પૂરૂં નામ : રામચરણ
જન્મઃ ૧૯૩૯, ઉત્તર પ્રદેશ, ભારત
પરિચયાત્મક પૂર્વભૂમિકા:
ઉત્તર પ્રદેશના એક નાના શહેરમાં રામચરણનો જન્મ થયો હતો. સાત ભાંડરુઓના કુટુંબમાં તેમનું બાળપણ પાંગર્યું. કુટુંબની આર્થિક હાલત બહુ સારી નહીં; એટલે કૂવેથી પાણી ભરવાં, ઘરની ગાયોની દેખભાળ કરવી અને રાતના ફાનસના ટમટમિયા પ્રકાશમાં ભણવું એ સંજોગોએ તેમના ઘડતરનો પાયો ઘડ્યો. ૧૯૪૭ના સમયે થયેલાં કોમી હુલ્લડોમાં તેમના પિતા અને કાકાની કાપડની દુકાન બાળી નાખવામાં આવી. તે પછીથી એ ભાઈઓએ ચામડાનાં પગરખાંની દુકાન શરૂ કરી. શાળાએ જતાં પહેલાં અને શાળાએથી છૂટીને રામચરણ એ દુકાને જઈને નાનાંમોટાં કામોમાં મદદ કરતો. ગલ્લે બેસીને દરરોજના વકરાની ગણત્રી કરતાંકરતાં રામચરણને નાણાં પ્રવાહ [Cash Flow]ના વ્યવસાયની 'ધોરી નસ' તરીકેના મહત્ત્વની સમજના પાઠ ભણવા મળ્યા. આજે પણ તેમનાં કન્સલ્ટીંગનાં કામે જાય, ત્યારે તેમના પહેલા સવાલો કંપનીના નાણાંપ્રવાહને સમજવાને લગતા હોય છે.
શાળાના અભ્યાસ દરમ્યાન રામચરણને તે જે કંઈ ભણે તેને એક પાનાના સારાંશમાં ટપકાવી લેવાની એક બીજી પણ આદત પડી. પછીથી તેમના કન્સલ્ટીંગના કામમાં પણ તેઓ તેમના ક્લાયન્ટ મુખ્ય સંચાલકોને એક પાનામાં નોંધ આપતા. શાળામાં તેઓ ભય, ક્રોધ અને આળસ એ માણસનાં સહુથી મોટાં શત્રુ છે તેમ પણ શીખ્યા.
એમના મોટા ભાઈઓ તો ધીમેધીમે કૌટુંબિક વ્યવસાયમાં જોડાતા ગયા, પણ ૧૫ વર્ષની વયે રામચરણ બનારસ હિંદુ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ વિદ્યાશાખાના સ્નાતક અભ્યાસક્રમમાં જોડાયા. દિવસે કામ કરવું અને રાતે ભણવું તેમનો એ ક્રમ. તેઓ કૉલેજ પછી કામ વિનિમય કાર્યક્રમ હેઠળ ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે પણ એ ક્રમચાલુ જ રહ્યો.
ચાર વર્ષ પછી જ્યારે હાવર્ડમાં એમબીએનું ભણવા આવ્યા, ત્યારે પણ તેમનો મહેનતકશ અભિગમ તેમને મદદગાર થયો. હાવર્ડમાં ઉનાળુ વેકેશન દરમ્યાનના પ્રોજેક્ટ માટે તેઓ હોનોલુલુની એક ગેસ કંપનીમાં કામે રહ્યા હતા. ત્યાં પણ તેમણે કંપનીના હિસાબોનો અભ્યાસ કરીને નોંધ્યું કે કંપની ડિવિડંડ આપવામાં કાચી પડી રહી હતી. આ સમસ્યાનું સમાધાન કરવાનું પણ તેમને જ સોંપાયું. છ અઠવાડીયાં પછી તેમણે જણાવ્યું કે રાતના ૧૦થી વહેલી સવારે ૪ વાગ્યા સુધી ગેસની પાઈપલાઈનું દબાણ થોડું ઓછું રાખવામાં આવે તો ગેસનાં ગળતરમાં જે બચત થશે તેનાથી ડિવીડંડ આપી શકાશે. આ વાત તેમણે મોડી રાતના પંમ્પીંગ સ્ટેશનમાં જઈને જોઈ હતી. તે સાથે તેમણે એ સમયે એ પણ જોયું કે કંપનીના ઑપરેશન્સના કર્મચારીઓ ગેસવહેંચણી ખાતાના કર્મચારીઓ સાથે વાતચીત નહોતા કરતા. આમ સંસ્થામાં એક વિભાગ બીજા વિભાગ સાથે સંવાદ ન જાળવે, તો સામાન્ય જણાતા પ્રશ્નો પણ કેવા વિકટ બની જઈ શકે છે તેનો પાઠ પણ તેઓ ભણ્યા.
હાવર્ડમાં તેઓ પહેલા ૩%માં રહીને અનુસ્નાતક થયા, ત્યાં જ ડૉકટેરેટની પદવી પણ લીધી અને પછીથી ત્યાં જ શિક્ષણકાર્યમાં પણ જોડાયા. શૈક્ષણિક સંશોધન સાથે તેમને જામી નહીં. તેઓ તો વાસ્તવિક જગતની સમસ્યાઓના નિવારણમાં વધારે રસ ધરાવતા હતા, એટલે શિક્ષણની સાથેસાથે કન્સલ્ટીંગમાં તેમની પાંખો ફેલાતી ગઈ. ડલાસમાં તેમણે તેમના કન્સલ્ટીંગ વ્યવસાયનાં મૂળિયાં વાવ્યાં.
એક સમયે તે 'સહુથી વધારે ભમતા રહેતા કન્સલટન્ટ' તરીકે પંકાઈ ગયા હતા. દુનિયાભરની હૉટેલો જ તેમનું ઘર બની રહી હતી અને તેમ છતાં જીઈ, ડ્યુ પૉન્ટ અને એવા કેટલાય ક્લાયન્ટ્સ સાથે તેમનો ૨૦થી ૩૦ વર્ષનો વ્યાવસાયિક સંબંધ બંધાયેલો રહે એ બાબત બહુ જ સામાન્ય બની રહી.
પગરખાંની દુકાનથી માંડીને હાવર્ડની સમર સ્કૂલ સુધીના અનુભવોમાંથી પરિસ્થિતિઓની જટિલતાને તેનાં નાનાં, જરૂરી એકમોમાં વહેંચી નાખીને તેમાંથી સરળ સમાધાન ઘડી કાઢવાની જે હથોટી તે શીખ્યા, તે તેમની આગવી ઓળખ બની રહી. આ ઉપરાંત ફરી ફરીને લોકો તેમને શોધતા આવતા હતા, તેમની તેમનાં કામ માટેની બેસુમાર લગનને કારણે. ૧૯૯૯માં તેમના પર ત્રેવડી બાયપાસ શસ્ત્રક્રિયા થઈ, પણ ૧૧ દિવસ પછી તે તેમનાં કામ પર આવી ગયા હતા.રામચરણની વિચારધારા
"કંઈ ખાસ કરતા નથી"
આમ જુઓ તો તેમણે અન્ય મેનેજમૅન્ટ ગુરૂની જેમ કોઈ ચોક્કસ સિધ્ધાંત ઘડ્યો નથી કે પ્રચલિત પણ કર્યો નથી. પરંતુ કોઈ ચોક્કસ વિચારધારા ન હોવી એ જ એમની વિશિષ્ટતા બની રહી. કંપનીની સામે દેખાતી મોટી સમસ્યાને ચોક્કસ રીતે અમલ કરી શકાય તેવાં પગલાંઓમાં પરિવર્તિત કરવાની તેમની સૂઝ જ એક મહત્ત્વનો મેનેજમૅન્ટ સિધ્ધાંત અને પ્રણાલિકા બની રહી.ધ્યાનપૂર્વક સાંભળવાની શિસ્ત
દરેક ઘટનાને બહુ જ નજદીક્થી નિહાળવી, સાચા સવાલો પૂછવા કે સાચા સવાલો કેમ પૂછવા તે જ તેમનાં આગવાં પ્રદાન છે. એક કન્સલટન્ટ તરીકે કોઈપણ કંપનીની સમસ્યામાં સીધા જોડાઈ જવાને બદલે તે એક આદર્શ ઉદ્દીપકની ભૂમિકા ભજવે અને જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ તેમને સંતોષ થાય તે સ્તરે ન થાય ત્યાં સુધી તેનો કેડો પણ ન મૂકે. કોઈને પણ તેઓ પગભર થવાની મદદ જરૂર કરે, પણ હાથ પકડીને ચલાવે નહીં. આમ એમાં ભારતમાંનાં તેમનાં કુટુંબીજનો પણ આવી જાય. તેમને તે સાચી દિશા પકડવા સુધીની જ મદદ કરે.
તેઓ બહુ જ ખ્યાત બહુરાષ્ટ્રીય કંપનીઓના નિયામક મંડળ પર સેવાઓ આપે છે, તેમ જ 'થીંકર્સ ૫૦' જેવી મૅનેજમૅન્ટ ગુરૂઓની વૈશ્વિક યાદીઓમાં વર્ષો સુધી માન્યતા મેળવતા રહ્યા છે.
'દેખીતી અર્થવિહીન બાબતોમાંથી અર્થ તારવીને, શાંતિથી અસરકારક રીતે સમજાવી દેવો'
પોતાના અનેકવિધ અનુભવોના પાઠ તેમણે તેમનાં પુસ્તકો અને લેખોમાં ઉતાર્યા છે. વૈશ્વિક પરિવર્તનો અને ટેક્નોલોજિના હરણફાળસમા વિકાસની દોડમાં પોતાનું અસ્તિત્વ ટકાવવાની સાથેસાથે આવનારા ભવિષ્યમાં સ્પર્ધાત્મક સરસાઈ કેમ જાળવી રાખવી એ બાબત હંમેશાં તેમની વિચારધારાના કેન્દ્રમાં રહી છે.
વૈશ્વિક ઝુકાવમાં વ્યવસાયને સફળતાથી કેમ દોરવણી પૂરી પાડવી
૨૧મી સદી બેસતાં સુધીમાં વિશ્વના અતિવિકસિત દેશોની પકડમાંથી આર્થિક પ્રભાવ ખૂબ જ ઝડપથી વિકસી રહેલ ચીન, ભારત, બ્રાઝીલ, કોરિયા કે મધ્ય પૂર્વના અને આફિકાના કેટલાક દેશો તરફ ઢળી ચૂક્યો હતો. આ પરિવર્તન આમ તો નરી આંખે દેખાય જ છે, પણ તેમ છતાં ઘણા વ્યાપર-ઉદ્યોગના અગ્રણીઓ તેને નહોતા જોઈ શકતા (કે નહોતા જોવા માગતા). આ પરિસ્થિતિમાં તેમની સલાહ છે કે -
- ભૂતકાળની સફળતાનો જ જેના પર મદાર રહ્યો છે તેવી મૂળભૂત ક્ષમતા પર જ નિર્ભર ન થશો, જો એ ક્ષમતા ભાવિ પડકારોને ઝીલવા માટે સક્ષમ ન હોય. ભવિષ્યની સંભાવનાઓના પડકારોને પહોંચી વળવા માટે જે કોઈ ક્ષમતા ઘડી કાઢવી પડે તેને વાસ્તવિકતામાં ઉતારવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
- વ્યૂહાત્મક ઘડી ઝડપી લેવા તત્પર રહો - આજના યુગમાં થઈ રહેલા ફેરફારોની ગતિ એટલી ઝડપી છે કે ફેરફારો આવતા જોઈ શકાતા હોય, તો પણ જરૂરી સાધનો એકઠાં કરવાં કે તેમને મેદાનમાં કામે લગાડવા માટે જે ચપળતા જોઈએ તે વિષે જરા પણ ગાફેલ રહેવું પાલવે નહીં.
- ટૂંકા ગાળાનાં ધ્યેયમાં લપેટાઈ ન જશો - લાંબા ગાળાની જરૂરિયાતોના સંદર્ભમાં ટૂંકા ગાળાનાં પગલાં લેવા માટેનું કૌશલ્ય અને હામ આજના વ્યાપાર અગ્રણીઓએ કેળવવાં રહ્યાં.
આ દિશામાં વિચાર શરૂ કરવા માટે તેઓ આ સવાલ પૂછે છે - આજના બજારના સંદર્ભના દૃષ્ટિકોણને ભાવિ મહત્ત્વનાં ચિત્રની દિશા તરફ ગોઠવવા માટે તમે શું કરો છો ? બીજા શબ્દોમાં કહીએ તો, જૂની પૂર્વમાન્યતાઓ ત્યજીને આપણા વર્તમાન વ્યવસાયની ભાવિ ક્ષિતિજને આંબવા માટે શી રીતે નજર માંડશો ?
રામચરણનું કહેવું છે કે તેમના અનુભવે દર ચારમાંથી એક વ્યાપાર-ઉદ્યોગઅગ્રણી ધ્યાનથી સાંભળવાની બાબતે ઊણા ઉતરતા જણાય છે. પરંપરાગત રીતે તો એમ કહેવાય કે કાન સરવા રાખવા માટે મગજને ભાવનાત્મક રીતે ચપળ રાખો અને હાથવગું રાખો. પરંતુ ભવિષ્યના ઝડપી ફેરફારોને પહોંચી વળવા આટલાથી થોડું વિશેષ પણ કરવું જરૂરી છે -પોતાના વિકાસને અગ્રીમતા આપવી જ રહી
- કોઈ પણ ચર્ચા કે સંવાદમાંથી મહત્વના 'ગાંગડા'ને અંકે કરો : કોઈપણ ચર્ચામાં મહત્ત્વની બાબતને કોઈને કોઈ જાણીતા કે નવા શબ્દસમૂહમાં કહી દેવાતી હોય છે. એવા શબ્દસમૂહોને પકડી લો અને પછીથી તેના વિષે એકબીજાની સમજને સ્પષ્ટ કરી લો.
- માહિતીના સ્ત્રોત પર ધ્યાન આપો : કોઈ પણ ચર્ચામાં ભાગ લઈ રહેલ સાથીઓના દૃષ્ટિકોણ અને સંદર્ભને પણ સમજવા જોઈએ., ખાસ કરીને જ્યારે ચર્ચામાં સહમતી ન બની રહી હોય. સામેની વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાથી ભલે સહમતી ન સધાય, પણ એકબીજાના વિચાર અને દૃષ્ટિકોણને બહુ જ સારી રીતે સમજી શકાય છે.
- અંગારને વધારે હવા આપો : હાલમાં જે સંદર્ભમાં ચર્ચા થઈ રહી હોય તેને વધુ વિશાળ ફલક પર લઈ જવા માટે નવા આયામ ઉમેરો. ટીમની વિચારધારાને પ્રવર્તમાન સીમાઓની બહાર ખેંચી જઈ ભાવિ સમસ્યાઓનાં સમાધાન માટે, અત્યાર સુધી ન પ્રયોગ કરાયેલ ઉપાયો કામે લગાડવા માટે પ્રોત્સાહન આપો.
- ધીમા પડો : ઝડપના જમાનામાં વાતને સાંભળી ન સાંભળી કરી તેમાંના સંદેશના અણસારને ઝડપી લેવાની ટેવ પડી જવી એ સામાન્યપણે ઘટના ગણાય. જો આવું થતું હોય, પ્રતિભાવ આપતાં કે નિર્ણય લેતાં પહેલાં સામેની વ્યક્તિને પૂરેપૂરી સાંભળી લેવા જેટલી રાહ જુઓ. વાતનું હાર્દ બંને પક્ષે એ જ સ્તરે સમજાયું / સ્વીકારાયું છે તે નક્કી થઈ ગયા બાદ જ પ્રતિભાવ આપો.
- સંનિષ્ઠપણે વ્યક્તિગત પ્રમાણિકતા જાળવી રાખો : કોઈ પણ ટેવના કોચલામાંથી બહાર નીકળવા માટે શિસ્ત, સતત પ્રતિભાવ અને અભ્યાસ જરૂરી છે. ધ્યાનપૂર્વક સાંભળવાની ટેવને કોઠે પાડવા માટે પણ શિસ્ત, સાથીદારોના સાચા પ્રતિભાવ અને નિયમબધ્ધ અભ્યાસ માટેની પોતાની પ્રતિબધ્ધતા માટે સંનિષ્ઠ પ્રમાણિકતામાં કોઈ જ શરતચૂક ન થવા દેવી એ તમારી અંગત નૈતિક જવાબદારી છે.
પોતાના વ્યવસાયનાં ધ્યેય સિદ્ધ કરવાની હોડમાં પોતાના વિકાસને શહીદ ન થવા દેવો જોઈએ. બજારનાં વલણોમાં કે ટેક્નોલોજિ કે વૈશ્વિક સ્તરે આવી રહેલાં પરિવર્તનોને કારણે આજની તારીખમાં ખૂબ જ સજ્જ અને સફળ જ્ઞાન-કાર્યકર્તા પોતાનાં જ્ઞાન અને અનુભવનાં શિખરપરથી ગમે ત્યારે ગબડી પડી શકે છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા સંચાલકોને તો તેમના પછી આવી રહેલી યુવા પેઢીની ડીજીટલ ટેક્નોલોજિની સાથેની ફાવટનો પણ ફાયદાકારક ઉપયોગ કરતાં શીખવાનું છે. આમ, વર્તમાન તથા ભાવિ એમ બંને પેઢીઓએ પોતાનાં જાણકારીનાં ક્ષેત્ર ઉપરાંત સંચાલન અને નેતૃત્વનાં સ્તરે પણ પુનઃશોધખોળ પણ કરતાં રહેવું પડશે.
પોતાની જાતને પૂછજો કે પોતાના વિકાસ માટે આપણે કેટલો સમય ફાળવીએ છીએ ?
અંગત વિકાસને પ્રાથમિકતા આપવા માટેના ત્રણ રસ્તા :
૧. પોતાના વિકાસની જવાબદારી પોતાના જ હાથમાં રાખો - કંપની આ બાબતે જે કંઈ કરતી હોય, તેટલા માત્રથી સંતોષ ન માનો. ભવિષ્યે કઈ બાબત માટે આપણે વધારે સજ્જ થવું પડશે, તેનું બહુ જ સ્પષ્ટ ચિત્ર નજર સામે રાખતા રહો અને તે માટે જરૂરી સમય અને સાધનો ફાળવવામાં કચાશ ન રાખશો.
૨.પોતાનું નસીબ જાતે જ ઘડો - પોતાના વિકાસ માટે માત્ર સમય જ ફાળવવાથી કામ નહીં બને, તકો પણ ઊભી કરવી પડશે અને તેમને ઝડપી પણ લેવી પડશે
૩. તમારા વિકાસમાં મદદરૂપ થાય તેવા ઉપરીઓ / માર્ગદર્શકોનો સંગાથ કરો. જરૂર પડ્યે નોકરી બદલતી વખતે આ પરિબળને અગ્રિમ મહત્ત્વ પણ આપો.
યાદ રહે, અહીં વિકાસ એટલે દરેક સંજોગમાં પ્રસ્તુત રહેવું.
ઝડપથી બદલાતા જતા સમયના સંદર્ભમાં, તેમનાં પુસ્તક '“Know-How”: The 8 Skills T hat Separate People Who Perform from Those Who Don’t'માં તેમણે ભાવિ અગ્રપ્રબંધકને લખેલો પત્ર બહુ રસપ્રદ વિચારસરણીને રજૂ કરે છે, જેમ કે "૨૧મી સદીમાં તો તમારો અંગત વિકાસ એ સતત વહેતો પ્રવાહ છે. મારી તો તમને એ જ આગ્રહભરી વિનંતી છે કે જાણે દુનિયાનું અસ્તિત્વ આ જ વાત પર ટકી રહ્યું છે, તેમ જ વિચારતા અને માનતા રહો. અને આમ જુઓ તો, છે પણ એવું જ ને ! દેશના આર્થિક માપદંડો આર્થિક સિધ્ધાંતો કે શોધખોળો કે ટૅક્નૉલોજિથી નથી નક્કી થતા. જુદા જુદા વિષયોના નિષ્ણાતોનાં સામંજસ્ય વડે, ટેકનોલોજિ માટે નાણાંકીય સંસાધનો ફાળવીને અને તેમને યથોચિત વપરાશમાં લઈને કે શોધખોળોના વાણિજ્યિક વપરાશ માટેનાં જોખમો ખેડીને નેતાઓ, ખાસ કરીને વ્યાવસાયિક અગ્રણીઓ, એ માપદંડોને ઘડે છે. તમારા અંગત નેતૃત્વના ઘડતરને તમે આ પ્રક્રિયાનો હિસ્સો બનાવી શકો છો." પુસ્તકો:
1. Boards At Work: How Corporate Boards Create Competitive Advantage (J-B US non-Franchise Leadership) by Ram Charan (Mar 25, 1998)
2. Every Business Is a Growth Business: How Your Company Can Prosper Year After Year by Ram Charan and Noel Tichy (Apr 4, 2000)
What the CEO Wants You to Know : How Your Company Really Works by Ram Charan (Feb 13, 2001)
4. Learn from street vendors in India! Secret of business, (overseas series) (2001) ISBN: 404791391X [Japanese Import... (2001)
5. Execution: The Discipline of Getting Things Done by Larry Bossidy, Ram Charan and Charles Burck (Jun 4, 2002)
Profitable Growth Is Everyone's Business: 10 Tools You Can Use Monday Morning by Ram Charan (Jan 20, 2004)
7. Boards That Deliver: Advancing Corporate Governance From Compliance to Competitive Advantage by Ram Charan (Feb 3, 2005)
Confronting Reality = Ima genjitsu o tsukamaero : shinsedai yuryo kigyo no bijinesu hosoku [Japanese Edition] by Larry Bossidy, Ram Charan and Yuko Takato (2005)
9. Leaders at All Levels: Deepening Your Talent Pool to Solve the Succession Crisis by Ram Charan (Dec 21, 2007)
What The Customer Wants You To Know – How Everybody Needs to Think Differently about Sales by Ram Charan (Dec 27, 2007)
The Game Changer – How You Can Drive Revenue and Profit Growth with Innovation by A G Lafley and Ram Charan (April 8, 2008)
12. Know-How: The 8 Skills that Separate People who Perform From Those Who Don't by Ram Charan (Dec 2, 2008)
Leadership in the Era of Economic Uncertainty: Managing in a Downturn by Ram Charan (Dec 22, 2008)
14. Owning Up: The 14 Questions Every Board Member Needs to Ask by Ram Charan (April 13, 2009)
15. Confronting Reality: Master the New Model for Success by Larry Bossidy and Ram Charan (Jul 6, 2010)
The Leadership Pipeline – How to Build the Leadership-Powered Company by Ram Charan, Stephen Drotter and Jim Noel (Jan 11, 2011)
The Talent Masters: Why Smart Leaders Put People Before Numbers by Ram Charan and Bill Conaty (Feb 28, 2011)
18. Global Tilt: Leading Your Business Through the Great Economic Power Shift by Ram Charan (Feb 26, 2013)
19. Boards That Lead: When to Take Charge, When to Partner, and When to Stay Out of the Way by Ram Charan, Dennis Carey and Michael Useem (Dec 10, 2013)
રામચરણનાં વ્યક્તવ્યો (વીડિયો ક્લિપ્સ)
1. At Learderonomics .tv
2. Leadership During Times of Crisis -
3. Building A Successful Business - http://youtu.be/s8aGEU9hgk8
4. Guest Speaker @ the international Pilosio "Building Peace" Award, 2011 -
5. Leading in Uncertain Times – Keynote speech @ NAASCOM 2013 - http://youtu.be/BwkTbAJrjKY
6. Mr. Analjit Singh, Chairman, Max India discusses business strategies with eminent management guru Mr. Ram Charan in a never before exclusive on ET Now - Part 1 | Part 2 | Part 3
7. Exceptional Leadership for India Inc- Mr. Ram Charan's talk on marketing - Part - 1 | Part - 2 | Part - 3
આ લેખ વેબ ગુર્જરી પર ૧૮ જુલાઇ ૨૦૧૪ના રોજ પ્રસિધ્ધ થયેલ.
૨૧મી સદીમાં તો તમારો અંગત વિકાસ એ સતત વહેતો પ્રવાહ છે. જાણે દુનિયાનું અસ્તિત્વ આ જ વાત પર ટકી રહ્યું છે, તેમ જ વિચારતા અને માનતા રહો. - રામચરણ