Sunday, November 28, 2021

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રાક્કથન

પચાસ વર્ષનાં વહાણાં વીતી ગયા પછી આજે હવે જ્યારે ૧૯૬૬થી ૧૯૭૧નાં, એલ ડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, અમદાવાદમાં એન્જિનિયરિંગ 'અભ્યાસ' કરવાનાં એ ઘટનાસભર પાંચ વર્ષો પર નજર કરતાં જે ચિત્ર નીપજે છે તે અનેક ભાવોનું મિશ્ર ચિત્રણ છે. એ સમયનાં ત્યાંનાં શૈક્ષણિક વાતાવરણે એક બીનઅનુભવી, શિખાઉ, અડઘણને ઘડી ઘડીને 'ઈજનેર' બનાવ્યો એ વિશે કોઈ વિવાદ ન હોઈ શકે. પરંતુ એ 'છોકરા'ને 'માણસ' બનાવવામાં એ પાંચ વર્ષો દરમ્યાન સમાંતરે થતી રહેલી 'અન્ય' ઘટનાઓનો ફાળો કંઇક અનેરો જ રહ્યો એ વાત આજે હવે જરૂર સમજાય છે. 

એ યાદોનાં પાનાંઓને પરની ધૂળ ઉડાડીને અહીં હવે પછી તેમને ખુલ્લાં મુકવાના આ ઉપક્રમનો આશય, ૧૯૬૬થી ૧૯૭૧નાં એ ઘટનાસભર પાંચ વર્ષોની યાદોને  ફરીથી તાજી કરવાનો અને એમાંની કૈ કઈ ઘટનાઓએ મારાં પછીનાં વ્યાવસાયિક જીવન દરમ્યાન જોવા મળેલી મારી આંતરિક સ્ફુરણાઓ અને વર્તણુકોને ઘડવામાં જાણ્યે અજાણ્યે કેવો ભાગ ભજવ્યો છે તે સમજવાનો છે.

મારી યાદોમાં ખુટતી કડીઓને, કે વધારે વિગતોના રંગ પુરવા માટે હું મારા એ સમયના સહપાઠીઓની મદદ માટે પણ આ સાથે ટહેલ નાખું છું. તેમનાં એ યોગદાનોનાં એ સૌજન્યોને બકાયદા ઉલ્લેખ સાથે મારાં વર્ણનોમાં વણી લેવાં એ મુજબ આયોજન વિચારેલ છે.

શિક્ષણેતર ઘટનાઓની મૂળ વાત શરૂ કરતાં પહેલાં સ્નાતક કક્ષાના એન્જિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશના ઉંબરે મારી મનોસ્થિતિ કેવી હતી તેના પર એક નજર કરી લેવી જરૂરી જણાય છે, જેથી એ ઘટનાઓને મારા એ સમયનાં મનોજગત સાથે હું કયા અર્થમાં સાંકળી રહ્યો છું તે યથોચિત સંદર્ભમાં મુલવી શકાય……..


સ્નાતક કક્ષાના એન્જિનિયરિંગ અભ્યાસક્રમના પ્રવેશને ઉંબરે મારી મનોસ્થિતિ

સ્નાતક કક્ષાના એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં મને પ્રવેશ મળવો એ સમયના, (જેવી પણ હતી પણ એ મારી હતી એવી) શૈક્ષણિક ક્ષમતા ધરાવતા કોઇપણ વિદ્યાર્થી માટે, સામાન્ય સંજોગોમાં, તેની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી માટેની સફરનું એક સ્વાભાવિક કદમ હતું.   જે કોઈ પણ શાળા કક્ષાએ ગણિતમાં સારી એવી ફાવટ હોવાનું માનતો હોય અને પ્રવેશ યાદીમાં આવશ્યક અગ્રતાક્રમને માટે જરૂરી ગુણાંક એસ એસ સીની પરીક્ષામાં મળેલ હોય એ વિદ્યાર્થી ક્યાં તો તબીબી કે નહીં તો એન્જિનિયરિંગ અભ્યાસક્રમ પર પસંદગી ઉતારશે એમ જ મનાતું. ઘણાં વિદ્યાર્થીઓ માટે પોતાની પસંદગી માટે ચોક્ક્સ કારણો પણ રહેતાં, તો એટલા જ વિદ્યાર્થી એવાં પણ હતાં કે પોતાની ક્ષમતાનાં સ્તરને કારણે જે યોગ્યતા મળી છે તે મુજબ  પ્રવેશ મેળવી લેવો કેમકે એ જ સારી કારકિર્દી માટેનું રાજદ્વાર છે એ સિવાય અન્ય કોઈ જ કારણ ન રહેતું.

પ્રી-સાયન્સનાં વર્ષનો અભ્યાસ મેં એસ પી યુનિવર્સિટી સાથે સંલગ્ન વલ્લભ વિદ્યાનગરની વી પી સાયન્સ કૉલેજમાં કરેલો. યોગાનુયોગ થયું હતું એમ કે પ્રી-સાયન્સની પરીક્ષામાં મારો જે ક્રમ આવ્યો હતો એ મુજબ, એ સમયની બન્ને યુનિવર્સિટીઓની સમજૂતી અનુસાર મને વડોદરાની એમ એસ યુનિવર્સિટીના તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં સીધો જ પ્રવેશ મળી શકે તેમ હતો. બીજા જે વિદ્યાર્થીઓ આ યોગ્યતા ધરાવતા હતા તેમણે તો એ પ્રવેશ મેળવવાનો વિકલ્પ પહેલે જ ધડાકે સ્વીકારી  લીધેલો. મેં એ વિશેષ વિકલ્પ ન લેવાનું જાહેર કરેલું. મારાં કમનસીબે- એવું મને ત્યારે લાગેલું - જીવવિજ્ઞાનમાં મને યુનિવર્સિટી કક્ષાએ સૌથી વધારે ગુણ મળેલા. એવી માતબર’(😊) યોગ્યતા ધરાવતો કોઈ વિદ્યાર્થી આ વિકલ્પ ધરાર કેમ નથી સ્વીકારતો તે અમારી કૉલેજના પ્રિન્સિપાલને તો કેમે કર્યું સમજાતું નહોતું. નસીબનો પાસો આ રીતે પડ્યો છે, બાકી પરીક્ષા સુધી હું પ્રાણીઓ અને વનસ્પતિઓનાં લેટિન નામો કેમ યાદ રાખી શક્યો એ એક ચમત્કાર જ છે, પણ હું એ માટે બિલકુલ જ લાયક નથી એ વાત હું પણ કેમે કરીને તેમને સમજાવી શકવામાં અસફળ રહ્યો હતો. આ ઉપરાંત રોગોનાં અને દવાઓનાં એવાં અઘરાં અઘરાં નામો મને છ છ વર્ષના અભ્યાસમાં, અને તે પછી જિંદગીભર, તો યાદ ન જ રહે એવી વાત તો, એ સંજોગોમાં, કોઈને પણ કેમ જ ગળે ઉતરે ! પરંતુ એક વાત ચોક્કસ હતી કે મને મારી કમજોરી,મારાં વિદ્યાર્થીજીવનમાં પહેલી અને એક માત્ર વાર, સ્પષ્ટપણે સમજાતી હતી.

જીવવિજ્ઞાનના વિષયમાં મને ચમત્કારીકપણે આટલા બધા ગુણ કેમ મળી ગયા એનાં સંભવિત કારણોની વાત કરતાં પહેલાં મારાં વિદ્યાર્થી જીવનમાં પરીક્ષાઓ માટેની તૈયારીઓ વિશે મારો અભિગમ સામાન્યત: કેવો રહેતો તે જાણવું કદાચ વધારે યોગ્ય રહેશે…...

દસમા ધોરણ સુધીનાં અભ્યાસનાં મારાં બધાં વર્ષોમાં કંઈ પણ યાદ રાખવાનું હોય એ તો મારાથી બનતું જ નહી. નિબંધોમાં લખવા માટે કાવ્યકણિકાઓ કે વિચારકણિકાઓ યાદ રાખવી, ઈતિહાસની તવારીખની તારીખો યાદ રાખવી કે ગણિતનાં સૂત્રો યાદ રાખવાનું મને ગોઠતું જ નહીં. હું એ માટે જરૂરી એવી મહેનત જ ન કરી શકતો. મારી કુદરતી ક્ષમતાઓને કારણે વર્ષ દરમિયાન અને પરીક્ષામાં મારો દેખાવ સરેરાશથી ઉપર રહેતો, પણ ખુબ જ સારો દેખાવ કરવા માટે વાંચેલું કડક્ડાટ યાદ રાખવાની મારામાં શક્તિ જ નહોતી, અને એ નબળાઈ દુર કરવા માટે જે આકરી મહેનત કરવી જોઇએ એટલી મહેનત હું કરતો નહીં. મારા જે સહપાઠીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેમની સાથે સ્પર્ધા કરવાનો ભાવ પણ મને થતો નહીં.

અગિયારમા ધોરણનાં  એસ એસ સીની પરીક્ષાનાં વર્ષમાં પરિસ્થિતિ સાવ જ બદલી ગઈ. અમે લોકો અમારી શાળા, ગુજરાત લૉ સોસાયટી (જીએલએસ) હાઈસ્કૂલ,ની એસ એસ સીમાં આવનારી બીજી જ બૅચ હતાં. એટલે શાળાનું પરિણામ ઝળકી ઊઠે એ માટે અમારાં શિક્ષકો અમારા તરફ વધારે ધ્યાન આપતા. તેમાં પણ જે વિષયો રોકડીયા પાક ગણાતા એમાં અમે ખુબ જ ગુણ લાવી બતાવીએ એવું કરવા માટે ગણિત અને વિજ્ઞાનના અમારા શિક્ષક, ગોપાલભાઈ પટેલે, અમારી પાસે અમને એ સમયે કાળી મજુરી જ લાગેલી એવી મહેનત કરાવી.  અંકગણિત, બીજગણિત અને ભૂમિતિમાં તેમણે હજારોની સંખ્યામાં દાખલા ગણાવ્યા હશે ! આ આકરી મહેનતનું પરિણામ એ  આવ્યું કે મને ગણિતના વિષયોમાં મારાં સમગ્ર વિદ્યાર્થી જીવનના, ન ભૂતો ન ભવિષ્યતિ, સૌથી વધારે ગુણ આવ્યા. બીજા વિષયોમાં પણ મહેનત વધારે તો રહી જ હતી, એટલે મારી નૈસર્ગિક ક્ષમતાને જરૂર બળ મળ્યું અને એસએસસીમાં મારૂં પરિણામ  ભૂતકાળનાં મારાં કોઈ પણ વર્ષો કરતાં વધારે સારૂં આવ્યું.

પ્રી-સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની શીખવવાની રીત માટે યુનિવર્સિટીએ એ વર્ષથી  અમેરિકામા એ સમયે વધારે પ્રચલિત થયેલી 'નવી તરાહ' દાખલ કરેલી. બન્ને વિષયનાં પાઠયપુસ્તકોમાં વિષયોની રજૂઆત અને ભાષા એટલાં રસપ્રદ હતાં કે પહેલી વાર મને આ વિષયો આવડવાની સાથે સમજાવા પણ લાગ્યા. પરિણામે આખાંને આખાં પાઠ્યપુસ્તકો વર્ષ દરમ્યાન બે ત્રણ વાર તો વાંચી જ જવાયાં હશે ! વળી, હોસ્ટેલમાં રહેતા મારા એ વર્ષના સહપાઠી મિત્રોએ તો વર્ષની શરૂઆતથી જ તબીબી શાખામાં સ્નાતક થવાની ગાંઠ બાંધી હતી. એટલે એ લોકો તો દરેક  વિષયમાં આખું વર્ષ મહેનત કરવામાં જરા સરખી પણ કચાશ નહોતા રહેવા દેતા. તેને કારણે અભ્યાસ પાછળ મારૂં ધ્યાન પણ વધારે તો જરૂર રહ્યું. એમ એસ યુનિવર્સિટીની તબીબી શાખામાં સીધો જ પ્રવેશ મળી જાય એટલા ગુણ આવવાનું ફળ મળવાનું કારણ તો એ જ, પણ જીવવિજ્ઞાનમાં સુંડલો ભરીને ગુણ મળ્યા એ તો કોઈક ચમત્કાર જ હતો. એને માટે મારી ક્ષમતા કે મહેનત બન્નેનું કોઈ આગવું પીઠબળ હોય એમ તો બેશક નહોતું જ….

ખેર, એ પરિણામના આધારે મને અમદાવાદની, એ સમયે ગુજરાતની #૧ ગણાતી, એલ ડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રીલ એન્જિયરિંગના વિષયમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે પ્રવેશ તો મળી જ ગયો.

આવી ખ્યાતનામ કૉલેજમાં પ્રવેશ મળવાનો સહજ આનંદ તો મને હતો જ, પણ એથી પણ વિશેષ, છૂપો, આનંદ મારે તબીબી શાખામાં નહીં ભણવું પડે તેનો હતો. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ જરૂર કહી શકાય કે મારા આનંદમાં સારી કારકિર્દી માટે અગ્રગણ્ય સસ્થામાં પસંદગી થવાના આનંદમાં તબીબી શાખામાં મારે બહું બધું જબાની યાદ રાખવું પડશે એ માન્યતાથી છૂટકારાનો ભાવ ઘણો વધારે હતો.

હવે સવાલ એ હતો કે એન્જિનિયરિંગનાં સાર્થક ભણતર માટે હું ખરેખર લાયક હતો? તૈયાર હતો? ખરા અર્થમાં સારો એન્જિનિયર બનવા માટે જરૂરી કાચો માલ મારામાં હતો ખરો? એન્જિનિયરિંગનાં ભણતર માટેની એલ ડી કૉલેજનાં પારિસ્થિતિકી તંત્ર વ્યવસ્થા અને શૈક્ષણિક વાતાવરણ મારૂં સફળ રૂપાંતર કરી શકશે?...……….


સ્વાભાવિકપણે એલ ડી કૉલેજમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મળવાના સમયે મારી મનોસ્થિતિ કંઈક આવી હતી. પરંતુ એ પણ એટલી જ હકીકત છે કે ત્યાં અમને જે ભણાવાયું અને અમે જે અને જેટલું શીખ્યા તેનું જીવનના કોઈને કોઈ તબક્કે મહત્ત્વ જરુર રહ્યું. એ પણ એટલું જ સાચું છે કે જીવનને આ તબક્કે હવે એ બધાં લેખાંજોખાં કરવાનો નથી કોઈ અર્થ કે નથી હવે સમય.

હાલ તો આપણો આશય એલ ડીનાં ૧૯૬૬થી ૧૯૭૧નાં એ પાંચ વર્ષો દરમ્યાન જે આયોજિત અને જે આકસ્મિક શિક્ષણેતર ઘટનાઓ થઈ, તેને યાદ કરીને એ મીઠી મધુરી યાદોને ફરીથી માણી લેવાનો છે.

તો ચાલો એ યાદોને તાજી કરવા માટે ઝંપલાવી દઈએ…. 


ક્રમશઃ


Sunday, November 21, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - નવેમ્બર, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના  નવેમ્બર, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને આપણે આબોહવાના ફેરફારોનું ભવિષ્ય વિશે ટુંકમાં વાત કરીશું.-

મોટા ભાગના (જવાબદાર) ઉદ્યોગોનાં વરિષ્ઠ સંચાલક મંડળોની વ્યૂહરચનાના ઘડતર અંગેની બેઠકોમાં હવે આબોહવાના ફેરફારોનાં ભવિષ્યનું મહત્વ સ્વીકારાઈ રહ્યું છે. વિષય અતિશય જટિલ અને ગહન અભ્યાસ માગી લે તેવો છે, તેથી અહીં તો આપણે ગુણવત્તા વ્યાવસાયિકોને આ વિષયનાં વ્યાપક ચિત્રની યાદ તાજી કરાવવા પુરતો આશય છે.

આબોહવાના ફેરફાર આપણા સમયનો અતિ મહત્ત્વનો, નિર્ણાયક, વિષય છે. વાતાવરણમાં થતા અણધાર્યા પલટાઓથી માંડીને અનાજ ઉત્પાદન પર તોળાતાં જોખમોથી લઈને વધતી જતી સમુદ્ર સપાટીઓને કારણે વિનાશકારી પુરોના ભય જેવી અનેક અસરો સમગ્ર વિશ્વ માટે અભૂતપૂર્વ પડકાર  છે. આ નિર્ણાયક ઘડીએ જો હવે આકરાં પગલાંઓ લેવામાં થોડીક પણ કસર કે ઢીલ કરીશું તો તેનાં ભવિષ્યનાં પરિણામો ઘણાં વધારે મુશ્કેલ અને અતિશય ખર્ચાળ નીવડશે.[1]  

ખુબ ઉપરની તરફના નોર્વેજિયન ઉત્તર ધ્રુવપ્રદેશનું ૨૦૧૫નું દૃશ્ય. પુરતા ચેતવણીજનક પુરાવાઓ બતાવી રહ્યા કે મહત્ત્વની પારિસ્થિતિક પર્યાવર્ણીય વ્યવસ્થા અને ગ્રહોની આબોહવાઓમાં અફર ફેરફારો ભણી લઈ જતી ઘટનાઓનું પલડું ઝુકી જવાની ઘડી આવી ચુકી છે, કે કદાચ વીતી પણ ગઈ છે. UN Photo/Rick Bajornas

The Tipping Point | Climate Change: The Facts | BBC Earth

પલડું ઝુકી જવાની ઘડી (The Tipping Point ) એવી નાજુક પરિસ્થિતિ છે જ્યારે ઉષ્ણતામાનમાં થોડોક પણ વધારો આબોહવામાં અફર પરિસ્થિતિ નોતરે છે.

Source: Otto, I.M. (4 February 2020). "Social tipping elements for stabilizing climate by 2050"

વૈશ્વિક આર્થિક પ્રવાહો, ટેક્નોલોજિ સંબંધિત વિકાસ, ભૂરાજકીય ઘટનાઓ અને, સૌથી અગત્યનું, કાર્બન ઉત્સર્જનને ડામવા આપણે શું કરીશું તેના પરથી એકવીસમી સદીના અંતનું વિશ્વ કેટલી હદે બદલી ચુક્યું હશે, કે નહીં બદલ્યું હોય, તે નક્કી થશે.….સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની આંતરસરકારી પેનલનો છેલ્લો એક અહેવાલ, આબોહવાનાં પાંચ ભાવિ દૃશ્યલેખના આધાર પર માનવજાતનાં ભવિષ્ય વિશે બહુ જ આમૂલ અલગ ચિત્રો રજુ કરે છે. [2]

Goal of the Month editorial નાં નવેમ્બરનાં સંસ્કરણમાં વૈશ્વિક ઉદ્દેશ્યોના Goal 13 (Climate Action)    પર નજર કરવામાં આવી છે.

વધારાનું વાંચન:

50 Mind-blowing Facts About Climate Change

Environmental studies: Climate Change

10 Solutions for Climate Change

5 Individual Actions Against Climate Change You Can Take Today


હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Building Community and Getting Results: વિશ્વ ગુણવત્તા દિવસ અને વિશ્વ ગુણવત્તા મહિનો ગુણવતા વિશેની વ્યાપક સમજનાં અગત્યને શક્ય બનાવવા માટે  વૈશ્વિક સ્તરે ફેલાતો પ્રકાશ શેરડો ફેંકીને ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

નોંધ:   વર્ષ ૨૦૨૧ માટેનો કેન્દ્રવર્તી વિષય “Sustainability: Improving Our Products, People, and Planet" છે,જેમાં સંપોષિતતા માટે ગુણવત્તાનું મહત્ત્વ અને ગુણવત્તાનો એ બાબતે environmental, social, and governance (ESG) પરનો પ્રભાવની ચર્ચા કેન્દ્રમાં રહેશે.નોંધ: ઉપરોક્ત વિડીયોમાં અંતમાં જે 'ભવિષ્ય'ની વાત કહેવામાં આવી છે તે આપણા ડિસેમ્બર ૨૦૨૧ના અંકની ચર્ચાનો વિષય છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  •   Overcome Your Inner Critic - જો સજાગ ન રહીએ તો આપણો આંતરિક આલોચક જ આપણો મહાન શત્રુ બનીને આપણી સર્જનાત્મકતા અવરોધી શકે છે -આજના સમયમાં, ભય છુપાઈને ઘુસ મારે છે; તેનું અસ્તિત્વ છુપાઈને પોતાનો ફેલાવો કરે છે. ભયનું એક કદાચ સૌથી વ્યાપક સ્વરૂપ જેને આપણો આંતરિક આલોચક કહીએ છીએ તે છે. …. ભયનાં દરેક સ્વરૂપની જેમ આંતરિક આલોચકનું ઘડતર જ આપણને સલામતી તરફ ઘસડવા માટે થયું છે. …… જો આપણે તેને અતિક્રમી શકીએ તો નવાં વિચારબીજ આપણામાં અકુરિત થઈ શકે છે, જે નવી નવી શક્યતાઓનાં સ્વરૂપે ખીલતાં રહી શકે છે…. સફળ લોકો જરૂરથી શોધી કાઢે છે કે તેમના માટે ખરેખર મહત્ત્વનું શું છે. એક વાર એટલું સ્પષ્ટ બની જાય, એટલે એ લોકો પોતા આંતરિક આલોચકની જગ્યાએ આંતરિક મદદગાર તંત્રને વિકસાવે છે જે તેમના પ્રયાસોને કેળવે છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો નવો લેખ

  •          Go-To, There When We Need It - આજથી ચાર સદી પહેલાં આજ્ઞાવાચક 'ત્યાં જાઓ'નો અર્થ વિલિયમ શેક્સપિયરનાં નાટક મૅકબૅથમાં 'હવે અહીંથી જાઓ'ના રૂપમાં થતો હતો. ….. આજે હવે 'ત્યાં -જાઓ' 'એવી વ્યક્તિ કે ચીજ જેને તમે અમુક ચોક્કસ મુશ્કેલીના સમયે મદદ માટે યાદ કરો છો' એ અર્થમાં વપરાય છે. એ અર્થ થવો સ્વાભાવિક પણ છે કેમકે જ્યારે મદદની જરૂર પડે ત્યારે 'ત્યાં' જ જવાનું છે.…. જોકે આજે તો હવે આ શબ્દપ્રયોગ માત્ર કોઈ વ્યક્તિને ચીંધવા પુરતો મર્યાદિત ન રહેતાં બુખ લગી હોય ત્યારે શું ખાવું કે અમુક ઉજવણી કરવી હોય ત્યારે અમુક જ ખાવું જેવાં અનેક સ્વરૂપોમાં થવા લાગ્યો છે.

 

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.