ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
શૈલેન્દ્રનાં સલીલ
ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ચાર દિવારી (૧૯૬૧)
સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ /
અવસાન: ૫-૯-૧૯૯૫) તેમનાં સંગીતની રચના કોઈ ગણતરીથી નહોતા
કરતા, પણ પોતાના ભાવને, પોતા માટે, રજુ કરવા કરતા હતા. તો શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬) નાં પણ ફિલ્મ ગીતોના બોલ એ ગીત માટેની
સિચ્યુએશનના સંદર્ભની તેમની પોતાની સમજના ભાવોની પોતાની કવિ સહજ સ્વાભાવિક અનુભૂતિ
વ્યક્ત કરતા.
શૈલેન્દ્રનાં શંકર જયકિશન સાથેનાં મિલનને કદાચ નિયતિ દ્વારા
ગોઠવાયેલ આકસ્મિક સંજોગ ગણી શકાય, પણ સલીલ ચૌધરી અને
શૈલેન્દ્રનાં મિલનને તો સમાન વિચારાધારાઓ ધરાવતા બે કળાકારોને એકઠા કારવાની
નિયતિની વ્યવસ્થિત ગણતરી જ કહી શકાય.બન્નેની પોતપોતાની સર્જનાત્મકતા,મૌલિકતા કે
કલ્પનાશક્તિની સમાંતર અનુભૂતિઓને પરિણામે એ મિલનની રાસાયણિક પ્રક્રિયાની નીપજ આગવી
બની રહી.તો, તૈયાર ધુન પર પણ પોતાના શબ્દોની અભિવ્યક્તિમાં પોતાની
સ્વાભાવિક અનુભૂતિને નીખારી શકવાની અને બંગાળી ભાષાના તેમના પરિચયે શૈલેન્દ્ર અને
સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોના સંગાથને હિંદી ફિલ્મ સંગીત માટેની એક ખુબ ભાગ્યશાળી સફર
બનાવી રાખી.
સલીલ ચોધરીએ સંગીતબદ્ધ
કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા સારુ
આજના અંકમાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત વર્ષ ૧૯૬૧નાં ગીતો સંભળીશું. ૧૯૬૧માં
સલીલ ચૌધરીએ ચાર દિવારી, છયા, કાબુલીવાલા, માયા, મેમ દીદી અને સપન
સુહાને એમ છ ફિલ્મો માટે સંગીત આપ્યું, જે પૈકી
શૈલેન્દ્રએ ચાર દિવારી, મેમ દીદી અને સપન સુહાને માટે
ગીતો લખ્યાં. આ ત્રણેય ફિલ્મોનાં કેટલાંક ગીતો તો બહુ જ જાણીતાં છે, પણ બાકીનાં ગીતો સહિત દરેક ગીતોમાં સલીલ ચૌધરી કે શૈલેન્દ્ર કે બન્નેની આગવી
છાપ એટલી સ્પષ્ટપણે અનુભવાય છે કે આપણે બધી જ ફિલ્મોનાં ગીતોને એક એક મણકામાં
વારાફરતી સાંભળીશું.
ચાર દિવારી (૧૯૬૧)
‘ચાર દિવારી’નું કથાવસ્તુ તો ભારતીય નારીનું જીવન તો પોતાનાં પતિના સુખદુઃખનાં સહભાગી
બનવામાં પોતાની ઓળખને ઓગાળી દેવા માટે જ સર્જાયું છે એવા સમાજના પારંપારિક
પરિપ્રેક્ષ્યમાં ઘુંટાય છે. પરંતુ તે સિવાય હિંદી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે
શશી કપૂરની પહેલવહેલી ફિલ્મ અને તેમની અને નંદાની જોડીની અનેક સફળ ફિલ્મોની સફરનાં
પહેલાં સોપાન તરીકે હિંદી ફિલ્મોના ઇતિહાસમાં ફિલ્મની ઓળખ વધારે યાદ કરાય છે.
કન્યા વિદાયના પારંપારિક
દૃશ્યોને ફિલ્મનાં પાત્રોમાંગોઠવી રજૂ કરવાં અને એક ગીત અચુક મુકવૂ એ સામાજિક પૃષ્ઠભૂ
પર બનતી ફિલ્મોમાં બહુ અસરકારકપણે વપરાતો મસાલો હતો. પરંતુશૈલેન્દ્ર આ ઘટનાની તક ઝડપી લઈને ફિલ્મનાં
શીર્ષકની રજુઆત કરી લેવાની સાથે ફિલ્મની વાર્તાનાં હાર્દને મુખડાની પહેલી જ
પંક્તિમાં જવણી લે છે.તે પછી આગળ જતાં આ ભાવને પોતાની આગવી શૈલીમાં
ઘુંટે છે –
પોતાના (પ્રિયતમ) પતિનાં
ઘર / જીવનમાં પગ મુકવાની ક્ષણે પરંપરાગત, આદર્શ, ભારતીય નારીનાં મનના ભાવોને શૈલેન્દ્ર વાચા આપે છે.
જોકે શૈલેન્દ્રનો કવિ જીવ
લગ્ન જીવનની આ ક્ષણે એક નારીના મનમાં ઉઠતા સહજ ભાવોને પણ ઝડપી લેવાની તક પણ ચુકતો
નથી –
સાજન મેરે આયે
ધડકન બઢતી જાયે
નૈના ઝુકતે જાયેં
ઘુંઘટ ઢલતા જાયે
તુઝસે ક્યું
શરમાયે
આજ તેરી પરછાઈં
સલીલ ચૌધરીએ પણ મુકેશના
સ્વરની કરૂણામય મુલાયમતાને આ અવઢવને વ્યક્ત કરવા એટલી અસરકારક સહજતાથી ગીતની
બાંધણીમાં વણી લીધી છે કે આ ગીત મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં કોતરાઈ ગયું છે.
આડ વાત:
સલીલ ચૌધરી પોતાની ધુનોને
અલગ અલગ ભાષામાં અલગ અલગ ભાવોને રજુ કરવામાં માહીર હતા એ વાત તો હવે બહુ જાણીતી
છે. અહીં પણ આ ધુનને તેમણે તેમના દુરદર્શન સાથેના સમયકાળમાં બીતે દીનોં કે સપને
હમેં યાદ આને લગે હૈં (ગાયિકા અરૂંધતી હોમ-ચૌધરી, ગીતકાર યોગેશ) સ્વરૂપના ગૈરફિલ્મી ગીતમાં રજૂ કરી છે.
શ્રાવણનાં ઘેરાતાં
વાદળોથી ભારતીય નારીમાં રહેલી યુવાન સ્ત્રીના મનમાં પણ એ વર્ષાની છાંટની લહેરોમાં
તેનાં મનની અંદર મઘમઘતી ખુશીઓની પુરેપુરી અસર સલીલ ચૌધરીનાં મનમાં રહેલ સંગીતને પણ
ઝણઝણાવી રહે છે. તેમનાં પ્રિય વાદ્ય, વાંસળી,ની આસપાસ રચેલું તેમણે વાદ્ય સર્જન ખુશીની એ છાંટ અને ફોરમને અથતથ વ્યકત કરી
રહે છે.
લગ્ન જીવનમાં
પ્રવેશોસ્તુક કન્યા - પછી ભલેને લગ્ન પછી તેને પતિવ્રતા સતી બની જવાનું હોય -પણ
મનમાં કોડ તો તેના જીવનસાથીની સાથે હમકદમ થવાના જ સેવે! આ અનુભૂતિઓને જેટલી
શુધ્ધતાથી શૈલેન્દ્રના બોલ ઝીલી લે છે એટલી જ શુદ્ધ સંવેદનશીલતા સલીલ ચૌધરીની
સંગીત બાંધણીમાં જળવાઈ રહે છે.
એ સમયની હિંદી ફિલ્મોમાં
હાલરડાં પણ બહુ પ્રચલિત ગીત પ્રકાર રહ્યો હતો. દરેક સંગીતકાર પોતાની સર્જન
સજ્જતાની પરખ કદાચ આ પ્રકારનાં હાલરડાંની ધુનમાં તેમની ઠલાવાયેલી સર્જન શક્તિની
પરથી કાઢતા હશે એટલી હદે અમુક હાલરડાં તો ચિરસ્મરણીય બની ગયાં છે.
સલીલ ચૌધરી પોતાના
પ્રયોગો મોટા ભાગે બંગાળી સંગીતમાં કરતા. ત્યાં એમણે પ્રયોજેલી અનેક ધુનોને તેઓએ
અજબ કલ્પનાશક્તિથી તેમનાં હિંદી ગીતોની રચનાઓમાં પ્રયોજેલ છે.
અહીં તેમણે ૧૯૫૩માં રચેલ
એક બંગાળી ગૈરફિલ્મી ગીત પ્રાણતરેર ગાન અમર[1] (વનવગડાનું ગીત મારૂં છે; ગાયિકા ઉત્પલા સેન)ની ધુન
અહીં હાલરડાંની બાંધણી રૂપે સમગ્ર વાતાવરણ પર છવાઈ જાય છે.
હમકો સમજ બૈઠી હૈ યે દુનિયા દિવાના…. પર મૈં અગર પાગલ હું
તો યે દુનિયા હૈ પાગલખાના – મુકેશ
દુનિયા જેને પાગલ સમજે છે
તેની નીજી મસ્તી દુનિયાને જ પાગલખાનું સમજી બેસે એવી અદભૂત, મોજીલી કલ્પના તો શૈલેન્દ્રને જ આવે. તેમણે આ તક ઝડપી લઈને એ જ મસ્તીના ભાવમાં
તેમનાં દિલમાંથી ઉઠતા સમતાવાદી સમાજના આદર્શને પણ રજુ કરી લીધેલ છે.
આવતા
મહિનાના બીજા રવિવારે, વિસરાતી
યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે
લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ
તસ્વીરો નેટ પરથી,
સાભાર, લીધેલ છે.
[1]ઉત્પલા સેનના સ્વરમાં અમર થઈ ગયેલું ગીત 'પ્રાણતરેર ગાન અમર' ંઊળે
તો જાણીતાં સવિન્દ્ર સંગીત ગાયિકા કણીકાના સ્વરમં રેકોર્ડ થયેલું. પરંતૂ સલીલ
ચૌધરી તેમનાં પુસ્તક 'જિબો ઉજિબોન'
માં લખે છે તેમ વિશ્વ ભારતીએ કણિકાને રવિન્દ્ર સંગીત
સિવાયનાં ગીતો ગાવાની અનુમતિ ન આપી.પરિણામે રેકોર્ડ થયેલું એ ગીત ક્યારે પણ
પ્રકાશિત ન થઈ શક્યુ. તે હવે ઉત્પલા સેનના સ્વરમાં સાકાર થયું.એક અફવા અનુસાર
કણીકાની ક્યારે પણ પ્રકાશિત એ રેકોર્ડ ક્યાંક અસ્તિત્વમાં તો છે. કોઈ જબરા ચાહકને
હાથ એ ચડી જાય અને આપણે તેને સાંભળી શકીએ એવી આશા તો સેવી જ શકાય !!-Other Singers @ World of Salil Chowdhury
શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨
- અવસાન ૨૪-૪ -૧૯૮૭ – જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર
(મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) એમ એ
ચારના ખુબ જ જાણીતા ચતુષ્કોણની બાજુ બાજુનાં પાસાંઓનાં અનોખાં મજબુત જોડાણથી
સર્જાયેલાં અનેક ગીતો હિંદી સંગીતના પ્રેમીઓને દીર્ઘ કાળથી પ્રફુલ્લિત કરતાં
રહ્યાં છે.
'૫૦ના દાયકામાં ફિલ્મોમાં
સરેરાશ ૫ થી ૧૦ ગીતો રહેતાં હતાં. એ સમયના મોટા ભાગના સફળ સંગીતકારો દરેક ફિલ્મમાં
ત્રણ કે ચાર સફળ ગીતો આપી શકતા, તે સમયે શંકર જયકિશન પાસે
જાણે એવી જડીબુટ્ટી હતી કે લગભગ બધી જ ફિલ્મોનાં બધાં જ ગીતો હિટ નીવડતાં. પરિણામે
ટુંક સમયમાં જ, તેમના સમકાલીનો જ્યારે વર્ષની એક કે બે
ફિલ્મો કરતા હતા ત્યારે સૌથી વધારે ફી માંગવા છતાં, શંકર
જયકિશન વર્ષની ત્રણ થી પાંચ ફિલ્મો - ત્રીસથી ચાલીસ પિસ્તાલીસ ગીતો - પર કામ કરતા
થઈ ગયા.
શરૂ શરૂમાં તો શંકર અને જયકિશન
મોટા ભાગે સાથે મળીને જ બધું કામ કરતા, પણ આટલાં બધાંવધતાં
ગયેલાં કામના ભારણને પહોંચી વળવા બન્નેએ, પોતપોતાની
સ્વાભાવિક ક્ષમતા અનુસાર,કામને વહેંચી લેવાનું શરૂ કરવું પડ્યું એવું ફિલ્મ સંગીતના એ સમયના
વિવેચકો નોંધે છે. એ કામના ભાગલાની સાથે સાથે બન્ને એ પોતપોતાની પસંદ અનુસાર
ગીતકારોને પણ વહેંચી લીધા. એ ગોઠવણ અનુસાર શંકર અને શૈલેન્દ્ર અને જયકિશન અને હસરત
એમ બે ટીમ બની ગઈ. એમ પણ કહેવાય છે કે જયકિશનનાં લગ્ન બાદ તેઓ મોટા ભાગનું કામ
ઘરેથી કરતા અને શંકર તેમના સંગીત સ્ટુડીઓ પરથી કામ કરતા.
જોકે ફિલ્મ વિવેચકો એટલુ તો જરૂર
સ્વીકારતા હતા કે સંજોગોના આવા ખેલ છતાં શંકર અને જયકિશનનો આપસી તાલમેલ એવો હતો કે
અંતિમ સ્વરૂપે બહાર પડેલ ગીત કોણે બનાવ્યું હશે તે તો અટકળોનો જ વિષય રહેતો.
રેકોર્ડીંગના સમયે બન્ને એકબીજા દ્વારા તૈયાર કરીલી મૂળ રચનામાં પોતપોતાની શૈલી
અનુસારના આગવા સ્પર્શના ચમકારા પણ સહેલાઈથી ઉમેરી દેતા. એમ પણ કહેવાય છે કે
સંજોગોની માંગ અનુસાર બન્ને સાથીઓ પોતાના ગીતકારોની અદલબદલ પણ કરી લેતા.
વિવેચકો
અને દર્શકો બન્નેની આવી અઢળક ચાહના મેળવેલી શંકર જયકિશન અને શૈલેન્દ્ર-હસરતની
ટીમના શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં
ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણી ઓક્ટોબર ૨૦૧૮થી આ મંચ પર શરૂ કરી.
તેમનાં બધાં જ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળેલ ગીતોને અલગતારવવા માટે બધાં ગીતોને ફરી એક વાર બહુ
ધ્યાનથી સંભળવની જે તક મળી એ તો મારા માતે બહુ જ આનંદનો વિષય બની ગયો.. અત્યાર
સુધી
૧૯૫૩માં ૬ ફિલ્મો અને
૧૯૫૪માં ૫ ફિલ્મોનાં પુર પછી ૧૯૫૫માં થોડી રાહત થઈ ત્યાં તો ૧૯૫૬માં ફરી શંકર
જયકિશનને ફાળે ૭ માતબર ફિલ્મો આવી પડી. ૨૦૨૧માં રજુ થયેલા પહેલા
અંશિક ભાગમાં આ ૭ પૈકી ત્રણ ફિલ્મો
-હલાકુ, કિસ્મતકા ખેલ અને બસંત
બહાર-નાં ચુંટેલાં ગીતોની યાદ તાજી કર્યા બાદ હવે આજના મણકામાં બીજી ત્રણ ફિલ્મો -
ચોરી ચોરી, ન્યુ દિલ્હી અને
રાજહઠ-નાં ઓછાં સાંભળવા મળતાં કેટલાંક ગીતોની યાદ તાજી કરીશું.
ચોરી ચોરી(૧૯૫૬)
ફિલ્મનું પોસ્ટર
જોતાંવેંત જ એટલો તો ખ્યાલ આવી જાય છે કે એ સમયની સફળ જોડી રાજ કપૂર અને નરગીસનૉ
રોમેન્ટિક વાર્તામાં જ્હોની વૉકર અને ભગવાનની કૉમેડીની છોળંછોળ હશે. જોકે બન્ને કૉમેડીયનોનૉ
કૉમેડી થોડી નકારાત્મક ભૂમિકા ભજવયા પછી પ્રેમી પંખીડાંને મદ્દરૂપ પણ થઈ જ જાય છે.
જોકે શંકર જયકિશનને
પોતાનો કરતબ દેખાડવા માટે જેટલી તકો મળી છે તેમનો એ લોકોએ બેનમૂન ઉપયોગ કરી લીધો
છે. શૈલેન્દ્રનું યે રાત
ભીગી ભીગી ફિલ્મ ઇતિહાસનાં શ્રેષ્ઠ
રોમેન્ટિક યુગલ ગીતોમાં અગ્રસ્થાને છે તો જહાં મૈં જાતી હું
વહીં ચલે આતે હો મારાં અતિપ્રિય યુગલ
ગીતોમાં આગળ પડતાં સ્થાને છે.
દેખીતી રીતે તો આ ગીત
ભગવાન હોય એટલે તેમને એક ગીત ફાળવવું જ જોઈએ એ ફોમ્યુલાની શરત પુરૂં કરતું ગીત
ગણાય, પણ શૈલેન્દ્રના બોલ ગીતને
જેટલું રસપ્રદ બનાવે છે તેટલું જ શંકર (જયકિશન)ની ધુન અને બન્ને અંતરાનાં સંગીતની
વાદ્ય સજ્જા ગીતને કર્ણપ્રિય પણ બનાવે છે.
મનભાવન કે ઘર જાએ ગોરી ઘુંઘટમેં શરમાએ ગોરી હમેં ના
ભુલાના …. - લતા મંગેશકર, આશા ભોસલે
હિંદી ફિલ્મોમાં કન્યા
વિદાયના પ્રસંગની જગ્યા હોય એટલે જે ગીત મુકાય તેમાં સંગીતકાર અને ગીતકારે પોતાની
આગવી સૂઝ તો દર્શાવવી જ પડે. અહીં પણ શંકર (જયકિશન) ગીતને એક નૃત્ય ગીતની જેમ
મુકીને એક કાંકરે બે પ્રકારની ધુનનો પ્રયોગ કરી લેવાનો પ્રયોગ પણ કરી લીધો
છે.
ન્યુ
દિલ્હી (૧૯૫૬)
એક ઉત્તર ભારતીય નવયુવાનની દિલ્હીમાં
નોકરી મળ્યાથી રહેવા માટે ભાડે ઘરની શોધ પ્રાંતવાદની ગલીઓમાં અટવાઈ જાય છે એ વિષય
પરની વાર્તા જ્યારે યુવાન (કિશોર કુમાર)ને એક 'મદ્રાસી' છોકરી
(વૈજયંતીમાલા)ને ઊંબરે જઈને ટકે છે તે પછી દર્શકોને રમૂજ , વિમાસણો, પ્રેમ
અને ગેરસમજણોની પરંપરામાં ઘુમતી કરે છે.
ફિલ્મમાં આ ગીત 'નખરેવાલી'ની પાછળ પાછળ જ ફિલ્માવાયું છે.
ગીતની ધુન અને વાદ્ય સજ્જા પર શકર (જયકિશન)ની આગવી નૃત્ય
ગીત રચના શૈલીની અસર પુરેપુરી છે,. તે
સાથે જ, ભારતીય તાલવાદ્યની સાથે
પાશ્ચાત્ય વદ્યો સાથેનાં અંતરાનાં સંગીતમાં જે વૈવિધ્ય છે તેમની વિશાળ ફલક પર
ફેલાયેલી સર્જનાત્મકતાની સાહેદી પૂરે છે.
બારી બરસી ખટ્ટન ગયા તે
ખત કે લે આયા સોટ્ટી - લતા મંગેશકર, કોરસ
આમ તો આ પંજાબી લોક નૃત્ય જ છે , પણ શંકર (જયકિશન)એ તેને કેવી અનોખી ધુનમાં રજુ કર્યું છ એતે
સમજવા માટે પહેલાં એક પંજાબી ફિલ્મમાં તેનું પારંપારિક રૂપ જોઈએ
એક વધારે કન્યા વિદાય ગીત જે શંકર (જયકિશન) ફરી એક નવાં રૂપમાં રજુ કરે છે.
રાજહઠ(૧૯૫૬)
રાજહઠ સોહરાબમોદી નિર્મિત ઐતિહાસિક પૃષ્ઠભૂ પર વિકસતી બે
પ્રેમીઓની દાસ્તાનની ફિલ્મ હતી. સોહરાબ મોદીને અનુકૂળ બે રજવાડાંઓનાં પેઢીઓથી
ચાલ્યાં આવતા વેરની કથા અને પ્રદીપ કુમાર અને મધુબાલાને અનુકૂળ આવે તેમ એ બે
રજવાડાનાં સંતાનો વચ્ચે ખીલતાં પ્રણય અંકુર કહાની ટિકિટ બારી પર તો સફળ થઈ જ હતી.
ઐતિહાસિક સંદર્ભોને
અનુસાર સંગીત નિયોજનના સંન્નિષ્ઠ પ્રયાસો પર શંકર (જયકિશન)ની વિશાળ (પાશ્ચાત્ય)
વાદ્ય સમુહની ગીત રચનાઓની સફળતાની ફોર્મ્યુલાનાં સંમિશ્રણવાળાં ગીતો ક્યાક પરાણે
મુકેલાં પણ લાગે, પણ આખરે તો જે ટિકિટ બારી
પર ચાલ્યું એ જ સારૂંનો ન્યાય જ પ્રવર્તી રહે છે.
આ જા આ જા નદીયા કિનારે … તારોંકી છૈયા પુકારે - લતા મંગેશકર , સાથીઓ
ગીતના પૂર્વાલાપને
ધ્યાનથી સાંભળીશું તો તેમાં શંકર જયકિશનનાં કોઈ બીજી ફિલ્મનાં ગીતની ધુન હોવાનો
અંદેશો જ્ણાય છે, જોકે એ ગીત મને ઊંડે ઊંડે હૈયે સંભળાય છે પણ હોઠ પર
નથી આવી રહ્યું !
લગભગ દરેક સારા સંગીતકાર
કોઇ ગીત માટે બે ત્રણ ધુન તો બનાવતા જ હોય છે. પણ શંકર જયકિશનની ફિલ્મો અને
ગીતોમાં તેમનીઅનેક દુનો જે રીતે સમાઈ છે અને પછી ક્યાંક બહુ જ અસરકારક રીતે
ફરી નવી રચના રૂપે બહાર આવી છે તે તો
ખરેખર નોંધપાત્ર વિશેષતા જ કહી શકાય. આર કે ફિલ્મ્સ માટેની આવી ધુનોનો બહુ મોટો
સંગ્રહ રાજ કપુર પાસે હતો જે તેમણે મેરા નામ જોકર બાદ પણ અન્ય સંગીતકારો પાસે
ઉપયોગમાં લીધો હતો એમ કહેવાય છે.
કહાં સે મિલતે મોતી આંસુ મેં મેરી તક઼દીર મેં - લતા મંગેશકર
હિંદી ફિલ્મોમાં દરેક
પ્રેમ કથામાં કોઈને કોઈ અડચણ તો આવે જ અને તેને કારણે બે પ્રેમીઓ વચ્ચે જે વિયોગ
સર્જાય તે કરૂણ ગીતો માટે બહુ યોગ્ય તક બની રહેતી.
શંકર જયકિશનની સર્જનશક્તિની
વિપુલતા વિશે જો કોઈ પ્રમાણપત્રની જરૂર પડે તો કોઈ પણ એક વિષય પરનાં તેમનાં ગીતો
તપાસી જવાં જ પુરતાં છે.
પ્રસ્તુત વિદાય ગીતમાં
તેમની સંગીત રચનાઓની એક અન્ય વિશેષતા પણ ધ્યાન પર લઈએ.- અન્ય સંગીતકાર જ્યારે ધીમી લયમાં કે મંદ્ર સપ્તકમાં કોઈ ગીત
રચવાનું પસંદ કરે એવા ભાવનાંગીતમાં શંકર જયકિશન પ્રમાણમાં વધારે ઝડપી લય કે ઉંચા
સુરનો જ અચુક પ્રયોગ કરતા જોવા મળશે!
આ ગયી લો આ ગયી મૈં ઝૂમતી ….હો અખિયોં કો અખિયોં સે ચુમતી - લતા મંગેશકર
હિંદી ફિલ્મોમાં મહદ અંશે
વપરાતો છદ્મવેશનો અહીં પ્રયોગ જોવા મળે છે.
પોતાના પ્રેમીને મળવા
માટે વિરોધી દળનાં રાજ્યમાં પ્રવેશ કરવ અમાટે મધુબાલા ગ્રામીણ યુવતીનો વેશ અજમાવે
છે.
આવા કિસ્સાઓમાં થતું હોય
છે તેમ પ્રેક્ષકને એ પાત્ર બરાબર ઓળખાય પણ ફિલ્મનાં પાત્રોને જરા પણ ગમ ન પડે.
એટલે જે પાત્ર સાથે સંદેશ વ્યવાહર સાધવો હોય તેને ઉદ્દેશીને એક ગીત મુકવામાં આવે.
અહીં મધુબાલા સાથે સારંગી
જેવાં લોક વાદ્યમાં સજ્જ એક અન્ય જોડીદાર પણ જોવા મળે છે. શંકર જયકિશને પણ લોક વાદ્યોનો ઉપયોગ જરૂર કર્યો છે પણ વિશાળ
ઑર્કેસ્ટ્રા સાથે ગીત રચના કરવાની તેમની ઓળખ સમી કાર્યપદ્ધતિ અહીં એ વાદ્યોના
પ્રયોગને એટલી હદે ઢાંકી દે છે કે સમગ્ર ગીતની રચના ફિલ્મના સમય કાળ સાથે સુસંગત
નથી જણાતી !
૧૯૫૬નાં વર્ષ માટે
શૈલેન્દ્રનાં ગીતોની શંકર (જયકિશન)દ્વારા કરાયેલી ગીતરચનાઓની એક વધુ ફિલ્મ -
પટરાણી - બાકી રહે છે. પરંતુ તેમાં ગીતોની જે સંખ્યા છે અને ફિલ્મના વિષયનુંજે
અલગપણું છે તે એક સ્વતંત્ર પૉસ્ટ માટેની સામગ્રી બની રહે તેમ છે, એટલે તેના વિશેની વિગતે વાત હવે પછીના (ઓક્ટોબર ૨૦૨૩ના) મણકામાં કરીશું.
આવતા
મહિનાના બીજા રવિવારે, વિસરાતી
યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત
રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.
સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) નો સ્વભાવ સહજ લગાવ લોકસંગીત તરફ હતો, જે તેમનાં સંગીતમાં
માધુર્યભરી સુરાવલિઓમાં ઉતરી આવતો જણાય. તે ઉપરાંત પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત, અને ખાસ કરીને
તેનીએક સાથે અનેક વાદ્યોને વાદ્યવૃંદમાં
સાંકળીને બનતી સિમ્ફનીના તેમના અબ્યાસની અસર તેમનીધુનને વધુ સમૃદ્ધ બનાવી રહેતી. તેઓ ઘણાં બધાં
વાદ્યોને નિપુણતાપૂર્વક વગાડી શકતા. એમ કહેવાય છે કે તેમને કોઈ પણ નવું વાદ્ય
આપવામાં આવે તો તે પણ તેઓ ખુબ આસાનીથી વગાડી બતાવી શકતા. તેમની ધુનોમાં ફિલ્મ
સંગીત માટે લગભગ આવશ્યક ગણાતી સરળતા ન હતી,
પણ તેમણે રચેલી ધુનોમાંથી પ્રગટતી ભારતીય લોક સંસ્કૃતિની સંવેદના અને
પાશ્ચાત્ય સંગીતની વાદ્યવૃંદની સુબદ્ધતા સામાન્ય શ્રોતા તેમ જ વિવેચકોને પણ પોતાના
ભાવમાં વહેતી કરી શકતી..
તેમનું સંગીત અમુકતમુક ઘરેડમાં તો
ક્યારેય ન જ ઢળ્યું, પણ તેમની પોતાની આગવી શૈલી પણ ક્યારે
મર્યાદિત પ્રવાહમાં વહીને કુંઠિત ન થઈ. સંગીત પ્રત્યેના તેમના પ્રયોગલક્ષી અભિગમને
કારણે તેમનૂં સંગીત હંમેશાં તાજગીસભર મૌલિકતા જાળવી રહ્યું. પોતાના અંગત અને
સામાજિક મૂલ્યો માટેની તેમની નિષ્ઠાનાં બળે તેમનાં સંગીતને તેમણે ફિલ્મ સંગીત
જગતની સ્પર્ધાથી ક્યારે પણ પ્રભાવિત ન થવા દીધું. તેમના માટે માધુર્ય તો એ હદે અનુલ્લંઘનીય
હતું કે તેઓ દૃઢપણે માનતા કે સુરાવલિનું માધુર્ય પહેલાં આવે અને પછી જ તેને અનુરૂપ
શબ્દદેહ મળે. તેથી તેઓ ફિલ્મની વાર્તાને અનુરૂપ ગીત માટેની ધુન પહેલાં તૈયાર કરતા
અને પછી પોતે જ કવિ પણ હોવાથી, પૂરક શબ્દોથી ધુનનાં તાલ, લય, માત્રા
જેવાં અંગોને વ્યવસ્થિત બાંધણીમાં ગોઠવતા. ઘણી વાર એવું પણ બનતું કે તેમના આ પૂરક
શબ્દો જ ગીત લેખકો પોતાના શબ્દોમાં ગોઠવી લેવાનું સગવડભર્યું સમજતા.
વાર્તામાં ગીતનું સ્થાનની ગીતના બોલ માટેની આવશ્ય્કતા કે આસપાસ બનતી
ઘટનાઓમાંથી સ્વયં-સ્ફુરણા વડે પ્રગટી જતા સાવ સરળ અને ખુબ ભાવવાહી ગીતના બોલની શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬)ની નૈસર્ગિક શક્તિ
કદાચ એક એવું પરિબળ હતી જેને કારણે ધુન જ પહેલાં બને તેમ માનતા સંગીતકાર સલીલ
ચૌધરી સાથે તેમનો મેળ દુધમાં સાકર ભળે તેમ મળી ગયો હશે. તે ઉપરાંત શૈલેન્દ્રની
બંગાળી ભાષાની જાણકારી અને સામાન્ય માણસની ભાવનાને સીધા જ સ્પર્શે તેવા સરળ
શબ્દોથી પોતાનાં ગીતોને દેહ આપવાની તેમની સાહજિકતાએ પણ સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ
જગતમાં પદાર્પણની સાથે જ એ બન્નેને નજદીક લાવી આપ્યા. એ સુમેળનું સીધું પરિણામ એ
આવ્યું કે શૈલેન્દ્રાએ શંકર જયકિશન સિવાય અન્ય સંગીતકારો સાથેની ફિલ્મોના ત્રીજા
ભાગની ફિલ્મ સલીલ ચૌધરી સાથે કરી.
સલીલ ચોધરીએ સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે
લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા સારૂ આજના અંકમાં આપણે ૧૯૫૮ની ફિલ્મ
મધુમતી, ૧૯૫૯ની ફિલ્મ 'હીરામોતી'નું
એક માત્ર ગીત અને ૧૯૬૦ની ત્રણ ફિલ્મો 'હનીમૂન', 'પરખ' અને 'ઉસને કહા થા'નાં
ગીતો સાંભળીશું.
મધુમતી (૧૯૫૮)
સલીલ ચૌધરીએ તેમની પહેલવહેલી હિંદી ફિલ્મ 'દો બીઘા ઝમીન (૧૯૫૩) સાથે જ તેમનું આગવું સ્થાન બનાવી લીધું
હતું.શૈલેન્દ્ર સાથેની તેમની તે પછીની
ફિલ્મો 'નૌકરી (૯૧૫૪), જાગતે રહો (૧૯૫૬) અને મુસાફિર (૧૯૫૭)નાં ગીતોની પણ સરી એવી
નોંધ લેવાઈ, પરંતુ ફિલ્મ જ્યાં સુધી
ટિકિટ બારીએ સફળ ન નીવડે ત્યાં સુધી સંગીતકારનું સ્થાન 'સફળ' સંગીતકાર
તરીકે પ્રથમ હરોળમાં નથી બનતું. 'મધુમતી'ની અપ્રતિમ સફળતાએ સલીલ ચૌધરીનું એ સ્થાન સુનિશ્ચિત કરી
આપ્યું. 'મધુમતી; જ્યાં સુધી સફળ નહોતી થઈ ત્યાં સુધી સલીલ ચૌધરી-શૈલેન્દ્ર
સંયોજન માટે ચઢાણ કેવાં કપરાં હતાં તેનો અંદાજ બિમલ રોયનાં પુત્રી રિન્કી રોય
ભટ્ટાચાર્યનાં રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત પુસ્તક Bimal
Roy’s Madhumati: Untold Stories from Behind the Scenesના આ
સંક્ષિપ્ત અંશમાંથી જાણવા મળી શકે છે. તેમાં
જણાવાયું છે કે જો બિમલ રોયના સલીલ ચૌધરી સાથેના ઘનિષ્ઠ સંબંધનો સહારો ન હોત તો
ઇતિહાસ કંઈક જુદો જ રચાયો હોત. ૧૯૫૭ અને ૧૯૫૮નાં વર્ષોમાં અત્યંત સફળ ગીતોની
ફિલ્મોની વણઝાર લાગી હતી. એવી ઝાકઝમાળ વણઝારમાં પણ 'મધુમતી'નાં
ગીતો એવાં રણક્યાં કે એ વર્ષના શ્રેષ્ઠ સંગીતકાર અને શ્રેષ્ઠ સ્ત્રી ગાયિકાના
ફિલ્મફેર એવૉર્ડ અનુક્રમે સલીલ ચૌધરી અને લતા મંગેશકરને (આજા રે પરદેસી, મૈં
તો કબસે ખડી ઈસ પાર માટે) મળ્યા. શૈલેન્દ્ર
અને મુકેશ મધુમતીનાં સુહાના સફર
યે મૌસમ હસીં અને યહુદી (શંકર
જયકિશન)નાં યે મેરા
દીવાનાપન હૈ એમ બે ગીતો માટે
અનુક્રમે શ્રેષ્ઠ ગીતકાર અને પુરુષ ગાયક માટેના ઍવૉર્ડ માટે દોડમાં હતા. બન્નેને
એવૉર્ડ છેવટે યે મેરા દિવાનાપનને મળ્યા હતા.
મધુમતીનાં બધાં જ ગીતો આજે પણ જબરદસ્ત લોકપ્રિયતા ભોગવે છે, એટલે આપણે માત્ર બે ગીત જ અહીં લઈએ છીએ.
હમ હાલ-એ-દિલ સુનાએંગે સુનીયે કે ન સુનીયે, સૌ બાર મુસ્કરાયેંગે સુનીયે કે ન સુનીયે - મુબારક બેગમ
મુબારક બેગમના શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામતું આ મુજરા ગીત
ફિલ્મમાં તો માત્ર સાખી-
તુમ્હારા
દિલ મેરે દિલ કે બરાબર હો નહીં સકતા
વો
શીશા હો નહીં સકતા યે પથ્થર હો નહીં સકતા
અને ઉપરોક્ત મુખડા પુરતું જ આવે છે.બીજી કોઈ હિંદી ફિલ્મ હોય તો આખું ગીત પુરૂં થઈ
જાય તે પછી જ હીરોનો પ્રવેશ થાય. પરંતુ આ તો બિમલ રોયનાં દિગ્દર્શન અને હૃષિકેશ
મુખરજીનાં સંકલન હેઠળ બનેલી ફિલ્મ છે, એટલે
મુખડો પુરો થતાં જ જ્યાં નૃત્ય ચાલી રહ્યું છે તે કક્ષનો દરવાજો ખોલીને, ચહેરા પર વ્યાકુળતાના ભાવ સાથે, દિલીપ કુમાર દાખલ થાય છે. એને જોતાંવેંત, સ્વાભાવિક્પણે, નર્તકી
નૃત્ય થંભાવી દે છે.
આખું ગીત આ ઓડીઓ ક્લિપમાં સાંભળવા મળે છે -
આડ વાત :
સાખીનો શેર દાગ
દહેલવીની ગ઼ઝલમાંથી (ઉઠાવી) લેવાયો છે. એ જ
ગ઼ઝલના બીજા એક શેરને પ્રસ્તુત ગીતના બીજા અંતરાની પંક્તિઓ તરીકે મુકાયેલ છે -
“અજબ હૈ આહ મેરી, નામ 'દાગ' હૈ મેરા
તમામ શહર જલા દોગે ક્યા
જલા કે મુજ઼ે "
આ કહાની આટલેથી જ નથી
અટકતી.
ગીતના પહેલા અંતરાની
પંક્તિઓ, 'રહેગા ઇસ્ક઼ તેરા ખાકમેં
મિલાકે મુજ઼ે'ને શૈલેન્દ્રએ 'તીસરી કસમ' (૧૯૬૬)નાં
ગીત આ આ આ ભી જા રાત
ઢલને લગી (ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: શંકર જયકિશન) ની સાખી તરીકે
મુકેલ છે !
(માહિતી સ્રોત Atul’s Song A Day પર આ જ ગીત પરની પૉસ્ટ પરની કોમેન્ટ)
ગીતનો ઉપાડ નેપાળી ભાષાનાં લોક ગીતની સમુહ ગાનમાં ગવાતી બે
પંક્તિઓથી થાય છે. સલીલ ચૌધરીએ એ જ બે પંક્તિઓને અંતરાઓમાં વાદ્યરચના સાથે પણ
ગોઠવી લીધી છે. મૂળ લોકગીત લાગે છે કે કોઈ છોકરી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે
તેની ગીતમાં કહેવાતી લોકકથા હશે. લોકગીતોના શોખીન સલીલ ચૌધરીએ તે ક્યાંક સાંભળી
હશે અને અહીં તેનો તેઓ અભિનવ પ્રયોગ કરે છે. શૈલેન્દ્ર ગીતના બોલ તેની સાથે વણી લે
છે.
ગીતને એક વાર એમને એમ સાંભળ્યા પછી ફરી ફરીને ઝીણવટથી
સાંભળીશું તો જણાશે કે ગીતની બાંધણીમાં સલીલ ચૌધરીએઆવા અનેક પ્રયોગો કર્યા
છે.
ગીતની બીજી નોંધપાત્ર બાબત ગુલામ મોહમ્મદનો સ્વર સાંભળવા
મળે છે તે છે. '૪૦ના દાયકાં મોહમ્મદ
રફીની કારકિર્દીની શરૂઆતમાં રફી જેમને ગીતની ગાયકી માટે પોતાનો આદર્શ માનતા એ
ગુલામ મોહમ્મદ '૫૦ ના દાયકામાં સાવ હાંસિયામાં
ધકેલાઈ ગયા હતા. આ ગીતમાં તેમને તક આપીને તેમને મદદ કરવાનો પણ પ્રયાસ હોઈ શકે છે.
આડ વાત :
નેપાળી ભાષાના બોલનોકાચોપાતળો અનુવાદ પ્રસ્તુત ગીતની Atul’s
Song A Day પરની પોસ્ટમાં જેતા
સંક્રિતાયયને કરેલ કોમેન્ટમાં છે, જે અહીં સાભાર લીધો છે -
ફિલ્મનું આ એક માત્ર ગીત સલીલ ચૌધરીએ તૈયાર કર્યું છે. World
of Salil Chowdhuryની ફિલ્મ વિશેની નોંધમાં જાણાવાયું છે તે પ્રમાણે ગીતના રેકોર્ડિંગ પહેલાં ફિલ્મના
મૂળ સંગીતકાર રોશન એક સાંસ્કૃતિક મિશનનના ભાગ રૂપે રશિયા ગયા હતા. ત્યાં તેઓ માંદા
પડી ગયા. એટલે તેમણે ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણ ચોપરાને તાર કરીને જણાવ્યું કે
ફિલ્મના ઉપાડમાં જ આવતું આ ગીત તેમજ ફિલ્મનું ટાઈટલ સંગીત સલીલ ચૌધરી પાસે તૈયાર
કરાવી લેવું.
એ જ વેબ સાઈટની બંગાળી ફિલ્મ 'રિક્ષાવાલા' - દો
બીઘા ઝમીનનું બઅાળી સંસ્કરણ - પરની નોંધમાંએમ પણ જણાવ્યું છે સલીલ ચૌધરીએ આ ગીતની મૂળ
ધુન '૪૦ના દાયકામાં, સલીલ ચૌધરીના ઈપ્ટાના દિવસોમાં 'આય રે પૌસાલી બાતાસે' (હવામાં
આવે રે પુશાલી - પોષ મહિનાની મહેક-) ગીત તરીકે રચી હતી, કમનસીબે એ ગીત ક્યારે પણ રીલીઝ ન થયું.
હનીમૂન(૧૯૬૦)
ફિલ્મના દિગ્દર્શક લેખરાજ ભાકરી ફિલ્મના હીરો મનોજ
કુમારના પિત્રાઈ થાય અને '૪૦ના
દાયકાના જાણીતા ગીતકાર મુલ્કરાજ ભાકરીના ભાઈ થાય થાયે. લેખરાજ ભાકરીએ આ પહેલાં
સલીલ ચૌધરી સાથે પોતાની ફિલ્મ તાંગેવાલી (૧૯૫૫)માં પણ કામ કર્યું છે.
ટિકિટ બારી પર ફિલ્મ બહુ સફળ ન રહી પણ ફિલ્મનાં ગીતો એ સમયે
બહુ વખણાયાં હતાં. ‘સાંજ ભયી
સુન રી સખી’ અને ‘દુનિયા ન દેખે જમાના
ન જાને’ સિવાયનાં બીજાં બધાં જ ગીતોનાં બંગાળી સંસ્કરણ
પણથયાં છે જે World
of Salil Chowdhury પરઆ જ ફિલ્મનાં - Honeymoon (1960)- ગીતોના અન્ય ભાષાના સંસ્કરણના સંદર્ભમાં જોવાથી સાંભળી
શકાય છે.
આડ વાત:
શ્રી અરૂણ કુમાર દેશમુખ જણાવે છે કે ફિલ્મની ત્રણ મુખ્ય અભિનેત્રીઓમાંની એક કુલદીપ કૌરની આ
છેલ્લી ફિલ્મ હતી. તે પછી તેમનું બહુ આકસ્મિક સંજોગોમાં અવસાન થયું હતું. કુલદીપ
કૌરની જીવન કહાની KULDIP KAUR: A SPOILED RICH PUNJABAN
ACTRESSપર વાંચી શકાશે.
ગીતના ઉપાડમાં જે રીતે વાંસળીના સુરનો પ્રયોગ નૂત્યના બોલને
આલેખવામાં થયો છે તે સલીલ ચૌધરીની પ્રયોગશીલતાનો આદર્શ નમુનો છે. પછીતો આ જ
ટુકડાને બોલ સ્વરૂપે અંતરાનાં સંગીત વગેરેમાં ફરી ફરીને પ્રયોજાયો છે. ગીતનું
મુખ્ય વાદ્ય વાંસળી છે, જે
વાદ્યવૃંદમાં પણ પ્રધાન સ્થાને રહે છે. એટલે જ શૈલેન્દ્રએ ગીતના બોલમાં પણ એને જ
વણી લીધેલ હશે?
દેખીતી રીતે તો આ એક સીધું સાદું સ્ટેજ પર ભજવાતું નૃત્ય
ગીત છે, જે હિંદી ફિલ્મોમાં બહુ
સામાન્યપણે વપરાતું હોય છે. પરંતુ સલીલ ચૌધરી અને શૈલેન્દ્ર સાથે થાય એટલે કંઇ અવનવું
તો સાંભળવા મળવાનું જ. અહીં આખું ગીત લગભગ એક શ્વાસે ગવાતું હોય એ રીતે તેની
બાંધણી કરવામાં આવી છે, શૈલેન્દ્રએ
પણ એવા ટુંકા સરળ બોલ મુક્યા છે ગાયક માટે ગીતને એક શ્વાસે ગાવામાં મદદ મળી રહે. આવું
ગીત સર્જવા માટે સંગીતકારનાં મનમાં સુરાવલી પહેલાં આકાર લે અને પછી ગીતકાર તેને
શબ્દદેહ આપે જેથીઆવી કર્ણપ્રિય રચના
મૂર્ત બની શકેતે કેટલું આવશ્યક છે કલ્પી
શકાય છે.
ગીતની નોંધણી યુગલ ગીત તરીકે છે પરંતુ લતા મંગેશકર તો એક
આલાપના સ્વરૂપે જ સાથ પુરાવે છે. સલીલ ચૌધરીએ વળી એ જ આલાપને સમુહ ગાન સ્વરૂપે
કાઉન્ટર મેલોડી તરીકે પણ પ્રયોજેલ છે. આટલા પ્રયોગોથી સંતુષ્ટ થઈને સલીલ ચૌધરી
ગીતને, તેમનાં પોતાનાં સામાન્ય
ધોરણની સરખામણીમાં, ગાવામાં
સરળ બનાવ્યું છે. એટલે જ કદાચ એ વધારે પ્રચલિત થયું !
ગીતનું લતા મંગેશકરનું સૉલો વર્ઝન પણ છે. એ વર્ઝનમાં મૂળ
ગીતના અંતરાઓને ઉલટસુલટ કરી નખાયા છે. સલીલ ચૌધરીએ આ ધુનનું બંગાળી
સંસ્કરણ બાંગલાદેશ સ્વાતંત્ર્ય
થયા પછીના વર્ષે ત્યાં જ નિર્માણ પામેલ 'રકતાકો
બાંગલા' (૧૯૭૨)માં પ્રયોજેલ છે.
દુનિયા ના દેખે જ઼માના ના જાને ચલો કહીં દુર ચલેં - દ્વિજેન
મુખર્જી, લતા મંગેશકર
ઘોડાના ડાબલાની ધુન પરનાં ટાંગાગાડીનાં ગીત માટે પણ સલીલ
ચૌધરીની પોતાની આગવી શૈલી બની રહી છે. અહીં પણ તેઓએ પોતાનાં પ્રિય વાદ્ય વાંસળીને
જ પ્રાધાન્ય આપ્યું છે.
છુઓ ના છુઓ અલબેલે મેરે સૈંયા મૈં તો નાજ઼ુક બદન છુઇ-મુઈ -
સબિતા બેનર્જી, મુકેશ
ખુબ આનંદથી છલકાતાં આ ગીતની પહેલી પંક્તિ જાણે શરમાઈ જઈને
પ્રેમિકા ભાગવા લાગી હોય એવી રીતે બાંધણી કરાઈ છે. ગીતમાં પછીથી આ પંક્તિ જ્યારે
જ્યારે પ્રયોજાયેલ છે ત્યારે એ જ સ્વરૂપ જાળવી રખાયું છે.
તુમ જો મિલે હૈ તો ખિલા હૈ ગુલાબ …. પિયા તુમ તોડ ન દેના, ખ્વાબ યે મેરે દિલકા …... - સબિતા બેનર્જી
પ્રેમિકા પ્રણયની ખીલી રહેલ કળીનો એકરાર આનંદમાં મગ્ન બનીને
કરે છે. હિંદી ફિલ્મોમાં આ સીચ્યુએશન પર પણ અનેક ગીતો બન્યાં છે. જોકે આ ભાવની
અભિવ્યક્તિ માટે સલીલ ચૌધરીની ધુન ખાસી અઘરી ગણી શકાય તેવી છે.
પરખ (૧૯૬૦)
બિમલ રોય દિગ્દર્શિત શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામતી 'પરખ' - (શુધ્ધતા, અહીં સાચી ઓળખ, ની)
કસોટી - હળવી અને કટાક્ષમય શૈલીમાં રજુ થઈ છે. બિમલ રોયને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો
ફિલ્મફેર ઍવોર્ડ મળ્યો તેમાં ખરેખર તો નવાઈ ન લાગવી જોઈએ. મધુમતી, અને સુજાતા પછી આ સળંગ ત્રીજો ઍવોર્ડ બિમલ રોયને મળ્યો હતો, જે એક રેકોર્ડ છે. ફિલ્મની વાર્તા સલીલ ચૌધરીએ તો સંવાદો
શૈલેન્દ્રએ લખેલ છે. પરંપરાગત ધોરણો અનુસાર મુખ્ય પુરુષ અભિનેતા બંગાળી કલાકાર
બસંત ચૌધરી છે (જે પછીથી કલકત્તાના શેરિફ પણ થયા હતા), પરંતુ વાર્તાનું મુખ્ય પાત્ર એક પગની ચાલમાં શારીરિક ખોડ
ધરાવતા ટપાલીનાં પાત્રમાં મોતીલાલ છે. મોતીલાલને આ પાત્ર માટે શ્રેષ્ઠ સહાયક
અભિનેતાનો ફિલ્મફેર ઍવોર્ડ મળેલ.૧૯૬૦ની
ફિલ્મોમાં ૧ કરોડનો વકરો રળનારી ફિલ્મોમાં'પરખ' પણ હતી.
ગામના પોસ્ટ માસ્તરને પાંચ લાખ રૂપિયાનો એક ચેક મળે છે જે
સૌથી પ્રમાણિક વ્યક્તિને દાન કરવાનો છે. એ વ્યક્તિની શોધ ફિલ્મની વાર્તાનું
કથાવસ્તુ છે. એ મેળવવા સારૂ લોકો પ્રમાણિક દેખાવા માટેના કેવા કેવા તાગડા રચે છે
તે ભાવને આ ગીતમાં પ્રસ્તુત કરાયેલ છે.
આ પ્રકારનાં ગીત તો કોઈ સાધુ ગાય એ જ હિંદી ફિલ્મોની
પ્રણાલી છે. સલીલ ચૌધરી પણ બંગાળી બૌલ લોકગીતની ધુન પર પસંદ ઉતારે છે, પણ શૈલેન્દ્રને તોસમાજમાં સમાનતાની ભાવનાને વ્યક્ત કરવાનું મોકળું મેદાન મળી ગયું, જોકે ફિલ્મના મુડને અનુરૂપ તેઓ પણ કટાક્ષની ધારે જ પોતાનું
મન ખોલે છે.:
સલીલ ચૌધરી અને શૈલેન્દ્રએ ગીતમાં કારૂણ્યને ઘુંટ્યું છે, જેને લતા મંગેશકરે તેમના સ્વરમાં એટલી જ સંવેદનાથી ઝીલેલ છે
અને સાધનાએ પરદા પર જીવંત કરેલ છે.
સલીલ ચૌધરીએ કૉયર સમુહ ગાનને કાઉન્ટર મેલોડી અને અંતરાઓનાં
વાદ્ય સંગીતમાં મુકીને ગીતના ભાવને હજુ વધારે ગહન બનાવેલ છે.
કમલ બોઝની શ્વેત શ્યામ સિનેમેટોગ્રાફી પણ એક પદ્ય તરીકે જ
અહીં દૃશ્યમાન થાય છે.
ખાસ આડ વાત:
શ્રી ભગવાન થાવરાણીએ
તેમની 'હૈ સબસે
મધુર વો ગીત' શ્રેણીમાં આ ગીતના
કરૂણાના ભાવ અને તેની સાથે જોડાયેલી એટલી જ સંવેદનશીલ બાબતોને સાંકળી લીધી છે.
ઉસને કહા થા (૧૯૬૦)
બિમલ રોય પ્રોડક્શન્સના નેજા બનેલી 'ઉસને કહા થા'ના દિગ્દર્શક, બિમલ રોયના દો બીઘા ઝમીન અને મધુમતી જેવી ફિલ્મોના એક સમયના
સહાયક, મોની ભટ્ટાચાર્ય હતા.
ચંદ્રશેખર શર્મા ગુલેરીની આ જ
નામનીહિંદીમાં સૌ પ્રથમ પ્રેમ કહાની
ગણાતી - વાર્તા પરથી આ ફિલ્મ બની છે.[1] જોકે જાણકારોનું કહેવું છે કે વાર્તામાંનાં ઉત્કૃષ્ટ
પાત્રાલેખન અને કથાવસ્તુના ઉઘાડની બાબતે વાર્તાનું ફિલ્માંકન ક્યાંક ચાતરી જતું
જણાય છે. વાર્તાનું હાર્દ પ્રેમ, બહાદુરી
અને ત્યાગના ભાવોનું, વિષાદમય
મર્યાદાની ગોપિત રહેતું, નિરૂપણ
છે .વાર્તાનું બીજાં વિશ્વ યુદ્ધના સમયનાં ગ્રામીણ પંજાબનાં વાતાવરણને જીવંત કરે
છે. જોકે ફિલ્મ નિર્માણનું આખુ યુનીટ બંગાળી હોવાને કારણે એ પંજાબી વાતાવરણને પેદા
કરવા માટેના ખાસ પ્રયાસોમાં ‘ઉસને કહા
થા' શીર્ષકની મૂળ વાર્તામાં
અનુભવાતી યથાર્થતા ચુકતું અનુભવાય છે.
જોકે સલીલ ચૌધરીનાં પોતીકા સંગીતમાં વણી લેવાયેલ પંજાબીયત
અને શૈલેન્દ્રના તેને અનુરૂપ રમતિયાળ બોલ ફિલ્મને કંઇક અંશે બચાવી લેવામાં સફળ રહે
છે. મચલતી આરઝૂ ખડી
બાહેં પુકારે (લતા મંગેશકર) અને આહા રિમઝિમ કે યે પ્યારે પ્યારે ગીત લીયે (તલત મહમૂદ, લતા
મંગેશકર) આ બાબતની પુરતી સાહેદી પૂરે છે.
ઘોડા ગાડીનાં ગીતના તાલમાં સલીલ ચૌધરીએ પંજાબી યુવા જોશની
બુલંદીનો પ્રાણ પૂર્યો છે. ગીતની ઝડપ સાથે ઊંચા સુરમાં પણ બુલંદીમાં મસ્તી સંભળાય
એવા સ્વરો માટે મોહમ્મ્દ રફી અને મન્ના ડેને જ પસંદ કર્યા હોય એ તો સ્વાભાવિક જ
છે. પરંતુ, એક વાર બન્નેના સુરની
રેન્જનો લાભ લેવાનું પણ સલીલ ચૌધરી છોડે ખરા! એટલે એ ઊંચા સુરમાં પણ અર્ધો સુર
નીચો રાખીને રફી અને મન્ના ડે પાસે પંક્તિઓ (@૦.૨૭ થી ૦.૩૪ અને ૨.૧૧થી ૨.૧૭) ગવરાવી લીધી છે. એટલું જ
નહીં મુખડાની એ પંક્તિઓ જ્યારે સમુહ ગાનમાં ફરી વાર મુકી છે ત્યારે સમુહ ગાનને પણ
દ્રુતમાં અર્ધો સુર નીચે લઈ આવ્યા છે.
બલખાતી શરમાતી આ જા, લહેરોંસી
લહેરાતી આ જા …. - મોહમ્મ્દ રફી, લતા
મંગેશકર, કોરસ
સલીલ ચૌધરીની બહુમુખી પ્રતિભાનું એક જ ઉદાહરણ આપવું હોય તો
આ એક ગીત જ કદાચ પુરતું બની રહે. બંગાળી-આસામી લોક ધુનોના અઠંગ ચાહક તરીકે જેમની
ઓળખાણ કરાવાય છે એવા સંગીતકારે ધુનની બાંધણી અને વાદ્યસજ્જામાં અનેક વૈવિધ્યો
સમાવી લેવાની પોતાની આગવી શૈલી જાળવી રાખીને નિર્ભેળ ભાંગડા ગીત રચ્યું છે.
વૈવિધ્ય, ગુણવત્તા, માધુર્ય અને લોકપ્રિયતાના આટલા મધુર મિશ્રણ દ્વારા સલીલ
ચૌધરી અને શૈલેન્દ્રની જોડીની ગુંજતી સફળતાના સુરોની ટોચ પરથી હવે આગળની સફરમાં
ધપવા પહેલાં આપણે એક વિરામ લઈશું…
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ
- અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત
રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.