Showing posts with label Unforgettable songs. Show all posts
Showing posts with label Unforgettable songs. Show all posts

Sunday, October 12, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – ઓક્ટોબર, ૨૦૨૫

 

શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૯ ભાગ ૧

શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) ની શૈલીનો એક સ્વાભાવિક સુમેળ હતો એ વાત તો હવે બહુ સુવિદિત છે. તેની સામે મજાની વાત એ રહી છે કે શંકર અને જયકિશન તેમ શૈલેન્દ્ર અને હસરતની સ્વાભાવિક શૈલીમાં દેખીતો જરાપણ સુમેળ ન હોવા છતાં  બન્ને જોડીઓને કોઈ અકળ બળ જ આટલી બધી ઘનિષ્ઠ રીતે જોડી રાખતું હતું. શૈલેન્દ્ર સામાન્ય માણસને ગળે ઉતરી જાય એવા બોલથી ગીતના ભાવને સજાવી શકતા તો શંકર જયકિશન વાદ્યપ્રચુર ગીતબાંધણીઓ વડે ગીતની રચના કરતા.  લોકોએ રચેલું હિંદી ફિલ્મનાં ગીતોનું વિશ્વ મેઘધનુષી રંગો વડે સજાયેલું એક અદ્‍ભૂત ચિત્રફલક બની રહ્યું. 

શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણીના પ્રસ્તુત ઉપક્રમમાં અત્યાર સુધી

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક)

૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક - ૨) 

૨૦૨૩માં ૧૯૫૬ (૩), અને

૨૦૨૪માં ૧૯૫૭ - ૧૯૫૮

                                           નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

૧૯૫૯માં શંકર જયકિશને અનાડી, છોટી બહેન, કન્હૈયા, લવ મેરેજ, શરારત, ઉજાલા અને મૈં નશેમેં હૂં એમ સાત ફિલ્મોમાં સંગીત આપ્યું. આપણે આજના અંકમાં તે પૈકી અનાડી અને છોટી બહેનનાં શૈલેન્દ્ર રચીત ગીતો સાંભળીશું. 

અનાડી (૧૯૫૯)

'અનાડી' શીર્ષક ધરાવતી બે અન્ય ફિલ્મો ૧૯૭૫ (સંગીતઃ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ) અને ૧૯૯૩ (સંગીતઃ આનંદ મિલિંદ) પણ રજૂ થઈ છે.

અનાડી (૧૯૫૯)નાં સાત ગીતો પૈકી બે ગીતો જ હસરત જયપુરીએ લખ્યાં હતાં. 

દિલ કી નઝર સે નઝરોં કી દિલ સે યે બાત ક્યા હૈ - મુકેશ, લતા મંગેશકર 

શંકર જયકિશને શૈલેન્દ્રના બોલ પર કેટલાંય પ્રેમથી ભીંજવી નાખતાં ગીતો રચ્યાં છે. 

તેરા જાના દિલ કે અરમાનોં કા લુટ જાના – લતા મંગેશકર

શંકર જયકિશનની સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં  વાદ્યવૃંદ પ્રચુર લતા મંગેશકરનાં ગીતો એક આગવો પ્રકાર બની રહ્યો છે.



કિસી કી મુસ્કરાહટોં પે નિસાર - મુકેશ

પરદા પરનાં રાજ કપૂરનાં પાત્રને આલેખન કરતાં ગીતો પણ શંકર જયકિશન - શૈલેન્દ્રની આગવી લાક્ષણિકતા હતી.



સબ કુછ શીખા હમને ન શીખી હોશિયારી - મુકેશ 

અમીરી ગરીબીના તફાવતને સચોટ રીતે રજૂ કરવાની તક શૈલેન્દ્રએ ઝડપી લઈને રાજ કપૂરનાં આ ફિલ્મના પાત્રને વધુ અર્થપૂર્ણ બનાવ્યું છે.



નાઈન્ટીન ફિફ્ટી - સિક્સ નાઈન્ટીન ફિફ્ટી - સેવન નાઈન્ટીન ફિફ્ટી - નાઈન - લતા મંગેશકર, મન્ના ડે, સાથીઓ 

ગીતના મુખડામાં આ ત્રણ વર્ષોનો ઉલ્લેખ હૃષિકેશ મુખર્જીને ૧૯૫૪ની ફિલ્મ નૌકરી માટે મળેલો વર્ષ ૧૯૫૬નો શ્રેષ્ઠ સંપાદનનો પુરસ્કાર મળવો, વર્ષ ૧૯૫૭ માં સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પહેલવહેલી ફિલ્મ, મુસાફિર, રજૂ કરવી અને હવે ૧૯૫૯માં અનાડીની રજૂઆત સાથે યોગાનુયોગ હશે? આટલું જ નહીં, આ ત્રણેય ફિલ્મોનાં ગીતો (અનાડીમાં જોકે પાંચ જ!) શૈલેન્દ્રએ લખેલાં છે. 

જોકે, શૈલેન્દ્રએ તો વર્ષની સંખ્યાને સમાજમાં બદલતા જતા સાંસ્કૃતિક પ્રવાહોને રજૂ કરી લેવાની તક ઝડપી લીધી છે .

કલકી કહાની હો ગઈ પુરાની
દુનિયા મેં ફિર સે આયી જવાની
બહકી બહકી ચાલ
સાડી સે ચોલી હૌલે સે બોલી
મિલ કે મચાઓ રંગો કી હોલી 
યે ફેશન કા સાજ 

તો વળી આવતી કાલનું ભવિષ્ય પણ ભાખે છેઃ 

ફેશન બઢેંગે કપડે ઘટેંગે
માલિક હી જાને કિતને રહેંગે 
મૌસમ કા યે ખેલ 
ઝુલ્ફેં ઘટાઓ નાખૂન બઢાઓ 
ચેહરે પે નકલી ચેહરા ચડાઓ 
દુનિયા સાફ દીખે



છોટી બહેન
(૧૯૫૯)

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના - ખુશીનું ગીત - લતા મંગેશકર 

રક્ષા બંધનના તહેવારની ઉજવણીનું આ ગીત પ્રતિક બની રહ્યું હતું.



ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના - દુઃખના ભાવનું ગીત - લતા મંગેશકર

સુખદુઃખનું ચક્ર છોટી બહેન માટે દુઃખના દહાડા લાવે છે.  દુંખની આ પીડાને કરૂણ સ્વરમાં સંભળાતો પૂર્વાલાપ ઘેરો બનાવે છે, ખુશીનાં ભાવનાં ગીત કરતાં અહીં તાલ થોડો ધીમો છે. વાદ્ય પણ ઓછાં વપરાયાં છે.

જોકે છેક છેલ્લે ચક્ર પાછું ફરતું જણાય છે - છોટી બહેનને તેનો પતિ આંખની સારવાર મારે વિદેશ લઈ જાય છે. 



મૈં રિક્ષાવાલા - મોહમ્મદ રફી

રિક્ષાવાળાના બોલમાં શૈલેન્દ્રએ જીવનની ફિલસૂફીવણી લેવાની તક ઝડપી લીધી છે - 

દૂર દૂર કોઈ મુઝકો બુલાયે મુઝકો બુલાયે 
ક્યા કરૂં દિલ ઉસે ભૂલ ન પાયે, ભૂલ ન પાયે 
મૈં રિશ્તે જોડું દિલકે મુઝે હી મંઝિલ પે 
કોઈ ન પહુંચાયે, કોઈ ન પહુંચાયે

હવે શૈલેન્દ્ર સામાન્ય માણસની આકાક્ષાઓ આલેખે છે -

થી કબી ચાંદ તક અપની ઉડાન, અપની ઉડાન
અબ યે ધૂલ યે સડક અપના જહાન, અપના જહાન
જો કોઈ દેખે ચૌંકે ઉપરવાલા ભી દેખે 
યે કૈસા ઈન્સાન, યે કૈસા ઈન્સાન

પોતાઅની સમાજવાદી વિચારધારાને બહુ આગવી રીતે સ્પષ્ટ કરે છે -

રાત દિન હર ઘડી એક સવાલ, એક સવાલ 
રોટીયાં કમ હૈ ક્યું હૈ અકાલ, ક્યું હૈ અકાલ 
ક્યું દુનિયામેં કમી હૈ યે ચોરી કિસને કી હૈ 
કહાં હૈ સારા માલ, કહાં હૈ સારા માલ



બડી દૂર સે આયી હું તેરા દિલ બહલાને - લતા મંગેશકર 

ગીત બહાર પડ્યા પછી થોડા જ સમયમાં વિસરાઈ ગયું હોય એવાં ગીતોના પ્રકારમાં શંકર જયકિશનનુ આ ગીતનું ઉમેરાવું એક અસામાન્ય અપવાદ ગણી શકાય.



બાગોં મેં બહારો મેં ઈઠલાતા ગાયા આયા કોઈ - લતા મંગેશકર 

શંકર જયકિશન દ્વારા વાદ્યવૃંદમાં વાયોલિન સમુહના પ્રયોગો મોટા ભાગે પ્રધાન ભૂમિકામાં હોય છે. અહીં વાંસળીના પ્રયોગોને એ સ્થાન મળ્યું જણાય છે. 



યે કૈસા ન્યાય તેરા દિપક તલે અંધેરા - લતા મંગેશકર

વાદ્ય વૃંદના પ્રયોગનો ભાવનાઓની સૂક્ષ્મ રજૂઆત તરીકેનો ઉપયોગ બહુ જ નોંધપાત્ર બની રહે છે.

શૈલેન્દ્ર પણ જીવનની વિષમતાઓને કાવ્યાત્મક વાચા આપે છે

કિસી કો દી નિગાહ રાહ છીન લી 
કિસી કો રાહ દી નિગાહ છીન લી 



શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણીમાં ૧૯૫૯ના વર્ષની બીજી બે ફિલ્મોનાં ગીતો હવે પછી .......


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, September 14, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – સપ્ટેમ્બર, ૨૦૨૫

 હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૪ - ભાગ

હસરત જયપુરી  (મૂળ નામ: ક઼બા હુસ્સૈન - જન્મ ૧૫-૪-૧૯૨૨ । અવસાન ૧૭-૯-૧૯૯૯) - શંકર જયકિશન (મૂળ નામ: જયકિશન ડાહ્યાભાઈ પંચાલ - જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯ - અવસાન ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને શૈલેન્દ્રનાં સંયોજનને '૫૦ના દાયકામાં તેમનાં ગીતોનાં માધુર્ય, વાદ્યસજ્જામાં અવનવા પ્રયોગો અને ગીતોની બોલની સરળતાભરી બોધવાણીને કારણે ઉત્તરોત્તર સફળતા મળવા લાગી હતી. દરેક ફિલ્મમાં પાંચથી આઠ ગીતો હોય એવી વર્ષમાં પાંચ સાત ફિલ્મો કરવા છતાં ક્યાંય પણ તેમના પ્રયત્નો કે પ્રયોગોમાં ઉણપ ન હોય.

પરંતુ '૬૦ના દાયકાથી હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં ફરીથી નવાં પરિવર્તનોની અસરો કળાવા લાગી  હતી. વિષયોમાં બહુ વૈવિધ્ય ન હોવા છતાં ગીતોની રચનાઓ વધારે અને વધારે વૈવિધ્યપૂર્ણ રહ્યા પછી પણ ફિલ્મને ટિકિટબારીએ સફળ કરે એટલાં લોકપ્રિય બને એ અંગેનાં દબાણ સંગીતકારો અને ગીતકારો પર વધવા લાગ્યાં હતાં. તેની સાથે સાથે ઓ પી નય્યર જેવા સમકાલીન સંગીતકારની તાલ પ્રધાન - વાદ્ય પ્રયોગની અભિનવતાની શૈલી પણ એક મહત્ત્વનું સ્પર્ધાત્મક પરિબળ બનવા લાગી હતી. 

આ બધા આંતરપ્રવાહો ભલે આપણો વિષય નથી, આપણો રસ તો માત્ર, અને માત્ર, જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે. અને એ ઉદ્દેશ્યને જ કેન્દ્રમાં રાખીને  અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨૧માં વર્ષ ૧૯૬૨નાં,

૨૦૨૨માં વર્ષ ૧૯૬૩નાં અને

૨૦૨૩માં ૧૯૬૪નો ભાગ ૧ નાં,

૨૦૨૪માં ૧૯૬૪નો ભાગ ૨ નાં અને

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આ પહેલાં આપણે શંકર જયકિશને વર્ષ ૧૯૬૪ માટે સંગીતબદ્ધ કરેલી આઠ ફિલ્મોમાંથી સાત ફિલ્મોનાં હસર્ત જયપુરીએ લખેલાં ગીતો યાદ કરી ચુક્યાં છીએ. આજના મણકામાં આપણે હવે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં, વર્ષ ૧૯૬૪ના ત્રીજા ભાગમાં 'ઝિંદગી'નાં ગીતો યાદ કરીશું.

ઝિંદગી (૧૯૬૪)

'ઝિંદગી' શીર્ષક પર કુલ ૪ ફિલ્મો બની છે, જે પૈકી બીજી ત્રણ ૧૯૪૦ (સંગીતઃ પંકજ મલિક), ૧૯૫૬ (સંગીતઃ શફી નિયાઝી) અને ૧૯૭૬ (સંગીતઃ રાજેશ રોશન)માં  બની હતી. 

ઝિંદગી' (૧૯૬૪) માં ૧૩ ગીતો (બે ગીતો બબ્બે વર્ઝનમાં) હતાં. તે પૈકી શૈલેન્દ્રએ પાંચ ( ૧ ગીત બે વર્ઝનમાં) અને હસરત જયપુરીએ ૮ (૧ ગીત બે વર્ઝનમાં) લખ્યાં. 

પેહલે મિલે થે સપનોંમેં = મોહમ્મદ રફી 

મોહમ્મદ રફીના સ્વરમાં રાજેન્દ્ર કુમાર માટે જ ખાસ ઢાળમાં તૈયાર થતાં શંકર જયકિશનનાં રોમેન્ટીક ગીતો એમ વધારે નમૂનો અહીં પણ સાંભળવા મળે છે. જોકે આ ફોર્મ્યુલા હેઠળ તૈયાર થયેલાં ગીતો ધીમે ધીમે વધારેને વધારે બીબાં ઢાળ કક્ષાનાં બનતાં ગયાં.



ઘુંઘરવા મોરા છમ છમ બાજે =મોહમ્મદ રફી, આશા ભોસલે 

મહેમૂદને એક કમસે કમ એક ગીત તો ફાળવવું જ પડે તે મુજબનાં આ ગીતમાં શંકર જયકિશન, અને તેમની સાથે સાથે મોહમ્મદ રફી અને આશા ભોસલે પણ બરાબર ખીલ્યાં છે. સંગીત અને ગાયકીમાં, નાના નાના પણ, આકર્ષક પ્રયોગો માણી શકાય છે.



છુને દુંગી મૈં હાથ રે નજ઼રીયોંસે દિલ ભર દુંગી - લતા મંગેશકર, આશા ભોસલે

લગ્ન પ્રસંગનાં ગીતોને પોતાની રીતે, ભરપુર વાદ્યવૃંદથી, સજાવી ધજાવીને મુકવાની શંકર જયકિશનની ફાવટ અહીં પણ અનુભવાય છે.



એક નયે મેહમાન કે આને કી ખબર હૈ - લતા મંગેશકર 

ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે શંકર જયકિશનની લોકપ્રિયતાનો કસીને લાભ લેવા સારૂ ગીતો માટે પ્રસંગો શોધવામાં કસર નથી છોડી. શંકર જયકિશને પણ જરા પણ મનચોરી કર્યા વિના ગીત બનાવી આપ્યું છે. 

હમ પ્યારકા સૌદા કરતે હૈ એક બાર (આંનંદના ભાવનું વર્ઝન) - લતા મંગેશકર 

ફિલ્મમાં વૈજયંતિમાલા જેવાં અભિનેત્રી નર્તકી હોય એટલે નૃત્ય ગીતો વધારે મુકાયું હોય એ તો સમજાય છે. પરંતુ, સામાન્ય પણે નૃત્ય ગીતો શંકર રચતા હોય એવી માન્યતાનો અહીં છેદ ઉડી જાય છે. જોકે ગીતની વાદ્યસજ્જામાં શંકરનો હાથ સ્પષ્ટપણે દેખાય છે. પરિણામે ફિલ્મના બધાં જ ગીતમાં બન્ને સંગીતકારોએ એટલું મળીને કામ કરેલું જણાય છે કે કયું ગીત શંકરનું અને કયું ગીત જયકિશનનું એવી ધારણા મુકવાનું લગભગ અશક્ય જ બની જાય છે. 



હમ પ્યારકા સૌદા કરતે હૈ એક બાર (કરૂણ ભાવનું વર્ઝન) - લતા મંગેશકર 

શંક્ર જયકિશને પૂર્વાલાપની રચના એક સરખી રાખી હોવા છતાં બન્ને ગીતના ભાવને ઉઠાવ આપવામાં સફળ રહ્યા છે. 

ખુબ ઊંચા સુરમાં સાખીની રજૂઆત પછી સુર થોડે નીચે લઈ જઈને મુખડો રજુ કર્યો છે. ગીતને ફિલ્મમાં ટુંકાવી નંખાયું છે, નહીંતર આખાં ગીતમાં શંકર જયકિશને કરેલા પ્રયોગો માણવાની સારી તક મળત !



પ્યાર કી દુલ્હન સદા સુહાગન - લતા મંગેશકર 

શંકર જયકિશને બેકગ્રાઉન્ડ ગીતો માટે મોહમ્મદ રફીની બહુખ્યાત અદાયગી બખુબી અજમાવી છે. ખાસા ઊંચા સુરમાં મુખડાની રજુઆત પછી કરૂણ રસને અનુકુળ નીચા સુરમાં ગીત ચાલે, પણ જેવી લાગણીની માત્રા ઉત્કટ બતાવી હોય એટલે થોડા ઊંચા સુરનો સહારો લેવાય. 



દિલ કો બાંધા ઝુલ્ફ કી ઝંઝીર સે - મન્ના ડે 

સ્વગતોક્તિ માટે માત્ર બે શેર જ મુક્યા છે, પરંતુ રાજ કુમારની સંવાદ અદાયગીની કાબેલિયતને બદલે મન્ના ડેના સ્વરનો ઉપયોગ કરાયો છે.

દિલ કો બાંધા ઝુલ્ફ કી ઝંઝીર સે
જોશ લુટે હુસ્ન કી સસૂર સે
હમ કબ તક ઝપ્ત કરતે રહે દર્દ-એ-દિલ
હાલે દિલ કેહના પડા તસવીર સે 

બાત દિલ કી ઝબાં  પર રહતી હૈ
લફ્ઝ હોંટો પર થર થરાતે હૈ 
તુમ સે જબ ભી નઝર મિલાતા હું 
મેરે અરમાન કાંપ જાતે હૈ 



આડવાત:

શંકર જયકિશને ગીતના પૂર્વાલાપ સમા એક ટુક્ડા માટે (૦.૨૯ સુધી) હમ દિલ કા કંવલ દેંગે ઉસકો માં પણ રાજ કુમાર માટે મન્ના ડેનો પાર્શ્વ સ્વર વાપર્યો છે. 

તેની સામે રાજેન્દ્ર કુમાર માટે મુસ્કરા લાડલે મુસ્કરા માં મોહમ્મદ રફીને બદલે મન્ના ડેને લીધા છે. 

આજ ભગવાન કે ચરનોંમેં - મોહમ્મદ રફી, આશા ભોસલે 

ફિલ્મનો અંત ટાઈટલ ગીતની તર્જથી કરવાની શંકર જયકિશનની આગવી રીત રહી છે. પરંતુ, અહીં તો ફિલ્મના અંતમાં એક નાનો ટુકડો જ મુકાયો છે તેના માટે પણ હસરત જયપુરી અને મોહમ્મદ રફી  - આશા ભોસલે જેવાં મોટાં કલાકારોનો ઉપયોગ કરાયો છે. 



હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોની આ શ્રેણીમાં હવે પછી ૧૯૬૫નાં ગીતોની યાદ તાજી કરીશું. 

 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.