Showing posts with label Remembering S N Tripathi. Show all posts
Showing posts with label Remembering S N Tripathi. Show all posts

Sunday, March 8, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૨૦

એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા - ૧૯૬૧-૧૯૬૮

એસ એન (શ્રી નાથ) ત્રિપાઠી - જન્મ ૧૪ -૩-૧૯૧૩ | અવસાન ૨૮-૩-૧૯૮૮ – સામાન્યપણે સંગીતકાર તરીકે
વધારે જાણીતા છે. તેમની સંગીતકાર તરીકેની એ ઓળખ પાછળ તેમની દિગ્દર્શક, અભિનેતા અને સ્ક્રિપ્ટ લેખક તરીકેની પ્રતિભાઓ ઢંકાઈ ગઈ છે તેમ કહી શકાય. ૧૯૩૦ના મધ્યથી શરૂ થયેલી તેમની કારકીર્દી પછીના પાંચ દસક સુધી સક્રિય રહી. આમ તેમણે હિંદી ફિલ્મ સંગીતની કમસે કમ ત્રણ પેઢીઓના વાળાઢાળા અનુભવ્યા હશે.તેમનાં સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત અને (રાજસ્થાની) લોક સંગીત રહ્યો. તેમણે રચેલાં ૨૫૦ જેટલાં ગીતોમાંથી અમુક ગીતો તો બેસુમાર લોકચાહનાને વર્યાં હતાં. એવી કેટલીય બી -સી ગ્રેડની ફિલ્મો હશે જે તેમનાં ગીતોને સહારે બોક્ષ ઑફિસ પર ટંકશાળ નીવડી. પરંતુ, આવી અદ્‍ભુત સફળતાઓ છતાં પણ કોઈ 'એ' ગ્રેડનાં નિર્માણ ગૃહના ચોપડે તેઓ પોતાનું ખાતું ન ખોલી શકયા. તેમના સહાયકો દત્તા દવજેકર અને ચિત્રગુપ્ત પણ ઘણે અંશે સફળ કહી શકાય તેવા સ્વતંત્ર સંગીતકારો તરીકે જાણીતા થઈ શક્યા હતા,

એસ એન ત્રિપાઠીએ સંગીતબધ્ધ કરેલ, ભુલાઈ ગયેલી ફિલ્મોનાં યાદ રહેલાં ગીતોની સાથે તેમનાં વિસારે પડેલાં ગીતો આપણે ૨૦૧૭થી દર વર્ષે માર્ચ મહિનામાં યાદ કરીએ છીએ. આ પહેલાં આપણે
૧૯૪૧થી ૧૯૫૦નાં વર્ષોનાં ગીતો ૨૦૧૭માં
૧૯૫૧થી ૧૯૫૬નાં વર્ષોનાં ગીતો ૨૦૧૮માં, અને
૧૯૫૭થી ૧૯૬૦નાં વર્ષોનાં ગીતો ૨૦૧૯માં
                                      કરી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે, ૧૯૬૧થી ૧૯૬૮નાં વર્ષોમાં તેમણે જ દિગ્દર્શિત કરેલી ફિલ્મોમાંની, તેમની જ સ્વરબધ્ધ કરેલ, ગીત રચનાઓ સાંભળીશું. ગીતોની પસંદગી કરવામાં આપણે શક્ય તેટલાં વધારે ગાયકોનાં ગીતોને અહીં યાદ કરવા પર ધ્યાન આપેલ છે. મોહમ્મદ રફીએ ગાયેલાં તેમનાં ગીતો લેખના અંત ભાગમાં, એક સાથે, ગોઠવેલ છે.

છુમ છનન છુમ છનન પાયલિયાં બોલી - અમૃત મંથન (૧૯૬૧) - આશા ભોસલે – ગીતકાર: બી ડી મિશ્ર

દ્રુત ગતિનાં નૃત્ય ગીત માટે એસ એન ત્રિપાઠીની પસંદ આશા ભોસલેના સ્વર પર ખરી ઉતરે છે.

ગ઼મ છોડો...યે સારે જમાને કા - પિયા મિલનકી આસ (૧૯૬૧) - મુબારક બેગમ – ગીતકાર: ભરત વ્યાસ

મુઝરાનાં ગીત માટે ગ઼મ ભુલાવીને હળવા થવાની પ્રેરણા આપતા બોલ કંઈક અંશે નવા ભાવના કહી શકાય. પરંતુ એ મુડને સુસંસગત ગીતની લયને ગીતની બાંધણીમાં વણી લેવાયેલ છે. મુબારક બેગમ ભાવને અનુરૂપ મૃદુતાથી મુજરો રજૂ કરે છે.

સખી કૈસે ધરૂં મૈં ધીર - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - લતા મંગેશકર – ગીતકાર: શૈલેન્દ્ર

કરૂણ ભાવનાં ગીતોમાં એક ખાસ માધુર્ય અનુભવાતું હોય છે. ગીતની બાંધણી ગાવા માટે સહેલી નથી પણ તેની અસર ગીતના ભાવની રજૂઆત પર નથી પડતી.

'સંગીત સમ્રાટ તાનસેન'નાં જ઼ૂમતી ચલી હવા (મુકેશ), સપ્ત સુરન તીન ગ્રામ (મન્ના ડે), સુધ બીસર ગયી આજ (રફી, મન્ના ડે) જેવાં ગીતો તો આજે પણ યાદ કરાય છે. 

બદલી બદલી દુનિયા હૈ મેરી - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર – ગીતકાર: શૈલેન્દ્ર

મહેન્દ્ર કપૂરનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવવાની કક્ષાનું આ યુગલ ગીત વીસારે પડતાં ગીતોની યાદીમાં મુકતાં ખચકાટ અનુભવાય છે. સાખીના બોલનો ઉપાડ મહેન્દ્ર કપૂર પાસે ઊંચા સ્વરમાં કરાવ્યા બાદ તરત જ નીચા સ્વરમાં મુખડાનો ઉપાડ થાય છે. તે જ રીતે દરેક અંતરાનો ઉપાડ પણ ઊંચા સ્વરમાં વિરહની પીડનો અહસાસ કરાવીને પછીથી પ્રેમની રોમાંચક પળોની ગમગીન યાદોમાં વહી નીકળે છે.

અહીં રજૂ થયેલ વિડીયો ક્લિપમાં ગીતનું બીજું વર્ઝન પણ આવરી લેવાયું છે.

દિરના દિરના...તન દી દિરના.. મોરે નૈના લાગે રે લાગે કિસી સે નૈન - શિવ પાર્વતી (૧૯૬૨) - ગીતા દત્ત, આશા ભોસલે – ગીતકાર: શૈલેન્દ્ર

શિવનૃત્ય સાથે ઓળખાતાં ડમરૂના પ્રયોગની સાથે એસ એન ત્રિપાઠીએ તબલાંની થાપના સુરને વણી લીધેલ છે. 

પિયા મિલનકો જાનેવાલી, સંભલ સંભલ કે ચલ - દેવ કન્યા (૧૯૬૩) - અમીરબાઈ કર્ણાટકી – ગીતકાર: બી ડી મિશ્ર

'૬૦ના દાયકામાં પણ એસ એન ત્રિપાઠીએ વિન્ટેજ એરાનાં સુપ્રસિધ્ધ ગાયિકા અમીરબાઈના સ્વરનો હિંમતભર્યો પ્રયોગ કર્યો છે.

માને ના માને ના મોરા બિછુઆ બોલે - મહારાજ વિક્રમ (૧૯૬૫) - સુમન કલ્યણપુર – ગીતકાર: બીડી મિશ્ર

કોઇ પણ ગાયક સાથે એસ એન ત્રિપાઠી પોતાની રચનાનાં માધુર્યને એટલી જ લાક્ષણિકતાથી રજૂ કરી શકે છે તે અહીં ફરી એક વાર પ્રતિપાદિત થાય છે.

પ્યાર કે પલ છીન બીતે હુએ દિન, હમ તો ન ભુલે તુમ ભુલ ગયે - કુંવારી (૧૯૬૬) - તલત મહમુદ – ગીતકાર: શૈલેન્દ્ર

ગીતના શબ્દો વાંચતાંની સાથે ભલે ગીતની યાદ તાજી ન થાય પણ મુખડાની શરૂઆત થતાંની સાથે જ તલત મહમુદના ચાહકોને તો ગીત અચુક યાદ આવી જ જશે.

અહીં રજૂ કરેલ વિડીયો ક્લિપમાં લતા મંગેશકરના સ્વરનું બીજું વર્ઝન પણ સાંભળી શકાય છે. એસ એન ત્રિપાઠીએ બહુ જ સરળતાથી તેને પિયાનો પર ગવાતાં પાર્ટી ગીતનાં સ્વરૂપમાં રજુ કર્યું છે. 

દરેક અંકનો અંત શક્ય હોય ત્યાં સુધી વિષય સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી કરવાની પરંપરા જાળવવા માટે આ પહેલાં યાદ કરેલી ફિલ્મોનાં રફીના સ્વરમાં ગવાયેલાં ગીત એક સાથે અહીં યાદ કર્યાં છે.

ચાંદી કા ગોલ ગોલ ચંદા - પિયા મિલન કી આસ (૧૯૬૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર – ગીતકાર: ભરત વ્યાસ

આ ગીત જો કોઈ એ ગ્રેડની ફિલ્મમાં લેવાયું હોત તો ઘણી બહોળી લોકચાહના મેળવત એવું સરળ અને પ્રેમમય યુગલ ગીત છે. એસ એન ત્રિપાઠીની ગીતની બાંધણી અને વાદ્યસજાની આગવી શૈલી અને ભરત વ્યાસના શુધ્ધ હિંદીમાં, સરળ અર્થના, બોલ પણ ગીતને સજાવવામાં પોતપોતાની ભૂમિકા ભજવે છે.

હાય છલ કિયા તુને છલ કિયા - પિયા મિલનકી આસ (૧૯૬૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર – ગીતકાર: ભરત વ્યાસ

એસ એન ત્રિપાઠીની, અને તેમના એક વખતના સહાયક ચિત્રગુપ્તની, આવી બીજી રચનાઓ જેટલી દીર્ઘ સમયની લોકચાહના આ ગીતને કેમ નહીં મળી હોય તે ન સમજાય એવી બાબત છે.

દીપક જલાઓ જ્યોતિ જલાઓ - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - મોહમ્મદ રફી – સંગીતકાર: શૈલેન્દ્ર

આ ગીત સાંભળતાંની સાથે જ, અવશપણે, આ જ સીચ્યુએશન માટે ખેમચંદ પ્રકાશે કે એલ સાયગલના સ્વરમાં રચેલ દિયા જલાઓ જગમગ જગમગ (તાનસેન (૧૯૪૩) યાદ આવી જ જાય.

મોહમ્મદ શાહ રંગીલે રે- નાદીરશાહ (૧૯૬૮) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

મુઘલ રાજદરબારની શાનની સાથે સુસંગત ગીતની રચના કરવાની સાથે એસ એન ત્રિપાઠીનાં ગીતોની નૈસર્ગિક સરળતા બરકરાર રહે છે.

અન્ય જાણકાર બ્લૉગ લેખકો નોંધે છે કે હિંદી ફિલ્મ ગીત કોશમાં આ ગીત મોહમ્મ્દ રફી સાથે લતા મંગેશકરના સ્વરમાં છે. શક્ય છે કે રેકોર્ડ ઉપર ગીત ફરીથી એ મુજબ ચડાવાયું હોય !

એસ એન ત્રિપાઠીના નામે હજુ પણ લહુ પુકારેગા (૧૯૬૮), સતી સુલોચના (૧૯૬૯), નાગ ચંપા (૧૯૭૬) જેવી ફિલ્મો દિગ્દર્શક તરીકે બોલે છે. સંગીતકાર તરીકે તો તેમની છુટી છવાયી ફિલ્મો છેક ૧૯૮૭ સુધી નોંધાઈ છે. એમનાં એ ગીતોમાં પણ તેમનો સ્પર્શ અછૂતો નથી રહેતો. પરંતુ એમની કારકીર્દીને એ ભુલાઈ ગયેલી ફિલ્મોનાં ભુલાઈ ગયેલાં ગીતોને યાદ કરવા બાબતે આપણે પણ દિલચોરી કરીશું અને તેમની ભુલાઈ ગયેલી ફિલ્મોનાં યાદ રહેલાં ગીતોની શ્રેણી અહીં સમાપ્ત કરીશું.

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

એસ એન ત્રિપાઠીનાં ૧૯૪૧થી ૧૯૬૮ સુધીનાં વિસરાયેલાં ગીતો એક સાથે સાંભળવા / ડાઉનલોડ કરવા મારએ હાયપરલિંક પર ક્લિક કરો.

Sunday, March 10, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૧૯

એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા - ૧૯૫૭-૧૯૬૦
એસ એન (શ્રી નાથ) ત્રિપાઠી - જન્મ ૧૪ -૩-૧૯૧૩ - અવસાન ૨૮-૩-૧૯૮૮ -ને હિંદી ફિલ્મ જગતનાં
શરૂઆતનાં વર્ષોમાં સફળતા સાથે એક હાથનું અંતર રહ્યા કર્યું હતું. પરંતુ સફળતાની દેવી ૧૯૫૭નાં વર્ષમાં ઓચિંતા જ વાદળ ફાડીને વરસી પડ્યાં. બિનાકા ગીતમાલાની ટોચની પાયદાન પર તેમનાં રચેલાં યુગલ ગીત જ઼રા સામને તો આઓ છલીયે (જનમ જનમ કે ફેરે) એ અદ્‍ભુત ધુમ મચાવી દીધી હતી. આ ગીત આપણને બધાંને કદાચ એટલું યાદ છે કે આમ થવા માટે કોઈ નવાઈ ન લાગે ! પરંતુ, એ સમયે બિનાકા ગીતમાલામાં જગ્યા મેળવવા ધક્કમુક્કી ચાલી રહી હતી તેમાં ઓ પી નય્યરની નયા દૌર, હમ સબ ચોર હૈ; સચિન દેવ બર્મનની પ્યાસા, નૌ દો ગ્યારહ, ફંટૂશ, પેયીંગ ગેસ્ટ; હેમંત કુમારની મિસ મેરી, ચંપાકલી , શંકર જયકિશનની ચોરી ચોરી, બેગુનાહ, બસંત બહાર, ન્યુ દેલ્હી અને સી રામ્ચંદ્રની આશા જેવી ટિકિટ બારી પર ટંકશાળ પાડતી દરેક ફિલ્મોનાં બબ્બે ચાર ગીતોની ભીડ હતી એ વાત પર નજર કરીશું તો જરા સામને આઓની સફળતાનું સાચું મૂલ્ય સમજાશે.

૧૯૫૬માં પણ, બી-ગ્રેડની ધાર્મિક ફિલ્મ હાતિમતાઈનાં એસ એન ત્રિપાઠીએ રચેલાં પરવર દિગાર-એ-આલમ કે ઝૂમતી હૈ નઝર ઝૂમતા હૈ પ્યાર જેવાં ગીતોએ એસ એન ત્રિપાઠીનો સિતારો બુલંદ કરવાના શ્રીગણેશ તો માડી જ દીધા હતા. 'જનમ જનમ કે ફેરે'નાં ગીતની સફળતા તો સાતમા આકાશને અડી ચૂકી હતી. પણ હિંદી ફિલ્મ જગતની વિધાતાના લેખ કદી ધારી દિશામાં નથી લખાતા. આટઆટલી સફળતાઓ છતાં એસ એન ત્રિપાઠીના ભાગ્યમાં મોટાં બેનરોની એ-ગ્રેડની ફિલ્મો ન જ લખાઈ.

એસ એન ત્રિપાઠીએ રચેલાં ગીતોનાં ભુલાઈ ગયેલી ફિલ્મોનાં યાદ રહેલાં ગીતોની સાથે તેમનાં વિસારે પડેલાં ગીતો આપણે ૨૦૧૭થી દર વર્ષે માર્ચ મહિનામાં યાદ કરીએ છીએ. આ પહેલાં આપણે તેમનાં ૧૯૪૧થી ૧૯૫૦નાં વર્ષોનાં અને ૧૯૫૧થી ૧૯૫૬નાં વર્ષોનાં ગીતો અનુક્રમે ૨૦૧૭ અને ૨૦૧૮માં સાંભળી ચૂક્યાં છીએ. આજના અંકમાં આપણે એસ એન ત્રિપાઠીએ ૧૯૫૭થી ૧૯૬૦ દરમ્યાન રચેલાં ગીતોને યાદ કરીશું.

૧૯૫૭

૧૯૫૭માં એસ એન ત્રિપાઠીએ ખુદા કા બન્દા, પરિસ્તાન, રામ હનુમાન યુધ અને જનમ જનમ કે ફેરે જેવી ધાર્મિક સી-ગ્રેડની ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. જનમ જનમ કે ફેરેનાં યુગલ ગીત જ઼રા સામને તો આઓ છલીયે જેટલું ભલે લોકપ્રિય ન કહી શકાય પણ ફિલ્મનું મોહમ્મદ રફીનું ટાઈટલ ગીત યે હૈ જન્મ જનમ કે ફેરે પણ નોંધપાત્ર જરૂર રગ્યું હતું.

આપણે આજે 'જનમ જનમ કે ફેર'નું મન્નાડે ગાયેલું તમ્બુરેમેં દો સાંસોં કે તાર બોલે જય રાધેશ્યામ (ગીતકાર ભરત વ્યાસ) સાંભળીશું.

ગીત ભજન શૈલીમાં રચાયું હોવા છતાં ગાયકીની દૃષ્ટિએ સરળ રચના નથી, જોકે મન્ના ડે એ ગીતને પૂરેપૂરો ન્યાય કર્યો છે.

બીજું ગીત લઈશું - ફલક બોલા ખુદા કે નૂર કા મૈં આશીયાના હૂં - ખુદા કા બન્દા - મોહમ્મદ રફી - ગીતકાર શેવાન રીઝ્વી

આ ગીત પણ બંદગી માટેનું જ છે એટલે ગીત કવ્વાલીની શૈલીમાં છે.

આડવાત:
આ રચનાની પ્રેરણાનો સ્રોત નગમા (૧૯૫૩)નું નાશાદે રચેલું બડી મુશ્કિલ સે દિલકો ક઼રાર આયા (ગાયિકા શમસાદ બેગમ; ગીતકાર નક઼્શાબ ઝરાવ્ચી) હોય તેવું લાગે છે. જોકે આ ગીત જેટલું લોકપ્રિય રહ્યું તેટલું ખુદા કા બંદાનું ગીત ગુમનામીને તળીયે જઈને ડૂબ્યું છે.
૧૯૫૮માં એસ એન ત્રિપાઠીએ કોઈ ફિલ્મનું સંગીત નથી આપ્યું.

૧૯૫૯

૧૯૫૯માં પંણ એસ એન ત્રિપાઠીને ફાળે તો જગ્ગા ડાકુ, પક્ષીરાજ, કવિ કાલિદાસ અને રાની રૂપમતી જેવી બી-ગ્રેડની જ ફિલ્મો આવી, જેમાંથી રાની રૂપમતી અને કવિ કાલિદાસનાં કેટલાંક ગીતો સારાં એવાં લોકપ્રિય થયાં.

કવિ કાલિદાસમાં ૧૦ ગીતો હતાં. એસ એન ત્રિપાઠીએ વધારામાં ફિલ્મનું દિગ્દર્શન પણ સંભાળ્યું હતું. ફિલ્મનાં ઉનપર કૌન કરે જી વિશ્વાસ (મોહમ્મદ રફી, લતા મંગેશકર) અને શામ ભયી ઘનશ્યામ ન આયે (લતા મંગેશકર) વિવેચકો અને શ્રોતાઓ એમ બન્ને વર્ગને ખૂબ પદંદ પડ્યાં. આપણે આજે મન્ના ડે એ ગાયેલું નયે નયે રંગો સે લીખતી ધરતી નયી કહાની (ગીતકાર ભરત વ્યાસ) પ્રકૃતિની પ્રશસ્તિનું ગીત સાંભળીશું. 
ગીતના બોલ લખાવતાં લખાવતાં એ કલ્પનામાં લીન થઈ ગયેલા કવિ સ્વપ્નાવસ્થામાં સરી પડતા બતાવ્યા છે. મના ડેના સ્વરમાં વિચારોનું ઊંડાણ અને કલ્પનાના ભાવોની કોમળતા બહુજ સ્વાભાવિક રહે છે.

૧૯૫૯ની ગીતોની દૃષ્ટિએ સફળ બીજી ફિલ્મ, રાની રૂપમતી,નો વિષય પણ ઐતિહાસિક છે. મુકેશ અને લતા મંગેશકરના સ્વરોમાં ગવાયેલ જોડીયું ગીત આ લૌટકર આ જા મેરે મિત, મોહમ્મદ રફી અને પંડિત કૃશ્ણરાવ ચોનકરના યુગલ સ્વરોનું શાસ્ત્રીય ગીત બાત ચલત નયી ચુંદરી રંગ ડાલી, અને મન્ના ડેનું ઊડ જા ભંવર માયા કા પિંજરા તોડ કે આજે પણ પસંદ કરવામાં આવે છે. આપણે આજે ઉષા મંગેશકરના સ્વરમાં ગવાયેલ આંખોમેં સુરમા ડાલ કર આયેગી જબ દુલ્હનિયા સાંભળીશું.

ગીતની એક બહુ નાની વિડિયો ક્લિપ પણ છે, જેના વડે આપણને ખબર પડે છે કે આ ગીત લગ્ન વખતે જાનૈયાઓના મનોરંજન માટે ભજવાયેલ મુજરા નૃત્યનું છે. 

૧૯૬૦

૧૯૬૦માં એસ એન ત્રિપાઠીએ સંગીતબદ્ધ કરેલી ફિલ્મો ચંદ્રમુખી, લાલ કિલ્લા, દો આદમી, રાની ચંદ્રાવતી (રીલીઝ ન થયેલ), સિંહલદ્વિપકી સુંદરી અને વીર દુર્ગાદાસ હતી.

આ ફિલ્મોનાં નામ કદાચ યાદ નહીં હોય પણ કેટલાંક ગીતો જરૂર યાદ હશે, જેમકે, નૈનકા ચૈન ચુરાકે લે ગયી, કર ગયી નીંદ હરામ (ચંદ્રમુખી, મૂકેશ), લગતા નહીં હૈ દિલ મેરા ઉજ઼ડે દયારમેં અને ન કીસીકા આંખકા નૂર હું (લાલ કિલ્લા, મોહમ્મદ રફી) અને થાને કાજરિયો બના લું (વીર દુર્ગાદાસ, લતા મંગેશકર, મૂકેશ).

આજે આપણે આ ફિલ્મોનાં કેટલાંક વિસારે પડેલાં ગીતો યાદ કરીશું.

ચાંદની ઝિલમિલ કરે તારોં ભરી યે રાત હૈ - ચંદ્રમુખી - સુધા મલ્હોત્રા, લતા મંગેશકર - ગીતકાર ભરત વ્યાસ

આ યુગલ ગીતમાં બે મુડને અવરી લેવાયા છે. સુધા મલ્હોત્રા અલ્લડતાભર્યા આનંદનો ભાવ રજૂ કરે છે તો તે સાથે જ લતા મંગેશકર એ જ શબ્દો વડે વિરહની પીડા વ્યકત કરે છે.

પિયે જા જામ-એ-ઉલ્ફત ઝિંદગી મુશ્ક઼ીલ સે મીલી હૈ - વીર દુર્ગાદાસ - સુધા મલ્હોત્રા, મુબારક બેગમ - ગીતકાર ભરત વ્યાસ

રાજ દરબારમાં થતા રહેતાં નાચગાનને રજૂ કરતું એક યુગલ નૂત્ય ગીત.

એસ એન ત્રિપાઠીએ રચેલાં ગીતના મુડ અને ગાયકોનાં વૈવિધ્યના વ્યાપનો વધારે વિગતે પરિચય મેળવવા માટે આપણે ૧૯૬૦નાં બીજાં બે ગીતો સાંભળીશું.

ભીગી ભીગી મેહકી મેહકી રાત હૈ - દો આદમી - ગીતા દત્ત - ગીતકાર પ્રેમ ધવન

મધ્ય પશ્ચિમ એશિયાનાં સંગીત સાથે સંકળાયેલી કહી શકાય એવી ધુન પર,માદક ભાવને, રમતિયાળ શૈલીમાં ગીત રજૂ કરવા એસ એન ત્રિપાઠીએ ગીતા દત્ત પર પસંદગી ઉતારી છે. આ ફિલ્મમાં તેમણે પાંચ અલગ અલગ ગાયિકાઓ પાસે ગીત ગવડાવ્યાં હતાં. 

હો બીનવાલે તીન સુર તેરે બીન કે લે ગયે દિલ મેરા છીન કે - સિંહલદ્વિપ કી સુંદરી - લતા મંગેશકર, મૂકેશ - ગીતકાર ભરત વ્યાસ

ગીતની સીચ્યુએશન શું હશે તે તો ખબર નથી, પણ ગીતના બોલ અનુસાર બીનના સ્વરને એસ એન ત્રિપાઠીએ બહુ સ્વાભાવિકપણે વણી લીધો છે. 

દરેક અંકના અંતમાં આપણે અંકના વિષયની સાથે સુસંગત મોહમ્મદ રફીનાં ગીતો યાદ કરીએ છીએ. આજના અંક માટે ૧૯૫૭નું એક અને ૧૯૬૦નાં બે ગીતો પસંદ કર્યાં છે.

દુનિયામેં સબ કુછ પૈસા હૈ સબ પૈસે હી કા જલવા હૈ - ખુદા કા બંદા (૧૫૭) - અમીરબાઈ કર્ણાટકી સાથે - ગીતકાર શેવાન રીઝ્વી

અધિકૃત રીતે ગીતનાં ગાયકો મોહમ્મદ રફી અને અમીરબાઈ કર્ણાટકી છે તેમ કહી શકાય તેમ નથી, એટલે મેં યુટ્યુબ પર ગીત અપલોડ કરનાર પર ભરોસો રાખ્યો છે. 

નદી કિનારે કોઈ પુકારે.. પાસ હમારે આ - ચંદ્રમુખી (૧૯૬૦) - ગીતા દત્ત સાથે - ગીતકાર ભરત વ્યાસ

નાવિકોનાં સંગીત પર આધારિત ગીત, જે મેં પહેલી વાર સાંભળ્યું. 

સન સનન સન સનન ચલે પવન, જન જનન જન જનન ઝૂમે પવન - ચંદ્રમુખી (૧૯૬૦)- સુમન કલ્યાણપુર સાથે - ગીતકાર ભરત વ્યાસ

'૬૦ના દાયકામાં આ ગીત રેડિયો પર સાંભળવા મળતું.


આ સાથે એસ એન ત્રિપાઠીની યાદને તાજી કરતા આજના અંકને પૂરો કરીશું. આવતાં વર્ષે એસ એન ત્રિપાઠીની યાદની સફર હજૂ આગળ ધપાવીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.