Showing posts with label વેબ ગુર્જરી. Show all posts
Showing posts with label વેબ ગુર્જરી. Show all posts

Friday, November 6, 2015

અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્રનાથનાં યુગલ+ ગીતો - પૂર્વાર્ધ

imageimage
અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્ર(નાથ)નાં અનોખાં સહકાર્ય સ્વરૂપ સૉલો ગીતો (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) નો આપણે વિગતે પરિચય કરી ચૂક્યાં છીએ.
આપણી ફિલ્મોમાં યુગલ ગીતોનું સ્થાન હંમેશાં બહુ મહત્ત્વનું રહ્યું છે. ફિલ્મમાં સીચ્યુએશનની જરૂરિયાત મુજબ પ્રેમના ઇઝહાર, પરિણયની ખુશી કે વિરહની વેદના વ્યક્ત કરવામાં સૉલો ગીતો જેટલી જ ચીવટ ગીતકારો અને સંગીતકારો યુગલ ગીતમાટે પણ દાખવતા રહ્યા છે. યુગલ ગીતોમાં પુરુષ અને સ્ત્રી ગાયકોનાં ગીતો, સ્વાભાવિક રીતે, વધારે પ્રચલિત રહ્યાં છે. પુરૂષ અને સ્ત્રી ગાયિકાના અવાજની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓમાં રહીને ગીતની ધુનની સજાવટ કરવામાં આવતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં યુગલ ગીતો પણ બહુ જ સફળ થતાં રહ્યાં છે. સુરેન્દ્રનાં કેટલાંક યુગલ ગીતોએ તેમને અઢળક લોકચાહના અપાવી છે.

સુરેન્દ્રએ અનિલ બિશ્વાસનાં સંગીતમાં ૪૬ જેટલાં ગીતો ગાયાં છે, જેમાં તેમનાં સૉલો તેમજ યુગલ+ ગીતોની સંખ્યા લગભગ સરખી કહી શકાય. બીબ્બો (૬ ગીતો), માયા બેનર્જી (૩ ગીતો), વહીદન બાઈ (૪ ગીતો) જ્યોતિ (૬ ગીતો), હુસ્ન બાનો (૩ ગીતો), સરદાર અખ્તર (૧ ગીત) અને ખુર્શીદ સાથે મંઝધાર (૧૯૪૭)નું યુગલ ગીત 'મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે' એમ છ ગાયિકાઓ સાથેનાં કુલ ૨૪ યુગલગીતો પૈકી ગાયિકા-અભિનેત્રી બીબ્બો સાથેનાં અને માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો આપણે આજે આ પૂર્વાર્ધમાં માણીશું.

બીબ્બો સાથેનાં યુગલ ગીતો
Surendra and Bibbo in Dynamite (1938)

લાહોરના એક ધનપતિ શાંતિ સાગર દ્વારા ‘ક્રેક ક્લબ’નો આરંભ કરવામાં આવ્યો હતો. બપોરથી રાત સુધી તે ધમધમતી રહેતી. સાંજના સમયે મોટે ભાગે ગાયનનો કાર્યક્રમ થતો, જેમાં સુરેન્‍દ્રના ભાગે ગાવાનું આવતું. એક વખત આ મિલનમાં કોઈકના નિમંત્રણથી એક યુવતીનું આગમન થયું. તેનું નામ હતું ઈશરત સુલતાના. પહેલવહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’માં તેણે એક ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી ‘રંગીલા રાજપૂત’(૧૯૩૩), ‘સૈરે પરીસ્તાન’(૧૯૩૪), ‘પ્યાર કી માર’(૧૯૩૫) જેવી ફિલ્મોમાં તેણે નાયિકાની ભૂમિકા કરી હતી. એ પછી મુંબઈ છોડીને તે લાહોર આવી ગઈ હતી.
લાહોર આવ્યા પછી તેણે પોતાના ‘રેઈનબો પિક્ચર્સ’નો આરંભ કર્યો હતો અને ‘કઝ્ઝાક કી લડકી’(૧૯૩૭)નું નિર્માણ કર્યું હતું. પોતાના સૌંદર્ય અને મધુર અવાજ માટે તે આખા લાહોરમાં જાણીતી હતી. આધુનિક અભિગમ અને ખુશમિજાજને કારણે તે ‘કૉલેજ બૉય’ના ઉપનામે ઓળખાતી હતી. તેનું મૂળ નામ હતું બેગમ બીબ્બો.
થોડા સમય પછી સુરેન્‍દ્રને ફિલ્મોમાં તક મેળવવા માટે મુંબઈ આવવાનું થયું. યોગાનુયોગે બીબ્બોએ પણ મુંબઈના ફિલ્મક્ષેત્રે પુન:પ્રવેશ કર્યો. 'મનમોહન'માં બન્ને નાયક-નાયિકા તરીકે ચમક્યાં અને તેમની જોડી અતિ લોકપ્રિય બની રહી.

'મનમોહન' (૧૯૩૬)માં સંગીતકાર અશોક ઘોષના અનિલ બિશ્વાસ મદદનીશ હતા, એ દૃષ્ટિએ સુરેન્દ્ર અને અનિલ બિશ્વાસનાં જોડાણનો પાયો અહીં ઘડાયો. આ ફિલ્મમાં સુરેન્દ્ર અને બીબ્બોનાં એક યુગલ ગીત -'તુમ્હીંને મુઝકો પ્રેમ સિખાયા' - ની શરૂઆતમાં બીબ્બો જે અદાથી 'મૈં અંદર આ સકતી હૂં' કહે છે તેને કારણે - પણ અનહદ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મનું આ જોડીનું બીજું યુગલ ગીત 'ખીઝાંને આકે ચમનકો ઉજ઼ાડા' સાવ જ અલગ વતાવરણ ખડું કરે છે. 'મનમોહન'માં સુરેન્દ્ર અને બીબ્બો - એક રંગીન પોસ્ટકાર્ડ તસ્વીર
પુજારી મોરે મંદિરમેં આઓ – જાગીરદાર (૧૯૩૭) - ગીતકાર ઇન્દ્ર

આ ગીતમાં ૧૯૩૦ના દાયકાનાં ગીતની પૂરેપૂરી છાંટ છે - સંગીતનો ઉપયોગ માત્ર ગાયકો અને ધુનને સંગત આપવા જેટલો જ છે.

પ્રેમકા પુષ્પ ખિલા ઘર મેરે, પ્રેમકી આઈ હવા ઘર મેરે - મહાગીત (૧૯૩૭) - ગીતકાર ઝીયા સરહદી

કલિયાં રસીલી સૈયાં, ભંવરા જવાન હૈ - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

ઓ જાદુગર મતવાલે, યે કૈસે ઢંગ નિરાલે - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

બ્રિંદાબનમેં કભી ન જાના - ગ્રામોફોન સિંગર (૧૯૩૮)- ગીતકાર - ઝીયા સરહદી


સુરેન્દ્ર અને બીબ્બો - 'ગ્રામોફોન' સિંગરનાં એક દૃશ્યમાં


મૈં તેરે ગલેકી માલા - ગ્રામોફોન સિંગર (૧૯૩૮)- ગીતકાર - ઝીયા સરહદી

માયા બેનર્જી સાથેનાં યુગલ ગીતો
સુરેન્દ્ર અને માયા બેનર્જી - 'મહાગીત'

૧૯૧૪માં જન્મેલાં, માયા બેનર્જીએ મુંબઈ આવ્યા બાદ ૧૯૩૭થી ૧૯૩૯ સુધીની સાગર મુવીટોનની ફિલ્મોમાં અભિનય કરવાની સાથે પોતાનાં ગીતો પણ ગાયાં હતાં. ૧૯૪૦ પછી કરેલી ફિલ્મોમાં તેમણે અન્ય ગાયિકાઓના અવાજને પ્લેબેકમાં લીધો હતો.

આયેં હૈ ઘર મહારાજ, મૈં લાઉં ફૂલોકે હાર - મહાગીત (૧૯૩૭) - ગીતકાર ઝીયા સરહદી

જા રે સખી સાજનસે કહ દે - ડાયનેમાઈટ (૧૯૩૮) - ગીતકાર પંડિત ઈન્દ્ર ચંદ્ર

મધુર મિલનકા ચિત્ર બનાયે,પ્રેમકે રંગસે રંગ ડાલે - કોમરેડ્સ (જીવનસાથી)(૧૯૩૯) – ગીતકાર: કન્હૈયાલાલ ચતુર્વેદી

અનિલ બિશ્વાસ અને સુરેન્દ્ર(નથ)ની જોડીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોની સફરમાં આપણે મધ્યાંતર પાડીશું. ૨૮ નવેમ્બર, ૨૦૧૫ના ઉત્તરાર્ધમાં આપણે હવે તેમનાં વહીદન બાઈ, જ્યોતિ, હુસ્ન બાનો સરદાર અખ્તર અને મિસ શારદા પંડિત સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.
સાભાર નોંધઃ
  • આ લેખને શ્રી બીરેન કોઠારીએ તેમના ખજાનામાંની તસ્વીરો અને માહિતી વડે બહુ જ સમૃદ્ધ કરી આપેલ છે.
  • Songs of Yoreના લેખ -Anil Biswas’s songs for Bombay Saigal: Surendra -ની ભૂમિકા મૂળ પ્રેરણાસ્ત્રોતની રહી છે.

Saturday, September 5, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૫)

'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા' લેતાં રહેવાની અવધિને ભાઈશ્રી બીરેન કોઠારીએ ખાસ્સી જહેમત લઇને લંબાવી આપતી વખતે આપણને ૧૯૬૦ પહેલાંના ગીતોની પહેચાન ૧૯ મે, ૨૦૧૫ના રોજ કરાવી. આજે હવે ૧૯૭૦ના દસકામાં નજર કરીએ.............

૪૯.કહતા હૈ જોકર સારા જમાના(મેરા નામ જોકર-૧૯૭૦ | સંગીતકાર - શંકર જયકિશન | ગાયક – મુકેશ
રાજ ક્પુરનો 'શાશ્વત' જોકર, શેરીએ શેરીએ, બયોસ્કૉપમાં આરકેની જૂની ફિલ્મોના સદાબહાર ટુકડા બાયોસ્કૉપ પર બતાવે અને જીવનની ફિલોસોફીને ગાઇ બજાવીને વહેંચે...
 ૫૦.(ક) પૈસા ફેંકો તમાશા દેખો(દુશ્મન - ૧૯૭૧ | સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગાયક લતા મંગેશકર)
આજના મલ્ટીપ્લેક્ષ થીયેટરના કન્સેપ્ટને ટક્કર મારે એવો મોબાઇલ થીયેટરનો આ પ્રયોગ છે!


 
૫૦.(ખ) –દેખો દેખો દેખો, બાઈસ્કોપ દેખો (દુશ્મન–૧૯૭૧ | સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ| ગાયક લતા મંગેશકર)
ચાલતાંફરતાં થિયેટરથી માત્ર લોકોનું મનોરંજન કે પોતાનો ગુજારો જ નહીં પણ જેને સંભળાવવું છે તેને સંદેશો પણ પહોંચાડવાની કળા પણ અહીં જોવા મળે છે. આમ એક જ માધ્યમનો એકથી વધારે ઉપયોગ પણ કરવાની આવડત પણ સફળ રીતે કામે લગાડાવની કોઠાસૂઝની પણ દાદ તો દેવી જ રહી !


૫૧.દુનિયામેં રહના હો તો કામ કર પ્યારે (હાથી મેરે સાથી- ૧૯૭૧| સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગાયક: કિશોર કુમાર
આ ગીતમાં કશું વેચવાનું નથી, પણ હુન્નરના કરતબ બતાવીને નાણાં કમાય છે. તે સાથે 'ઉપયોગી' ન બની રહીએ – There is no free lunch -, તો દુનિયામાં ટકવું મુશ્કેલ બની રહેશે તેવો સણસણતો સંદેશ પણ કહી જાય છે.
 
૫૨.જીવન ચલને કા નામ(શોર-૧૯૭૨ | સંગીતકાર - લક્ષ્મીકાંત પ્યારેલાલ ગાયક - મહેન્દ્ર કપુર, મન્ના ડે, શ્યામા ચિત્તર)
સાયકલ ચલાવવાનો વિક્રમ સ્થાપી અને પોતાનાં પરિવારજન માટે નાણાં એકઠાં કરવાનો સામૂહિક પ્રયાસ
 
૫૩.લે લોચંપા, ચમેલી, ગુલાબ લઈ લો (સોને કે હાથ – ૧૯૭૩| સંગીતકાર : રવિ | ગાયક : આશા ભોસલે)
માત્ર ફુલો જ નહીં આ માલણ તો ખુશી અને આશાની પણ વહેંચણી કરે છે…
 
૫૪.ઉપરવાલે તેરી દુનિયામેં, કભી જેબ કિસી કી ના ખાલી મિલે (હાથ કી સફાઈ -૧૯૭૪ | સંગીતકાર : કલ્યાણજી આણંદજી)
આ કોચિંગ ક્લાસમાં ગ્રાહકોનાં ખીસ્સાં સદા ગરમ રહે તેવી (ખિસ્સાકાતરુઓની)પ્રાર્થના કરાતી રહે છે !


 
૫૫.ક્યા હુઆ યારોં ગરીબીકે હમ પાલે હૈ (બંડલબાઝ – ૧૯૭૬ | સંગીતકાર : આર ડી બર્મન | ગાયક : કિશોર કુમાર અને આશા ભોસલે)
'બંડલબાઝ'તો ભરી મહેફિલમાં પણ ખાલી ડબ્બાની લેવેચ કરી લે


 
૫૬.રાખી લે લો જી લે લો (હત્યારા-૧૯૭૭ | સંગીતકાર : કલ્યાણજી આણંદજી)
આ ગીત આખું નહીં, સાવ નાનું છે, પણ ખેલ કંઇક બહુ પક્કો જણાય છે


અને બોનસમાં :
 
૫૭.મારો મામો મેહોણાનો ને હું છું અમદાવાદી (સંતુ રંગીલી -૧૯૭૬|સંગીતકાર :અવિનાશવ્યાસ |ગાયક : આશાભોસલે
મેહાણાના મામાની આ અમદાવાદી 'માય ફેર લેડી' ભાણી ગજરા વેચવા નીકળી છે.


 
૫૮.હું અમદાવાદનો રીક્ષાવાળો (મા બાપ – ૧૯૭૭ | સંગીતકાર : અવિનાશ વ્યાસ| ગાયક : કિશોર કુમાર)
અમદાવાદની સફરની માણવા માટે રીક્ષા પણ વપરાય...


'૭૦ના દાયકા સુધીની સ્વરોજગારને ફિલ્મનાં ગીતોમાં ઢાળતાં રહેવાની, અને તે રીતે સ્વરોજગારકારને પણ સમાજમાં મુઠ્ઠી ઉંચેરૂં સ્થાન બક્ષવાની એક આગવી રીત પછીના સમયની ફિલ્મોમાં આગળ ચાલતી રહી છે કે તે તો જોયું નથી, કારણકે આપણે 'ફિલ્મ સંગીતની સફર' ૧૯૬૦ /૭૦ના દાયકા સુધી જ કરવી તેમ નક્કી કર્યું હતું.પણ જો એ સફર ચાલુ રહી હોય, તો બદલતા જતા સમયની સાથે સ્વરોજગારના પ્રકાર અને તેની રજૂઆતમાં કોઇ ફેરફાર આવ્યા કે નહીં તે જાણવું રસપ્રદ તો બની રહે..........
'૮૦ પછીના દાયકાનાં આ પ્રકારનાં ગીતોની જાણ કરવાનું આ સાથે ઈજન પાઠવીએ છીએ, જો એક લેખ જેટલાં ગીતો મળશે, તો આ લેખમાળાના હપ્તા વધારીશું....

[આ પૉસ્ટમાટે This Singing Businessને  ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ વેગુ 'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.

Saturday, August 29, 2015

અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્ર(નાથ) - સોલો ગીતો – ઉત્તરાર્ધ

anildaSurendra(nath) -2 
અનિલ બિશ્વાસે સ્વરબધ્ધ કરેલ, સુરેન્દ્ર(નાથ)નાં ૧૯૩૦ના દાયકામાં ગવાયેલાં સોલો ગીતો આપણે ૧૪-૭-૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલા પૂર્વાર્ધમાં સાંભળી ચૂક્યાં છીએ.

આમાંનાં ઘણાં ગીતો મેં પહેલી જ વાર સાંભળ્યાં હતાં. ઇન્ટરનેટ પર ખૂણે ખાંચરેથી અમૂલ્ય માહિતી અપલોડ કરનાર એ સંગીતપ્રેમીઓની ધગશ,મહેનત અને જોશને પ્રતાપે આપણે ફિલ્મ સંગીતમાં અન્યથા કાળની ગર્તામાં દટાઇ ગયેલ આ રત્નોથી કદાચ કદાપિ પરિચિત ન પણ થયાં હોત.

'ગરીબ' અને 'જવાની' ‘નેશનલ સ્ટુડિયોઝ’ની ફિલ્મો હતી જ્યારે 'મંઝધાર' સોહરાબ મોદીનાં 'મીનરવા મુવીટોન'ની ફિલ્મ છે.

આજના આ હપ્તામાં આપણે ૧૯૪૦ના દાયકામાં અનિલ બિશ્વાસે સંગીતબધ્ધ કરેલાં સુરેન્દ્રના સ્વરમાં ગવાયેલાં સૉલો ગીતોને સાંભળીશું.

મોહબ્બતકી દુનિયા હૈ સબ સે નિરાલી - ગરીબ (૧૯૪૨) - ગીતકાર - ડૉ. સફદર 'આહ' સીતાપુરી

ફિલ્મ સંગીતના ઇતિહાસકારોનું કહેવું છે કે સુરેન્દ્રની ગાયક તરીકેની આગવી શૈલીનો પરિચય આપણને આ ફિલ્મથી થવા લાગે છે.

આ ગીતમાં હાર્મોનિયમનો સ્વરસજ્જામાં કરાયેલો પ્રયોગ ખરેખર અદૂભૂત છે.


મુઝકો જીનેકા બહાના મિલ ગયા - ગરીબ (૧૯૪૨) - ગીતકાર - ડૉ. સફદર 'આહ' સીતાપુરી

ગ઼ઝલ ગાયકીની શૈલીનો પ્રયોગ

તેરી યાદમેં વો મઝા પા રહા હૂં - ગરીબ (૧૯૪૨) - ડૉ. સફદર 'આહ' સીતાપુરી

અહીં એકદમ નીચા સૂરમાં ગાવાનો પ્રયોગ કરાયો છે.

એક સિતારકે દો તાર - ગરીબ (૧૯૪૨) - ગીતકાર - પંડિત ઈન્દ્ર ચંદ્ર

ગીતના શબ્દોમાંના એક ગરીબ એક સરકાર એવા 'એક સિતારકે દો તાર'ના પ્રયોગને ચરિતાર્થ કરતો સિતારનો પ્રયોગ ગીતને અનોખો સ્પર્શ આપી જાય છે.

હસીનોં કર લો સલામ - ગરીબ (૧૯૪૨) - ગીતકાર - પંડિત ઈન્દ્ર ચંદ્ર

ગીતના મુખડાને અનોખી સ્ટાઈલથી સંગીતના પ્રીલ્યુડમાં સમાવી લેવાય છે.

બાદલ છાયે હમ સે ક્યા - ગરીબ (૧૯૪૨) - ગીતકાર - ડૉ. સફદર 'આહ' સીતાપુરી

તેરા જગ દેખ લિયા - ગરીબ (૧૯૪૨) - ગીતકાર - ડૉ. સફદર 'આહ' સીતાપુરી

આ ગીતનું સ્વર નિયોજન અશોક ઘોષે કર્યું હોઇ શકે છે.

કભી જલવે દિખાયે જાતે હૈં - ગરીબ (૧૯૪૨) - ગીતકાર - ડૉ. સફદર 'આહ' સીતાપુરી

soundcloud url="https://api.soundcloud.com/tracks/200573742" params="auto_play=false&hide_related=false&show_comments=true&show_user=true&show_reposts=false&visual=true" width="100%" height="450" iframe="true" /

નઝારે હુએ હૈં ઈશારે હુએ હૈં - જવાની (૧૯૪૨) - ગીતકાર - વઝાહત મિર્ઝા

અંતરાની વાદ્યસજ્જામાં હાર્મોનિયમનો રમતિયાળ પ્રયોગ કવ્વાલીના ઢાળમાં સ્વરબદ્ધ ગીતને ઝણઝણાવી મૂકે છે.

ધ્યાન ઉસકા લગાએ બૈઠેં હૈ - જવાની (૧૯૪૨) - ગીતકાર વઝાહત મિર્ઝા

soundcloud url="https://api.soundcloud.com/tracks/200574361" params="auto_play=false&hide_related=false&show_comments=true&show_user=true&show_reposts=false&visual=true" width="100%" height="450" iframe="true" /

રૂઠે હુએ કો હૈ મનાના, દેખ દેતા હૈ કહતા હૈ કાંટા - જવાની (૧૯૪૨) - ગીતકાર - હઝરત આરઝૂ


મેરા ચાંદ આ ગયા મેરે દ્વારે -મંઝધાર (૧૯૪૭) - ગીતકાર - શમ્સ લખનવી

અનિલ બિશ્વાસ - સુરેન્દ્રની જોડીનું આ કદાચ અંતિમ ગીત કહી શકાય.
પણ બૂઝતો દીવો વધારે પ્રકાશે એ ન્યાયે આ ગીતનું જોડીદાર ગીત ખુર્શીદ અને સુરેન્દ્રના યુગલ સ્વરમાં સંગીતબધ્ધ થયું છે. મુખડો અને પહેલો અંતરો સાંભળીએ ત્યાં સુધી તો આ ગીત ખુર્શીદનું સોલો ગીત જ લાગે. ગીતનાં બંને સ્વરૂપમાં જે સુક્ષ્મ તફાવતો કરાયા છે તે ધ્યાન દઇને સાંભળવા જેવા છે. તો વળી યુગલ ગીતમાં ખુર્શીદનો અને સુરેન્દ્રનો ભાગ સાવ જ અલગ સ્વરૂપે ગવાયો છે.

નોંધવા લાયક એક આડવાત એ છે કે આ ફિલ્મના આ બે સિવાયનાં બીજાં ૪ ગીતો ગુલામ હૈદર અને હજૂ બીજાં ૪ ગીતો જ્ઞાન દત્તે સ્વરોમાં ગૂથ્યાં છે.

લેખ માટે Songs of Yoreના Anil Biswas’s songs for Bombay Saigal: Surendra લેખનો બહુધા આધાર લીધો છે. ઘણાં ગીતો ખોળી આપવામાંબીરેન કોઠારી નાં યોગદાનનો ફાળો પણ મહત્ત્વનો રહ્યો છે. એ ઉપરાંત ઘણી પૂરક માહિતી માટે તેમના દ્વારા લિખીત ‘સાગર મુવીટોન’ નો આધાર લીધો છે. આ તબક્કે એ બંનેનો સપ્રેમ આભાર માનવાની તક ફરી એક વાર ઝડપી જ લઉં છું.
અનિલ બિશ્વાસનાં સંગીતનિદર્શનમાં સુરેન્દ્રનાથે ગાયેલાં યુગલ ગીતોને આપણે હવે પછી માણીશું.

Saturday, August 15, 2015

સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા

'સારે જહાં સે અચ્છા હિન્દોસ્રિતાં હમારા' જે આજે ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા' તરીકે કદાચ વધારે પ્રચલિત છે તે ગ઼ઝલ મુહમ્મદ ઈકબાલે ૧૬ ઓગસ્ટ, ૧૯૦૪માં પ્રકાશિત કરી હતી. જોત જોતામાં તો તે તે સમયની બ્રિટિશ સરકાર સામેની લડતનું મુખ્ય ગીત બની રહી.૧૯૨૪માં પ્રકાશિત થયેલ તેમનાં પદ્ય સંગ્રહ, 'બાંગ-ઈ-દારા' (કૂચનાં ઘંટનાદની પુકાર)માં આ રચના 'તરાના-એ-હિંદ'નાં શીર્ષક હેઠળ આવરી લેવાઈ.
सारे जहाँ से अच्छा हिन्दोसिताँ हमारा
हम बुलबुलें हैं इसकी यह गुलसिताँ हमारा

ग़ुर्बत में हों अगर हम, रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा

परबत वह सबसे ऊँचा, हम्साया आसमाँ का
वह संतरी हमारा, वह पासबाँ हमारा

गोदी में खेलती हैं इसकी हज़ारों नदियाँ
गुल्शन है जिनके दम से रश्क-ए-जनाँ हमारा

ऐ आब-ए-रूद-ए-गंगा! वह दिन हैं याद तुझको?
उतरा तिरे किनारे जब कारवाँ हमारा

मज़्हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम, वतन है हिन्दोसिताँ हमारा

यूनान-ओ-मिस्र-ओ-रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा

कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा

इक़्बाल! कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा!
આ ગીત ઉર્દુ ગઝલ સ્વરૂપે લખ્યું ત્યારે ઇકબાલની ઉમર 27 વરસની હતી. એક અખંડ હિન્દુસ્તાનની અને હિન્દુ મુસ્લીમ ભાઈચારા અને પ્રેમ અને શાંતિથી ભેગી રહેતી એક સંસ્કારી સહઅસ્તિત્વ ધરાવતા દેશની ભાવના હતી

આ ઐતિહાસિક રજૂઆત પછીના સમયમાં શ્રી મહમદ ઇકબાલ ત્રણ વરસ માટે યુરોપ જાય છે. અહીનાં રહેઠાણ દરમ્યાન તેમની ઇસ્લામ ધર્મ માટેની ધાર્મિક ભાવના વધુ સતેજ થાય છે, પોતાને ઇસ્લામના ફિલસૂફ અને અનુયાયી માનતા થાય છે

સને ૧૯૧૦માં આ જ રચનાને હવે તરાના -એ-મિલ્લી (સાંપ્રદાયક સમૂહનું સ્તુતિ ગીત)નાં સ્વરૂપે, છઠ્ઠી કડી
મઝહબ નહિ સીખતા આપસમેં બૈર રખના,
હિન્દી હૈ હમ વતન હિન્દોસ્તાં હમારા
         ને રદબાતલ કરી ઈક્બાલ હિન્દુસ્તાનને ભવિષ્યમાં એક મુસ્લિમ રાષ્ટ્ર તરીખે કલ્પે છે અને લખે છે
સીનો અરબ હમારા, હિન્દોસ્તાં હમારા,
મુસ્લિમ હૈ હમ, વતન હૈ સારા જહાં હમારા,

એકવાર બૃહદ હિન્દની કલ્પના કરનાર મહમદ ઇકબાલના વિચારો બદલાય છે. સમગ્ર ભારતને પોતાનું વતન માનવાને સ્થાને ૧૯૩૦માં અલ્લાહાબાદની મુસ્લિમ લીગની સભામાં મુસ્લિમો માટે એક અલગ રાજ્યની કલ્પના કરેછે.

++++++++++++

આપણે આજે તેને જે ગેય સ્વરૂપમાં યાદ કરીએ છીએ તે ધુનમાં તેને સ્વરબધ્ધ કરવાનું શ્રેય પંડિત રવિશંકરને નામે છે. ૧૯૫૦ના અરસામાં જ્યારે તેઓ ઈન્ડિયન પીપલ્સ થીયેટર એસાઓશીયએશન (ઈપ્ટા) સાથે સંકળાયેલા હતા ત્યારે તેમણે આ ધુન બનાવી હોવાનું નોંધાયેલ છે.

(નોંધઃ આ રચનાનું કોઈ પ્રમાણભૂત વર્ઝન મળ્યું નથી. અહીં નીચે રજૂ કરેલ વર્ઝન આ આખી રચનાને સમાવી લે છે તે દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે.)


દેશપ્રેમથી ઉભરાતી, આટલી લોકપ્રિય રચના હોય, એટલે તેનો હિંદી ફિલ્મોમાં ઉપયોગ થવો એ અપેક્ષિત બાબત છે.

સહુથી પહેલો ઉલ્લેખ ૧૯૫૦માં રજૂ થયેલી ફિલ્મ "હિંદોસ્તાં હમારા'માં જોવા મળે છે. ગીતના ગાયક ગુલ રાજ હતા અને સંગીત વસંત દેસાઈએ આપ્યું હતું. આ ગીતની પણ કોઈ ક્લિપ ઇન્ટરનેટ પરથી મળી શકી નથી.

ફિલ્મ 'ભાઈ-બહેન (૧૯૫૯)'માં સંગીતકાર એન. દત્તા આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં કરેલી રચનામાં તેમણે મૂળ ધુન સાથે બહુ જ કળાત્મક ફેરફારો કર્યા. ગીતના શબ્દોમાં રાજા મહેંદી અલી ખાં સાહેબે કરેલા ફેરફારો ગીતને વધારે પ્રસ્તુત બનાવી રહે છે.

ફિલ્મ 'ધર્મપુત્ર' (૧૯૬૧)માં સંગીતકાર એન. દત્તાએ આ ગીતને ફરી એક વાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરોમાં નવાં સ્વરૂપે રજૂ કર્યું. આ વર્ઝનમાં કેટલાક શેર લેવાયા નથી, પણ જે લેવાયા છે મૂળ સ્વરૂપે જ લેવાયા છે.


૧૯૬૪માં રજૂ થયેલ 'હમારા ઘર'માં સંગીતકાર જગ ફૂલ કૌશિકે વિજયા મઝમુદારના સ્વરમાં આ ગીતનાં એક સ-રસ વર્ઝન રજૂ કર્યું.


૧૯૭૪ની 'યે ગુલિસ્તાં હમારા’માં એસ ડી બર્મને આ ધુનને કૂચની લયમાં સંગીતબધ્ધ કરી અને ગીતને ફિલ્મનાં ટાઈટલ્સ માટે ઉપયોગમાં લેવાયું. બેકગ્રાઉન્ડમાં ૧૯૭૦ના દાયકામાં થતી ગણતંત્ર દિવસની પરેડનાં દૃશ્યો ઝીલી લેવામાં આવેલ છે.

આ જ ફિલ્મનાં બીજાં એક દૃશ્યમાં પણ આ ગીતનો ઉપયોગ કરાયો છે.


ફિલ્મ 'આજકી આવાઝ' (૧૯૮૪)નાં આ ગીતના મુખડામાં આ ગીતના પહેલા શેરનો વિલંબિત લયમાં ઉપયોગ કર્યો છે. ગાયક મહેન્દ્ર કપુર છે.


હવે સાંભળીએ ફિલ્મો સિવાયની આ ગીતની કેટલીક અન્ય ધુન :


'રૉક ઑન હિન્દુસ્તાન' આલ્બમ માટે મધુશ્રી 




લિટલ એન્જ્લ્સ ઑફ કોરિયા' નામક ફૉલ્ક બેલૅ ટ્રૂપ 


કર્ણાટકના પ્રખ્યાત વૃંદાવન ગાર્ડ્ન્સમાં સંગીતમય ફુવારાના રંગારંગ કાર્યક્રમને ભરી દેતું ગીત

ફ્રિન્જ ફેસ્ટિવલ, એડિનબરૉ ૨૦૦૮માં રજૂ થયેલી ધૂન 

ઈન્ડિયા ગેટ પર આર્મી બેન્ડની ધૂન. 

ગણતંત્ર દિવસની ઉજવણીની અંતિમ વિધિ - બીટીંગ ધ રિટ્રીટ - (૨૦૧૩)માં 


સાભાર નોંધઃ

'આજકી આવાઝ'ની ઑડીયો ક્લિપ શિકાગો (અમેરિકા)થી શ્રી સુમન્તભાઈ (દાદુ)એ મોકલી છે, પરંતુ આ બ્લૉગ પ્લેટફોર્મની મર્યાદાને કારણે એ ક્લિપને બદલે યુટ્યુબ પરની ક્લિપ વાપરવી પડી છે.. લેખની સ્ક્રિપ્ટમાં શ્રી નીતિનભાઈ વ્યાસે પણ મહત્ત્વની પૂરક માહિતી પૂરી પાડી છે.

Tuesday, July 14, 2015

અનિલ બિશ્વાસ અને 'મુંબઈના સાયગલ' સુરેન્દ્ર(નાથ) - સોલો ગીતો - પૂર્વાર્ધ


Anil_BiswasSurendra(nath)

અનિલ બિશ્વાસે પારૂલ ઘોષ, સુરૈયા, તલત મહમૂદ, મુકેશ જેવાં ગાયકો માટે રચેલાં ગીતોને આપણે યાદ કરી ચૂક્યાં છીએ. સંખ્યાની દૃષ્ટિએ આ બધાં ગાયકોની સાથે તેમનાં ગીતોની સંખ્યા બહુ મોટી નહોતી એ આ ગીતોની વચ્ચેનું એક આગવું સામ્ય ગણવું હોય તો ગણી શકાય! લતા મંગેશકર સાથેનાં તેમનાં ગીતોની સંખ્યા આ બધાંની સરખામણીમાં ગણી વધારે રહી. પણ આ બધી બાબતો કરતાં સર્વતોમુખી જે બાબત રહી છે તે આ બધાં ગીતોની અપ્રતિમ ગુણવત્તા. મોટા ભાગનાં ગીતો એ તેમના સમયમાં નવી કેડી પાડવાનું કામ પણ કર્યું.

સંખ્યાની દષ્ટિએ પુરુષ ગાયકોમાં અનિલ બિશ્વાસે સ્વરબધ્ધ કરેલાં ગીતોમાં સહુથી વધારે આંકડો અનિલ બિશ્વાસના પોતાના જ સ્વરમાં ગવાયેલ ગીતોનો કહી શકાય. પણ તે પછી બહુ જ નજદીકના ક્રમે તેમણે રચેલાં સુરેન્દ્ર(નાથ)નાં સ્વરમાં ગવાયેલાં ગીતોનો રહ્યો છે.

સુરેન્દ્રનાથ શર્મા BA, LL.B. થયેલા હતા, એટલે વકીલાતની કારકીર્દી તરફ કદમ ઉઠાવવા આગળ વધી રહ્યા હતા, તો બીજી બાજુ લાહોરમાં નાની મોટી અંગત મહેફિલોમાં ગાયક તરીકે તેમનું નામ ગજું કાઢવાપણ લાગ્યું હતું. આવી જ એક મહેફિલમાં લાલા અલોપીપ્રસાદ હાજર હતા અને સુરેન્‍દ્રની ગાયકી ઉપરાંત તેમના વ્યક્તિત્ત્વથી તે ખાસા પ્રભાવિત થયા. લાલા અલોપીપ્રસાદ ફિલ્મ વિતરક હતા. મુંબઇને તે સમયે કુંદનલાલ સાયગલની કલકત્તામાં બનતી ફિલ્મોની સામે કાંટેકી ટક્કર લઈ શકે તેવા દેખાવડા, ગાયક-હીરોની બેપનાહ તલાશ હતી. અનેક નિર્માતાઓએ પોતાના વિતરકોને એવા ગાયક-અભિનેતાની તલાશ કરતા રહેવાની સૂચના આપી હતી. લાલા અલોપીપ્રસાદને લાગ્યું કે આ જુવાનિયાને પોતાની સાથે મુંબઈ લઈ જવા જેવો છે. સુરેન્‍દ્રને લઈને લાલાજી મુંબઈ આવ્યા. મુંબઈ આવ્યા પછી અનેક સ્ટુડિયોની મુલાકાત લીધા પછી સુરેન્‍દ્રને ‘સાગર સ્ટુડિયો’નું વાતાવરણ પસંદ આવ્યું. ‘સાગર સ્ટુડિયો’ના માલિક ચીમનલાલ દેસાઈ શિક્ષિત વ્યક્તિઓને તક આપવાની તરફેણમાં હતા. આમ, સુરેન્‍દ્ર ‘સાગર’ સાથે કરારબદ્ધ થયા અને તેમને ‘મુંબઈના સાયગલ’ તરીકે રજૂ કરાયા. તેમની પહેલી ફિલ્મ હતી ‘ડેક્કન ક્વીન’. ૧૯૩૬માં રજૂઆત પામેલી આ ફિલ્મમાં

પ્રાણસુખ નાયકનાં સ્વરનિયોજનમાં સુરેન્દ્રએ સાયગલનાં બાલમ આયે બસો મેરે મનમેંની તર્જની સીધી નકલ જેવું ગીત બિરહાકી આગ લગી મોરે મનમેં ગાયું. આ ફિલ્મમાં તેમની નાયિકા અરુણાદેવી હતાં. એ જ વર્ષમાં એ સમયનાં બહુ જ જાણીતાં ગાયિકા - હીરોઈન બીબ્બો (મૂળ નામ - ઈશરત સુલ્તાના)સાથે દેવદાસ જેવાં જ પ્રેમભગ્ન પાત્રવાળી ‘સાગર’ની બીજી ફિલ્મ 'મનમોહન'માં તેમને કામ મળ્યું. ફિલ્મમાં સંગીત આમ તો અશોક ઘોષનું હતું એમ રેકર્ડ્સ બોલે છે, પણ મદદનીશ તરીકે અનિલ બિશ્વાસનો આ બંનેનાં યુગલ ગીત - તુમ્હીંને મુઝકો પ્રેમ સિખાયા-નાં સ્વરનિયોજનમાં સિંહફાળો હતો એમ જાણકારોનું કહેવું છે. અનિલ બિશ્વાસની કારકીર્દીના ચડતા સૂરજની સાથે સાથે સુરેન્દ્રની કારકીર્દી પણ પોતાનાં અજવાળાં પ્રસરાવવા લાગી..

નવી પેઢીના સંગીતકાર, સંગીતના પ્રચંડ જાણકાર અને અનિલ બિશ્વાસ સાથે અત્યંત નિકટતા ધરાવનાર તુષાર ભાટિયા સાથેની અનિલ બિશ્વાસની દીર્ઘ વાતચીત ‘ઑલ ઈન્‍ડીયા રેડીયો’ પરથી પ્રસારિત થઈ હતી. આ વાતચીતમાં અનિલદાએ નિખાલસતાપૂર્વક જણાવેલું; ‘સાગર મુવીટોનનો સમયગાળો મારી કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સમયગાળો હતો, કેમ કે અહીં મને તમામ પ્રયોગો કરવાની છૂટ હતી. અહીં જે પડકારજનક કામ કરવાનો અનુભવ મળ્યો તે મને આગળ ઘણો કામ લાગ્યો. સબીતા દેવી જેવી યહૂદી યુવતીનાં બિનહિન્‍દી ઉચ્ચારણોને સુધારવાનો હું પ્રયત્ન કરતો. સુરેન્‍દ્ર ગાયક તરીકે સુંદર હતા, પણ સૂરની બારીકીઓ તેમને સમજાવવી પડતી. આ બધાનો મને એવો મહાવરો થઈ ગયો કે મુકેશ, તલત મહેમૂદ જેવા તાલિમબદ્ધ ગાયકોના સૂરને ઢાળવું તદ્દન આસાન થઈ ગયું.’

જો કે તેઓ સાયગલની આ છાયામાં બહુ લાંબો સમય ન રહ્યા. તેમણે તેમની પોતાની આગવી શૈલીના જોરે એક્ટીંગ અને ગાયકી એમ બંને ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન બનાવી લીધું. સાગર મુવિટોનના બૅનર હેઠળ મહેબુબ ખાન, અનિલ બિશ્વાસ અને સુરેન્દ્રની નિર્દેશક, સંગીતકાર અને ગાયક-હીરોની ત્રિપુટી અત્યંત લોકપ્રિય થઈ હતી. મહેબુબ ખાને જ્યારે પોતાના બૅનરમાં અનમોલ ઘડી (૧૯૪૬), એલાન (૧૯૪૭) અને અનોખી અદા (૧૯૪૮) જેવી ફિલ્મો બનાવી ત્યારે પણ સુરેન્દ્રનું સ્થાન અને માન બની રહ્યું, જો કે તે સમયે સંગીતકાર તરીકેનું સ્થાન મહેબુબ ખાનના મિત્ર નૌશાદે લઇ લીધું હતું. મહેબુબ અને અનિલ બિશ્વાસના સંબંધવિચ્છેદની અલગ કહાણી છે, જે ફરી ક્યારેક.

ફિલ્મોમાં અદાકારો જ ગીતો ગાતાં, પણ ધીમે ધીમે પાર્શ્વગાયનની પ્રથાનો આરંભ થઈ રહ્યો હતો અને તેને પગલે નવાબહુ જ આશાસ્પદ કેળવાયેલા પાર્શ્વગાયકો પણ ઉભરવાનું શરૂ થઇ ગયું હતું. એટલે અદાકારી અને ગીતોનું ગાયન એ બંને અલગ વિશિષ્ટ કળા તરીકે વિકસવાના પ્રવાહને વેગ મળ્યો.

સુરેન્દ્રને હવે ફિલ્મોમાં હીરો તરીકેની ભૂમિકાઓને બદલે ચરિત્ર અભિનેતા તરીકેની ભૂમિકાઓ વધારે મળવા લાગી હતી. ૧૯૫૪ની ગવૈયા (સંગીતકાર - રામ ગાંગુલી)નાં તેરી યાદકા દીપક જલતા હૈ અને હમારી આંખોસે દિલકે ટુકડે સાથે તેમની અદાકાર- ગાયક તરીકેની કારકીર્દીનો અધ્યાય પૂર્ણ થયો..પડદા પરની તેમની સફર ચરિત્ર અભિનેતા તરીકે ચાલુ રહી. ચરિત્ર અભિનેતા તરીકે તેમની છેલ્લી ફિલ્મ ૧૯૮૧ની ખુદા કસમ હતી.

તેમણે અનિલ બિશ્વાસનાં સંગીતમાં ૪૬ જેટલાં ગીતો ગાયાં છે, જેમાં તેમનાં સૉલો તેમજ યુગલ + ગીતોની સંખ્યા લગભગ સરખી કહી શકાય.

આજે આપણે હિંદી ફિલ્મ સંગીતના ૧૯૩૦ના દાયકાની ફિલ્મોમાં રેકોર્ડ થયેલાં, ગાયક સુરેન્દ્ર(નાથ)નાં અનિલ બિશ્વાસે સ્વરબધ્ધ કરેલ, સૉલો ગીતો માણીશું.અગર દેની થી હમકો - જાગીરદાર (૧૯૩૭) - ગીતકાર - ઝીયા સરહદી
સ્વતંત્ર સંગીતકાર તરીકે અનિલ બિશ્વાસની પહેલી સફળ ફિલ્મ, ‘સાગર મુવીટોન’ની, ‘જાગીરદાર’(૧૯૩૭) હતી એમ કહી શકાય. આ ફિલ્મમાં સુરેન્‍દ્રની સાથે મોતીલાલ પણ હતા.
મુખડા અને અંતરામાંની સ્વરબાંધણીમાં થતા ફેરફારો ગીતને અનોખી આભા બક્ષે છે.
  
જીનકે મનમેં રહતે થે તારે - જાગીરદાર (૧૯૩૭)- ગીતકાર - ઝીયા સરહદી
અનિલ બિશ્વાસની ગીતોની સ્વરબાંધણી અને સાજ સજાવટમાંની પ્રયોગાત્મકતા એમનાં શરૂઆતનાં ગીતોથી જ જોવા મળે છે, જેના માટે ગાયકે પણ કમર કસવી પડતી જ હશે.

ક્યું રોવત હૈ નીત મુરખ, મન ક્યા ચીઝ હૈ - મહા ગીત (૧૯૩૭) - ઝીયા સરહદી
કલકત્તામાં ૧૯૩૫માં બનેલ 'ધૂપ છાંવ'થી શરૂ થયેલ પ્લેબેક પધ્ધતિની શરૂઆત મુબઇમાં 'મહાગીત'થી થઇ હોવાનું મનાય છે. શાસ્ત્રીય રાગ પર આધારીત આ ગીત વાતાવરણમાં ગમગીની ફેલાવી દે છે.

બીજલી સી બીજલી સી ચમકે, હો મેરી ચંદ્રમુખી - ડાયનેમાઈટ (૧૯૩૮) - પંડિત ઇન્દ્ર ચંદ્ર
મુખડામાં બીજલી શબ્દની સાથે સંગીતમાં પણ વીજળી થતી હોય તેવો આભાસ કરવાનો પ્રયાસ સંગીતકારની પ્રયોગલક્ષીતાની નિષ્ઠાની દ્યોતક છે.

મુઝકો મેરી ખબર સુના જાતે - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - ઝીયા સરહદી
આ ફિલ્મમાં સુરેન્દ્રનાં પાંચ સોલો ગીતો છે.
ઓરકેસ્ટ્રેશનની દૃષ્ટિએ સરળ પણ ધુનની દૃષ્ટિએ ખાસ્સું અઘરું છે આ ગીત.

કાહે અકેલા ડોલત બાદલ, મોહે ભી સંગ લે જા - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - ઝીયા સરહદી
દ્રુત લયમાં પ્રીલ્યુડ પછી ગીત મધ્ય લયમાં આગળ વધે છે.
આ ગીતની સાવેસાવ લગોલગ જ એક છોટા સા મંદિર બનાયેંગે પણ રેકોર્ડ કરવાનો અનોખો પ્રયોગ પણ અનિલ બિશ્વાસે અહીં કરેલ છે.

એક છોટા સા મંદિર બનાયેંગે, અપની દેવીકો ઉસમેં બીઠાયેંગે - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - ઝીયા સરહદી
પ્રેમીકાની યાદનું મંદિર બનાવવાની કલ્પનામાં રાચતા પ્રેમીની ભાવનાને વાચા આપતી ધુનમાં રચાયેલાં ગીતને સુરેન્દ્ર પણ પૂરતો ન્યાય આપી શક્યા છે.

વો દિલ કે જિસ કો ખુદ પર ન ઐતબાર આયે - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - ઝીયા સરહદી
સ્વર અને સુરની બાંધણીમાં મુખડામાં અને અંતરામાં જૂદાં જૂદાં સ્વરૂપોને એક ગીતમાં સાંકળી લેવામાં આવેલ છે.

જગમેં રામ નામ હી સહારા - ગ્રામોફોન સિંગર (૧૯૩૮) - ગીતકાર - બાલકૃષ્ણ બોહરા
ભજનના ઢાળમાં ગવાયેલ ગીતમાં સુરના ચડાવ ઉતારની ગુંથણી રસપ્રદ બની રહે છે.


હમેં હુઆ હૈ દેશ નિકાલા - કૉમરૅડ્સ (ઉર્ફ- જીવનસાથી) (૧૯૩૯) - ગીતકાર - ઝીયા સરહદી
સાજ સજ્જામાં અવનવાં વાદ્યોના ઉપયોગની મદદથી ગીતના પ્રીલ્યુડને સજાવાયેલ છે.

ચલો સુન તો લી તુમને મેરી કહાની - ડૉ. સફદર 'આહ' સીતાપૂરીએ લખેલ ગૈરફિલ્મી ગીત



આટલાં ગીત માટેની ઇન્ટરનેટ કડી મળી નથી. આ લેખના જે કોઇ વાચક પાસે જો તે પ્રાપ્ય હોય તો અમને જણાવવા વિનંતિ છે. આ લેખના ઉત્તરાર્ધ આપણે એવાં ગીતોને હૃદયપૂર્વકના આભાર સાથે રજૂ કરીશું.


સુખ કી મૂરત બીત ગયી, દુઃખ ભયા જીવન સાથી - મહા ગીત (૧૯૩૭) - ઝીયા સરહદી

સોઝ-એ-ફુરકત હૈ યહી, દરદ-એ-ઉલ્ફત હૈ યહી, ક્યા મોહબ્બત હૈ યહી - અલી બાબા (૧૯૪૦) - ડૉ. આહ સીતાપુરી - 'અલીબાબા’ હિન્‍દી અને પંજાબી બન્ને ભાષામાં બનેલી ફિલ્મ છે.

આ ઉપરાંત ડૉ. સફદર 'આહ' સીતાપૂરીએ લખેલ આ ગૈરફિલ્મી ગીતોની પણ ઇન્ટરનૅટ કડીઓ મળી નથી શકીઃ
તુહમાતે ચાંદ અપને

યે ભેજા હૈ હમને
લેખ માટે Songs of Yoreના Anil Biswas’s songs for Bombay Saigal: Surendra લેખનો બહુધા આધાર લીધો છે. ઘણાં ગીતો ખોળી આપવામાંબીરેન કોઠારી નાં યોગદાનનો ફાળો પણ મહત્ત્વનો રહ્યો છે. એ ઉપરાંત ઘણી પૂરક માહિતી માટે તેમના દ્વારા લિખીત ‘સાગર મુવીટોન’ નો આધાર લીધો છે. આ તબક્કે એ બંનેનો સપ્રેમ આભાર માનવાની તક પણ ઝડપી જ લઉં છું.
વીસરાતા જતા ખજાનાનાં આ ગીતોને માણવા માટે એ સમયનાં ગીતોથી ભલીભાંતિ પરિચિત ચાહકોને તેમ જ નવી પેઢીનેપણ આ ગીતો ફરી ફરી સાંભળી શકવાનો સમય મળી રહે એટલા સારુ આપણે અહીં મધ્યાંતર વિરામ લઇશું.
 અનિલ બિશ્વાસ - સુરેન્દ્ર(નાથ)નાં સોલો ગીતોનો ઉત્તરાર્ધ આપણે
૨૯ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ, આ જ મંચપર, માણીશું.