Showing posts with label The Winter Chill. Show all posts
Showing posts with label The Winter Chill. Show all posts

Sunday, August 17, 2025

જગદીશ પરીખ તેમના BITSના ૧૯૭૩-૧૯૭૫ના સમય દરમ્યાનના રાજસ્થાનની ડિસેમ્બર મહિનાની ઠંડીના પરચાને યાદ કરે છે.

જગદીશ પરીખ મારા એલ ડી એન્જિનિયરિંગના સહપાઠી અને મિત્ર છે. બીઆઈટીએસ, પિલાણીના રહેવાસની મારી યાદોનાં 'શિયાળાની હાડ સોંસરવી ટાઢ' પરનું વૃતાંત વાંચીને તેમને પણ ૧૯૭૩ - ૧૯૭૫ દરમ્યાન તેમના બીઆઈટીએસના રહેવાસના સમય દરમ્યાન ત્યાંની ઠંડીનો થયેલો સાવ અકલ્પ્ય પરચો યાદ આવી ગયો.

એ ઘટનાના વર્ણન સાથે જગદીશ પરીખ તેમની અન્ય યાદો પણ અહીં રજૂ કરે છે.....


૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પુરું કર્યા પછી, મેં ૧૯૭૨માં BITS પિલાની રાજસ્થાનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે જવાનું નક્કી કર્યું. તે સમયે હું જે નોકરી કરી રહ્યો હતો તે મને ખૂબ જ જણાતી હતી, એટલે લગભગ અચાનક જ કહી શકાય એમ  મને લાગ્યું કે મારે આગળ અભ્યાસ કરવો જોઈએ. જોકે આજ સુધી હું સમજી શક્યો નથી કે જ્યાં પહોંચવું થોડું મુશ્કેલ હતું એવાં દુરનાં કહી શકાય એવાં પિલાની જેવાં સ્થળે અભ્યાસ કરવા કેમ ગયો.  જો મને બરાબર યાદ હોય તો તેમાં કેટલીક પ્રવેશ પરીક્ષા આપવી પડી હતી. પરંતુ, એકંદરે, BITS માં, પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે પ્રવેશ મેળવવામાં બહુ મુશ્કેલી ન પડી.

તે સમયે મિકેનિકલ શાખાના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં અમારા વર્ગમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હતા. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવાનો અને ગુજરાતની બહાર કોઈ જગ્યાએ ભણવા જવાનો આ મારો પહેલો અનુભવ હતો. તેથી શરૂઆતના દિવસોમાં થોડો ડર રહેતો હતો. પરંતુ ધીમે ધીમે, હું વર્ગખંડનાં અને છાત્રાલયનાં સારા વાતાવરણ સાથે અનુકૂલન કરી શક્યો. અહીં જે અભ્યાસક્રમો હતા તે ગ્રેજ્યુએશન દરમિયાનના અમારા ભ્યાસક્અક્રમો કરતાં ખાસ્સા જૂદા હતા. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે BITS ના અભ્યાસક્રમો અમેરિકા સ્થિત કેટલીક યુનિવર્સિટીઓ સાથે સુસંગત હોવાને કારણે આધુનિક પણ હતા. જો કોઈ ખાસ વિકલ્પ તરીકે પસંંદ કરે તો ઓપરેશન્સ રિસર્ચ જેવા વિષયો વાસ્તવિક જીવનની એન્જિનિયરિંગ / અન્ય પ્રકારની સમસ્યાઓ ઉકેલવા માટે બહુ વ્યવહારુ અભિગમ શીખવાડતા હતા.  તે ઉપરાંત, ઈલાસ્ટિસીટી અને પ્લાસ્ટિસિટીના સિદ્ધાંત, એડવાન્સ્ડ હીટ ટ્રાંસફર, કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયરીંગ વગેરે જેવા પરંપરાગત કહી શકાય એવા કેટલાક અન્ય વિષયો પણ હતા. શરૂઆતમાં આ વિષયો શીખવામાં થોડું મુશ્કેલ લાગ્યું પરંતુ ધીમે ધીમે ફાવી ગયું.

વિદ્યાર્થીઓની હડતાળ

૧૯૭૩ ના પ્રથમ સેમેસ્ટરના અંતમાં, પોતાની કેટલીક માગણીઓના ટેકામાં વિદ્યાર્થીઓ દ્વારા મોટી હડતાળ કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંઘ દ્વારા મૅનેજમૅન્ટ પાસે આ  માંગણીઓ પૂરી કરવા માટેનાં દબાણ સામે સંસ્થાના ડાયરેક્ટર પણ  મોટાભાગની માંગણીઓ પર આટલી સરળતાથી ઝૂકવા તૈયાર નહોતા. અભ્યાસ કાર્ય તો સાવ સ્થગિત કરવામાં આવ્યું હતું. અમારા જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તે હડતાળને અનુસરવામાં બહુ સક્રિય નહોતા, પરંતુ બાકીના વિદ્યાર્થીઓની સામે જઈને અભ્યાસ શરૂ કરી શકે તેવો કોઈ રસ્તો પણ નહોતો.  આ સંજોગોમાં અમને એમ જણાતું હતું કે હડતાળ ખૂબ લાંબી ચાલશે. સમય પસાર કરવા, અમે પત્તા વગેરે રમતા. મેસ અને કેમ્પસની અન્ય સુવિધાઓ ચાલુ હતી એટલે રોજબરોજ જીવન વ્યવસ્થા બાબતે બીજી કોઈ સમસ્યા નહોતી.

નાસી છૂટવાની યોજના

અમારામાંથી મોટાભાગના લોકો જે હડતાળમાં બિલકુલ સક્રિય નહોતા, તેઓ હડતાળ પૂરી થાય ત્યાં સુધી તેમના માતાપિતા સાથે રહેવા માટે કેમ્પસ છોડીને તેમના વતન જવા માંગતા હતા. પરંતુ, જો ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે કેમ્પસ છોડીને જતા રહે તો હડતાળ તુટી પડે એવી માન્યતા અનુસારવિદ્યાર્થી સંઘ દ્વારા કેમ્પસ છોડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એક મહિનાથી વધુ સમય આમ ને આમ જ પસાર થઈ ગયો, પણ હડતાળનો અંત નજીક દેખતો નહતો. એટલેઅમે, થોડા ગુજરાતીઓના કે જૂથે, એક પછી કેંમ્પસમાંથી બહાર જવા માટેની, વિદ્યાર્થી સંઘના પ્રતિનિધિઓની જલદી નજરે ન ચડે એવી, જગ્યાએથી ગુપ્ત રીતે કેમ્પસ છોડીને નાસી જવાનું વિચાર્યું.

અમે સાંજે પાંચ વાગ્યે નીકળીને કેમ્પસથી એક કિલોમીટર દૂર એક જગ્યાએ ભેગા થવાનું આયોજન કર્યું. ત્યાં બધા ભેગા થઈએ એટલે રણ જેવા પ્રદેશમાં થોડું ચાલી નાખીએ તો બસ પકડીને  બીજા દિવસે સવારે અમે અમદાવાદ તરફ જતી ટ્રેન પકડી શકીએ એવાં સ્થળે પહોંચી શકીશું એવી અમારી ગણતરી હતી.  અમારે ખાસ્સું લાંબું ચાલવું પડે એમ હતું એટલે શરીરે જેટલાં વીંટાળી શકાય  એટલાં ગરમ કપડાં પહેર્યા સિવાય અમે વધારે સામાન સાથે નહોતો રાખ્યો. ખીસ્સામાં વાટખર્ચી પુરતા પૈસા રાખ્યા હતા. અમે રસ્તામાં કંઈ ખાઈ લઈ શકાય એવું પણ સાથે નહોતું રાખ્યું. અમે લગભગ ૧૦ ગુજ્જુઓ હતા. ડિસેમ્બર મહિનાની સાંજના છએક વાગ્યે અમે ચાલવાનું શરૂ કર્યું.

યોજના નિષ્ફળ ગઈ

એકાદ કલાક ચાલ્યા પછી અમે થાકવા લાગ્યા. હવે અંધારું પણ થઈ ગયું. ધીમે ધીમે બધાને ખ્યાલ આવવા લાગ્યો કે આપણે જે જગ્યાએ પહોંચવા માગતા હતા એ રસ્તો તો આપણે ચુકી ગયા છીએ. કોઈને ખબર નહોતી પડતી કે અમે કઈ દિશામાં જઈ રહ્યા છીએ! રાત્રે આઠ સાડા આઠ વાગી ગયા. અમે બધા હવે એટલા ડરી ગયા હતા કે જો આપણને આશ્રયસ્થાનમાં સૂવાની જગ્યા નહીં મળે તો આપણે આવી કડકડતી ઠંડીમાં રાત કેમ કરી કાઢી શકીશું. હવે તો અમને ભૂખ પણ લાગવા લાગી હતી. પરિણામે પુરતું વિચાર્યા વગર નીકળી પડવા માટે અમે લોકો એકબીજાને દોષ આપવા લાગ્યા. અમારાં જૂથની જેઓ નેતાગીરીમાં હતા તેમના પર તો બધા તૂટી જ પડ્યા. 

રાતનું તાપમાન તો ૨ સે. જેટલું થઈ જતું હતું. એટલે જો કોઇ આશ્રયસ્થાને પહોંચ્યા વિના ચાલવાનું બંધ કરી દઈએ તો આ કાતિલ ઠંડીમાં શું હાલ થઈ શકે એ વિશે બીહામણા વિચારો અમરા મનમાં આવવા ગાયા હતા.  જોકે ચાલતા રહેવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.  સદનસીબે, એકાદ કિલોમીટર જેટલું આગળ ગયા હશું ત્યાં અમારામાંના  એકે  સો દોઢસો મીટર દૂર ઝાંખો પ્રકાશ જોયો. અમારામાં થોડા હોશ આવ્યા. અમે બધા તે દિશામાં ચાલવા લાગ્યા.  અમને હવે એક જ આશા હતી કે એ જગ્યાએ કોઈ રહેતું અને અને  અમને મદદ મળી જાય તો બચી શકીશું. 

અમે એ જગ્યાએ પહોંચયા ત્યારે રાતના નવેક વાગ્યા હશે. બાર પંદર કિલોમીટર પછી અમારી જે વલે થઈ ગઈ હતી તે જોઈને જ ત્યાં રહેતાં ખેડૂત પરિવારને અમારા પર દયા આવી જ ગઈ હશે. અમે જ્યારે જણાવ્યું કે અમે પિલાની કોલેજના વિદ્યાર્થીઓ છીએ અને અમદાવાદની ટ્રેન પકડવા માટે નીકળ્યા પછી રસ્તો ભુલી ગયા છીએ, તેથી તેઓએ અમારી સાથે બહુ જ સારો વ્યવહાર કર્યો. અમને ગરમ ગરમ ખાવાનું બનાવી આપ્યું અને બધાં વચ્ચે ઓઢવાનું થોડાં ગરમ ધાબળા વગેરે આપીને સુવાની વ્યવસ્થા કરી આપી. મને નથી લાગતું કે તે સમયે અમારામાંથી કોઈને પણ આજની રાત બચી ગયા તે સિવાય બીજી કોઈ વાતની ચિંતા કરવાની પરવા હતી ! બીજા દિવસે સવારે, અમને ચા અને નાસ્તો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અમે જે સ્થળે હતા તે અમે જ્યાં જવા માગતા હતા તેનાથી બહુ દૂર હતું. પણ એ દિવસે સાંજે જ કોલેજમાં હડતાલ  સમાપ્ત થઈ ગઈ હતી. અમને ત્યારે સમજાયું કે વિદ્યા સંસ્થા તરીકે પિલાનીનું આસપાસનાં લોકોમાં કેટલું  સન્માનીય સ્થાન હશે. હડતાલ સમાપ્ત થયાના સમાચાર આ લોકોને પણ સાંજે જ મળી ગયા હતા.

અમે લોકોએ એમનો આભાર માન્યો અને બસ પકડીને પાછા કેમ્પસ પહોંયા. અમારી મુર્ખામીની વાત સાંભળીને હૉસ્ટેલના બીજા મિત્રોએ અમારી પેટ ભરીને ઠેકડી ઉડાવી. કદાચ, અમારા નિષ્ફળ પરાક્રમ(!)ના સમાચાર આખી ઈન્સ્ટિટ્યુટમાં ફેલાઈ ગયા હશે. હડતાળ સમાપ્ત કરવાનાં સમાધાન અનવ્યે  સંસ્થાના બધા વિદ્યાર્થીઓને તેમના વતન જવાની મંજૂરી આપવામાં આવી.  એ જ  રાત્રે અમે ફરીથી અમારા સામાન વગેરે સાથે કેમ્પસના અધિકૃત ગેટ દ્વારા બસ સ્ટેશન જવા માટે રવાના થયા.

મારા જીવનનો સૌથી યાદગાર અનુભવ હતો જ્યારે મને લાગ્યું કે, જાણે અમે બધા બીજા દિવસેની સવાર નહીં જોઈ શકીએ.

એક સુખદ યાદ

આ દુઃખદ યાદની સામે એક બીજી સુખદ યાદ પણ છે. અમારા જૂથના પાંચ મિત્રોના જન્મદિવસ અગિયાર દિવસના ગાળામાં જ આવી જતા હતા. સૌથી પહેલો જન્મ દિવસ ૩૦ ઓગસ્ટના પડતો અને છેલ્લો જન્મદિવસ ૯ સપ્ટેમ્બરના ! આ જન્મદિવસોની ઉજવણી અમે (કેમ્પસના) કૉનૉટ પ્લેસ બજારમાં જઈ એકએક રસ મલાઈ ખાઈને કરતા. આમ તે અગિયાર દિવસમાં અમે પાંચ વખત રાસ મલાઈ ખાતા હતા.

રમત ગમત

કેમ્પસમાં અમે જે રમતો રમતા હતા તેમાં ક્રિકેટ, બ્રિજ અને ચેસ મુખ્ય હતી . હું અમારા જૂથના મિત્રોને સારી રીતે બ્રિજ રમવાનું શીખવતો હતો  લોકોને મારી પાસેથી બ્રિજ રમવાનું શીખવાનું ખૂબ ગમતું હતું. ચેસ રમવામાં મારી પહેલેથી જ સારી ફાવટ હતી. નિયમિત રીતે આંતર હોસ્ટેલની ચેસ ટુર્નામેન્ટમાં હું જીતતો હતો. 

પ્રેક્ટિસ સ્કૂલ

અભ્યાસક્રમના ભાગ રૂપે અમારે ત્રણ સેમેસ્ટર કેમ્પસમાં ભણ્યા પછી  ચોથા સેમેસ્ટરમાં, કોઈ એક ઔદ્યોગિક સાહસમાં પ્રાયોગિક અનુભવનું વ્યવહારૂ જ્ઞાન લેવાનું હતું. આ વ્યવસ્થાને પ્રેક્ટિસ સ્કૂલ કહેવામાં આવતી હતી. અમને રેનુકૂટ સ્થિત બિરલા ગ્રૂપના એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સના પ્લાન્ટમાં મોકલવામાં આવ્યા. આ એકમ હિન્ડાલ્કોની એક પ્રશાખા હતી. રેનુકૂટ એક હિલ સ્ટેશન જેવું સ્થળ હતું જ્યાં મનોહર કુદરતી સૌંદર્ય ભર્યું હતું. રહેવા માટે અમને કંપનીના ગેસ્ટ હાઉસમાં સગવડ કરી અપાઈ હતી. કુદરતી સૌંદર્યમાં ફરવાનું ગેસ્ટ હાઉસનું સ્વાદિષ્ટ ખાવાપીવાનું મળવાની ઉપરાંત સ્ટાફ ક્લબમાં પણ અનેક પ્રવૃતિઓની મજા અમે માણી. હિન્ડાલ્કોના સ્ટાફના પરિવારો ક્લબમાં તહેવારો ઉજવતા  તેમાં અમને પણ શામેલ કરાતા. આમ જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિના ત્યાં રહેવાનો અમે ખરેખર આનંદ માણ્યો. 

Sunday, February 2, 2025

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - બીઆઈટીએસ, પિલાણીના રહેવાસની મારી દિનચર્યા - શિયાળાની હાડ સોંસરવી ટાઢ

 અમારાં પહેલાં વેકેશન માટે ઘર ભણી જવાની તૈયારીઓ ચાલતી હતી તે સમયે અમારા અનુભવી સહપાઠીઓએ અમને પહેલી વાર પિલાણી આવેલાઓને સૂચના આપી દીધેલી કે અહીંનો શિયાળો બહુ આકરો હોય છે. એટલે પાછા ફરતી વખતે ઓઢવા પહેરવાનાં પુરતાં ગરમ કપડાં સાથે લઈ આવજો.  બહુ ચોખ્ખા શબ્દોમાં વધારે સ્પષ્ટતા કરતાં કહેલ કે બે એક સરખાં જાડાં આખી બાંયનાં સ્વેટર, એકાદું અર્ધી બાયનું સ્વેટર અને બે એક જાડી રજાઈ તો કમસે કમ લઈ જ આવવાં.

દસ બાર દિવસ પછી હું જ્યારે પાછો ફર્યો ત્યારે નવસારીમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું હતું. શિયાળો હજુ દોઢેક મહિનો દૂર હતો. એટલે વાતાવરણમાં હજુ ગુલાબી ઠંડી પણ શરૂ નહોતી થઈ. એટલે નવસારીની બજારમાં સ્વેટર શોધવામાં મારે સરખો પરસેવો પાડવો પડેલો’. (!)  ખેર, મારી પાછા ફરવાની મુસાફરીમાં મારી સાથે (મારાં માએ હાથે વણેલ) અર્ધી બાંયનું એક સ્વેટર, (નવસારીની બજારમાંથી ખરીદેલ) એક આખી બાંયનું સ્વેટર, ઘરમાં હતી તેમાંથી જાડામાં જાડી કહી શકાય એવી એક રજાઈ અને (ગુજરાતમાં દેખાવ માટે પહેરાય એવી) એમ શાલ સાથે હતાં. 

પિલાણીની ઠંડીનો મને પહેલો પરિચય તો હું પહેલાં જ એ મુસાફરીના અંતમાં જ થઈ ગયો હતો. એ તો હજુ ઓક્ટોબર મહિનો હતો. પિલાણી પહોંચતાં સુધી તો દિવસનો તડકો હતો એટલે મેં કઈ જ ગરમ પહેર્યું નહોતું. બસ સ્ટેન્ડથી ઉતરીને પેડલ રિક્ષામાં રૂમ પર પહોંચતાં માડ દસેક મિનિટ થઈ હશે. હોસ્ટેલ પર પહોંચીને હું પહેલાં તો નાહયો અને પછી અમે બધા મેસમાં સાથે જમવા ગયા, પણ એ દિવસે આખી રાત મને ઝીણો ઝીણો તાવ રહ્યો. બીજે દિવસે નાસ્તો કરતી વખતે આ વાત મેં કરી ત્યારે મને ચોખ્ખા શબ્દોમાં સમજાવાઈ ગયેલું કે તારી એ ગુજરાતી છાપ’ બહાદુરી (!) અહીં નહીં ચાલે. અત્યારે દિવસે પણ સ્વેટર પહેરીને ફરતાં લોકો કંઈ મુરખ નથી ! સાંજ ઢળવાની ચાલુ થાય તે સાથે જ ઉષ્ણતામાન સીધું દસબાર અંશ ગગડી જતું હોય છે.

શિયાળામાં તો વહેલી સવારે જ પિલાણીની ઠંડીનો અનોખો પરચો મળી હતો. આખી રાતની ઠંડીમાં ઠરેલ મુખ્ય બ્લોકની પરસાળો તો શીતાગાર જ બની જતી. સ્વરાના સાડા આઠ વાગ્યાનો પહેલો પિરિયડ ભરવા જતી વખતે એ પરસાળમાંથી પસાર થતાં જે થોડી મિનિટો ગાળવી પડે એ તો જાણે સીતમ ગુજારાતો હોય એવું જ લાગતું. સવારે નાસ્તામાં ત્રણેક ગ્લાસ ગામ ગરમ ચા ગટગટાવી હોય એ પણ કદાચ અન્નનળીમાં થીજી જતી હશે(!).      

સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શનિવારે અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અને સ્ટાફા પરિવારો માટે રવિવારે સાંજે યોજાતા ફિલ્મ શો સમયે બધાં એકાદ રજાઈ ઓઢીને જતાં હોય એ દૃશ્ય પહેલા શિયાળામાં મારા માટે એક વધારે કૌતુક હતું. જોકે પાછા ફરતી વખતે જ જે ઠંડી હોય તેને પરિણામે આમ કરવું એ અહીંની ઠંડીમાં જરા પણ અજુગતું નહોતું એ સમજતાં જરા પણ વાર નહોતી લાગી.  


નવસારી -પિલાણી મુસાફરીના ત્રીજા વિકલ્પના અનુભવ સાથે રાજસ્થાનની ખરી ઠંડીનો પરચો નાતાલના વેકશન માટે નવસારી જતાં થઈ ગયો. પિલાણીમાં ભણતા અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે થયેલ પરિચયને કારણે જાણવા મળ્યું કે દિલ્હી-અમદાવાદ મીટર ગેજ લાઈન પરનાં નીમ કા થાના સ્ટેશનેથી રાત્રે ૧૧ વાગ્યે દિલ્હી એક્ષપ્રેસ મળે જે બીજે દિવસે બપોરે અમદાવાદ પહોંચાડે. એ દિવસો ભરપુર શિયાળાના હોય, એટલે જેટલાં ગરમ કપડાં અને ઓઢવાનાં હોય તે લઈને આવવું એવી એ મિત્રોની સલાહ, ખરેખર તો ચેતવણી જ, હતી. મારી પાસે તો એ સમયે  એક સ્વેટર અને એક પાતળી રજાઈ અને ઘરેથી લાવેલ એક ચાદર અને શાલ જ હતાં. લગભગ નવેક વાગ્યે પિલાણીથી બસમાં ઉપડ્યા પછી ૧૦ વાગ્યે તો નીમ કા થાના સ્ટેશનનાં ખુલ્લાં પ્લેટફોર્મ પર બધા ખડકાઈ ગયા. ટ્રેન આવતાં પહેલા પ્લેટફોર્મ પર જ જે એકાદ કલાક જે બેઠી ઠંડી અનુભવી છે તેણે તો ત્રણચાર ડિગ્રીની ઠંડી કોને કહેવાય તેનું પ્રત્યક્ષ ભાન કરાવી દીધું.

પરંતુ એ ઠંડી હજુ એમ કંઈ પીછો છોડવા નહોતી માગતી. ટ્રેનમાં દાખલ થયા પછી સીટ તો, વહેલી સવારે, છેક જયપુરથી મળી. એટલે બાકીની રાત પણ કૉચના બે દરવાજા વચ્ચે બેસીને જ ઠુંઠવાવાનું હતું. થોડી મોડી સવારે અજમેર આવ્યું ત્યારે નીચે ઉતરીને સામે દેખાતી ચાની લારીએ કંઈક હુંફ મળવાનો સધિયારો આપ્યો. ગરમ ગરમ સમોસા અને પકોડાંની બ્બે ડીશ સાથે બે-ત્ર કપ ગરમ ચા મળી એટલે શરીરમાં લોહી ફરતું થયું હોય એવું જણાવા લાગ્યું. જોકે ચેતનનો પુરેપુરોહેસાસ તો બપોરે પાલનપુર પહોંચ્યા બાદ જ આવ્યો.

એ રાતના ઠંડીના અનુભવે મને આ પહેલાં અનુભવી ચુકેલ ગજરાતની બે ઠંડી રાતોની યાદ આવે છે.

પહેલો અનુભવ  જ્યારે હું નવેક વર્ષનો હતો ત્યારનો છે. એ સમયે અમે રાજકોટ રહેતાં હતાં. એ દિવસોમાં રાજકોટમાં સર્કસ આવેલું. હું અને મારા માસીના દીકરા (નરેશ માંકડ)  રાતના નવ થી સાડા અગિયારના છેલ્લા શોમાં સરકસનો ખેલ જોવા ગયેલા. શો છૂટ્યો અને અમે જેવા ખુલ્લા મેદાનમાં આવ્યા તે સાથે જ અમને ખ્યાલ આવ્યો કે બહાર તો બહુ ઠંડી છે. થોડું ચાલ્યા એટલાં તો એટલી ઠંડી લાગવા લાગી કે ઘર સુધીના બે એક કિલોમીટર અમે દોડીને પહૉચી જવામાં જ અમારી ભલાઇ છે છે તે સમજાઈ ગયું.

બીજો અનુભવ થયો એવી જ એક શિયાળાની રાતે નળ સરોવર પર. એલડીનાં બીજાં કે ત્રીજાં વર્ષની એ વાત હશે. અમે કેટલાક મિત્રો નળ સરોવરની પિકનિક પર ગયા. પરોઢ પહેલાં સરોવર પર આવેલાં યાયવર પક્ષીઓ જોવા મળે એટલે અમે રાતવાસો પણ ત્યાં જ કરવાનું નક્કી કરેલું.  એ દિવસે બહુ મુસાફરો હશે એટલે અમને ઢંગના કોઈ સ્થળે રહેવાની જગ્યા ન મળી, એટલે કોઈક ખેતરનાં એક ઝુંપડામાં અમે આશરો લીધો. ઠંડી તો કહે મારૂં કામ! એટલે બારેક વાગ્યા સુધી તો અમે રમતો રમીને, વાતો કરીને સમય પસાર કરી લીધો. પણ પછી જેવા સુતા તેવું ઠંડીનું કાતિલ સ્વરૂપ અનુભવાવા લાગ્યું. ખાસ કંઈ ઓઢવાનાં પાથરવાનાં તો સાથે લઈ નહોતા આવ્યા. એટલે એકાદ કલાકમાં જ સમજાઈ ગયું કે આ ઠંડીમાં ઊંધી ગયા તો સવારે બરફનું ઢીમચું જ બની જશું. પહેલાં તો બબ્બે જણા એકબીજાની બાથની હુંફમાં સુવાની કોશીશ કરી. પછી ધીમે ધીમે બેના ત્રણ અને ત્રણના ચાર એમ બધા એકબીજાને વળગી ગયા. જેમતેમ કરીને ચારેક વગાડ્યા હશે! પછીતો અમે જ જઈને પક્ષીઓને જગાડ્યાં!!.   

જોકે નીમ કા થાનાથી અજમેર સુધીની મુસાફરીની ઠંડીની સરખામણીમાં તો આ બન્ને અનુભવો જાણે હીટરમાં એ રાતો ગાળી હશે એવું જ લાગે છે ! આ લખતાં લખતાં પણ એ રાતની ઠંડીની યાદ આવે છે તો શરીરમાંથી શીત લહરનું લખલખું પ્રસાર થઈ જાય છે.

નીમ કા થાનાની એ રાતે ઠંડી (શાબ્દિક અને ખરેખર, એવા શ્લેષ અર્થમાં) શીખ આપી કે જે લોકો ઈતિહાસમાંથી કંઈ શીખતાં નથી તેમની સાથે ઈતિહાસ ઠંડે કલેજે દોહરાય છે. એ વેકેશનથી પાછો ફર્યો ત્યારે, ઓછામાં ઓછા સામાનથી મુસાફરી કરવાનો આગ્રહ ધરાવતો હું બીજું એક સ્વેટર, દિગ્જામનો વુલન બ્લેંકેટ અને કચ્છની જાડાં ઉનની ધાબળી મારા સામાનમાં ઊંચકી લાવ્યો હતો !

  પછી તરત અમે દિલ્હીમાં યોજાયેલ એશિયાડ રમતો સમયે દિલ્હીની ટુંકી સફરે ગયેલા. તકનો લાભ લઈને મેં એક આખી બાંયનું સ્વેટર, ઉનનાં હાથમોજાંની એક અને ચામડાના હાથમોજાંની બીજી એક જોડી પણ ખરીદી લીધેલ. પછીનાં વર્ષોમાં શિયાળામાં સ્કુટર પર વટવા જતી વખતે ઉનનાં હાથમોજાં  મેં ઘણો સમય સુધી વાપર્યાં હતાં.