Sunday, October 11, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર, ૨૦૨૦

 શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૪

શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭ - સંકરજયકિશની સંગીત દિગ્દર્શક જોડીમાં, તેમના સાથીદાર જયકિશન કરતાં, થોડા ગંભીર પ્રકૃતિની વ્યક્તિ હોવાની છાપ છે. પરંતુ ખુબીની વાત એ રહી કે તેમની સહકારકિર્દીના અંત ભાગમાં થોડા મનદુઃખ સિવાય બન્નેએ એક જ વ્યક્તિની જેમ કામ કર્યું. પોતપોતાને ફાળે આવેલ ગીતોની ધુન તેઓ તેમના સાથી ગીતકાર સાથે ભલે અલગથી બનાવે, પણ ગીતની વાદ્યસજ્જાની ગોઠવણીથી લઈને રેકોર્ડિંગ પુરૂં થવા સુધી બન્ને  ગીતને પોતાનું ગણીને જ પુરું કરતા. દરેક ગીત તૈયાર થાય એ સમયે તે એમનાં શ્રેષ્ઠ ગીતોને જ સમકક્ષ હોય એ માટે તેઓ બન્ને કોઈ જ કચાશ ન રહેવા દેતા. 

આ શ્રેણીમાં શંકર જયકિશને સંગીતબધ્ધ કરેલ ગીતોમાં માત્ર શૈલેન્દ્રની રચનાઓની પસંદગી એ સમયની પ્રચલિત માન્યતાના એ અધારે છે જે મુજ્બ એમ કહેવાતું કે સામાન્યતઃ શંકર શૈલેન્દ્રની અને જયકિશન હસરત જયપુરીની રચનાઓને સંગીતબધ્ધ કરે છે. શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓમાં તેમનાં ઓછાં પરિચિત ગીતોને ફિલ્મ રિલીઝનાં વર્ષવાર યાદ કરવાનો ઉપક્રમ આપણે ઓક્ટોબર ૨૦૧૮થી શરૂ કરેલ છે. અત્યાર સુધી વર્ષ

૨૦૧૮માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

 નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

આજના અંકમાં આપણે શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની વર્ષ ૧૯૫૪ની ઓછી સાંભળેલી સંગીત રચનાઓ યાદ કરીશું.

૧૯૫૪નાં વર્ષમાં શંકરજયકિશને સંગીતબધ્ધ કરેલી  ત્રણ ફિલ્મો - બાદશાહ, મયુરપંખ અને પુજા - છે. ૧૯૫૪  સુધી શંકરજયકિશનની સફળ અને લોકપ્રિય રચનાઓની સંખ્યા નોંધપાત્ર જરૂર રહી હતી. પરંતુ ૧૯૫૪ની ફિલ્મોનાં ગીતો પર એક સરસરી નજર નાખતાં બે  વાત તરત જ ધ્યાન પર આવે છે -

૧. શંકર જયકિશન હજુ વધારે ને વધારે નિર્માણ ગૃહો, દિગ્દર્શકો, વાર્તાવસ્તુના વિષયો  તેમ જ  અભિનેતા / અભિનેત્રીઓ જોડે કામ કરીને પોતાનાં કાર્યનો પાયો વધારે વિશાળ બનાવવા માટે વધારે પ્રયત્નશીલ છે;

૨. દરેક ફિલ્મ દીઠ લોકપ્રિય થયેલ ગીતો કરતાં ઓછાં જાણીતાં ગીતોની સંખ્યા વધારે છે.

મોટા ભાગનાં ગીતોમાં શંકર જયકિશન- શૈલેન્દ્ર હસરત જયપુરી શૈલીની આગવી છાપ જેટલી જોવા મળે છે તેના પ્રમાણમાં ઓછી, પણ પ્રયોગાત્મકતાઓ પણ જરૂર નજરે ચડે છે.

બાદશાહ (૧૯૫૪)



ફિલ્મમાં આઠ ગીતો છે, જેમાંથી શૈલેન્દ્રએ બે ગીતો જ લખ્યાં છે. આ બે ગીતોમાંથી હેમંત કુમારના સ્વરમાં ગવાયેલું રૂલા કર ચલ દિયે હસીં બન કર જો આયે થે તો હિંદી ફિલ્મ સંગીતની શ્રેષ્ઠ રચનાઓમાં સ્થાન મેળવે છે.

ગુલ મુસ્કુરા ઉઠા, બુલ બુલ યે ગા ઉઠા, બાગોંમેં આ ગઈ બહાર - લતા મંગેશકર, સાથીઓ

અરબી સંગીતની શૈલી પર આધારિત આ ગીતની રચના શંકર જયકિશનની અન્ય રચનાઓ કરતાં કઈક જુદી પડતી જણાય છે. કોરસ ગાયકોમાં પુરુષ સ્વરોનું પ્રધાન્ય ખાસ ધ્યાન ખેંચે છે.



મયુર પંખ (૧૯૫૪)



ફિલ્મનું કથાનક રણજીત (કિશોર શાહુ)નાં અંગ્રેજી નવલકથા લેખિકા જોન (ઓડૅટ ફર્ગ્યુસન) તરફનાં ખેંચાણની આસપાસ ઘૂમે છે અને દર્શકોને ભારતભરના વન્ય પ્રદેશો અને ગ્રામ્ય મેળાઓની સફર કરાવે છે. વાર્તાને રસપ્રદ બનાવવા રણજીતનાં પત્ની શાંતિ (સુમિત્રા દેવી)ની આ સંબંધને કારણે થતી સ્વાભાવિક વ્યથાને સાંકળી લેવાઈ છે. વાર્તાની રજૂઆતમાં જૂદા જૂદા પ્રદેશની સાંસ્કૃતિક ખાસીયતોને ઉજાગર કરતાં ગીતોની રચના કરવાની તક શંકરજયકિશનને મળી.

યે બરખા બહાર સૌતનિયા કે દ્વાર -લતા મંગેશકર, આશા ભોસલે

સાંરંગીના સુર, ગાયિકાઓના નશીલા આલાપથી ગીતનો ઉપાડ અને તબલાંની થાપ વડે મુજરા માટેનું વાતાવરણ ગીત સાંભળતાંવેંત જ ખડું થાય છે.



આડવાત : પરદા પર ગીત એ સમયની જાણીતી નર્તકી વજીફદાર બહેનોએ ભજવ્યું છે. અતુલ'સ સોંગ એ ડે પરની આ ગીતને લગતી પોસ્ટમાં ગીત વિશે ઘણી વિગત જાણવા મળી શકે છે.

મૈં ચલું પશ્ચિમ તો પુરબ ચલે દુનિયા - લતા મંગેશકર

સ્ટેજ પર  ભજવાતું આ નૃત્ય ગીત પરદા પર એ સમયની ફિલ્મોમાં ખુબ જાણીતી નર્તકી કકુએ ભજવ્યું છે.



ટંડાના… મુશ્કીલ હૈ પ્યાર છુપાના… ટંડાના… પ્રીત નયી દર્દ પુરાના - લતા મંગેશકર, કોરસ

વિડીયો ક્લિપ જોતાં ખ્યાલ આવે છે કે ગીત કોઈ લોક સંસ્કૃતિની સાથે સંબંધ ધરાવે છે. કર્ણાટકી સંગીતમાં તાલ પર ભાર આપવા વપરાતા 'ટંડાના' સાથે શૈલેન્દ્ર એ 'છુપાના', 'પુરાના'  જેવા શબ્દપ્રયોગો વડે પ્રાસ મેળવ્યો છે.


પૂજા (૧૯૫૪)


એ સમય માટે બહુ ક્રાંતિકારક મુદ્દા - વિધવા વિવાહ -ને આવરી લેતાં કથાબીજ અને ફિલ્મની કંઈક અંશે અપરિપક્વ માવજતને કારણે ફિલ્મ ટિકિટબારી નિષ્ફળ રહી હતી. ફિલ્મનાં ગીતો સાથેનો મારો પહેલો પરિચય 'એક ગીતનાં અનેક સ્વરૂપ ' લેખશ્રેણીના આનંદ અને દર્દની તડકી છાંયડીનાં પુરુષ એકલ વર્ઝન ગીતો પરના મણકા વિશે સંશોધન કરતી વખતે થયો હતો. એ ગીત હતું મોહમ્મદ રફીના સ્વરમં ગવાયેલું આનંદ અને કરૂણ ભાવનું શૈલેન્દ્ર લિખિત જોડીયું ગીત - જો એક બાર કહ દો કે તુમ હો હમારે. ફિલ્મમાં આ સિવાય બીજાં આઠ ગીતો હતાં, જે પૈકી ૬ ગીતો શૈલેન્દ્રએ લખ્યાં છે.

મોરી બિપદા આન હરો, પ્રભુ કાહે દેર કરો - લતા મંગેશકર

ઓછાંમાં ઓછાં વાદ્યોના પ્રયોગ વડે શંકરજયકિશને આ ભજનની રચના કરી છે. તેમની ઓળખ માત્ર તાલ વાદ્ય તરીકે ઢોલકના પ્રયોગથી થાય છે.



હોલી આયી પ્યારી પ્યારી, ભર પિચકારી રંગ દે ચુનરિયા હમારી - લતા મંગેશકર, મોહમ્મદ રફી, સાથીઓ

હોળી ગીત તરીકે રચાયેલાં આ ગીતમાં શંકરજયકિશને કોરસનો પ્રયોગ બીજા અંતરાનાં સંગીતમાં કર્યો છે. તે સાથે ગીત ઉંચા સુરમાં પણ જાય છે.



રંગ ખેલો રસિયા સુરતીયા પહેચાન - લતા મંગેશકર, મોહમ્મદ રફી, સાથીઓ

ઉપરોક્ત ગીતનો આ બીજો ભાગ છે-


મૈં મુરલીધરકી મુરલી લાઈ
, મુરલીધરને લાઈ મેરી માલા - લતા મંગેશકરM

પ્રતુત નૃત્ય ગીત્માં શંકરજયકિશન હવે થોડાં વધારે વાદ્યો સાથેનું વાદ્યવૃંદ પ્રયોજે છે.



સોચ ન મનવા….તેરી તક઼દીર બનાનેવાલા સોચેગા - મોહમ્મદ રફી

ગીતનો પૂર્વાલાપ વાયોલિન સમુહના સ્વરમાં થાય છે, તે પછી વાયોલિનનો સુર ગુંજે છે જેને અનુસરતા પિયાનોના સ્વર વાતાવરણ ભરી દે છે, જાણે મોહમ્મદ રફીને તેમની લક્ષણિક ઊંચા સુરનીની ગાયકીમાં ગીતની શરૂઆત કરવા માટે આહ્વાહન અપાતું હોય. અંતરાનાં સંગીતની વાદ્યસજ્જામાં વાયોલિન સમુહનો સાથે વાંસળીના સ્વર કરે છે.



રૂમ ઝુમ કે બજાઓ બંસુરી મુરારી - મોહમ્મદ રફી, કૃષ્ણરાવ ચોનકર

શાસ્ત્રીય શૈલીમાં રચાયેલ પુરુષ પુરૂષ યુગલ ગીત માટે શંકર જયકિશન કૃષ્ણરાવ ચોનકરના સ્વરને નિમંત્રે છે.



ચલ ચલ રે મુસાફિર ચલ, તુ ઉસ દુનિયામેં ચલ - મોહમ્મદ રફી

ગીતની વાદ્યસજ્જા બાંધણીમાં વાંસળીનું પ્રાધાન્ય ધ્યાન ખેંચે છે. કાઉન્ટર મેલોડીનો સંગાથ બહું નાજુકાઈથી વણી લેવાયો છે. અંતરાનાં સંગીતમાં પ્રયોજાયેલ ટુંકો વાયોલિન સમુહનો પ્રયોગ અંતરાનાં સંગીતને કાઉન્ટર મેલોડી તરીકે વધારે સાથ આપતો  હોય તેમ લાગે છે. એકંદરે શંકર જયકિશનનાં સંગીતમાં એક નવી જ ભાત પડતી આખી રચના છે.

મુખડામાં શૈલેન્દ્ર તેમને પ્રિય એવી સર્વને માટે સમાન એવી 'ઉસ' દુનિયાના ઉલ્લેખને અંતરાના અંતની પંક્તિઓમાં તેમની નૈસર્ગિક કાવ્યમય શૈલીમાં સ્પષ્ટ કરે છે  -

જહાં પ્યારકા રસ્તા કોઈ ન રોકે,

કોઈ ન કહે સંભલ

… …. … .. .. …..

… …. … .. .. …..

જહાં ઉજડે ન સિંગાર કીસીકા

ફૈલે ના કાજલ



શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની આપણી આ સફર આગળનં વર્ષોમાં ચાલુ રહેશે.

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: