તેમનાં નામને અનુરૂપ, ગુજરાતી સુગમ સંગીત પર તેમના આશરે ૧૨૦૦૦ જેટલાં ગીતોથી, અવિનાશ વ્યાસ (૧૯૧૨ - ૧૯૮૪) તેમની અવિનાશી છાપ મૂકતા ગયા છે. ૧૯૦ જેટલી ગુજરાતી ફિલ્મોનાં ૧૨૦૦ જેટલાં ગીતોના પ્રમાણમાં ૬૨ હિંદી ફિલ્મોનાં ૫૦૦થી પણ વધુ ગીતોનું પ્રદાન પણ નોંધપાત્ર જણાય. હિંદી ફિલ્મ જગતના ખાસ્સા સફળ સંગીતકારો, ખય્યામ (આશરે ૪૨ ફિલ્મ), મદન મોહન (આશરે ૯૫ ફિલ્મ), રોશન (૫૭ ફિલ્મ), સલિલ ચૌધરી (૭૦ ફિલ્મ)નાં પ્રમાણમાં અવિનાશ વ્યાસનું હિંદી ફિલ્મોને ક્ષેત્રે યોગદાન સંખ્યામાં, કે કાર્યકાળ (૧૯૪૩થી ૧૯૮૪-૮૫)ની દ્રષ્ટિએ, નગણ્ય ગણાય એટલું નથી, તેમ છતાં, માત્ર તેમનાં પૌરાણિક ગીતોને પ્રમાણમાં મળેલી વધારે વ્યાવસાયિક સફળતાને કારણે તેમનું નામ ગુજરાતી ફિલ્મ સંગીત સાથે વધારે એકરૂપ થયેલું જણાય છે.
અવિનાશભાઇને તો ક્રિકેટર થવું હતું, પણ નિયતી તેમને સંગીતની દુનિયામાં ખેંચી ગઇ. તેમની શરૂઆતની તાલિમ, તેમણે ઉસ્તાદ અલ્લાઉદીન ખાં સાહેબ જેવા ગુરૂ પાસેથી લીધી.કારકીર્દીનો પ્રારંભ એચ.એમ.વી.ના 'યુવા સંગીત' વિભાગથી થયો. ત્યાં તેઓ (ફિલ્મ સંગીતમાં એ. આર. કુરેશી તરીકે જાણીતા) ઉસ્તાદ અલ્લારખા સાહેબના ગાઢ સંપર્કમાં આવ્યા અને તેમની સાથે ૧૯૪૩માં 'મહાસતી અનસૂયા'નું સંગીત આપવાની તક મળી. શરૂઆતનાં વર્ષોમાં તેમને ભાગે કઠણાઇઓ અને અડચણો તો આવી, પણ અવિનાશ વ્યાસે, ન તો વિપરીત સંજોગોમાં કે ન તો સાફલ્ય ઘડીઓમાં, તેમની સર્જનાત્મકતાને કુંઠીત થવા ન દીધી.
ગીતા દત્તના અવાજમાં , પૌરાણિક ફિલ્મોનાં તેમનાં ગીતો બહુ જ લોકપ્રિય થયાં.
નાગમણી(૧૯૫૭)નાં "આજ નહીં તો કલ" જેવાં અનેક કર્ણપ્રિય, અને બેહદ લોકપ્રિય, ગીતોને કારણે અવિનાશ વ્યાસ-ગીતા દત્તની, એ પ્રકારનાં ગીતોની એક આગવી ઓળખ ઊભી થઇ ચૂકી હતી, પણ અવિનાશભાઇ ગીતા દત્તના કંઠમાં 'આધી રોટી' (૧૯૫૭)નું હાલરડું "સો જા મેરે લાલ" પણ એટલી જ ખૂબીથી રજૂ કરતાં અચકાયા નહોતા.
ગીતા દત્ત સાથેના તેમના સહપ્રવાસના પ્રભાવ હેઠળ તો ગીતા દત્તે તેમની પોતાની બંગાળી ભાષા કરતાં (બંગાળી લિપિમાં લખીને) ગુજરાતીમાં વધારે ગીતો ગાયાં તેમ કહી શકાય. જો કે અવિનાશભાઇના હિંદી ફિલ્મ જગત સાથેના સંબંધો કેટલા ગાઢ હશે કે હિંદી ફિલ્મ જગતનાં દરેક પાર્શ્વગાયકે ગુજરાતી ગૈર-ફિલ્મી ગીતો પણ તળ ગુજરાતી લઢણમાં ગાયાં.
અવિનાશભાઇને તેમની ફિલ્મો માટે બજૅટ તો હંમેશ મર્યાદીત જ મળતું, કદાચ તેથી તેમણે તે સમયની પ્રથમ હરોળની ન કહી શકાય એવી પાર્શ્વગાયિકાઓ સાથે પણ કામ કર્યું. "અધિકાર" (૧૯૫૪)માં મીના કપુરના કંઠમાં ગવાયેલું એક ધરતી હૈ એક ગગન; સુધા મલ્હોત્રાનું "અંધેરી નગરી ચૌપટ રાજા"(૧૯૫૫)નું કોઇ દુખિયારી આઇ તેરે દ્વાર; શમશાદ બેગમના કંઠમાં "ભક્ત રાજ"(૧૯૬૦)નો મુજરો તેરે બંગલેકી મૈં મૈના; ઝોહરાબાઇ અંબાલાવાલીના સ્વરમાં "હર હર મહાદેવ" (૧૯૫૦)નું રીતુ અનોખી પ્યાર અનોખા; મધુબાલા ઝવેરીના સ્વરમાં "રાજરાણી દમયંતી"(૧૯૫૨)નું ચમક રહે તારે જેવાં વૈવિધ્યપૂર્ણ ગીતો તેમની પ્રયોગશીલતા અને સર્જનાત્મકતાની ગવાહી આપે છે.
જ્યારે પણ તક મળી ત્યારે તેમણે આશા ભોસલે સાથે હળવા મુડનાં "અધિકાર" (૧૯૫૪)નાં બી.એ. એમ.એ. બી. એડ જેવાં ગીત કર્યાં તો "મલ્લિકા-એ-આલમ નુરજહાં" (૧૯૫૪)નાં સુન ભી લે પરવરદિગાર, દિલ કી ઇતની સી પુકાર જેવાં દર્દીલાં ગીતોના પ્રયોગ પણ એટલી જ આસાનીથી કર્યા. લતા મંગેશકરના અવાજનો, તેમણે કૈલાશપતિ (૧૯૬૨)નાં જા રે બાદલ જા જેવાં ગીતોમાં પણ એટલો જ સ્વાભાવિક ઉપયોગ કર્યો.
પુરૂષ પાર્શ્વગાયકોમાં કિશોર કુમારની તે સમયની તોફાની ઓળખને "અધિકાર" (૧૯૫૪)નાં તિકડમ.. બાજી... મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી જેવાં ચુલબુલાં ગીતમાં તેટલાં જ પ્રાવીણ્યથી ઉજાગર કરી, તો "અંધેરી નગરી , ચૌપટ રાજા" (૧૯૫૫)ની ગઝલ - દિલ જલ રહા હૈ -માં તલત મહમુદના સ્વરને પણ પૂરતો ન્યાય આપ્યો.
કવિ પ્રદીપજીના સ્વરમાં તેમણે રચેલાં તેરે દ્વાર ખડા ભગવાન (વામન અવતાર - ૧૯૫૫) જેવાં ગીતોપર તો સિક્કા પડતા. તો તે સાથે તેમણે પ્રથમ હરોળના અન્ય ગાયકો, મોહમ્મદ રફી (પોલં પોલ - લક્ષ્મી - ૧૯૫૭), મન્ના ડે (જાને ભી દે કિસ્મતકી નાવ - ભાગ્યવાન - ૧૯૫૩), હેમંત કુમાર (બડે બડે ઢૂંઢે પહાડ - જગદ્ગુરૂ શંકરાચાર્ય - ૧૯૫૫) સાથે પણ એટલી જ સ્વાભાવિક હથોટીથી કામ કર્યું છે.
"અધેરી નગરી, ચૌપટ રાજા”નું સુધા મલ્હોત્રા અને તલત મહમુદ નું એક બાર તો મિલ લો ગલે, સુલોચના કદમ અને મુકેશના સ્વરમાં "હર હર મહાદેવ" (૧૯૫૦)નું ટીમ ટીમા ટીમ તારે જેવાંતેમનાં યુગલ ગીતો પણ તેમનાં લોકપ્રિય એકલ ગીતો જેટલાં પ્રયોગશીલ, તેટલાં જ સિધ્ધહસ્ત, જણાય છે.
હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રે અવિનાશ વ્યાસની કુલ્લ ફિલ્મોની અડધાથી વધારે ફિલ્મોની ૧૯૫૩ થી ૧૯૬૨ ના સમયકાળ દરમ્યાન થઇ. આમ તે સમયગાળો તેમની હિંદી ફિલ્મ જગતમાં વ્યસ્તતાનો ઉત્તમ સમય કહી શકાય.૧૯૫૭માં એક જ વર્ષમાં ૭ ફિલ્મોની શીરમોર કામગીરીની સાથે ૧૯૫૪, ૧૯૫૫ અને ૧૯૫૮માં દરેક વર્ષની પાંચ પાંચ ફિલ્મોએ તેમની કુલ્લ ફિલ્મોનો ત્રીજા ભાગ જેટલો ફાલ આપ્યો. જો કે એ સિવાયનાં વર્ષોમાં પણ તેમની હાજરી નિયમિત સ્વરૂપે તો જોવા મળતી જ રહી.
૧૯૫૩માં આવેલી વી. શાંતારામની અનોખી સામાજીક ફિલ્મ, "તીન બત્તી, ચાર રસ્તા"નાં, ભારતીય પ્રાંતોની અલગ અલગ લાક્ષણિકતા રજૂ કરતાં બહુભાષી ગીતમાં (@૪.૦૦) ગુજરાતી સમાજનાં નિરૂપણ સમો ટુકડો રચવા માટે અવિનાશભાઇને મળેલું આમંત્રણ, તેમના હિંદી ફિલ્મ જગતના પદાર્પણના એક જ દાયકામાં તેમણે ઊભાં કરેલાં તેમનાં આગવાં સ્થાનનો પુરાવો ગણી શકાય.
"મહેંદી રંગ લાગ્યો" (૧૯૬૦)ની ગુજરાતી સિનેમા ક્ષેત્રની અભૂતપૂર્વ સફળતાને કારણે, અવિનાશ વ્યાસનું ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ વધારે ઢળ્યું હશે.ત્યાં પણ ૭૦ના દાયકામાં લોકકથા આધારીત ફિલ્મોના જુવાળમાં અવિનાશ વ્યાસ એક દીવાદાંડી બની રહ્યા. સ્થાનિક લોકગાયકોને ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં લાવવાનો તેમણે બહુ જ સ્તુત્ય પ્રયોગ પણ સુપેરે આદર્યો હતો.
અવિનાશ વ્યાસના જન્મ દિવસ નિમિત્તે અતુલ'સ સૉન્ગ-અ-ડે એ તેમનાં લતા મગેશકરના સ્વરનાં "કૈલાશપતિ (૧૯૬૨)નાં હે પર્વત તુમસે પાર્વતી પૂછ રહી હૈ કરકે બિનતી વડે અંજલિ આપી છે. અવિનાશભાઇની આ જગતપરથી ભૌતિક વિદાયના ૨૦મી ઑગસ્ટના દિવસે, તેમની સંગીત સફરના સમગ્ર કાર્યકાળને આવરી લેતાં તેમનાં મુંબઇ અને અમદાવાદ શહેરો પરનાં ગીતોની આ ગીતોને યાદ કરીએઃ
અમે મુંબઇનાં રહેવાસી - મંગળફેરા (૧૯૪૯) - ગીતા દત્ત, ચુનીલાલ પરદેશી, એ આર ઓઝા
આ મુંબઇ છે, જ્યાં ભૈ કરતાં જાજી બૈ છે - મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) - મન્ના ડે
અમે અમદાવાદી - સંજય ઓઝા
હું અમદાવાદનો રીક્ષાવાળો - મા બાપ (૧૯૭૭) - કિશોર કુમાર
હું અમદાવાદની નારી - કંકુની કિમત (૧૯૮૩)