૨૩-૧૧-૨૦૧૧નો 'કળશ'નો અંક એક અનેરો અનુભવ રહ્યો.
લગભગ દરેક લેખ પોતપોતાનાં ક્ષેત્રમાં તેની પરકાષ્ઠાની કક્ષાએ જણાયો.
સમાન્ય રીતે, દરેક અંકમાં થોડા લેખ આટલા સારા થયા હોય તેમ થતું હોય.એટલે, તે લેખોને આનંદીએ અને અંદરોઅંદર,મિત્રોસાથે કે કુટુંબીજનોસાથે,સક્રિય ઉત્સાહથી ચર્ચાઓ કરીએ એટલે વાત થાય પૂરી.
પરંતુ આ અંકની મજાને કારણે પેદાથયેલાં વિચારવમળ તમારી સાથે પ્રતિભાવનાં સ્વરૂપે પહોંચાડવા માંગું છું.
તમે અને તમારી તંત્રી ટીમ મૅનૅજમૅન્ટની અખબારના - રોજ બ રોજ તેમ જ વરસો વરસ, ફેલાવા અને અન્ય સ્પર્ધામાંનાં અખબારોની સરખામણીમાં બજારનો હિસ્સો જેવી નિતિવિષયક માર્ગદર્શિકાઓ, અખબારની જ અન્ય પૂર્તિઓ તેમ જ અન્ય અખબારોની સમકક્ષ પૂર્તિઓ તેમ જ આ જ પ્રકારનાં અન્ય પ્રકાશનો સાથે સ્પર્ધાત્મક તેમ જ ગુણાત્મક સરખામણી; તમારી પોતાની વ્યક્તિગત તેમ જ તમારી તંત્રી ટીમની તમારી પોતાની સર્જનાત્મક અપેક્ષાના સદર્ભે કામગીરીની તેમ જ આ ક્ષેત્રના માન્ય લોકોદ્વારા ઔપચારિક તેમ જ અનૌપચારિક મુલવણી, સમગ્ર અંક નાં આયોજીત સ્વરુપ તેમ જ આવરી લેવાતી સામગ્રી તેમ જ કોઇ એક લેખના સદર્ભે તમારા વ્યાવસયિક ક્ષેત્રની તેમ જ સાહિત્ય ક્ષેત્રના અન્ય માન્ય લોકોની દ્રષ્ટિમાં તમારૂ સ્થાન જેવા અનેક પરિબળોના પરિપ્રેક્ષ્યને કારણે થતાં દબાણોની હું સારીરીતે કલ્પના કરી શકું છું.
આ બધી દ્રષ્ટિકોણથી વિચારીએ તો ,કમ સે કમ,તમારા લગભગ બધા જ પ્રકારના વાચકોમાટે 'કળશ'ની આગવી ઓળખ જરૂર થઇ ચૂકી છે.
જો કે હું તમારા કેટલાક લેખકોની સરસ લખાયેલાં ગુજરાતીમાં કારણ વગરનાં અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરવાની શૈલી સમજી નથી શક્યો. જ્યાં ગુજરાતી શબ્દનો પ્રયોગ શ્રી ભદ્રંભદ્રની યાદ અપાવે અથવા તો અંગ્રેજી શ્બ્દ કોઇપણ સામાન્ય ગુજરાતીની વાતચીતની ભાષામાં પણ સહજરીતે વપરાતો હોય ત્યાં અંગ્રેજી શબ્દ વાપરવામાં આવે તે સમજી શકાય અને સ્વિકાર્ય છે. સિવાય કે '૮૦ પછીનીઅડધાંપડધાં અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં અને હવે તેમનાં બાળકોસાથે ગુજ્જુગ્રેજીમાં વાત કરે તો જ મૉડર્ન કહેવાવાય એ પેઢીને ધ્યાનમાં રાખીને આ શૈલિ પ્રયોગ કરાતી હોય તો પછી કંઇ કહેવામાટે રહેતું નથી.
'કળશ' તેના વાચકના રસને કેળવી શકે એવાં અન્ય પ્રકાશનો, જેવાં કે ચિત્રલેખા,ની કક્ષાએ પહોંચી ચૂક્યું છે. એટલે 'કળશ' ઇચ્છે તો તે તેના વાચકોને 'સારાં' ગુજરાતીની ટેવ જરૂર પાડી શકે. જો કે ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરવી તેવા બીન-વ્યાવસાયિક ઉદ્દાત આદર્શો સેવવા કે નહીં તે તમારી એડીટોરિયલ ટીમ તેમ જ દિવ્ય ભાસ્કર મૅનૅજમેન્ટનો અબાધિત હક છે, તેથી મારા જેવા વાચકે તે અંગે માત્ર પોતાની લાગણીને વાચા આપી અટકી જવું જોઇએ.
તમને, તમારી તંત્રીગણ ટીમ અને તમારા લેખકોને સાંપ્રત વિષયો, આધુનીક ભાષામાં ઉચ્ચ વ્યાવસાયિક માપદંડથી સજ્જ શૈલિમાં સરસ ગુજરાતી વાંચન, દર અઠવાડીએ પીરસવામાટે અભિનંદન અને અભાર.
આશોક વૈષ્ણવ
P.S.
-- 'કળશ'નાં તંત્રીમંડળને લખેલો પત્ર
--- આ અંકના જે લેખની જે જે બાબતે લખવું છે તે તેનાં સ્વાભાવિક થઇ પડેલાં લંબાણને કારણે તેને આ સાથે અલગથી પૉસ્ટ કરીશ. લેખ અંક્માં જે ક્રમે પ્રસિધ્ધ થયેલ છે તે જ ક્રમ મેં પણ જાળવ્યો છે.
No comments:
Post a Comment