સુરેશભાઈ જાનીએ પણ તેમની #47 રૂટની યાદો જણાવી છે. આ યાદોને યાદ કરતાં જેમ મેં પણ અનુભવ્યું છે તેમ ઘણી બધી યાદોની વિગતો આજે ભુલાઈ જવા પામી છે. પણ જે યાદ છે તે પણ આપણી યાદોને ફરી પ્રદીપ્ત કરવા માટે તો પૂરતી જ બની રહે છે.
કાંકરિયા વિસ્તારમાં આવેલી દિવાન
બલ્લુભાઈ માધ્યમિક શાળા તો માંડ એક બે માઈલ દૂર જ હતી. એટલે પગપાળા જ બન્ને વખતની યાત્રા
થતી હતી. એ માહોલમાંથી સાઈકલ પર જવા મળ્યું - એ પહેલું વાહન પ્રમોશન હતું!
૧૯૫૯ના માર્ચ મહિનામાં
એસ.એસ.સી. પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયા બાદ ગુજરાત કોલેજમાં Pre.Uni. Science માં ગુજરાત
કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. અમદાવાદના કોટ વિસ્તારના સારંગપુરમાં આવેલા અમારા ઘરથી
એ ચારેક માઈલ દૂર જ હતી. આથી દરરોજ સાઈકલ પર
કોલેજ જવાનો ક્રમ ચાલુ રહ્યો.
પછી ગુજરાત કોલેજમાંથી ઈન્ટર
સાયન્સની પરીક્ષા પસાર કરી અને એલ.ડી. એન્જિ. કોલેજમાં પ્રવેશ મળ્યો અને બીજું વાહન
પ્રમોશન મળ્યું – બે પૈડામાંથી ચાર પૈડાં – અને તે પણ મસ મોટાં !
૪૭ નંબરની AMTS ની બસ જ તો !
ઘેરથી ચાલીને રોજ સારંગપુર દરવાજા
બહાર આવેલા બગીચાને અડીને આવેલા બસ સ્ટોપ પરથી એ બસ પકડવાની. સર્ક્યુલર રૂટ હોવા છતાં
મોટા ભાગે તો બસ ખાલી જ હોય. બે સ્ટોપ પછી
અમદાવાદ રેલ્વે સ્ટેશનનું બસ સ્ટોપ આવે અને બસ ભરાવા માંડે. પછીના કાળુપુર દરવાજા બસ સ્ટોપ પરથી બે સહાધ્યાયી બસમાં ચઢે – ભુપેન્દ્ર
દોશી અને વિનોદ સોલંકી. દોશી તો આર્યોદય જિનિંગ મીલમાં ચીફ એન્જિનિયર પદે પહોંચ્યા
હતા અને છેલ્લે દિલ્હીમાં કોઈક ઊંચા હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા. વિનોદ સોલંકી એન્જિ. કોલેજમાં પ્રોફેસર પદ સુધી પહોંચ્યા હતા.
પછી બસ આગળ ધપે અને દરિયાપુરના
બસ સ્ટોપ પરથી ઉપાધ્યાય ચઢે. એ પણ ગુજરાત વિદ્યૂત બોર્ડની હેડ ઓફિસમાં સુપ્રિ.એન્જિ.
ના પદ સુધી પહોંચ્યા હતા. આગળ શાહપુરના બસ સ્ટોપ પરથી પંચોલી ચઢતા. એમનું નામ અને હાલ
ક્યાં છે – એ યાદ નથી. મોટા ભાગે એ બન્નેને ચઢ્યા બાદ ઊભા જ રહેવું પડતું, પણ ઈન્કમટેક્સના બસ સ્ટોપ પરથી
બન્નેને બેસવાની જગ્યા મળી જતી.
આ ઉપરાંત બીજા વિદ્યાર્થીઓ પણ
ચઢતા, પણ એ બધા મારી ક્લાસના નહીં, એટલે લટકતી સલામનો જ વહેવાર રહેતો! આખા રસ્તે આ મિત્રો સાથે અલકમલકની – ખાસ તો તાજેતરમાં
જોયેલી ફિલ્મોની કે માસ્તરોની ફિલ્લમ ઊતારવાની ગપસપ ચાલ્યા કરતી - રોજે રોજનાં ફિશ
પોન્ડ! સબમીશનની બબાલની હૈયાવરાળ પણ હોય.
ઘેર પાછા વળતાં ૪૬ નંબરની બસ
પકડવાની રહેતી. પણ એ વખતે તો સળંગ ઊભા જ રહેવું પડતું. વળી થાકેલા હોઈએ અને ઘેર પહોંચવાની
ઉતાવળ હોય. કદીક મોજમાં આવેલા હોઈએ તો અમે બે ત્રણ મિત્રો ૪૭ નંબરમાં જ
આંબાવાડી/ પાલડી/ જમાલપુર વાળા ઘણા લાંબા રૂટ પર સફર કરવાનો ટેસ(!) લઈ લેતા! એ વખતે બીજા મિત્રોની કમ્પની માણવા મળતી.
પણ એ બધા યાદ આવતા નથી.
પછી તો જીવનમાં કંપનીએ આપેલ
રોયલ એન્ફિલ્ડ મોટર સાયકલ, પોતાનું સ્કૂટર,
કમ્પનીની કાર, પોતાની કાર અને હાલ તો દીકરી/ જમાઈએ પ્રેમપૂર્વક આપેલી પોતાની, મફતિયા
કાર ચલાવવાનાં અને અનેક વાર વિમાની / વિદેશી સફર કરવાનાં વાહન પ્રમોશનો મળ્યાં છે.
પણ ….
એ ૪૭ નંબરની બસની
, વિદ્યાર્થી કન્સેશનના
પાંચ પૈસાની ટિકિટમાં સફર કરવાની મજા તો અનેરી જ હતી.
આડવાત
અમે લોકો એ સમયનાં પોલિટેકનીક સામે આવેલી સરકારી વસાહત ‘એચ’ કોલોનીમાં, ૧૯૬૪ની શરૂઆતમાં રહેવા આવ્યાં ત્યારે બે ત્રણ મહિના મારે પણ ગોમતીપુરમાં આવેલી ડેમોક્રેટિક હાઈસ્કૂલ આવવા જવા માટે બસ સેવાનો ઉપયોગ કરવો પડેલો. એ સમયે લાલ દરવાજા થી પોલીટેકનીકના રૂટ પર ચાલતી #૪૩ નંબરની સેવા અને અહીં જણાવેલ #૪૬ અને #૪૭ નંબરના રૂટ પર લેલેન્ડની ‘ટાઈગર કબ’ તરીકે જાણીતાં એક મોડેલની બસો ચાલતી.
એ સમયની અન્ય બસો કરતાં તે દેખીતી રીતે અલગ એટલે હતી કે તેમાં આજની બસોની જેમ છેક ડ્રાઈવરની સીટ સુધી મુસાફર સીટો પણ હતી. મને પંદર સોળ વર્ષની ઉમ્મરે પણ એ પહેલી સીટ પર બેસીને હાથથી અડકાઈ શકાય એટલાં લાંગતાં અંતરે રસ્તા પરનો ટ્રાફિક જોવામાં અનેરો રોમાંચ થતો. જોકે તેથી પણ વધારે મને એ બસની સફરો યાદ છે બસની આગવી ચાલને કારણે. ડ્રાઈવર ગાડી ગીયરમાં નાખે એટલે એક હળવા આંચકા સાથે બસ ઝડપ પકડવા લાગે અને પછી તેની રવાલ ચાલની લય જ બહુ અનોખી હતી. વધારે મજાની વાત એ છે કે ચાલની લગભગ એ જ લઢણ આજની વોલ્વો કે મર્સીડીઝ જેવી આધુનિક એન્જિનિયરિંગ ધરાવતી બસોમાં ફરીથી અનુભવાય છે !