૧૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રાત્રે નવેક વાગ્યે શ્રી એચ (હરીશભાઈ) આર શાહના ફોન દ્વારા અશ્વિનભાઈ શાંતીલાલ પાલ્ખીવાળાના દેહવિલયના સમાચાર મળ્યા. એ સામાચાર (મારાં પત્ની) સુસ્મિતાને કહેતાં કહેતાં જ અશ્વિનભાઇ સાથેના સંગાથનાં સંસ્મરણોની યાદોની ચિત્રપટ્ટી આંખ સામે તાજી થવા લાગી.
આમ તો અશ્વિનભાઇ અને એચ આર શાહની કારકિર્દી અનુપ એન્જિયરિંગ લિ. સાથે અને મારી ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ (જીએસટી) લિ. સાથે વણાયેલી રહી હતી. એમનાં અને મારાં કાર્યક્ષેત્ર પણ વળી સાવ અલગ. એટલે નિયતિની કોઈ પૂર્વસંચિત વ્યવસ્થા વિના અમારી મુલાકાત થવી એ તો શક્ય જ ન ગણાય. અમારા પોતપોતાના કારિકિર્દીના માર્ગોના નવા વળાંક પર અમારા મિલાપના નિમિત તરીકે નિયતિએ હસુભાઈ શેઠને પસંદ કર્યા હતા. હસુભાઈ તેમનાં પોતાનાં નવા ઔદ્યોગિક સાહસોની શરૂઆત કરી રહ્યા હતા. એ નવાં એકમમાં તેઓ અમને સાથે લેવાના હતા. અશ્વિનભાઇ અને એચ આર શાહ માર્કેટિંગ અને વેચાણ સંભાળવાના હતા અને મારે એ સિવાયનાં બીજાં બધાં ક્ષેત્રો સંભાળવાનાં હતાં.
અમારી પહેલી મુલાકાત ૧૯૭૮ના પાછલા ભાગમાં થઈ. હસુભાઇ જે હોટેલમાં રોકાયા હતા ત્યાં તેઓએ અમનેન ત્રણેયને, એક સાંજે, બોલાવ્યા હતા. હસુભાઈએ અશ્વિનભાઇ અને એચ આર શાહની અને મારી એક બીજા સાથે પહેલાં ઓળખાણ કરાવી. તે પછી, તેઓએ તેમનાં નવાં એકમનાં તેમણે વિચારેલ વ્યવસ્થા તંત્ર અને અમલીકરણની રૂપરેખાઓ વિધિપુરઃસર અમારી સમક્ષ રજૂ કરી. પહેલાં પણ અંગેની વાતચીતો તો એકબીજાંમાં થતી જ રહી હતી, એટલે અશ્વિનભાઈ અને એચ આર શાહ તો નવાં એકમમાં તેમનાં કાર્યક્ષેત્રની ભૂમિકાઓ અંગેના કરારનામાંઓ સાથે લાવ્યા હતા. બહુ સરળ શબ્દોમાં, એ કરાર મુજબ એ બન્ને નવી કંપનીમાં પરંપરાગત પગારદાર તરીકે કામ કરવાને બદલે એ કરાર મુજબ કામ કરવાના હતા. એ કરારની શરતો એવી હતી કે જ્યાં સુધી કંપનીનું વેચાણ કરાર મુજબ નક્કી કરેલાં કમીશનના અમુક લઘુતમ સ્તર સુધી ન પહોંચે ત્યાં સુધી તેમને અમુક નિશ્વિત રકમ વેતન સ્વરૂપે મળતી રહે.
મારા માટે નવૌદ્યોગકાર તરીકે ઉત્પાદન કે વેપારી સાહસના વિકલ્પો ઉપરાંત સેવા ક્ષેત્રનાં સાહસનો, અને તે પગભર ત્યાં સુધી વચગાળાની આવકની વ્યવસ્થાનો, આ વિકલ્પ સાવ નવો હતો.
હસુભાઈએ તેમનાં નવાં સાહસ માટે અમારા ત્રણ ઉપરાં જીએસટીના સમય દરમ્યાનના સહકર્મૉ અને સારા મિત્ર, અરૂણ જે વોરા, ને પણ આ પાયાની ટીમમાં જોડાવા આમંત્રણ આપેલું.
એ નવાં સાહસમાં જોડાયાના છએક મહિનામાં અમને એવું લાગવા લાગ્યું કે ઘણી બધી વસ્તુઓ ધાર્યા મુજબ નથી બની રહી. એ તબક્કે મને ખબર પડી એમ, આમ પણ અશ્વિનભાઈ અને એચ આર શાહ તો અનુપ છોડતી વખતે જ પોતાનું નાના પાયાનું ઉત્પાદન એકમ શરૂ કરવાનું વિચારીને જ આવ્યા હતા. પરંતુ, હવે જે મુજબ પરિસ્થિતી વિકસતી જતી હતી, તેને કારણે એ લોકોની એ યોજના પહેલાં વિચાર્યું હશે તે કરતાં વહેલી અમલમાં મુકવા અંગે તેઓ સક્રિયપણે વિચાર કરવા લાગ્યા.
આજે એ બધી ઘટનાઓ વાગોળતાં એમ લાગે છે કે અમારૂં એક જ કારમાં દરરોજ ફેક્ટરીએ જવું પણ નિયતિની ચોપાટની જ એક રમત હતી. અમને એ સમય જે સાથે મળતો તેમાં અમારી કારકિર્દી અંગેની પોતપોતાની વિચારણાઓ સહિતના અનેક વિષયો વિષે અમે ચર્ચા કરતા. તેનું એક પરિણામ તો એ આવ્યું કે અમે એકબીજાને સારી પેઠે સમજવા લાગ્યા હતા. ઘણી વાર એ ચર્ચાઓ ફેક્ટરી પહોંચ્યા પછી પણ આગળ ચાલતી. એવી એક ચર્ચા દરમ્યાન અશ્વિનભાઇ અને એચ આર શાહે બહુ ઉદાર મનથી એક પ્રસ્તાવ મુક્યો કે હું અને અરૂણ જે વોરા પણ એમનાં નવાં સાહસમાં જોડાઈએ. એ નવાં એકમનું આગળ જતાં એરિશ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડ તરીકે નામાભિધાન થયું.
હસુભાઈ સાથેની સહકાર્યની યોજનાની શકય લાગી રહેલી નિષ્ફળતાને પરિણામે પ્રોફેશનલ મૅનેજરમાંથી પ્રોફેશનલ નવૌદ્યોગકાર બનવાની મારી આકાંક્ષા પણ વિલયના પંથે જ હતી. એટલે, અશ્વિનભાઇ અને એચ આર શાહનો પ્રસ્તાવ મારા માટે તો કિમિયાગરના સ્પર્શ જેવો નીવડ્યો. આગળ જતાં એરિશ સાથેના નવૌદ્યોગકાર તરીકેના મારા અનુભવો મને નવૌદ્યોગિકકારની શૈલીમાં કામ કરનાર મૅનેજરની ભૂમિકામાં મુકી આપવાના હતા.
જીએસટી સાથેના મારા અનુભવોને કારણે નવી કંપની સ્થાપવા માટેની કાયદાકીય વિધિઓ, જીઆઈડીસી એસ્ટેટમાં જમીન સંપાદન, ફેક્ટરીનાં મકાનનું બાંધકામ, લાંબા ગાળાની અને કાર્યકારી મૂડીનું વ્યવસ્થાપન જેવી બાબતોથી હું સારી રીતે પરિચિત હતો. પરંતુ મોટી કંપનીના ટેકા વગર, આપબળે, નાનાં એકમની સ્થાપના અને સફળ અમલીકરણનાં પરિમાણના અભિગમ એટલા અલગ હતા કે ઉદ્યોગ સંચાલન વિષેના મારા દૃષ્ટિકોણનું ઘડતર અહીં નવેસરથી થયું એમ કહી શકાય. આજે પાછળ દૃષ્ટિ કરીને નિહાળતાં, હું જોઈ શકું છું કે શરૂઆતના એ મુશ્કેલ દિવસોએ મારી વ્યાવસાયિક તેમ જ અંગત વિચારશૈલી તેમજ કાર્યપદ્ધતિને વધારે વ્યાપક ફલક પર કામ કરી શકવા માટે તૈયાર કરી.
એ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો પ્રસ્તુત કરૂં છું.
નવાં સાહસ માટે અમે જે આયોજન કર્યું હતું તેમાં પાંચ લાખ રૂપિયાની ઈક્વીટી અને પાંચ લાખ રૂપિયા અમારા કુટુંબ અને મિત્રોના સ્રોતોમાંથી તારણ વગરની લોન એમ દસ લાખ રૂપિયાનું યોગદાન સંસ્થાપકોની મૂડી સ્વરૂપે પ્રસ્તાવિત કરેલું. પરંતુ લાંબા ગાળાની લોન મંજુર કરતી વખતે જીએસએફસીએ તેને બદલે દસે દસ લાખ ઈક્વિટી તરીકે લાવવાની શરત મુકી. એ સમયે રૂ.. ૬૨,૫૦૦ પણ માંડ માડ લાવી શકાય એટલી મારી ક્ષમતા અમારાં મૂડી સામુહીક પ્રદાનને રૂ. ૨.૫૦ લાખ સુધી મર્યાદિત કરી રહી હતી. પરંતુ અશ્વિનભાઇએ નાણાકીય ઈજનેરીના અભિનવ માર્ગોની મદદથી, બહુ સિફતથી, એ રૂ. ૨.૫૦ લાખના અમારી મૂડીના પાયા ઉપર રૂ. ૧૦ લાખની ઈક્વિટી મૂડીની ઈમારત ખડી કરી આપી.
અમારી કપની અને અમે સાવ નવાસવા હતા. એટલે ઉત્પાદન પ્રક્રિયામાં મહત્ત્વના કાચા માલ કે કન્ઝ્યુમેબલ્સ અમને ઉધારીની કિફાયતી શરતોએ તો મળે તેમ નહોતું. એનો પણ ઉપાય પણ અશ્વિનભાઈએ તેમના થોડા ઓળખીતા વ્યાવસાયિક સંબંધીઓની નાણાકીય ક્ષમતા સાથે સાંકળીને ગોઠવી કાઢ્યો. અમારે સ્પર્ધાત્મક ભાવે રોકડેથી ખરીદી કરવી, તેની ચુકવણી પેલા મિત્રોની પેઢીઓ કરે અને અમારી ઉધારીની જરૂરિયાત મુજબ એટલા સમયનાં પૂર્વનિશ્ચિત વ્યાજને રોકડ ખરીદીની કિંમતમાં ઉમેરીને અમને એ વસ્તુઓ ફેરવેચાણ કરી આપે એવી ગોઠવણ કરવામાં આવી.
અશ્વિનભાઇ અને એચ આર શાહની જાણમાં હોય તેવા તેમ જ નવા પ્રોજેક્ટ્સના ખરીદકારો અને નિર્ણયકર્તાઓ સુધી નવી કંપની સ્થાપનાની અને તેની ઉત્પાદન ક્ષમતાઓનો માહિતીનો પ્રચાર કરવા માટે અશ્વિનભાઇએ અમારા ઉત્પાદનોનાં ક્ષેત્રની મોટી ઉત્પાદન કંપનીઓ જેવું જ ચાર પાનાની, મનીલા કવરની સાઈઝમાં વાળી શકાય એવી વિવરણ પ્રચાર સામગ્રી (Brochure) ડીઝાઈન કરાવડાવી. તેમણે છાપકામનાં ખર્ચમાં ચીવટપૂર્વકની કરકસર કરીને એ પ્રચારપુસ્તિકા અમારા જેવા ભાંખોડીયાં ભરતા નાના પાયાના ઉત્પાદકનાં ખીસ્સાંને પરવડે એવાં ખર્ચે તૈયાર કરાવડાવી લીધી. તે ઉપરાંત અમારી સિદ્ધિઓને પ્રદર્શિત કરતાં ડેસ્ક કેલેંડર, એરિશના લોગો સાથેની કી ચેઇન જેવી આનુષાંગિક પ્રચાર સામગ્રી બનાવડાવા માટે તેઓ અમને સંમત કરી લેતા.
પોતાની અને એચ આર શાહની માર્કેટિંગ કુશળતા અને અનુભવનો ઉપયોગ એરિશ પુરતો જ મર્યાદિત કરી દેવાને બદલે પ્રોસેસ પ્લાન્ટના વ્પરાશકારો દ્વારા વપરાતાં બીજાં ઉત્પાદનો અને એન્જિનિયરિંગ સેવાઓ બીજા ઉત્પાદકો વતી વેંચવાનું શક્ય બને એટલે એરિશ એન્જિનિયરિંગ અને માર્કેટિંગ સર્વીસીઝનાં નામથી કંપનીનાં જ ડિવિઝન તરીકે અલગ માધ્યમના વિચારને પણ તેમણે અમલમાં મૂક્યો.
જોકે, તેમની રચનાત્મક કલ્પનાશીલતાની સ્વપ્રેરણાનો પરિચય તો કંપનીના નામિભિધાનના તબક્કાથી જ મળી ગયો હતો. 'હરીશ'ની અંગ્રેજી જોડણીમાંથી પહેલો અક્ષર H હટાવી અને અશ્વિન, અરૂણ અને અશોક એમ બાકીના ત્રણના નામની અંગ્રેજી જોડણીના પ્રથમ અક્ષર 'A'થી બનેલાં નામ, 'એરિશ'થી કંપનીનું નામ શરૂ થાય એ તેમનું વિચારબીજ હતું.
વ્યાવસાયિક ઘટનાઓની યાદોની સાથે મને એવા કેટલીક સામાજિક પ્રસંગો પણ યાદ આવે છે જેમાં અશ્વિનભાઈ મને અને મારાં પત્ની સુસ્મિતાને સામેલ કરતા રહ્ય હતા. વ્યાવસાયિક સંબંધોની જેમ આ સામાજિક પ્રસંગોને કારણે એ સમયના ઉચ્ચ મધ્ય્મ, જૈન, વેપાર વ્યવસાય સાથે સંકળાયેલાં પરિવારના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો, માન્યતાઓ અને જીવનશૈલીના પરિચયનો નવો અનુભવ થયો.
અશ્વિનભાઇ જે રીતે વિવિધ સામાજિક પ્રસગોને માટે પોતાના વ્યાવસાયિક સંબંધીઓને આમંત્રણ આપતા તેનાથી સૌ પ્રથમ તો મને એ સમજાવા લાગ્યું કે સામાજિક પ્રસંગો પણ વ્યાવસાયિક સંબંધોને વધારે મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ સમાજમાં વ્યાવસાયિક સંબંધો અને વ્યક્તિગત સામાજિક સંબંધોને ભેદરેખા પણ જે રીતે સ્પષ્ટ રહેતી તે પણ મને સમજાવા લાગ્યું હતું. થોડા વર્ષો બાદ આ સમજને ખરેખર અમલમાં મુકવાનો પ્રસંગ પણ બનવાનો હતો.
અશ્વિનભાઇ અને તેમના પરિવાર માટે નાનો મોટો દરેક સામાજિક પ્રસંગ ઉત્સવની જેમ ઉજવવાની તક બની રહેતો. દિવાળીનું પક્ષ્મીપૂજન, અઠ્ઠાઇ જેવા ધાર્મિક પ્રસંગો કે પછી કોઈની તબિયતના સમાચાર 'પૂછવા' જવું (કે પોતાને ત્યાં કોઈ માંદું હોય તો તબિયતની પૂછા કરવા આવનાર માટે વ્યવસ્થાઓ કરવી) , લગ્નપ્રસંગોએ કામકાજ પૂછવા જવાની 'બેઠકો' જેવા પ્રસંગો માટે બહુ જ ચિવટથી આયોજન કરવાં આવતું અને એ આયોજનોનો અમલ પણ એ દરેક પ્રસંગના વણલખ્યા શિષ્ટાચાર મુજબ જ કરવામાં આવતો. કયા પ્રસંગે કઈ કક્ષાના વ્યાવસાયિક સંબંધીને આમંત્રણ આપવું એ માટે પણ એક અલગ શિષ્ટાચાર રહેતો.
આ દરેક પ્રસંગની વિગતવાર યાદોને અહીં લખવા બેસવું સ્મરણાંજલિના સંદર્ભમાં બહુ ઉચિત ન ગણાય. તેમ છતાં બે પ્રસંગોનો ખાસ ઉલ્લેખ ન કરૂં તો આ અંજલિ અધુરી જ ગણાય.
કોઈ પણ સામાજિક પ્રસંગને ઉજવવાની પાલખીવાળા પરિવારની શૈલીનો પહેલો પરિચય અમને એરિશ ઈક્વિપમેન્ટની ફેક્ટરી માટેના જીઆઈડીસી એસ્ટેટ, વટવાના પ્લૉટ નં. ૪૪૯/૪૫૦ પરનાં સ્થળે ભૂમિ પૂજન સમયે થયો. અમારા ચારેયના સમગ્ર પરિવારોને આ પ્રસંગે આમંત્ર્ણ અપાયું હતું, એટલે સહેજે ૨૦ થી ૨૫ જેટલાં મહેમાનો આવેલાં. મુહુર્તનો સમય સવારનો ઠીક ઠીક વહેલો હતો. એ સમયે વટવાથી કંઈ પણ ખરીદવું હોય તો કમસે કમ છએક કિલોમીટર દૂર આવેલાં મણિનગર સુધી તો જવું જ પડે. આવી વિપરિત જણાતી પરિસ્થિતિમાં પણ તેઓએ ભૂમિ પૂજન માટે સંપૂર્ણ વિધિપુરઃસરની વિધિ માટે બધી જ તૈયારીઓ બિલકુલ સમયસર કરી જ લીધી હતી. એટલું જ પુરતું ન હોય તેમ, વિધિ પુરી થયા પછી ગરમા ગરમ ફાફડા અને જલેબીનો નાસ્તો પણ હતો. તે ઉપરાંત સાથે જે ચા હતી તે પણ વરાળ નીકળતી ગરમ હતી.
એવો એક બીજો પ્રસંગ હતો અશ્વિનભાઇએ ગોઠવેલ ત્રણ દિવસની અંબાજી - આબુનૉ પિકનિક. એ પિકનિકમ્માં મિનાક્ષી ભાભી, નીમુભાભી, અશ્વિનીભાભી અને સુસ્મિતા (અનુક્રમે અશ્વિનભાઈ, એચ આર શાહ, અરૂણ વોરા અને મારાં પત્નીઑ) અને દરેકનાં સંતાનો પણ સામેલ થયાં હતાં. ચારેય પત્નીઓએ મળીને અમદાવાદમાં મળતા અનેકવિધ નાસ્તો સાથે લઈ લેવાનું બહુ જ આયોજિત ખરીદી અભિયાન છેડી દીધેલ હતુ. નાસ્તાની દરેક આઈટેમ બહુ રસ અને સૂઝથી પસંદ કરાઈ હતી અને અમદાવાદમાં તેને માટે જે શ્રેષ્ઠ જગ્યા કહેવાય ત્યાંથી જ ખરીદવમાં આવેલ. જતી વખતે મહુડી અને દેલવાડાનાં જૈન ધર્મસ્થાનોમાં આવેલ મંદિરોની મુલાકાત પણ આવરી લેવામાં આવી હતી. એ ધર્મસ્થાનો મારી એ પહેલવહેલી મુલાકાત હતી. ખેડબ્રહ્માનાં મંદિરને પણ ચુકાયું નહોતું.
વ્યાવસાયિક અને અંગત સંબંધો આટલી ચીવટથી કેળવાતા હતા તેમ છતાં એરિશના આગળના વિકાસ બાબતે અશ્વિનભાઈઅને અમારા (એચ આર શાહ અને હું) દૃષ્ટિકોણ અલગ એટલો પડી ગયો કે ૧૯૮૮ની આસપાસ અશ્વિનભાઈ અમારાથી અલગ થઈ ગયા !
એ પછી તો કંઈ કેટલાંય પરિવર્તનો થતાં ગયાં, પણ આજે મનમાં ઊંડે ઊડે એક સવાલ થાય છે - જો અમારા માર્ગ અલગ ન થયા હોત તો, અમારાં સામુહિક વ્યાવસાયિક તેમ જ દરેકનાં અંગત જીવન કેવાં હોત !