Showing posts with label H R Shah. Show all posts
Showing posts with label H R Shah. Show all posts

Friday, July 3, 2026

એચ આર શાહ – કૂવાસ્તંભ સમાન વ્યવસાય સહયોગી, આદર્શ મિત્ર

એચ આર (મૂળ નામ – હરિશ રસિકકલાલ ) શાહ, એમના સમવયસ્ક મિત્રો માટે તેઓ એચઆર હતા, મારા માટે તેઓ શાહ સાહેબ હતા અને હું તેમનો વૈશ્નવ સાહેબ.

૨૩ જૂન ૨૦૨૬ ના રોજ સવારે રાજેશ (હરીશ) શાહનો ફોન આવ્યો, સંદેશો બે જ વાક્યમાં કહેવાયો –

પપ્પા ગયા. તેમની અંતિમ વિદાય સવારે ૧૧ વાગ્યે છે.


રાજેશ વધારે કંઈ કહી શકે તેમ ન હતો, હું પણ વધારે કંઈ પૂછી શકું તે હાલતમાં રહ્યો નહોતો.

હું તરત જ એમના ઘર તરફ જવા નીકળ્યો. રસ્તામાં કાર ચલાવતાં ચલાવતાં મારા મનમાં આશરે ૧૯૮૪ ની સાલમાં આવેલો શાહ સાહેબનો ફોન ઘુમરાઈ રહ્યો.

[શાહ સાહેબ સાથેના મારા વ્યવાસાયિક સંબંધનો પાયો ૧૯૭૯ની આસપાસ નંખાયો. એ શરૂઆતનાં વર્ષોની મારી યાદો મેં અશ્વિન શાંતિલાલ પાલખીવાળાના સંગાથનાં સંસ્મરણોમાં યાદ કરેલ છે.]  

એ દિવસે હું મારા નિયમ મુજબ ફેક્ટરી – એરિશ ઈક્વિપમેન્ટ મેન્યુ. પ્રા. લિ., વટવા – જવા માટે તૈયારી કરી રહ્યો હતો, ત્યારે શાહ સાહેબનો ફોન આવ્યો કે આપણે ફેક્ટરી કે એકબીજાના ઘર સિવાયની કોઈ જગ્યાએ મળીએ. અમે વિજય રેસ્ટોરન્ટ પર મળવાનું નક્કી કર્યું.

વિજય રેસ્ટોરન્ટ પહોંચતાં મને તો દસેક મિનિટ જ લાગે. એટલા સમયમાં મારા મનમાં વાતનો વિષય શું હોય શકે તેના વિચારો ચાલ્યા. એરિશ હવે સ્થાયી થવા લાગ્યું હતું અને સારી રીતે આગળ વધી શકે એ તબક્કો હજુ માંડ માંડ આવ્યો હતો. થોડા દિવસો પહેલાં જ અશ્વિનભાઈ પાલખીવાલાએ અલગ થઈ જવાનો પ્રસ્તાવ મુક્યો હતો. અશ્વિનભાઈના પ્રસ્તાવે તો માંડ સ્થાયી થઈ રહેલા પાયાને ધરમૂળથી ધ્રુજાવી નાખ્યો હતો. એટલે અમારી વાતનો વિષય આ બાબતને લગતો જ હોય એમ તો અપેક્ષિત હતું.

અશ્વિનભાઈ, શાહ સાહેબ, અરૂણ જે વોરા અને હું એરિશમાં સરખે ભાગે હિસ્સો ધરાવતા હતા. સામાન્ય સમજણ મુજબ તો અશ્વિનભાઈ અને શાહ સાહેબ અનુપ એન્જિનીયરિંગના સમયના મિત્રો એટલે એ બંને એક પક્ષે રહે અને વોરા અને હું ગુજરાત સ્ટીલ ટ્યુબ્સના સમયના મિત્રો એટલે અમે બે એક પક્ષે રહીએ એમ માની શકાય. પરંતુ, એ પરિસ્થિતિમાં કાયદા મુજબની પ્રક્રિયાથી અમારે અલગ થવાની બાબતનો ઉકેલ સહેલાઈથી આવે તેમ નહોતો. અને એખલાસપૂર્ણ વાટાઘાટો શક્ય બને એવું પણ જણાતું નહોતું. એ કારણે અનેક મુંઝવણભર્યા એવા મુદ્દાઓ ઉપસ્થિત થયા હતા જેના વિષે શું વિચાર કરવો એ પણ મને હજુ સુઝતું નહોતું.

શાહ સાહેબનો ફોન આવ્યો ત્યારે આ મુજબની ચોપાટ તો બીછાવાઈ ગઈ હતી. હવે કોણ દાવ ચાલે અને કેવા પાસા પડે તે જ જોવાનું હતું.

અમે રેસ્ટોરન્ટમાં બેઠા અને અમારે માટે કૉફીનો ઓર્ડર આપ્યો, એટલે જરા પણ સમય વેડફયા વિના શાહ સાહબે મને પૂછ્યું કે હું તેમની સાથે રહીને કામ કરવા તૈયાર થઈ શકું?

મારા માટે આ સાવ ન વિચારેલો વિકલ્પ હતો, એટલે હું તરત જવાબ ન આપી શક્યો. એટલામાં કૉફી આવી ગઈ. વાત આગળ વધારતાં તેમણે સ્પષ્ટતા કરી કે આ બાબતે ઘણો વિચાર કર્યા પછી તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે એકબીજાની કૌટુંબીક આર્થિક પરિસ્થિતિને અને બન્નેની વ્યક્તિગત વિચારસરણીને ધ્યાનમાં લેતાં, એમની દ્રષ્ટિએ, આપણે બે સાથે રહીને એરિશ સારી રીતે ચલાવી શકીશું.

આટલાં વર્ષોમાં હું શાહ સાહેબને જેટલો ઓળખી શક્યો હતો એ હિસાબે તેમના પ્રસ્તાવ વિષે મારે કશું કહેવાપણું રહેતું નહોતું. કૉફી પૂરી થતાં સુધીમાં તો બંને સાથે રહીને કામ કરવા સહમત થઈ ગયા.

અને આમ રચાયો શાહ સાહેબ સાથેનો મારો ૪૦ + વર્ષનો મૈત્રી સંબંધનો પાયો, જેનો ભૌતિક અંત શાહ સાહેબના દેહવિલયને કારણે ભલે થયો, પરંતુ લાગણીની ભાવનાને સ્તરે એ સંબંધ ક્યારે પણ વિલય નહીં પામે.   

(અંગત નોંધ: અહીં મારે એટલું ચોક્કસપણે કહેવું જોઈશે કે એ સમયે શાહ સાહેબ વધારે સ્પષ્ટ વિચારો ધરાવતા, સરળ નિર્ણયકર્તા અને વધારે પરિપક્વ હતા. તેમના અનેક ગુણો પૈકી આ ગુણોએ એરિશના જહાજને લાંબા ગાળાની સ્થિરતા બક્ષી અને અમારા ભાવિ મૈત્રીના સંબંધને વિકસાવ્યો અને જાળવ્યો.) 

૪૦ + વર્ષોનો મૈત્રી સબંધ

દેખીતી રીતે અમારો સંબંધ તો સમયની માંગમાંથી ઉદભવેલો ઔપચારિક, વ્યાવસાયિક સંબંધ હતો. એ સંબંધ અંગત મૈત્રી અને પારિવારિક ઘનિષ્ટતામાં ફેરવાઈ શક્યો તેનું સંપૂર્ણ શ્રેય શાહ સાહેબની ધર્મનિષ્ઠ વિચારધારા, સાદગીમય જીવનશૈલી અને ઉમદા પ્રકૃતિને ફાળે છે.

વ્યાવસાયિક બાબતોમાં શાહ સાહેબ જેટલા વ્યવહારકુશળ હતા એટલા જ માનવીય સંબંધોમાં તેઓ ધર્મનિષ્ઠાવાન હતા. ધર્મના રીતરિવાજના પાલનની બાબતે તેઓ ચુસ્ત હતા, પરંતુ ધર્મના સિદ્ધાંતો અને ઉપદેશોની સરળ સમજ તેમણે ગ્રહણ કરી હતી અને પોતાના જીવનમાં ઉતારી હતી. તેનું સીધું પ્રતિબિંબ જીવન પ્રત્યેના તેમના સાધુમય અનુરાગમાં જોવા મળે છે.

પોતાની પ્રકૃતિ અને મૂલ્યો સાથે મેળ ખાતી વ્યક્તિઓ સાથે તો તેમના સંબંધ ઊંડાણભર્યા તો રહેતા જ, પણ તે સિવાય તેમની સાથે પરિચયમાં આવેલ કોઈ પણ વ્યક્તિ સાથે પણ તેઓ કોઈ જાતના ભાર વિના સંબંધ બાંધી શકતા અને જાળવી પણ રાખી શકતા. આ વાતની સાહેદી માટે એક ઉદાહરણ જ પુરતું થઈ રહેશે. અનુપ એન્જિનીયરિંગના કાર્યકાળ દરમ્યાન તેમને વેચાણની વાટાઘાટો માટે અતુલ લિ.ની મેનેજમેન્ટ સાથે બહુ સારો પરિચય થયો હતો. એરિશ ચાલુ કર્યા પછી શાહ સાહેબને એ જ માન અને સ્વીકૃતિ અતુલમાંથી મળ્યાં. જેના ફળ સ્વરૂપે મહદ અંશે એક જ ગ્રાહક પર નિર્ભર રહીને પણ એરિશને કામની ક્યારેય ખોટ ન પડી. એટલું જ નહીં પણ એ કામના અનુભવે આજે એરિશ મધ્ય-કદની ઓટોકલેવ માટે નિપુણ અને વિશ્વસનીય પુરવઠાકાર તરીકેનું સ્થાન ભોગવે છે.

શાહ સાહેબના સંપર્કોની મદદથી એરિશનાં શરૂઆતનાં વર્ષોમાં આવેલા ટેકનીકલ પડકારોના ઉકેલો શીખવામાં તેમજ અમલ કરવામાં મને પણ બહુ જ મદદ મળી. પ્રેસર વેસલ ઉત્પાદનને લગતા કોડ્સ વગેરેની મને જે સમજ પડી છે તે શાહ સાહેબના સંપર્કો દ્વારા જ્ઞાનના વિના સંકોચ મને થયેલાં હસ્તાંતરણને જ આભારી છે. ૧૯૯૨પછી મેં અલગ માર્ગ પર મારી કારકિર્દી આગળ ચલાવી તે પછી પણ શાહ સાહેબના એ બધા મિત્રોની મને મદદ અને માર્ગદર્શન મળતાં જ રહ્યાં.

૧૯૯૨ માં કારકિર્દીની મારી અંગત પસંદગીને કારણે અમારે વ્યાવસાયિક સ્તરે અલગ પાડવાનું થયું. એ સમયે પણ શાહ સાહેબે બહુ જ મોટું મન રાખીને પરિસ્થતિને સહજ બનાવી. એ તબ્બકે, જ્યાં સુધી તેમનો પુત્ર, રાજેશ, તેમની પડખે આવા સક્ષમ થયો ત્યાં સુધી તેમણે જે રીતે એકલા હાથે એરિશનું સુકાન બહુ જ સફળતાપૂર્વક સંભાળ્યું તે તેમની વ્યાવસાયિક કુનેહનું બહુ મોટું પ્રમાણ છે. વયની માંગ અનુસાર તેમણે એટલી જ વિરક્તિથી એરિશનો સંપૂર્ણ અખત્યાર રાજેશને સોંપી પણ દીધો અને તેમના જીવનને વધારે ધર્મમય બનાવ્યું. જીવનમાં આ બધાં પરિવર્તનો તેમણે જે સહજતાથી અપનાવ્યાં તે તેમની ધર્મપ્રત્યેની આધ્યાત્મિક કક્ષાની અનુભૂતિનું આ જીવન દરમ્યાન જ પ્રાપ્ત થયેલ ફળ બની રહ્યું.

શાહ સાહેબ અને નિર્મળાભાભી

વ્યાવસાયિક સંબંધે અમારા માર્ગ ફંટાયા તે પછી પણ શાહ સાહેબે અમારા મૈત્રીના સંબંધમાં જરા પણ ઓટ ન આવવા દીધી, બલ્કે તેને વધારે પ્રગાઢ કરી. તેમણે એરિશના બૉર્ડ પર મને આગ્રહપૂર્વક ચાલુ રાખ્યો. ૨૦૧૧ માં જ્યારે મેં મારી વ્યાવસાયિક કારકિર્દીમાંથી નિવૃતિ લીધી ત્યારે મેં તેમને એ ઔપચારિક જવાબદારીમાંથી મને મુક્ત કરવાની વિનંતી કરી. ત્યારે, તેમણે જ નહીં, રાજેશે પણ ક્ષણભરનો વિચાર કર્યા વિના ‘એમ નથી કરવાનું’ કહીને હવે તો સાવ નામ ખાતર જ મને બૉર્ડ પર ચાલુ રાખ્યો. શાહ સાહેબ, અને તેમનો પરિવાર, સંબંધોને પણ કેટલું મહત્વ આપે છે તેનું આ તો હું એક બહુ સાધારણ ઉદાહરણ જ ગણું છું.

૨૦૧૧ પછી અમારા વચ્ચે એક એવી વણકહી સમજણ નક્કી થઈ હતી કે સામાન્યપણે, તેમને અનુકૂળ હોય ત્યારે, શાહ સાહેબ જ ફોન કરશે. એ વ્યવસ્થા મૂજબ એકદમ નિયમિતપણે તેમનો ફોન બે ત્રણ અઠવાડીએ અચૂક આવે અને એકબીજાના તેમજ અન્યોન્યના પરિવારના ખબરઅંતર પૂછવા ઉપરાંત બીજા કેટલાય વિષયો વિષે અમારે વાત થાય.

વધતી જતી ઉમરના હિસાબે હવે આટલી આત્મીયતાથી વાત કરી શકાય એવા મિત્રો ઘટતા જાય છે એવો સુર છેલ્લા થોડા સમયથી એમની વાતમાં આવતો રહેતો. તે વખતે એવી તો કોને ખબર હોય કે જીવનના મંચ પર એ સંવાદ કરનાર પાત્ર તરીકે તેઓ મને એકલો મૂકી જશે !

આજે આ લખતાં જ્યારે શાહ સાહેબની લાગણીની એ જ હુંફ અનુભવાય છે ત્યારે એટલો રંજ રહે છે કે અમે જે વર્ષો મુન્દ્રા હતાં એ સમયમાં કચ્છના જૈન ધર્મનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે હું તેમને ભારપૂર્વક મનાવી ન શક્યો. રંજ તો એ વાતનો પણ રહે છે કે છેલ્લાં એકાદ બે વર્ષમાં જેટલું વધારે મારે એમને રૂબરૂ મળવું જોઈતું હતું એટલું મળી શકાયું નહીં. છેલ્લે, ડિસેમ્બર ૨૦૨૫ માં, પૂણે જતાં પહેલા (મારા પુત્ર) તાદાત્મ્ય સાથે આપણે જરૂર મળીએ એવી એમની ઈચ્છા પુરી કરી શકાઈ એટલો સંતોષ માનીને મન મનાવી લેવું પડે છે.