર થઇ શકે તેમ નથી. પ્રજા, કર્મચારી, અધિકારી, કોઇ પણ સંસ્થા કે કોઇ અગ્રણી એમ સૌ લાભાર્થી સામેલ હોય એવો સામૂહિક ભ્રષ્ટાચાર થતાં કચ્છના ખમીરને, એની અસ્મિતાને અને સંસ્કારિતાને બટ્ટો લાગ્યો હોવાનો અહેસાસ પણ કચ્છપ્રેમીઓને થયો છે ..અને છેલ્લે, ભૂકંપને નવ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે અને ડરામણા (કૌભાંડી) આફ્ટરશૉક કચ્છને ધ્રુજાવી રહ્યા છે..ત્યારે.. એકનિષ્ઠા સાથે પુર્ણાહુતિનાં કામો થાય તો અનેક પરિવારો સુખચેનનો શ્વાસ લે !'
૨૬-૧-૨૦૧૦નો લેખ "મુદ્દો નવસર્જનના સંદર્ભે ચાણક્યનો" (પૃ.૧૯૭/૧૯૮) :
'ક્ચ્છના વિનાશક ભૂકંપની નવમી વરસીએ ચાણક્યને યાદ કર્યા છે કારણ કે કુદરતી આપત્તિના સમયે શું કરવું તે તેમના ગ્રંથમાં સ્પષ્ટપણે લખાયું છે...પહેલી વાત પ્રજાની ખુમારી અને મોરલની કરી છે.. આપત્તિ વેળાએ પ્રજાનું ખમીર અગ્નિપરીક્ષામાંથી સાંગોપાંગ પસાર થયું છે એ નોંધનીય છે....ગુજરાત સરકાર અને પ્રજાએ સાથે મળીને લોકભાગીદારીથી..નવસર્જન કર્યું છે...છતાં અફસોસ કે બાકી રહી ગયેલા ૧૦% કામોની ગાડી છેલ્લા ચાર વર્ષથી પાટા પરથી ઊતરી ગઇ છે..ક્યાંક કાયદાકીય આંટીઘૂંટીઓ છે તો ક્યાંક નીતિવિષયક અવરોધો છે, ક્યાંક અસરગ્રસ્તોના હઠાગ્રહ જેવાય પ્રશ્નો છે...અહીં ફરી ચાણક્યનો મુદ્દો આવે છે... જો રાજા કામ પૂરાં ન કરાવે તો પ્રજાએ એનું ધ્યાન દોરવું જોઇએ.. ભૂકંપ નવસર્જન(ની પ્રક્રિયા) જો અધૂરી જ રહેશે તો સરકારને કે કચ્છની પ્રજાને અને એના પ્રતિનિધિઓને ઇતિહાસ કદી માફ નહીં કરે.'
પુસ્તકનો સહુથી છેલ્લો લેખ - ૨૭-૩-૨૦૧૧ - "ભુજનું પુનર્વસન ..જાપાની યુવતીની નજરે..." (પૃ.૨૦૩-૨૦૭)માં ૧૯૯૮માં પહેલી વાર કચ્છ આવ્યા બાદ દર વર્ષે કમસેકમ એક વાર ક્ચ્છ આવતી રહેતી અને 'બ્લોક પ્રિન્ટિંગ' પર સંશોધન કરી રહેલી જાપાની યુવતી ડૉ. મિવા કાનેતાના સંશોધનમાંથી બોધપાઠ લેવા જેવાં તારણોની વિગતે ચર્ચા કરાઇ છે. પહેલું મહત્ત્વનું તારણ એ છે કે ક્ચ્છને પોતાની યુનિવર્સિટી મળ્યા છતાં 'કોઇ કચ્છી વિદ્યાર્થીને પુનર્વસનની પ્રક્રિયાના સારા-નરસા પાસાં તપાસવાનું યા તો સૂઝ્યું નથી અગર તો વિષય અનુસાર ગાઇડના અભાવે કે ગમે તે કારણે સંશોધન શક્ય બન્યું નથી. ડૉ.મિવા 'ધર્મ આધારિત વિભાજન ભુજના પુનર્વસનની પ્રક્રિયામાં સ્પષ્ટ'પણે જોઇ શક્યાં છે. આ હકીકતનો ઉલ્લેખ કરી તેઓ લખે છે કે ..ભૂકંપ પછી હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં ધાર્મિક ઉત્સવ-રીતરસમો-નું પ્રમાણ વધી રહ્યું હોય એવુંયે લાગે છે.'

એકંદરે "ધરતીતાંડવ"માં નોંધાયેલાં તારણો કે સ્પષ્ટ રીતે રજૂ થયેલાં મંતવ્યો કોઇ પણ આકસ્મિક કુદરતી પ્રકોપની સંભવિત અસરોને સમજવામાં મહત્ત્વના બોધપાઠ બની રહેશે. અને ૨૦મી અને ૨૧મી સદીનાં માનવ જાતનાં કૃત્યો અને કુદરતની પોતાની અકળ ચાલને કારણે આવી પ્રકોપકારી ઘટનાઓ વારંવાર થતી રહી છે, તેમ જ દરેક ઘટનાની અસરો પણ બહુ જ દૂરગામી થતી રહેશે તે પણ નિશ્ચિત છે. આવા સંજોગોમાં દરેક ભાવિ પેઢી માટે આ પ્રકારનું, સર્વગ્રાહી, દસ્તાવેજીકરણ ઇતિહાસમાંથી શીખીને ઇતિહાસનાં પુનરાવર્તનમાંથી બચવામાં મદદરૂપ થશે.

આ પુસ્તક વિષે કીર્તિભાઇ સાથે બીન ઔપચારિક વાત કરતા હતા તેમાંના બે મહત્ત્વના મુદ્દા અહીં રજૂ કરવાની તક ઝડપી લેવી છે.
- પહેલી વાતમાં કીર્તિભાઇ તે સમયે દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા કરાઇ રહેલા સામાજિક સંશોધન દરમ્યાન અકસ્માત જ જોવા મળેલ એક તારણને યાદ કરે છે. જુદા જુદા કેમ્પોમાં ઘણા સમય સુધી કેટલાંય લોકોને પોતાનાં કુટુંબ કબીલાથી કદાચ, દૂર વસવું પડ્યું. સાથે રહીને મુશ્કેલીઓના સામનાઓ કરતાં કરતાં લાંબા સમયના 'એકલવાસ'માં માણસની જેમ જેમ ભૂખ , તરસ , ટાઢ તડકા સામે રક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પૂરી થાય એટલે 'દૈહિક વાસના' જેવી જરૂરિયાત સંતૃપ્તિનો અભાવ ઊંડે ઊંડે પોતાની જગ્યા કરતો જાય. આ સંશોધન કરતાં કરતાં એ વિદ્યાર્થીએ એવા ઘણા દાખલાઓ જોયા હતા કે જ્યાં આ અભાવે પણ પોતાની માંગ પૂરી કરી લીધી હોય.'ઘર'ની ચાર દિવાલો ન હોય એટલે સમાજ કેટલી હદ સુધી ઉઘાડો પડી જઇ શકે ત્યાં સુધીના વિચારો કરતાં કરી મૂકી શકે તે હદનાં આ અવલોકનો હતાં.પ્રસ્તુત પુસ્તકના પ્રવેશક લેખ "'ક્ચ્છી ગુજરાતી' અને 'ગુજરાતી ક્ચ્છી'ની બેવડી ભૂમિકા"માં જાણીતા દિગ્દર્શક અને લેખક પરેશ નાયક આ જ વાતની નોંધ લેતાં કહે છે કે "ભૂકંપ પછીના દિવસોમાં કચ્છી પ્રજા કેવા આંતરમંથનોમાંથી પસાર થઇ છે એ સમજવા માટે..ભૂકંપના વિવિધ પાસાનો અભ્યાસ કરીએ તો કદાચ સમાજશાસ્ત્રીઓનેપણ એમાંથી ..મહત્ત્વના નિષ્કર્ષો જડી આવે'. કીર્તિભાઇ આ બાબતે એમ પણ ઉમેરે છે કે આવી લાગણીઓના પ્રવાહને ઝીલવાનું કામ સૌથી વધારે સારી રીતે તો સર્જનાત્મક સાહિત્ય જ કરી શકે. કચ્છના જ વિચારશીલ લેખક હરેશ ધોળકિયા તેમની આવી જ પશ્ચાદ્‍ભૂ પર રચાયેલી નવલકથા "આફ્ટરશૉક”ની પ્રસ્તાવનામાં કહે છે તેમ માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો, તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીના અને સંબંધોને વ્યક્ત કરવા માટે કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ નીવડે. સખેદ નોંધ લેવી પડે છે કે આવી એક મહાપ્રભાવકારી ઘટનાને સાહિત્યસ્વરૂપે પ્રતિબિંબિત કરાઇ નથી.
- બીજી વાત છે જેમાં આ ધરતીકંપ કચ્છને જે જે રીતે છૂપા આશીર્વાદની જેમ ફળ્યો છે તેમાં કચ્છની બાકીના ગુજરાત સાથે પ્રસ્થાપિત થયેલી ભાવનાત્મક એકતાની નોંધ જેટલી લેવાવી જોઇએ તેટલી નથી લેવાઇ એમ કીર્તિભાઇને આજની તારીખમાં લાગે છે. સરકારી સંસાધનો કે દેશવિદેશમાંથી જે કંઇ સહાયનો પ્રવાહ ઉમટ્યો એમાં, ધરતીકંપ પછીના બે-ત્રણ મહિના સુધી, ગુજરાતનાં નાનાં મોટાં શહેરોમાંથી સ્વયંસેવકોની ટીમોએ, લગભગ સ્વયંભૂ ધોરણે, પોતાને ત્યાંથી ખાવાપીવાની ભાત ભાતની વસ્તુઓ લાવી કચ્છના નાનાં નાનાં ગામો સુધી પહોંચાડવાની અનામી જહેમત લીધી છે તેને કીર્તિભાઇ આ ભાવનાત્મક એકતાનું મૂર્ત સ્વરૂપ માને છે. તે પછીથી તત્કાલીન મુખ્યમંત્રીની પ્રયાસો દ્વારા કચ્છને પર્યટન ક્ષેત્ર તરીકે વિકસાવવાની પહેલને કારણે આ ભાવનાત્મક એકતાને કંઇક્ને કંઇક અંશે બળ મળતું જ રહ્યું હશે એવું માનીએ.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪ 
પ્રકાશક : 
ગોરધન પટેલ 'કવિ; 
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ  ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું: rangdwar.prakashan@gmail.com 

  • વેબ ગુર્જરી પર પ્રકાશન  તારીખઃ November 6, 2014