Showing posts with label Mohammad Rafi-Solo Songs - 1944-1950. Show all posts
Showing posts with label Mohammad Rafi-Solo Songs - 1944-1950. Show all posts

Sunday, March 24, 2024

મોહમ્મદ રફી - જન્મ શતાબ્દી : યાદ આવતાં આનંદના ભાવનાં કેટલાંક ૧૯૫૦ પહેલાંનાં સૉલો ગીતો

મોહમ્મદ રફીની ભવિષ્યના ગાયક તરીકે પહેલવહેલી નોંધ હિંદી ફિલ્મ સંગીતનાં  પાર્શ્વગાયનના  'આદિપુરુષ' મનાતા કે એલ સાયગલે આકસ્મિક સંજોગોમાં કરી એ વાત આજે હવે બહુ જ જાણીતી થઈ ચુકી છે. ૧૯૪૨માં શ્યામસુંદરે તેમને પંજાબી ફિલ્મ 'ગુલબલોચ' દ્વારા મોહમ્મદ રફીને પાર્શ્વગાયક તરીકે ફિલ્મ જગતને પરિચય કરાવ્યો કે ૧૯૪૪માં ફિલ્મ 'પેહલે આપ'નાં એક કોરસ ગીત દ્વારા નૌશાદ અને મોહમ્મદ રફીના ગાઢ સંબંધોનો પાયો નંખાયો એ વાત  પણ મોહમ્મદ રફીની દરેક જીવન કથામાં વંચાઈ ચુકી છે.

૧૯૪૪થી ૧૯૫૦ દરમ્યાન મોહમ્મદ રફીએ ૪૫ જેટલા સંગીતકારો માટે ગીતો ગાયાં. જોકે આ સંગીતકારોમાં હાફીઝ ખાન, ફિરોઝ નિઝામી, પંડિત ગોવિંદરામ, અલ્લા રખા ક઼ુરૈશી, બુલો સી રાની, હનુમાન પ્રસાદ, રશિદ અત્રે, દત્તા દેવજેકર, ખેમચંદ પ્રકાશ, શ્યામ સુંદર, સજ્જાદ હુસ્સૈન જેવા વિન્ટેજ એરામાં વધારે જાણીતાં નામો  આનો એક અર્થ એમ કરી શકાય કે આવતાંવેંત મોહમ્મદ રફી વિન્ટેજ એરાનાં ફિલ્મ સંગીત જગતમાં સ્વીકૃત થવા લાગ્યા હતા.  તેમ છતાં તેમની કારકિર્દીનો સૂર્ય હજુ ધીમી ગતિએ ઊગી રહ્યો હોય તેમ જણાતું લાગે. જોકે '૫૦ના દાયકાના પ્રથમ અર્ધ સુધી પણ જેમણે નોંધપાત્ર સંગીત આપ્યું હતું એવા હંસરાજ બહેલ, હુસ્નલાલ ભગતરામ જેવા સંગીતકારો સાથે મોહમ્મદ રફીએ સારી શરૂઆત કરી લીધી હોય એમ જરૂર જણાય. તદુપરાંત, '૫૦ના દાયકામાં પણ ખુબ જાણીતા ગણાય એવા સંગીતકાર, સી. રામચંદ્ર, સાથે મોહમ્મદ રફીનાં ગીતો અને વૈવિધ્ય કદાચ સૌથી વધારે નોંધપાત્ર રહ્યું. સંખ્યા, ગુણવત્તા તેમ જ ગીતોની લોકપ્રિયતાની દૃષ્ટિએ ખુબ મોહમ્મદ રફીનો સંગાથ જેમની જોડે બહુ અનોખો રહેવાનો હતો એવા  શંકર જયકિશન, ગુલામ મોહમ્મદ, એસ ડી બર્મન, મદન મોહન કે ચિત્રગુપ્ત સાથે તો એક એક ફિલ્મ અને એક એક ગીત જેવી જ શરૂઆત રહી.જેમની પહેલી ઈનિંગ્સમાં ચિરસમરણીય ગીતો મળવાનાં હતાં એવા ખય્યામ સાથે મોહમ્મદ રફીની શરૂઆત ખય્યામનાં 'શર્માજી" તખ્ખલુસમાં સંગીતબદ્ધ થયેલી શરૂઆતની બે ફિલ્મોમાં રહી. હિંદી ફિલ્મની ત્રિમૂર્તિ ગણાતા દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપુરમાંથી પહેલા બે અભિનેતાઓની અધધ સફળ ફિલ્મોમાં તેમ્નો પરદા પાછળના અવાજ તરીકે મુકેશની બોલબાલા હતી. મુકેશે 'આગ' અને 'બરસાત' માટે રાજ ક્પુરનાં ગીતો ગાયાં  એ સિવાય, આ વર્ષોમાં, ઉલ્ટાનું, રાજ ક્પુર માટે મોહમ્મ્દ રફીનાં ગીતો વધારે મળી આવે. બીજા શબ્દોમાં કહીએ તો મોટા ગજાંના ગણાય એવા અભિનેતાઓના પાર્શ્વ સ્વર તરીકે મોહમ્મદ રફી જ પહેલી પસંદ જ હોય એવી સ્થિતિની તો કલ્પના કરવાની કોઈ શક્યતા આ તબક્કે પણ દેખાતી નહોતી.

હિંદી ફિલ્મ સંગીતનાં સૌથી લોકપ્રિય ગણાય એવાં નિર્ભેળ રોમેન્ટીક ગીતોમાં મોહમ્મદ રફીનાં ૧૯૫૦ સુધીનાં ગીતો એક આંગળીને વેઢે જ ગણાઇ જાય, જેમકે યહાં બદલા બેવફાઈ કે સિવા ક્યા હૈ (જુગનુ, ૧૯૪૭ - સંગીત ફિરોઝ નિઝામી), એક દિલ કે ટુકડે હજ઼ાર હુએ (પ્યારકી જીત, ૧૯૪૮ - સંગીતઃ ) કે સુહાની રાત ઢલ ચુકી (દુલારી, ૧૯૪૯ - સંગીતઃ નૌશાદ). હા, તેમનાં દેશપ્રેમનાં ગીતોમાંથી શિરમોર એવાં બે ગીતો - સુનો સુનો અય દુનિયાવાલો બાપુકી યે અમર કહાની (ગૈર ફિલ્મી - સંગીતઃ હુસ્નલાલ ભગતરામ) અને વતન કી રાહમેં વતન કે નૌજવાં શહીદ હો (શહીદ, ૧૯૪૮ સંગીતઃ ગુલામ હૈદર) - ૧૯૫૦ પહેલાંનાં જરૂર છે. 

આમ, મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનાં વર્ષમાં તેમનાં ૧૯૫૦ પહેલાનાં યાદગાર રોમેન્ટીક સોલો ગીતો યાદ કરવાં એ એક અનોખો લ્હાવો ગણી શકાય.  આજે અહીં માત્ર આનંદના ભાવનાં ગીતો જ યાદ કરેલ છે.

પ્યાર કરના પડેગા એક દિન...... તુમ કો હંસના પડેગા એક દિન - શરબતી આંખેં (૧૯૪૫) - ગીતકારઃ પંડિત ઈશ્વર ચંદ્ર - સંગીતઃ ફિરોઝ નિઝામી 

રૂસણાં મનામણાંનાં ગીતો જેવા પછીથી બહુ પ્રચલિત થયેલા પ્રકારમાં મોહમ્મદ રફીની ગાયકીની શૈલીની એક અનોખી અદા હતી. પરંતુ, ગીતોની બાંધણી અને ફિલ્મના પરદા પર રજૂઆતની રીતભાત પર જ્યારે હજુ વિંટેજ એરા શૈલીની પુરેપુરી અસર હતી એવાં કારકિર્દીનાં સાવ શરૂઆતનાં જ વર્ષમાં મોહમ્મદ રફી વટથી પોતાની અલગ શૈલીની રજૂઆત કરવાનો પ્રયોગ કરે છે.



રહે તો કૈસે રહે દિલ પે ઈખ્તિયાર મુઝે ..... તુમ ઈસ નજ઼ર સે ન દેખો બાર બાર મુઝે - રૂમ નં. ૯ (૧૯૪૬) - ગીતકારઃ નખ્શબ ઝરાચવી - સંગીતઃ રશી અત્રે

આ ગીત પરદા પર એ જમાનામાં જેના નામ પર ટિકિટબારી પર ટંકશાળ પડતી એવા અભિનેતા શ્યામ દ્વારા ગવાયું છે. આવા મોટાં ગજાંના અભિનેતા માટે કારકિર્દીની શરૂઆતમાં જ ગીત ગાવા મળે એ એટલી મોટી વાત ગણાય કે નવો સવો ગાયક તો ભારથી જ દબાઈ જાય. પણ, મોહમ્મદ રફી એક્દમ ખુલીને પ્રેમિકાને કરાતા પડકારને વ્યકત કરે છે. મુખડાની જે પંક્તિ વારંવાર ગવાતી હોય તેને દરેક વખતે નવા જ અંદાજમાં ગાવાની પોતાની આગવી શૈલી પણ શરૂ કરી રહે છે.



અબ વો હમારે હો ગયે ... ઈકરાર કરેં યા ના કરેં .... હમકો ઉન્હી સે પ્યાર હૈ વો પ્યાર કરેં યા ના કરેં - સફર (૧૯૪૮) ગીતકારઃ ગોપાલ સિંગ (જી એસ) નેપાલી - સંગીતઃ સી રામચંદ્ર 

વિંટેજ એરાની સંગીત શૈલીથી જુદા પડવાવાળી નવી પેઢીમાં સી રામચંદ્રની બધી જ પહેલ આગવી જ રહી. ૧૯૪૩થી તેમની શરૂઆત બહુ સંઘર્ષમય રહી, પણ પ્રયોગશીલતા તેમણે ન જ છોડી.  ૧૯૫૦માં 'સમાધિ'નાં ગોરે ગોરે હો બાંકે છોરેની સાથે જ 'નીરાલા' માં તેમણે લતા મંગેશકરનું દિલની ઊંડાઈઓને સ્પર્શી જાય એવું મહેફિલમેં જલ ઊઠી શમા પરવાને કે લિયે પણ આપ્યું. તે પહેલાં શહનાઈ (૧૯૪૭)માં જ તેમણે પાશ્ચાત્ય સંગીતના પ્રયોગનાં પહેલાં પગલાં સમાન કેડીનાં આના મેરી જાન સન્ડે કે સન્ડેથી ની સાથે મારી કટારી મર જાના હો અખીયાં મિલાના આપીને નવો ચીલો કંડારવાનું તો શરૂ કરી જ દીધેલું. માંડેલી. તે પછી પણ નદીયા કે પાર(૧૯૪૮ - દિલીપ કુમાર, કામીની કૌશલ), પતંગા, સાંવરિયા (૧૯૪૯) જેવી ફિલ્મોમાં ઠીક ઠીક સફળ ગણી શકાય એવાં ગીતો તો આપતા જ રહ્યા.  જો કે એમ કહેવામાં આવે છે કે સી રામચંદ્રને વાણિજ્યિક સફળતા મળી તેમના માસ્ટર ભગવાન સાથેના અલબેલા (૧૯૫૧)થી શરૂ થયેલા સંગાથથી.

આમ, ૧૯૪૬થી લઈને ૧૯૫૦ સુધીનો સમય ગાળો એવૉ હતો કે જેમાં સી રામચંદ્રએ હિંદુસ્તાની,મધ્યપૂર્વ કે અરબી સંગીતની શૈલીઓ પર ગીતો બનાવ્યાં. આ સમય ગાળો મોહમ્મદ રફી માટે પણ પોતાનું સ્થાન નક્કી કરવાના પ્રયાસોનાં વર્ષોનો હતો.  બન્ને પક્ષે પોતપોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાના પડકારોનો સામનો સી રામચંદ્ર અને મોહમ્મદ રફી, બન્નેએ, પોતાની આગવી શૈલીથી જ કર્યો.  ઉદાહરણ તરીકે આ સમયગાળાનાં અન્ય સૉલો ગીતોઃ હમ કો તુમ્હારા હી આશરા તુમ હમારે હો ન હો (સાજન, ૧૯૪૭, ગીતકારઃ મોતી) ઓ બાબુ અજી બાબુ ગલી મેં તેરી ચાંદ ચમકા (સાજન, ૧૯૪૭ - ગીતકારઃ ક઼મર જલાલાબાદી), કિસ વાદેકા મતલબ ક્યા કરે (દુનિયા, ૧૯૪૯, ગીતકારઃ આરઝૂ લખનવી) યાદ આવે.



પ્રેમકી નૈયા ડોલ રહી હૈ, બોજ઼ હૃદયકા તૌલ રહી હૈ - ઊઠો જાગો (૧૯૪૭) - ગીતકારઃ ? - સંગીતઃ અઝીઝ ખાન

ગીતના બોલ સાંભળીશું તો પરંપરાગત માન્યતા ધરાવતા સમાજને પ્રેમની ભાવનાના નવા સંદેશાઓને સમજાવા માટેની વાત કહેવાતી જોવા મળશે.

પ્રેમમેં ઐસી સુરત બીગડી
સઓઅર પર જૂતે, પાંવમેં પગડી
ઈજ઼્જ઼ત કે પટ ખોલ રહી હૈ 

ઐસે ધનવાનોંકે લાલ
ઊડ ગયે જિનકે સર કે બાલ
સરકી ટાટ ભી બોલ રહી હૈ 

પ્રેમ ન આયા તુમકો રાસ 
કહે યે તુમસે ગપ્પુ દાસ 
ક્યા, નિયત દાવા ડોલ રહી હૈ 



હમ અપને દિલકા ફસાના ઉન્હેં સુના ન શકે, લગી હૈ જો આગ દિલમેં ઉસે બુઝા ન શકે - એક્ટ્રેસ (૧૯૪૮)- ગીતકારઃ નખ્શબ ઝરાચ્વી  - સંગીતઃ શ્યામ સુંદર

૧૯૪૪માં મોહમ્મ્દ રફીને પહેલી તક આપ્યા પછી શ્યામ સુંદરે ૧૯૪૬માં દેવ કન્યા અને ૧૯૪૭માં એક રોઝ એમ બે ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ મોહમ્મદ રફી સાથે ફરીથી કામ કરવાના સંજોગો ૧૯૪૮માં થયા! 

જોકે આટલી જે રાહ જોવી પડી એનું સાટું પણ વાળી આપ્યું.

એ સમયના જ નહીં પણ છેક '૬૦ના પણ ઘણા અભિનેતાઓને પરદા પર અઘરી પડતી એવી રફીની એક જ પંક્તિમાં દોઢ સુરની અને મુખડા કે અંતરામાં તો સુરનૂ ઊંચનીચમાં રોલરકોસ્ટરની જેમ વહેવાની શૈલી રફી તો જાણે ગળથુથીમાં લઈ આવ્યા હોય એવી સહજતાથી રજુ કરે છે.



નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ - પરાયી આગ (૧૯૪૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી - સંગીતઃ ગુલામ મોહમ્મદ 

હિંદી ફિલ્મ જગતમાં કિસ્મતના ખેલ બહુ જ નિરાલા રહ્યા છે.

એક જ મુખડા પરથી અલગ અલગ ગીતો બને, એક ગુમનામીમાં એટલું ખોવાઈ ગયું હોય કે મુખડાના બોલ જોતાંવેંત પેલું બીજું અકલ્પનીયપણે સફળ રહેલું ગીત ( દિલ હી તો હૈ (૧૯૬૩) - આશા ભોસલે - ગીતકારઃ સાહિર લુઘિયાનવી - સંગીતઃ રોશન) જ યાદ આવે.



આડવાતઃ

બીજાં જ વર્ષે બનેલી ફિલ્મ 'કરવટ' (ગીતકારઃ સૈફુદ્દીન સૈફ - સંગીતઃ હંસરાજ બહલ) માં પણ આ મુખડા પર ફરી ગીત બનાવાયું. બસ આ વખતે એ પારો દેવી અને (કે એલ ્સાયગલની શૈલીમાં) સતીશ બાત્રા એમ અલગ અલગ સ્વરોમં ગવાયેલું જોડીયા ગીત હતું. 

દિલ લેના હૈ તો લે લો ઈન્કાર નહીં હૈ, ક્યું ગર્મ સર્દ હોતે હો તક઼રાર નહીં હૈ - ચકોરી (૧૯૪૯) - ગીતકારઃ મુલ્કરાજ ભાખરી - સંગીત હંસ રાજ બહલ

હંસરાજ બહલ અને મોહમ્મદ રફીનો સંગાથ સબ કુછ લુટાયા હમને આ કર તેરી ગલીમેં (ચુનરીયા, ૧૯૪૮)નાં પ્રેમની નિષફળતાની ફરિયાદની વેદનાથી થયો. તે પછીથી આ યાદગાર સંગાથે આપણને અનેક ચિરસ્મરણીય ગીતો આપ્યાં છે.

'ચકોરી'થી મોહમ્મદ રફી અને ભારત ભુષણની જોડીની સફર પણ શરૂ થઈ અને એક યાદ કરો અને બીજાંને ભુલો એવાં અનેક ગીતો આપણને મળ્યાં.



મેહમાન બન કે આયે થે અરમાન બન ગયે - શોહરત (૧૯૪૯) - ગીતકારઃ ખાંવર ઝમ્મા - સંગીત અઝીઝ હિન્દી 

આ સૉલો ગીતમાં રફી સાહેબની ગીતની અદાયગીને સમજવી અને માણવી હોય તો સાથે સાથે તેમણે હમીદા બાનુ સાથે આ જ ગીતનું યુગલ સંસ્કરણ સાંભળવું રહ્યું.



દિલ જવાનીકે નશેમેં ચૂર હૈ, કૌન કહેતા હૈ કે દિલ્લી દૂર હૈ - બિરહા કી રાત (૧૯૫૦) - ગીતકારઃ સર્શાર સૈલાની - સંગીતઃ હુસ્નલાલ ભગતરામ

એક દિલ કે ટુક્ડે હજ઼ાર હુએ (પ્યારકી જીત, ૧૯૪૮) અને મુહબ્બત કે ધોખેં કોઈ ન આયે (બડી બહેન, ૧૯૪૯) જેવાં કરૂણ, પણ ખુબ સફળ રહેલાં, ગીતોથી શરૂ થયેલી હુસ્નલાલ - ભગતરામ અને મોહમ્મદ રફીની પણ સહસફર ખુબ જ ફળદાયી અને વૈવિધ્યપૂર્ણ રહી. 

પ્રસ્તુત ગીતમાં મોહમ્મદ રફીની હળવા મિજાજની હરકતોની તેમની અભિનવ અદાનો સરસ પરિચય કરાવે છે. 



અકેલેમેં વો ગબરાતે તો હોંગે મીટાકે વો મુઝે પછતાતે તો હોંગે - બીવી (૧૯૫૦) - ગીતકારઃ વલી સાહબ - સંગીતઃ શર્માજી (ખય્યામ) 

પોતાની પ્રેમિકાની યાદની રજુઆત કરતાં આ ગીતમાં મોહમ્મદ રફી વિચારમાં ખોવાયેલા પ્રેમીના દિલની ભાવના બહુ ધીરગંભીર સ્વરમાં કરે છે.



આડવાતઃ

એક કાર્યક્રમમાં અમીન સાયાની મહેન્દ્ર કપુરને કહે છે કે કોલેજના દિવસોમાં તે એ ગીત ન ગાય ત્યાં સુધી કાર્યક્રમ અધુરો જ રહેતો. મહેન્દ્ર કપુર એ ગીતની રજુઆત પોતાની શૈલીમાં કરી બતાવે છે.



મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં ૧૯૫૦ પહેલાંના કરૂણ ભાવનાં રોમેન્ટીક ગીતોને યાદ કરવાની પ્ણ આટલી જ મજા આવે તેમ છે. પરંતુ એ ફરી કોઈ વાર .......