Showing posts with label Melodies. Show all posts
Showing posts with label Melodies. Show all posts

Tuesday, February 9, 2016

મેલૉડીઝ્‍, મુવીઝ્‍ એન્ડ મેમરીઝ્‍ - નલિન શાહ





 Melodies, Movies & Memories - નલિન શાહ © ૨૦૧૬
પ્રકાશક:સાર્થક પ્રકાશન, અમદાવાદǁ કિંમત રૂ. ૩૦૦/-
ISBN: 978 – 93 – 84076 – 17 – 7 ǁ ઑનલાઈન ખરીદી શકાય છે

ફિલ્મ-ઇતિહાસના ઊંડા અભ્યાસુ અને બહુખ્યાત લેખક નલિન શાહનાં પ્રથમ પુસ્તક Melodies, Movies & Memoriesની પ્રસ્તાવનામાં પુસ્તકના પ્રકાશકની ભૂમિકામાં ઉર્વિશ કોઠારી લખે છે : 'વિન્ટેજ હિંદી ફિલ્મોનાં સંગીત વિષે લખવું એ ગંગોત્રી વિષે કંઇ જ ખબર ન હોય તેમ છતાં ગંગા પરનાં દસ્તાવેજીકરણ કરવા બરાબર છે.' 
જો કે વિન્ટેજ ફિલ્મોએ કિશોર વયના સમયથી જ નલિન શાહનાં મનમાં મૂળિયાં ફેલાવી દીધાં છે. કિશોર નલિન શાહના વિન્ટેજ ફિલ્મો પરના લેખો એ સમયનાં ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થતા રહેતા હતા. આગળ જતાં તેમનો આ શોખ હવે ફિલ્મફેર, વજુ કોટક પ્રકાશિત ચિત્રલેખા જૂથનાં ૧૯૬૦- ૭૦ના દાયકામાં ખૂબ જ પ્રસારિત, ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રકાશિત થતું, 'જી', પ્લૅબૅક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ જેવાં ફિલ્મ જગતપરનાં સામયિકો ઉપરાંત ધ પાયોનીયર, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ, ધ હિન્દુ જેવાં અગ્રગણ્ય અખબારોમાં વિન્ટેજ ફિલ્મોના કળાકારો, સંગીતકારો કે ગીતોની આસપાસની ઘટનાઓ પરના બહુ અભ્યાસુ લેખોની ગંગા વહેરાવતો રહ્યો. 'મિડ ડે'માં તો તેમની કોલમ બહુ ઘણાં વર્ષો સુધી એકધારી ચાલતી રહી હતી. તેમના લેખોમાં વિષયનાં વૈવિધ્ય ઉપરાંત અન્ય 'પ્રખ્યાત' ફિલ્મ-લેખકોની ગપસપ અને પંચાત કે કહીસુની વાતોમાટે ક્યારે પણ જગ્યા નહોતી. તેઓ જે કંઇ લખે તે લાગતાં વળગતાં સૂત્રો પાસેથી ચકાસણી કર્યા બાદ જ લખતા.
સામયિકો અને અખબારો માટે લખવાને કારણે નલિન શાહને કલાકારોનાં અસ્તિત્વને, તેમની પોતાની ચમક દમકની દુનિયાની બહાર, આપણાં જગતનાં સામાન્ય માનવી તરીકે જોવાનો મોકો મળ્યો. ભારતીય જીવન વિમા નિગમના ડેવપમેન્ટ ઑફિસર તરીકેની તેમની આર્થિક ઉપાજન માટેની કારકીર્દીને કારણે તેમને ભારતનાં અનેક શહેરોમાં ફરવાનું પણ થયું. અહીં તેઓ જૂદા જૂદા કલાકારોને મળવાની તક ખોળી લેતા રહ્યા. આ મુલાકાતોએ નલિન શાહની વિચાર પ્રક્રિયાને સ્પષ્ટ કરવાની ભૂમિકા તો ભજવી જ પણ સાથે "હકીકતો"ને ચકાસવામાં (અને ક્યારેક, ફરી ફરીને ચકાસવામાં પણ) બહુ મદદ કરી. સરળ શૈલીમાં લખાયેલા, વિવિધ વિષયોને આવરી લેતા, લેખોમાં આ અનુભવો અને આદાનપ્રદાનોના નિચોડથી વાચકોને તેમણે તરબોળ કરી દીધા છે. તેઓએ કે એલ સાયગલ, નૌશાદ, ખેમચંદ પ્રકાશ, ન્યુ થિયેટર્સ, બોમ્બે ટૉકિઝ જેવા વિષયો પર પ્રત્યક્ષ નિદર્શનો સાથેનાં દૃશ્ય-શ્રાવ્ય વ્યકત્વ્યો પણ કર્યાં છે. પ્રસ્તુત પુસ્તકમાં તેમના ચુંટેલા લેખો એક સાથે માણવાનો અવસર આપણને મળેલ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફિલ્મ જગતનાં વિવિધ પાસાંઓ પર ઘણું લખાય અને પ્રસિદ્ધ થાય છે. તેમ છતાં એ પણ હકીકત છે કે, ગ્રામોફોન કંપનીઓ કે જાહેર પ્રસારણ માધ્યમો કે ફિલ્મો વિષે લખતાં લેખકો જેવાં ફિલ્મ જગત સાથે સંકળાયેલ વિવિધ ઘટકોએ પોતપોતાના સમયમાં ફિલ્મ-સર્જનનાં વિવિધ પાસાંઓ કે સંગીત કે ઇતિહાસને જાળવવામાં કે દસ્તાવેજ કરવામાં કંઈક અંશે ઉણાં પડ્યાં છે. બોલતી થયેલી ફિલ્મોના પહેલા બે દાયકાઓ વિષે મુદ્રિત કે જાહેર પ્રસાર માધ્યમો પર પાયાનું કામ કરી રહેલ લોકો જેટલું જ મહત્ત્વનું યોગદાન, ઇન્ટરનેટના પ્રસારમાં વેગ આવ્યા બાદ, ડીજીટલ ટેક્નોલોજીના બહુ જ અભિનવ વપરાશ વડે, કેટલાક મરજીવાઓ નોંધાવી રહેલ છે. નલિન શાહનું પ્રસ્તુત પુસ્તક એ બે દશકના ઇતિહાસનો જ માત્ર દસ્તાવેજ નથી કે નથી માત્ર વિવિધ ઘટનાઓ કે પાત્રોની આસપાસ વણાયેલી વાતોનું કથાનક. તેમની શૈલીમાં દસ્તાવેજી આલેખનની શુષ્કતા પણ નથી અને કથોનકોનાં વર્ણનોની અતિનાટ્યાત્મકતા પણ નથી. આ પ્રકારના વિષયો માટે ઉદાહરણીય ગણી શકાય તે સ્તરનાં ઊ્ચ્ચ ધોરણો જાળવી રાખવા છતાં, નલિન શાહ તેમનાં લખાણોની રજૂઆત બહુ રસાળ શૈલીમાં કરે છે. જે વ્યક્તિઓ કે ઘટનાઓ કે ગીતો સાથે તેમને અંગત સ્તરે વધારે ઘનિષ્ઠ સંબંધ રહ્યા છે, તેમના વિષે પણ તેઓએ હેતુલક્ષી, વ્યાવસાયિક, અંતર જાળવી રાખવા બાબતે ખાસ ધ્યાન આપ્યું જણાય છે. ઉદાહરણ સ્વરૂપે પુસ્તકનાં પહેલાં જ પ્રકરણ -In Search of Gold–માં રજૂ કરાયેલ આ તારણરૂપ અંશ જોઈએ:
'એ સમય પહેલાંનાં કે પછીનાં કોઈ પણ સંગીત કરતાં, ૧૯૪૦ના દશકનું સંગીત મારા માટે બહુ વધારે ચિત્તાકર્ષક રહ્યું છે. બહારની થોડી વધારે ચમકદમક છતાં, ૧૯૫૦ના દાયકાનું સંગીત પણ ઘણું  કર્ણપ્રિય હતું. વળતાં પાણીની શરૂઆત ૧૯૬૦ના દાયકાથી થઈ…. જો કે કોઇ પણ સમય માટે 'સુવર્ણ કાળ' તરીકે ઓળખાવા માટે  અન્ય સમયખંડ સાથેની પારસ્પરિક સરખામણી અને  એ સમયનાં વાતાવરણ જેવાં અનેક પરિબળો અધારભૂત બની રહેતાં હોય છે. એ પણ કદાચ એટલું સાચું છે કે જે કોઈ પણ સંગીતમાં નૈસર્ગિક મોહિની રહેલી હોય તેની અપીલને આ પ્રકારની સૈદ્ધાંતિક ચર્ચાઓ સાથે બહુ નિસ્બત નથી.'
પહેલી નજરે પુસ્તકમાં લેખોને કોઈ ચોક્કસ વ્યવસ્થા અનુસાર ગોઠવ્યા હોય તેવું ન જણાય, પણ થોડું ધ્યાનપૂર્વક નિહાળતાં, લેખોની પસંદગી અને ગોઠવણીમાં જૂદી જૂદી પેટર્ન જોઈ શકાય છે. પુસ્તકનાં પહેલાં વાંચનમાં મને વિષયની છણાવટ કેટલી લંબાણે કરાઈ છે તે તરાહથી પુસ્તકનો આસ્વાદ કરવાનું ગમ્યું.
કારકીર્દીના મધ્યાહ્નની ઝાકઝમાળથી કારકીર્દીના અસ્ત સમયની દરિદ્રતા કે એકલતાની વેદના (Sunrise to Sunset),અમુક ગીતોની પાછળના પ્રેરણાસ્ત્રોત (A Matter of Inspiration), ભારી અવાજ માટેનો પક્ષપાત(Heavy Obsession) જેવા વિષયોની બહુ રસપ્રદ તેમ જ માહિતીસભર રજૂઆત કરાઈ છે. 
લેખમાં ચર્ચા હેઠળના વિષયને બહુ સ્પષ્ટ્પણે સમજાવવા કે તેના પર ધ્યાન ખેંચવા માટે પસંદ કરાયેલાં ગીતોના સંદર્ભમાં પણ લેખકની વિષય માટેની ઊંડી સમજ અને પ્રીતિ દેખાઇ આવે. આજે કદાચ આપણી યાદોમાં ભૂલાવે ચડ્યા હોય, કે પછી સદા જવાન ગીતોની યાદ તરીકે સચવાયાં હોય, પણ અહીં યાદ કરાયેલાં સંદર્ભોચિત ગીતો, કથાનકમાં જે રીતે વણી લેવાયાં છે તે, વાચક માટે તો બોનસ જ પરવડે છે. 
આ સમયનાં અનેક પાત્રો સાથેની મુલાકાતો અને સંપર્કોને કારણે લેખક પાસે એકત્ર થયેલા અસંખ્ય વિરલ ફોટોગ્રાફ્સનો પણ બહુ વિવેક અને કળાપૂર્ણ ઉપયોગ પુસ્તકને સંગ્રહ કરવા લાયક પુસ્તકોની હરોળમાં લાવી આપવા માટે પૂરતો નીવડી રહે છે.
પોતાની કારકીર્દી પહેલાંની વિરમગામ સાથે સંકળાયેલી યાદોને ૬૮ વર્ષ પછી નૌશાદે નલિન શાહ સાથે તાજી કરી
સંગીતકાર બેલડીઓનાં તુટવા પાછળનાં કારણો અને તે પછીની પરિસ્થિતિઓ (Break Up of Duo) કે  હિંદી ફિલ્મનાં સૌ પ્રથમ સ્ત્રી સંગીતકાર (સરસ્વતી દેવી) કે ગીતોમાં તાલનું સ્થાન, મહત્ત્વ અને તેનો ઇતિહાસ (Rhythm in Music) કે પેટી-માસ્તરોની દંતકથા સમી દાસ્તનો (Legends of Peti- Masters) કે પછી સંગીતકારોની ગઈકાલની દશાની સામે આજની પરિસ્થિતિ (Then and Now) જેવા વિષયોને માટે લેખકે લખેલા લેખો ખપ પુરતા જ શબ્દો અને ઘટનાઓને ટાંકી કામ લેવાના પ્રયોગ વડે ચોટદાર અસર કરી રહે છે.
એક સંસ્થાગત વ્યવસ્થાના સંદર્ભમાં ફિલ્મ નિર્માણ કરતા સ્ટુડીયોનો વિલય (The End of an era – Studios and Institutions),  વિન્ટેજ સંગીતની યાદોને સાચવવામાં તારણહાર સ્વરૂપ ભૂમિકા ભજવવામાં હરમિ ન્દર સિંઘ 'હમરાઝ'ના 'હિંદી ફિલ ગીત કોશ' જેવું પાયાનાં યોગદાનો (Vintage Music – The Saviour) , હિંદી ફિલ્મ સંગીતની લોકપ્રિયતામાટે જેણે બહુ જ અનોખો પાઠ અ ભજવ્યો તેવો રેડિયો સિલોન અને તેના કાર્યક્રમો તેમ જ એ કાર્યક્ર્મો પાછળની વ્યક્તિઓ (Radio Ceylon: Jane Kahan Gaye Who Din ) જેવા લેખો આવા વિષયો વિષેની અપૂરતી, અધુરી કે ગલત સ્ત્રોત સાથે જાણ્યેઅજાણ્યે સંકળાઈ ગયેલ માહિતીઓના રેકર્ડ્સને સરખા કરી આપે છે. આ વિષયોની વિગતે ચર્ચા ફિલ્મને લગતાં સાહિત્ય અને લખાણો કે આજે થતાં ડીજીટલ નિરૂપણો માટે એક આદર્શ ઉદાહરણીય માર્ગદર્શિકા બની રહે તે બરની રહી છે. આ કક્ષાનાં નિરૂપણો (હિંદી) ફિલ્મોનાં વિવિધ પાસાંઓને ચાહક વર્ગમાં ફિલ્મો વિષે યોગ્ય સમજ કેળવી શકે તેમ જ ફિલ્મો માણવા માટે જરૂરી વૈવિધ્યપૂર્ણ દૃષ્ટિકોણ કેળવવાની પણ ભૂમિકા ભજવી શકે છે.
ફિલ્મોમાં ગીતકારોનું એક ખાસ સ્થાન રહ્યું છે. ફિલ્મનાં ગીતોના વિષયોને જૂદા જૂદા સમયે, જૂદા જૂદા ગીતકારોએ પોતપોતાની રીતે ન્યાય કર્યો છે (The Writer’s Dominance). ઘણા ગીતકારો તો સાહિત્યનાં ક્ષેત્રે પણ બહુમાન્ય નામો રહ્યાં છે. તેમની કેટલીક સાહિત્યિક કૃતિઓને ફિલ્મી ગીતોના સ્વરૂપે રજૂ કરવા માટે બહુ થોડા અપવાદો સિવાય સામાન્ય વર્ગને સુપાચ્ય બનાવાતી રહી છે (The Poet’s Lament). ફિલ્મનાં ગીતો, અને તેની પાછળ ક્યારેક આખીને આખી ફિલ્મને, સફળ બનાવવામાં ગીતકાર, સંગીતકાર કે ગાયક કે ગીતને પર્દા પર ભજવનાર અદાકારમાંથી સિંહફાળો કોનો ગણવો એ ચર્ચાને હંમેશાં ખાસ સ્થાન મળતું જ રહ્યું છે (The Song, ShAIR and the Star). ફિલ્મો કે ફિલ્મનાં ગીતોને લગતાં કોઈ એક પાસાંને સ્પર્શતા આ પ્રકારના લેખો પુસ્તકમાં એક સાથે મૂકાયેલા જોવા મળે છે.
લતા મંગેશકરના એક ગાયક તરીકે વિકાસ અને હિંદી ફિલ્મ સંગીતપરના એક સૌથી પ્રભાવશાળી પરિબળ તરીકે વિકાસમાં તેમની નૈસર્ગિક ક્ષમતા, તેમની સાધના કે તેમની વ્યાવસાયિક સૂઝ અને સંજોગોનો ફાળો કે અને કેટલો રહ્યો છે, ૧૯૪૭ બાદ નુરજહાન પાકિસ્તાન ન જતાં રહ્યાં હોત તો પરિસ્થિતિએ કયો આકાર લીધો હોત જેવા વિષયો સિવાયની ફિલ્મના ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં થતી કોઈ પણ ચર્ચા અધૂરી જ લાગે. પ્રસ્તુત પુસ્તકમાં લેખકે 'Daughter of Destiny – Why a Lata Can Not Be Rebornઅને Noorjehan, Lata and Partition   એવાં બે અલગ પ્રકરણોમાં આ ચર્ચાને બહુ સંતુલિત સુરમાં ન્યાય કર્યો છે.
ફિલ્મ ક્ષેત્રની કોઈ પણ વ્યક્તિ કે તેને લગતી ઘટનાની ચર્ચામાં નલિન શાહની કલમ જેટલી સંતુલિતપણે ચાલે છે તેટલી જ સ્પષ્ટ એ જ્યારે ફિલ્મજગતના ઍવોર્ડ્સ જેવા વિષયોની ચર્ચા કરતા -A Matter of Awards’, ‘Phalke, Who?કે An Award named ‘Lata Mangeshkar’- લેખોમાં ચાલે છે.
તે જ રીતે આજકાલ (અને આમ તો દરેક સમયે !) ઉગ્ર ચર્ચા સુધીની કક્ષાએ પહોંચી જતા ફિલ્મોમાં નૈતિક મૂલ્યો (Moral Values) જેવા વિષયોની બાબતે પણ નલિન શાહ પોતાના અભિપ્રાય બહુ જ સચોટ દાખલાઓ સાથે રજૂ કરે છે. દાઢમાં નાની કાંકરી રાખીને તેઓ નોંધે છે કે 'પોતાની ક્ષમતા પર ન વેંચી શકાય તેવી ફિલ્મના નિર્માતાઓ પૈકી કેટલાય નિર્માતાઓને પોતાનો માલ વેંચી કાઢવાના સ્વાર્થને કારણે આવી નકારાત્મક પ્રસિદ્ધિ અંદરખાને ગમતી હોય છે.'
આજના સમયમાં બહુ જ ચર્ચાને એરણે ચડતા રહેલા જૂનાં ગીતોને નવા ઢાળના વાઘા પહેરાવીને દેવાને ટેક્નોલોજીની મદદથી આજના યુગની સર્જકતા ગણાવી દેવી (The Menace of Remix) કે ફિલ્મો કે સંગીતની પાયરેટેડ નકલો જેવાં "દૂષણો" (Genesis of Piracy) જેવા વિષયોને પણ પુસ્તકમાં ઉચિત સ્થાન અને અવકાશ મળ્યો છે. લેખકે ફરી એક વાર બહુ સચોટ ઉદાહરણોથી નોંધ લીધી છે કે આ ઉદ્યોગની કાછડીની અંદર તો બધાં જ એક સરખાં નિર્વસ્ત્ર છે. પ્રકાશાનાધિકારનાં રક્ષણને નામે ટુંકા ગાળાની ઈજારાશાહી ઊભી કરી રોટલો શેકી લેવાની દાનતને બદલે ફિલ્મોને, અને સંગીતને, સામાન્ય લોકોને પરવડે તેવી કિંમતે, અને સહેલાઈથી, મળી રહે તેવી વિતરણ વ્યવસ્થા જેવા લાંબા ગાળાના ઉપાયો જ સરવાળે ઉદ્યોગનું ભલું કરી શકશે.
નલિન શાહ પાસેના ૭૮-આરપીએમની લાખની રેકર્ડ્સના 'ઈર્ષાપ્રેરક સંગ્રહ' જેવા જ તેમની પાસેના દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ કે  તેમની આગવી સૂઝને વણી લેતી તેમની યાદોના મહાસાગરની સપાટી જ આપણે મેલૉડીઝ્‍, મુવીઝ્‍, એન્ડ મેમરીઝ્‍' વડે જોઈ શક્યાં હશું તેમ કહી શકાય. આશા કરીએ કે આ પુસ્તકની અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઈ-પુસ્તક આવૃતિ થાય ત્યારે પુસ્તકમાં જે ગીતોનો ઉલ્લેખ થયો છે તેની વીજાણુ લિંક પણ શક્ય બને. ફિલ્મ જગતના શરૂઆતના તબક્કાના કેટલાય કળાકારો સાથે સીદો સંપર્ક ધરાવવા છતાં સમગ્ર ઘટના ક્રમને સાક્ષીભાવે જોઈ શકવાની અનોખી ક્ષમતા ધરાવતી,  ફિલ્મ ઈતિહાસના અર્ધાથી પણ વધારે સમયસુધી લેખક, નિરીક્ષક અને વિવેચક જેવી વિવિધ ભૂમિકાઓ એક સાથે ભજવી રહેલ, આવી વ્યક્તિની ભાવિ પેઢી માટે અમૂલ્ય વારસારુપી ભેટ આ વીજાણુ આવૃતિઓ બની રહી શકે. 
પ્રસ્તુત પુસ્તક તો નલિન શાહ દ્વારા આરંભ કરાયેલ મહાઑપેરાનો પહેલો જ અંક બની રહે તેવી આ પુસ્તકના પ્રકાશકોની અપેક્ષામાં આપણે આપણો સૂર પુરાવીએ.