સંગીતકાર સાથેની પહેલી
ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૪-૧૯૬૬
મોહમ્મદ રફીની જન્મતિથિ
(૨૪ ડીસેમ્બર, ૧૯૨૪) અને અંતિમ વિદાયની તિથિ
(૩૧ જુલાઈ, ૧૯૮૦)ની યાદમાં આપણે, ૨૦૧૬થી જુદા જુદા સંગીતકારો સાથે તેમણે ગાયેલાં પહેલવહેલાં
સૉલો ગીતોને યાદ કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ શ્રેણીના લેખોમાં આપણને મોહમ્મદ
રફીએ જેમને માટે ગીતો ગાયાં છે તેવા જાણીતા સંગીતકારોની સાથે કેટલાય ઓછા જાણીતા
સંગીતકારોનો પણ પરિચય મળવાની તક મળી. અત્યાર સુધી બધું મળીને ૧૧૦થી વધુ સંગીતકારો
સાથે આપણો પરિચય થઈ ચૂક્યો છે.
અત્યાર
સુધીમાં આપણે
ની વિગતે ચર્ચા કરી ચૂક્યાં છીએ
પ્રસ્તુત શ્રેણીની શરૂઆત આપણે મોહમ્મદ
રફીનાં હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણના વર્ષ, ૧૯૪૪થી કરી હતી. તેઓ એમના અવસાનના છેલ્લા દિવસો સુધી
સક્રિય રહ્યા હતા. ૧૯૪૪થી ૧૯૫૦ના સમયકાળને તેમનાં સ્થિર થવાનાં વર્ષો ગણીએ તો '૫૦નો દસકો તેમની કારકિર્દીનો એવો
સમય ગણી શકાય જેમાં તેમણે ન માત્ર તેમનાં શ્રેષ્ઠ ગીતો આપ્યાં, પણ તેઓ પુરુષ પાર્શ્વગાયકોમાં પ્રથમ
સ્થાન પણ મેળવી ચૂક્યા. '૬૦ના દાયકામાં તેમનાં લોકપ્રિય ગીતોની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો.
૧૯૬૯માં 'આરાધના'ની સાથે કિશોર કુમાર રાતોરાત
પહેલાં સ્થાન પર પહોંચી ગયા. '૭૦ના દાયકામાં મોહમ્મદ રફીનાં નોંધપાત્ર ગીતો જરૂર સાંભળવા મળ્યાં, પણ તેમના '૫૦ અને '૬૦ના દાયકાનાં ચાહકોને હવે બહુ થોડાં
ગીતોમાં પહેલાં જેવી 'મજા' આવતી
હતી. આથી, આપણે
આ શ્રેણીને ૧૯૬૯નાં વર્ષ સુધી જ સીમિત રાખવાનું નક્કી કરેલ હતું. ૧૯૬૯થી ૧૯૮૦ના સમયમાં પણ તેમને નવા સંગીતકારો
સાથે પ્રથમ વાર ગીત ગાવાના પ્રસંગ પણ સાંપડ્યા હશે, પણે ૧૯૬૯ પછીના આ સમયખંડને જોવા માટે અલગ
દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી બની રહે છે. એટલે તેને વિશે આપણે, ભવિષ્યમાં, અલગથી વાત કરીશું.
આમ હવે આપણે આપણી પ્રસ્તુત શ્રેણીના
છેલ્લા તબક્કામાં આવી પહોંચ્યા છીએ. આ તબક્કામાં અપણે બાકીનાં છ વર્ષો - ૧૯૬૪થી
૧૯૬૯- દરમ્યાન મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર સાથે પહેલી જ વાર
ગાયાં હોય એવાં સૉલો ગીતોને આપણે યાદ કરીશું.
સંગીતકારોની અને તેમનાં મોહમ્મદ રફી
સાથેનાં સૌ પહેલાં સૉલો ગીતની સંખ્યા મર્યાદીત રાખીને એ ગીતોને વધારે સારી રીતે સાંભળી
શકાય એ દૃષ્ટિએ આજના અંકમાં આપણે ૧૯૬૪થી ૧૯૬૬નાં ત્રણ વર્ષને આવરી લીધાં છે.
૧૯૬૪
૧૯૬૪નાં વર્ષમાં મોહમ્મદ રફીએ ૧૪૩ જેટલાં
સૉલો ગીતો ગાયાં હતાં. આ વર્ષમાં તેમણે ચાર સંગીતકારો સાથે પહેલવહેલી વાર સૉલો ગીત ગાયાં.
રોબીન બેનર્જી
રોબીન બેનર્જીએ તેમની સૌ પહેલી હિંદી
ફિલ્મ, 'ઈન્સાફ
કહાં હૈ’, ૧૯૫૮માં સંગીતબધ્ધ કરી. એ પછી એમણે બીજી
વીસેક હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું, જોકે મોટાભાગની ફિલ્મો બી કે સી ગ્રેડની ફિલ્મો તરીકે
ઓળખાતી ફિલ્મો હતી. તેમણે રચેલું તુમ જો આઓ તો પ્યાર આ જાયે (સખી રોબિન, ૧૯૬૨; ગાયકો: મન્ના ડે અને સુમન કલ્યાણપુર) ચિરકાલીન ગીતોમાં સ્થાન પામે છે.
એક તરફ હૈ માકી મમતા એક તરફ હૈ તાજ -
આંધી ઔર તુફાન – ગીતકાર:
ફારૂક઼ કૈસર
બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતની બધી જ ખુબીઓ
આવરી લેતું આ ગીત છે.
વી નાગય્યા
વી નાગય્યા (મૂળ નામ ચિત્તૂર વી નાગય્યા સર્મા) દક્ષિણ
ભારતની ભાષાઓના જાણકાર અભિનેતા, સંગીતકાર, દિગ્દર્શક, લેખક અને પાર્શ્વ ગાયક હતા.
દિલ કો હમારે ચૈન નહીં હૈ - ભક્ત રામદાસુ
મૂળ તેલુગુ વર્ઝન વી નાગય્યાએ ૧૭મી સદીના
સંત કાંચર્લા ગોપન્નાની ભૂમિકા ભજવી હતી.
હિંદીમાં ફરીથી બનેલી ફિલ્મમાં મોહમ્મદ
રફીએ તેમના મુલાયમ સ્વરમાં ભજન રચનામાં સંગીતબધ્ધ ગીતો ગાયાં.
ગાંધર્વ ઘંટસાલ
ગાંધર્વ ઘંટસાલ વિશે કોઈ વધારે માહિતી
નથી મળી શકી.
પરબત ડેરા પ્યાર ભરા, મૈને દેખીથી એક ડોલી - ઝંડા ઊંચા
રહે હમારા – ગીતકાર:
શ્રીનિવાસ
આ પણ મૂળ તેલુગૂ ફિલ્મની હિંદી રીમેક છે.
ગીત કાવ્ય પઠન શૈલીમાં રચાયું છે.
શાંતિ કુમાર દેસાઈ
શાંતિ કુમાર દેસાઈ ની
સક્રિય કારકિર્દી ૧૯૩૪થી ૧૯૬૪ સુધી નોંધાઈ હોવાનું દસ્તાવેજ થયેલ છે. એટલે તેમણે
મોહમ્મદ રફી પાસે પહેલ વહેલું ગીત ૧૯૬૪માં
- તે પણ તેમની લગભગ છેલ્લી ફિલ્મ,
'તેરે
દ્વાર ખડા ભગવાન'માં - કેમ ગવડાવ્યું હશે તે વિશે
મને કોઈ ચોક્કસ માહિતી નથી મળી શકી.
દિલ તોડનેવલે આ જા રે
સંગ છોડનેવાલે આ જા - તેરે દ્વાર ખડા ભ્ગવાન – ગીતકાર: પંડિત મધુર
ગીતની બાંધણી સરળ ભજન
સ્વરૂપે કરવામાં આવી છે, જેમાં મોહમ્મદ રફીના સુરને
ઊંચે-નીચે લઈ જવા માટે પુરી મોકળાશ મળી છે.
ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં
એક બીજું સૉલો ગીત પણ છે.
તેરી યાદ કી ગાઉં સરગમ
સરગમ - તેરે દ્વાર ખડા ભગવાન – ગીતકાર: પંડિત મધુર
પર્દા પરનાં પાત્રની
ભગવાનની ખોજને ગીત દ્વારા વ્યકત કરવામાં આવી છે.
૧૯૬૫
૧૯૬૫નાં વર્ષમાં પણ ચાર નવા સંગીતકાર
મળે છે. એ દરેકની સક્રિય કારકિર્દી
પણ અત્યંત ટુંકી રહી છે. જોકે અમુક ગીતો સાંભળતા વેંત યાદ આવી જાય છે.
પી ડી શર્મા
પી ડી શર્મા વિશે પણ કંઈ માહિતી નથી મળતી. નેટ ઉપલબ્ધ માહિતી પ્રમાણે તો તેઓ
એક-ફિલ્મ-સંગીતકાર ક્લબના સભ્ય જણાય છે.
એક એક તિનકે પર કબ તક ઇન્સાનોકા લહુ બહેગા - બાગ઼ી હસીના -
પહેલી જ ફિલ્મમાં સંગીત આપી રહ્યા હોવા છતાં ગીતની રચના ખુબ જ પરિપક્વ જણાય
છે.
રોય ફ્રેન્ક
રોય ફ્રેન્ક વિશે પણ નેટ પર કંઈ વધારે માહિતી નથી મળી શકી. જો કે તેમનું એક યુગલ ગીત જ઼રા કહ દો
ફિઝાંઓ સે હમેં ઈતના સતાયે ના (ગોગોલા, ૧૯૬૬; ગાયકો: તલત મહમુદ, મુબારક બેગમ) ખુબ જ જાણીતાં ગીતોની યાદીમાં સ્થાન મેળવે છે.
પુછો ન હમસે કે હમ હૈ કિસ હાલમેં - ચોર દરવાજ઼ા- ગીતકાર: ક઼ાફીલ અઝર
જીવનમાં કંઈક કરવા ધાર્યું હતું અને થઈ રહ્યું છે કંઇક જુદું જ એવા અફસોસના
ભાવને ગરબાની ધુનમાં વણી લેવામાં આવ્યું છે.
તુમ જહાં જાઓગે મુઝકો વહીં પાઓગે, બચકે અબ મેરી
નીગાહોં સે કહં જાઓગે - ચોર દરવાજ઼ા - ગીતકાર: ક઼ાફીલ
અઝર
મોહમ્મદ રફીના ચાહકોને આ ગીત તો પલકવારમાં જ યાદ આવી જશે.
લાલા અસાર સત્તાર
લાલા (ગંગવાણે), અસાર અને સત્તાર ખાન
પોતપોતાનાં વાદ્યો વગાડવામાં બહુ નિપુણ હતા. હંમેશ થતું આવ્યું છે તેમ તેમણે પણ
સ્વતંત્ર સંગીતકાર થવાનું સાહસ ખેડ્યું અને સફળતાને ન વરી શક્યા. બે એક ફિલ્મો બાદ
અસાર આ ત્રિપુટીમાંથી અલગ થઈ ગયા તે પછી લાલા સત્તારની જોડીએ પણ થોડી ફિલ્મમાં
સંગીત આપ્યું હતું
યુગ યુગ સે ગાતે આયે હૈ ધરતી ઔર આકાશ - જહાં સતી વહાં ભગવાન
બેકગ્રાઉન્ડમાં ગવાતાં શીર્ષક ગીતના પ્રકારને છાજે તેવાં દરેક ઘટકને ગીતમાં
બખુબી વણી લેવાયાં છે. મોહમ્મદ રફીના સ્વરમાં ગીતના ભાવને અનુરૂપ આર્દ્રતા પણ છે
અને જીવન જીવવવાની તાકાત બતાવતી અડીખમતા પણ છે.
આ જ વર્ષે આ ત્રિપુટીની એક બીજી ફિલ્મ - સંગ્રામ - પણ આવી હતી.
મૈં તો તેરે હસીન ખયાલોમેં ખો ગયા, દુનિયા યે કહેતી
હૈ કે દિવાના હો ગયા - સંગ્રામ – ગીતકાર: ઐશ કંવલ
દારા સિંગ, અને તેની સાથ સાથે રંધાવાને લઈને આવી ફિલ્મો એ સમયે
ખુબ બની તેની પાછળનું એક કારણ હતું એ ફિલ્મોનાં ગીતની સફળતા. એ બધી ફિલ્મો દ્વારા
હિંદી ફિલ્મોમાં પગ જમાવવા માટે સંઘર્ષકરી રહેલા સંગીતકારોએ તેમનાં કેટલાંક
શ્રેષ્ઠ ગીતો આપ્યાં. જોકે એ બધા સંગીતકારોમાંથી લક્ષ્મીકાંત પ્યારેલાલને જ નસીબે
સાથ આપ્યો હતો.
વેદપાલ વર્મા
વેદપાલ વર્માએ સંગીતકારની ભૂમિકા ભજવતાં પહેલાં વાર્તા લેખક અને ગીતકાર તરીકે પણ કામ કર્યું
હતું.
અબ તો બતા અવગુણ મેરે પાંવ પડા હું શ્યામ - સંત તુકારામ – ગીતકાર: મધુકર રાજસ્થાની
સંત તુકારામ જેવા સંતોને જીવનમાં પડતી વિપદાઓ વિશે ઈશવરને આજીજી સ્વરૂપ આ
ગીતમાં મનના ભાવના ઉતાર ચડાવને વ્યક્ત કરવાની પુરી તક મળતી હોય છે, જેને મોહમમ્દ રફીએ બન્ને હાથોથી વધાવી લીધી છે.
મોહમ્મદ રફીના ગીતોના માહિતી સંગ્રહમાં ૧૯૬૫માં એક ભોજપુરી ફિલ્મ 'હમારા સંસાર' પણ બોલે છે, જેનું સંગીત શ્યામ
શર્માએ આપ્યું હતું. અતુલ'સ સોંગ એ ડે પર શ્યામ શર્માએ મોહમ્મદ રફીના સ્વરમાં રચેલ એક
ગૈર ફિલ્મી ગીત - પાગલ નૈના સગરી રૈના તેરી બાત
નિહારે -ની નોંધ કરવામાં આવી છે.
આ ભજન ગૈર ફિલ્મી ગીતોમાંનાં છૂપાં રત્નોમાંનું એક ગીત છે.
૧૯૬૬
૧૯૬૬માં મોહમ્મદ રફીનાં ૧૦૫ સૉલો ગીતો છે.
આ વર્ષે ત્રણ સંગીતકારોનું પદાર્પણ થયેલ છે.
ગણેશ
ગણેશ (શર્મા) લક્ષ્મીકાંત પ્યારેલાની જોડીના પ્યારેલાલના નાના ભાઈ છે. તેમણે
રચેલ હમ તેરે બીન જી ના
સકેંગે સનમ (ઠાકુર જર્નૈલ સિંગ, ૧૯૬૬;
ગાયિકા આશા ભોસલે) ચીરકાલીન રચના તરીકે યાદ કરાય છે.
જિનકી તસ્વીર નિગાહોંમેં લિયે ફિરતા હું - હુસ્ન ઔર ઈશ્ક઼ – ગીતકાર: નુર દેવાસી
ફિલ્મનાં કથાવસ્તુને અનુરૂપ, પ્રસ્તુત ગીતની
રચના મધ્ય પૂર્વ એશિયાની શૈલી તરીકે
જાણીતી શૈલી પર કરવામાં આવી છે.
હરબંસ
જેમના વિશે વધારે માહિતી નથી મળી શકી એવા એક વધારે સંગીતકાર.
ગિરધારી ઓ ગિરધારી લૌટ ભી આઓ ઓ ગિરધારી રાધા નીર બહાયે - નાગીન ઔર સપેરા –
ગીતકાર: સત્યપાલ શર્મા
આમ જુઓ તો આ ગીત જાણીતું તો ન જ કહી શકાય, પરંતુ સંગીતકારે ગીતની બાંધણી એટલી પરિપક્વતાથી કરી છે કે ગીત ક્યારેક
સાંભળ્યું છે તેમ પંણ જરૂર લાગે.
બાબુ સિંધ
બાબુ સિંધ પણ એક-ફિલ્મ-ક્લબના જ સભ્ય
જણાય છે. ઉપલબ્ધ માહિતી અનુસાર તેમને નામે એક હિંદી અને એક ભોજપુરી ફિલ્મ બોલે છે.
ઉન્હે મંઝિલ નહીં મિલતી જો કિસ્મત કે સહારે હૈ - વિદ્યાર્થી – ગીતકાર: મધુકર રાજસ્થાની
અત્યાર સુધી બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતોની રચના એટલી હદે વ્યાપક બની ગયેલી
લાગે છે કે એક જ ફિલ્મમાં સંગીત આપનાર સંગીતકાર પણ સ્વીકૃત ધોરણ અનુસારનું ગીત
બનાવી શકે.
ફિલ્મમાં મોહમ્મદ રફીએ ગાયેલ બે અન્ય સૉલો ગીત - બનકર કે ઈન્સાન બનાયે તુમકોહમ ભગવાન અને સુનો સુનાતે હૈ તુમ્હેં હમ નેહરૂજી કી અમર કહાની - પણ છે. એ સમયમાં પંડિત જવાહરલાલ નેહરૂની પણ્ય તિથિ જેવા અવસરે નેહરૂજી પરનું આ ગીત આકાશવાણી પર બહુ સાંભળ્યું છે.
મોહમ્મદ રફી એ સંગીતકાર સાથે ગાયેલ સૌ પ્રથમ સૉલો ગીતની આ દીર્ઘ લેખમળા આપણે
હવે ડિસેમ્બર, ૨૦૨૦ના અંકમાં પુરી કરીશું.
આવતા
મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત
કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ
- અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત
રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.