Monday, December 1, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન ૩૦૦૦થી પણ વધારે લેખો લખ્યા. તે સમયે તેમના લેખોમાં એક ખબરપત્રી કે તંત્રીની જ દૃષ્ટિ ઉપરાંત એક આગવા વ્યક્તિત્ત્વની ભાવના પણ ભળતી રહી. તેથી 'ક્ચ્છમિત્ર'ના કાર્યભારથી નિવૃત્ત થયા પછીથી એ લેખો પર નજર કરતાં તેમાં એ સમયની સ્થિતિ પરના મંતવ્ય કે તારણ ઉપરાંત એમાં સ્વાભાવિક રીતે જ કચ્છના એક સર્વગાહી ચિત્રની ઝલક ઊભરી રહી.

આ બધા લેખોમાંથી ચૂંટીને લગભગ ૬૩૯ લેખોને ૮+૧ પુસ્તકોની ‘કલમ કાંતે કચ્છ’ ગ્રંથશ્રેણીમાં સંપાદિત કરવાનું કામ કર્યું શ્રી માણેકલાલ પટેલે. આજે આપણે આ ગ્રંથશ્રેણીના ત્રીજા પુસ્તક -રણના રંગ બેરંગ -નો પરિચય કરીશું.

પુસ્તકના સંપાદકીય પ્રવેશક લેખમાં પુસ્તકના થીમ વિષે સંપાદકશ્રી કહે છે કે, "કચ્છનું રણ કુદરતનો બેમિસાલ કરિશ્મા છે. નમકનાં અજોડ મેદાનો અને એની કાંધી પર પાંગરેલી ભાતીગળ માલધારી સંસ્કૃતિ અત્યારે તો દેશી-વિદેશી પર્યટકો માટે આકર્ષણનુંકેન્દ્ર બની ચૂક્યાં છે. પણ કીર્તિભાઇએ છેક ૧૯૮૦ના દાયકાથી રણની વિષમતાઓ અને વિશિષ્ઠતાઓને લાગણીશીલ કવિની માફક પોતાના લેખોમાં વણી લીધી છે. રણની કોઇ પણ વાત પછી એ સલામતી સંદર્ભે સરહદને સ્પર્શતી હોય, જાસૂસીની હોય, સુરખાબની હોય, માલધારીઓની હોય કે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની હોય..પણ તેમણે વિસ્તૃત નિરૂપણ આ પુસ્તકમાં કર્યું છે."

પ્રસ્તુત પુસ્તકમાં સમગ્ર શ્રેણીની જેમ જ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ કીર્તિભાઇ વિષે લખેલા વિચારો રજૂ કરતો જે લેખ પસંદ કરાયો છે તે શ્રી રઘુવીર ચૌધરીનો "મૈત્રી એ જ કીર્તિ" છે. પહેલી નજરે તો લેખ કીર્તિભાઇનાં વ્યક્તિત્વના એક પાસાનું તાદશ્ય વર્ણન દેખાય, પણ થોડી નજદીકથી જોતાં પુસ્તકના વિષય - 'રણના રંગ બેરંગ'-ના પ્રવેશની ભૂમિકા પણ રચતી બે વાત નજરે ચડી આવે છે.

પહેલી વાત છે ચેરનાં વૃક્ષોની. (સામાન્યતઃ છીછરા દરિયા કિનારે ઊગતાં)કચ્છના રણમાં ચેરનાં વૃક્ષોએ ‘કોઇને નડવું નહીં’ની પોતાની લાક્ષણિકતા ઉજાગર કરી છે. બીજાં વૂક્ષોને જ્યાં વાંકું પડે ત્યાં ત્યાં આ ચેરને ફાવે. ભલેને ગમે તેટલા ક્ષાર હોય, ચેર એમાંથી વિટામીન મેળવી લે.

બીજી વાત છે કચ્છી ભરતકામની, જેમાં પણ કચ્છના રણના રંગ બેરંગની છબીઓ પ્રતિબિંબિત થયેલી તેમ માનવામાં આવે છે. આ સંદર્ભમાં રઘુવીર ચૌધરી વીનેશ અંતાણીના લેખમાંનું અવતરણ કંઠસ્થ કરવાનું કહે છે : “...જે આંખોથી ઓઝલ રહે છે તેનો આભાસ ભીતર જીવે છે...કચ્છી ભરતકામમાં લીલા રંગનો કળાત્મક ઉપયોગ કરવામાં આવે છે તેનું કારણ લીલપના અભાવમાંથી પ્રગટતી વિશિષ્ટ અભિવ્યક્તિ..” હોઇ શકે છે.

તે જ રીતે દરેક પુસ્તકમાં રજૂ કરાયેલ એવા કીર્તિભાઇનાં તંત્રીપદની નિવૃત્તિ સમયે લખાયેલ વિશેષ લેખ "ક્ચ્છની કેટલીક લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી"માં ખારાઇ ઊંટ, ભગાડ (ઇંડિયન વુલ્ફની એક ખાસ પ્રજાતિ), સુરખાબ વસાહતોથી માંડીને અન્ય સ્થળાંતરીય અને સ્થાનિક પક્ષીઓની પ્રખ્યાત પક્ષીવિદ્‍ ડૉ. સાલીમ અલીનાં પુસ્તક 'બર્ડ્સ ઑફ કચ્છ' દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાત થયેલી માહિતી કે કચ્છી તસ્વીરકાર એલ એમ પોમલે ઝડપેલ સિમાચિહ્‍ન રૂપ બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરોના ઉલ્લેખ પણ કચ્છના રણના રંગની બેરંગી વિષે ઉત્સુકતા જગાવવામાં પોતાનો સક્રિય ફાળો આપે છે.

"રણના રંગ બેરંગ'નાં ૨૪૦ પાનાંઓમાંના ૬૫ લેખો પૈકી ૧૧ લેખોમાં, ડૉ. જયંત ખત્રીના શબ્દોમાં "એવી વાંઝણી ધરતી કે એની છાતીમાંથી કોઇ દહાડો ધાવણ આવતું જ નહિ. ધૂળ વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા, ઝાંખરા, અને નિઃસીમ મેદાનો" તરેકે ઓળખાવાયેલા રણની પ્રાકૃતિક લાક્ષણિકતાઓની વિગતે વાત કરાઇ છે.

અપણે તેમાનાં કેટલાંક વર્ણનો દ્વારા રણના રંગ બેરંગની ઝાંખી કરીએ :

"ઝાંઝવાં નાચે ને તરા ચૂમે ધરતીને" (પ્રુ. ૩૫-૩૮)
'કચ્છનું રણ તો કુદરત સર્જિત એક બેનમૂન કલાકૃતિ છે... શિયાળાની ઠંડી સાંજ હોય, કે તપતા ઉનાળાના ખરા બપોર, અમાસને પૂનમ જ નહીં, અંધારા-અજવાળાના બે અંતિમ છેડા વચ્ચેના સાતમના અર્ધચંદ્રની અનોખી રાત, દિવસે લાલચોળ સૂર્યના તાપ નીચે તરફડતી ધરતી પર ઝાંઝવાનાં નૃત્ય, તો રાત્રે આકાશમાંથી ધરતી પર નીતરતાં ચંદ્ર-તારાના પ્રકાશની નજાકત..રણ જિંદગી છે અને મોત પણ..એ રૌદ્ર છે અને સૌમ્ય પણ...'રણના આવા સ્વરૂપની અનુભૂતિ કરાવતા ૧૯૭૩ના જૂન મહિનાના કચ્છના સીમા રક્ષક દળ સાથે પસાર કરેલા દિવસનું વર્ણન વાંચતાં, તેમણે જોયેલ દૃશ્યો આપણી સામે પણ તાદૃશ્ય બની રહે છે." આવી લાગણી સભર ઘટનાની સાથે સીમા સુરક્ષા દળ જેવાં થેંન્કલેસ કામ કરતાં સરકારી મહેકમોમાં કામ કરતા જવાનો અને અધિકારીઓની જિંદગી કેવી મુશ્કેલીઓથી ભરી હશે એ વિષેની કીર્તિભાઇની જાગરૂક ચિંતા તો પ્રજ્વલિત રહે જ છે.
"ઝાંઝવાં ડૂબ્યાં રણસાગરમાં" (પ્રુ.૪૮-૫૧)
'ચમત્કાર ભાગ્યે જ થાય છે, પણ થાય છે ચોક્કસ...મેઘરાજા મન મૂકીને મીઠી ધારે વરસે એ ઘટના કચ્છ માટે કુદરતનો બેમિશાલ કરિશ્મા છે.... ગામડાંઓમાં તળાવ છલકાતાંની સાથે જ ઢોલ-ત્રાંસા અને શરણાઇના સૂર સાથે નાચતાં-કૂદતાં લોકો માથે કચ્છી પાઘડી બાંધી તળાવને વધાવવા જાય એ ઘટના અમારા અમદાવાદ કે દિલ્હીના દોસ્તોને ગળે નથી ઊતરતી.....એક આખી પેઢીએ વરસાદ જ જોયો નહોતો. આકાશમાંથી પાણી વરસે એ એના માટે બાળવાર્તા જેવી વિસ્મયકારક ફેન્ટસી હતી..એને કચ્છમાં રહેનાર જ સમજી શકે....બારાતુઓ માટે સૌથી આશ્ચર્યની બીના પાણીના નાના એવા ખાબોચિયાની ધાર પર બેસીને કપડાં ધોતી, સ્નાન કરતી ..(હરિજન, રબારી, કોળી, મુસ્લિમ કે અન્ય જ્ઞાતિની )..સ્ત્રીઓની છે....ચોતરફ લીલવો છવાઇ ગયો છે..વાન ગોગ જો કચ્છમાં જન્મ્યો હોત, અને ત્રણ-ચાર દુકાળ પછી ફાટફાટ લીલોતરી જોઇ હોત તો કદાચ એણે પોતાના ચિત્રોમાં પીળાને બદલે લીલો રંગ વાપર્યો હોત... લોરિયાથી ભીરંડિયારા વચ્ચે અફાટ રણ .. - જ્યાં સત્ત્વહીન ધરતી પર ઝાંઝવાં નાંચતાં જોઇ નિઃસાસા નીકળી જતા.. હોય કે કે ખડીરની આસપાસ પથરાયેલું રણ હોય, આજે વરસાદી પાણીથી છલોછલ છે.. જે પ્રદેશની અસ્મિતા અને લોકસંસ્કૃતિ પાણીના અભાવના પરિબળની આસપાસ ઘૂમતી અને ઘડાતી રહી છે એ પાણીની છતથી છલોછલ છે.' જો કે કીર્તિભાઇની અનુભવી આંખ તો 'લીલાછમ વર્ષે દુકાળ નિવારણ માટે એક પ્રજા તરીકે કટિબદ્ધ(તા)ની લીલોતરીની તલાશ કરવાનું પણ ચૂકતી નથી.
કચ્છનાં રણની સાથે કચ્છનાં સોહામણા પક્ષી સુરખાબ અને અજોડ (ક્ચ્છી જંગલી ગધેડો) ઘુડખર એકસાથે જોવા મળે તે... "કુદરતનો કરિશ્મા સર્જે છે કલ્પનાતીત દૃશ્યો" (પૃ,૧`૫૨-૧૫૩)... સૂર્યના ઉદય અને અસ્ત સમયે સર્જાય છે.

'હંજ વસાહત ઉજાણી માટે નથી' (પૃ. ૧૫૪-૧૫૮)માં રણમાં પક્ષીઓની ગતિવિધિઓનાં બયાનની સાથે સાથે માનવ જીવન વિકાસની આધુનિક શૈલી કુદરતની વ્યવસ્થાને વેરવિખેર કરવામાં કેવી કેવી રીતે ફાળો આપી દે છે તેની ચેતવણીનો સૂર પણ છે.'

"સુરખાબ યાયાવર નથી, એ તો છે કચ્છી ભારતવાસી' (પૃ. ૧૫૮-૧૬૩)માં ૨૦૦૩થી ૨૦૧૧ સુધી સારાં ચોમાસાં ગયાં, તેનાં પરિણામરૂપ સુરખાબ, પેણ, કુંજ, ઢોંક, સીગલ જેવાં સાતથી સાડા સાત લાખ પક્ષીઓના મહાકુંભમેળાની વાત કરતાં કરતાં, કચ્છનાં રણ અને એની અનન્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અંગે વધુ સંશોઘનની જરૂરિયાત પર પણ ભાર મુકાયો છે.

આ લેખોમાં કચ્છના રણના નૈસર્ગિક કરિશ્મા અને રહસ્યોની વાત ભાવિ પેઢીને કુદરતની અકળ કરામતોને કેમ માણવી અને જાળવવી તેની શીખ આપવાનું કામ પણ કરે છે. પણ આજના ટેક્નોલોજીના ઉપયોગમાં બહુ જ આગળ નીકળી ચૂકેલ ભાવિ યંત્રયુગની પેઢીને કુદરત સાથે તાલમેલ કેમ (અને શા માટે ) જાળવવો જોઇએ તેની કોઇ જ જાતના બોધ આપ્યાના ભાર સિવાયની વાત "કચ્છી-ખારાઈ ઊંટ કૂડ ખાય ને સચ કમાય !"(પ્રુ. ૨૨૬-૨૩૦)અને "ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ" (પૃ.૨૩૧)માં કરવામાં આવી છે.”એવું નથી કે ..કચ્છની વિશેષતાઓથી આપણે અજાણ હતાં,પણ વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરાયા પછી તે વિશેષતાઓ કચ્છની અજોડ દેનના રૂપમાં ઉપસી આવી છે. દા.ત. બન્નીની કુંઢી ભેંસ, એ તદ્દન અલગ પ્રકારની ઓલાદ છે. તેવું જ..કચ્છના પાટણવાડી ઘેટાની નસલનું પણ છે.આ જ પ્રકારનાં સંશોધનો વડે જ ખ્યાલ આવ્યો કે લખપતથી ભચાઉ સુધીની દરિયાઇ પટ્ટી, ખાસ તો ચેર (મેન્ગ્રોવ્ઝ)ના જંગલોવાળા વિસ્તારમાં દરિયાઇ ખારી વનસ્પતિ ચરીને ઉછરતા હોય એવા એકમાત્ર ઊંટ 'ખારાઈ ઉંટ' છે. પેટ્રોલ સંચાલિત વાહનોના આજના યુગમાં પણ રણ જેવા કઠિન વિસ્તારોમાં હેરફેર અને ભારવહન માટે ઊંટ જેવું સસ્તું અને ઉપયોગી બીજું કોઈ સાધન નથી...આપણે છારી ઢંઢ કે એવા જળાશય પર ઊંટના ધણને લઇ જતા રબારી કે જતને જોતાં જ કેમેરો ઉઠાવીને ફટાફટ સ્નેપ ઝડપી તેમની જીવનશૈલી પર ભલે આફરીન પોકારી જતા હોઇએ, પણ વાસ્તવિકતા એનાથી ઉલટી, ક્રૂર અને ભયંકર છે. એમની રઝળપાટ પાછળ મજબૂરી, ગરીબી અને આર્થિક શોષણખોરીની કરૂણ કહાણી છે.......ભારતીય આયુર્વેદ પરંપરામાં કમળો, ક્ષય, દમ, લોહીની બીમારી અને ખાસ તો મધુપ્રમેહના ઇલાજ માટે ઊંટડીનું દૂધ લેવાની સલાહ અપાય છે...રાજસ્થાનના બિકાનેર સ્થિત સંશોધન કેન્દ્રે ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ બનાવવાનું શરૂ કરેલ છે. ઉપરાંત ચીઝ અને આઇસક્રીમના પણ સફળ પ્રયોગો થયા છે..એના વાળ(ઉન)માંથી ગરમ કાપડ બનાવવામાં રેમન્ડ જેવી બ્રાન્ડ પ્રયોગો કરી રહી છે.......ગજબની દિશાસૂઝ ધરાવતું ઊંટ વરસો પછીયે પોતાના મૂળ સ્થાને પહોંચી શકે છે.બન્નીના સાડાઇ ગામમાંથી ચોરાયેલો ઊંટ પાકિસ્તાન મોકલી દેવાયો હતો. પાંચ વર્ષે એ ઊંટ ત્યાંથી નાસી આવીને મૂળ માલિકના ઝૂંપડે પહોંચી આવ્યો હતો’....એટલે દાણચોરી જેવાં કામોનાંunmanned missionsમાં ઊંટો બહુ મહત્ત્વનું હથિયાર બની રહે છે.

ચેરિયાં દરિયાને બદલે રણમાં ઊભાં અને એમાં બેઠા પોપટ" (પૃ. ૧૭૫)
‘ધ્રંગના વિખ્યાત મેકણ દાદાના અખાડાની ઉત્તરે અફાટ રણ ડોકાય છે. પણ, આશ્ચર્યની વચ્ચે ત્યાં શ્રવણ કાવડિયાના ધર્મસ્થાન નજીક સમુદ્રી વનસ્પતિ એવાં ચેરિયાનાં કમસેકમ ચારેક ડઝન વૃક્ષ કાળની થપાટો સહન કર્યા છતાં અડીખમ ઊભાં છે....દરિયામાં હોય એના કરતાં અહીંનાં ચેરિયાં ખાસા એવાં ઊંચાં છે, અને સૌથી મોટું આશ્ચર્ય તો એ સર્જાયું છે કે એની હરિયાળીથી આકર્ષાઇને પોપટ જેવાં પક્ષી તેમાં આશ્રય મેળવે છે.’
પૃ.૧૬૩થી ૧૭૨ પરના દીપોત્સવી ૧૯૯૦ના લેખ "મોટા રણમાં ઘૂસતાં દરિયાનાં પાણી કચ્છના બે ટુકડા કરી નાખશે ?"માં રણની ઉત્પત્તિ અને તેની પરિવર્તનશીલ પરિસ્થિતિ વિષેના ભૂતકાળમાં થયેલા અભ્યાસોના હેવાલ, તેમ જ રાજય સરકારે નીમેલા ક્ષાર નિયંત્રણ સમિતિના હેવાલની ખૂબ જ ઝીણવટભરી, વિશ્લેષણાત્મક ચર્ચા આવરી લેવાઇ છે. કીર્તિભાઇ પોતાની લાક્ષણિક શૈલીમાં માહિતી સાથેની વિગતો સમજાવવાની સાથે સાથે જણાવે છે કે “કચ્છના મોટા રણમાં કોરી ક્રીક મારફત ઘૂસતાં અરબી સમુદ્રની ભરતીનાં પાણી પવન પર સવાર થઇને ઇન્ડીયા બ્રિજ સહિતના વિસ્તારમાં એક અજોડ નમક સરોવરનાં સ્વરૂપમાં” ફેરવાઇ ગયાં છે. આપણે નજરે જોતાં હોવા છતાં તેની દૂરગામી અસરોનો આપણને ખ્યાલ નથી આવતો એવા, કુદરતના જ પ્રમાણમાં મંદ ગતિએ થતા, કરિશ્માને માનવ પ્રવૃત્તિઓ જાણ્યે અજાણ્યે એવી પરિસ્થિતિમાં ફેરવી નાખી શકે છે, જેનાં પરિણામો બહુ જ જોખમી, અને સમજ પડે ત્યારે લગભગ હાથ બહારનાં, બની જઇ શકે છે.

કચ્છનું રણ પણ કચ્છના દરિયાની જેમ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમાના સંદર્ભે પણ અવનવા અને અનોખા પડકારો કરતું રહે તે સ્વાભાવિક છે. દાણચોરી, જાસૂસી અને સરહદની સલામતીની સતત માથાના દુઃખાવા સમી સમસ્યાઓ અને તેની સાથે કપરા સંજોગો અને (મોટે ભાગે)ટાંચાં સાધનોથી બાથ ભીડતાં રહેતાં સીમા સુરક્ષા દળની ગતિવિધિઓ, સીમા સુરક્ષા દળનાં જ સારાં નરસાં પાસાંઓનાં બહુ જ નજીકથી કરાયેલ વિશ્લેષણ અને તેમાંથી ફલિત થતાં મંતવ્યો અને તારણો પુસ્તકના ૬૫માંથી અન્ય ૫૪ જેટલા લેખોની સામગ્રી બની રહે છે. આપણે આ જ વિષયોની અલગ માવજતવાળા બે લેખોનો પરિચય કરીશું.

આ લેખો ૨૦૦૪માં લેખકે "સીમાના સંત્રીઓ સાથે રાજસ્થાનના રણમાં રઝળપાટ' કરતાં ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના ઇતિહાસને યાદ કર્યો છે.

"મુનાબાવઃ ભારત-પાક સંબંધોના ચડાવ-ઉતારનું પ્રતીક" (પૃ. ૧૭૭-૧૮૧)માં વર્ણવાયેલું મુનાબાવ એટલે 'રાજસ્થાનના બાડમેરથી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખોખરાપાર ગામ વચ્ચે દોડતી ઉતારુ ટ્રેનની લાઇનનું ભારતનું છેલ્લું ગામ...ત્રણેક દાયકા પહેલાં એ દિવસભર પ્રવૃત્તિઓથી ધમધમતું રહેતું. બાડમેરથી ઘી નીતરતી મિઠાઇઓ અને ચમચમ કરતી મોજડીઓ ખરીદીને લોકો પાકિસ્તાન લઇ જતા તો ત્યાંથી પાછા ફરતી વખતે વનસ્પતિ રંગોની અજરખ તેમજ અન્ય વસ્તુઓ લઇને પાછા ફરતા.... ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના સાપ ગયા અને લિસોટા રહ્યા જેવા રેલ્વે લાઇનના પાટા મૃતપ્રાય બની રહ્યા છે'..અહીંથી થતી અવરજવર લેખકને તેમનાં વતનના શહેર માંડવીની 'સ્‍હેજે' યાદ અપાવી જાય છે..૧૯૬૫ સુધી ત્યાં પણ મુંબઇથી કરાંચી વાયા માંડવીની સ્ટીમર સેવા ચાલતી હતી...પણ બે યુદ્ધની કમનસીબ ઘટનાઓએ આ વ્યવહારોની કડીઓને છૂટી કરી નાખીને બંને દેશના લોકો વચ્ચે જેટલું ભૈતિક અંતર વધારી નાખ્યું, તેનાથી ઘણું વધારે અંતર રાજકીય ભાવનાની દષ્ટિએ કરી નાખ્યું છે.

એ જ 'રઝળપાટ'માંના ઉત્તરાર્ધ સમા લેખ "સીમાદળને સહકાર આપવામાં ગુજરાત પડોશી રાજ્ય કરતાં ઘણું આગળ છે" (પ્રુ. ૧૮૨-૧૮૩)માં લેખક નોંધે છે કે ‘સીમા દળના એકમ માટે જોઇતી જમીન ફાળવવાની બાબત હોય કે પાણી અને વીજળીની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રશ્ન હોય, કે સીમા ચોકીઓ પર ટેલીવીઝન અને ડિશ જેવી સગવડો હોય, ગુજરાત સરકારે હરહંમેશ ઝડપથી પ્રતિભાવ આપ્યો છે’. તો બીજી બાજુ જેસલમેરના ઊંડાણવાળા વિસ્તારોની સીમા પર ઇન્દિરા કેનાલનું 'પાણી ખળખળાટ વહેતું હતું'. ત્યાંના લોકોનું સપનું 'સાકાર થઇ ગયું હતું, જ્યારે કચ્છમાં...નર્મદાનું પાણી હજુયે (૨૦૦૪ની આ વાત છે) મૃગજળ છે.'

રણ સરહદ હોય કે દરિયાની ક્રીક સરહદ હોય, કીર્તિભાઇએ તેમને પોતાના પગથી ખૂંદી છે, અને ત્યાંની પરિસ્થિતિનો અને તેની સાથે સંકળાયેલાં અનેકવિધ પાસાંઓનો તલસ્પર્શી ચિતાર રજૂ કર્યો છે. ‘'અલબત્ત..(અહીં રજૂ થયેલા ) લેખો જે તે સમયે લખેલા હોવાને કારણે (ક્યાંક) વિગતવાર” નથી એ મર્યાદા સંપાદકીય પ્રસ્તાવનામાં સ્વીકરાઇ છે. આશા રાખીએ કે હવે પછીની આવૃત્તિઓમાં આ ઉણપને નિર્મૂળ કરીને આ દરેક પુસ્તકને તેનાં યથોચિત મૂલ્યની કક્ષાએ પહોંચાડવામાં આવે.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

  • વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખ ¬ ૧૩-૧૧-૨૦૧૪

No comments: