ફોટોગ્રાફી
પિલાણીના રહેવાસ દરમ્યાન ફોટોગ્રાફીના એક નવા શોખના સ્વાદનો અનુભવ થયો. અમારો જ એક સહાધ્યાયી, ઉમેશ કુમાર 'પંછી' (હવે સ્વર્ગસ્થ) પહેલાં વર્ષે ફોટોગ્રાફી ક્લબનો સેક્રેટરી હતો. તેણે મારા સહિત બીજા ચાર પાંચ મિત્રોને ફોટોગ્રાફીમાં રસ લેતા કર્યા.
એ વર્ષે તેમણે ક્લબની નાની સુની ડેવલપિંગ લૅબને વધારે
સક્રિય કરી. એ લેબમાં વિદ્યાર્થીઓ પોતે પાડેલા બ્લૅક એંડ વ્હાઈટ ફોટોગ્રાફ ડેવલપ
કરી શકે એવી સગવડ હતી. તે ઉપરાંત વધારેને વધારે લોકો ફોટોગ્રાફીમાં રસ લેતા થાય
એટલે ક્લબ પણ ફોટોગ્રાફ્સ ડેવલપ કરી આપે એવી પણ યોજના બનાવી હતી. આ યોજનામાં અમે
અમારા મિત્રને શિખાઊ શિષ્યો તરીકે મદદ કરતા. પહેલાં વર્ષને અંતે ‘પોંઈટ
અને શૂટ’ સ્તરના બેઝિક કૅમેરાથી પાડેલા ફોટોગ્રાફ્સ સ્વતંત્ર
રીતે ડેવલપ કરવા જેટલી આવડતનાં સ્તરે અમે પહોંચી ગયા હતા.
તેની પાસે પણ બેએક સાદા કેમેરા હતા, જેનાથી
અમે પણ ફોટોગ્રાફ કેમ પાડવા તે પણ શીખતા હતાં. મૅનેજમૅંટના વિદ્યાર્થીઓ (!) હોવાને
નાતે, પાછા અમને લોકોને જ વિષય બનાવી અલગ અલગ થીમના
પ્રોજેક્ટ પણ અમે કરતા. એ ફોટોગ્રાફ્સમાંથી ‘સારા’ ફોટોગ્રાફ્સ કયા છે તે માટે નિર્ણાયક તરીકેની ભૂમિકા અમારો એ મિત્ર,
ઉમેશ કુમાર, ભજવતો. કયા ફોટોગ્રાફ ‘બગડ્યા’ છે અને એવું ફરીથી ન થાય તે માટે શું શીખવું
જોઇએ તે પણ તે શીખવાડતો. એ સમયે અમે કરેલા પ્રયોગોની યાદગીરી પેટે મારી પાસે
અત્યારે એક ફોટોગ્રાફ જ સચવાયો છે.
ફોટોગ્રાફીનો એ શોખ પીલાણી પછીનાં વર્ષોમાં પણ મેં જાળવી
રાખ્યો. મારી પોતાની આવક શરૂ થઈ ત્યારે (લગભગ ’૭૭ - ૭૮નાં વર્ષમાં) મેં મારો એક
પાંચ-છ હજારનો યાશિકા એસએલઆર કેમેરા પણ વસાવેલો. એ સમયે પણ ઘણા પ્રયોગો કર્યા. જોકે
થોડાંક જ વર્ષોમાં વ્યાવસાયિક વ્યસ્તતાઓને કારણે એ (જીવનના) કબાટના કોઇ એવા ખુણે
ધકેલાઈ ગયો કે ફોટોગ્રાફીના શોખની સાથે તે પણ 'ડબ્બો'
બની રહ્યો છે !
કમ્પ્યુટર
સેન્ટરને થયેલો અમારો 'પરચો'
મુખ્ય બ્લૉકની ડાબી તરફ વર્કશૉપ્સ, કમ્પ્યુટર
સેન્ટર, પોસ્ટ ઑફિસ, બેંક વગેરે આવેલાં
હતાં. આઈબીએમનું એક મહાકાય ડેટા પ્રોસેસિંગ યુનિટ, બીજા
રૂમમાં ડેટા પન્ચિંગ મશીનોની શ્રેણીબદ્ધ હરોળ,પ્રિન્ટર
માટેનો રૂમ અને સેન્ટરનાં નિયમન માટેના સ્ટાફની બેસવાની અલગ વ્યવસ્થા એ બધું રીતે
એ સમયનાં કમ્પ્યૂટર સેન્ટર ગોઠવાયેલ હતું. આજે હવે પાછળ વળીને જોતાં એટલી નવાઈ
લાગે છે કે એ પછી લગભગ એ અઢી દાયકામાં જ ઑફિસોના ટેબલો પર આ મહાકાય મશીનોને બદલે 'ડેસ્કટૉપ કંપ્યુટરો' આવી ગયં હતાં. તે પછીના એક
દાયકામાં તો 'ડેસ્કટોપ ઘરનાં ટેબલો સુધી પણ પહોંચી ગયાં!
આ કમ્પ્યુટર સેન્ટર અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો પણ થોડો
અનુભવ મળે એવો કીડૉ અમારાં મનમાં બીજા સમેસ્ટરથી જ સળવળતો હતો. એ માટે અમે બીજા
સમેસ્ટરમાં લાયબેરીમાંથી લિનિઅર પ્રોગ્રામીંગ અને ફોર્ટ્રાનનાં પુસ્તકોનો અભ્યાસ
કરીને એક બહુ જ પ્રાથમિક ક્ક્ષાનો પ્રોગ્રામ લખ્યો. ચોથા સમેસ્ટર અમારે OR
(Operations Research)નો વિષય એક વધારાની ક્રેડીત તરીકે રાખી શકાય
તેમ હતો. એટલે ત્રીજા સમેસ્ટરમાં જ અમે અમારા પ્રોફેસરને રજુઆત કરી કે અમને નથી તો
કમ્પ્યુટરની ડેટા એન્ટ્રીનો અનુભવ કે નથી પ્રોગ્રામિંગનો અનુભવ એટલે અમે અત્યારથી
જ આ પ્રયોગ શરૂ કરવાની રજા આપે. ખાસ્સી સમજાવટને અંતે અમને મજુરી મળી. કમ્પ્યુટર
સેન્ટરમાં પણ અમે ત્રીજા સમેસ્ટરથી જ શરૂઆત થાય એમ ડેટા કાર્ડ્સ પંચ કરવા માટે
અમને વારા ફરતી એક એક કલાકનો સમય મળે એવી વ્યવસ્થા કરી શકાઈ.
મેં તો એ પહેલાં સાદાં ટાઈપ રાઈટરને પણ કદી હાથ નહોતો
લગાડ્યો. એટલે હું તો એક એક હાથની એક એમ બે બે આંગળીઓ વડે અક્ષરો શોધી શોધીને 'ઠક-ઠક'
ટાઈપ કરતો. એક કલાકમાં માંડ દસેક કાર્ડ હું પંચ કરી શક્તો. અમે ચાર
મિત્રો ભેગા થઈને ૧૫૦ જેટલાં કાર્ડ ચેકીંગ માટે જમા કરતા. જમા કરીએ એની બીજી
પંદરેક મિનિટમાં જ એ કાર્ડ 'પંચિગ
એરર'ના સિક્કા સાથે પરત થતાં. મારાં તો લગભગ બધાં કાર્ડની એ
હાલત રહેતી. ત્રીજા સમેસ્ટરના અંત સુધીમાં તો કમ્પ્યુટર સેન્ટરના વડા અમારાથી એટલા
ત્રાસી ગયા હતા કે અમારા પ્રોફેસરને 'રિપોર્ટ' કરવા સુધીની નોબત આવી ગઈ હતી! જોકે તે પછી અમે (ખાસ તો હું) ઠીક ઠીક
સુધર્યા અને પ્રોજેક્ટ પુરો તો કર્યો.
આજે પણ હું હજુ બે આંગળીઓથી જ કી બોર્ડ પર 'લખું'
છું. જોકે કમ્પ્યુટિંગ સ્પીડમાં આટલાં વર્ષોમાં જેટલો ધરખમ વધારો
થયો છે તેની સરખામણીમાં, તો ઘણો ઓછો, પણ,
મારી ટાઈપિંગ સ્પીડમાં પણ ઠીક ઠીક સુધારો થયો છે અને ભૂલો તો હવે
બહુ ઓછી થાય છે ! ભુલો થાય તો આપોઆપ સુધારી શકવાની સગવડ છે તે પાછો વધારાનો ફાયદો
છે.
જર્મન ભાષા શીખવાનો અખતરો
ઈલેક્ટ્રોનિક્સ એંજિનીયરીંગના એક પ્રોફેસર ઘણાં વર્ષો
જર્મની રહ્યા હતા, એટલે જે વિદ્યાર્થીઓ જર્મનીમા આગળ ભણવા માગતા હોય તેમને માટે
તેમણે જર્મન ભાષા શીખવા માટેનો બે સમેસ્ટરનો એક ખાસ કૉર્સ ચાલુ કર્યો હતો. મારૂં
એવું માનવું હતું કે શાળા ક્ક્ષાએ મારૂ સંસ્કૃત સારૂ હતું એટલે જર્મન ભાષા
શીખવામાં બહુ મુશકેલી નહીં પડે. એટલે નોન-ક્રેડીટ કક્ષાએ એ કૉર્સના પહેલા
સમેસ્ટરના કૉર્સમાં હું પણ જોડાયો. એક સમેસ્ટરમાં મારી પ્રગતિ મને સંતોષકારક તો
લાગી હતી. પણ મારે આગળ જર્મનીમાં કંઈ ભણવું ન હતું માટે બીજા સમેસ્ટરનો કૉર્સ મને
ચાલુ રાખવા ન મળ્યો.
અમદાવાદ આવીને જર્મન - અગ્રેજી શબ્દકોષ પણ ખરીદ્યો હતો.
જોકે આ બધું પણ પચાસ વર્ષની આ સફરમાં ક્યાંક ધરબાઈ ગયું છે.