Wednesday, October 8, 2014

'કલમ કાંતે કચ્છ' : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી

શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના 'ક્ચ્છમિત્ર'ના કાર્યકાળ દરમિયાન લખેલા લેખોનો ૧+૮ પુસ્તકોનો સંપાદિત સંપુટ 'કલમ કાંતે કચ્છ' શ્રેણી હેઠળ તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ સંપુટની છડી પોકારે છે,પહેલો ગ્રંથ "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી'.સમગ્ર પણે જોઇએ તો, આખા સંપુટને શ્રી કીર્તિ ખત્રીની 'કચ્છમિત્ર'ની ત્રણ દાયકા ઉપરાંતની સફરનું વિવરણ છે. એમની અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટા કલમમાંથી નીકળેલા ૩૦૦૦થી વધારે લેખોમાંથી ચૂંટેલા ૬૩૯ લેખોને દસ્તાવેજીકૃત સાહિત્ય ગણી શકાય.

'કલમ કાંતે કચ્છ'માં જે અન્ય આઠ ગ્રંથ પણ સમાંતરે જ પ્રકશિત થયા છે તેમનાં નામો પણ તે દરેક ગ્રંથના વિષયની પહેચાન છે:
ગ્રંથ : ૨ - જોયું, જાણ્યું ને લખ્યું
ગ્રંથ : ૩ - રણના રંગ બેરંગ
ગ્રંથ : ૪ - દરિયાની આંખે આંસુ
ગ્રંથ : ૫ - જળ મૃગજળ
ગ્રંથ : ૬ - ધરતી તાંડવ
ગ્રંથ : ૭ - પાંજી પીડા પાંજી ગાલ
ગ્રંથ : ૮ - પાંજા પ્રશ્ન પાંજી ગાલ
ગ્રંથ : ૯ - વાહ કચ્છીયતને
આ પુસ્તકો કચ્છની પીડા, પ્રશ્નો, ખૂબી અને ખાસિયતોની તવારીખ માત્ર નથી. તેમાં શ્રી કીર્તિ ખત્રીના વૈયક્તિક અને વ્યાવસાયિક વ્યક્તિત્વના નીખારની સાથે સાથે જાગૃત પત્રકારની નિષ્પક્ષ, નીડર અને વેધક દૃષ્ટિએ થયેલ કચ્છના પ્રશ્નોની છણાવટ પણ છે.

આ આઠ પુસ્તકોનો પરિચય આપણે આગળ ઉપર કરીશું. આજે વાત માંડીશું આ ગ્રંથમાળાના પહેલા પુસ્તક "માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી”ની.

'કલમ કાંતે કચ્છ'ના ઉપર નોંધેલાં આઠ પુસ્તકોમાં કીર્તિભાઇનો દૃષ્ટિકોણ છે, જ્યારે ‘માણસ વલો કચ્છીમાડુ’માં, તેમની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમની સાથે સંપર્કમાં આવેલાં નામી અનામી લોકોના દૃષ્ટિકોણ છે. ૧૦૫ સ્વતંત્ર લેખો અને 'પ્રસ્તાવના' અને 'આવકાર' એમ મળીને કુલ ૧૦૭ પીંછીઓએ કરેલા લસરકાઓથી કીર્તિ જયંત ખત્રીનાં વ્યક્તિત્વનું અનેક આયામી ચિત્ર અહીં સાકાર થાય છે.

કીર્તિભાઇની 'ક્ચ્છમિત્ર'ના તંત્રી, કચ્છના મંત્રી અને સરહદના તંત્રીની ત્રિગુણાકાર ભૂમિકાને 'તંત્રી, મંત્રી અને સંત્રી: ત્રિગુણાકારમ્' શીર્ષસ્થ'પ્રસ્તાવના'માં ઉજાગર કરવાની સાથે સાથે, ‘જન્મભૂમિ’ અખબારજૂથના મૅનેજિંગ એડિટર કુન્દન વ્યાસ કીર્તિભાઇની ઓળખ 'કચ્છના ઇતિહાસ અને જનજીવન તેમ જ કચ્છની ધરતીની અંદર ધરબાયેલ ખનીજ સંપત્તિની માહિતી'ના કુબેર તરીકે કરાવે છે..

સમયની સાથે સાથે વધતી ગયેલી વાણિજ્યિક હરીફાઈની દોડમાં 'ક્ચ્છમિત્ર'નાં મૂલ્યોનાં ઊંડાં મૂળિયાંને દૂરનું જોનારા, વિચારશીલ કીર્તિભાઈની સંપૂર્ણ પરિપક્વતા તેમ જ ભારોભાર સામાજિક નિસ્બતના વિવેક અને વિનયની માવજત મળી. અને તેથી જ, ગ્રામીણ પત્રકારત્વ કે જિલ્લા કક્ષાના પત્રકારત્વ કે પ્રાદેશિક પત્રકારત્વનાં અલગ અલગ પરિમાણોનાં અલગ અલગ ખાનાંઓમાંથી ઊઠાવીને 'કચ્છમિત્ર'ને રાષ્ટ્રીય કક્ષાના દૈનિકના મુકામે પહોંચાડવાનાં કીર્તિ ખત્રીનાં પ્રદાનની બહુ જ સ્પષ્ટ નોંધ ગુજરાતી પ્રત્રકારત્વ જગતના અગ્રણી એવા રમેશ તન્ના તેમના "આવકાર" લેખ, 'જિલ્લા કક્ષાના અખબારના રાષ્ટ્રીય તંત્રી’માં લે છે.

'મૈત્રી એજ કીર્તિ' (રઘુવીર ચૌધરી), 'લક્ષ્મણરેખાના માણસ' (વીનેશ અંતાણી), 'કચ્છીયતની સંસ્કાર પ્રતિમા' (પ્રભાશંકર ફડકે), 'ક્ચ્છીયતનું ઝનૂન અને પર્યાય'(કેશુભાઇ દેસાઇ), કીર્તિભાઈનો પ્રકૃતિ પ્રેમ' (શાંતિલાલ એન વરૂ), 'અમારા અને સૌના સ્વજન' (રજનીકાંત સોની), 'જીવદયાની પ્રવૃત્તિના પોષક' (તારાચંદ છેડા), 'આમ લોકના ખાસ જણ' (ડૉ. દર્શના ધોળકિયા),'હસ્તકળાના હામી'(નિરંજન શાહ), ‘દ્રોણાચાર્ય સરીખો મિત્ર' (જયકુમાર લક્ષ્મીચંદ શાહ),'એ લેખોની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે’ (ભાસ્કર અંતાણી) જેવા ૯૮ લેખોનાં શીર્ષકો અને લેખકોનાં નામ વાંચીએ તો પણ કીર્તિભાઇનાં અનેકવિધ પાસાંદાર વ્યક્તિત્વને કેટ કેટલાં વિવિધ ક્ષેત્રોનાં લોકોએ જોયું, જાણ્યું અને અનુભવ્યું છે તેનો ચિતાર તો આપણને આવી જ જાય.

આ દરેક ચિત્રણને વિગતે તો પુસ્તકના વાચન દ્વારા જ જાણી શકાય તેમ છે, પણ પુસ્તકના અંતમાં કીર્તિભાઇનાં પરિવારજનોએ જે કંઇ તેમના વિષે લખ્યું છે, તેનું અહીં વિહંગાવલોકન કરી લેવાનું આકર્ષણ રોકી નથી શકાતું :

'લાગણીના તાણાવાણાથી ગૂંથાએલો પરિવાર' - જીતુભાઇ ખત્રી (મોટાભાઈ)

પોતાના 'સમજુ, લાગણીશીલ અને કર્તવ્યનિષ્ઠ' નાનાભાઇને 'ગુસ્સો કરતાં પણ આવડે છે' તેની સાથે જ તેનામાં 'ગુસ્સાને ફટાફટ ઓગાળવાની પણ ક્ષમતા' પણ છે.

'પારિવારિક ભાવનાના હિમાયતી' - મુક્તા જિતેન્દ્ર ખત્રી ('કચ્છમિત્ર'ની 'મહિલા જગત' કટારનાં અગ્રલેખિકા અને કીર્તિભાઇનાં ભાભી)

'મારા દિયર, જેની સાથે ભાભી તરીકે મારો મજાક-મસ્તીનો સંબંધ છે એ મારી પાસેથી માના સ્નેહના હકદાર છે.'

'એમના માટે ઓફિસના કર્મચારી હોય, કટાર લેખક હોય કે પરિવારનો સભ્ય હોય, બધા જ સરખા જ રહ્યા છે. એ વાત કુંટુંબના સભ્ય અને કટાર લેખિકા તરીકે મેં સારી રીતે જાણ્યું છે.'
'હોદ્દાના ભાર વિનાના પપ્પા' - નેહા અમોલ ધોળકિયા (નાની દીકરી)

'લોકો શું કહેશે એના કરતાં દ્દીકરી શું ઈચ્છે છે એવું વિચારીને પપ્પાએ અમને પિતાની પૂર્ણ હૂંફ આપી છે.'

'ધરતીકંપ વચ્ચે પપ્પા ભુજની શાક માર્કેંટની વચ્ચોવચ્ચ ફસાયા હતા. વડીલોના અને એમના પોતાના પુણ્યે બાલબાલ બચી ગયા.'

'તંત્રી જેવા હોદ્દા પર હોવા છતાં...અમારા એડમિશન લેવાની વાત હોય.. ત્યારે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરતા... સ્કૂટર કે મોટર પર 'પ્રેસ'નું લેબલે ક્યારેય લગાડ્યું નથી.'
'સફળ 'બ્લાઈન્ડ' ગેમ' - ભાનુ (ભાગ્યવતી) કે. ખત્રી (“અનેક તડકી છાંયડીમાં જેની ઓથે જીવન હર્યું ભર્યું છે”..”ત્રણ એક્કાવાળી 'બ્લાઈન્ડ' બાજી” સમાં સહધર્મચારિણી)

'સગાઈ પૂર્વે અમે મળ્યા જ નહીં કે ન તો કોઈ વાતચીત કરી...અંધેરી સ્ટેશને અકસ્માતે એમને મોટા બેન અને કાકી સાથે જોયા હતા....પણ વડીલોના વિશ્વાસ સાથે (એમની) "બ્લાઈન્ડ"ની સામે "બ્લાઈન્ડ"..(એવો)_..અનેક તડકી-છાંયડીથી ભરેલો અમારો....ઘરસંસાર.. અત્યારે નિવૃત્તી પછી ઢળતી સંધ્યાના અવનવા રંગોનોય લહાવો' (ભરી રહ્યો છે).

એમનુ મનોબળ.. મક્કમ.. જે ધારે તે પૂરૂં કરે.'

'ખૂબ ચીવટથી કામ કરવાના આગ્રહી..રાતે બે વાગે ઊઠી લખવા બેસી જાય અને આવું જ્યારે બને ત્યારે મને ખાતરી જ હોય કે કોઇ સુંદર પીસ લખાયો હશે એટલે સવારે ઊઠીને વાંચી લઉં....એકનું એક લખાણ જુદા જુદા એંગલથી લખે. કાગળ ફાડી નાખે અને ફરી લખે. આવું વર્તન કરે ત્યારે હું સમજી જાઉં એ કોઈ અસામાન્ય મુદ્દો છે. એટલે લખી લે કે તરત જ જાતે જઇને વાંચી લઉં. ....જેમ એમના પિતાજીની વાર્તાઓ સંધાડા ઉતાર કૃતિ લાગે એમ એમના કેટલાક લેખ પણ એવા જ લાગે છે.'

'વ્યવસાય પ્રત્યે વફાદાર અને લોકોના હિતની ચિંતા કરનાર કોઇ પત્રકાર, ઉચ્ચ અધિકારી કે અન્ય એમના સંપર્કમાં એકવાર આવે તો કાયમી સંબંધ રાખતા થઇ જાય.... એમની યાદશક્તિ એટલી તીવ્ર કે એક વાર એમને મળેલી વ્યક્તિ બીજી વાર પાંચ વર્ષે મળે તોયે સ્થળ અને સમય એમને યાદ હોય.'

'ન્યાય મેળવવા હંમેશાં ભોગ આપે અને અન્યાય સામે અડગ કદમે ઊભા રહે એવો એમનો સ્વભાવ.'

'એમની એક આદત એ પણ ખરી કે ઓફિસની કોઇ પણ વાત એ ઘરમાં ક્યારેય ન કરે અને ઘેર શકય હોય ત્યાં સુધી કોઈનેય બોલાવેય નહી.. ઘરમાં આવે ત્યારે ચિંતા કે કામનો બોજ ક્યારેય ચહેરા પર લાવે નહીં.'

'આર્થિક લાભ માટે ટૂંકો રસ્તો અપનાવવો કે પોતાના પદનો ગેરલાભ લેવો એવો તો વિચાર પણ ક્યારેય એમને સ્પર્શ્યો નથી.'

'માનવીના તમામ સ્વરૂપની ચરમસીમાઓ જોયા પછી એમને એ કૂર વાસ્તવિકતા અને સત્ય હકીકત આધારિત નોવેલ' લખવાની એમની ઇચ્છા છે, 'પણ લખી શક્યા નથી. આ કામ હાથ ધરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.'

અને પુસ્તકનાં સમાપનમાં કીર્તીભાઇ ખત્રીએ, કોઈ નસીબવંતાને જ મળે એવો, પોતાની (વિશેષ) કેફીયત લખવાનો મોકો ઊઠાવી લીધો છે. 'લક્ષ્ય વિહોણા વેધ'એ '૬૮ વર્ષની ઉંમરે જીવનસંગ્રામ તેમજ વ્યાવસાયિક ક્ષેત્રની સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા, શું શું કર્યું અને શું ન કરી શક્યો, કેટલું સાચું કર્યું અને કેટલું ખોટું, એનાં લેખાંજોખાની સાક્ષીભાવે' થયેલી બહુ જ નિખાલસ રજૂઆત છે.

૧૯૭૦થી ૨૦૧૩, પત્રકાર તરીકે, ક્ષણવારમાં પસાર થયેલ જણાતાં,૪૩ વર્ષપૈકી ૧૯૭૦થી ૧૯૭૩ દરમ્યાન મુંબઈના ફ્રી પ્રેસ જર્નલનાં ગુજરાતી અખબાર'જનશક્તિના સબએડિટર, ૧૯૭૩થી ૧૯૮૦ દરમ્યાનઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક 'જનસત્તા'માં સબએડિટર અને, ૧૯૮૦થી ૨૦૧૩ના માર્ચ સુધી જન્મભૂમિ અખબાર જૂથના ભુજથી પ્રગટ થતા 'કચમિત્ર'માં બે વર્ષ મદદનીશ તંત્રી, ૩૧ વર્ષ તંત્રી અને હાલમાં સલાહકાર તંત્રી તરીકેના ત્રણ તબક્કામાં વહેંચાયેલી કારકિર્દીના વળાંકો, અવઢવો, ખાટા મીઠા અનુભવો, અપેક્ષાઓની પૂર્તિઓ અને અધૂરાશોની તેમની દાસ્તાનને તો જાતે વાંચ્યે જ માણી શકાય તેમ છે.

સરવાળે મૂળ વાત એ કે વ્યાવસાયિક ક્ષેત્રે મેળવેલી સફળતાઓની સમીક્ષા-કદર જે તે વ્યક્તિની હયાતિમાં જ થાય તે એકથી વધુ રીતે ઇચ્છનીય અને ઉચિત છે. તે સાથે તે સમયની કચ્છની સમસ્યાઓ અને એના ઉકેલ અંગે અગ્રલેખોમાં કરેલી છણાવટનું દસ્તાવેજીકરણ 'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણીમાં થયું છે.


'કલમ કાંતે કચ્છ' ગ્રંથ શ્રેણી : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ: કીર્તિ ખત્રી

સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪

પ્રકાશક :

ગોરધન પટેલ 'કવિ;

વિવેકગ્રામ પ્રકાશન

શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,

નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત

મુખ્ય વિક્રેતા :

રંગદ્વાર પ્રકાશન,

જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,

નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯

ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

વેબ ગુર્જરી પર  September 17, 2014ના રોજ પ્રકાશિત થયેલ.

No comments: