Showing posts with label કીર્તિ ખત્રી : 'કલમ કાંતે કચ્છ'. Show all posts
Showing posts with label કીર્તિ ખત્રી : 'કલમ કાંતે કચ્છ'. Show all posts

Monday, January 12, 2015

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૯ : વાહ કચ્છીયતને

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમની 'કચ્છમિત્ર'ની કારકિર્દીને 'સાતત્યપૂર્ણ સર્જનયાત્રા'ના સ્વરૂપમાં પોતાના સ્વાભાવિક્પણાંથી જ સંકોરી છે. એટલે આ સમય દરમિયાન તેમની સામેથી પસાર થયેલા કચ્છના પ્રાણપ્રશ્નોને તેમણે જાગૃત અને નિર્ભીક પત્રકારની જ હેસિયતથી વાચા તો આપી જ છે, પણ મૂળભૂત વિશ્લેષણો,ઉકેલોનાં વિવિધ પાસાંઓની અપેક્ષિત અને અનપેક્ષિત અસરો અંગેનાં તારણો અને મંતવ્યોને પૂર્ણતયા વિધેયાત્મક ભાવથી એક અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટિવંત કચ્છી માડુના લાગણીશીલ અભિગમથી પ્રતિબિંબીત પણ કર્યાં છે. 'તેઓનું આ સર્જન માત્ર પ્રાસંગિક પૂરતું જ સીમિત નથી (રહ્યું), પણ કચ્છને સાચી રીતે ઓળખવા...માટેનું.. ભાથું..તેમાં સમાયેલું છે.'

હાલ પૂરતું, આ સમગ્ર સાગરમાંથી મંથન કરીને શ્રી માણેકલાલ પટેલે ૮+૧ એમ ૯ પુસ્તકોના સ્વરૂપે કરેલ સંપાદન 'કલમ કાંતે કચ્છ' શીર્ષક હેઠળ પ્રકાશિત થયું છે. ગ્રંથ શ્રેણીના પહેલાં પુસ્તક 'માણસવલો કચ્છી માડૂ : કીર્તિ ખત્રી' એ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલા અનેક લોકોએ રજૂ કરેલાં શબ્દચિત્રો છે. કીર્તિભાઇની ક્ચ્છ બહારની થયેલી સફર દરમ્યાન કીર્તિભાઇની એક જિજ્ઞાસુ અને બીજી અભ્યાસુ આંખે જે 'જોયું, જાણ્યું ને લખ્યું' , તે શ્રેણીનાં બીજાં પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ થયેલ છે. જ્યારે કચ્છના પ્રાકૃતિક અને માનવસર્જિત પ્રશ્નો છ વિષયવાર વહેંચાયેલ પુસ્તકોમાં આવરી લેવાયા છે. આજે આપણે 'કલમ કાંતે કચ્છ' ગ્રંથશ્રેણીના નવમા પુસ્તક "વાહ કચ્છીયતને"નો પરિચય મેળવીશું.

પ્રસ્તુત પુસ્તકના સંપાદક શ્રી માણેકલાલ પટેલ પુસ્તકનાં થીમ વિષે લખે છે :'અભાવની સંસ્કૃતિની દેન સમી કચ્છીયતને ઉજાગર કરતા અનેક લેખ કીર્તિભાઇએ તેમની સાડા ત્રણ દાયકાની કારકીર્દિ દરમ્યાન સતત લખ્યા છે. આ પુસ્તકમાં કચ્છીયતનાં ઓવારણાંની સાથે સાથે સમયાંતરે કચ્છી નેતાઓ તેમ જ અન્ય સામાજિક શ્રેષ્ઠીઓને અંજલિ આપતી ટૂંકી નોંધ સમા અગ્રલેખો અને લેખોનોયે સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.'

પુસ્તકમાં ૨૨૪ પાનાંઓમાં ૭૭ લેખોમાં વિવિધ પાસાંઓની નોંધ લેવાઇ છે. આ પૈકી ૨૨ લેખો -"ભારતના આર્થિક આયોજનના કચ્છી પ્રણેતા" કે ટી શાહ, "કચ્છના પર્યાવરણના સાચા હામી મ.કુ.હિંમતસિંહજી “, “પત્રકારિત્વ અને સાહિત્યસર્જનમાં સિદ્ધિને શિખરે પહોંચનાર હરીન્દ્ર દવે, ‘વાસવાણી' શૈલીના અનોખા કટારલેખક ડૉ. હરીશ વાસવાણી, “કચ્છીયતને પિછાણનાર અધિકારી” માહેશ્વર શાહુ,(પૂર્વાશ્રમના ભરત ત્રિપાઠી "ખારા" સાહેબ)'માનવતાવાદી સ્વામી' તદ્રૂપાનંદ સરસ્વતીજી, “મારા 'અધા' જયંત ખત્રી”,''કચ્છમિત્ર'ના સ્વપ્નદૃષ્ટા "પ્રવીણચંદ્ર ગાંધી',હરિભાઇ કોઠારી, “કચ્છના હામી, ડૉ. મહિપત મહેતા”, “'પ્રખર વક્તા અને જિંદાદીલ રાજકારણી : ધીરુભાઇ શાહ”, શાકભાજી વેચીને પેટિયું રળતાં રતનબેન સોરઠિયા,ડૉ. મનુભાઇ ભીમરાવ પાંધી, “કચ્છ સંસ્કૃતિના મોભ : દુલેરાય કારાણી”, “પત્રકારિત્વ ક્ષેત્રના પ્રારંભકાળના યોદ્ધા : ફૂલશંકર પટ્ટણી”', “કચ્છીયતના સંન્નિષ્ઠ પૂજારી : રામસિંહજી રાઠોડ”, “જેમની 'ક્લિક'થી તસવીર બોલી ઊઠતી” (એવા ) દિનેશ છત્રાળા, ''મુડ઼્સ માડુ”પ્રાણલાલ શાહ, “કચ્છના મોભી”કાંતિપ્રસાદ અંતાણી, જેમના જવાથી “કચ્છ ક્રિકેટ રાંક બને છે”એવા ડૉ. એમ એમ રાજારામ, “માંડવીના 'જગડુશા”' ગોકુલદાસ ખીમજી મસ્કતવાલા, “ શાહ સોદાગર કલ્યાણજી ધનજી શાહ, “ મૃત્યુના ઓછાયા વચ્ચે જિંદગીની વાત “'કરતા કુંદનલાલ ધોળકિયા, “કચ્છનું ગૌરવ કાન્તિસેન (શ્રોફ) 'કાકા' જેવા - વિવિધ ક્ષ્રેત્રોની વ્યક્તિઓના સંદર્ભમાં લખાયા છે. અહીં એ વ્યક્તિઓનાં કચ્છ માટેના વિશિષ્ટ યોગદાનની વાત કરવાની સાથે તેમનાં વ્યક્તિત્વમાં રહેલાં કચ્છીપણાને પણ બહુ જ સૂક્ષ્મપણે ઉજાગર કરાયેલ છે.

આ સિવાયના બાકી રહેતા લગભગ ૫૪ લેખોમાંથી આપણે કેટલાક લેખોનો ટૂંક પરિચય અહીં કરીશું.

"પંખી સેવે ઈંડું, કચ્છી સેવે વતન" (પૃ. ૨૭ -૩૦) ૧૭-૧૧-૨૦૧૩
'..લાંબા સમયથી કુદરતી આફતોએ સર્જેલી અનેક પ્રતિકૂળતાઓ અને અભાવો વચ્ચેય સ્વસ્થતાથી અસ્તિત્વ ટકાવી રાખવાની જીવનશૈલી કચ્છી માડુએ વિકસાવી છે એ જ છે એની કચ્છીયત અને એમાંથી જ ઉદ્‍ભવી છે એની ભાતીગળ સંસ્કૃતિ અને એ જ છે એની અસ્મિતા...કચ્છી માડુની સરખામણી ફિનિક્સ પંખીની સાથે થતી રહી છે. આ લખનાર કચ્છીમાડુની તુલના..કાદવવાળી દરિયાઇ ખાડીઓમાં ઊગતા ચેર (મૅન્ગ્રુવ્ઝ /Mangroves )વૃક્ષ સાથે કરે છે... તાજેતરમાં કચ્છી માડુની તુલના કુંજ પક્ષી સાથે થઇ..કુંજ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં અને પછી દેશમાં ઊડતી હોય તોયે એનું મન તો (સ્થળાંતર વખતે પાછળ મૂકી દીધેલાં) ઈંડાંમાં જ (શાબ્દિક રીતે)લાગેલું હોય છે.. કુંજની જેમ કચ્છીઓ વતનથી હિજરત-સ્થળાંતર કરીને ભલે ગમે ત્યાં વસતા હોય, પણ માનસિક રીતે વતનને સતત સેવ્યા કરે છે....દર વર્ષે અષાઢી બીજની ઊજવણી નિમિત્તે નવું કચ્છી (ભાષાનું) નાટક પેશ કરવાની પરંપરા ૨૧ વર્ષથી સતત ચાલુ રહી છે..મુંબઇ પછી ભારતનાં જુદાં જુદાં શહેરો અને કચ્છનાં પત્રી, રામપર કે વડાલા જેવાં નાનાં ગામોમાં પણ ક્ચ્છ યુવક સંઘના નેજા હેઠળ ક્ચ્છી ભાષાના પ્રસારના પ્રયોગો થાય છે તે વતનપ્રેમ અને ભાષાપ્રેમનું એક સીમાચિહ્ન છે.'
કચ્છનો શરદોત્સવ: ભાતીગળ સંસ્કૃતિની અનોખી પીછાણ" (પૃ. ૫૮ -૫૯) ૧૭-૧૦-૨૦૦૫
'કચ્છ, જેસલમેર, લડાખ કે તિબેટ, દરેક પ્રદેશ પોતાની એક આગવી પિછાણ - અનોખી સંસ્કૃતિ - ધરાવે છે. એમાં ડોકિયું કરીએ તો સામ્યતા એ નજરે પડે છે કે દરેક પ્રજા કુદરતના એક યા બીજા પ્રકારના જુલમોનો સતત સામનો કરતી રહી છે, એના પ્રભાવ હેઠળ જીવતાં-જીવતાં જ એની ભાતીગળ જીવનશૈલી ઘડાઇ છે, જે આગળ જતાં પરંપરા અને આખરે સંસ્કૃતિના રૂપમાં ઉભરી આવી છે....'
"કાશ્મીરની પાનખરમાં કચ્છની મહેક" (પૃ. ૬૦- ૬૪)
'.. તંગધાર વિસ્તાર ત્રણ બાજુ પાક કબજાગ્રસ્ત ગામોથી ઘેરાયેલો છે, અહીં ૨૦૦૫માં ધરતીકંપે તબાહી સર્જી ત્યારે કાતિલ ઠંડીમાં બરફવર્ષા થાય એ પહેલાં જ એક મહિનાની અંદર ૭૦૦૦ હંગામી નિવાસ ઊભા કરવામાં કચ્છની સંસ્થા નિમિત્ત બની ...’
"જાયકા કચ્છ કા" (પૃ.૭૦ - ૭૪) ૨૭-૫-૨૦૧૨
'રણોત્સવને પગલે બાજરાના રોટલા, ખીચડી, ડુંગળીનું શાક, છાશ અને લસણની તીખી ચટણીવાળું કચ્છી ફૂડ લોકપ્રિય બનવાની સાથે સાથે મેસૂક, ગુલાબપાક, પકવાન, અડદિયા અને મીઠો માવો જેવા મિઠાઇ-ફરસાણ ચોમેર મશહૂર થવા લાગ્યાં છે.. માંડવીની દાબેલીએ તો દેશ વિદેશમાં જમાવટ કરીને ઇતિહાસ સર્જી દીધો છે...ઓછા રોકાણે માત્ર રેંકડીના આધારે (દાબેલીનો) ધંધો શરૂ કરી શકાય છે... એના થકી રોજી રળતા લોકોની સંખ્યા લાખોમાં હશે..'
"અનોખી માલધારી સંસ્કૃતિ" (પૃ. ૮૯ -૯૨) ૦૨-૧૨-૨૦૦૯
રણ ઉત્સવ જો કચ્છના પર્યટનનો પ્રાણ હોય તો રણોત્સવનો પ્રાણ બન્ની છે, અને બન્નીનો પ્રાણ એની માલધારી સંસ્કૃતિમાં ધબકે છે. આ વિખ્યાત લોક્સંસ્કૃતિ એના વિશાળ ઘાસિયા મેદાનો અને એની આસપાસ સર્જાયેલા પર્યાવરણની દેન માત્ર છે....માલધારી સંસ્કૃતિનાં અનેક પાસાં છે, ત્યાંની ખાનાબદોશ ભાતીગળ જાતિઓની જીવનશૈલી, એમનો અનોખો પહેરવેશ, ચકિત કરી દે તેવી હસ્તકલા, ગરમ વાતાવરણ સામે રક્ષણ આપતા ભૂંગા, અનોખું સંગીત, માલધારીઓની મહેમાનગતિ અને પોતાના માલ (પશુ) પ્રત્યેનો ભાગ્યે જ જોવા મળે તેવો લગાવ. આવા અનેક પાસાંઓના એકીકરણથી બન્નીની સંસ્કૃતિનો ઉદ્‍ભવ થયો છે....આજે બન્નીની સ્થિતિ બદલાઇ ગઇ છે. એના પર્યાવરણને જફા પહોંચી છે અને તેને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં માલધારીઓના પહેરવેશ , જીવનશૈલી અને સ્વભાવ પણ બદલાય છે. તોયે હજુ માલધારી સંસ્કૃતિનો ધબકાર તો મોજૂદ છે જ...શું આ રહીસહી સંસ્કૃતિ ટકશે ખરી એવો પ્રશ્ન પુછાય છે ત્યારે એમ લાગે છે કે જો આપણે બન્નીના ઘાસિયા મેદાન બચાવી શકીશું તો સંસ્કૃતિ બચવાની શક્યતાઓ વધી જશે...બન્નીની સંસ્કૃતિ અને પરંપરા બચે એ અત્યંત જરૂરી છે.'
"ગુજરાતની તસવીરકલાની સુવર્ણ સફરમાં કચ્છનો દબદબો" (પૃ.૧૨૫ -૧૨૯) ૦૬-૦૩-૨૦૧૧
‘તસવીરકાર વિવેક દેસાઇએ ગુજરાતની સ્વર્ણિમ તસવીરી ઝલક પેશ કરતાં પુસ્તકમાં ગુજરાતની ગરવી તસવીર કલાની અડધા દાયકાની સફરનું અજોડ દસ્તાવેજીકરણ કર્યું છે... ગુજરાતના લોકજીવન, સંસ્કૃતિ અને દરિયા,રણ, નદીની પ્રાકૃતિક વિશિષ્ટતા અને વિવિધ ઉત્સવોની ઝલક પેશ કરતી ૨૩૦ લાજવાબ તસવીરો પૈકી ૪૦ તો એકલા કચ્છની છે...કુલ ૧૪ જેટલા ગુજરાતી તસવીરકારોની કચ્છ વિષયક અદ્‍ભૂત તસવીરોમાં કચ્છના આહીર, ઢેબરિયા રબારી, બન્નીના જત, હરિજન-મેઘવાળ છોકરાં, બાળાઓ અને સ્ત્રીઓ ઉપરાંત લોકજીવનને સ્પર્શતી તસવીરો છે...ખાસ ધ્યાન ખેંચે છે એલ એમ પોમલની સુરખાબનગરની ..(અને).. વિવેક દેસાઇની લૈયારી નદીની તસવીરો...'
"બાટિક કલાનો અદ્‍ભૂત ખજાનો: જાવા" (પૃ. ૧૫૩ - ૧૫૬) ૦૫-૦૨-૨૦૦૬
ક્ચ્છમાં થાય છે એ રીતે સાદું તેમ જ બ્લૉકથી બાટિક પ્રિન્ટ તો થાય જ છેપણ જેમાં વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ તાંબાના નળાકારમાં મીણ નાખીને કલાકારોને કામ કરતા જોઇએ તો આફ્રીન થઇ જવાય છે...ઇતિહાસકારો બાટિકના આરંભ બાબતે ભલે સર્વસંમત તારણ કાઢી ન શકતા હોય પણ બાટિક વિકાસનો ચંદ્ર સોળેકળાએ ખીલ્યો હોય તે માત્ર ઇંડોનેશિયાના જાવા ટાપુમાં જ છે...જેમ અજરખના છાપકામની વિશેષતા ચોક્કસ ખનિજવાળા પાણીને આભારી છે, તેમ બાટિકની વિશેષતા એમાં વપરાતા મીણના પ્રકારને આભારી છે...કચ્છના કારીગરોને જાકાર્તા અને જાવાના બાટિક ઉત્પાદન કેન્દ્રોની મુલાકાતે લઈ જવાય તો કચ્છની બાટિકકલાને નવી દિશા મળશે.'
"હસ્ત-હુન્નર કસબને ઉદ્યોગોનું છોગું" (પ્રુ.૧૬૧ -૧૬૫) ૮-૧-૨૦૧૪
'કચ્છમાં બાંધણી, અજરખ, બાટિક, ધડકીકામ, પેચવર્ક, કબીરાવર્કને સેવામૂટી, રોગાનકામ, હાથવણાત, ઊની નામદા, મશરૂઇલાયચો, જરદોસી કામ, કાપડ અને ચામડા પર ભરતકામ, રંગીન સંઘાડા કામ, માટીકામ, લીંપણકામ, સૂડી-ચપ્પુ, તાળાં અને ખરકી કસબ,લાકડાં પર કોતરકામ, ચાંદીકામ વગેરે... જેવા કેટલા બધા કસબ વિકસ્યા છે...'
"કોઇ તો સાંભળો આ યુવાન ખંડેરોની ચીસ" (પૃ.૧૭૨)
'..ઉનાળાના સમયમાં માંડવી તાલુકાના એક ગ્રામ્ય માર્ગ પરથી પસાર થતાં પ્રથમ વાર ખંડેરનગર જોયું હતું...અમે ગામમાં પ્રવેશ્યા તો છતવિહોણા મકાન,પથ્થરોના ઢગલા વચ્ચે અડીખમ ઊભેલા વીજળીના થાંભલા, કોઇક મકાનની દિવાલમાં પ્લાસ્ટિક પેઇન્ટ, કોઇક દિવાલમાં ઓઇલ પેઇન્ટ તો કોઇક દિવાલો માટીથી લીપેલી..(બધી નિશાનીઓ) માનવસર્જિત ખડેર(છે તેમ બતાવતાં હતાં)..(દસેક વર્ષ પહેલાં) ગામના હરિજનોને કેટલાક માથાભારે તત્ત્વો સામે રક્ષણ આપવામાં સરકારી તંત્રોની નિષ્ફળતાને પરિણામે થયેલ સમૂહ હિજરતની સાક્ષી આ યુવાન ખંડેર પૂરી રહ્યાં હતાં...'
સમગ્ર દૃષ્ટિએ જોઇએ તો પ્રસ્તુત પુસ્તક કચ્છના મિજાજની બાહ્ય જગતને પિછાન કરવામાં સફળ રહે છે એમ કહી શકાય.અને તેમ છતાં 'કચ્છમિત્ર'ના તંત્રીપદેથી નિવૃત્ત થયા બાદ લખાયેલા લેખનું શીર્ષક જ "કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી' એ ક્ચ્છીયતને બહુ જ અતિવાસ્તવની કક્ષાએ પણ એટલી જ સ્વાભાવિકતાથી મૂકી આપે છે



કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૯ : વાહ કચ્છીયતને
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  ૨૪ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ

Monday, December 29, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ – ૨ : જોયું, જાણ્યું, લખ્યું

'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનાં સહુથી પહેલાં પુસ્તક "માણસવલા કચ્છી માડુ: કીર્તિ ખત્રી'માં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને તેમની સાથે સંપર્કમાં આવેલે વ્યક્તિઓના દૃષ્ટિકોણથી જોવા મળ્યાં. તે પછી કચ્છની પ્રાકૃતિક / ભૌગોલિક વિશેષતાઓને લગતા વિષયોનાં વિવિધ પાસાંઓ વિષે આવાં બહુમુખી વ્યક્તિત્વધારી કીર્તિભાઇએ જાતે ભમીને કરેલા અભ્યાસનાં તારણો અને મતવ્યો થકી કચ્છનો આપણે વિગતે પરિચય કર્યો.

'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીનું બીજાં પુસ્તક "જોયું, જાણ્યું, લખ્યું"નો પરિચય આપણે, આજે, ગ્રંથમાળાના લગભગ અંતમાં, કરી રહ્યાં છીએ.

પુસ્તકશ્રેણીના સંપાદક, માણેકલાલ પટેલ, તેમના સંપાદકીય લેખમાં પુસ્તકના થીમનો પરિચય આ શબ્દોમાં કરાવે છે :
”કીર્તિભાઇએ કચ્છ બહાર ભારત તેમ વિદેશમાં પ્રવાસ કર્યા પછી લેખશ્રેણીઓ લખી છે એ અનોખી છાપ ઊભી કરે તેવી છે. (તત્કાલીન) વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથેના પત્રકાર કાફલામાં સામેલ થઇને કમ્બોડિયા અને ઈસ્લામાબાદના પ્રવાસે તેઓ ગયા હતા ત્યારની કે તે પછી ભારતના ત્રિપુરા, અરૂણાચલ કે મણિપુર જેવા ઇશાની રાજ્યોની પ્રવાસ શ્રેણીઓમાં સ્થળનાં વર્ણન નહીં, પરંતુ પ્રજાની પીડાની અને સમસ્યાઓની વાત, તેમાં ઊંડા ઊતરીને કરી છે. ભારતની એકેએક બોર્ડર અને તેની આસપાસ રહેતા લોકોની પરેશાની અને સમસ્યાઓને વાચા આપી છે”.
'કચ્છમિત્ર'ના તંત્રી તરીકે તેમને કચ્છની બહાર ફરવાનું થયું તે વિષેના દરેક લેખ એક એક અલગ પુસ્તક્નો વિષય બની શકવાનું સામર્થ્ય ધરાવે છે, તેમ છતાં કીર્તિભાઇએ એ વિપુલ, રસપ્રદ માહિતી અને સમસ્યાઓને એક લેખ સ્વરૂપે જ રજૂ કરેલ છે. આ પુસ્તકમાં સમાવાયેલા ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યો પરના લેખો તો તેમણે પોતાના જોખમે અને હિસાબે ખેડેલા પ્રવાસોની ફળશ્રુતિ છે.’

'જોયું, જાણ્યું, લખ્યું'નાં કુલ ૩૪૧ પાનામાં ૬૯ લેખો છે. તેમાંથી કેટલાક લેખો અહીં વિગતે પરિચય માટે પસંદ કરેલા છે.

"અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિનું રોમાંચક પગેરું" (પૃ. ૪૧ -૪૫) - નવેમ્બર, ૨૦૦૦૨.
‘ઇતિહાસકારોના તારણ અનુસાર બૌદ્ધ-હિન્દુ સંસ્કૃતિઓ એક સમયે તિબેટ, સિલોન, બ્રહ્મદેશ, જાવા, બાલી, ચીન, જાપાન, ફિલિપાઇન્સ અને છેક મધ્ય અમેરિકા સુધી વિસ્તરી હતી...હિન્દુ અને બૌદ્ધ ધર્મ..ના ફેલાવાની ..નોંધપાત્ર બાબત એ હતી કે ક્યાંયે ધર્મપરિવર્તન બળજબરી કે બળના પ્રયોગથી નથી થયું કે નથી ક્યારે કોઇ કત્લેઆમ થઇ...અંકોરવાટના અજોડ મંદિરથી માંડીને નાનામાં નાનાં હિન્દુ કે બૌદ્ધ ધર્મસ્થાનોના શિલ્પ-સ્થાપત્યમાં ભારતીય અને પૌર્વાત્ય શૈલીનો સંગમ જોવા મળે છે. એવું જ પ્રજાજીવનમાં પણ ડોકાય છે…. અરે, રાજા નોરોદોમ સિંહાનુકના શાહી રાજમહેલમાં મહિનામાં બે વાર, હિન્દુ વિધિ અનુસાર પૂજન થાય છે. ધોતિયું પહેરેલા 'મહારાજ' રાજમહેલ પરિસરમાં દેખાય એ સામાન્ય ચિત્ર છે...એક સાથી પત્રકારે માહિતી આપી કે થાઇલૅન્ડમાં તો મકાન બાંધકામ શરૂ કરતાં પહેલાં તેની લગોલગ એક ખૂણામાં નાનકડું મંદિર બંધાય છે. જેમાં બુદ્ધ અને બ્રહ્માની મૂર્તિઓ મુકાય છે.. આપણે..(ત્યાં) ખેડબ્રહ્મા કે પુષ્કર સિવાય બીજે ક્યાંય બ્રહ્માના મંદિર વિશે જાણ્યું નથી....લાઓસ, કમ્બોડિયા, થાઇલૅન્ડ બૌદ્ધધર્મી છે, પરંતુ ઇંડોનેશિયા તો ઇસ્લામિક દેશ છે..ઇંડોનેશિયાની સત્તાવાર ભાષા 'બહાસા'...માં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના શબ્દોનો મોટી સંખ્યામાં સમાવેશ થયેલો છે...(જેમ કે) ડિફેન્સ વિભાગને આપણે સંરક્ષણ વિભાગ તરીકે ઓળખીએ છીએ, પરંતુ ઇંડોનેશિયામાં એ 'આયુદ્ધ' નામે પ્રચલિત છે....ધર્મ ઇસ્લામ હોય કે બૌદ્ધ, પણ સંસ્કૃતિ ભારતીય છે...ફ્નોમપેન્હ અને વિયેનશીએનમાં રસ્તાઓ પર ફરીએ તો આપણને એમ જ લાગે છે કે જાણે ત્રિપુરા, મેઘાલય કે આસામના કોઇ વિસ્તારમાં ફરીએ છીએ.'
"લાઓસવાસીઓની હિજરત કચ્છને ભૂલાવે એવી છે !" (પ. ૫૭)
‘વર્ષોથી દુષ્કાળ સહિતની કુદરતી આપત્તિઓની વણજારનો ભોગ બનતાં કચ્છીમાડુએ રોજીરોટીની ખોજમાં હિજરત કરી છે...અત્યારે એની કુલ વસ્તી ૧૪ લાખની છે તો એથી દોઢ-બમણા કચ્છી મુંબઇ, ભારતના અન્ય પ્રદેશો ઉપરાંત વિદેશમાં સ્થાયી થયા છે. આપણે માનીએ છીએ કે આવી હિજરતનો જોટો વિશ્વમાં ક્યાયે જોવા મળે તેમ નથી, પરંતુ લાઓસ આપણાથી આગળ છે...સંભવતઃ લાઓસ એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની કુલ વસ્તીથી વધુ લોકો વિદેશમાં છે...ક્ચ્છીઓની હિજરત કુદરતસર્જિત છે, જ્યારે લાઓસવાસીઓની હિજરત માનવસર્જિત છે.’
"ભોરિંદો-સુરિંદો અને જોડિયા પાવાની રમઝટ !" (પૃ. ૭૪) - ૬-૧-૨૦૦૪
‘ઇસ્લામાબાદના આલીશાન ઝીણા કન્વેન્શન સેન્ટરના..ઑડિટોરિયમમાં સાર્ક શિખર સંમેલન શરૂ થયું એ પહેલાં..એક મોટા પરદા પર સાંસ્કૃતિક કાર્યક્રમનાં વીડિયો ચિત્ર રજૂ થઇ રહ્યાં હતાં, તેમાં સિંધના કલાકાર ભોરિંદો, સુરિંદો તેમજ જોડિયા પાવાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા....ક્ચ્છમાં બન્ની તેમ જ અન્ય વિસ્તારોમાં ભોરિંદોવાદન પ્રખ્યાત છે તેમ જોડિયા પાવા પણ જુદા જુદા કાર્યક્રમોમાં જોવા મળે છે...સુરિંદોના સૂર હવે ભાગ્યે જ સાંભળવા મળે છે.જાણવા મળ્યું કે સુરિંદો તો સિંધમાં આજેય પ્રખ્યાત છે અને વાજિંત્રનું ઉત્પાદન પણ થાય છે. વીડિયોના પરદે એ પણ જોવા મળ્યું.’
પાક નકશામાં જૂનાગઢ” (પૃ.૮૦-૮૧) - ૨૯-૪-૨૦૦૪
‘૨૦૦૪ના જાન્યુઆરી મહિનામાં સાર્ક શિખર પરિષદ ઇસ્લામાબાદમાં મળી હતી, ત્યારે મહેમાન પત્રકારોને 'પાકિસ્તાન: બેઝિક ફેક્ટ્સ' શીર્ષક સાથેની એક પુસ્તિકા આયોજકોએ આપી હતી...જેના નીચેના ભાગમાં એક ખાસ ચોકઠામાં સૌરાષ્ટ્રનો નકશો મુકાયો છે. ચોકઠાની ઉપરના 'જૂનાગઢ માણાવદર' શીર્ષક લગાવેલું છે અને જૂનાગઢ જિલ્લાની હદ પાકિસ્તાનની હદ હોય એ રીતે દર્શાવેલી છે....સાર્ક પરિષદને ચાર મહિના વિત્યા પછીયે ભારતે પાકિસ્તાન સમક્ષ આ પ્રશ્ને કોઇ વાંધો નોંધાવ્યો હોય એવું સત્તાવાર જાણવા મળ્યું નથી.’
"સરહદી થાંભલો ફાડીને પીપળો રે ઊગ્યો....વાત જમ્મુ સરહદના રસપ્રદ સ્થળની" (પૃ.૯૭/૯૮) - ૪-૭-૨૦૦૮
‘જમ્મુ-કાશ્મીરની સરહદ પર કેટલાંક સ્થળ બંને દેશમાં લોકપ્રિય છે.... જમ્મુ શહેરથી ચાળીસેક કિ.મી. દૂર પાકિસ્તાનને સ્પર્શતી સરહદ પર પીપળાને જોઇને...કવિ વેણીભાઇ પુરોહિતની પ્રખ્યાત કાવ્ય રચનાની 'ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો..' પંક્તિ સહેજે યાદ આવી જાય... પણ આ પીપળાની કહાની કંઇ ઔર છે..જમ્મુથી માંડ પાંત્રીસ-ચાલીસ કિલોમીટર દૂર સૂચેતગઢ નજીક સીમા સુરક્ષા દળની ઓક્ટ્રોય ચોકી આવેલી છે...અહીં જૂના રાજાશાહીના જમાના સરહદી થાંભલા આવેલા છે….(આવા એક થાંભલામાંથી ઊગ્યા પછી તેને આખેઆખો ગળીને વટવૃક્ષ જેવું રૂપ ધારણ કરી ચૂક્યો છે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે પીપળો)… જેમ કચ્છરાજે સિરક્રીકના મુખથી છેક લખપત સુધીના કાદવવાળા વિસ્તારમાં થાંભલા બનાવ્યા હતા તેમ અહીં પણ એ જમાનાના થાંભલા મોજૂદ છે.’
સ્ત્રી સમાનતા ને અધિકારમાં ઓમાન ઘણું આગળ છે !”(પૃ. ૧૦૪-૧૦૭) ૧૫-૮-૨૦૧૦
‘...વિશેષ ધ્યાન ખેંચે એવો મુદ્દો એ છે કે શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે આ ઇસ્લામિક દેશમાં પુરુષ જેટલા જ સમાન અધિકાર મહિલાઓને આપવામાં આવ્યા છે. પરિણામે યુનિવર્સિટીઓમાં યુવાનો કરતાં યુવતીઓની ટકાવારી વધી ગઇ છે...સિક્કાની બીજી બાજુ એ છે કે મહિલાઓએ તેમને મળેલી તક ઝડપી લીધી અને બે દાયકામાં જ શિક્ષણનું ચિત્ર બદલી નાખ્યું....અખાતના કે આરબ જગતના કોઈ પણ દેશમાં સ્ત્રી અધિકારની આવી આદર્શ સ્થિતિ બીજે ક્યાંયે નહીં હોય...’
અનોખી શક્તિપીઠ ઇમ્ફાલની માતૃબજાર” (પૃ.૧૫૯-૧૬૪) ૨૦-૨-૨૦૧૧
‘ (મણિપુરની રાજધાની) ઇમ્ફાલમાં સવાસો-દોઢસો વર્ષ જૂની..એક મહાબજાર છે, તેમાં ૩૦૦૦ સ્ટોલ છે, અને તેની તમામની માલિકી મણિપુરી ગૃહિણીઓની છે... દુકાનદાર માલિકણ અવસાન પામે તો વારસો પુત્રીને મળે. એ પુત્રી પરિણીત હોવી જોઇએ. સંભવતઃ તેથી આ બજાર 'ઈમા કૈથેલ" એટલે કે માતૃ બજાર નામે પ્રચલિત છે...નાની સાંકડી ગલીઓમાં ભરચક ગીરદીમાં તૈયાર કપડાંથી માંડીને વાસણ જેવી ઘરવખરીની ચીજો અને શાકભાજીથી માંડીને માછલી જેવી ખાદ્યવસ્તુઓના ધૂમ વેપાર સાથે જીવન ધબકતું રહે છે...અંગ્રેજોનું શાસન ભારત પર ભલે બે સદી સુધી રહ્યું હોય પણ મણિપુર પર માત્ર (૧૮૯૧ થી ૧૯૪૭)૫૬ વર્ષ જ અંગ્રેજોનું રાજ રહ્યું..આઝાદીની ચળવળ વખતે કે રાજ્યના જુલમ કે ગેરવહીવટ સામે જંગે ચડવામાં મણિપુરની નારીએ દુકાનો-બજારો બંધ કરીને શેરીઓમાં નીકળી પડવામાં પાછીપાની કરી નથી...એ વાતની નોંધ લેવી કોઇએ કે અહીંની નારી આટલી સક્રિય હોવા છતાં તેનો સમગ્રતયા સમાજ મેઘાલય જેવો માતૃપ્રધાન નથી...(પરંતુ) મેઘાલયમાં માતૃપ્રધાન સમાજવ્યવસ્થા હોવા છતાં ત્યાંની નારીએ મણિપુરી સ્ત્રીઓની જેમ સામૂહિક હિત કે સામાજિક ન્યાય માટે ચળવળો ચલાવી નથી...મણિપુરી નારી..નાગરિક અધિકારો માટે કેમ લડતી થઇ એ સવાલનો જવાબ ભૂતકાળની પરંપરા અગર રિવાજમાં રહેલો છે. છેક ૧૮૦૦ના સમયમાં ..રાજ્યના પુખ્તવયના દરેક પુરુષે વર્ષના અમુક દિવસો સુધી વિના વળતરે રાજને સેવાઓ આપવી. ફરજિયાત મફત મજૂરી નામે ઓળખાતી વેઠપ્રથા..ને કારણે ઘરમાંથી પુરુષની લાંબા સમયની ગેરહાજરીએ સ્ત્રીને બહાર નીકળી કુટુંબના ભરણપોષણ ખાતર કમાવાની ફરજ પડી...૧૯૭૫માં - દારૂ, ચરસ-ગાંજો અને અન્ય કેફી પદાર્થોના નશાની નશાબંધી -'નિશાબંદી' નામે ચળવળ રમણીદેવીના નેજા હેઠળ માતૃ બજારની મહિલાઓએ શરૂ કરી..સામાન્ય સ્ત્રીઓ વિસ્તાર વાઇઝ જૂથ બનાવીને રાત્રિ પહેરો ભરવાનું શરૂ કર્યું. જો કોઇ પુરુષ દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર ધાંધલ કરતો દેખાય તો તેની પીટાઇ પણ મહિલાઓ કરતી.પછી દેશી દારૂ વેચનારાનાં પીઠાં પર જઇને જાહેરમાં દારૂ નાશ કરવાનું પગલું લેવાયું. આખરે ૧૯૯૧માં મણિપુરને ડ્રાય સ્ટેટ જાહેર કરાયું...૧૯૮૦..માં સશસ્ત્ર દળોને ખાસ સત્તાઓ આપતો ધારો મણિપુરમાં અમલી બન્યો.. આ ધારા હેઠળ એક સ્થાનિક નેતાને ઉગ્રવાદી હોવાની શંકાઓ પરથી લશ્કરે પકડી લીધો.. પણ મહિલાઓના મોરચાએ તેને છોડાવ્યો..એક કિસ્સામાં અર્ધલશ્કરી દળના જવાને એક સ્ત્રી પર બળાત્કાર કરતાં તેનું અવસાન થયું..આ સમયે રમણીદેવીના નેજા હેઠળ બાર જેટલી મહિલાઓએ આસામ રાયફલના મુખ્યમથક સામે 'નિઃવસ્ત્ર' દેખાવો કરીને સનસનાટી મચાવી દીધી હતી.. … ભૂગર્ભ ઉગ્રવાદી જૂથો દ્વારા ખંડણીની માગણી કરાય છે ત્યારેય આ મહિલા મશાલચીઓ તેનો વિરોધ કરે છે.. ખૂંચે તેવી બાબત એ છે કે મહિલા અધિકારની રક્ષા માટે તો જાગૃત નથી...અને તેનો એકરાર પણ કરે છે........'
આફ્રિકાના આર્થિક જંગમાં ભારત હજુયે ચીનને મહાત કરી શકે" (પૃ.૨૧૬-૨૨૨) ૧૬-૯-૨૦૧૨
‘વૈશ્વીકરણના યુગમાં ચીનના અતિક્રમણને પગલે ભારત-આફ્રિકી દેશો વચ્ચેના સંબંધો એક નવા અને અનિશ્ચિત મોડ પર આવી ગયા છે. ખાસ તો માળખાંકીય સુવિધાઓનાં બાંધકામના ક્ષેત્રે ચીનની અતિઝડપી પેશકદમીએ અમેરિકન અને યુરોપિયન રાષ્ટ્રોનેય હંફાવી દીધાં છે...આવી સ્પર્ધામાં ખરેખર મરો તો નાના અને મધ્યમ કદના વેપારીઓ તેમ જ વ્યવસાયકારો અને નોકરિયાતોનો છે..હવે તો ભય વ્યક્ત થઇ રહ્યો છે કે રોજી-રોટી માટે 'ઊંધો પ્રવાહ' શરૂ થવાની શક્યતા છે...જો કે ઊર્જા અને ખનિજક્ષેત્રે બધું જ ..ઢસડી જવાના ચીનના ઇરાદા સામે હવે આફ્રિકી દેશોના નેતાઓ પણ લાલબત્તી ધરવા લાગ્યા છે...ઉપરાંત બધાં કામો પર, માત્ર અને માત્ર ચીની શ્રમિકોને જે રોજી આપવા સામેય સ્થાનિક વિરોધ જાગવા માંડ્યો છે...વળી રાજ્યવ્યવસ્થાને સંબંધ છે ત્યાં સુધી લોકશાહીની જાળવણી અને માનવ અધિકાર જેવા ક્ષેત્રો માટે અમેરિકા (પણ જોઇએ છે)...ઇતિહાસ પર નજર કરતાં ભારતનાં મૂળિયાં ઊંડાં જોવા મળે છે...(છેલ્લાં કેટલાંક વર્ષોથી) આફ્રિકાના આર્થિક- સામાજિક વિકાસમાં ..શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીથી માંડીને સંરક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં ભારતની સહાયથી અનેક દેશો સર્વાંગી અને ટકાઉ વિકાસ હાંસલ કરી શકશે...આ પ્રકારના પ્રોજેક્ટોમાં અને તાલીમ કાર્યક્રમોમાં ભારતને ચીન કરતાં વિશેષ લાભ મળે છે એ ભાષાનો છે...બાકી રહી છે પ્રજાની વાત. જે ભારતીઓ વર્ષોથી આફ્રિકામાં સ્થિર થયા છે તેઓ સ્થાનિક લોકો પ્રત્યેની સામાજિક જવાબદારી અદા કરે અને સાથેસાથે રંગભેદ તદ્દન ભૂલી જઇને તેમની સાથે ભળી જાય એ જરૂરી છે....’
"ભુજની મેઘતૃષ્ણા, લંડનની સૂર્યતૃષ્ણા" (પૃ.૨૬૩-૨૬૫)
'જુલાઇ ૨૦૧૩ના અંતિમ સપ્તાહમાં લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના રજતજયંતી મહોત્સવમાં ભગ લેવાનો યોગાનુયોગ મોકો મળ્યો, ત્યારે "કચ્છથી આવ્યા છો, વરસાદ પડ્યો કે કેમ?" આ સવાલ જે પણ ઓળખીતા મળતા હતા એ પૂછતા હતા..વિદેશમાં સ્થાયી થયા પછીયે કચ્છી સમાજ જેમ પોતાના વતનને ભૂલ્યો નથી તેમ પાણીની અછતને ય ભૂલ્યો નથી...વિધિની વિચિત્રતા તો જૂઓ કે આવા મલકનો માડુ બેવતન થઇને જ્યાંવસ્યો છે એ લંડનના લોકોને સૂર્યતૃષ્ણા સતાવે છે.....
નિરોણાની ખરકી સ્વિત્ઝર્લેન્ડની કાઉબેલ બન્નીનું ભરત જર્મનીની કુકુઝ ક્લૉક” (પૃ. ૨૯૩ - ૨૯૮) ૨૨-૯-૨૦૧૩
'રણની અસહ્ય ગરમી કે બર્ફીલી પહાડીઓની કાતિલ ઠંડીએ માનવીને બક્ષેલી સમયની મોકળાશ અનેક કામણગારી કલા-કારીગરીના વિકાસનું નિમિત્ત બની છે....ભરબપોરે શરીર દઝાડતા સૂર્યના તાપને લીધે ભૂંગામાં ભરાઇ રહેવું પડે..એવા સંજોગોમાં..પ્રવૃત્તિના એક ભાગરૂપે સ્ત્રી વર્ગે સોય-દોરાનો સહારો લીધો અને એક વિશિષ્ઠ ભાતીગળ કસબનો ઉદ્‍ભવ કચ્છ અને રાજસ્થાન જેવા રણપ્રદેશમાં થયો....આવું જ થયું હોવાનો અહેસાસ કાંઇક જર્મનીના બર્ફીલા, બ્લેક ફોરેસ્ટ,ના વિસ્તારમાં થયો...શિયાળામાં અહીં ચોમેર બરફની ચાદર અને હાડ થીજાવતી ઠંડીનું સામ્રાજ્ય છવાઇ જાય, જનજીવન ઠૂંઠવાઇ જાય..અહીં પણ થીજી ગયેલા સમયનો સદ્‍ઉપયોગ કરવાના પ્રયાસોની ફળશ્રુતિરૂપે 'કુકુઝ ક્લૉક', યાને 'કોયલ ઘડિયાળ' હાથેથી બનાવવાનો કુટિર ઉદ્યોગ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે...બન્નીનું ભરત અને જર્મનીની કુકુઝ ક્લૉકની ખોજ અસહ્ય ગરમી અને કાતિલ ઠંડીએ બક્ષેલી સમયની મોકળાશને આભારી છે, પણ હસ્તકલાની પંચતીર્થી સમી નિરોણાની ખરકી અને સ્વિત્ઝર્લેન્ડની કાઉ-બેલ એટલે કે ગાયઘંટીની પરંપરા, પશુપાલનના વ્યવસાયના એક સાધનરૂપે, વૈશ્વિક છે.'
કીર્તિભાઇના લખાણોમાં 'ઉદ્દેશની સ્પષ્ટતા, મુદ્દાની તાર્કિકતા, વિશિષ્ટ શૈલી, સંદર્ભો સહિતની રજૂઆત,ખૂબ ઝીણું કાંતીને સમસ્યા કે વિષયના મૂળ સુધી જવાની ખાસિયત અને પંડિતાઇના ભાર વિનાની ભાષાનું પ્રભુત્વ' પ્રસ્તુત પુસ્તકમાં બહુ જ ખીલેલું જોઇ શકાય છે. ભવિષ્યમાં આ પ્રકારના પુસ્તકમાં જો ફોટોગ્રાફ્સ જેવી સામગ્રી પણ સમાવવામાં આવે તો એ પુસ્તક ઘણું વધારે ગ્રાહ્ય પણ બની રહેશે..

કલમ કાંતે કચ્છ : ગ્રંથ – ૨ : જોયું, જાણ્યું, લખ્યું
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com


વેબ ગુર્જરી પર  ૯ ડીસેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રકાશિત થયેલ

Monday, December 15, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ અને ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

આપણે 'કલમ કાંતે ક્ચ્છ"શ્રેણીના ૮+૧ પુસ્તક સંપુટનો પરિચય કરી રહ્યાં છીએ.

શ્રેણીમાંનાં આઠ પુસ્તકોમાંથી ચાર પુસ્તકો રણ (૩), દરિયા કિનારો (૪), જળ(નો અભાવ) (૫) અને ધરતીકંપ (૬) જેવી કચ્છનીઅનોખી ભૌગોલિક હકીકકતની, તેને લગતા પ્રશ્નો અને ઉકેલોના સંદર્ભમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ લખાયેલા અગ્રલેખોમાં રજૂ થયેલાં તારણો અને મંતવ્યોની આત્મીય ચર્ચાને આવરી રહ્યાં હતાં.

આજે આપણે 'ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ' અને 'ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ'એમ બે પુસ્ર્તકોની એક સાથે વાત કરીશું. પુસ્તક શ્રેણીના સંપાદક શ્રી માણેકલાલ પટેલ આ પુસ્તકોના કેન્દ્રવર્તી થીમ વિષે કહે છે કે," આઝાદી પહેલાં સ્વતંત્ર રાજ્ય એવું કચ્છ કદની દૃષ્ટિએ વિશાળ હોવા છતાં ગુજરાત સાથે જોડાયા પછી એનું અસ્તિત્ત્વ એક જિલ્લામાં સમેટાઇ જતાં અનેક અણધારી મુશ્કેલીઓ રોજબરોજના કારોબારમાં ઊભી થવા લાગી હતી. તાલુકાથી જિલ્લાસ્તરે ઊભા થતા પ્રશ્નો અને એના નિવારણની ચર્ચા સાથેના આ પુસ્તકમાં સમાવેશ કરાયેલા લેખો અને અગ્રલેખો ગ્રામ્ય પત્રકારિતાની દીવાડાંડી સમાન છે."

બીજા શબ્દોમાં કહીએ તો મુખ્યત્વે સામાજિક, આર્થિક કે રાજકીય માનવસર્જિત પ્રશ્નો અને તેના સંભવિત ઉકેલો, કે પછી વિચારાયેલા અને અમલ કરાયેલા (અને ન વિચારાયેલા કે ન અમલ થયેલા)ઉકેલો પરથી ફરી ઉદ્‍ભવતા પ્રશ્નો અને તેના ઉકેલોનાં અનેકવિધ પાસાંઓની રજૂઆત આ બે પુસ્તકોમાં કરાઇ છે. આ સમગ્ર ચર્ચામાં કચ્છ જેવા આગવા ઐતિહાસિક વારસા, ભૌગોલિક પર્યાવરણ અને રાજકીય/સામાજિક પરંપરાઓ કે આર્થિક વિટંબણાઓ અને શક્યતાઓ ધરાવતા વિસ્તારના પ્રશ્નોને લોકજીવનની વાચા મળે તે રીતની આત્મીય છતાં વિધેયાત્મક અખબારી ભાષામાં ગ્રામીણ પત્રકારિતાની આગવી કેડી પણ કંડારાતી જોવા મળશે.

'ગ્રંથ -૭: પાંજી પીડા પાંજી ગાલ'નાં ૨૧૫ પાનામાં ૧૦૩ લેખો અને 'ગ્રંથ - ૮: પાંજા પ્રશ્ન પાંજી ગાલ'નાં ૨૨૨ પાનામાં ૧૦૧ લેખો છે. પુસ્તકનાં શીર્ષકો પરથી જ સમજી શકાય છે કે આ પહેલાંનાં પુસ્તકોની જેમ કોઇ એક વિષયનાં વૈવિધ્યપૂર્ણ પાસાંઓના ઊંડાણથી અભ્યાસનો અહીં પ્રયાસ નથી કરાયો, પરંતુ અનેકવિધ બાબતોની કૉલાજ સ્વરૂપની રજૂઆત વડે એક બૃહદ ચિત્ર ખડું કરાયું છે.

બંને પુસ્તકોની અનુક્ર્મણિકાઓની મદદથી જો પુસ્તકોમાં સમાવાયેલા વિષયોની યાદી બનાવવા પ્રયત્ન કરીએ તો કચ્છમાં ઉદ્યોગો, ખનિજ ખનન અને તેને સંલગ્ન બાબતો, નમક ઉદ્યોગ, કચ્છના આર્થિક વિકાસ સાથે સંકળાયેલ રાજકીય કે શાસકીય નીતિઓ, રેલવે કે બસ કે વિમાની જેવી માળખાકીય પરિવહન સેવાઓ, કચ્છના પર્વતો, કંડલા બંદર, કચ્છમાં શાળા કક્ષા તેમ જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, કચ્છનાં પ્રાકૃતિક ક્ષેત્રોની જાળવણી અને તેની સાથે સંકળાયેલ માનવ વસ્તીની સમસ્યાઓ જેવા વિષયો એ કૉલાજમાં નજરે ચડવા લાગે છે.

પુસ્તકની પહેલી આવૃત્તિ સમયે તો કચ્છમિત્રના આશરે ૩૦થી વધુ વર્ષના ૧૧,૫૦૦થી પણ વધુ અંકોમાં ફેલાયેલા ૩૦૦૦થી પણ વધુ લેખોમાંથી ૬૩૯ જેટલા લેખોને અલગ વર્ગીકરણ મુજબ તારવવા, અને પછી સંકલિત કરીને પુસ્તકના સ્વરૂપે મૂકવા, એ પણ કચ્છની બહુઆયામી તાસીરને એક બેઠકે સમજવાનું ભગીરથ કાર્ય છે તે વિષે તો કોઇ બે મત જ ન હોઇ શકે.

જેમ 'કચ્છમિત્ર' કચ્છના લોકોના લોહીમાં ભળી ગયું છે તેમ જ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી પણ કચ્છને સમજવામાં બહુ મહત્ત્વનું યોગદાન આપી તેમ શકે છે. તેમાં પણ કચ્છનાં સામાજિક, આર્થિક અને રાજકીય જીવનના છેલ્લાં ત્રીસ વર્ષના પ્રવાહોને એક જ છાપરા હેઠળ રજૂ કરતાં આ બે પુસ્તકોની ઉપયોગિતા સમગ્ર ગ્રંથ શ્રેણીના સંદર્ભે મહત્ત્વની બની રહે છે.

આ બંને પુસ્તકોમાં પણ અન્ય પુસ્તકોની જેમ સ્વાભાવિક જ રીતે, ૧૯૮૦થી માંડીને છેક ૨૦૧૩ સુધીનો સમય આવરી લેવાયો છે. એટલે પુસ્તકના લેખો અનેક પ્રશ્નોને સ્પર્શે તે પણ સ્વાભાવિક છે. તો આ જ કારણોસર આ બંને પુસ્તકો એ આ સમયખંડના પ્રકાશનોની તવારીખનું દસ્તાવેજીકરણ માત્ર નથી પણ, એક ચિંતક, હિતેચ્છુ અને તળથી જાણકાર તેવા તંત્રીની વિધેયાત્મક દૃષ્ટિએ ચકાસાયેલાં મંતવ્યો અને તારણોના માધ્યમથી કચ્છના આ સમયખંડનાં આર્થિક, સામાજિક અને રાજકીય પ્રજાજીવનનું પ્રતિબિંબ છે. તેથી આ પુસ્તકો વિષેની અપેક્ષા અન્ય પુસ્તકો કરતાં અલગ જ કક્ષાની બની રહે છે.આ પુસ્તકોનાં વાચકોને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય : કચ્છના સાંપ્રત પ્રવાહો સાથે ન સંકળાયેલ હોય એવાં વાચક; કચ્છના સાંપ્રત પ્રવાહોની સાથે સંકળાયેલા હોય તેવાં વાચક અને કચ્છના પ્રશ્નોનાં અભ્યાસુ વાચકો કે ખાસ જાણકારી ધરાવતાં વાચકો. દરેક શ્રેણીનાં વાચકોની આ પુસ્તકોની મૂલવણી પણ અલગ અલગ સ્તરની હશે.

કેટલાય પ્રશ્નો એવા હશે જે આ સમયમાં ક્યાં તો હલ થઇ ચૂક્યા હશે, ક્યાં તો શરૂઆતમાં જે સ્વરૂપે હશે તેમાંથી સમયની સાથે સાથે નવાં સ્વરૂપ પણ લેતા ગયા હશે કે હલ થઇ ગયા પછી ફરીથી એ જ અથવા નવા સ્વરૂપે ફરીથી પેદા થયા હશે એ જાણવાની ઉત્સુકતા થાય. કચ્છની સમસ્યાઓના જાણકાર માટે તો આ પુસ્તકો સંદર્ભ તરીકે પણ કામ આવી શકે તેમ છે પરંતુ કચ્છના સાંપ્રત પવાહો સાથે ન સંકળાયેલ હોય એવા વાચકને આ પુસ્તકોના વાચન પછી આવા પ્રશ્નોના જવાબ શોધવામાં મુશ્કેલી પડશે..

આ બંને પુસ્તકોના સંદર્ભમાં, દરેક પુસ્તકની શરૂઆતમાં પ્રવેશકની ભૂમિકાઓમાં મુકાયેલા લેખોની ભૂમિકા બહુ મહત્ત્વની બની રહે છે. જેમ કે કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિનો લેખ પુસ્તકના થીમના પરિચયની ભૂમિકા ભજવે અને 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરનો લેખ પુસ્તકના સમયખંડ દરમ્યાન વિષયના વિકાસની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે હાલ તે અંગે શું પરિસ્થિતિ છે તે રજૂ કરી શકે. આમ થવાથી કચ્છ સાથે સાવ જ અપરિચિત વાચક સમક્ષ પણ પુસ્તકના થીમના સંદર્ભમાં કચ્છનું પૂરેપુરું ચિત્ર ખડું થઇ જઇ શકે છે.

તે ઉપરાંત પુસ્તકમાં વર્ષવાર, વિષયવાર ઇન્ડેક્સિંગ પણ ઉમેરવામાં આવે તો જો કોઇ ચોક્કસ સમયખંડમાંના કોઇ ચોક્કસ વિષય વિષે ઊંડાણમાં જવા માગતું હોય, તેને માટે તો ખજાનાના અનેક દરવાજાઓમાંથી જોઇતા દરવાજાની ચાવી મળી જાય.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૭ : પાંજી પીડા પાંજી ગાલ
અને
કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૮ : પાંજા પ્રશ્ન પાંજી ગાલ

લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

Monday, December 1, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'કચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન ૩૦૦૦થી પણ વધારે લેખો લખ્યા. તે સમયે તેમના લેખોમાં એક ખબરપત્રી કે તંત્રીની જ દૃષ્ટિ ઉપરાંત એક આગવા વ્યક્તિત્ત્વની ભાવના પણ ભળતી રહી. તેથી 'ક્ચ્છમિત્ર'ના કાર્યભારથી નિવૃત્ત થયા પછીથી એ લેખો પર નજર કરતાં તેમાં એ સમયની સ્થિતિ પરના મંતવ્ય કે તારણ ઉપરાંત એમાં સ્વાભાવિક રીતે જ કચ્છના એક સર્વગાહી ચિત્રની ઝલક ઊભરી રહી.

આ બધા લેખોમાંથી ચૂંટીને લગભગ ૬૩૯ લેખોને ૮+૧ પુસ્તકોની ‘કલમ કાંતે કચ્છ’ ગ્રંથશ્રેણીમાં સંપાદિત કરવાનું કામ કર્યું શ્રી માણેકલાલ પટેલે. આજે આપણે આ ગ્રંથશ્રેણીના ત્રીજા પુસ્તક -રણના રંગ બેરંગ -નો પરિચય કરીશું.

પુસ્તકના સંપાદકીય પ્રવેશક લેખમાં પુસ્તકના થીમ વિષે સંપાદકશ્રી કહે છે કે, "કચ્છનું રણ કુદરતનો બેમિસાલ કરિશ્મા છે. નમકનાં અજોડ મેદાનો અને એની કાંધી પર પાંગરેલી ભાતીગળ માલધારી સંસ્કૃતિ અત્યારે તો દેશી-વિદેશી પર્યટકો માટે આકર્ષણનુંકેન્દ્ર બની ચૂક્યાં છે. પણ કીર્તિભાઇએ છેક ૧૯૮૦ના દાયકાથી રણની વિષમતાઓ અને વિશિષ્ઠતાઓને લાગણીશીલ કવિની માફક પોતાના લેખોમાં વણી લીધી છે. રણની કોઇ પણ વાત પછી એ સલામતી સંદર્ભે સરહદને સ્પર્શતી હોય, જાસૂસીની હોય, સુરખાબની હોય, માલધારીઓની હોય કે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની હોય..પણ તેમણે વિસ્તૃત નિરૂપણ આ પુસ્તકમાં કર્યું છે."

પ્રસ્તુત પુસ્તકમાં સમગ્ર શ્રેણીની જેમ જ કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ કીર્તિભાઇ વિષે લખેલા વિચારો રજૂ કરતો જે લેખ પસંદ કરાયો છે તે શ્રી રઘુવીર ચૌધરીનો "મૈત્રી એ જ કીર્તિ" છે. પહેલી નજરે તો લેખ કીર્તિભાઇનાં વ્યક્તિત્વના એક પાસાનું તાદશ્ય વર્ણન દેખાય, પણ થોડી નજદીકથી જોતાં પુસ્તકના વિષય - 'રણના રંગ બેરંગ'-ના પ્રવેશની ભૂમિકા પણ રચતી બે વાત નજરે ચડી આવે છે.

પહેલી વાત છે ચેરનાં વૃક્ષોની. (સામાન્યતઃ છીછરા દરિયા કિનારે ઊગતાં)કચ્છના રણમાં ચેરનાં વૃક્ષોએ ‘કોઇને નડવું નહીં’ની પોતાની લાક્ષણિકતા ઉજાગર કરી છે. બીજાં વૂક્ષોને જ્યાં વાંકું પડે ત્યાં ત્યાં આ ચેરને ફાવે. ભલેને ગમે તેટલા ક્ષાર હોય, ચેર એમાંથી વિટામીન મેળવી લે.

બીજી વાત છે કચ્છી ભરતકામની, જેમાં પણ કચ્છના રણના રંગ બેરંગની છબીઓ પ્રતિબિંબિત થયેલી તેમ માનવામાં આવે છે. આ સંદર્ભમાં રઘુવીર ચૌધરી વીનેશ અંતાણીના લેખમાંનું અવતરણ કંઠસ્થ કરવાનું કહે છે : “...જે આંખોથી ઓઝલ રહે છે તેનો આભાસ ભીતર જીવે છે...કચ્છી ભરતકામમાં લીલા રંગનો કળાત્મક ઉપયોગ કરવામાં આવે છે તેનું કારણ લીલપના અભાવમાંથી પ્રગટતી વિશિષ્ટ અભિવ્યક્તિ..” હોઇ શકે છે.

તે જ રીતે દરેક પુસ્તકમાં રજૂ કરાયેલ એવા કીર્તિભાઇનાં તંત્રીપદની નિવૃત્તિ સમયે લખાયેલ વિશેષ લેખ "ક્ચ્છની કેટલીક લાક્ષણિકતાઓ હજુ આપણે પીછાણી શક્યા નથી"માં ખારાઇ ઊંટ, ભગાડ (ઇંડિયન વુલ્ફની એક ખાસ પ્રજાતિ), સુરખાબ વસાહતોથી માંડીને અન્ય સ્થળાંતરીય અને સ્થાનિક પક્ષીઓની પ્રખ્યાત પક્ષીવિદ્‍ ડૉ. સાલીમ અલીનાં પુસ્તક 'બર્ડ્સ ઑફ કચ્છ' દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાત થયેલી માહિતી કે કચ્છી તસ્વીરકાર એલ એમ પોમલે ઝડપેલ સિમાચિહ્‍ન રૂપ બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરોના ઉલ્લેખ પણ કચ્છના રણના રંગની બેરંગી વિષે ઉત્સુકતા જગાવવામાં પોતાનો સક્રિય ફાળો આપે છે.

"રણના રંગ બેરંગ'નાં ૨૪૦ પાનાંઓમાંના ૬૫ લેખો પૈકી ૧૧ લેખોમાં, ડૉ. જયંત ખત્રીના શબ્દોમાં "એવી વાંઝણી ધરતી કે એની છાતીમાંથી કોઇ દહાડો ધાવણ આવતું જ નહિ. ધૂળ વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા, ઝાંખરા, અને નિઃસીમ મેદાનો" તરેકે ઓળખાવાયેલા રણની પ્રાકૃતિક લાક્ષણિકતાઓની વિગતે વાત કરાઇ છે.

અપણે તેમાનાં કેટલાંક વર્ણનો દ્વારા રણના રંગ બેરંગની ઝાંખી કરીએ :

"ઝાંઝવાં નાચે ને તરા ચૂમે ધરતીને" (પ્રુ. ૩૫-૩૮)
'કચ્છનું રણ તો કુદરત સર્જિત એક બેનમૂન કલાકૃતિ છે... શિયાળાની ઠંડી સાંજ હોય, કે તપતા ઉનાળાના ખરા બપોર, અમાસને પૂનમ જ નહીં, અંધારા-અજવાળાના બે અંતિમ છેડા વચ્ચેના સાતમના અર્ધચંદ્રની અનોખી રાત, દિવસે લાલચોળ સૂર્યના તાપ નીચે તરફડતી ધરતી પર ઝાંઝવાનાં નૃત્ય, તો રાત્રે આકાશમાંથી ધરતી પર નીતરતાં ચંદ્ર-તારાના પ્રકાશની નજાકત..રણ જિંદગી છે અને મોત પણ..એ રૌદ્ર છે અને સૌમ્ય પણ...'રણના આવા સ્વરૂપની અનુભૂતિ કરાવતા ૧૯૭૩ના જૂન મહિનાના કચ્છના સીમા રક્ષક દળ સાથે પસાર કરેલા દિવસનું વર્ણન વાંચતાં, તેમણે જોયેલ દૃશ્યો આપણી સામે પણ તાદૃશ્ય બની રહે છે." આવી લાગણી સભર ઘટનાની સાથે સીમા સુરક્ષા દળ જેવાં થેંન્કલેસ કામ કરતાં સરકારી મહેકમોમાં કામ કરતા જવાનો અને અધિકારીઓની જિંદગી કેવી મુશ્કેલીઓથી ભરી હશે એ વિષેની કીર્તિભાઇની જાગરૂક ચિંતા તો પ્રજ્વલિત રહે જ છે.
"ઝાંઝવાં ડૂબ્યાં રણસાગરમાં" (પ્રુ.૪૮-૫૧)
'ચમત્કાર ભાગ્યે જ થાય છે, પણ થાય છે ચોક્કસ...મેઘરાજા મન મૂકીને મીઠી ધારે વરસે એ ઘટના કચ્છ માટે કુદરતનો બેમિશાલ કરિશ્મા છે.... ગામડાંઓમાં તળાવ છલકાતાંની સાથે જ ઢોલ-ત્રાંસા અને શરણાઇના સૂર સાથે નાચતાં-કૂદતાં લોકો માથે કચ્છી પાઘડી બાંધી તળાવને વધાવવા જાય એ ઘટના અમારા અમદાવાદ કે દિલ્હીના દોસ્તોને ગળે નથી ઊતરતી.....એક આખી પેઢીએ વરસાદ જ જોયો નહોતો. આકાશમાંથી પાણી વરસે એ એના માટે બાળવાર્તા જેવી વિસ્મયકારક ફેન્ટસી હતી..એને કચ્છમાં રહેનાર જ સમજી શકે....બારાતુઓ માટે સૌથી આશ્ચર્યની બીના પાણીના નાના એવા ખાબોચિયાની ધાર પર બેસીને કપડાં ધોતી, સ્નાન કરતી ..(હરિજન, રબારી, કોળી, મુસ્લિમ કે અન્ય જ્ઞાતિની )..સ્ત્રીઓની છે....ચોતરફ લીલવો છવાઇ ગયો છે..વાન ગોગ જો કચ્છમાં જન્મ્યો હોત, અને ત્રણ-ચાર દુકાળ પછી ફાટફાટ લીલોતરી જોઇ હોત તો કદાચ એણે પોતાના ચિત્રોમાં પીળાને બદલે લીલો રંગ વાપર્યો હોત... લોરિયાથી ભીરંડિયારા વચ્ચે અફાટ રણ .. - જ્યાં સત્ત્વહીન ધરતી પર ઝાંઝવાં નાંચતાં જોઇ નિઃસાસા નીકળી જતા.. હોય કે કે ખડીરની આસપાસ પથરાયેલું રણ હોય, આજે વરસાદી પાણીથી છલોછલ છે.. જે પ્રદેશની અસ્મિતા અને લોકસંસ્કૃતિ પાણીના અભાવના પરિબળની આસપાસ ઘૂમતી અને ઘડાતી રહી છે એ પાણીની છતથી છલોછલ છે.' જો કે કીર્તિભાઇની અનુભવી આંખ તો 'લીલાછમ વર્ષે દુકાળ નિવારણ માટે એક પ્રજા તરીકે કટિબદ્ધ(તા)ની લીલોતરીની તલાશ કરવાનું પણ ચૂકતી નથી.
કચ્છનાં રણની સાથે કચ્છનાં સોહામણા પક્ષી સુરખાબ અને અજોડ (ક્ચ્છી જંગલી ગધેડો) ઘુડખર એકસાથે જોવા મળે તે... "કુદરતનો કરિશ્મા સર્જે છે કલ્પનાતીત દૃશ્યો" (પૃ,૧`૫૨-૧૫૩)... સૂર્યના ઉદય અને અસ્ત સમયે સર્જાય છે.

'હંજ વસાહત ઉજાણી માટે નથી' (પૃ. ૧૫૪-૧૫૮)માં રણમાં પક્ષીઓની ગતિવિધિઓનાં બયાનની સાથે સાથે માનવ જીવન વિકાસની આધુનિક શૈલી કુદરતની વ્યવસ્થાને વેરવિખેર કરવામાં કેવી કેવી રીતે ફાળો આપી દે છે તેની ચેતવણીનો સૂર પણ છે.'

"સુરખાબ યાયાવર નથી, એ તો છે કચ્છી ભારતવાસી' (પૃ. ૧૫૮-૧૬૩)માં ૨૦૦૩થી ૨૦૧૧ સુધી સારાં ચોમાસાં ગયાં, તેનાં પરિણામરૂપ સુરખાબ, પેણ, કુંજ, ઢોંક, સીગલ જેવાં સાતથી સાડા સાત લાખ પક્ષીઓના મહાકુંભમેળાની વાત કરતાં કરતાં, કચ્છનાં રણ અને એની અનન્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અંગે વધુ સંશોઘનની જરૂરિયાત પર પણ ભાર મુકાયો છે.

આ લેખોમાં કચ્છના રણના નૈસર્ગિક કરિશ્મા અને રહસ્યોની વાત ભાવિ પેઢીને કુદરતની અકળ કરામતોને કેમ માણવી અને જાળવવી તેની શીખ આપવાનું કામ પણ કરે છે. પણ આજના ટેક્નોલોજીના ઉપયોગમાં બહુ જ આગળ નીકળી ચૂકેલ ભાવિ યંત્રયુગની પેઢીને કુદરત સાથે તાલમેલ કેમ (અને શા માટે ) જાળવવો જોઇએ તેની કોઇ જ જાતના બોધ આપ્યાના ભાર સિવાયની વાત "કચ્છી-ખારાઈ ઊંટ કૂડ ખાય ને સચ કમાય !"(પ્રુ. ૨૨૬-૨૩૦)અને "ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ" (પૃ.૨૩૧)માં કરવામાં આવી છે.”એવું નથી કે ..કચ્છની વિશેષતાઓથી આપણે અજાણ હતાં,પણ વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરાયા પછી તે વિશેષતાઓ કચ્છની અજોડ દેનના રૂપમાં ઉપસી આવી છે. દા.ત. બન્નીની કુંઢી ભેંસ, એ તદ્દન અલગ પ્રકારની ઓલાદ છે. તેવું જ..કચ્છના પાટણવાડી ઘેટાની નસલનું પણ છે.આ જ પ્રકારનાં સંશોધનો વડે જ ખ્યાલ આવ્યો કે લખપતથી ભચાઉ સુધીની દરિયાઇ પટ્ટી, ખાસ તો ચેર (મેન્ગ્રોવ્ઝ)ના જંગલોવાળા વિસ્તારમાં દરિયાઇ ખારી વનસ્પતિ ચરીને ઉછરતા હોય એવા એકમાત્ર ઊંટ 'ખારાઈ ઉંટ' છે. પેટ્રોલ સંચાલિત વાહનોના આજના યુગમાં પણ રણ જેવા કઠિન વિસ્તારોમાં હેરફેર અને ભારવહન માટે ઊંટ જેવું સસ્તું અને ઉપયોગી બીજું કોઈ સાધન નથી...આપણે છારી ઢંઢ કે એવા જળાશય પર ઊંટના ધણને લઇ જતા રબારી કે જતને જોતાં જ કેમેરો ઉઠાવીને ફટાફટ સ્નેપ ઝડપી તેમની જીવનશૈલી પર ભલે આફરીન પોકારી જતા હોઇએ, પણ વાસ્તવિકતા એનાથી ઉલટી, ક્રૂર અને ભયંકર છે. એમની રઝળપાટ પાછળ મજબૂરી, ગરીબી અને આર્થિક શોષણખોરીની કરૂણ કહાણી છે.......ભારતીય આયુર્વેદ પરંપરામાં કમળો, ક્ષય, દમ, લોહીની બીમારી અને ખાસ તો મધુપ્રમેહના ઇલાજ માટે ઊંટડીનું દૂધ લેવાની સલાહ અપાય છે...રાજસ્થાનના બિકાનેર સ્થિત સંશોધન કેન્દ્રે ઊંટડીનાં દૂધમાંથી ગુલાબજાંબુ બનાવવાનું શરૂ કરેલ છે. ઉપરાંત ચીઝ અને આઇસક્રીમના પણ સફળ પ્રયોગો થયા છે..એના વાળ(ઉન)માંથી ગરમ કાપડ બનાવવામાં રેમન્ડ જેવી બ્રાન્ડ પ્રયોગો કરી રહી છે.......ગજબની દિશાસૂઝ ધરાવતું ઊંટ વરસો પછીયે પોતાના મૂળ સ્થાને પહોંચી શકે છે.બન્નીના સાડાઇ ગામમાંથી ચોરાયેલો ઊંટ પાકિસ્તાન મોકલી દેવાયો હતો. પાંચ વર્ષે એ ઊંટ ત્યાંથી નાસી આવીને મૂળ માલિકના ઝૂંપડે પહોંચી આવ્યો હતો’....એટલે દાણચોરી જેવાં કામોનાંunmanned missionsમાં ઊંટો બહુ મહત્ત્વનું હથિયાર બની રહે છે.

ચેરિયાં દરિયાને બદલે રણમાં ઊભાં અને એમાં બેઠા પોપટ" (પૃ. ૧૭૫)
‘ધ્રંગના વિખ્યાત મેકણ દાદાના અખાડાની ઉત્તરે અફાટ રણ ડોકાય છે. પણ, આશ્ચર્યની વચ્ચે ત્યાં શ્રવણ કાવડિયાના ધર્મસ્થાન નજીક સમુદ્રી વનસ્પતિ એવાં ચેરિયાનાં કમસેકમ ચારેક ડઝન વૃક્ષ કાળની થપાટો સહન કર્યા છતાં અડીખમ ઊભાં છે....દરિયામાં હોય એના કરતાં અહીંનાં ચેરિયાં ખાસા એવાં ઊંચાં છે, અને સૌથી મોટું આશ્ચર્ય તો એ સર્જાયું છે કે એની હરિયાળીથી આકર્ષાઇને પોપટ જેવાં પક્ષી તેમાં આશ્રય મેળવે છે.’
પૃ.૧૬૩થી ૧૭૨ પરના દીપોત્સવી ૧૯૯૦ના લેખ "મોટા રણમાં ઘૂસતાં દરિયાનાં પાણી કચ્છના બે ટુકડા કરી નાખશે ?"માં રણની ઉત્પત્તિ અને તેની પરિવર્તનશીલ પરિસ્થિતિ વિષેના ભૂતકાળમાં થયેલા અભ્યાસોના હેવાલ, તેમ જ રાજય સરકારે નીમેલા ક્ષાર નિયંત્રણ સમિતિના હેવાલની ખૂબ જ ઝીણવટભરી, વિશ્લેષણાત્મક ચર્ચા આવરી લેવાઇ છે. કીર્તિભાઇ પોતાની લાક્ષણિક શૈલીમાં માહિતી સાથેની વિગતો સમજાવવાની સાથે સાથે જણાવે છે કે “કચ્છના મોટા રણમાં કોરી ક્રીક મારફત ઘૂસતાં અરબી સમુદ્રની ભરતીનાં પાણી પવન પર સવાર થઇને ઇન્ડીયા બ્રિજ સહિતના વિસ્તારમાં એક અજોડ નમક સરોવરનાં સ્વરૂપમાં” ફેરવાઇ ગયાં છે. આપણે નજરે જોતાં હોવા છતાં તેની દૂરગામી અસરોનો આપણને ખ્યાલ નથી આવતો એવા, કુદરતના જ પ્રમાણમાં મંદ ગતિએ થતા, કરિશ્માને માનવ પ્રવૃત્તિઓ જાણ્યે અજાણ્યે એવી પરિસ્થિતિમાં ફેરવી નાખી શકે છે, જેનાં પરિણામો બહુ જ જોખમી, અને સમજ પડે ત્યારે લગભગ હાથ બહારનાં, બની જઇ શકે છે.

કચ્છનું રણ પણ કચ્છના દરિયાની જેમ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સીમાના સંદર્ભે પણ અવનવા અને અનોખા પડકારો કરતું રહે તે સ્વાભાવિક છે. દાણચોરી, જાસૂસી અને સરહદની સલામતીની સતત માથાના દુઃખાવા સમી સમસ્યાઓ અને તેની સાથે કપરા સંજોગો અને (મોટે ભાગે)ટાંચાં સાધનોથી બાથ ભીડતાં રહેતાં સીમા સુરક્ષા દળની ગતિવિધિઓ, સીમા સુરક્ષા દળનાં જ સારાં નરસાં પાસાંઓનાં બહુ જ નજીકથી કરાયેલ વિશ્લેષણ અને તેમાંથી ફલિત થતાં મંતવ્યો અને તારણો પુસ્તકના ૬૫માંથી અન્ય ૫૪ જેટલા લેખોની સામગ્રી બની રહે છે. આપણે આ જ વિષયોની અલગ માવજતવાળા બે લેખોનો પરિચય કરીશું.

આ લેખો ૨૦૦૪માં લેખકે "સીમાના સંત્રીઓ સાથે રાજસ્થાનના રણમાં રઝળપાટ' કરતાં ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના ઇતિહાસને યાદ કર્યો છે.

"મુનાબાવઃ ભારત-પાક સંબંધોના ચડાવ-ઉતારનું પ્રતીક" (પૃ. ૧૭૭-૧૮૧)માં વર્ણવાયેલું મુનાબાવ એટલે 'રાજસ્થાનના બાડમેરથી પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખોખરાપાર ગામ વચ્ચે દોડતી ઉતારુ ટ્રેનની લાઇનનું ભારતનું છેલ્લું ગામ...ત્રણેક દાયકા પહેલાં એ દિવસભર પ્રવૃત્તિઓથી ધમધમતું રહેતું. બાડમેરથી ઘી નીતરતી મિઠાઇઓ અને ચમચમ કરતી મોજડીઓ ખરીદીને લોકો પાકિસ્તાન લઇ જતા તો ત્યાંથી પાછા ફરતી વખતે વનસ્પતિ રંગોની અજરખ તેમજ અન્ય વસ્તુઓ લઇને પાછા ફરતા.... ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના સાપ ગયા અને લિસોટા રહ્યા જેવા રેલ્વે લાઇનના પાટા મૃતપ્રાય બની રહ્યા છે'..અહીંથી થતી અવરજવર લેખકને તેમનાં વતનના શહેર માંડવીની 'સ્‍હેજે' યાદ અપાવી જાય છે..૧૯૬૫ સુધી ત્યાં પણ મુંબઇથી કરાંચી વાયા માંડવીની સ્ટીમર સેવા ચાલતી હતી...પણ બે યુદ્ધની કમનસીબ ઘટનાઓએ આ વ્યવહારોની કડીઓને છૂટી કરી નાખીને બંને દેશના લોકો વચ્ચે જેટલું ભૈતિક અંતર વધારી નાખ્યું, તેનાથી ઘણું વધારે અંતર રાજકીય ભાવનાની દષ્ટિએ કરી નાખ્યું છે.

એ જ 'રઝળપાટ'માંના ઉત્તરાર્ધ સમા લેખ "સીમાદળને સહકાર આપવામાં ગુજરાત પડોશી રાજ્ય કરતાં ઘણું આગળ છે" (પ્રુ. ૧૮૨-૧૮૩)માં લેખક નોંધે છે કે ‘સીમા દળના એકમ માટે જોઇતી જમીન ફાળવવાની બાબત હોય કે પાણી અને વીજળીની સુવિધાઓ પૂરી પાડવાનો પ્રશ્ન હોય, કે સીમા ચોકીઓ પર ટેલીવીઝન અને ડિશ જેવી સગવડો હોય, ગુજરાત સરકારે હરહંમેશ ઝડપથી પ્રતિભાવ આપ્યો છે’. તો બીજી બાજુ જેસલમેરના ઊંડાણવાળા વિસ્તારોની સીમા પર ઇન્દિરા કેનાલનું 'પાણી ખળખળાટ વહેતું હતું'. ત્યાંના લોકોનું સપનું 'સાકાર થઇ ગયું હતું, જ્યારે કચ્છમાં...નર્મદાનું પાણી હજુયે (૨૦૦૪ની આ વાત છે) મૃગજળ છે.'

રણ સરહદ હોય કે દરિયાની ક્રીક સરહદ હોય, કીર્તિભાઇએ તેમને પોતાના પગથી ખૂંદી છે, અને ત્યાંની પરિસ્થિતિનો અને તેની સાથે સંકળાયેલાં અનેકવિધ પાસાંઓનો તલસ્પર્શી ચિતાર રજૂ કર્યો છે. ‘'અલબત્ત..(અહીં રજૂ થયેલા ) લેખો જે તે સમયે લખેલા હોવાને કારણે (ક્યાંક) વિગતવાર” નથી એ મર્યાદા સંપાદકીય પ્રસ્તાવનામાં સ્વીકરાઇ છે. આશા રાખીએ કે હવે પછીની આવૃત્તિઓમાં આ ઉણપને નિર્મૂળ કરીને આ દરેક પુસ્તકને તેનાં યથોચિત મૂલ્યની કક્ષાએ પહોંચાડવામાં આવે.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૩ : રણના રંગ બેરંગ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

  • વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખ ¬ ૧૩-૧૧-૨૦૧૪

Monday, November 17, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ

કચ્છમાં થતી કુદરતી ઘટનાઓ, તેને લગતી ભૌગોલિક અને રાજકીય તેમ જ સામાજિક સમસ્યાઓ અને તેના શક્ય ઉકેલો ને 'કલમ કાંતે ક્ચ્છ' પુસ્તક શ્રેણીમાં શ્રી કીર્તિ જયંત ખત્રીના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમ્યાન લખાયેલા અગ્રલેખોમાં એક આગવું સ્થાન મળ્યું હોય તે સ્વાભાવિક છે - એમના એ કાર્યકાળમાં આવી ઘટનાઓ થવાનું પણ ઘણું બન્યું, જે ઘટનાઓ થઇ તે હતી પણ મહાકાય કક્ષાની, એટલે એ બંને દૃષ્ટિએ કીર્તિભાઇ જેવા જાગૃત અને વિચારશીલ ખબરપત્રીની બળૂકી કલમ એ સમયની પરિસ્થિતિને અને તેનાં અનેકવિધ પાસાંઓને પૂરેપૂરો ન્યાય કરી શકે તે રીતે ઝીલી લેવાના પડકારને સફળતાથી સિદ્ધ કરે તે પણ કદાચ એટલું જ સ્વાભાવિક કહી શકાય.આ પ્રકારના ઘણા લેખોને સ્વતંત્ર પુસ્તકના વસ્તુ તરીકે સંપાદિત કરવામાં શ્રી માણેકભાઇ પટેલે સારો એવો પરિશ્રમ ઉઠાવ્યો છે.

'કલમ કાંતે કચ્છ' શ્રેણીનું છઠું પુસ્તક છે "ધરતીતાંડવ". સંપાદક તેમના પ્રવેશક લેખમાં નોંધે છે કે,”૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું, તોયે કચ્છી માડુએ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઇને નવસર્જનનો એક અજોડ ઇતિહાસ સર્જ્યો એ સૌ કોઇ જાણે છે. પણ, કુદરતના અભિશાપને તકમાં પલટાવીને આશીર્વાદ સુધી લઇ જવાની આ પ્રક્રિયાના સાક્ષી બનીને કીર્તિભાઇ સતત લખતા રહ્યા હતા. જુદા જુદા જુદા તબક્કે લખાયેલા લેખો પૈકી પસંદ કરાયેલા લેખ આ પુસ્તકમાં સમાવી લેવાયા છે તે ખરા અર્થમાં તો પુનર્વસનના દસ્તાવેજીકરણ સમાન છે.”

દરેક પુસ્તકમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ અલગ અલગ વ્યક્તિઓના કીર્તિભાઇનાં વ્યાવસાયિક અને વ્યક્તિગત, વિવિધ પાસાંઓનું ચિત્રણ કરતા લેખોમાંથી ચૂંટેલા લેખને પ્રવેશક લેખ તરીકે લેવાયેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં આ પ્રકારનો પ્રવેશક લેખ પણ બહુ જ યથાર્થ પૂર્વભૂમિકા રચી આપે છે. "ભૂકંપ પછીના નવસર્જનની પ્રક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા"માં (પૃ.૧૯-૨૧)લેખક અને સમાજ ચિંતક શ્રી નલિન ઉપાધ્યાય હૃદયપૂર્વક એવું માને છે કે '૨૦૦૧ના કારમા ભૂકંપ બાદ કચ્છનું એ સદનસીબ જ રહ્યું કે ...નવસર્જનના બાર બાર વર્ષ સુધી કીર્તિભાઇ 'કચ્છમિત્ર'ના તંત્રી પદે રહ્યા.. કીર્તિભાઇની સમજુ અને પારખી દૃષ્ટિએ કચ્છના ધરતીકંપ બાદના નવસર્જનમાં લોકસહકારની ભૂમિકાની સંસ્કૃતિના સ્પિરીટને સમગ્ર વિશ્વની સામે રજૂ કરી મૂક્યું (છે)...કચ્છના નવસર્જનનો એક પણ મુખ્ય કે ગૌણ પ્રશ્ન એવો નથી જેની 'ક્ચ્છમિત્ર'એ નોંધ ન લીધી હોય'.

તે જ રીતે કીર્તિભાઇના 'ક્ચ્છમિત્ર'ના સહકાર્યકરના પ્રવેશક લેખ "સંવેદનશીલતાનો પર્યાય" (પૃ. ૨૨-૨૫)માં જો. ન્યૂઝ એડિટર નવીન જોશી ભલે 'ધરતીકંપના સમયની અને પછીની કીર્તિભાઇની સક્રિયતા અને સંવેદનશીલતા'ને સ્પર્શતાં કીર્તિભાઇનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓની વાત કરે છે, પણ એ વર્ણનો પણ આપણને પ્રસ્તુત પુસ્તકમાંના વિષયના સંદર્ભે લાગણી અને સંવેદનાને રંગે રંગાયેલી,કયા કયા પ્રકાર અને સ્તરની માહિતી જાણવા મળશે તેનું રેખાચિત્ર ખેંચી આપવામાં મદદરૂપ બની રહે છે.

કુલ ૨૧૨ પાનાંમાં ૬૭ લેખો વડે સમગ્ર પુસ્તકમાં ધરતીકંપની તાત્કાલિક અસરો, રાહત કામ ને પુનવર્સનની પ્રત્યક્ષ સમસ્યાઓની સાથે સાથે કેટલીય પરોક્ષ બાબતોને સાંકળી લેવાઇ છે. તેને કારણે પુસ્તક એક મસમોટા ધરતીકંપ વિષે માત્ર દસ્તાવેજી તવારીખ બની રહેવાને બદલે, ભવિષ્યમાં ક્યાંય પણ આ સ્તરની કુદરતી આપત્તિ આવી પડે તે પહેલાં સભાનતા અંગે શું કરવું (અને શું ન કરવું)થી લઇને, ટુંકા ગાળાનાં રાહતનાં અને લાંબા ગાળાના પુનર્વસનના કાર્યક્રમમાં કેવી કેવી બાબતોને પણ ધ્યાન રાખવી જોઇએ તેની માર્ગદર્શિકા તરીકે પણ એક મહત્ત્વનો સંદર્ભ ગ્રંથ બની રહે તેમ છે.

પુસ્તકની શરૂઆતમાં જ ધરતીકંપની શક્યતાઓની આગોતરી જાણ અને તૈયારી વિષેના૨૭-૯-૧૯૯૬ના લેખ 'ધરતીકંપ સામે સાવધાની' (પૃ. ૩૭/૩૮)થી પહેલી એક વાત તો એ ફલિત થાય છે કે કચ્છ જેવા કુદરતી આપત્તિની સંભાવનાની પ્રબળ શકયતાઓ ધરાવતા પ્રદેશોમાં પણ તકનીકી સ્તરે આગોતરા અભ્યાસ હાથ ધરાતા તો હોય છે જ. પણ, આવી ઘટનાઓ ખરેખર જ્યારે થાય છે ત્યારે તેને માટે કોઇ જ પ્રકારની તૈયારી નથી હોતી. આ સંદર્ભમાં અગાઉ ઉલ્લેખ કરેલા શ્રી નવીન જોશીના પ્રવેશક લેખમાં સખેદ નોંધ લેવાઇ છે કે તે સમયે સાવધાની માટેના જે ઉપાયો ચર્ચાયા હતા તેનો અમલ ન થવાની અસરરૂપે ભુજમાં ૧૯૯૬થી ૨૦૦૧ના સમયમાં '૧૦૦થી ૧૨૫ એપાર્ટમેન્ટ ઊભા થઇ ગયાં જે પૈકી ૧૦૦ મકાનો ૨૦૦૧ના ધરતીકંપમાં ધરાશાયી થયાં હતાં.'

તે જ રીતે ધરતીકંપના પાંચેક મહિના જ પહેલાં લખાયેલા લેખ 'સાવધાન, ધરતી ધ્રૂજે છે' (પૃ. ૩૯/૪૦)માં પણ 'ધરતીકંપની શક્યતાઓનો નિર્દેશ થઇ શકે પણ ચોક્કસ આગાહી થઇ શકતી નથી...પણ..તે વખતે ઓછામાં ઓછું નુકસાન થાય એવી વ્યવસ્થા વિચારી શકાય...'એ સૂર ઉભરી રહે છે.
[પરિચયકર્તાનીનોંધઃ તાજેતરમાં કાશ્મીરમાં પણ આવેલાં પૂર વખતે કુદરતના ખોફની સાથે માનવ સર્જિત (ટૂંકા ગાળાના) પગલાંઓએ તબાહીમાં વધારે ફાળો આપ્યો એવું મનાય છે. તે જ રીતે વિશાખાપટ્ટ્નમ પર હુદ હુદ ત્રાટક્યું તેની બહુ જ ચોક્કસ જાણ થવાને કારણે માનવ જાનહાનિ મહદ્‍ અંશે નિવારી શકાઇ, જો કે માલ મિલ્કતને થયેલી નુકસાનીને રોકવા માટે તો બહુ જ લાંબા ગાળાની દૃષ્ટિએ લેવાયેલાં પગલાં જ કારગત નીવડી શકે છે.]
૫-૨-૨૦૦૧ના "કાશ, ભૂસ્તરશાસ્ત્રીઓની ચેતવણી સરકારે સાંભળી હોત" (પ્રુ. ૪૪-૪૬)માં પણ “જે કોઈ ચેતવણીઓ અપાઇ તેની ધોરીધરાર અવગણના”નો સૂર ગાજે છે.

સમગ્ર પુસ્તક વાંચતાં એવું પણ જોઇ શકાય છે કે આવી અવગણનામાં જો સરકારી તંત્ર ઊણું પડતું જણાય છે, તો પ્રજામાનસ પણ કાચું પડતું જણાય છે.

પુસ્તકમાંના મોટા ભાગના લેખો ધરતીકંપ બાદની સીધી અસરો અને તેની રાહતનાં કામો પર પડતી પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો‍નો અભ્યાસને લગતા હોય તે સ્વાભાવિક છે. તેને કારણે આવડી મોટી કુદરતી ઘટનાની અસરોનાં વમળ ક્યાં ક્યાં સુધી પહોંચી શકે તે સમજવામાં ઘણી મદદ મળી રહે છે.ધરતીકંપ પછીના ૨૦૦૧ના વર્ષના ૧૮ લેખો આ પ્રકારના કહી શકાય.

૧૬-૨-૨૦૦૧ના લેખ "સીમા નજીકનાં એ ગામડાં 'માં (પૃ.૫૧) ધરતીકંપની અસરો અને રાહત કામો માટે કરીને “જ્યારે ..સમગ્ર પોલીસતંત્ર ઉપરાંત સીમા સુરક્ષા દળ અને લશ્કરી જવાનો બચાવ અને રાહતની કામગીરીમાં પરોવાયેલા છે..(ત્યારે) અલબત્ત ..સરહદ પર ચાંપતો બંદોબસ્ત છે.. (તેમ છતાં) કચ્છના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વિદેશી પણ મુક્ત રીતે હરીફરી શકે છે તે બાબતમાં સજાગ થવાની જરૂરિયાત.. છે” જેવી બહુ જ ચોક્કસ મુદ્દાની ચિંતા વ્યક્ત થઇ છે.

૨૧-૨-૨૦૦૧ના લેખ "નબળાં બાંધકામની તપાસમાં દાનત સાફ છે ખરી' શીર્ષકમાં જ નબળા બાંધકામના પ્રશ્ને રાહત અને પુનઃવસનનાં કામ રહેલાં 'દાનત'ને લગતાં સંભવિત ભયસ્થાનો વિષે બહુ પહેલેથી જ ચેતવણી અપાઇ છે.

૧૪-૩-૨૦૦૧ના લેખ "હિજરત રોકવામાં જ રાષ્ટ્રીય હિત છે"માં "ધરતીના લગાવથીયે કારમી એવી વેદના..(ને કારણે)..જ ભૂકંપનો મોકો ઝડપી લઇ ચોક્કસ જ્ઞાતિની સામૂહિક હિજરતને.. 'માત્ર સામાજિક ધરતીકંપ'ની નજરથી ન જોવાની અગમચેતી વર્તવાની ચાંપ કરાઇ છે. એ બાબતની ચર્ચામાં “આ દેખીતાં વલણમાં પાકિસ્તાનનો હાથ હોવાની અપવાદ રૂપ કારણ પણ નઝરઅંદાજ ન કરવાની” સાવચેતી વર્તવા માટે પણ ધ્યાન દોરાયું છે. તો વળી “સરહદી સલામતીની સાથે સામાજિક અને આર્થિક સલામતીનું વાતાવરણ સર્જીને આ હિજરત અટકાવવા”નો તકાજો પણ છે.

૨૩-૪-૨૦૦૧ના લેખ "ભૂકંપપીડિત પ્રજાને તો કોઈ કાંઈ પૂછતું જ નથી"માં જે બોલકી નથી એવી ૯૦% પ્રજાની મનોદશાનો ચિતાર રજૂ કરવાની સાથે સ્થાનિક તંત્રને રાહત કાર્ય માટે જરૂરી સત્તા નથી, નિર્ણયો લેવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ ન થવાથી નિર્ણય લેવામાં લેવાયેલા નિર્ણયોને યોગ્ય કક્ષાએ સમયસર જાણ કરવા સુદ્ધાંમાં થતા વિલંબ જેવાં પાસાંઓની પણ સવેળા જ ચર્ચા કરાઇ છે.

૩-૬-૨૦૦૧ના લેખ "ક્ચ્છ ઝંખે છે કેન્દ્રની ખાસ માવજત"માંતે સમયના વડાપ્રધાનની ક્ચ્છની મુલાકાતના સદર્ભમાં ક્ચ્છને થતા (રહેલા)'અન્યાય અને અવગણના'ને (પણ) વાચા આપવાની તક ચુકાઇ નથી.

૨૩-૬-૨૦૦૧ના લેખ 'કચ્છીયતની અગ્નિપરીક્ષા"માં (પૃ.૭૨-૭૪)દેશ-વિદેશની સહાયને સરકારના...આર્થિક પેકેજોની ભરમાર વચ્ચે 'કચ્છીયત અટવાઈ પડી' હોવાના સચિંત સૂરમાં રાહત કામગીરીમાં અનુચિત માનસિકતા અને વ્યવહારો દાખલ ન થઇ જાય એવી દહેશત પણ વ્યક્ત કરાઇ છે.

તે પછી, ધરતીકંપ પછીની પહેલી દિવાળીના ટાંકણે "સૌના નકાબ ભૂતાંડવે ચીરી નાખ્યા છે"માં (પૃ.૭૫-૮૦)'ભૂકંપ બાદ નવ માસ દરમ્યાનની વિવિધ કામગીરીમાં બહાર આવેલી ક્ષતિઓ' છતાં 'આટલો ગાળો સ્પષ્ટ તારણ કાઢવા માટે અપૂરતો જણાય છે'નો સમસ્યાઓ વચ્ચેથી પણ ટકી રહેલો આશાવાદ પ્રગટ થતો રહે છે. 'પ્રજાની વર્તણૂંક અને તેનો મિજાજ', 'સરકારની નવસર્જનની પ્રક્રિયા વેગવાન બનાવવાની નેમ', 'રાજકીય પક્ષોનીકામગીરી', ‘સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા’ જેવાં અનેકવિધ પાસાંઓના લેખાંજોખાં પણ સ્પષ્ટવિગતે ચર્ચાની એરણે ચડાવાયાં છે. તે સાથે અમલીકરણની કામગીરી વડે આ 'અભિશાપને આશીર્વાદમાં પલટાવી નાખવા માટે પારદર્શિતાની તેમજ ગેરરીતિમુક્ત રહેવાની' આગ્રહપૂર્વકની અપીલ પણ કરવાનો મોકો પણ ઝડપી લેવાયો છે.

૨૬-૭-૨૦૦૧ના લેખ "-તો આવતીકાલ આપણી છે" માં (પૃ.૯૪-૯૭) 'કુદરતી આપત્તિએ આપણી આજ કષ્ટમય અને અનિશ્ચિત ભલે બનાવી દીધી છે પણ આપણે સૌ..આત્મનિરીક્ષણ કરીશું તો આપણી આવતી કાલ ઉજળી હશે" જેવા આશાવાદમાં ધરતીકંપ પછીના છ મહિના પછીની પરિસ્થિતિનાં સકારાત્મક અને નકારાત્મક પાસાંઓની ચર્ચામાં પણ બધાં જ પક્ષકારો માટે સાવચેતીનો સૂર તો રહે જ છે.

અહીંથી હવે પ્રશ્નનાં સમગ્ર પાસાંઓને લગતા નીતિવિષયક નિર્ણયો અને તેના અમલ બાબતે વાર્ષીક સમીક્ષા કરતા લેખો ૨૬-૧-૨૦૦૨થી લઇને ૨૦૧૧નાં વર્ષના સમયખંડને આવરી લે છે. આ લેખોમાં પણ દરેક બાબતને લગતી સીધી સીધી ચર્ચાની સાથે નિર્ણયો અને / અથવા અમલનાં પગલાંની અનપેક્ષિત, પરોક્ષ અને વણકહેવાયેલી અસરોને પણ તેટલી જ વિધેયાત્મકતાથી આવરી લેવાઇ છે.

આમ કુલ ૬૭ લેખોમાંથી ૨૪ લેખો ધરતીકપ અને ધરતીકંપની બહુવિધ અસરોની નોંધ લેવાની સાથે દરેક મુદ્દાઓની છણાવટ પણ કરે છે.

તે પછીના વર્ષ ૨૦૦૨ના સમયને આવરી લેતા ૧૪ લેખો પણ વિષયોના વ્યાપને વધારતા રહેવાની સાથે આ પ્રકારની ઘટનાની, રાહતની અને નવસર્જનની પ્રક્રિયા પર પડતી, સીધી અને આડી અસરોની ઊંડાણથી રજૂઆત કરે છે.

"ટાઉન પ્લાનિંગમાં ફળિયા સંસ્કૃતિ જીવંત રાખવા અનેરી પહેલ" (પૃ.૧૨૪-૧૨૭)' 'ભુજઃનવસર્જનના વિરોધાભાસ' (પૃ.૧૨૮-૧૨૯)જેવા લેખોમાં નવેસરથી હાથ ધરાયેલ ટાઉન પ્લાનિંગની કવાયતમાં નડતી અનેકવિધ પ્રકારની અડચણોની ચર્ચા વડે આ પ્રકારના પ્રશ્નોની જટિલતાના વિવિધ આયામોનો પરિચય થાય છે.

ધરતીકંપ જેવી કુદરતી આપત્તિને લગતા અખબારોના તંત્રી લેખોમાં નુકસનનાં વિવરણ કે તે સમયે ચાલી રહેલી ગતિવિધિઓના અહેવાલોની સમીક્ષાનું વિવરણ વધારે હોય તે સ્વાભાવિક છે. તે પ્રાથમિક ફરજ પૂરી કરવાની સાથે સાથે ધરતીકંપ જેવી બહુ જ અસામાન્ય ઘટનાનાં દેખીતાં ન કહી શકાય તેવાં સીધાં કે આડકતરાં કંપનોનો કેલીડૉસ્કોપિક ચિતાર પણ બહુ જ નજદીકથી કરવાની સાથે વિધેયાત્મકતાનું અંતર જાળવવામાં પ્રસ્તુત પુસ્તક સફળ રહે છે.

પુસ્તક વાંચતાં વાંચતાં વાચકને થતા આ અનુભવની સાહેદી છેલ્લા ત્રણ લેખ પુરાવે છે, તે સાથે ધરતીંપની અસરોનું, પુસ્તકમાં આવરી લેવાયેલા સમયખંડના સંદર્ભમાં છેલ્લું ચિત્ર પણ દોરી આપે છે.

૭-૧-૨૦૧૦ના લેખ "ભૂકંપ કૌભાંડો...સજા ક્યારે?" (પૃ.૧૯૫/૧૯૬) :
ફરી એક વાર ભૂકંપને પગલે, કેશ ડૉલ્સ, વેપારી સહિતના પેકેજો, કાટમાળ ખસેડવાની કામગીરી હોય કે ટીપી કે કપાતને લગતી રાહત પ્રવૃત્તિ અને નવસર્જનની પ્રક્રિયામાં છડેચોક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ વિષે ઇન્કાર થઇ શકે તેમ નથી. પ્રજા, કર્મચારી, અધિકારી, કોઇ પણ સંસ્થા કે કોઇ અગ્રણી એમ સૌ લાભાર્થી સામેલ હોય એવો સામૂહિક ભ્રષ્ટાચાર થતાં કચ્છના ખમીરને, એની અસ્મિતાને અને સંસ્કારિતાને બટ્ટો લાગ્યો હોવાનો અહેસાસ પણ કચ્છપ્રેમીઓને થયો છે ..અને છેલ્લે, ભૂકંપને નવ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે અને ડરામણા (કૌભાંડી) આફ્ટરશૉક કચ્છને ધ્રુજાવી રહ્યા છે..ત્યારે.. એકનિષ્ઠા સાથે પુર્ણાહુતિનાં કામો થાય તો અનેક પરિવારો સુખચેનનો શ્વાસ લે !'
૨૬-૧-૨૦૧૦નો લેખ "મુદ્દો નવસર્જનના સંદર્ભે ચાણક્યનો" (પૃ.૧૯૭/૧૯૮) :
'ક્ચ્છના વિનાશક ભૂકંપની નવમી વરસીએ ચાણક્યને યાદ કર્યા છે કારણ કે કુદરતી આપત્તિના સમયે શું કરવું તે તેમના ગ્રંથમાં સ્પષ્ટપણે લખાયું છે...પહેલી વાત પ્રજાની ખુમારી અને મોરલની કરી છે.. આપત્તિ વેળાએ પ્રજાનું ખમીર અગ્નિપરીક્ષામાંથી સાંગોપાંગ પસાર થયું છે એ નોંધનીય છે....ગુજરાત સરકાર અને પ્રજાએ સાથે મળીને લોકભાગીદારીથી..નવસર્જન કર્યું છે...છતાં અફસોસ કે બાકી રહી ગયેલા ૧૦% કામોની ગાડી છેલ્લા ચાર વર્ષથી પાટા પરથી ઊતરી ગઇ છે..ક્યાંક કાયદાકીય આંટીઘૂંટીઓ છે તો ક્યાંક નીતિવિષયક અવરોધો છે, ક્યાંક અસરગ્રસ્તોના હઠાગ્રહ જેવાય પ્રશ્નો છે...અહીં ફરી ચાણક્યનો મુદ્દો આવે છે... જો રાજા કામ પૂરાં ન કરાવે તો પ્રજાએ એનું ધ્યાન દોરવું જોઇએ.. ભૂકંપ નવસર્જન(ની પ્રક્રિયા) જો અધૂરી જ રહેશે તો સરકારને કે કચ્છની પ્રજાને અને એના પ્રતિનિધિઓને ઇતિહાસ કદી માફ નહીં કરે.'
પુસ્તકનો સહુથી છેલ્લો લેખ - ૨૭-૩-૨૦૧૧ - "ભુજનું પુનર્વસન ..જાપાની યુવતીની નજરે..." (પૃ.૨૦૩-૨૦૭)માં ૧૯૯૮માં પહેલી વાર કચ્છ આવ્યા બાદ દર વર્ષે કમસેકમ એક વાર ક્ચ્છ આવતી રહેતી અને 'બ્લોક પ્રિન્ટિંગ' પર સંશોધન કરી રહેલી જાપાની યુવતી ડૉ. મિવા કાનેતાના સંશોધનમાંથી બોધપાઠ લેવા જેવાં તારણોની વિગતે ચર્ચા કરાઇ છે. પહેલું મહત્ત્વનું તારણ એ છે કે ક્ચ્છને પોતાની યુનિવર્સિટી મળ્યા છતાં 'કોઇ કચ્છી વિદ્યાર્થીને પુનર્વસનની પ્રક્રિયાના સારા-નરસા પાસાં તપાસવાનું યા તો સૂઝ્યું નથી અગર તો વિષય અનુસાર ગાઇડના અભાવે કે ગમે તે કારણે સંશોધન શક્ય બન્યું નથી. ડૉ.મિવા 'ધર્મ આધારિત વિભાજન ભુજના પુનર્વસનની પ્રક્રિયામાં સ્પષ્ટ'પણે જોઇ શક્યાં છે. આ હકીકતનો ઉલ્લેખ કરી તેઓ લખે છે કે ..ભૂકંપ પછી હિન્દુ અને મુસ્લિમ બંને કોમોમાં ધાર્મિક ઉત્સવ-રીતરસમો-નું પ્રમાણ વધી રહ્યું હોય એવુંયે લાગે છે.'

એકંદરે "ધરતીતાંડવ"માં નોંધાયેલાં તારણો કે સ્પષ્ટ રીતે રજૂ થયેલાં મંતવ્યો કોઇ પણ આકસ્મિક કુદરતી પ્રકોપની સંભવિત અસરોને સમજવામાં મહત્ત્વના બોધપાઠ બની રહેશે. અને ૨૦મી અને ૨૧મી સદીનાં માનવ જાતનાં કૃત્યો અને કુદરતની પોતાની અકળ ચાલને કારણે આવી પ્રકોપકારી ઘટનાઓ વારંવાર થતી રહી છે, તેમ જ દરેક ઘટનાની અસરો પણ બહુ જ દૂરગામી થતી રહેશે તે પણ નિશ્ચિત છે. આવા સંજોગોમાં દરેક ભાવિ પેઢી માટે આ પ્રકારનું, સર્વગ્રાહી, દસ્તાવેજીકરણ ઇતિહાસમાંથી શીખીને ઇતિહાસનાં પુનરાવર્તનમાંથી બચવામાં મદદરૂપ થશે.

આ પુસ્તક વિષે કીર્તિભાઇ સાથે બીન ઔપચારિક વાત કરતા હતા તેમાંના બે મહત્ત્વના મુદ્દા અહીં રજૂ કરવાની તક ઝડપી લેવી છે.
- પહેલી વાતમાં કીર્તિભાઇ તે સમયે દિલ્હી યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા કરાઇ રહેલા સામાજિક સંશોધન દરમ્યાન અકસ્માત જ જોવા મળેલ એક તારણને યાદ કરે છે. જુદા જુદા કેમ્પોમાં ઘણા સમય સુધી કેટલાંય લોકોને પોતાનાં કુટુંબ કબીલાથી કદાચ, દૂર વસવું પડ્યું. સાથે રહીને મુશ્કેલીઓના સામનાઓ કરતાં કરતાં લાંબા સમયના 'એકલવાસ'માં માણસની જેમ જેમ ભૂખ , તરસ , ટાઢ તડકા સામે રક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પૂરી થાય એટલે 'દૈહિક વાસના' જેવી જરૂરિયાત સંતૃપ્તિનો અભાવ ઊંડે ઊંડે પોતાની જગ્યા કરતો જાય. આ સંશોધન કરતાં કરતાં એ વિદ્યાર્થીએ એવા ઘણા દાખલાઓ જોયા હતા કે જ્યાં આ અભાવે પણ પોતાની માંગ પૂરી કરી લીધી હોય.'ઘર'ની ચાર દિવાલો ન હોય એટલે સમાજ કેટલી હદ સુધી ઉઘાડો પડી જઇ શકે ત્યાં સુધીના વિચારો કરતાં કરી મૂકી શકે તે હદનાં આ અવલોકનો હતાં.પ્રસ્તુત પુસ્તકના પ્રવેશક લેખ "'ક્ચ્છી ગુજરાતી' અને 'ગુજરાતી ક્ચ્છી'ની બેવડી ભૂમિકા"માં જાણીતા દિગ્દર્શક અને લેખક પરેશ નાયક આ જ વાતની નોંધ લેતાં કહે છે કે "ભૂકંપ પછીના દિવસોમાં કચ્છી પ્રજા કેવા આંતરમંથનોમાંથી પસાર થઇ છે એ સમજવા માટે..ભૂકંપના વિવિધ પાસાનો અભ્યાસ કરીએ તો કદાચ સમાજશાસ્ત્રીઓનેપણ એમાંથી ..મહત્ત્વના નિષ્કર્ષો જડી આવે'. કીર્તિભાઇ આ બાબતે એમ પણ ઉમેરે છે કે આવી લાગણીઓના પ્રવાહને ઝીલવાનું કામ સૌથી વધારે સારી રીતે તો સર્જનાત્મક સાહિત્ય જ કરી શકે. કચ્છના જ વિચારશીલ લેખક હરેશ ધોળકિયા તેમની આવી જ પશ્ચાદ્‍ભૂ પર રચાયેલી નવલકથા "આફ્ટરશૉક”ની પ્રસ્તાવનામાં કહે છે તેમ માનવ જીવનની વેદના કે પીડા, કે અન્ય કોઇ અસરો, તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટાને લાગણીના અને સંબંધોને વ્યક્ત કરવા માટે કાલ્પનિક સાહિત્યસ્વરૂપ જ સક્ષમ નીવડે. સખેદ નોંધ લેવી પડે છે કે આવી એક મહાપ્રભાવકારી ઘટનાને સાહિત્યસ્વરૂપે પ્રતિબિંબિત કરાઇ નથી.
- બીજી વાત છે જેમાં આ ધરતીકંપ કચ્છને જે જે રીતે છૂપા આશીર્વાદની જેમ ફળ્યો છે તેમાં કચ્છની બાકીના ગુજરાત સાથે પ્રસ્થાપિત થયેલી ભાવનાત્મક એકતાની નોંધ જેટલી લેવાવી જોઇએ તેટલી નથી લેવાઇ એમ કીર્તિભાઇને આજની તારીખમાં લાગે છે. સરકારી સંસાધનો કે દેશવિદેશમાંથી જે કંઇ સહાયનો પ્રવાહ ઉમટ્યો એમાં, ધરતીકંપ પછીના બે-ત્રણ મહિના સુધી, ગુજરાતનાં નાનાં મોટાં શહેરોમાંથી સ્વયંસેવકોની ટીમોએ, લગભગ સ્વયંભૂ ધોરણે, પોતાને ત્યાંથી ખાવાપીવાની ભાત ભાતની વસ્તુઓ લાવી કચ્છના નાનાં નાનાં ગામો સુધી પહોંચાડવાની અનામી જહેમત લીધી છે તેને કીર્તિભાઇ આ ભાવનાત્મક એકતાનું મૂર્ત સ્વરૂપ માને છે. તે પછીથી તત્કાલીન મુખ્યમંત્રીની પ્રયાસો દ્વારા કચ્છને પર્યટન ક્ષેત્ર તરીકે વિકસાવવાની પહેલને કારણે આ ભાવનાત્મક એકતાને કંઇક્ને કંઇક અંશે બળ મળતું જ રહ્યું હશે એવું માનીએ.

કલમ કાંતે કચ્છ : ગ્રંથ - ૬ : ધરતીતાંડવ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪ 
પ્રકાશક : 
ગોરધન પટેલ 'કવિ; 
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ  ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું: rangdwar.prakashan@gmail.com 

  • વેબ ગુર્જરી પર પ્રકાશન  તારીખઃ November 6, 2014

Monday, November 3, 2014

કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪ : દરિયાની આંખે આંસુ

શ્રી કીર્તિ ખત્રીના 'કચ્છમિત્ર' સાથેના કાર્યકાળના લેખો પરથી શ્રી માણેકલાલ પટેલ દ્વારા સંપાદિત 'કલમ કાંતે કચ્છ'પુસ્તક શ્રેણીના ૪થા પુસ્તક "દરિયાની આંખે આંસુ"ની વાત આજે કરીશું.

સંપાદન કરતી વખતે લેખક અને સંપાદકે દરેક પુસ્તકના વિષયને બહુ જ સબળ શીર્ષકની મદદથી સ્પષ્ટ કર્યો છે.

કચ્છનો કાંઠો એક સમયે દાણચોરો માટે સ્વર્ગ મનાતો. ભૌગોલિક, ઐતિહાસિક અને રાજકીય કારણોસર કચ્છના દરિયા કિનારાનો સીમાડો દુર્ગમ અને જટિલ રહ્યો છે.તેમ છતાં (અથવા કદાચ, તેને કારણે)દાણચોરીની પ્રવૃત્તિનાં પરિમાણો સમગ્ર રાષ્ટ્રની સલામતી સુધી પોતાનો પ્રભાવ ફેલાવતાં રહ્યાં છે. કીર્તિભાઇની કલમ દેશવિરોધી પ્રવૃત્તિઓની સામે જેહાદ, જાસૂસીની ચકચાર અને આપણી જે તે સમયની સરકારોને જાગતા રહેવાની આલબેલ પોકારતી રહી છે.

દરેક પુસ્તકની શરૂઆતમાં કીર્તિભાઇ સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓ તેમજ 'કચ્છમિત્ર'ના તેમના સહકાર્યકરોના લેખ મુકાયા છે. સમગ્ર શ્રેણીમાં જે કેટલાંક પુસ્તકોમાં આ લેખો વિષય પ્રવેશકની બહુ જ અસરકારક ભૂમિકામાં રજૂ થયા છે, તેમાંનું એક આ પુસ્તક 'દરિયાની આંખે આંસુ' છે.

પહેલા પ્રવેશક લેખ 'આદર્શ તંત્રીની સાકાર કલ્પના'(પૃ. ૧૩-૧૭)માં ગુજરાતી એબીપી ન્યૂઝના બ્યૂરૉ ચીફ શ્રી બ્રીજેશકુમાર સિંહ કીર્તિભાઇ સાથેના કેટલાક યાદગાર પ્રવાસોને યાદ કરે છે. તે પૈકી જખૌથી સાંઘી સિમેન્ટ એકમ સુધીના દરિયાઇ માર્ગે કરાયેલા પ્રવાસનાં વર્ણનમાં કીર્તિભાઇના કચ્છને સ્પર્શતા અનેક વિષયોના એનસાઇક્લોપીડિક વ્યાપનો, અને એ જ્ઞાન મેળવવા માટે જાતે જ સ્થળો પર જઇને પ્રશ્નોની વિગતોને અલગ અલગ બાજુએથી સમજવાની તેમની ચીવટ અને જહેમતનો ચિતાર વાચક સમક્ષ તાદૃશ થઇ રહે છે.

આ એક પ્રવાસ ઉપરાંત શ્રી બ્રિજેશકુમાર સિંહે આ પુસ્તકને સ્પર્શતા અન્ય મુદ્દાઓની પણ દાદ પણ એક સમકાલીન વ્યાવસાયિકની નજરે લીધેલ છે.ઉદાહરણ તરીકે એક જ ટાંક બહુ થઇ રહેશે :'ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દશક કરતાં પણ વધુ સમયથી વિવાદોનું કારણ રહેલા ૬૮ કિલોમીટરના નાળાનું સાચું નામ "સિરક્રીક"......અહીં મોટા પ્રમાણમાં મળી આવતી 'સિરિ' નામની માછલીને કારણે પડ્યું (છે)....કોઇ બ્રિટિશકાલીન 'સર'ને કારણે નહીં'

[પરિચયકર્તાની નોંધઃ આવી જાણકારીનું મહત્ત્વ સમજવું હોય તો 'સિર ક્રિક' 'કોરી ક્રીક' કે 'હરામી નાળા' જેવા શબ્દોની ઇન્ટરનેટ પર ખોજ કરી જોવી જોઇએ, જેથી આ વિષયો પર માહિતી વિષેના સ્રોત કેટલા મર્યાદિત છે, અને જે કંઇ માહિતી મળે તે કેટલી અપૂરતી અને અછડતી હોઇ શકે છે તેનો સાચો અંદાજ આવે!]

'કીર્તિભાઈનાં લખાણો સંખ્યાબંધ પત્રકારો માટે પાઠ્યપુસ્તક જેવાં બની રહ્યાં છે'(પૃ. ૧૮ -૨૬)માં કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલ પંડ્યા “સરહદી સલામતી વિષય..(પર)..કીર્તિભાઇએ અત્યાર સુધી આપેલાં યોગદાનની વાત કોઇ ફિલ્મના કથાનક જેવી રસપ્રદ” ગણે છે. તેમણે કીર્તિભાઇના આ વિષયો પરના ઊંડાણભર્યા અહેવાલ અને તે માટેની મહેનત અને દિલધડક પ્રવાસોના "ભારે રોમાંચ” અહીં વર્ણવ્યા છે.

પુસ્તકમાં આવરી લેવાયેલા વિષયોની વાત માંડતાં પહેલાં કીર્તિભાઇ પત્રકારત્વનાં હાર્દની સાથે સાથે દેશહિત અને એવા અન્ય વિરોધાભાસી દૃષ્ટિકોણ વચ્ચે સંતુલન કેમ જાળવતા રહ્યા તે સમજી શકાય તેવા એક કિસ્સાનો શ્રી નિખિલ પંડ્યાએ એમના લેખના અંતમાં કરેલો ઉલ્લેખ (પૃ. ૨૬)અહીં અસ્થાને નહીં ગણાયઃ 'પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ‘જીયે સિંધ’ ચળવળ ચાલતી હતી તે અરસામાં કોટેશ્વરની જેટી પર એક નૌકામાં અમુક લોકો ઊતર્યા અને બસમાં બેસીને જતા રહ્યા... આ શંકાનું પગેરું દાબવામાં આવતાં વળતો જવાબ આવ્યો કે કોટેશ્વરની જેટી પર ઊતરેલા શખ્શો ‘જીયે સિંધ’ ચળવળ સાથે સંકળાયેલા હતા અને તાલીમ લેવા આવ્યા હતા. કોઇ પણ અખબાર માટે કે પત્રકાર માટે આ આંતરરાષ્ટ્રીય મહત્ત્વના સમાચાર હતા. શંકાને સમર્થન આપનાર અધિકારીની, દેશહિતમાં એ સમાચાર ન છાપવાની ભારપૂર્વકની વિનંતિને કીર્તિભાઇએ પ્રાધાન્ય આપ્યું હતું.'

'દરિયાની આંખે આંસુ'માં કુલ ૪૭ લેખોમાં ૧૯૮૫થી છેક ૨૦૧૩ના સમયખંડને આવરી લેવાયો છે.

૧૯૮૫ અને ૧૯૮૭ના સમયના લેખોનાં 'કચ્છની નધણિયાતી દરિયાઈ સીમાઓ' (પૃ.૫૦થી ૫૮), ‘જખૌ નજીક નાપાક ચાંચિયાગીરી : ઊંડા કાવતરાંનો પ્રથમ અંક?’ (પૃ. ૩૭-૪૪) કે 'કચ્છના દાણચોરો દ્વારા એક કાંકરે ત્રણ પક્ષી મારવા પ્રયાસ?' (પ્રુ.૬૦-૬૨) શીર્ષકો જ સમગ્ર વિષયના ફલકને નજર સમક્ષ કરી આપે છે. લેખની વિગતો પ્રશ્નોની તત્કાલીન તાસીર સમજવામાં પડદા પાછળ, અને પડદા પર ભજવાતા, ઘટનાપ્રવાહોની સમજ આપવામાં મદદરૂપ થાય છે.

૧૯૯૩ના લેખ 'મરદ દોસ્ત 'લાલ ટોપી'ને સો સો સલામ' (પૃ. ૮૬-૮૯)માં એક તરફ '૮૦ના દાયકાનાં શરૂઆતનાં ચાર પાંચ વર્ષોમાં કસ્ટમ ખાતાના જિંદાદિલ, નિષ્ઠાવાન અધિકારીઓએ દાણચોરોને તોબા પોકરાવી દીધી હોવાનું બયાન છે. એ જ લેખમાં બીજી બાજુએ, જેને ૧૯૮૭માં રાષ્ટ્રપતિનો એવૉર્ડ પણ મળી ચૂક્યો તેવા કસ્ટમના એક અધિકારી એલ. ડી. અરોડાની હત્યા ૧૯૯૩માં જ શા માટે કરાઇ છે તેનાં સંભવિત કારણોમાં 'કોણ જાણે કેટલાયે મહાનુભાવોના પગમાં રેલા લાવી દે' જેવા બેધડક ઉલ્લેખ પુસ્તકના શીર્ષકમાં 'આંસુ'ના મહત્ત્વને સ્પષ્ટ કરી આપે છે.

૧૯૯૪ના લેખ 'ચરસ પ્રકરણના સૂચિતાર્થો' (પ્રુ. ૯૦-૯૧)માં કીર્તિભાઇ નાર્કો-ટેરરિઝમના છેડા કચ્છ સુધી લંબાતા જોઈ શકે છે. તે જ રીતે ૧૯૯૬ના લેખ 'કચ્છમાં વધુ એક નાપાક જાલીનોટ કૌભાંડ' (પૃ. ૯૨-૯૪)માં 'એકના એક ઇસમ વારંવાર કેમ પકડાય છે', 'અગાઉ નોટ ભારતમાં છપાયેલી હતી, જ્યારે હાલના કિસ્સામાં નોટો પાકિસ્તાનથી આવેલી છે અને ત્યાં જ છપાઇ છે' જેવાં સૂચક નિરીક્ષણોની મદદથી, આ પ્રકારના કિસ્સાઓમાં બંને પક્ષોની મોડસ ઑપરેન્ડીના વિગતવાર વર્ણન સાથે તેનાં લેખાંજોખાંની પણ ચર્ચા જોવા મળે છે.

૧૯૯૯ના લેખ 'કારગિલની ભાવનાને ઝારાની લાગણીમાં પલટાવીએ' (પૃ.૧૦૭-૧૦૯) જેવાં શીર્ષકોમાં તત્કાલીન ઘટનાઓ અને પ્રખ્યાત પાત્રોને મૂકવાથી લેખ તરફ આકર્ષણ તો જન્મે જ છે, પણ તે સાથે લેખ વાંચ્યા પછી તેનો સંદેશ પણ વાચકના દિમાગમાંથી દિલ સુધી અસર કરી જાય છે. જેમ કે, "જાસૂસી વિમાનને અબડાસા પાસે ફૂંકી મારવાની ઘટનાથી કચ્છની ક્રીકની સીમાઓ સમાચાર માધ્યમોમાં ચમકતી થઇ ગઇ હતી. તે કારણે પાકિસ્તાનમાં પેદા થયેલી લાગણીઓના ઊભરાને શાંત કરવા ઘુસણખોર ટુકડીઓને કચ્છની દરિયાઈ સરહદ વાટે ઘુસાડવાની પેરવીઓ થઇ હતી. એમાંના મોટા ભાગના તો દેખાવ અને ભાષાને કારણે જુદા તરી આવે તેથી કદાચ પોલીસ કે અન્ય સલામતી દળો માટે તેમને શોધી કાઢવામાં ખાસ વાંધો ન આવે...પણ રણકાંધીઓ કે સંવેદનશીલ દરિયાકાંઠાની પટ્ટીએ બેઠેલી પ્રજાની એ ફરજ છે કે કોઈ વિદેશી તત્ત્વ નજરે ચડે તો તરત જ તેને ખુલ્લો પડે.'

૧૯૯૯ના બીજા એક લેખ 'જો જો સિરક્રીક બીજું છાડબેટ ન બને !' (પૃ.૧૩૦-૧૩૬)માં 'નધણિયાતી સીમાઓ પર ઘુસી આવીને અડ્ડો જમાવી દીધા પછી વિવાદ ઊભો કરવાની..ખંધી અને નફ્ફટ મોડસ ઓપરેન્ડી' વિષે આલબેલ પોકારતાંની સાથે ૨૦૦૪ની સાલ સુધીમાં ખંડીય છાજલી બાબતના દાવા યુનો સમક્ષ નોંધાવી દેવા, એ વિષેના જે તે સમયની કચ્છની રાજાશાહી સરકાર અને સિંધ (મુંબઇ સરકાર) વચ્ચેના કરાર જેવા પ્રશ્નનાં વિવિધ ઐતિહાસિક પાસાંઓની બહુ જ વિગતે છણાવટ પણ રજૂ કરાઇ છે. આ વિસ્તાર પર પાકિસ્તાનનો ડોળો માત્ર ઘુસણખોરી કે ત્રાસવાદને દાખલ કરવાની બારી જેટલો જ મર્યાદિત ન હોઇને એ વિસ્તારમાંના તેલ અને ગેસના ભંડારો જેવી કુદરતી સંપત્તિ પર પણ કબજો દબાવવાની દાનત હોવાની શકયતા વિષે પણ લેખક પોતાની ચિંતા વ્યક્ત કરે છે.

તે પછીના સમયને સ્પર્શતા લેખો - ક્રીક સીમાએ તરતી ચોકી (૨૦૦૨), ક્રીક સીમાએ આક્ર્મક બોટ (૨૦૦૫), સિરક્રીક વિવાદના જળમાં એક વધુ નાપાક પથરો (૨૦૧૨), કચ્છી 'હરામી નાલો' સીલ કરે જ છૂટકો (૨૦૦૧), શારકામમાં ખચકાટ શાને? (૨૦૦૪)-માં આ વિષયની સમયોચિત ચર્ચાનો દૌર ચાલુ જ રહે છે. તેમાં પુસ્તકના અંતમાં આવેલા બે લેખ ખાસ ધ્યાન ખેંચે છેઃ

('કચ્છમિત્ર'ના વિશેષાંક 'સાઠ વરસનાં સંભારણાં) ૨૦૦૮ના લેખ 'દાણચોરોની સ્વર્ગભૂમિઃ સોનાચાંદીથી આર.ડી.એક્સ.'માં ૧૯૫૦થી ૨૦૦૮નાં વર્ષનો, દાણચોરી, શસ્ત્રો, ઘુસણખોરી અને જાસૂસી એવા પેટા વિભાગોમાં, (કચ્છના દરિયા સીમાડાઓથી ચાલતી) દેશ વિરોધી પ્રવૃતિઓનો ઘટનાક્રમનું દસ્તાવેજીકરણ આ પુસ્તકના મૂલ્યને અનેકગણું વધારી નાખે છે.

તે જ રીતે ૨૦૧૩ના, પુસ્તકના છેલ્લા લેખ – ‘સાવધાન, સોનાની દાણચોરી ફરી શરૂ થઈ ચૂકી છે’ -માં જાણે આંખમાં આંસુ સાથે લેખક પોતાનાં દિલનાં દર્દને આ રીતે વાચા આપે છે :'૧૯૯૨માં સુવર્ણ અંકુશ ધારો રદ્દ થતાં કચ્છથી કેરળ સુધીના વિસ્તારોમાં બંધ થયેલી સોનાની દાણચોરી હાલમાં સોનાની આયાત પરની ડ્યૂટી ૧ ટકાથી વધારીને ક્રમશઃ ૬ ટકાની કરી દેવાતાં...દાણચોરી શરૂ થઇ ગઇ હોવાનો એકરાર કસ્ટમ અને ડી.આર.આઈ. સત્તાવાળાઓ કરી રહ્યા છે....ભૂતકાળની જેમ ફરી મોટા પાયે સંગઠિત..દાણચોરીનો દૌર શરૂ થશે તો રોગ કરતાં ઈલાજ વધારે ખતરનાક બની જશે...આખરે આવી જ દાણચોરીના નેટવર્કનો ઉપયોગ ભારત સામે આતંક ફેલાવવામાં થયો હતો ..એ યાદ ..(કરવું)…એ સમયનો તકાદો છે.'

દરિયાઇ સીમાડે થતી રહેતી દેશવિરોધી પ્રવૃત્તિઓનનાં વિવિધ પાસાંઓની ચર્ચા વચ્ચે '-ને હવે ભુજના જેલ સત્તાવાળાઓનું વલણ વિવાદ સર્જે છે'’ (૧૯૮૭), 'ભુજમાં જેલફોડીનું નાપાક કાવતરું’(૧૯૯૨), ‘જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાંથી સંદિગ્ધ ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા ઈસમોનું નાસી છૂટવું’ (૨૦૦૨),'છ પાકિસ્તાની ભાગી જતાં પોલીસને માથે કલંક' (૨૦૦૮), 'શંકાની સોય કસ્ટમ તરફ' (૧૯૯૪), ‘કોસ્ટ ગાર્ડ શંકાના વમળમાં' (૨૦૦૭), 'કસ્ટમ કચેરી કે દારૂહાટ ?'(૨૦૦૭)જેવા લેખોમાં કૂડા સાથે વસવાને કારણે સરકારનાં વિવિધ તંત્રોમાં પેસી જતા કોહવાટના પાસની આડ અસર માટે ચિંતાની લાગણીનો સૂર જોવા મળે છે.

કચ્છની દરિયાઇ સીમાઓની વાત કરતાં પુસ્તકમાં આપણે અત્યાર સુધી જોયા તેવા જ વિષયો સ્વાભાવિકપણે લગભગ બધી જ જગ્યા રોકી લે તેમ માની લેવાય. પણ કચ્છના દરિયા સાથે કચ્છના ઐતિહાસિક, સામાજિક અને આર્થિક જન જીવનને સ્પર્શતાં બે અન્ય પાસાંઓની વાત કર્યા વગર કચ્છના દરિયાની સમસ્યાઓ પરનું કોઇ પણ પુસ્તક અધૂરું તો રહે જ.

એમાંનું એક પાસું છે માછીમારી. અહીં પણ 'નાના માછીમારોની સમસ્યા' (૧૯૯૭),'પગડિયા માછીમારોનો પ્રશ્ન'(૨૦૦૦),'માછીમારો માટે 'કોમન' ફિશિંગ ઝોન' (૨૦૦૪) અને 'જાનના જોખમે માછીમારી’ (૨૦૦૫)એ ચાર લેખોમાં આ બાબતનો અછડતો કહી શકાય તેવો ઉલ્લેખ છે.

એટલો જ બીજો મહત્ત્વનો મુદ્દો છે કચ્છના દરિયાકાંઠેથી (એક સમયે તો બહુ જ નોંધ પાત્ર કક્ષાએ) થતા આંતરરાષ્ટ્રીય અને આંતર્દેશીય પરિવહન અને વેપારનો, તેમ જ તેની સાથે સંકળાયેલ કચ્છનાં બંદરોઅનેકચ્છના વહાણ બાંધવાના ઉદ્યોગની સમસ્યાઓનો. અહીં આ બાબતની વાત કરતા 'માંડવી બંદરની દુર્દશા!' (૧૯૯૯), માંડવીમાં જહાજનિર્માણ યુનિવર્સિટી (૨૦૦૫) અને 'મુંદરા બંદર પરનું જોખમ' (૨૦૦૨) એવા ત્રણ જ લેખ જોવા મળે છે.

એમ માનીએ કે કીર્તિભાઇના ૩૦૦૦થી વધુ લેખોમાંથી જે લેખો આ પુસ્તકોમાં નથી સમાવી શકાયા તેમાં આ વિષયો પરના લેખો હશે અને ભવિષ્યમાં તેમનાં મહત્ત્વને અનુરૂપ અલગ પુસ્તક સ્વરૂપે આપણી સમક્ષ આવશે. અથવા તો આ પ્રશ્નોએ આ પુસ્તકોના સમયખંડમાં કચ્છના સમાચારોમાં જ બહુ દેખા ન દીધી હોય, એટલે કીર્તિભાઇને તેમના પર બહુ લેખો કરવાનો મોકો જ ન મળ્યો હોય !

એટલે જ, કદાચ, "કચ્છમિત્ર"ના તંત્રીપદે રહીને ૩૩ વર્ષની .. પ્રજાલક્ષી પત્રકારત્વની કારકિર્દી પછી નિવૃત્ત થયા બાદ' લખાયેલા, અને દરેક પુસ્તકના પ્રારંભમાં મુકાયેલા, કીર્તિભાઇના લેખનું શીર્ષક છે :"કચ્છની કેટલીયે લાક્ષણિકતાઓ હજુ આપણે પિછાણી શક્યા નથી."......!!!???


કલમ કાંતે કચ્છ : ગ્રંથ -૪: દરિયાની આંખે આંસુ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 22, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Monday, October 20, 2014

'કલમ કાંતે કચ્છ': ગ્રંથ - ૫: જળ - મૃગજળ

શ્રી કીર્તિ જયંત ખત્રીનાં 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળના અનુભવોને માનવીય ભાષામાં શબ્દદેહે રજૂ કરતા લેખોનું સંકલન ૮ +૧ ગ્રથમાં શ્રી માણેકલાલ પટેલે કર્યું છે.

"જળ-મૃગજળ" આ સંપૂટનું પાંચમું પુસ્તક છે.

શક્ય છે કે સંકલન સમયે દરેક પુસ્તકના વિષયને કોઇ ક્રમમાં મૂકીને પુસ્તકોના ક્રમાંક નક્કી થયા હોય. પરંતુ આ પરિચયકર્તા પોતાને જે પ્રશ્નોની અગત્ય સમજાય છે તે ક્રમમાં આ પુસ્તક સંપુટને વાચક સમક્ષ રજૂ કરી રહેલ છે.

આ સમગ્ર પુસ્તકશ્રેણીમાં સમાવાયેલા કીર્તીભાઈના લેખો જે તે સમયે જે સ્વરૂપે લખાયા હતા તે જ સ્વરૂપે અહીં ગ્રંથસ્થ થયેલ છે.આને કારણે ઘણી જગ્યાએ પૂર્વાપર વિગતો ખૂટતી કે તૂટતી જણાય છે. તે જ રીતે મૂળ વિષય, તેમાંના પેટા વિષયોની રજૂઆતમાં પણ ક્યાંક એકસૂત્રતા કે સમયક્ર્માનુસારતા પણ ચુકાતી હોય તેવું પણ અનુભવાય છે. જો કે પુસ્તક્શ્રેણીના સંપાદક્શ્રી તેમનાં સંપાદકીય નિવેદનમાં કહે છે, "ગ્રામીણ પત્રકારત્વના અભ્યાસીઓને જે તે સમયે સ્થિતિનો ખ્યાલ આવે એ માટે (લેખોને... અલબત્ત)સંપાદિત જરૂર કર્યા છે, પણ એમાં કોઈ સુધારા વધારા (અપડેટ) કર્યા નથી'”, તે મર્યાદા સ્વીકારીને આપણે આ પુસ્તકોને વાંચવાં અને સમજવાં રહ્યાં.

ગ્રંથ ૫નું શીર્ષક "જળ-મૃગજળ" કચ્છના એક બહુ જ મહત્ત્વના પ્રશ્નને 'ઊંડાણપૂર્વક જોવાનો" પ્રયાસ છે.

'જળ-મૃગજળ'ના સમય કાળની શરૂઆત તકનીકી રીતે તો કીર્તિભાઈની 'કચ્છમિત્ર'ની ઈનિંગ્સના સમયથી પણ પહેલાંથી થાય છે. સ્વાભાવિક છે કે આટલું મહત્ત્વ ધરાવતો, પુસ્તકનો પહેલો જ, લેખ "કાળમુખા દુકાળની ચપેટ" (૨૭-૯-૧૯૭૪ )નો જ હોય. લેખનું પહેલું જ વાકય - કચ્છ માટે દુષ્કાળ એ કંઈ નવી બાબત નથી....પણ (વીસમી સદીના) સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળના સિતમગર સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો..માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બની રહ્યું છે - પ્રશ્નનાં મહત્વની સાથે સાથે તેના કચ્છનાં જનજીવન પર સમગ્રતયા પડતી અસર બહુ જ સ્પષ્ટ કરી મૂકે છે.

પુસ્તકના વિષયોનાં ફલકને સમજવાનો પ્રયાસ કરતાં એમ જોઈ શકાય છે કે 'દુકાળ' શબ્દ લેખનાં શીર્ષકમાં જ હોય તેવા ૧૨ લેખોનો સમયકાળ ૧૯૭૪ થી ૨૦૧૩ સુધીનો જોવા મળે છે. તે પૈકી ૧૯૭૪ના વર્ષના ફેલા લેખ પછીથી કીર્તિભાઇના'કચ્છમિત્ર'ના સમય સાથે શરૂ થતાં ૧૯૮૭ના વર્ષના ત્રણ, ૧૯૯૬,૧૯૯૭ ના દર વર્ષના એક, ૧૯૯૮ના વર્ષના બે , ૨૦૦૨ અને ૨૦૦૩ના દરેક વર્ષના એક અને છેલ્લે ૨૦૧૨ અને ૨૦૧૩નાં વર્ષનો એક લેખ છે. આમ એમ સમજી શકાય છે કે ૧૯૮૭થી લગભગ ૨૦૦૩ સુધી મોટા ભાગના સમયમાં ઓછે વત્તે સમયે દુકાળની પરિસ્થિતિ રહ્યા બાદ, અચાનક જ ૨૦૦૩ પછી સળંગ એક દસકા સુધી ચોમાસાં સારાં ગયાં. તેમ શરુઆતના લેખ '૮૦ના દાયકાના છે તેનું કારણ એ સમયમાં જ કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ની કારકિર્દીની શરૂઆત સમજીએ તો પછી લગભગ દસ વર્ષનો ગાળો કેમ પડી જાય છે તે ક્ચ્છના સમયકાળની તવારીખથી પરિચિત ન હોય તેવા વાચકને માટે, લેખો વાંચવા માત્રથી કદાચ ન સમજાય.

કચ્છની એક ચિરંતર સમસ્યા,અનિયમિત અને અપૂરતાં ચોમાસાં અને તેને સંલગ્ન અન્ય બાબતોનો વ્યાપક ચિતાર રજૂ કરવાનો પુસ્તકનો મૂળ આશય છે. કેટલાક લેખોમાંના અવતરણો વડે આપણે પણ અહીં પુસ્તકમાંની રજૂઆતોનું વિહંગાવલોકન કરીએઃ

'ક્ચ્છ કાળમુખા દુષ્કાળની ચપેટમાં' (૨૭-૯-૧૯૭૪)
"સિત્તેરના દાયકામાં શરૂ થયેલા દુષ્કાળોના..સિલસિલાએ સદાય હસતા રહેતા અહીંના લોકો...માટે અસ્તિત્વ ટકાવી રાખવું યે મુશ્કેલ બન્યું છે.

"ધાવણહીન માતા જેવી ધરતી પર મીટ માંડતા, માભોમના સૂકાભઠ્ઠ બદનમાંથી ઊઠતા ફળફળતા નિઃસાસા જેવી લૂ હજૂયે ક્યાંક વાતી રહે છે. દુષ્કાળના રાક્ષસી પંજાએ પહેલા મરણતોલ ફટકામાં દોઢ બે માસના ટૂંકાગાળામાં અંદાજે ૧૩થી ૧૫ હજાર ઢોરોને મોતના ખપ્પરમાં હોમી દીધાં છે.(પૃ. ૩૭)

"રાહત કામ પર મજૂરી કરતા...લોકોના ચહેરા જોઈએ છીએ તો...તેમની આંખોના ડોળામાં સફેદ રંગ તો ભાગ્યે જ જોવા મળે છે, માટી ખોદી ખોદીને તેમની આંખો ધગધગતા અંગારા જેવી લાલચોળ બની ગઇ છે.શરીર પર પહેરેલાં કપડાં તો જાણે કોઇ હાડપિંજર પર લટકી રહેલાં દેખાય છે...કદાચ એટલે જ રતાંધળાપણાના કેસો...ક્ષયરોગનું પ્રમાણ ચોકાવનારું છે." (પૃ. ૬૮)

"જ્યાં જૂઓ ત્યાં અછત બસ અછત. છત છે માત્ર ભૂખ્યાંતરસ્યા જીવની લાશો જેવા માનવીઓની, ઘાસપાણી વિના મોત તરફ આગેકદમ કરતા હજારો ઢોરોની, પોષણયુક્ત આહાર વિના મૂરઝાતાં માસૂમ બાળકોની અને મરેલાં ઢોરોના દેહ ચૂંથતાં ગીધ-કાગડા-કૂતરાંઓની." (પૃ. ૩૯)
'ખુદાકી શાન આપ હમારે ઘર આયે, કભી હમ અપને આપકો કભી ઘરકો દેખતે હૈં' (તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીની ૨૧-૩-૧૯૮૬થી ત્રણ દિવસની મુલાકાત સમયે)
"આવું છે અમારૂં વતન : આઝાદી પછીના ચાર પૈકી ત્રણ દાયકા અછતમાં વીતાવ્યા છે...માનવી કરતાં ઢોરોની સંખ્યા વધુ છે....અફસોસ અપેક્ષિત અને સમતોલ વિકાસ એક યા બીજા કારણસર થઈ શક્યો નથી તેનો છે... રાજય અને કેન્દ્રની કેટલીક યોજનાઓ અમલમાં મુકાઇ પરંતુ તેના પ્રામાણિક અને ઝડપી અમલના અભાવે યા તો રકાસ થયો છે અગર તો તેનાં ફળ છેવાડાનાં આદમીના મોં સુધી પહોંચ્યાં નથી. (પૃ. ૪૮)

"એશિયાના ઉત્તમ ધાસિયા મેદાન તરીકે જાણીતા બનેલા બન્ની વિસ્તારમાં શરૂ થયેલું ગાંડા બાવળોનું આક્રમણ રોકવા હજુ કોઇ પગલાં જ વિચારાયાં નથી (પૃ. ૪૯)

"કચ્છના ૯૬૭ ગામોમાંથી પચાસ ટકા ગામોંમાં સસ્તા અનાજની દુકાન નથી... જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ પૈકી જો ૨૮૦ પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક્થી ચાલતી હોય અને ૧૦૮૮ ઓરડા તેમજ ૧૩૨ શિક્ષકોની ઘટ હોય....(પૃ. ૪૯)
'ક્ચ્છમાં ચોથા દુકાળનાં ડાકલાં : ઘાસની બૂમ ‘ (૨૫-૭-૧૯૮૭)
"..અમે જોયું તો ત્રણ ઓરતો માથે પાનની ભારી નાખી જઈ રહી હતી.અમે એમને કંઇ પૂછીએ એ પહેલાં જ એમાંની એકે ભારી ફેંકી ચાલતી પકડી. બીજી યુવતીની આખોમાં ભય નજરે ચડ્યો. વાત એમ હતી કે, ઢોરો માટે કંઇ ન મળતાં આ ત્રણ ઓરતો કોઇની વાડીમાં ઘૂસી જઇ રજા લીધા વિના આંબાના ઝાડનાં પાન ઉતારી ઢોરોને ખવડાવવા લઇ જઇ રહી હતી. કેવી લાચારી ! સામાન્ય સંજોગોમાં આ ઓરતો પોતાના ગામમાં કોઇ બહારનો આદમી આવે તો ઘરની બહાર પગ ન મૂકે. અને આજે કુદરતની ક્રૂરતાને પરિણામે પોતાના ઢોર માટે પાંદડાની ચોરી કરવા ગઇ!" (પૃ.૫૭)

'ઢોરવાડાનો વિકલ્પ' (૨૩-૯-૧૯૯૭)
"દુષ્કાળ પડે ત્યારે દાતાઓ દાનની પુનિત ગંગા વહેવડાવે છે. તેઓ જો આ નાણાં સારા વર્ષમાં ઘાસ બૅંક માટે ખર્ચે તો એક જ વારના ખર્ચમાં હંમેશની મુશ્કેલી દૂર થઇ શકે." (પૃ. ૧૧૦)

'દુકાળ આપત્તિને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં સમાવી લો.' (દીપોત્સવી : ૨૦૦૨)
"દુકાળના કાયમી નિવારણ માટે કૂવા રિચારજીંગની, જળ સંરક્ષણ અને સંચય, ઘાસ બેંક, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ કાર્યક્રમ, ખેત તળાવડી વગેરે યોજનાઓ છે અને બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી લોકભાગીદારીથીતેનો અમલ રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યો છે. લોકોમાં પણ જાગૃતિ આવી છે....ક્ચ્છમાં દશમાંથી સાત વર્ષ દરમ્યાન (દુકાળ રાહતકામ અને) પશુરક્ષા પ્રવૃત્તિ કરવી જ પડે છે.. તેન કારણે સમયાંતરે સ્થાપિત હિત ઊભાં થયાં છે...ભ્રષ્ટાચાર સામે તમામ તાકાત સાથે લડવાનું મનોબળ કોઇ પણ સરકાર દાખવી શકી નથી એ આપણા જાહેરજીવનની સૌથી મોટી કમનસીબી છે."

'દુકાળ સાથેનો પનારો ભૂલીને આપણે મોટી ભૂલ કરી છે' (૨૩-૦૮-૨૦૧૨)
"ભૂકંપ પછી ૨૦૦૨માં અછત સર્જાઈ ત્યારે અગાઉની જેમ ફરી દુકાળ નિવારણ કાર્યક્ર્મ ઘડાયો, પણ પછી સતત વરસાદ પડતાં બધું ભૂલાઇ ગયું.... જોકે જળ સંચય-સંરક્ષણના કામ સારાં થયાં છે...હવે પ્રજા, સંસ્થાઓ અને સરકારે અભિગમ બદલવો પડશે." (પ. ૧૫૫)

'અતિવૃષ્ટિની શક્યતા વિચારાય તો દુકાળની કેમ નહીં ?' (૨-૬-૨૦૧૩)
"કચ્છમાં ૨૦૧૩માં અછતનું વર્ષ એના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂક્યું છે... ૧૯૮૪થી ક્ચ્છમાં દુકાળની પરંપરા શરૂ થઈ તે સમયે પણ આવી જ સ્થિતિ હતી....પૂર અને અતિવૃષ્ટિના તો સીધા અણસાર મળતા હોય છે,છતાં આગોતરી તૈયારી કરાય, પણ જેના અણસાર મળતા નથી અને અનિશ્ચિતતાઓ છવાઇ રહેલી હોય એના સામનાની કે શક્યતાની કોઇ વિચારણા જ કરાય નહી...અછત, દુકાળ કે અર્ધદુકાળ વખતે એની વ્યાખ્યા..તો અંગ્રેજોના સમયના નિયમો છે....સાચી વાત એ છે કે અંગ્રેજોએ આપેલી આનાવારી પદ્ધતિથી અછતનું પ્રમાણ નક્કી કરવાની પ્રથા જ ભૂલભરેલી છે....ખરેખર તો આજના ઇન્ટરનેટ અને (અવકાશ વિજ્ઞાનના યુગમાંઅત્યાધુનિક ઢબે વરસાદ, ખેતી અને ઘાસનો અંદાજ કાઢીને આનાવારી નક્કી થઇ શકે છે....સરકાર જૂની પદ્ધતિને તિલાંજલી આપે એ સમયની માંગ છે." (પૃ. ૧૬૦-૧૬૩)

દુકાળને લગતા વિષયની આ ચર્ચા પછીથી સીધી કોઇ ચર્ચા જોવા નથી મળતી.

અહીં સુધીના લેખોમાં વચ્ચે વચ્ચે પાંજરાપોળો, ઘાસ બેંક, ઢોરવાડા, રાહતકામો , જળસંરક્ષણ જેવા સંલ્ગન વિષયોને સ્પર્શતા લેખો પણ આવરી લેવાયા છે.

અહીંથી હવે પછી કચ્છમાં પાણીના પ્રશ્નનાં નર્મદા જળનાં નવાં પરિમાણનાં મંડાણ 'નર્મદાનાં મૃગજળ ' (૧-૨-૧૯૮૬) લેખમાં ‘દુકાળીયા મુલકને ધોરીધરાર અન્યાય ‘ (પૃ. ૧૭૧)ની તીખી રજૂઆતથી થાય છે.

તે પછી લેખ ૬-૮-૧૯૯૨, ૬-૮-૧૯૯૩ના છે, જ્યાં સુધી પણ સૂર 'અન્યાયોની વણઝાર'નો જ જણાય છે. ૨૫-૯-૧૯૯૪ના લેખ 'નર્મદા પ્રશ્ને સંવાદની પહેલ' શરૂ થવાથી "સરકારનું મન ખુલ્લું છે એની પ્રતીતિ" થતી જણાય છે. ૨૮-૭ -૧૯૯૫ના 'પાઇપલાઇન યોજના અને કચ્છ'માં પાઈપલાઇન કે કેનાલ વડે પાણી પહોંચાડવાની દ્વિધામાં પણ આશાવાદ જીવંત જણાય છે.

૨૪-૮-૧૯૯૬ના લેખ 'ગ્રેવિટી ફ્લોથી નર્મદાનું પાણી'માં ગ્રેવિટી ફ્લોની માગણીની ગાડી પાટે ચઢી છે તેની સહર્ષ નોંધ લેવાની સાથે અંતિમ પરિણામ સુધી જાગૃત રહેવાની ટકોર પણ છે.

૧૨-૭-૨૦૦૨ના લેખ 'કચ્છનાં નર્મદાનાં નીરહરણ માટે જવાબદાર કોણ?'માં "'વિતતી નથી વેદનાની એક પણ, પણ વર્ષો પળવારમાં વીતી ગયાં' જેવા મરીઝની ગઝલના શેરને ટાંકીને ૨૦૦૧ના ધરતીકંપ પછીના બચાવ-રાહતથી નવસર્જન સુધીનાં વિ સ્તૃત લેખાંજોખાં (કરવાના સમયે લેખક નોંધે છે કે) ૧૭મી સદીમાં ગુલામ શાહ કલોરાએ સિંધુનું કચ્છનું વહેણ અટકાવવા બંધ બાંધ્યા હતા, પછી ધરતીકંપે 'અ લ્લાહબંધ' સર્જી દીધો. ૨૦મી સદીમાં નર્મદાનાં પૂરતાં પાણી કચ્છ તરફ વહેડાવવામાં રાજ્ય સરકારોની નિષ્ફળતાની નોંધ પણ, પચાસ સાઠ વર્ષ પછી ઇતિહાસમાં કદાચ એ જ રીતે લેવાશે." (પૃ. ૨૧૫થી ૨૧૭)

૧૭-૫-૨૦૦૩ના લેખ 'ક્ચ્છમાં નર્મદાનાં જળ અને મૃગજળ'માં "વર્ષ ૨૦૦૩માં ૬૫૦ કિ.મી.નો ...પંથ કાપીને… નર્મદાનાં નીરના કચ્છ આગમનને ઉમળકાથી (વધાવતાં) સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં નહીં આવે ત્યાં સુધી એ મૃગજળ જ રહેવાનું છે' એ ફરિયાદનો સૂર કાયમ રહે છે.

નર્મદાનાં પાણીની ફાળવણી કે તેને કચ્છ સુધી પહોંવાડવાના મુદ્દા પર બીજા લેખોમાં ચર્ચાઓનો આવો જ દૌર ચાલતો જોવા મળે છે.

વર્ષ પ્રમાણે ગોઠવાયા હોત તો પુસ્તકના અંતમાં હોય તેવા ૧૨-૧-૨૦૧૪ના લેખ 'નર્મદા કેસના ચુકાદામાં સુપ્રીમની ટકોર ગળે ઉતરે તેવી નથી'માં પણ ઉકેલ અસંતુષ્ટ સ્તરે જ રહેલો જણાય છે.

પણ જો કચ્છને વરસાદની અનિયમિતતા કે બાહ્ય સ્ત્રોતની અપૂરતી અને સમયસર ન હોય તેવી આપૂર્તિ ન કનડે તો કચ્છનું સ્વરૂપ કેવું હોઇ શકે તેનું વર્ણન 'મેઘરાજાની અસીમ કૃપાએ ધીણોદરને હિમાલય જેવું સૌંદર્ય બક્ષ્યું છે...લીલુંછમ કચ્છઃ મૃગજળ નહીં હકીકત'માં જોવા મળે છે : "કચ્છના એકમાત્ર ભાગ્યવિધાતા મેઘરાજા છ-છ દાયકામાં ન વરસ્યા હોય એવી ઠાવકી અદાથી વર્ષ ૧૯૯૪ના ઓક્ટોબરમાં વરસી પડતાં કચ્છની નખશિખ કાયાપલટ થઇ ગઇ...દૂર દૂર રણના કાંધીએ ખારી જમીનમાં પણ રામમોલ લહેરાઇ રહ્યો છે. ડુંગરો પર ઉતરી આવેલી હરિયાળીએ કાળમીંઢ પથ્થરોનેય સૌંદર્ય બક્ષી દીધું છે..ઝરણાં દોડવા લાગ્યાં છે...ડુંગરોને બબ્બે મહિના સુધી બાથ ભીડનાર ભારેખમ વાદળ હવે હલકાંફૂલ બની ગયાં છે. એ હવે વરસાદનાં નહીં ઝાકળનાં (સફેદ) વાદળ બની ગયાં છે...કચ્છના વિખ્યાત ડુંગર ધીણોદર..ને વીંટળાઇ વળેલાં ઝાકળનાં વાદળ.. સોળે શણગાર સજેલી નવોઢાના ગળાંમાં લટકતા હાર જે(વાં ભાસે છે.)...જેમ જેમ ઉપર ચડતા જઇએ તેમતેમ ઝાકળ-ઝંઝા (હા, ઝાકળનાં ઝાંઝવાં)નો પ્રત્યક્ષ અનુભવ થતો જાય...વધુ કંઇ વિચાર કરીએ એ પહેલાં જ તો પશ્ચિમ દિશાએથી હવાનું એક જોરદાર ઝોકું આવી જાય છે અને એના પર સવાર થઇને આવેલું ધુમ્મસ ડુંગર સાથે અથડાઇ પડે છે. એવું લાગ્યું જાણે ઝાકળની ડમરી ઊઠી અને કાળમીંઢ પથ્થરો સાથે અથડાઇને ચૂપકીથી સરી ગઇ.....માતૃભૂમિ આવી લીલીછમ બને એ જ આપણું સપનું છે...પણ મેઘરાજા તો આવી છટાથી આઠ વર્ષમા એકવાર રીઝે છે, તેનું શું કરવું?....આ સવાલનો જવાબ કચ્છીઓ જળસંરક્ષણનાં કામોને આગળ ધપાવીને અને કોટિવૃક્ષ અભિયાન સફળ બનાવીને આપી શકે છે." (૯-૧૦-૯૪)

કચ્છનાં જનજીવન પર પર્યાવરણ અને તેની વિષમતાઓની અસર રૂપે, એક તરફ માનવ સર્જીત ભાતીગળ હસ્તકળા તો બીજી તરફ વનસ્પતિ કે પ્રાણીસૃષ્ટિની અચરજ સમાણી કુદરતી વ્યવસ્થાઓ અને તેને અનુરૂપ પશુપાલન જેવા વ્યવસાયોની જીવનનિર્વાહની સકારાત્મક અસરોનું ચિત્રણ આ પુસ્તકમાંથી દૃષ્ટિગોચર થતું રહે છે. તેની સાથે સાથે રાજકીય તંત્રની દૂરંદેશિતાનો અભાવ, તેમાંથી જન્મતી અમલીકરણની શિથિલતા અને સત્તા તેમ જ પ્રજાની 'ખાયકી' અને 'ઓછી દાનત' જેવા નકારાત્મક રંગ પણ પ્રામાણિકતાથી સંકોરાયેલા છે. આનંદ સાથે આશ્ચર્ય પમાડે તેવાં ઉદાહરણો અને કુદરતની મહેરનાં દિલખુશ કરે તેવાં વર્ણનો વાચકમાં પણ આશાવદનાં કિરણો જગાડી મૂકવામાં સફળ રહે છે.



'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી || ગ્રંથ - ૫: જળ –મૃગજળ
લેખકઃ કીર્તિ ખત્રી
શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com
પૃષ્ઠ : ૩૧૨ મૂલ્ય : રૂ. ૨૩૦/-
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ 'કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  October 7, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

Wednesday, October 8, 2014

'કલમ કાંતે કચ્છ' : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમિયાન લખેલા લેખોનો ૧+૮ પુસ્તકોનો સંપાદિત સંપુટ 'કલમ કાંતે કચ્છ' શ્રેણી હેઠળ તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ સંપુટની છડી પોકારે છે,પહેલો ગ્રંથ "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી'.સમગ્ર પણે જોઇએ તો, આખા સંપુટને શ્રી કીર્તિ ખત્રીની 'કચ્છમિત્ર'ની ત્રણ દાયકા ઉપરાંતની સફરનું વિવરણ છે. એમની અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટા કલમમાંથી નીકળેલા ૩૦૦૦થી વધારે લેખોમાંથી ચૂંટેલા ૬૩૯ લેખોને દસ્તાવેજીકૃત સાહિત્ય ગણી શકાય.

'કલમ કાંતે કચ્છ'માં જે અન્ય આઠ ગ્રંથ પણ સમાંતરે જ પ્રકશિત થયા છે તેમનાં નામો પણ તે દરેક ગ્રંથના વિષયની પહેચાન છે:
ગ્રંથ : ૨ - જોયું, જાણ્યું ને લખ્યું
ગ્રંથ : ૩ - રણના રંગ બેરંગ
ગ્રંથ : ૪ - દરિયાની આંખે આંસુ
ગ્રંથ : ૫ - જળ મૃગજળ
ગ્રંથ : ૬ - ધરતી તાંડવ
ગ્રંથ : ૭ - પાંજી પીડા પાંજી ગાલ
ગ્રંથ : ૮ - પાંજા પ્રશ્ન પાંજી ગાલ
ગ્રંથ : ૯ - વાહ કચ્છીયતને
આ પુસ્તકો કચ્છની પીડા, પ્રશ્નો, ખૂબી અને ખાસિયતોની તવારીખ માત્ર નથી. તેમાં શ્રી કીર્તિ ખત્રીના વૈયક્તિક અને વ્યાવસાયિક વ્યક્તિત્વના નીખારની સાથે સાથે જાગૃત પત્રકારની નિષ્પક્ષ, નીડર અને વેધક દૃષ્ટિએ થયેલ કચ્છના પ્રશ્નોની છણાવટ પણ છે.

આ આઠ પુસ્તકોનો પરિચય આપણે આગળ ઉપર કરીશું. આજે વાત માંડીશું આ ગ્રંથમાળાના પહેલા પુસ્તક "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી”ની.

'કલમ કાંતે કચ્છ'ના ઉપર નોંધેલાં આઠ પુસ્તકોમાં કીર્તિભાઇનો દૃષ્ટિકોણ છે, જ્યારે ‘માણસ વલો કચ્છીમાડુ’માં, તેમની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમની સાથે સંપર્કમાં આવેલાં નામી અનામી લોકોના દૃષ્ટિકોણ છે. ૧૦૫ સ્વતંત્ર લેખો અને 'પ્રસ્તાવના' અને 'આવકાર' એમ મળીને કુલ ૧૦૭ પીંછીઓએ કરેલા લસરકાઓથી કીર્તિ જયંત ખત્રીનાં વ્યક્તિત્વનું અનેક આયામી ચિત્ર અહીં સાકાર થાય છે.

કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ના તંત્રી, કચ્છના મંત્રી અને સરહદના તંત્રીની ત્રિગુણાકાર ભૂમિકાને 'તંત્રી, મંત્રી અને સંત્રી: ત્રિગુણાકારમ્' શીર્ષસ્થ'પ્રસ્તાવના'માં ઉજાગર કરવાની સાથે સાથે, ‘જન્મભૂમિ’ અખબારજૂથના મૅનેજિંગ એડિટર કુન્દન વ્યાસ કીર્તિભાઇની ઓળખ 'કચ્છના ઇતિહાસ અને જનજીવન તેમ જ કચ્છની ધરતીની અંદર ધરબાયેલ ખનીજ સંપત્તિની માહિતી'ના કુબેર તરીકે કરાવે છે..

સમયની સાથે સાથે વધતી ગયેલી વાણિજ્યિક હરીફાઈની દોડમાં 'ક્ચ્છમિત્ર'નાં મૂલ્યોનાં ઊંડાં મૂળિયાંને દૂરનું જોનારા, વિચારશીલ કીર્તિભાઈની સંપૂર્ણ પરિપક્વતા તેમ જ ભારોભાર સામાજિક નિસ્બતના વિવેક અને વિનયની માવજત મળી. અને તેથી જ, ગ્રામીણ પત્રકારત્વ કે જિલ્લા કક્ષાના પત્રકારત્વ કે પ્રાદેશિક પત્રકારત્વનાં અલગ અલગ પરિમાણોનાં અલગ અલગ ખાનાંઓમાંથી ઊઠાવીને 'કચ્છમિત્ર'ને રાષ્ટ્રીય કક્ષાના દૈનિકના મુકામે પહોંચાડવાનાં કીર્તિ ખત્રીનાં પ્રદાનની બહુ જ સ્પષ્ટ નોંધ ગુજરાતી પ્રત્રકારત્વ જગતના અગ્રણી એવા રમેશ તન્ના તેમના "આવકાર" લેખ, 'જિલ્લા કક્ષાના અખબારના રાષ્ટ્રીય તંત્રી’માં લે છે.

'મૈત્રી એજ કીર્તિ' (રઘુવીર ચૌધરી), 'લક્ષ્મણરેખાના માણસ' (વીનેશ અંતાણી), 'કચ્છીયતની સંસ્કાર પ્રતિમા' (પ્રભાશંકર ફડકે), 'ક્ચ્છીયતનું ઝનૂન અને પર્યાય'(કેશુભાઇ દેસાઇ), કીર્તિભાઈનો પ્રકૃતિ પ્રેમ' (શાંતિલાલ એન વરૂ), 'અમારા અને સૌના સ્વજન' (રજનીકાંત સોની), 'જીવદયાની પ્રવૃત્તિના પોષક' (તારાચંદ છેડા), 'આમ લોકના ખાસ જણ' (ડૉ. દર્શના ધોળકિયા),'હસ્તકળાના હામી'(નિરંજન શાહ), ‘દ્રોણાચાર્ય સરીખો મિત્ર' (જયકુમાર લક્ષ્મીચંદ શાહ),'એ લેખોની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે’ (ભાસ્કર અંતાણી) જેવા ૯૮ લેખોનાં શીર્ષકો અને લેખકોનાં નામ વાંચીએ તો પણ કીર્તિભાઇનાં અનેકવિધ પાસાંદાર વ્યક્તિત્વને કેટ કેટલાં વિવિધ ક્ષેત્રોનાં લોકોએ જોયું, જાણ્યું અને અનુભવ્યું છે તેનો ચિતાર તો આપણને આવી જ જાય.

આ દરેક ચિત્રણને વિગતે તો પુસ્તકના વાચન દ્વારા જ જાણી શકાય તેમ છે, પણ પુસ્તકના અંતમાં કીર્તિભાઇનાં પરિવારજનોએ જે કંઇ તેમના વિષે લખ્યું છે, તેનું અહીં વિહંગાવલોકન કરી લેવાનું આકર્ષણ રોકી નથી શકાતું :

'લાગણીના તાણાવાણાથી ગૂંથાએલો પરિવાર' - જીતુભાઇ ખત્રી (મોટાભાઈ)

પોતાના 'સમજુ, લાગણીશીલ અને કર્તવ્યનિષ્ઠ' નાનાભાઇને 'ગુસ્સો કરતાં પણ આવડે છે' તેની સાથે જ તેનામાં 'ગુસ્સાને ફટાફટ ઓગાળવાની પણ ક્ષમતા' પણ છે.

'પારિવારિક ભાવનાના હિમાયતી' - મુક્તા જિતેન્દ્ર ખત્રી ('કચ્છમિત્ર'ની 'મહિલા જગત' કટારનાં અગ્રલેખિકા અને કીર્તિભાઇનાં ભાભી)

'મારા દિયર, જેની સાથે ભાભી તરીકે મારો મજાક-મસ્તીનો સંબંધ છે એ મારી પાસેથી માના સ્નેહના હકદાર છે.'

'એમના માટે ઓફિસના કર્મચારી હોય, કટાર લેખક હોય કે પરિવારનો સભ્ય હોય, બધા જ સરખા જ રહ્યા છે. એ વાત કુંટુંબના સભ્ય અને કટાર લેખિકા તરીકે મેં સારી રીતે જાણ્યું છે.'
'હોદ્દાના ભાર વિનાના પપ્પા' - નેહા અમોલ ધોળકિયા (નાની દીકરી)

'લોકો શું કહેશે એના કરતાં દ્દીકરી શું ઈચ્છે છે એવું વિચારીને પપ્પાએ અમને પિતાની પૂર્ણ હૂંફ આપી છે.'

'ધરતીકંપ વચ્ચે પપ્પા ભુજની શાક માર્કેંટની વચ્ચોવચ્ચ ફસાયા હતા. વડીલોના અને એમના પોતાના પુણ્યે બાલબાલ બચી ગયા.'

'તંત્રી જેવા હોદ્દા પર હોવા છતાં...અમારા એડમિશન લેવાની વાત હોય.. ત્યારે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરતા... સ્કૂટર કે મોટર પર 'પ્રેસ'નું લેબલે ક્યારેય લગાડ્યું નથી.'
'સફળ 'બ્લાઈન્ડ' ગેમ' - ભાનુ (ભાગ્યવતી) કે. ખત્રી (“અનેક તડકી છાંયડીમાં જેની ઓથે જીવન હર્યું ભર્યું છે”..”ત્રણ એક્કાવાળી 'બ્લાઈન્ડ' બાજી” સમાં સહધર્મચારિણી)

'સગાઈ પૂર્વે અમે મળ્યા જ નહીં કે ન તો કોઈ વાતચીત કરી...અંધેરી સ્ટેશને અકસ્માતે એમને મોટા બેન અને કાકી સાથે જોયા હતા....પણ વડીલોના વિશ્વાસ સાથે (એમની) "બ્લાઈન્ડ"ની સામે "બ્લાઈન્ડ"..(એવો)_..અનેક તડકી-છાંયડીથી ભરેલો અમારો....ઘરસંસાર.. અત્યારે નિવૃત્તી પછી ઢળતી સંધ્યાના અવનવા રંગોનોય લહાવો' (ભરી રહ્યો છે).

એમનુ મનોબળ.. મક્કમ.. જે ધારે તે પૂરૂં કરે.'

'ખૂબ ચીવટથી કામ કરવાના આગ્રહી..રાતે બે વાગે ઊઠી લખવા બેસી જાય અને આવું જ્યારે બને ત્યારે મને ખાતરી જ હોય કે કોઇ સુંદર પીસ લખાયો હશે એટલે સવારે ઊઠીને વાંચી લઉં....એકનું એક લખાણ જુદા જુદા એંગલથી લખે. કાગળ ફાડી નાખે અને ફરી લખે. આવું વર્તન કરે ત્યારે હું સમજી જાઉં એ કોઈ અસામાન્ય મુદ્દો છે. એટલે લખી લે કે તરત જ જાતે જઇને વાંચી લઉં. ....જેમ એમના પિતાજીની વાર્તાઓ સંધાડા ઉતાર કૃતિ લાગે એમ એમના કેટલાક લેખ પણ એવા જ લાગે છે.'

'વ્યવસાય પ્રત્યે વફાદાર અને લોકોના હિતની ચિંતા કરનાર કોઇ પત્રકાર, ઉચ્ચ અધિકારી કે અન્ય એમના સંપર્કમાં એકવાર આવે તો કાયમી સંબંધ રાખતા થઇ જાય.... એમની યાદશક્તિ એટલી તીવ્ર કે એક વાર એમને મળેલી વ્યક્તિ બીજી વાર પાંચ વર્ષે મળે તોયે સ્થળ અને સમય એમને યાદ હોય.'

'ન્યાય મેળવવા હંમેશાં ભોગ આપે અને અન્યાય સામે અડગ કદમે ઊભા રહે એવો એમનો સ્વભાવ.'

'એમની એક આદત એ પણ ખરી કે ઓફિસની કોઇ પણ વાત એ ઘરમાં ક્યારેય ન કરે અને ઘેર શકય હોય ત્યાં સુધી કોઈનેય બોલાવેય નહી.. ઘરમાં આવે ત્યારે ચિંતા કે કામનો બોજ ક્યારેય ચહેરા પર લાવે નહીં.'

'આર્થિક લાભ માટે ટૂંકો રસ્તો અપનાવવો કે પોતાના પદનો ગેરલાભ લેવો એવો તો વિચાર પણ ક્યારેય એમને સ્પર્શ્યો નથી.'

'માનવીના તમામ સ્વરૂપની ચરમસીમાઓ જોયા પછી એમને એ કૂર વાસ્તવિકતા અને સત્ય હકીકત આધારિત નોવેલ' લખવાની એમની ઇચ્છા છે, 'પણ લખી શક્યા નથી. આ કામ હાથ ધરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.'

અને પુસ્તકનાં સમાપનમાં કીર્તીભાઇ ખત્રીએ, કોઈ નસીબવંતાને જ મળે એવો, પોતાની (વિશેષ) કેફીયત લખવાનો મોકો ઊઠાવી લીધો છે. 'લક્ષ્ય વિહોણા વેધ'એ '૬૮ વર્ષની ઉંમરે જીવનસંગ્રામ તેમજ વ્યાવસાયિક ક્ષેત્રની સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા, શું શું કર્યું અને શું ન કરી શક્યો, કેટલું સાચું કર્યું અને કેટલું ખોટું, એનાં લેખાંજોખાની સાક્ષીભાવે' થયેલી બહુ જ નિખાલસ રજૂઆત છે.

૧૯૭૦થી ૨૦૧૩, પત્રકાર તરીકે, ક્ષણવારમાં પસાર થયેલ જણાતાં,૪૩ વર્ષપૈકી ૧૯૭૦થી ૧૯૭૩ દરમ્યાન મુંબઈના ફ્રી પ્રેસ જર્નલનાં ગુજરાતી અખબાર'જનશક્તિના સબએડિટર, ૧૯૭૩થી ૧૯૮૦ દરમ્યાનઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક 'જનસત્તા'માં સબએડિટર અને, ૧૯૮૦થી ૨૦૧૩ના માર્ચ સુધી જન્મભૂમિ અખબાર જૂથના ભુજથી પ્રગટ થતા 'કચમિત્ર'માં બે વર્ષ મદદનીશ તંત્રી, ૩૧ વર્ષ તંત્રી અને હાલમાં સલાહકાર તંત્રી તરીકેના ત્રણ તબક્કામાં વહેંચાયેલી કારકિર્દીના વળાંકો, અવઢવો, ખાટા મીઠા અનુભવો, અપેક્ષાઓની પૂર્તિઓ અને અધૂરાશોની તેમની દાસ્તાનને તો જાતે વાંચ્યે જ માણી શકાય તેમ છે.

સરવાળે મૂળ વાત એ કે વ્યાવસાયિક ક્ષેત્રે મેળવેલી સફળતાઓની સમીક્ષા-કદર જે તે વ્યક્તિની હયાતિમાં જ થાય તે એકથી વધુ રીતે ઇચ્છનીય અને ઉચિત છે. તે સાથે તે સમયની કચ્છની સમસ્યાઓ અને એના ઉકેલ અંગે અગ્રલેખોમાં કરેલી છણાવટનું દસ્તાવેજીકરણ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીમાં થયું છે.


'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ: કીર્તિ ખત્રી

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;

વિવેકગ્રામ પ્રકાશન

શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,

નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,

જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,

નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯

ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  September 17, 2014ના રોજ પ્રકાશિત થયેલ.