Sunday, March 8, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૨૦

એસ એન ત્રિપાઠી - જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા - ૧૯૬૧-૧૯૬૮

એસ એન (શ્રી નાથ) ત્રિપાઠી - જન્મ ૧૪ -૩-૧૯૧૩ | અવસાન ૨૮-૩-૧૯૮૮ – સામાન્યપણે સંગીતકાર તરીકે
વધારે જાણીતા છે. તેમની સંગીતકાર તરીકેની એ ઓળખ પાછળ તેમની દિગ્દર્શક, અભિનેતા અને સ્ક્રિપ્ટ લેખક તરીકેની પ્રતિભાઓ ઢંકાઈ ગઈ છે તેમ કહી શકાય. ૧૯૩૦ના મધ્યથી શરૂ થયેલી તેમની કારકીર્દી પછીના પાંચ દસક સુધી સક્રિય રહી. આમ તેમણે હિંદી ફિલ્મ સંગીતની કમસે કમ ત્રણ પેઢીઓના વાળાઢાળા અનુભવ્યા હશે.તેમનાં સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત અને (રાજસ્થાની) લોક સંગીત રહ્યો. તેમણે રચેલાં ૨૫૦ જેટલાં ગીતોમાંથી અમુક ગીતો તો બેસુમાર લોકચાહનાને વર્યાં હતાં. એવી કેટલીય બી -સી ગ્રેડની ફિલ્મો હશે જે તેમનાં ગીતોને સહારે બોક્ષ ઑફિસ પર ટંકશાળ નીવડી. પરંતુ, આવી અદ્‍ભુત સફળતાઓ છતાં પણ કોઈ 'એ' ગ્રેડનાં નિર્માણ ગૃહના ચોપડે તેઓ પોતાનું ખાતું ન ખોલી શકયા. તેમના સહાયકો દત્તા દવજેકર અને ચિત્રગુપ્ત પણ ઘણે અંશે સફળ કહી શકાય તેવા સ્વતંત્ર સંગીતકારો તરીકે જાણીતા થઈ શક્યા હતા,

એસ એન ત્રિપાઠીએ સંગીતબધ્ધ કરેલ, ભુલાઈ ગયેલી ફિલ્મોનાં યાદ રહેલાં ગીતોની સાથે તેમનાં વિસારે પડેલાં ગીતો આપણે ૨૦૧૭થી દર વર્ષે માર્ચ મહિનામાં યાદ કરીએ છીએ. આ પહેલાં આપણે
૧૯૪૧થી ૧૯૫૦નાં વર્ષોનાં ગીતો ૨૦૧૭માં
૧૯૫૧થી ૧૯૫૬નાં વર્ષોનાં ગીતો ૨૦૧૮માં, અને
૧૯૫૭થી ૧૯૬૦નાં વર્ષોનાં ગીતો ૨૦૧૯માં
                                      કરી ચુક્યાં છીએ.

આજના અંકમાં આપણે, ૧૯૬૧થી ૧૯૬૮નાં વર્ષોમાં તેમણે જ દિગ્દર્શિત કરેલી ફિલ્મોમાંની, તેમની જ સ્વરબધ્ધ કરેલ, ગીત રચનાઓ સાંભળીશું. ગીતોની પસંદગી કરવામાં આપણે શક્ય તેટલાં વધારે ગાયકોનાં ગીતોને અહીં યાદ કરવા પર ધ્યાન આપેલ છે. મોહમ્મદ રફીએ ગાયેલાં તેમનાં ગીતો લેખના અંત ભાગમાં, એક સાથે, ગોઠવેલ છે.

છુમ છનન છુમ છનન પાયલિયાં બોલી - અમૃત મંથન (૧૯૬૧) - આશા ભોસલે – ગીતકાર: બી ડી મિશ્ર

દ્રુત ગતિનાં નૃત્ય ગીત માટે એસ એન ત્રિપાઠીની પસંદ આશા ભોસલેના સ્વર પર ખરી ઉતરે છે.

ગ઼મ છોડો...યે સારે જમાને કા - પિયા મિલનકી આસ (૧૯૬૧) - મુબારક બેગમ – ગીતકાર: ભરત વ્યાસ

મુઝરાનાં ગીત માટે ગ઼મ ભુલાવીને હળવા થવાની પ્રેરણા આપતા બોલ કંઈક અંશે નવા ભાવના કહી શકાય. પરંતુ એ મુડને સુસંસગત ગીતની લયને ગીતની બાંધણીમાં વણી લેવાયેલ છે. મુબારક બેગમ ભાવને અનુરૂપ મૃદુતાથી મુજરો રજૂ કરે છે.

સખી કૈસે ધરૂં મૈં ધીર - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - લતા મંગેશકર – ગીતકાર: શૈલેન્દ્ર

કરૂણ ભાવનાં ગીતોમાં એક ખાસ માધુર્ય અનુભવાતું હોય છે. ગીતની બાંધણી ગાવા માટે સહેલી નથી પણ તેની અસર ગીતના ભાવની રજૂઆત પર નથી પડતી.

'સંગીત સમ્રાટ તાનસેન'નાં જ઼ૂમતી ચલી હવા (મુકેશ), સપ્ત સુરન તીન ગ્રામ (મન્ના ડે), સુધ બીસર ગયી આજ (રફી, મન્ના ડે) જેવાં ગીતો તો આજે પણ યાદ કરાય છે. 

બદલી બદલી દુનિયા હૈ મેરી - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - મહેન્દ્ર કપૂર, લતા મંગેશકર – ગીતકાર: શૈલેન્દ્ર

મહેન્દ્ર કપૂરનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવવાની કક્ષાનું આ યુગલ ગીત વીસારે પડતાં ગીતોની યાદીમાં મુકતાં ખચકાટ અનુભવાય છે. સાખીના બોલનો ઉપાડ મહેન્દ્ર કપૂર પાસે ઊંચા સ્વરમાં કરાવ્યા બાદ તરત જ નીચા સ્વરમાં મુખડાનો ઉપાડ થાય છે. તે જ રીતે દરેક અંતરાનો ઉપાડ પણ ઊંચા સ્વરમાં વિરહની પીડનો અહસાસ કરાવીને પછીથી પ્રેમની રોમાંચક પળોની ગમગીન યાદોમાં વહી નીકળે છે.

અહીં રજૂ થયેલ વિડીયો ક્લિપમાં ગીતનું બીજું વર્ઝન પણ આવરી લેવાયું છે.

દિરના દિરના...તન દી દિરના.. મોરે નૈના લાગે રે લાગે કિસી સે નૈન - શિવ પાર્વતી (૧૯૬૨) - ગીતા દત્ત, આશા ભોસલે – ગીતકાર: શૈલેન્દ્ર

શિવનૃત્ય સાથે ઓળખાતાં ડમરૂના પ્રયોગની સાથે એસ એન ત્રિપાઠીએ તબલાંની થાપના સુરને વણી લીધેલ છે. 

પિયા મિલનકો જાનેવાલી, સંભલ સંભલ કે ચલ - દેવ કન્યા (૧૯૬૩) - અમીરબાઈ કર્ણાટકી – ગીતકાર: બી ડી મિશ્ર

'૬૦ના દાયકામાં પણ એસ એન ત્રિપાઠીએ વિન્ટેજ એરાનાં સુપ્રસિધ્ધ ગાયિકા અમીરબાઈના સ્વરનો હિંમતભર્યો પ્રયોગ કર્યો છે.

માને ના માને ના મોરા બિછુઆ બોલે - મહારાજ વિક્રમ (૧૯૬૫) - સુમન કલ્યણપુર – ગીતકાર: બીડી મિશ્ર

કોઇ પણ ગાયક સાથે એસ એન ત્રિપાઠી પોતાની રચનાનાં માધુર્યને એટલી જ લાક્ષણિકતાથી રજૂ કરી શકે છે તે અહીં ફરી એક વાર પ્રતિપાદિત થાય છે.

પ્યાર કે પલ છીન બીતે હુએ દિન, હમ તો ન ભુલે તુમ ભુલ ગયે - કુંવારી (૧૯૬૬) - તલત મહમુદ – ગીતકાર: શૈલેન્દ્ર

ગીતના શબ્દો વાંચતાંની સાથે ભલે ગીતની યાદ તાજી ન થાય પણ મુખડાની શરૂઆત થતાંની સાથે જ તલત મહમુદના ચાહકોને તો ગીત અચુક યાદ આવી જ જશે.

અહીં રજૂ કરેલ વિડીયો ક્લિપમાં લતા મંગેશકરના સ્વરનું બીજું વર્ઝન પણ સાંભળી શકાય છે. એસ એન ત્રિપાઠીએ બહુ જ સરળતાથી તેને પિયાનો પર ગવાતાં પાર્ટી ગીતનાં સ્વરૂપમાં રજુ કર્યું છે. 

દરેક અંકનો અંત શક્ય હોય ત્યાં સુધી વિષય સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી કરવાની પરંપરા જાળવવા માટે આ પહેલાં યાદ કરેલી ફિલ્મોનાં રફીના સ્વરમાં ગવાયેલાં ગીત એક સાથે અહીં યાદ કર્યાં છે.

ચાંદી કા ગોલ ગોલ ચંદા - પિયા મિલન કી આસ (૧૯૬૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર – ગીતકાર: ભરત વ્યાસ

આ ગીત જો કોઈ એ ગ્રેડની ફિલ્મમાં લેવાયું હોત તો ઘણી બહોળી લોકચાહના મેળવત એવું સરળ અને પ્રેમમય યુગલ ગીત છે. એસ એન ત્રિપાઠીની ગીતની બાંધણી અને વાદ્યસજાની આગવી શૈલી અને ભરત વ્યાસના શુધ્ધ હિંદીમાં, સરળ અર્થના, બોલ પણ ગીતને સજાવવામાં પોતપોતાની ભૂમિકા ભજવે છે.

હાય છલ કિયા તુને છલ કિયા - પિયા મિલનકી આસ (૧૯૬૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર – ગીતકાર: ભરત વ્યાસ

એસ એન ત્રિપાઠીની, અને તેમના એક વખતના સહાયક ચિત્રગુપ્તની, આવી બીજી રચનાઓ જેટલી દીર્ઘ સમયની લોકચાહના આ ગીતને કેમ નહીં મળી હોય તે ન સમજાય એવી બાબત છે.

દીપક જલાઓ જ્યોતિ જલાઓ - સંગીત સમ્રાટ તાનસેન (૧૯૬૨) - મોહમ્મદ રફી – સંગીતકાર: શૈલેન્દ્ર

આ ગીત સાંભળતાંની સાથે જ, અવશપણે, આ જ સીચ્યુએશન માટે ખેમચંદ પ્રકાશે કે એલ સાયગલના સ્વરમાં રચેલ દિયા જલાઓ જગમગ જગમગ (તાનસેન (૧૯૪૩) યાદ આવી જ જાય.

મોહમ્મદ શાહ રંગીલે રે- નાદીરશાહ (૧૯૬૮) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

મુઘલ રાજદરબારની શાનની સાથે સુસંગત ગીતની રચના કરવાની સાથે એસ એન ત્રિપાઠીનાં ગીતોની નૈસર્ગિક સરળતા બરકરાર રહે છે.

અન્ય જાણકાર બ્લૉગ લેખકો નોંધે છે કે હિંદી ફિલ્મ ગીત કોશમાં આ ગીત મોહમ્મ્દ રફી સાથે લતા મંગેશકરના સ્વરમાં છે. શક્ય છે કે રેકોર્ડ ઉપર ગીત ફરીથી એ મુજબ ચડાવાયું હોય !

એસ એન ત્રિપાઠીના નામે હજુ પણ લહુ પુકારેગા (૧૯૬૮), સતી સુલોચના (૧૯૬૯), નાગ ચંપા (૧૯૭૬) જેવી ફિલ્મો દિગ્દર્શક તરીકે બોલે છે. સંગીતકાર તરીકે તો તેમની છુટી છવાયી ફિલ્મો છેક ૧૯૮૭ સુધી નોંધાઈ છે. એમનાં એ ગીતોમાં પણ તેમનો સ્પર્શ અછૂતો નથી રહેતો. પરંતુ એમની કારકીર્દીને એ ભુલાઈ ગયેલી ફિલ્મોનાં ભુલાઈ ગયેલાં ગીતોને યાદ કરવા બાબતે આપણે પણ દિલચોરી કરીશું અને તેમની ભુલાઈ ગયેલી ફિલ્મોનાં યાદ રહેલાં ગીતોની શ્રેણી અહીં સમાપ્ત કરીશું.

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

એસ એન ત્રિપાઠીનાં ૧૯૪૧થી ૧૯૬૮ સુધીનાં વિસરાયેલાં ગીતો એક સાથે સાંભળવા / ડાઉનલોડ કરવા મારએ હાયપરલિંક પર ક્લિક કરો.

No comments: