Showing posts with label Kiranaben M Vaishnav. Show all posts
Showing posts with label Kiranaben M Vaishnav. Show all posts

Sunday, March 22, 2026

મારાં મા - કિરણા મહેશ વૈષ્ણવ -- ભાગ ૧ઃ ૧૯૮૩ પહેલાં

 

મારી પાસે ફોટોગ્રાફ્સનું મારી ઉમરથી પણ વધારે જૂનું એક આલ્બમ છે. એ આલ્બમમાં મારાં માના લગ્ન પહેલાંના પોટ્રેટ ફોટોગ્રાફ છે. લગ્ન પહેલાં મારાં મોસાળમાં તેઓ તેમનાં 'કિરણા' નામને બદલે 'કરમા' (પિતાઃ મૂળશંકર મકનજી છાયા અને માતાઃ ધીરજબેન)નાં નામથી ઓળખાતાં હતાં. જ્યારે અમે મોસાળ જતાં ત્યારે એ સમયકાળના બીજા પણ કેટલાય ફોટોગ્રાફસ જોતાં તે મને યાદ આવે છે.  તે સમય ૧૯૫૬ પહેલાંનો હતો. ૨૦૦૧માં કચ્છમાં આવેલા મોટા ભૂકંપ પહેલાંના એ ભૂકંપ પછી અમારી યાદો સાથે ઘણી સંકળાએલી મોસાળની ઘણી જૂની વસ્તુઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ૨૦૦૧ના ભૂકંપમાં તો મોસાળનું એ ઘર જ સાવ નામશેષ બની ગયું.

એ દિવસોમાં સાંજનું જમવાનું પતી જાય એટલે કુટુંબનાં બધાં સભ્યો દિવાનખંડ સમાન મોટા રૂમમાં એકઠાં થાય. એ સમયે છેડાતા વાતોના વિષયોમાં આ જૂના ફોટોગ્રાફસ્ સાથે સંકળાયેલી વાતોની ચર્ચા મંડાય. સામાન્યપણે આવાં કથાનકનું નેતૃત્વ મારા મામા. મધુમામા (મધુકાંત મૂળશંકર છાયા) કરતા. આ ફોટોગ્રાફ્સમાંના બહુ ઘણા ફોટોગ્રાફ્સ એમણે લીધેલા હતા. પરિવારના અન્ય તમામ વરિષ્ઠ સભ્યો એ વાતો સાથેની અનેક પૂરક માહિતી અને સાથે જોડાયેલી નાની નાની યાદોને તેમાં ઉમેરતાં જાય.



તે જૂના ફોટો આલ્બમનું મારું એક સ્મરણ  બેન (મારા માને અમે એ નામથી બોલાવતા) અને મહેશભાઈ (મારા પિતા) ના લગ્ન પછી પડાવાતા પરંપરાગત પોટ્રેટ ફોટોગ્રાફનું છે.



જોકે રાજકોટનાં શરૂઆતનાં વર્ષો સુધીની જે કંઈ યાદો મેં અહીં ઝીલી છે, તે બધી ક્યાં તો મારાં અવચેતન મનનાં ઊડાણમાં સંગ્રહાયેલ છે કે પછી મેં પછીથી ઘણીવાર સાંભળી છેએટલે યાદોમાં સચવાઈ છે. પણ આ બધી યાદો સાથે સંકળાયેલી મનનાં એ પડોમાં કોઈ છબીઓ હશે તો પણ આંતરચક્ષુ સામે આવી નથી રહી.

બેન સાથે, (વાળ ઉતરાવ્યા પહેલાંનો) હું

આ તસવીર વાળ ઉતરાવવાની વિધિ થાય એ પહેલાં મારા લાંબા વાળ સાથે સંકળાયેલી બેન સાથેની કદાચ મારી સૌ પહેલી યાદ કહી શકાય. મને યાદ છે કે, મને નવરાવતી વખતે જ્યારે બેન મારા વાળ ધોવાની હોય ત્યારે હું મોટેથી ભેંકડા તાણતો અને બેનની પકડમાંથી છટકીને અમારાં પડોશી રંજનફઈનાં ઘરમાં શરણ લેતો. જોકે, તે છટકબારી શાહમૃગવૃતિ જ પરવડતી, કેમકે બેન એટલી જ ઝડપથી પાછળ પાછળ આવી જતી અને, સાબુવાળા હાથેથી જ, મારી ટીંગડી પકડીને પાછી લઈ જતી અને વધારે ભારથી ઘસીને રેડાતાં પાણી સાથે પોતાનો ગુસ્સો પણ ઠાલવતી.

હું ચાર કે પાંચ વર્ષનો થયો તે પછી જ્યારે પણ બેન ઉછરંગમાસી અથવા ભાનુમાસી (એમનાં મોટાં બહેનો) ને મળવા જતી, ત્યારે હું અક્ષય અને જસ્મિન (ભાનુમાસીના પુત્રો) સાથે રમવા માટે પાછળ રોકાઈ જતો. જોતજોતામાં, હું મોટા ભાગનો સમય ભાનુમાસીના ઘરે જ કાઢવા લાગ્યો - શરૂઆતમાં બેન મુકી જતી, પણ પછીથી હું જાતે જ દોડી જતો. બપોરનું જમવાનું પતાવતાં વેંત ભાનુમાસીના ઘરે પહોંચી જવું અને સાંજે જમવાનો સમય થાય તે પહેલાં પાછા આવવું એ મારો રોજિંદો નિત્યક્રમ બની ગયો. એક દિવસ, બેન ઉછરંગમાસીના ઘરેથી પાછી આવતી હશે ત્યારે અક્ષય અને જસ્મિન જે શાળામાં ભણતા એ શાળાના શિક્ષક, શ્રી મૂળવંતરાયભાઈ વૈદ્ય, બેનને રસ્તામાં મળી ગયા. તેમણે બેનને જણાવ્યું કે અક્ષય અને જસ્મીન સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી હું પણ તેમની શાળામાં ભણી રહ્યો છું, અને હવે સમય આવી ગયો છે કે મને એક સ્લેટ, પેન વગેરે અને પહેલા ધોરણનું પાઠ્યપુસ્તક આપવામાં આવે જેથી હું વિધિપુરઃસર શાળાભ્યાસમાં જોડાઈ શકું. મને યાદ નથી કે બેને આ આશ્ચર્યજનક સમાચાર કેવી રીતે લીધા હશે. પરંતુ, લગભગ બીજા જ દિવસે હું બાળશાળામાં પહેલા ધોરણનો વિદ્યાર્થી બની ગયો હતો.

મારાં પ્રાથમિક શાળાના એ અભ્યાસ ઉપરાંત, મહેશભાઈએ શરૂ કરેલ વિવિધ પ્રકારના અભ્યાસેતર વાંચન[1]ના સતત પ્રવાહે મારૂં પાયાનું ઘડતર કર્યું. 

ત્યારબાદ મારો વિકાસ સહજ કુદરતી માર્ગ પર થતો ગયો. જો કે, બે બાબતો એવી હતી જેમાં બેનનો કેડો મેં પકડી રાખો હતો. એક પ્રવૃતિ તો હતી ઉછરંગમાસીના ખુલ્લા આંગણામાં રમતી વખતે મને થતી રહેતી નાની નાની ઇજાઓ. એ એટલું સામાન્ય બની ગયું હતું કે બેને ઉછરંગમાસીના ઘરમાંજ  પ્રાથમિક સારવારના સાધનો ઉપલબ્ધ રાખી મુકવાનું ગોઠવ્યું  અને અક્ષય/જસ્મીન અને મને વાદળી રંગની દવા લાડેલું રૂ એ ઉઝરડાઓ પર લગાડી દેવાનું શીખવી દીધું. બીજું કારણ હતું મને અવારનવાર આવી જતા મેલેરિયાના તાવનું હતું. કોઈ પણ સંકેત વિના તાવ વધી જતો હતો અને બેને બધું કામ પડતાં મુકીને મને ડૉક્ટર દેસાઈના ક્લિનિકમાં લઈ જવો પડતો. પછીથી  મુક્તાફાઈ (મારાં દાદી, મોટા અમ્માનાં બહેનનાં દિકરી) માંડવીમાં તેમનાં ઘરની બાજુમાં આવેલાં જૈન મંદિરમાંથી નિયમિતપણે કડુ કરીયાતુનો ઉકાળીને બનાવેલા કાડાના બાટલા લગભગ દર અઠવાડીયે એકના હિસાબે અમને પહૉંચાડવા લાગ્યાં અમે ભુજ છોડ્યું ત્યાં સુધીનાં ત્રણેક વર્ષો મેં કડુકરિયાતુના  બાટલાઓને બાટલાઓ પીધા અને મેલેરિયાથી છુટકારો પામ્યો.

૧૯૫૬માં બેનને અણધારી કટોકટીનો સામનો કરવો પડ્યો. મહેશભાઈને અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. તીવ્ર એપેન્ડિસાઈટિસનું નિદાન થયું અને તેમને સર્જરી માટે જામનગર લઈ જવામાં આવ્યા. મને લાગે છે કે બેનના પક્ષે ઉછરંગમાસી અને મહેશભાઈના પક્ષે મોટા અમ્માના મોટા બહેનના જમાઈ ચમનલાલફુઆએ જામનગરની અમારી હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરી હતી. જામનગરમાં, બેનના પક્ષે ધનામાસી અને પ્રદ્યુમ્નભાઈ (અનુક્રમે બેનનાં મોટાંબેન અને તેમના પતિ) અને મહેશભાઈના પક્ષે, રાચીના દિવસોમાં કમલભાઈ (મહેશભાઈના મોટા ભાઈ) ના નજીકના પરિચિતો રમણિકભાઈ મંકોડી અને રિડાણી પરિવારે આ કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. મને બરાબર યાદ નથી કે ગોરાકાકા (મહેશભાઈના નાના ભાઈ) ભૂજથી અમારી સાથે જોડાયા હતા કે જામનગરમાં અમારી સાથે જોડાયા હતા.

મને આ વાત યાદ છે એટલો હું નાનો હોઈશ, એટલે કે લગભગ ૧૯૫૫થી '૫૭ - '૫૮ના વર્ષોની આ વાત છે. બેન અને મહેશભાઈના ખાસ મિત્ર મહેન્દ્રભાઈ રાણાનાં બહેન અને તે કારણે બેનનાં પણ સહિયાર  ઉષાબેન (ધોળકિયા) અમારાં ભૂજનાં ઘરની પાછળ જ આવેલી મોડર્ન ટોકિઝમાં દર અઠવાડીયે પંદર દિવસે જનાના શૉ[2]માં ફિલ્મો જોવા જતાં. નાગીન, જનમ જનમ કે ફેરે જેવી બે એક ફિલ્મોનાં નામ પણ મને યાદ આવે છે. 

૧૯૫૯ના પહેલા ભાગમાં, મહેશભાઈને રાજકોટ ખાતે કૃષિ કચેરીમાં જોડાવાનો ટ્રાન્સફર ઓર્ડર મળ્યો. શરૂઆતમાં, અમારે મનહર પ્લોટના સાવ છેડાના હજુ વિકસી રહેલા વિસ્તારમાં એક નાના એક રૂમ-રસોડાના ઘરમાં રહેવું પડ્યું. ભુજમાં, બેન સૂકા લાકડાં વડે ચૂલા પર રસોઈ કરતી. જોકે, રાજકોટમાં હવે તેણે સગડી અને બળતણ તરીકે હાર્ડ કોક સાથે ગોઠવાવું પડ્યું. સગડીનાના ગેલ્વેનાઈઝ્ડ પતરાનાં બોડી પર માટી અને હાર્ડ કોકના ભૂકાઓનો જાડો લેપ લીંપવા પછી સગડી રસોઈ માટે કામ આવે. હાર્ડ કોક મોટા ગઠ્ઠામાં પણ મળતો. તેથી, પડોશની અન્ય મહિલાઓ સાથે મળીને આ ગઠ્ઠાઓને નાના નાના ટુકડાઓમાં ભાંગવાનું કામ પણ બેને શીખવું પડ્યું. આ હાર્ડ કોકના ટુકડાઓને સગડીમાં પેટાવવાનું કામ પોતે જ એક મુશ્કેલ કામ હતું. હાર્ડ કોક બરાબર આગ ન પકડે ત્યાં સુધી સગડીઓને ઘરની બહાર હવામાં મુકવામાં આવતી. સવાર સાંજ બધાં ઘરોની બહાર સગડીઓની આવી લાઈન જોવા મળે. સગડી બરાબર પેટે એટલે તેને સાણસીમાં ઝાલીને રસોડામાં ઉંચકી જવી પડે.

રાજકોટમાં ઘરકામના તે શરૂઆતના મુશ્કેલ સમયમાં, મને એક ખૂબ જ રમુજી ઘટના યાદ આવે છે. હું, પડોશના અન્ય છોકરાંઓ સાથે હું પણ રમતો હતો. વડીલોને અમારી એ રમત વધારે પડતું તોફાન લાગી હશે. જેમ આવા કિસ્સાઓમાં થાય છે, તેમ સામાન્ય ઠપકાથી કંઈ વળતું નહોતું. બેનને એમ લાગ્યું કે હું પણ ન માનવાની હદ પાર કરૂં છું. કદાચ તોફાની ટોળાનું હું નેતૃત્વ કરતો હોવાનું પણ એને લાગ્યું હશે.  એટલે મને સરખી વઢ પડી. અન્ય મહિલાઓને એ થોડું વધારે કઠોર લાગ્યું હશે, એટલે કોઈએ બેનને કહ્યૂં કે મોટી બહેનની સંભાળ હેઠળ રહેતા, મા વગરના, નાના ભાઈ સાથે આટલું કઠોર ન થવું જોઈએ. મહિલાઓએ મારા બેનના સંબોધનને કારણે બેનને મારી મોટી બહેન માની લીધી હતી!  ઘણા વર્ષો પછી, લાલ મિલ કોલોની (અમદાવાદ) માં અથવા નવસારીમાં, અમે જ્યારે નવાં નવાં હોઈએ ત્યારે પાડોશીઓ  બેનને મારી મોટી બહેન સમજી બેસવાની ભૂલ કરે એ અસામાન્ય નહોતું - કદાચ અમારી વચ્ચે ફક્ત અઢારેક વર્ષનો ફરક હતો અને બેનની દેખાતી ઉમર કરતાં હું કદાચ વધારે મોટો લાગતો હોઈશ.

પછીના વર્ષોમાં મારો ઉછેર તો પોતાની ઘરેડમાં ગોઠવાઈ ગયો. એટલે કદાચ મા તરીકે અને રોજિંદા ઘરકામના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતી ગૃહિણી તરીકેની દિનચર્યા બેન માટે સહજ બની ગઈ હતી. એવામાં પણ મને બે ઘટનાઓ યાદ આવે છે જેણે બેનની મા તરીકે અને એક વ્યક્તિ તરીકે કસોટી કરી.

મને યાદ છે ત્યાં સુધી એ સમય ડિસેમ્બર ૧૯૬૧નો હતો. ત્રણેક વર્ષના મારા નાના ભાઈ સંજયને અચાનક જ  મેનિન્જાઇટિસનું નિદાન થયું અને તેને સિવિલ હોસ્પિટલ; અસારવા, અમદાવાદમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. થોડા દિવસો માટે તેની ખૂબ જ ગંભીર રહી. માંદગીની ગંભીરતા જ મહેશભાઈ અને બેનની લાગણીઓ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી રહી હતી, તેમાં પણ ઘણી આકરી જણાતી સારવારને કારણે એમના પર જે શારીરિક, માનસિક અને આર્થિક દબાણ હશે  તે મારી એ ઉમરે પણ મને સમજાતું હતું.  તે દિવસોમાં, બેનને લાલ મિલ્સથી સિવિલ હોસ્પિટલ સુધી AMTS બસ સેવા દ્વારાઅવર જવર કરવી પડતી. મોટે ભાગે કોઈ સાથે હોય એવું બનતું પણ ઘણી વખત પોતે એકલાં પણ આવવું જવું પડતું. તેમાં પાછો અત્યાર સુધીનો તેનો ઉછેર તેને આવા અનુભવો માટે તૈયાર કરી શકે તેવો પણ ન કહી શકાય. લાલ મિલ્સ ખાતે અમારા અન્ય પરિચિતો અને ખાસ તો દેવીબેન અને નરેશભાઈ (મારા પિતરાઈ બહેન અને મારા કાકા, કમળભાઈનાં મોટાં દીકરી અને તેમના પતિ) ખૂબ મદદરૂપ થયાં.

બીજો બનાવ ફરીથી મારા (ખોટાં) સાહસો સાથે સંબંધિત છે. આ ઘટના ૧૯૬૨ ના અંતમાં બની હતી. એક સાંજે હું ખૂબ જ લોહીલુહાણ ચહેરા સાથે દોડતો દોડતો ઘરે આવ્યો. થયું એવું હતું કે અમે પાટીયાંને ક્રિકેટ બેટ બનાવીને અમારી દેશી શૈલીથી હોકી રમી રહ્યા હતા. એક ખેલાડીના હેઠળથી બોલને બહાર કાઢવાનો હું પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનું બેટ મારા માથા પર વાગ્યું. મારી ડાબી આંખની નજીક ખોપરીની ધારને ગંભીર ઇજા પહોંચી હતી. આવી કટોકટીમાં બેને, કોઈક રીતે, પોતાની માનસિક સ્વસ્થતા જાળવી રાખી હશે, કારણ કે અમારે નજીકના જનરલ ફિઝિશિયનના ક્લિનિક સુધી પહોંચવા માટે લગભગ એક કિલોમીટર જેટલું દોડવું પડ્યું હતું. તાત્કાલિક સારવાર પછી, એટલું નક્કી થયું કે બહુ જ થોડાક ફરકથી, અને નસીબથી, મારી ડાબી આંખ ગંભીર જોખમમાં નથી. હું લગભગ અઠવાડિયામાં જ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. તે પછી વલ્લભ વિદ્યાનગર (૧૯૬૫) માં મારા પ્રિ-સાયન્સના વર્ષમાં, NCC માં પ્રવેશ દરમિયાન તબીબી તપાસ દરમિયાન, ખબર પડી કે એ ઇજાને કારણે ડાબી આંખે માઈનસ ૪ નંબરના અને જમણી આંખે ઝીરો નંબરના ચશ્માની જરૂર હતી. મેં આટલા વર્ષોથી તે ડાબી આંખ પાસે થયેલા ઘાના ડાઘનો ઉપયોગ મારા ઓળખ ચિહ્ન તરીકે કર્યો છે અને આ નંબરવાળા ચશ્મા સાથે ખુશીથી જીવી રહ્યો છું!

મારૂં એવું માનવું છે કે ભૂજનાં વર્ષોથી બેનનાં મોટી બહેન, ઉછરંગમાસીના માર્ગદર્શન હેઠળબેન તેના માતૃ પક્ષના મામલાઓમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવતી રહી.  રાજકોટમાં અમારા રોકાણ દરમિયાન મને તે વિષેની કોઈ ખાસ યાદો નથી, પરંતુ મને એટલું જરૂર યાદ છે કે લાલ મિલ્સ કોલોનીના સામાજિક વર્તુળમાં બેન ખૂબ સક્રિય હતી. લાલ મિલ્સ ખાતે નાગરી ન્યાતની અન્ય ગૃહિણીઓસાથે મળીને બેને બે ત્રણ વાર, આપણાં પરંપરાગત દાળ, ભાત અને ઓસામણનાં જમણોનું નિયમિતપણે આયોજન કર્યું. તે પછી, પહેલા H કોલોની અને પછી L કોલોનીના અમારા રહેવાસ દરમ્યાન પણ બેન નાગર સમાજનાં વર્તુળોમાં સક્રિય ભૂમિકા ભજવતી રહી. અહીં, બેને સુરતમાં મારા કાકા કમળભાઈનાં ઘરની મુલાકાતોમાંથી પ્રવિણાકાકી, ત્યાંના પડોશી કુસુમબેન અને કમળભાઈના મિત્ર રમણિકભાઈ અંતાણી પાસેથી શીખેલ ઊંધિયાની વાનગીનો દાળ, ભાત અને ઓસામણનાં જમણમાં ઉમેરો કર્યો.

અમારા H કોલોનીના વર્ષો દરમિયાન, બેને ઉછરંગમાસીનાં દીકરી પૂર્ણિમાબેનના પહેલા પુત્ર, તિમીર, દેવીબેનની પહેલી દીકરી પુત્ર, ગાયત્રી (કૌમુદી, તેનું પૈતૃક પક્ષનું નામ) અને બેનનાં મોટાં બહેન ભાનુમાસીનાં સૌથી મોટી પુત્રી, મનુબેન (સત્તાવાર નામઃ મૃદુલાબહેન) ના પહેલા પુત્ર, કિંજલ્ક (હવે, સ્વર્ગસ્થ) ના જન્મ દરમિયાન વ્યવસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવી.

મહેશભાઈ, પાંચ-છ વર્ષનો સંજય અને બેન - સ્થળ અજ્ઞાત

મહેશભાઈના મને પ્રિ - સાયન્સના અભ્યાસ માટે વલ્લભ વિદ્યા નગર મોકલવાના નિર્ણયમાં પણ બેનની ભૂમિકા સકારાત્મક સહાયકની રહી. તેમણે પરિવારમાં ગૃહિણી તરીકેની, અને વ્યક્તિગત વિકાસના માર્ગ પર કુદરતી રીતે ઉછરતા પુત્રની માતાની, ભૂમિકા ખૂબ જ અસરકારક રીતે ભજવી. એન્જિનિયરિંગના છેલ્લાં વર્ષમાં મારા હોસ્ટેલમાં રહેવાના, મહેશભાઈની નવસારી બદલી થઈ અને મને BITS પિલાણી મોકલવાના નિર્ણયોમાં બેનની ભૂમિકા હંમેશાં પ્રોત્સાહક રીતે સહાયકની રહી.



મારાં લગ્ન બાબતે બિનપરંપરાગત કહી શકાય એવા નિર્ણય[3] લેવાના સમયે પણ બેનની ભૂમિકા સકારાત્મક રહી.

સુસ્મિતા અને મારા લગ્નના ભોજન સમારંભમાં

મહેશભાઈ દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા) માં રજિસ્ટ્રાર તરીકે સ્થળાંતર થયા ત્યારે બેન ગુજરાત કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રારની પત્ની તરીકેની પોતાની સત્તાવાર ભૂમિકામાં પણ બહુ સહજપણે ગોઠવાઈ જવાની સાથે  પરિવારના મુખ્ય કાર્યકારી વડા તરીકેની ભૂમિકા પણ ભજવતી રહી.

કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે એક ઔપચારિક મેળાવડામાં બેન અન્ય મહિલાઓ સાથે

દાંતીવાડા ખાતેનાં એક પારિવારિક આઉટિંગમાં JPV અને MPV પરિવારો

તેમના જીવનના તે તબક્કા સાથે, બેનનાંના સ્વાસ્થ્ય અંગે આવેલી પહેલી મોટી સમસ્યા પગના સાંધામાં કેલ્શિયમ જમા થવાની હતી. જે તેની સાથે જીવનભર રહી. થોડા સમય બાદ આમાં હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરએસીડીટીનો ઉમેરો થયો.

જોકે, એકંદરે, જીવન સ્થિર અને સરળ રીતે ચાલી રહ્યું હતું.

એવામાં, અચાનક, મહેશભાઈનું ૧૮ ડિસેમ્બર ૧૯૮૩ ના રોજ અવસાન થયું.



[2] ભૂજમાં એ સમયમાં બપોરના બાર થી ત્રણનો શૉ ખાસ સ્ત્રી પ્રેક્ષક વર્ગ માટે રહેતો. કદાચ ટિકિટ પણ થોડી ઓછી હોતી હશે. આખું થિયેટર બનેનો વાતો અને છોકરાંઓના કલબલાટથી ગુંજતું હોય. એમ કહેવાતું કે પછીના શૉમાં પ્રેક્ષકોને જે ભાગમાં બહેનો બેઠી હોય એ ભાગ કરૂણ ફિલ્મો જોતાં જોતાં વહેલાં બહેનોનાં આંસુઓથી ભીનો અનુભવો પડે. એ સમયમાં ભૂજમાં સૌથી ઓછી ટિકિટ 'પટ' તરીકે ઓળખાતા ક્લાસની રહેતી. એ ભાગમાં સીટો ન હોય, એટલે  'પટ' કહેવાતો. જનાના શૉ પછી એ ક્લાસમાં આવનાર પુરુષ પ્રેક્ષક વર્ગને છોકરાંઓએ ઢોળેલાં પાણી અને રોતાં રોતાં કરી લીધેલાં 'મૂતર'ની ભીનાશ વેઠવી પડતી. એ સમયની સીટો એવી રહેતી કે તમે ઊભાં થાઓ એટલે સીટ આપોઆપ વસાઈ જાય. છોકરાંઓ એમાં ખાસ ફસાતાં - હું અને નૈષધ પણ એમાંથી બાકાત નહોતા રહેતા. 

Thursday, April 3, 2025

મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ, આજે પરમ શાંતિના પંથે પ્રયાણ માડે છે, ત્યારે .....

 

આજે, ૩ એપ્રિલ ૨૦૨૫, મારાં માતુશ્રી, કિરણાબેન વૈષ્ણવ (૧૩-૫-૧૯૩૩ | ૨૨-૩-૨૦૨૫), ના દેહાવસાન પછી તેરમો દિવસ છે. હિન્દુ પરંપરા પ્રમાણે, "તેરમું" એ અંત્યેષ્ટિ સંસ્કારનું અંતિમ સીમાચિહ્ન છે. એમ મનાય છે કે એ દિવસે આત્મા તેનાં નશ્વર બંધનો અતિક્રમીને પિતૃલોકનાં આધ્યાત્મિક ક્ષેત્ર તરફની પરમશાંતિની યાત્રા શરૂ કરે છે.

પાછળ દૃષ્ટિ કરતાંમારું મન મારા પિતા, મહેશભાઈ (પ્રાણલાલ) વૈષ્ણવ,ની આખરી રાત, ૧૮ ડિસેમ્બર ૧૯૮૩, ની યાદથી ભરાઈ જાય છે.

તે અવિસ્મરણીય ચોવીસ કલાક ……

૧૭ ડિસેમ્બર ૧૯૮૩ ના રોજની તે સાંજે, સુસ્મિતાને પાલનપુરથી ફોન આવ્યો. મારા પિતાના સહકર્મી શ્રી ધ્રુવભાઈ છાયા, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા (જિલ્લો બનાસકાંઠા), એ જાણ કરી હતી કે મારા પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે, અને તેઓ તેમને અમદાવાદના ઉસ્માનપુરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા.[1] સુસ્મિતાએ તાત્કાલિક અમારી ફેક્ટરી, ઍરીશ ઇક્વિપમેન્ટ, વટવા,એ મને જાણ કરી.

હું ઘરે પહોંચું તે પહેલાં, સુસ્મિતા  અમારા અઢી વર્ષના પુત્ર, તાદાત્મ્ય,ને, નજદીકમાં રહેતા અમારા મોટા પિતરાઈ ભાઈ, સુધાકરભાઈના ઘરે લઈ ગઈ અને તેમને ઘટનાની જાણ કરી. તેથી, હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તેઓ પણ અમારે ઘરે આવી ગયા હતા.

ત્યારબાદ અમારું પહેલું કાર્ય, અમારા પરિવારના પરિચિતો, પડોશીઓ તેમ જ મિત્રો એવા, ડૉ. અશોકભાઈ દેસાઈ અને ડૉ. બંકિમ માંકડ, નો સંપર્ક કરવાનું હતું. બંને ડૉક્ટર મિત્રો પહેલેથી જ સિવિલ હોસ્પિટલ, આસારવામાં સિનિયર ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાથી, તેમણે અમને ત્યાં પહોંચવાની સલાહ આપી. તેમણે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કર્યો અને બધી વ્યવસ્થા કરી. પછી, હું અને સુધાકરભાઈ મારા પિતાને લઈ આવનારી એમ્બ્યુલન્સ જ્યાં પહોંચવાની હતી તે ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા અને એમ્બ્યુલન્સના આવવાની રાહ જોવા લાગ્યા. એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતાની સાથે જ, અમે તેમને અમારી સાથે સિવિલ હોસ્પિટલ પહોંચવાનો નિર્દેશ આપ્યો.

અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં, રાતના ૧૧ વાગ્યા પછીનો સમય થયો હતો. મારા પિતાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એક કલાકથી વધુ સમય લાગ્યો. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે તેમને એક ટીમની સતત દેખરેખ એક હેઠળ રાખવામાં આવશે, એ ટીમની આગેવાની  એક ખૂબ જ યુવાન કાર્ડિયોલોજિસ્ટ (જો મને બરાબર યાદ હોય તો ડૉ. પુરેન્દ્ર પટેલ હતા) કરી રહ્યા હતા. બીજી પંદર વીસ મિનિટમાં પછીથી કંઈ પણ અનિચ્છનીય બને ત્યારે તાત્કાલિક દરમિયાનગીરી કરવા ટીંમ સંપૂર્ણપણે સજ્જ હતી.

આ દરમિયાન, ધ્રુવભાઈએ અમને જાણ કરી કે આજે સવારે લગભગ ૧૧ વાગ્યે, મારા પિતા દાંતીવાડા કેમ્પસના ગુજરાત કૃષિ યુનિવર્સિટી (જીએયુ) સ્થિત તેમના ઘરે લંચ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. મારી માતાએ મદદ માટે ઓફિસને જાણ કરી. સ્ટાફના સભ્યો જીએયુ આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સાથે દોડી ગયા. હૃદયરોગનો હુમલો હોવાનું નિદાન થતાં, પ્રાથમિક સારવાર  આપ્યા પછી, તેમને પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના લોહીમાં એક 'ગઠ્ઠો' તરતો હતો, જેના કારણે હૃદયરોગના હુમલાના આ લક્ષણો જોવા મળ્યા. જો 'ગઠ્ઠો' હૃદય સુધી પહોંચે, તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. પાલનપુર હોસ્પિટલે વધુ સારવાર આપવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને દર્દીને અમદાવાદ ખસેડવાની સલાહ આપી.

આટલી વાત થઈ એ દરમ્યાન આગળની કાર્યવાહીનો ક્રમ નક્કી થયા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે મારી માતા અને સુસ્મિતાએ ઘરે જવું જોઈએ અને બીજા દિવસે સવારે બપોરના ભોજન પછી પાછા આવવું જોઈએ. ધ્રુવભાઈ છાયાએ તેમને અમારા ઘરે મૂકવાનું નક્કી કર્યું. હું અને સુધાકરભાઈ હવે હોસ્પિટલમાં હાજર હતા. મારા પિતાએ સુધાકરભાઈને પલંગની બાજુમાં થોડા કલાકો સૂવા માટે સમજાવ્યા. અમે રાત્રિની ઠંડીથી પોતાને બચાવવા માટે કેટલીક પ્રાથમિક સહાયક વસ્તુઓ સાથે લાવ્યા હતા. તેમની મદદથી, સુધાકરભાઈએ અડધી ઊંઘ અને અડધી જાગતી અવસ્થામાં તેમની પીઠને હળવી કરવાનો પ્રયાસ કર્યો. હું મારા પિતાની બાજુમાં બેઠો.

તે પછી મારા પિતાએ ખુલીને એમની ચિંતાઓ અને સૂચનાઓ મને જણાવવાનું કરવાનું શરૂ કર્યું. તેઓ ૧ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ જ નિવૃત્ત થયા હતા, તેથી તેમણે તેમના સર્વિસ રેકોર્ડ, હાઉસિંગ લોન સંબંધિત દસ્તાવેજો ક્યાં છે તે બધું મને જણાવ્યું. તેમણે પેન્શનની સંભવિત રકમ (અથવા જો તેઓ આ હુમલામાં બચી ન જાય તો મારી માતાને ફેમિલી પેન્શન), દાંતીવાડામાં તેમના બેંક ખાતાની વિગતો વગેરે વિશે પણ માહિતી આપી.
મારા ભવિષ્યની ચિંતા
મારા પિતાની સૌથી મોટી ચિંતા મારા ભવિષ્યની હતી. તેઓ બહુ સરળ, પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. મારા પહેલાની અમારી બધી પેઢી સરકારી સેવામાં હતી. અમારા સમુદાયમાં સ્વીકૃત ધોરણ હતું કે જે કોઈ પણ સરકારી સેવામાં જોડાય છે તે તે સેવામાંથી પણ નિવૃત્ત થાય છે. હું ખાનગી ક્ષેત્રમાં જોડાનારો પહેલો વ્યક્તિ હતો. તેથી, તેમને ખાનગી ક્ષેત્રમાં નોકરીની અસલામતીનો સ્વાભાવિક ખયાલ હતો. જોકે, ૧૯૭૩ થી ૧૯૭૯ સુધી, જેમ જેમ મેં મારા પ્રથમ નોકરીદાતા ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ, અમદાવાદ સાથે મારી કારકિર્દીમાં પ્રગતિ કરી, તેમ તેમ તેમની ચિંતાઓ, લગભગ ઓછી થઈ ગઈ. તે સમયે જ મેં, ત્રણ અન્ય મિત્રોની સાથેઅમદાવાદના વટવા ખાતે એક નાના પાયે ઉત્પાદન એકમ, આરીશ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ., શરૂ કરવાનું નક્કી કર્યું. આમ, તેમના મનના ઊંડાણમાં, શાંતિ ફરી ખલેલ પહોંચાડી. એક સરકારી કર્મચારી તરીકે, તેમને માત્ર નોકરીની ખાતરી જ નહીં, પણ કાર્યસ્થળ પરના રોજિંદા કામ માટે પણ ખાતરી રહેતી હતી. તેમની ચિંતામાં વધારો કરવા માટે, અમે ઘણા લાંબા સમય સુધી કામ આપતા રહે એવા મૂડીગત માલનું ઉત્પાદન કરતા હતા. તેથી તેઓ આ સાહસની સફળતાના દૃષ્ટિકોણથી મારા ભવિષ્યની સુરક્ષા બાબતે ફક્ત નજીકના ભવિષ્યમાં આજીવિકાના પૂરતા સ્ત્રોત તરીકે નહીં, પરંતુ અમારા ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટેનો લાંબા ગાળાના સ્ત્રોત બાબતે પણ તેઓ પણ ચિંતિત હતા.

તે રાત્રે, તેમણે પહેલી વાર પોતાની ચિંતાઓ સ્પષ્ટપણે શબ્દોમાં વ્યક્ત કરી. જોકે, તેમણે નિષ્કર્ષમાં એમ પણ જણાવ્યું કે કોઈપણ પ્રતિકૂળતાનો સામનો કરવા અને તેમાંથી બહાર આવવાની મારી ક્ષમતા પર તેમને પૂર્ણ વિશ્વાસ છે. તેથી તેમણે મને ખાતરી આપી કે તેઓ મારા વિશે થોડો ઉચાટ અનુભવતા રહ્યા છે પણ આ ક્ષણે હવે તેઓ ચિંતિત નથી.

અમારી ચર્ચાઓ ખૂબ મોડી રાત સુધી ચાલતી રહી હતી. તેથી, તેમને થોડી ઊંઘ લેવામેં વિનંતી કરી. પરંતુ, તેમણે કહ્યું કે પોતાનું મન આટલું ખાલી કરી દીધા પછી તેઓ હવે જે કંઈ થશે તેનો સામનો કરવા માટે તૈયાર હતા., છતાં તેમના અંગત પરિવારના વડા તરીકે, તેમજ તેમના પિતાના બૃહદ પરિવારના વડા તરીકે તેમના ત્રણ અધૂરા કાર્યો તેઓ મને સોંપવા માગતા હતા.
ત્રણ જવાબદારીઓ
તે પછી તેમણે મને જે ત્રણ જવાબદારીઓ સોંપી તે આ મુજબ હતી:

૧) તેમનાં માતા (મારી દાદી), રેવાકુંવર પ્રાણલાલ વૈષ્ણવ,ની સંભાળ રાખવામાં તેમના નાના ભાઈ, જનાર્દન વૈષ્ણવ,ની સાથે મારે ઊભા રહેવું, જેથી તેમની ગેરહાજરીમાં, માતા પ્રત્યેની તેમની જવાબદારી અદા કરવામાં તેમના નાના ભાઈને એકલા પડી જવાતું ન લાગે;
૨) જાણે હું તેમનો પુત્ર હોઉં તેમ, તેમના નાના ભાઈ, જનાર્દન પ્રાણલાલ વૈષ્ણવ.ની સાથે મારે હંમેશા રહેવું, અને
૩) મારા અંગત મૂલ્યોને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ સંજોગોમાં મારી માતાની સંભાળ રાખવી.

૨૨ માર્ચ ૨૦૨૫ ના રોજ, મારી માતાનું અવસાન થયું, જેનાથી મને સોંપાયેલી ત્રીજી જવાબદારીમાંથી. ઔપચારિક કક્ષાએ, પણ મુક્તિ મળી.

પાદ નોંધઃ:

૧) મેં મારી અત્યાર સુધીની જિદગીમાં જોયેલી બધી જ વ્યક્તિઓમાં મારાં દાદી જેટલું પવિત્ર વ્યક્તિત્વ મેં જોયું નથી. તેમ છતાં, મારી દાદીના છેલ્લા છ મહિના ખૂબ જ પીડાદાયક હતા. મારા કાકા, જનાર્દન વૈષ્ણવ અને તેમના અંગત પરિવારે તેમની શારીરિક પીડાઓને સહ્ય કરવા માટે તે દિવસોમાં જે કંઈ કરી શકાય તે બધું જ કર્યું. આજે જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને સંતોષ થાય છે કે મેં પણ મારા પિતાએ મને જે જવાબદારી સોંપી હતી તેમાં તેમણે મારી જે ભૂમિકા કલ્પી હશે તેને હું, મહદ્‍અંશે, નિભાવી શક્યો હતો.
૨) મને એ વાતનો પણ સંતોષ છે કે મેં મારા કાકા અંગે મારા પિતાએ મને જે ભૂમિકા સોંપી હતી તે હું પુરી નિષ્ઠાથી ભજવતો રહ્યો હતો. છેલ્લાં વર્ષોમાં તેમની અમુક માંદગી પછી તેઓ એમ માનતા કે હવે પછી તેઓ બીમાર પડે ત્યારે તેમની કોઈ સારવાર ન કરાવવી, તેમની એ ઇચ્છાને માન આપીને તેમના છેલ્લા દિવસોમાં, મારા પોતાના મૂલ્યો અને 'મારી' ફરજો નિભાવવાના મારાં પોતાનાં ધોરણોની વિરુદ્ધ, હું તેમની પાસે રૂબરૂ ગયો ન હતો. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું, તેમ હું એવા નિષ્કર્ષ પર આવી શકતો નથી કે મેં એ જે કંઇ કર્યું તે યોગ્ય કાર્ય કર્યું હતું કે નહીં. મને નથી લાગતું કે હું ભવિષ્યમાં પણ આ બાબતે  નક્કી કરી શકીશ. તેથી, કર્મના સિદ્ધાંતમં અંગત રીતે મને બહુ શ્રદ્ધા ન હોવા છતાં, હું અંતિમ નિર્ણય કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઉં છું.
૩) આંકડાઓ નોંધ કરશે તેમ, હું મારા જીવનના ફક્ત ૩૩ વર્ષ મારા પિતા સાથે વિતાવી શક્યો. તેમની સાથેના એ અવિસ્મરણીય દિવસના છેલ્લા થોડા કલાકો સિવાય, તેમણે  સેવામાંથી નિવૃત્ત થયા પછી હું તેમની સાથે (અને તેમના માટે) કરવા માંગતો એવું કંઈ કરી, ક્યારે પણ,  શક્યો નહીં. ખેર, એનો હિસાબ પણ કર્મના સિદ્ધાંતના હાથ પર જ છોડી દઉં છું. 

મારા પિતાના અવસાન પછી, મને મારી માતા સાથે રહેવા માટે ૪૨ વર્ષ મળ્યાં. ૨૦૧૭ માં તેમના નિતંબ (ફીમર) ના બૉલની રિપ્લેસમેન્ટ સર્જરીમાંથી અમે તેમને સફળતાપૂર્વક પાર કરાવી શક્યાં અને વોકરની મદદથી તેમને ઠીક ઠીક છુટથી હરતાં ફરતાં કરતાં પણ કરી શક્યાં.
જોકે, ૨૦૨૦ના અંત સુધીમાં, તેના પગના સ્નાયુઓ એટલા નબળા પડવા લાગ્યા હતા કે તેમણે પથારી પકડી લીધી. આગામી સાડા ત્રણ વર્ષ સુધી, પથારીવશ અવસ્થામાં હવે સુધારો શક્ય નથી  એવું નક્કી થયા પછી પણ તેમની આવશ્યક દૈનિક દિનચર્યા માટે ઓછામં ઓછાની મદાદથી તેઓ કરતાં રહી શકે એમ અમે કરતાં રહી શક્યાં હતાં. જોકે, પથારીમાં જ  રહેવાની નકારાત્મક અસર તેમના શરીર પર ચિંતાજનક રીતે થવા લાગી હતી. છેલ્લા દોઢ વર્ષમાં પોતાના અસ્તિત્વ માટે તેમણે બીજા પર વધુને વધુ નિર્ભર બની રહેવું પડતું હતું. 
આ એ તબક્કો હતો જ્યારે તેમના વધતા જતા દુખાવા અને પીડાને ઘટાડવાનો પ્રયાસ કરવામાં હું સંપૂર્ણપણે લાચારી અનુભવવા લાગ્યો હતો. એક તબક્કે, કુદરતની યોજના સામે મારે માનસિક રીતે મારી હાર પણ સ્વીકારવી પડી. જોકે અમારાથી શકી હતા એ તમામ પ્રયત્નો અમે પૂરા દિલથી ચાલુ રાખ્યા પરંતુ અંતની શરૂઆતની પ્રક્રિયાને ઉલટાવી શક્યા નહીં.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન, તે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે અંત ગમે ત્યારે આવી શકે છે. ૨૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ, રોજિંદા સવારના સફાઈ વગેરેનામ તેમનાં કામકાજ પછી, અમને લાગ્યું કે કદાચ આપણે કુદરત સામેના અસ્તિત્વના યુદ્ધમાં હજુ પણ એકબે નાની જીત મેળવી શકીશું. સવારે ૧૦ વાગ્યે, તેમની આંખો અને હોઠ સંપૂર્ણપણે બંધ જણાતી હતી એવી અર્ધજાગૃત અવસ્થામાંહું તેમને અડધો ગ્લાસ પાણી પીવડાવવામાં સફળ થયો. જોકે, જ્યારે હું ૧૦.૪૫ વાગ્યે તેમને જમાડવા માટે આવ્યો, ત્યારે મને લાગ્યું કે હવે જીવન થંભી ગયું છે.. ડૉક્ટર દ્વારા અંતિમ પુષ્ટિ તે પછી માત્ર એક ઔપચારિકતા હતી.

મારી માતા પ્રત્યેની મારી ફરજ બાબતે મારા પિતાજીએ મને સોંપેલી જવાબદારીમાં હું કેટલી હદે ખરો નીવડ્યો તેનો અંતિમ નિર્ણય પણ હું કર્મના સિદ્ધાંતના હાથમાં છોડી દઈશ.

પાદ પાદ નોંધઃ
૧) કિરણાબેનના પૌત્ર તાદાત્મ્ય અને પૌત્રવધુ ભૂમિકાએ આજે તેમના 'દાદું'ની સ્મૃતિને રામકૃષ્ણ મઠ, બેલુર અને સાંઈબાબા પ્રતિષ્ઠાન, શિરડીને રૂ. ૧૦૦૧નાં અંજલિસ્વરૂપ અનુદાન કર્યાં.
 ૨) કિરણાબેનની ભાણેજો, ભાનુબેન ડોલરરાય અંજારીઆની દીકરીઓ વિભા (કીરીટરામ ઓઝા) અને સાધના (કશ્યપભાઈ વૈષ્ણવ) અને ધનવિદ્યાબેન પ્રદ્યુમ્નભાઇ માંકડની દીકરી પ્રતિભા (પ્ર માંકડ)  સોમવારે  (૭ - ૪ - ૨૦૨૫ના રોજ) રાજકોટમાં. કિરણાબેનની દીકરીઓ તરીકે વંચિત બાળકોને ભોજન કરાવશે. 


[1] ધ્રુવભાઈ છાયાની ખૂબ આત્મીય શ્રદ્ધાંજલિ:
મુ. પૂજ્ય કિરણબેનના દુઃખદ અવસાન સાંભળીને દુઃખ થયું. મારા પરિવાર અને અમારા જેવા એન્ય લોકોની શોકની ઘડીમાં સંવેદનાપૂર્ણ દિલસોજી સ્વીકાર્શો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે.

જ્યારે મેં દુઃખદ સમાચાર સાંભળ્યા, ત્યારે ૧૯૭૨ થી ૧૯૮૪ દરમિયાન શ્રી મહેશભાઈ અને કિરણબેન સાથેના મારા સંબંધોનું ચિત્ર મારી સામે આવે છે. સંબંધો ખૂબ પ્રેમાળ હતા.

જ્યારે હું દાંતીવાડા જતો ત્યારે તેઓ મને ગેસ્ટ હાઉસમાં લંચ કે ડિનર લેવાની મંજૂરી તેમો આપતા નહોતા. મહેશભાઈ અને કિરણબેન બંને તાદાત્મ્ય સાથે અમારા ઘરે આવતા હતા. અમારો ખૂબ ગાઢ કૌટુંબિક સંબંધ હતો. જ્યારે મહેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે હું અને કિરણબેન તેમને અમદાવાદ લાવ્યા.

મુ. કિરણબેનને પણ સુઝ હતી. મેં તેમને દાંતીવાડામાં અન્ય મહિલા સભ્યોને વિવિધ કલા અને હસ્તકલા શીખવતાં પણ જોયાં છે.

ઈશ્વરેચ્છા સ્વીઆરીને, આપણે બધું પાછળ છોડીને મીઠી યાદો સાથે આગળ વધવું જોઈએ.