Showing posts with label Madan Mohan-Mohammad Rafi Solo Songs. Show all posts
Showing posts with label Madan Mohan-Mohammad Rafi Solo Songs. Show all posts

Sunday, June 9, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - જૂન ૨૦૨૪

 મદન મોહન અને મોહમ્મદ રફીનાં સોલો ગીતો દ્વારા બેવડી જન્મ શતાબ્દી ઉજવણી: વર્ષ ૧૯૫૦ થી ૧૯૫૬


મદન
 મોહન (મૂળ નામમદન મોહન કોહલી) - જન્મ ૨૫ જૂન ૧૯૨૪ (બગદાદ બ્રિટિશ ઈરાક઼) । અવસાનઃ ૧૪ જુલાઈ૧૯૭૫ (મુંબઈમહારાષ્ટ્ર)નું  હિંદી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પદાર્પણ આંખેં ૧૯૫૦) થી થયું. તેમાં એમણે એક ગીત મોહમ્મદ રફી પાસે પણ ગવડાવ્યુંજે સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકેના બન્ને વચ્ચેના સંબંધોની પાયાની પહેલી ઈંટ બની રહ્યું.

મદન મોહન પ્રકૃતિદત્ત સંગીતકાર હતા.પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેમની સાથે અકળ રીતે મેળ જ ન પડ્યો. એક બહુ જ જાણીતું ઉદાહરણ લઈએ. ૧૯૬૦ના દાયકામાં મદન મોહને મોહમ્મદ રફીના સ્વરમાં એવાં દસ ગીત રેકોર્ડ કર્યાં જે ક્યારેય રીલીઝ ન થવા પામ્યાં. તેમાંનું કૈસે કટેગી ઝિંદગી તેરે બગૈર (ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન ૧૯૬૪) તો મદન મોહનનાં જ કે  રફીનાં શ્રેષ્ઠ ગીતોમાં નહીં પણ હિંદી ફિલ્મના ઇતિહાસનાં શ્રૅષ્ઠ ગીતોમાં ગણાય છે. હર સપના એક દિન (ગીતકારઃ અજ્ઞાત, ૧૯૬૫) અને ક઼દમોંમેં તેરે અય સનમ (ગીતકારઃ પ્રેમ ધવન, ૧૯૬૭) તો મદન મોહનનાં કે રફીનાં ગીતોની યાદીમાં પણ ઉલ્લેખ નથી પામ્યાં. 

જોકે, આ માધ્યમ પર આપણો એક માત્ર ઉદ્દેશ્ય વિસરાતી યાદોમાં સદા યાદ રહ્યાં હોય એવાં ગીતોની યાદ તાજી કરવાનો જ રહ્યો છે. વળી, આ વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું પણ છે. એટલે મદન મોહને રચેલાં મોહમદ રફીનાં વિસરાતી યાદોમાં યાદ રહે એવાં ગીતોની યાદ તાજી કરવાના ઉપક્રમથી વધારે બીજું સારૂં શું શોધવા જવું


આપણી આ નવી શ્રેણીમાં આપણે મદન મોહન રચિત મોહમ્મદ રફીનાં ગીતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણી પાસે આવાં સોલો ગીતોની સંખ્યા લગભગ ૧૦૦થી થોડી વધુ છે, અને પહેલાં ઉલ્લેખ કર્યો છે તેવાં રીલીઝ ન થયેલાં ગીતો સિવાયનાં બીજાં છએક ગીતો પણ છે.

આજના આ શ્રેણીના પહેલા મણકાની શરૂઆત આપણે મદન મોહન રચિત મોહમ્મદ રફીનાં સ્વરનાં ૧૯૫૦ થી ૧૯૫૬નાં સોલો ગીતોથી કરીશું. વિસરાતી યાદો હેઠળ ઢંકાઈ ગયેલાં આ ગીતોમાંથી આપણે બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બનજારા લેકે દિલ કા એક તારા (રેલ્વે પ્લેટફોર્મ, ૧૯૫૮ – ગીતકાર: સાહિર લુધિયાનવી) બહાર કાઢી લીધું છે કેમકે મદન મોહન - મોહમ્મદ રફીનું આ સૌ પ્રથમ બેહદ સફળ થયેલું ગીત છે.

હમ ઇશ્ક઼ મેં બરબાદ હં બરબાદ રહેંગે, દિલ રોયેંગે તેરે લિયે, આંસુ ન બહાયેંગે - આંખેં (૧૯૫૦) ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન 

મદન મોહનની સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલવહેલી ફિલ્મ છે, એટલે ગાયકોની પસંદગી બાબતે તેઓ પ્રયોગ કરે એ સમજી શકાય એવું છે.

જેમકે ફિલ્મમાંના બે કરૂણ ભાવનાં પુરુષ સ્વરનાં ગીતોમાંથી એક ગીત - પ્રીત લગાકે મૈને યે ફલ પાયાપ્રીત લગાકે મૈને યે ફલ પાયા મુકેશના સ્વરમાં છે અને મુકેશની ગાયકીને બરાબર અનુરૂપ બન્યું પણ છે. ગીતમાં પ્રેમની અસફળતાની કંઈક અંશે મીઠી ફરિયાદનો ભાવ છે.

પ્રતુત ગીત સમયે નાયક હવે શારીરિક રીતે પણ દયનીય કહી શકાય એવી સ્થિતિમાં મુકાઈ ગયેલ છે. તેથી હવે તે હવે ભગ્ન-હૃદય છે અને ગીતમાં ભાવ નિરાશાનો છે. મદન મોહને આ ગીત માટે મોહમ્મદ રફીને પસંદ કર્યા અને તેમની ગાયકીને અનુરૂપ ગીત બનાવ્યં છે. 



આડવાતઃ

 મણકામાં મદન મોહન અને રાજેન્દ્ર ક્ર્ષ્ણ સયોજનના ગીતો વધારે જોવા મળે છે. આગળ જતાં જેમ જોઈશું તેમ આ સંયોજને હિંદી ફિલ્મોનાં કેટલાંક બેનમુન ગીતો આપ્યાં પણ છે. તે જ રીતે મદન મોહનને રાજા મહેંદી અલી ખાનનાં સંયોજનમાં પણ કેટલીય સર્વકાલિન શ્રેષ્ઠ રચનાઓ મળી છે. 

૧૯૧૫૧માં મદન મોહનની બીજી બે સ્વતંત્ર ફિલ્મો - અદા અને મદહોશ - અને સી રામચંદ્ર જોડે ગીતોની વહેંચણી સાથેની શબીસ્તાન આવી. અદા અને મદહોશમાં મદન મોહને તલત મહમુદને સફળતાથી અજમાવ્યા. ૧૯૫૨ની 'આશિયાના'માં પણ મદન મોહને તલત મહમુદને મુખ્ય ગાયક તરીકે લીધા. તલત  મહમુદની સાથે પણ મદન મોહનનું સંયોજન હિદી ફિલ્મ સંગીતનું એક બહુ સફળ અને મહત્ત્વનું પાનું ગણાય છે.

જબ લડકા કહે હા ઔર લડકી કહે ના તો સમજો કે પ્યાર હો ગયા - અન્જામ (૧૯૫૨) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી 

આ ફિલ્મમાં મદન મોહને ચચ્ચાર સ્ત્રી ગાયિકાઓને અજમાવી છે, પણ પુરુષ ગાયક એક માત્ર મોહમ્મદ રફી જ છે !

પ્રસ્તુત ગીત સાવ હળવું રોમેન્ટીક ગીત છે.



દુનિયા યે દુનિયા તુફાન મેલ અરે નહી ભૈયા દુનિયા પાગલોંકા બાઝાર સમજે ના - ચાચા ચૌધરી (૧૯૫૩) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ 

એક ચોક્કસ સીચ્યુએશન ફિલ્મના કેન્દ્રવર્તી ભાવને રજુ કરતી હોય અને તેને લગતાં એક સરખા મુખડાના આધાર પરનાં અલગ લગ ગીતૉ બનાવવાં એ કસોટીમાં મદન મોહન પહેલી વાર મુકાય છે, અને સફળતાથી પાર પણ પડે છે.

ફિલ્મમાં ગીત ત્રણ વાર આવે છે. બે વાર વિવિધ ગાયકોના સ્વરમાંબે વાર વિવિધગાયકોના સ્વરમાં પાગલખાનાનાં જીવનનો ચિતાર રજુ થાય છે.  ત્રીજી વાર કરૂણ ભાવનાં સોલો ગીત દ્વારા તથાકથિત પાગલને પણ પોતાના મનોભાવ હોય છે  દર્શાવાયું છે. 


ગોરી કી અખીયાં .... નઝર મિલા લે ઓ દિલરૂબા ન કર બહાને .....  છલક રહા હૈ ખુમાર આંખોંસે  નઝર મિલા લે ઓ દિલરૂબા - ધુન (૧૯૫૩) - ગીતકાર પી એલ સંતોષી 

મદન મોહનનાં નસીબની વક્ર બલિહારી કેવી છે કે ફિલ્મમાં એ સમયની સૌથી સફળ જોડી - રાજ કપૂર અને નરગીસ - છે, પણ ફિલ્મ અને ગીત બન્ને કોઈને પણ યાદ નહીં હોય !

ખેર, જો ગીતની વિડીયો ક્લિપ જોવા મળત તો જોવા મળત કે મોહમ્મદ રફીના સ્વરને રાજ કપૂરે પરદા પર કેમ અભિનિત કરેલ છે. 


દુનિયા કે સારે ગમો સે બેગાના મૈં હું મસ્તાના મૈં હું મસ્તાના - મસ્તાના (૧૯૫૪) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  

ફિલ્મના નાયક બેફિકર મુફલિસ તરીકે જોવા મળે છે. ગીતમાં પણ તેઓ પોતાની બેફિક્રીને હળવાશથી લે છે, પણ રહી રહીને  એ દશા માટે થોડી નિરાશા પણ ઝલકી જતી અનુભવાય  છે.

મોહમ્મદ રફીએ પણ આ બન્ને ભાવને બહુ સહજ રીતે સંતુલિત કરીને ગીતના ભાવને રજુ કરેલ છે.



મત ભુલ અરે ઇન્સાન તેરી નેકી-વાદી ઉસસે નહી છીપી સબ દેખ રહા ભગવાન - મસ્તાના (૧૯૫૪) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  

જ્યારે ફિલ્મના નાયક કે નાયિકાને દિલાસાની કે પ્રેરણાની જરૂર હોય ત્યારે કોઈ સાધુ કે ભિક્ષુક એ મુજબની ગીત ગાતો આવી પહોચે એવું  સમયની ફિલ્મોમાં બહુ સામાન્યપણે જોવા મળતું. 

પ્રસ્તુત ગીતમાં એવા કપરા સમયમાં આવી પડેલ નીગાર સુલ્તાનાને ભિક્ષુક સંદેશો કહે છે કે સરાં કામ ક્યારે પણ નિષ્ફળ નથી રહેતાં, ઈશ્વરના દરબારમાં બધું જ નોંધાય છે. 


અપના હૈ ફિર ભી અપના બઢકર ગલે લગા લે અછ્છા હૈ યા બુરા અપના ઉસે બના લે - ભાઈ ભાઈ (૧૯૫૬) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  

અહીં પણ ગીતમાં ફિલ્મની વાર્તાને અનુરૂપ પ્રેરણારૂપ સંદેશ છે. બસ, આ વખતે ગીત બેક્ગ્રાઉન્ડમાં છે અને એક સજ્જન દેખાતા ભાઈને લાઈન ઉતરી ગયેલા દેખાતા બીજા ભાઇને અપનાવી લેવાનો સંદેશ કહેવાયો છે. 


તુ આગે તેરે પીછે ..... કબ તક તુ અપને આપ કો ભગવાન સે છુપાયેગા, તેરા લિખા એક દિન તેરે સામને આયેગા  - ફિફટી ફિફટી (૧૯૫૬) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ 

અહીં સદેશ આપતાં બેકગ્રાઉન્ડ ગીતને ભજન શૈલીમાં સજાવાયું છે.


 

યે ભૂલ ભૂલે સે કભી હમ  તેરી તમન્ના કર બૈઠે, પછતાતા હૈ યે દિલ અબ રહ રહ કર ક્યા કરના થા ઔર ક્યા કર બૈઠે - ફિફટી ફિફટી (૧૯૫૬) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ 

ગીતનો ઉપાડ હાર્મોનિયમના સુરની એવી શૈલીથી થાય છે છે કે ગીત શેરીમાં ગવાતું હશે એ વિશે કોઈ શંકા જ ન રહે. હિંદી ફિલ્મોમાં શેરી ગીતો, મુજરા ગીતો વગેરે જેવાં ગીતોને વાસ્તવમાં જે રીતે હાર્મોનિયમની રજુઆત દ્વારા આગવી ઓળખ મળે છે તેને અદ્દલો અદ્દલ રજુ કરાતી રહી છે.


ગરીબોં કા પસીના બહ રહા હૈ યે પાની બહતે બહતે કહ રહા હૈ કભી વો દિન આયેગા - નયા આદમી (૧૯૫૬) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ 

ફિલમાં એન ટી રામા રાવ, અંજલી દેવી, જમુના જેવાં કલાકારો દેખાય છે એતળે મૂળ તેલુગુમાં બનેલી ફિલ્મનું આ ડબીંગ કરેલું સંસ્કરણ હશે એવું સમજાય છે. મદન મોહને રચેલાં ચાર ગીતો સિવાય બીજાં ગીતોનાં હિંદી સંકરણ પણ તેલુ સંસ્કરણના સંગીતકાર વિશ્વનથન રામમૂર્તિએ રચેલાં છે. 

પ્રસ્તુત ગીત બેકગ્રાઉન્ડમાં ગવાય છે.

યોગાનુયોગ આવું જ એક બીજું ગીત - જો ભી ચાહે માંગ લે ભગવાનકે ભંડાર સેજો ભી ચાહે માંગ લે ભગવાનકે ભંડાર સે વિશ્વનાથન રામમૂર્તિએ રચેલું છે.



આજના મણકામાં મદન મોહને રચેલાં શરૂ શરૂના મોહમ્મદ રફીનાં થોડાં ઓછાં સાંભળેલાં ગીતોને બરાબર યાદ કરી શકાય એટલે હવે પછીના અંક સુધીનો વિરામ લઈશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.