Showing posts with label દિવ્ય ભાસ્કરનો 'કળશ'. Show all posts
Showing posts with label દિવ્ય ભાસ્કરનો 'કળશ'. Show all posts

Thursday, February 23, 2012

૨૨ ફેબ્રુઆરી,૨૦૧૨ની દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃતિની કળશ પૂર્તિમાં શ્રી મધુ રાયની કૉલમ 'નીલે ગગનકે તલે'ના "દો દિલોં કી દાસ્તાં : મિસ્ટર બી અને ડાક્ટર પી" લેખ પરનો પ્રતિભાવ


ભાઇશ્રી મઘુ રાય 'ગગનવાલા'એ આજે માનવ સ્વભાવની સહુથી મોટી નબળાઇ - લોભ -ને એક વાર ફરીથી ખુલ્લાં આકાશમાં ખુલ્લી કરી આપી.
માનવ લોભની કથાઓ આદમથી શરુ થઇ અને દરેક યુગ યુગામી અવનવાં સ્વરૂપે થતી આવી છે, અનુભવાતી આવી છે અને ભુલાતી આવી છે.
મહાભારતમાં જૂગટૂં - દેશી ભાષામાં જૂગાર- રમવાનો મોહ યુધિષ્ઠીર જેવા સંપુર્ણ સત્યવાદીને પણ લાગી જતો  હોય છે તેમ કહીને તેનાં સર્વવ્યાપી દુષણને ઉઘાડું પાડી લોકોને તેનાથી વિમુખ કરવાનો હેતુ હતો. પણ માનવીની બુધ્ધિ જો અવળો અર્થ ન કાઢે તો માનવ-બુધ્ધિને લ્યાનત ન લાગે? એટલે સત્યનિષ્ઠ લોકોને જુગાર જેવી આવડત હોવી તે તો આર્થિક વિકાસનું મહત્વનું પરીબળ ગણાવાયું!
આ જૂગારનું આર્થિક વ્યવહારનું સ્વરૂપ તે સટ્ટો. કોઇપણ ચીજવસ્તુની ભવિષ્યમા થનારી ઉપલબ્ધી, તેની માંગ અને તેઓનાં પરિણામે તેના ભાવનો અડસટ્ટો લગાવતાં લગાવતાં સટ્ટાની લત ક્યારે લાગી જાય તે 'પ્રબુધ્ધ' માનવીને ખબર નથી પડતી! [લો, કરો વાત!]
તેમાંય ૨૦મી સદીના મધ્ય બાદ અર્થશાસ્ત્રના અન્ય જ્ઞાનશાખાઓસાથેના વધતા ગયેલા ઘરોબાને કારણે શુધ્ધ એન્જીનીયરીંગ ભણેલાઓ પણ નાણાં સંચાલનના અધિપતીઓ બનતા ગયા, નાણાંના વ્યવહારો બની ગયા ઉપભોગતા ઉત્પાદનો, ચોરે અને ચૌટે શૅર બજારના આટાપાટાની ટીપ્સ ગુંજતી થઇ ગઇ.
આમ પણ જે ગામમાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા મરતા તો સાંભળ્યા નથી જ, તો અહીં તો તે જંક બૉન્ડમાં રોકાણ કરી ને કચરામાંથી કચરાલાલ કહેવાતાં હૅજ ફંડોનાં હાટડાંઓ ખોલી નાંખીને લોકોને ધોળે દિવસે હથેલીમા ચાંદ - તે પણ બેદાગ, પુનમનો ચાંદ - બતાડવાના વ્યવસાયના મુખ્ય સંચાલકોને લાખો ડૉલરના દરમાયા મળતા થઇ ગયા. આ સંપત્તિ સંચાલન પધ્ધતિ ને પેલી સંચાલન જાળવણીની રસમો શિખવાડીશું તેવાં લોભામણાં વચનોથી આંજી નાખી ને પોતાનો રોટલો શેકવા માટે આમ આદમીને ધુતારા થવાના ફાયદા શીખવવાની શાળા /કૉલૅજો ખોલી દીધી. સફેદ કપડાં પહેરીને કોલસાની દલાલી કરવાથી કપડાં પર દાગ લાગે તે તો કોલસાનો વાંક પણ સાબિત કરી નંખાયો.
માનવીના લોભને સામ્યવાદમાં કે સમાજવાદમાં કે બજારોન્મુખ મૂડીવાદમાં સરખું જ ઉત્તેજન મળતું રહ્યું. કારણકે મોસાળીયા જાનૈયા અને મા પીરસે તેવો ઘાટ હતો ને
ભગવાનને મહાભારતનાં એ પ્રખ્યાત જૂગટાંના ખેલ દરમ્યાન જ આવું બધું થશે તેનો અડસટ્ટો આવી ગયો હશે, એટલે ક્યાં તો તે પણ હવે 'લોભ'ને ધર્મની ગ્લાની નથી ગણતા અથવા તો આ અધર્મ હવે તેમની ક્ષમતાથી પણ પર થઇ ગયેલ ગણતા થઇ ગયા જણાય છે. એટલે જે તો હવે તે પોતે જન્મવાનું નામ નથી લેતા! હજારે માંડ એક અણ્ણા કે પ્રીત ભરારા જેવા કાળા માથાના માનવી ને આઠ આઠ કોઠાના ચક્રવ્યૂહ ભેદવા આગળ કરી દે છે. "તમે જાણો અને તમારૂં કામ જાણો, મને વૈકુંઠમાં હેરાન કરવાનું બંધ કરો" તેવાં પાટીયાંઓ લગાવી દીધાં છે.
સાહિર લુધીયાનવીએ 'વો સુબહ કભી તો આયેગી'ની નિરાશામાંથી 'વો સુબહ હમીં સે આયેગી'ની આશા જોઇ હતી, તો આપણે પણ તે આશાને ફળીભૂત થવાની સુબહની રાહ જોઇએ?

Sunday, December 4, 2011

દિવ્ય ભાસ્કર, અમદાવાદ, ૨૩-૧૧-૨૦૧૧ની 'કળશ' પૂર્તી - ભાગ - ૨


આની પહેલાંની આ વિષયની પૉસ્ટના સંદર્ભમાં  જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને અહીં અલગથી રજૂ કર્યું છે. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.

'કૅચફ્રૅઝઃ સકસેસકા સુપરહિટ ફોર્મ્યૂલા' [‘વિહાર - કાના બાટવા]માં હાલમાં જેનું ચલણ વધારે છે તેવી જાહેરાતોની મદદથી એડ્વર્ટાઇઝીંગની દુનિયાની જાની-પહેચાની ઘટનાઓને ખુબ જ રસદાર માહિતિનાં સ્વરૂપમાં રજૂ કરાઇ છે.શ્રી બાંટવાએ અતિ પરિચિત ઉદાહરણોની મદદથી માર્કેટીંગ મૅનૅજમૅન્ટના વર્ગોમાં કે એડ્વર્ટાઇઝીંગ વિશ્વના નવોદિતોને વર્ષોથી શીખવાડાઇ રહેલ 'ટૅગલાઇન'નું મહત્વ લેખની શૈલિ અને વસ્તુમાં  બખૂબી વણી લીધું છે. કૅચફ્રૅઝના રાજકારણ, વ્યવસાય અને રોજબરોજનાં જીવનમાં થતા પ્રયોગોના ઉલ્લેખથી લેખ સભર બન્યો છે. બીજી એક વાત, કૅચફ્રૅઝના સમાનાર્થ તરીકે રૂઢપ્રયોગનો પ્રયોગ જામ્યો નહીં!

શ્રી જ્વલંત છાયાએ "આર.કે.લક્ષ્મણ - અનકોમન મૅન" ['સંવાદ']માં શ્રી લક્ષ્મણના આમ આદમીની અસામાન્ય બાબતોને ખાસી જીણવટથી આવરી લીધી છે. આ રીતે તેઓ શ્રી લક્ષ્મણની શૈલિ અને ફિલૉસૉફીને તેમ જ વાંચકોની અપેક્ષાએ ખરા ઉતર્યા છે. શ્રી લક્ષ્મણએ 'આપાતકાલ'ના દિવસોમાં TOIમાંની 'You Said It’ની ચોક્કસ જગ્યાને ખાલી રાખીને આગવીરીતથી તેમનો વિરોધ નોંધાવેલ.તેમ છતાં તેમનાં કાર્ટૂનમાં પ્રદર્શીત થવું એ બહુ સન્માનીય ધટના ગણાતી. TOIના અસંખ્ય વાંચકો, 'અસામાન્ય' આર કે લક્ષ્મણના આપના આ 'સામાન્યચાહક સુધ્ધાં,નો દિવસ 'You Said It' વાચ્યાવગર આખો દિવસ બગાસાં ખાતાં જતો.

"રાજ્યોનું વિભાજનઃ સારા વહીવટની ચાવી" ['તડ ને ફડ']માં શ્રી નગીનદાસ સંઘવીની સુખ્યાત શૈલિથી અતિક્રમીને તેમણે પ્રસ્તુત વિષયની ચર્ચામાંઅન્ય ઉદાહરણોપણ ટાંક્યાં છે.જો કે આ અન્ય ઉદાહરણોનાં પરિણામોમાટેનાં કારણભૂત પરીબળો સમાન હોય તે જરૂરી નથી.

શ્રી અનિલ જોશીએ "એ લોકો બૌધ્ધિક નહીં, હોશીયાર હોય છે.."['કાવ્ય વિશ્વ']માં મીઠાંનાં પાણીમાં પકવેલા કવિતાના કોરડા મારવામાં જરા પણ શરમ નથી ભરી.એકબીજાની પીઠ થાબડીને 'હું સારો, તું સારો'ની [આજના] બૈધિકોની મનોદશાપર સૌમ્ય ભાષામાં આનાથી વધરે તિક્ષ્ણ કટાક્ષ પહેલાં નથી વાચ્યા.

તે જ રીતે વર્ષા[બેન] પાઠકે પણ ખુશામતખોરીસામે સામે બંડ જ પોકાર્યું છે.["પપૂ,ધધુ,સંશિ, ,ખ .. ઝ,જ્ઞ?"-'આપણી વાત'] વખાણને ચમચાગીરીમા ઢળી જતાં કેમ વાર નથી લાગતી તે આ લેખના વાચકોને સટાસટ સમજાઇ જશે.[મુકેશભાઇ મોદીના પ્રયત્નો એળે તો નહીં જાયને? ( "છત્રીસની છાતી જોઇએ વખાણ કરવા!" - 'Small સત્ય')] ખુશામતનાં આ સાધનોનો ત્યાગ તો ગૌતમના ગૃહત્યાગથી પણ વધારે કઠીન પરવડી શકે છે.

"બેંડ - બાજા - બારાત" ['La-ફ્ટર' - વિનય દવે]વાંચતાં વાંચતાં  આજનાં લગ્નોપાછળના ખર્ચા અને મહેનત એક આંખમાં હાસ્ય તો બીજી આંખમાં આંસુ લાવી દે છે. આશા રાખીએ કે આ 'વૈભવી' વ્યર્થ ખર્ચાને બદલે પ્રસંગોચિત ઉજવણી દ્વારા આ લેખને સફળતા મળે!

શ્રી મનોજ શુક્લએ ["માતા પ્રત્યેનો પ્રેમઃ આપણા સંસ્કારી હોવાનો પુરાવો" ('ખુલ્લી વાત ખૂલીને')] 'મા'ના પ્રેમથી ભલભલા "પુરૂષો"ને દિલમાંતો રોવડાવ્યા હશે,ભલે સ્ત્રી-ભૃણ બાબતે તે લાગણી બાષ્પીભવન થઇ જતી હોય.

"વ્યાવસાયિક ક્ષેત્રમાટે વર્કફૉર્સ તૈયાર કરતીઃ ટિમલીઝ" ['સ્ટ્રૅટૅજી & સક્સેસ']માં શ્રી પ્રકાશ બિયાણી આ વખતે પહેલી પેઢીના સફળ વ્યવસાય-સાહસિકોની વાત રજૂ કરવાની સાથે સાથે Unemployable youthના બહુ જ સમયોચિત વિષયપર આપણું ધ્યાન ખેંચી રહ્યા છે. એક તરફ માધ્યમિક શિક્ષણપછીનો તરૂણ અને ઉચ્ચ શિક્ષણ પછીના યુવાનને નોકરીના બજારમાં 'સેલ'માં વેંચાવામાટે લાઇન લગાડવી પડે છે તો બીજી બાજૂ સ્નાતકની પદવીપછીથી ન છૂટકે અનુસ્નાતકની છાપ મરાવવામાટે આવેલા માલથી યુનિવર્સીટીઓ છલકાય છે. આમ જેનાં ઉત્પાદનો બજારની અપેક્ષાએ ઉણાં પડી રહ્યાં છે તે ખનગીકરણ થયેલ શિક્ષણ વ્યવસાય 'સૂર્યોદય' ઉદ્યોગ ગણાય અને તે ગંગામાં હાથ ધોવામાં હાથ ધોવામાટે પણ લાઇન લાગે તે સમજાય છે?

પડોશના "સોફિયાને મળવું ગમશે?"માં ['સાયબર સફર'] શ્રી હિમાંશુ કીકાણીએ 'સોફિયા' જેવી એપ્પલીકેશનની મદદથી આશાનું કિરણ તો કરી આપ્યું છે,પણ લેખના અંતમાં તેમનો 'જો'નો ઉપયોગ ફરીથી ચિંતામાં નાખી દે છે.
'કળશ'ના આ અંકમાટેના વિચારોને લિખિત પ્રતિભાવનું સ્વરૂપ આપવાની પ્રેરણાનું શ્રેય "છત્રીસની છાતી જોઇએ વખાણ કરવા!"ને ['Small સત્ય' - મુકેશ મોદી] પણ આપવું જોઇએ.વખાણની જરૂર તેમણે સુપેરે સમજાવી છે તો સાથે સાથે ચાપલુસીની ભેદરેખા પણ દોરી બતાવી છે.માનસશાસ્ત્રનાં 'પ્રશંસા'પર ગ્રંથસ્થ થયેલાં સંશોધનો ઉપરાંત પણ બહુ થોડા લોકોએ પ્રશંસાને, પ્રોત્સાહનનાં માન્ય સાધન તરીકે કે ચમચાગીરીનાં દેખીતાં હથીયાર તરીકે,લલિત કળાના દરજ્જાનું સ્થાન આપ્યું છે. પરંતુ તે જણાય છે તેટલું સરળ કેમ નથી તે આ લેખ વાંચીને સમજાઇ જશે.

પુનરાવર્તનનાં પુનરાવર્તન જેવા સાહિત્યના વિજ્ઞાનના સિધ્ધાંતની શુશ્ક્તા શ્રી મધુ રાય [ઠાકર]ને રસપ્રચુર કરીને માખણની જેમ ગળેથી ઉતારી દેવામાં જરૂર  સફળ રહ્યા છે.["ગફલત તે ગફલતને ગફલત છે" - 'નીલે ગગન કે તલે' - મધુ રાય]. મને તો તેમની અંગ્રેજીની ભેળસેળીયા છાંટ વગરની (ગુજરાતી, માત્ર ગુજરાતી અને ગુજરાતી સિવાય કંઇ જ નહીં) ભાષાપણ એટલીજ અસરકારક, આધુનિક અને રમતિયાળ હતી તેવું બરાબર યાદ છે.સીતાફળની બાસુંદીમાં જેમ તેના ઠળીયા કઠે તેમ (મારી દ્રષ્ટિએ) બીનજરૂરી અંગ્રેજી ભાષા વાપરીને તેઓ શું સિધ્ધ કરી રહ્યા છે તે સમજાયું નથી. જો કે શ્રી ચંદ્રકાત બક્ષી પણ ભારેખમ ઉર્દુ શબ્દોનો પ્રયોગથી તેમની અન્યથા આધુનિક, પ્રભાવશાળી શૈલિને (કદાચ) બીનપરંપરાગત સિધ્ધ કરતા હતા તેમ પણ મારૂં માનવું છે.

"બેઇલઆઉટઃ મા, મને કોઠીમાંથી કાઢ!" ['શબદ કીર્તન']માં તો શ્રી પરેશ વ્યાસે આપણાં ‘Bail out’નાં જ્ઞાનને વિના અરજીએ ‘Bail out’ કરી આપ્યું છે.

શ્રી બકુલ દવે "ઘરડા નહીં, પરિપક્વ થઇએ"માં ['અક્ષયપાત્ર'] ઘડપણને બહુ સલુકાઇથી વૃધ્ધત્વમાં નીખારી નાખે છે, તો શ્રી અજય નાયક "મને ઓળખે છે તું?!"માં ['નાવીન્ય'] અહંકારનાં પડળ ચપટીમાં સાફ કરી નાખે છે.આખી જીંદગી નીકળી જાય તો પણ આપણે કોણ છીએ તે યક્ષપ્રશ્નનો જ્વાબ ન મળે તે વિધાન તો આજનાં guided missileની જેમ તેનું નિશાન પાર પાડે છે.
પણ ખરા નસીબદાર તો કહેવાવા જોઇએ શ્રી ચેતન ભગત. શ્રી વિનોદ મહેતાની ખુબજ પૂર્વ-પ્રસિધ્ધિનાં ડંકાનિશાનથી સવાર પુસ્તકને 'જરૂર વાચવું'જેવી નવાજીશ પણ પાનાંની પાદનોંધમાં શોધવી પડે, જ્યારે શ્રી ચેતન ભગતની 'રિવોલ્યૂશન ૨૦૨૦'ને  મજા ન આવી જેવી ભારેખમ ટીકામાટે શ્રી જયેશ્ભાઇની પૂરી કૉલમ બબ્બે વાર મળે.[ "રિવોલ્યૂશન ૨૦૨૦'ને  એક ભ્રમ છે'- ચેતન ભગત" - 'મૂડ ઇન્ડિગો' - જયેશ અધ્યારુ] જો કે ‘Outlook’ નો તો હું તેની શરૂઆતથી જ વાચક છું અને ચેતન ભગતના TOIપરના લેખ/ બ્લૉગ પણ મારામાટે રસપ્રદ વાંચન રહેલ છે, તેમ મારે અત્રે કહેવું તો જોઇએ..

ઇશ્વરની સર્વવ્યાપકતાને "તમે ક્યાં છો અને ક્યાનૂ સરનામું આપો છો"ની મદદથી શ્રી સંજય છેલ કેવી આસાનીથી સમજાવી જાય છે.["ભગવાન ભવનમેં ભીડ હૈ ભારી, સુણો અરજ હમારી" - અંદાઝે બયાં]. આટલા ગહન વિષયને એટલા જ મુશ્કેલ સિધ્ધાંતની સાથે જોડીને એટલી જ સરળતાથી  ડૉ. જે.જે.રાવળએ 'જન્મભૂમિ પ્રવાસી'માની તેમની લેખમાળામાં થોડાં અઠવાડીયાં પહેલા સમજાવ્યું છે.

Monday, November 28, 2011

૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક - એક અનેરો અનુભવ - ભાગ - ૧

૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક એક અનેરો અનુભવ રહ્યો.
લગભગ દરેક લેખ પોતપોતાનાં ક્ષેત્રમાં તેની પરકાષ્ઠાની કક્ષાએ જણાયો.
સમાન્ય રીતે, દરેક અંકમાં થોડા લેખ આટલા સારા થયા હોય તેમ થતું હોય.એટલે, તે લેખોને આનંદીએ અને અંદરોઅંદર,મિત્રોસાથે કે કુટુંબીજનોસાથે,સક્રિય ઉત્સાહથી ચર્ચાઓ કરીએ એટલે વાત થાય પૂરી.
પરંતુ આ અંકની મજાને કારણે પેદાથયેલાં વિચારવમળ તમારી સાથે પ્રતિભાવનાં સ્વરૂપે પહોંચાડવા માંગું છું.
તમે અને તમારી તંત્રી ટીમ મૅનૅજમૅન્ટની અખબારના - રોજ બ રોજ તેમ જ વરસો વરસ, ફેલાવા અને અન્ય સ્પર્ધામાંનાં અખબારોની સરખામણીમાં બજારનો હિસ્સો જેવી નિતિવિષયક માર્ગદર્શિકાઓ, અખબારની જ અન્ય પૂર્તિઓ તેમ જ અન્ય અખબારોની સમકક્ષ પૂર્તિઓ તેમ જ આ જ પ્રકારનાં અન્ય પ્રકાશનો સાથે સ્પર્ધાત્મક તેમ જ ગુણાત્મક સરખામણી; તમારી પોતાની વ્યક્તિગત તેમ જ તમારી તંત્રી ટીમની તમારી પોતાની સર્જનાત્મક અપેક્ષાના સદર્ભે કામગીરીની તેમ જ આ ક્ષેત્રના માન્ય લોકોદ્વારા ઔપચારિક તેમ જ અનૌપચારિક મુલવણી, સમગ્ર અંક નાં આયોજીત સ્વરુપ તેમ જ આવરી લેવાતી સામગ્રી તેમ જ કોઇ એક લેખના સદર્ભે  તમારા વ્યાવસયિક ક્ષેત્રની તેમ જ સાહિત્ય ક્ષેત્રના અન્ય માન્ય લોકોની દ્રષ્ટિમાં તમારૂ સ્થાન જેવા અનેક પરિબળોના પરિપ્રેક્ષ્યને કારણે થતાં દબાણોની હું સારીરીતે કલ્પના કરી શકું છું.
આ બધી દ્રષ્ટિકોણથી વિચારીએ તો ,કમ સે કમ,તમારા લગભગ બધા જ પ્રકારના વાચકોમાટે 'કળશ'ની આગવી ઓળખ જરૂર થઇ ચૂકી છે.
જો કે હું તમારા કેટલાક લેખકોની સરસ લખાયેલાં ગુજરાતીમાં કારણ વગરનાં અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરવાની શૈલી સમજી નથી શક્યો. જ્યાં ગુજરાતી શબ્દનો પ્રયોગ શ્રી ભદ્રંભદ્રની યાદ અપાવે અથવા તો અંગ્રેજી શ્બ્દ કોઇપણ સામાન્ય ગુજરાતીની વાતચીતની ભાષામાં પણ સહજરીતે વપરાતો હોય ત્યાં અંગ્રેજી શબ્દ વાપરવામાં આવે  તે સમજી શકાય અને સ્વિકાર્ય છે. સિવાય કે '૮૦ પછીનીઅડધાંપડધાં અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં અને હવે તેમનાં બાળકોસાથે ગુજ્જુગ્રેજીમાં વાત કરે તો જ મૉડર્ન  કહેવાવાય એ પેઢીને ધ્યાનમાં રાખીને આ શૈલિ પ્રયોગ કરાતી હોય તો પછી કંઇ કહેવામાટે રહેતું નથી.
'કળશ' તેના વાચકના રસને કેળવી શકે એવાં અન્ય પ્રકાશનો, જેવાં કે ચિત્રલેખા,ની કક્ષાએ પહોંચી ચૂક્યું છે. એટલે 'કળશ' ઇચ્છે તો તે તેના વાચકોને 'સારાં' ગુજરાતીની ટેવ જરૂર પાડી શકે. જો કે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવી તેવા બીન-વ્યાવસાયિક ઉદ્દાત આદર્શો સેવવા કે નહીં તે તમારી એડીટોરિયલ ટીમ તેમ જ દિવ્ય ભાસ્કર મૅનૅજમેન્ટનો અબાધિત હક છે, તેથી મારા જેવા વાચકે તે અંગે માત્ર પોતાની લાગણીને વાચા આપી અટકી જવું જોઇએ.
તમને, તમારી તંત્રીગણ ટીમ અને તમારા લેખકોને સાંપ્રત વિષયો, આધુનીક ભાષામાં ઉચ્ચ વ્યાવસાયિક માપદંડથી સજ્જ શૈલિમાં સરસ ગુજરાતી વાંચન, દર અઠવાડીએ પીરસવામાટે અભિનંદન અને અભાર.


આશોક વૈષ્ણવ

P.S.
-- 'કળશ'નાં તંત્રીમંડળને લખેલો પત્ર
--- આ અંકના જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને આ સાથે અલગથી પૉસ્ટ કરીશ. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.