મહાઆર્થિકસત્તાઓ/ Super Economies
અમેરિકા, ભારત,
ચીન અને વિશ્વનું ભાવિ
લેખકઃ રાઘવ બહ્લ
ISIN:
978-06-7008-812-6 ǁ પ્રકાશક: રૅન્ડમ
હાઉસ ǁ કિંમત: રૂ. ૬૦૦/-
૧૮મી જાન્યુઆરી, ૨૦૧૬ના પ્રકાશિત થયેલ પહેલા ભાગમાં આપણે રાઘવ બહ્લની ભારતની મહાઆર્થિકસત્તાપદ તરફની મંજિલ માટેની પૂર્વભૂમિકાથી અવગત થયાં હતાં. તે પછીથી બીજા ભાગમાં ૨-૨-૨૦૧૬ના રોજ, ૨૧મી સદી દરમ્યાન ભારત મહાઆર્થિકસત્તા બની શકશે કે નહીં તે માટે આંતરરાષ્ટ્રીય તખ્તાનાં પરિબળોના ૨૦મી સદીના સાનુકુળ પ્રવાહોનાં વિશ્લેષણની આપણે વાત કરી હતી. તે પછીના ત્રીજા હપ્તામાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક હિતોના સંબંધોને સ્વાભાવિકપણે સબળ કરી શકે તેવા સકારાત્મક પરિબળોની રાઘવ બહ્લે કરી છણાવટની સમીક્ષા કરી હતી.પ્રસ્તુત પરિચયના આજના સમાપન હપ્તામાં આપણે રાઘવ બહ્લે હવે ભારતની ભવિષ્ય સંભાવનોનો તખ્તો કેવો રહી શકે તેનાં કરેલ તારણોની વાત કરીશું.
૨૦મી સદીની મૂખ્ય રાજનૈતિક અને આર્થિક ગતિવિધિઓનાં
ચાલકબળ ભૂરાજનૈતિક પરિબળો હતાં. બર્લિનની દિવાલ ખસી જવા બાદ ૧૯૮૯ પછી આ
પરિસ્થિતિમાં બહુ નાટકીય વળાંક આવ્યા. સદીના
અંતના દાયકા સુધીમાં તો બીજાં વિશ્વ
યુદ્ધ પછી જાપાને જે જાદુઈ હરણફાળ ભરી હતી તેનો પન્નો ટુંકો પડતો હોય તેમ જોવા
મળતું હતું. યુરોપનાં રાષ્ટ્રોને યુરોપિયન યુનિયનની ધરીની જાદુઈ છડી કારગત નીવડતી
નહોતી. એ સમયમાં ચીનમાં, અને
કંઈક અંશે ભારતમાં, અમલ
કરાયેલા આર્થિક સુધારાઓની ચર્ચા ચારેતરફ હતી.
૨૧મી સદીના પ્રારંભમાં જ થયેલ ૯/૧૧ના હુમલાએ ધીમે
ધીમે થતા ફેરફારોની દિશા એક જ ઝાટકે જાણે ફેરવી નાખી....એ ધડાકાઓની ગુંજ પૂરી શમે
તે પહેલાં તો વૈશ્વિકરણના પવનોએ પ્રભાવકારી ભૂરાજનૈતિક પરિબળોની પહેચાન બદલી નાખી
હતી. એક સમયે દેશની સત્તા પર તેની લશ્કરી તાકાતની આણ પ્રવર્તતી. તેને બદલ હવે
નાગરિક ચળવળો, વ્યાપારી સંસ્થાઓનાં
આંતરરાષ્ટ્રીય હિતો કે બીનસરકારી સંસ્થાઓની આર્થિક, સાંસ્કૃતિક કે માનવીય પ્રવૃત્તિઓના પ્રભાવ મહત્ત્વના થતા
જણાવા લાગ્યા હતા.
મહાસત્તાઓના સમયના શીતયુદ્ધના અણબનાવો અને લાગણીશૂન્યતાના
તણાવને બદલે મહાઆર્થિકસત્તાના દૌરમાં, સંઘર્ષના
સમયે પણ, એક અજબ પ્રકારનાં હુંફાળા પારસ્પારિક પગલાંઓ હવે
પ્રતિભાશાળી 'શસ્ત્રો' બનતાં ગયાં છે. મહાઆર્થિકસત્તાના દૌરમાં, એક નાગરિકથી બીજા નાગરિક વચ્ચેના વ્યવહારો પણ
મહાસત્તાના સમયના વ્યવહારો કરતાં સાવ જ જૂદા પ્રકારના થવા લાગ્યા હતા.
આ અસામાન્ય કક્ષાનું એકીકરણ મહાઆર્થિકસત્તાના યુગને
મહાસત્તાના સમયથી અલગ પાડે છે. ….અને
તેમ છતાં, આજની વ્યવસ્થા એક
મહત્ત્વની બાબતમાં મહાસત્તાના યુગની એક મહત્ત્વની લાક્ષણિકતાનું પ્રતિબિંબ પાડે છે
: રશિયા કે ચીન જેવા કેટલાક દેશો આ નવા
સમયમાં પણ એક પક્ષની એકહથ્થુ સત્તાનાં જડબેસલાક નિયંત્રણો હેઠળ પણ નોંધપાત્ર વિકાસ
કરતા રહ્યા છે.
વૈશ્વિક વ્યાપાર અને મહત્ત્વાકાંક્ષાઓ અને રાજકીય
વિચારધારાના સંધર્ષોનું મૂળ સ્થાનક જેમ વીસમી સદીમાં યુરોપ હતું તેમ એકવીસમી
સદીમાં તે સ્થાન એશિયાનું થશે. છેલ્લાં પાંચસો વર્ષમાં પહેલી વાર, વૈશ્વિક સત્તા યુરોપ કે અમેરિકામાં નહીં પણ
એશિયામાંથી ઉદ્ભવશે.
વૈશ્વીકરણે 'શીત
યુદ્ધ'ને નિરર્થક બનાવી મૂકેલ
છે; લગભગ બધા જ દેશો એકબીજા
સાથે આર્થિક રીતે એટલી હદ સુધી નિર્ભર છે કે કોઈ પણ વ્યાપાર ભાગીદારને અવગણવા, કે એકલો પાડી દેવા કે નિર્મૂલ કરી દેવાથી, એક યા બીજી રીતે, સમગ્ર વૈશ્વિક વ્યવસ્થાના પાયા જ હચમચાવી લેવાનું જોખમ જ
સામે દેખાય.
શીત યુદ્ધના બચ્યાખુચ્યા ટુકડાઓ મહાઅર્થિકસત્તાઓના
સમયના દ્યોતક હતા તે જેમ કોઈ કલ્પી નહોતું શક્યું, તે જ રીતે આવનારાં વર્ષોમાં ભૂરાજનૈતિક ચિત્ર કેમ ખીલતું
જશે તે કહેવું પણ અતિમુશ્કેલ જ છે. એકવીસમી સદીમાં વિશ્વ વ્યવસ્થાને ઊંડે સુધી અસર
કરે તેવાં અનેક પરિબળોમાંથી આ પાંચ વાસ્તવમાં થશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી
જણાતી :
૧.
NATO અને NAFTA
જેવી પ્રશાંત મહાસાગરને
સ્પર્શતા દેશોની વ્યવસ્થા એશિયાને પણ સ્થિર કરવામાં મદદરૂપ બનશે. એશિયાના લોકશાહી
દેશોનું સંકલન ચીનનાં વર્ચસ્વ સામે સંતુલિત કરનારૂં પરિબળ બની રહે.
૨.
ભારતનાં અર્થતંત્રનો જોમદાર વિકાસ અને પોતાની અર્થવ્યવસ્થાને સવળે પાટે ચડાવવામાં
અમેરિકાની સફળતામાંથી પરિણમતા કુલ આર્થિક પ્રવાહ ચીનના અર્થતંત્રને વામણું બનાવવા
માટે સક્ષમ બની શકે છે.
3. ચીન તાઈવાનને ફરીથી પોતામાં ભેળવી દેશે અને દક્ષિણ ચીન
સમુદ્ર પર પોતાનું આધિપત્ય વધારે સુદૃઢ કરી શકશે
૪.
અમેરિકા, ચીન અને ભારત સંયુક્તપણે
ઇસ્લામ આતંકવાદ સામે એક થઇને તેને મ્હાત કરશે.
૫.
ચીન લોકશાહીની નજદીક ઢળશે અને તેનાં પરિણામે વધારે ખુલ્લો સમાજ બની રહેશે.
પ્રસ્તુત પુસ્તક જ્યારે પ્રકાશિત થયું હતું ત્યારે
જેટલી પણ અભ્યાસુ સમીક્ષાઓ લખાઈ હતી તેમાં
કાચબા સમાં ભારતની સામે ચીન જેવાં સસલાંની હરિફાઈ વિષે રાઘવ બહલનાં વિશ્લેષણ અને
તારણોને શેખચલ્લીના ખ્યાલો ગણી કાઢવામાં પણ આવ્યા હતા. પરંતુ, સવાલ અત્યારે હવે એ નથી કે
મહાઆર્થિકસત્તાની દોડમાં ભારત ક્યાં કાચું પડશે. એ ચર્ચા તો હંમેશાં થતી જ રહી છે! થોડા ઘણા
શબ્દો કે પ્રાથમિકતાઓના ફરક સિવાય, એ શિખરો સર કરવા માટે ભારતની નબળાઈઓ વિષે
ચર્ચા કરવાને બદલે તેને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની અલગ વિચારધારા ભલે ધરાવતો હોય
પણ પોતે ભારતનો નાગરીક હોવાને કારણે, માત્ર
એટલાં જ કારણસર પણ, એ
નબળાઈઓને દુર કરી, આર્થિક, અને તેને પરિણામે સર્જાતાં સામાજિક કે
માનવીય પરિણામોની સંભવિત હરણફાળ સિદ્ધ કરવામાં
પોતે જેટલું યોગદાન આપી શકે તે આપવા માટે કર્મબદ્ધ બને તે વધારે મહત્ત્વનું
છે.
પુસ્તકપ્રકાશિત થયું ત્યારથી માંડીને આજ સુધીના બે
વર્ષ જેટલા ગાળામાં પણ અમેરિકા કે ભારત કે ચીનના આર્થિક-રાજકીય-સામાજિક મચ પરના
ખેલની ભજવણીમાં બહુ જ અણધાર્યા અને અવનવાં તત્ત્વો ભળી ચૂક્યાં છે, જેને કારણે મૂળ સ્ક્રિપ્ટને ઓળખવી પણ મુશ્કેલ થવા
લાગ્યું છે. આ પ્રકારની ગતિશીલ, સંકુલ
સંભાવનાઓને પહેલેથી જ પારખવાની, તેનો
પડકાર બીજા દેશો કરતાં વધારે સારી રીતે ઝીલવાની પોતાની મંઝિલ ભારતે સિદ્ધ કરવાની
છે. મંઝિલનો માર્ગ ખરેખર ટળવળાનારો છે. પણ જીવનમાં એક જ વાર આવી તક મળતી હોય છે તે
પણ એટલું જ સાચું છે. ભારતની વર્તમાન પેઢી માટે આ કરો યા મરોની સ્થિતિ છે. જે કંઇ
પ્રયાસો તે કરશે તેનાં પરિણામોથી ભારત મહાઆર્થિકસત્તા બને કે ન બને,પોતાના જ સમયમાં તેનાં ફળ ચાખવા મળે કે ન મળે, કમ સે કમ આવનારી પેઢીઓ માટે તેમણે આ મંઝિલ સિદ્ધ તો
કરવી જ રહી. પોતાના ખભા પર એ જવાબદારીની ધુંસરી નંખાઈ જ ચૂકી છે, હવે તો મંઝિલને પામવી એ જ એક, અને
એક માત્ર, ધ્યેય જ આપણો જીવનમંત્ર
બની રહેવો જોઈશે.