Showing posts with label I Liked these. Show all posts
Showing posts with label I Liked these. Show all posts

Sunday, October 16, 2022

રોજર ફેડરર - ટેનિસ કોર્ટ પર, કે બહાર, મત્રંમુગ્ધ કરતું એક યુગપ્રવર્તક વ્યક્તિત્ત્વ

 


રોજર ફેડરર (જન્મ: ૮ ઓગસ્ટ ૧૯૮૧)નું નામ ટેનિસના ઇતિહાસમાં ૨૧મી સદીની શરૂઆતમાં જ
 ટેનિસના નવા યુગના પ્રવર્તક લેવાતું રહેશે. પ્રબળ શક્તિથી રમાતી રમતના ટેનિસના યુગમાં તકનીકની સાથે સાથે રમતની શૈલીને કળાત્મક સહજતાથી આત્મસાત કરી શકવાની તેમની ક્ષમતાને કારણે ૨૦૦૩માં સૌ પ્રથમવાર વિમ્બલ્ડન ખિતાબ જીત્યા બાદ પછીના એક દસકાથી પણ વધારે વર્ષો સુધી દરેક પ્રકારની સર્ફેસપર, રફાએલ નદાલ અને નોવાક જૉકોવિચ જેવા એટલાજ મહારથી પ્રતિસ્પર્ધીઓ હોવા છતાં, તેમનું આધિપત્ય આગવી રીતે જ બનેલ રહ્યું.  

પ્રોફેશનલ ટેનિસમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લેવાના તેમના નિર્ણયે ટેનિસની રમત સાથેની મારી કેટલીક યાદોની નોંધ લેવાની સાથે તેમની કારકિર્દીમાંથી આપણને સૌએ તારવવા જેવા કેટલાક પદાર્થપાઠોની પણ નોંધ લેવાનું મન થાય છે.

ટેનિસ પ્રત્યેનો મારો 'પ્રેમ' '૬૦ના દાયકામાં એન્જિનિયરિંગ કૉલેજના ટેનિસ કૉર્ટને જોતાં જોતાં એ સમયે અંગ્રેજી અખબારો વાંચવાના મહાવરાના ભાગ રૂપે ખેલ જગતનાં પાનાંઓ પર રોડ લેવર ,રોય એમર્સન કે સ્ટાન સ્મિથ અને (ભારતના) રામનાથન કૃષ્નન, જયદીપ મુખર્જી કે પ્રેમજિત લાલના કારનામાંઓ વાંચીને ખીલવાનો શરૂ થયેલો.

૭૦ના દાયકામાં ભારતમાં ટેલીવિઝને પદાર્પણ કર્યું ત્યારે ટેનિસમાં બ્યૉર્ન બૉર્ગની આગેવાની હેઠળના જિમી કોનર્સ, ઈલી નસ્તાસે  કે આર્થર એશ અને (ભારતના) વિજય અમૃતરાજ જેવા ફેશનેબલ ગણાતા યુવાન ખેલાડીઓનો દસકો હતો. એ સમયે ટેલીવિઝન પર આ સ્પર્ધાઓ લાઇવ જોતાં જોતાં ટેનિસની રમતની સમજણ પણ વિકસી. '૮૦ના દાયકામાં (૧૯૮૫માં) ૧૭ વર્ષની ઉમરે અનસીડેડ ખેલાડી તરીકે બોરિસ બેકરના વિમ્બ્લ્ડન વિજયે 'બુમ બુમ' પાવર ટેનિસના ખેલના યુગનો પ્રાંરંભ કર્યો. હવે સર્વ અને વૉલીની શૈલીના વિલયની સાથે પહેલી પાવર સર્વિસમાં જ ગેમ જીતવાના આંકડાઓની સરખામણી થવા લાગી.

'૯૦ના દાયકામાં હવે લાંબી લાંબી ચાલતી મેચો જોવાનો સમય તો બહુ મળતો નહીં, પહેલાં સ્ટિફન એડબર્ગ જેવા ખેલાડીનોની રમત આકર્ષણનું કેન્દ્ર રહેતી તે દાયકાના અંતમાં આન્દ્રે ઍગસી અને તે સાથે સાત વિમ્બલ્ડનની સાથે ૧૪ ગ્રાંડ સ્લેંમના વિક્રમ સર્જક 'પિસ્તોલ પીટ' તરીકે જાણીતા થયેલા પીટ સૅમ્પ્રાસની ધીર ગંભીરતાભરી આક્રમક શૈલી ટેનિસ માટેનું આકર્ષણ ટકાવી રહી.

‘90ના દાયકાના અંતમાં ટેનિસની ક્ષિતિજ પર એક નવા સિતારાનો ઉદય થવા લાગેલો. સર્વપ્રથમ વાર વિમ્બલ્ડનનો પુરુષ એકલ ખિતાબ મેળવ્યો તેના બહુ પહેલેથી જ રોજર ફેડરરના પિતાએ તેનામાં ટેનિસની આગવી પ્રતિભાની ઓળખ તો કરી લીધી હતી. તેઓ તેને ટેનિસના ૧૦૦ ખેલાડીઓમાં સ્થાન મેળવી લેવાનાં સ્વપ્ન સેવવાનું સમજાવતા જેથી જે આવક થાય તેમાંથી રોજર પોતાની સફરોનો ખર્ચ કાઢતો થઈ જાય.

જોકે કિશોર વયનો  ફેડરર  પોતાનાં ઘરથી ૧૦૫ માઈલ દૂર આવેલ નેશનલ ટેનિસ સેન્ટરમાં તાલીમ લેતાં લેતાં ઘરની યાદમાં ઝૂરતો રહેતો.  તેમાં પણ જો પોતે મેચ હારે તો પછી ક્યાંય સુધી એકલો બેસીને તે આંસુ સારતો.  સ્ટીફન એડબર્ગ, સેમ્પ્રસ અને બોરિસ બેકર તેના આદર્શ હતા. એ લોકોના શ્રેષ્ઠ સ્ટ્રોક્સની તે નકલ કરવાણી કોશિશ કરતો, પણ એક વાર મેચ શરૂ થાય એટલે તે એમાં એટલો ખોવાઈ જતો કે આ શૉટ્સની નકલ કરવામાં તેને  કામયાબી ન મળતી. પછીથી લાંબા સમય સુધી પોતાના આવા નિર્ણયો માટે તેને પસ્તાવો થયા કરતો.

 ૧૯૯૮માં જુનિયર વિમ્બલ્ડન જીત્યા બાદ ટેનિસ વિશ્વમાં તેની નોંધ લેવાવાનું શરૂ થઈ ગયું હતું. પણ તેનો ગરમ મિજાજ સ્વભાવ તેની સફળતાને આડે આવતો હતો. મે ૨૦૦૧ની હેમ્બર્ગ માસ્ટર્સની પ્રારંભિક મેચમાં આર્જેન્ટીનાના ફ્રાંકો સ્ક઼્વીલેરીની સામે ૬-૩, ૬-૪ની કારમી હારે તેની આંખ ઉઘાડી નાખી. એ મૅચ દરમ્યાનની તેની ખરાબ વર્તણૂક તેને પોતાને જ એટલી બધી ખુંચી કે તેણે ગાંઠ વાળી લીધી કે હવે ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ મગજ ગરમ ન જ થવા દેવું.  

તેની તે પછીની કારકિર્દી સફળ થવાના ધગધગતા લાવાના પ્રવાહ અને ચિત્તને શાંત રાખવાના બે અંતિમો વચ્ચેનાં આદર્શ સંતુલનનું અનુકરણીય ઉદાહરણ બની રહી. તેનું મન અને શરીર હવે ઘડિયાળના નાના અને મોટા કાંટાના તાલના એકરાગમાં કામ કરતાં હતાં. તેનાં પરિણામ રૂપે તેને અઢળક સફળતાઓ તો મળી જ પણ તેના વિશાળ ચાહકો માટે તેની દરેક મૅચ એક મનોરમ્ય અનુભવની સ્મૃતિ બનવા લાગી.

શબ્દોમાં આ જેટલું વંચવું ગમે છે તેટલું સહેલું રોજર ફેડરર માટે આ બધું અમલમાં મુકવાનું સહેલું જ તો નહોતું . એ જ વર્ષની  વિમ્બલ્ડન સ્પર્ધાના ચોથા દૌરમાં સૅમ્પ્રસને હરાવ્યા પછીના બીજા જ રાઉન્ડમાં ટિમ હેન્મને તેને શિક્સત આપી. તેની આ હાર રોજર ફેડરર માટે બીજો આંખ ઉઘાડનારો અનુભવ હતો.

તેને તે સમયે ભાન થયું કે આવડત અને સ્વસ્થ ચિત્તની સાથે શિસ્તનું મિશ્ર થાય તો જ સફળતાનું સાતત્ય ઉપલ્બધ થાય. નિયમિત તાલીમ, મેચના સમયથી ખાસા વહેલાં પહોંચવું, રાતની મીઠી ઊંઘ લેવી જેવી નાની નાની વિગતોનું અગત્ય હવે તેને સમજાવા લાગ્યું.

ઓગસ્ટ ૨૦૦૨માં તેના માર્ગદર્શક અને  એક સમયના કૉચ પીટર કાર્ટરનાં રોડ અકસ્માતમાં થયેલ નિધને રોજર ફેડરરને તેની નિયતિનું ભાન કરાવી આપ્યું. રોજર ફેડરરે એ મૃત્યુને પોતાની સફળતાની વેદીમાં આહુતિના સ્વરૂપે લઈ લીધી.

૨૦૦૩માં માર્ક ફિલીપૌસિસ સામે વિમ્બલ્ડન ફાઈનલની જીત તેનું મીઠુંમધુરૂં ફળ બની રહી. એ પછીની દરેક સફળતા અને નિષ્ફળતામાંથી રોજર ફેડરરે શીખેલા દરેક પદાર્થ પાઠ તેને વધારે નમ્ર, પરિપક્વ અને દરેક પ્રકારની સર્ફેસ પર ઉચ્ચ સફળતા માટે તલપાપડ બનાવતા રહ્યા.

૨૦૦૯ની તેની ફ્રેંચ ઓપનની જીત રોજર ફેડરર માટે તેની કારકિર્દીની સૌથી વધારે પ્રિય જીત બની રહી. ચોથા રાઉન્ડમાં બે સેટ હાર્યા બાદ ત્રીજામાં બ્રેક પૉઈન્ટના ઉંબરેથી તેને જે રીતે રમતની બાજી પલટાવી નાખી તે તો ટેનિસ ઈતિહાસની સુવર્ણ ક્ષણમાં અંકાઈ ગઈ છે. ફ્રેંચ ઓપનના એ ખિતાબે તેને ફ્રેડ પેરી, ડોન બડ્જ, રોડ લેવર, રોય એમર્સન અને આંદ્રે ઍગસી પછી કારકિર્દીમાં લાગલગાટ સળંગ ચારે ચાર ગ્રાંડ સ્લૅમ વિજેતા બનેલો છઠ્ઠો ખેલાડી પ્રસ્થાપિત કરી આપ્યો. (તે પછીથી આ કરતબ તેના મહાન સમકાલીન સ્પર્ધકો રાફાઍલ નદાલ અને નોવાક ડ્જોકોવિક પણ સિદ્ધ કરી ચૂક્યા છે.)

રેકૅટ, સર્ફેસ, પહેરવેશ, તાલીમ, મેચ પૃથ્થકરણ વગેરેમાં નવી નવી ટેક્નોલોજિઓએ કરેલા ફેરફારોને કારણે ટેનિસની રમતમાં કળા અને કૌશલ્ય કરતાં ટેકનીકનાં વધતાં જતાં ચલણના મહત્વના નવા યુગમાં રોજર ફેડરરની શૈલીમાં કળા, કૌશલ્ય, પ્રતિબધ્ધતા અને કમ્પ્યુટરની ઝડપે કામ કરતી આંતરસ્ફુરણાનૂં અદ્‍ભૂત મિશ્રણને કારણે જ રોજર ફેડરર ટેનિસના યુગપ્રવર્તક ખેલાડી તરીકેનું સ્થાન પામ્યા. તેમની આટલી સુદીર્ઘ, ગતિશીલ અને સ્પર્ધાત્મક કારકિર્દીમાં તેમણે એક પણ ટુર્નામેન્ટમાંથી ઈજાને કારણે પીછેહઠ નથી કરી તે પણ એક અનોખો રેકોર્ડ જ છે.

બધતી વયને કારણે નાની મોટી ઈજાઓને ન ગણકારતા રોજર ફેડરરને નિયતિ હજુ વધારે તાવવા ધારતી હતી. ૨૦૧૬માં તેમની દીકરીઓને નવડાવતાં તેમનો પગ લપસ્યો અને ડાબા પગનો ગોઠણ સુજી આવ્યો ! જોકે એ શસ્ત્રક્રિયા પછી ૨૦૧૭ની ઑસ્ટ્રેલિયન ઓપનમાં તેમણે નદાલને હરાવીને પોતાની કારકિર્દીનું ૧૮મું ગ્રાંડ સ્લૅમ ટાઈટલ જીત્યું.

ફરી સિદ્ધ થયેલી આ સફળતાને પણ તેઓ વધતી જતી વયને કારણે શરીરની મર્યાદાઓ સામે અકિંચન થઈને આજે ત્યજી રહ્યા છે. તેમના વિદાય સંદેશમાં તેઓ  કહે છે તેમ ૨૪ વર્ષ સુધી ૧,૫૦૦થી વધુ મેચ સુધી સાથ આપેલ તેમનાં શરીર દ્વારા હવે ૪૧મા વર્ષે જે સંદેશ તેમને અંદરથી મળી રહ્યા છે તેમનો તે સહજપણે સ્વીકાર કરે છે.

જીવનના દરેક તબક્કે અપ્રતિમ સફળતા જ સિદ્ધ કરવાની તીવ્ર ઝંખના સેવવી અને તેને માટે જે કંઈ ભોગ આપવા પડે તે આપવા એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્વ એ દોડના કયા તબક્કે હવે માનભેર નિવૃત્તિ લઈ લેવી તે પણ સફળ વ્યક્તિત્વનો એક બહુ વિરલ ગુણ છે. મહાન ક્રિકેટર વિજય મર્ચંટ હંમેશાં કહેતા કે તમે ક્યારે નિવૃત થશો એમ લોકો પુછે તેના કરતાં 'અરે, અત્યારમાં કેમ?' એ સવાલ પૂછે એ સમયે જ નિવૃત્ત થવું જોઈએ.

તેમની રમતની શૈલી, ખેલ પ્રત્યેનો અભિગમ અને વધારેમાં વધારે ગ્રાંડ સ્લૅમ જીતવા માટેની બળબળતી ધગશ ને તેના માટેની પ્રતિબધ્ધતા ઉપરાંત એક અનોખું પાસું તેમના સમકાલીન સ્પર્ધકો સાથેનાં તેમના આગવાં સમીકરણનું રહ્યું છે. ત્રીજી જુલાઈ, ૨૦૨૨ના રોજ વિમ્બલ્ડનની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી[1] સમયે વિમ્બલ્ડનના અનેક મહાન ભૂતપૂર્વ વિજેતાઓ હાજર રહેવાના હતા. જોકે કોઈ અકળ કારણસર રોજર ફેડરર ત્યાં હાજર રહેવા માટે અવઢવમાં હતા. પણ આખરે ટેનિસ પ્રત્યેના પ્રેમ અને વિમ્બલ્ડ્નને કારણે તેમને પ્રાપ્ત થયેલ આઠ વાર ચેમ્પિયન થવાની  અભૂતપૂર્વ ઐતિહાસિક સિદ્ધિએ પલડું હાજરી તરફ ઝુકાવી દીધું. રોડ લેવર, સ્ટેન સ્મિથ, મેકેએન્રો, બોર્ગ જેવા દંતકથા સમાન ખેલાડીઓ અને નદાલ અને ડ્જોકોવિક જેવા સમકાલીન સ્પર્ધકો વચ્ચે તેમને મળતું અપ્રતિમ સન્માન અને એ લોકો સાથે તેમની મળવાની ખુબ સહજ રીત તેમને એક સામાન્ય ખેલાડીથી બહુ જ ઉપર કેમ મુકવામાં આવે છે તે સમજવા માટે પુરતું બની રહે છે.

ફેડરર, નદાલ અને ડ્જોકોવિક અલગ અલગ શૈલીના ખેલાડીઓ ગણાય છે, પણ દરેક પ્રકારની સર્ફેસ પર રમાયેલી છેલ્લી ૭૨ ગ્રાંડ સ્લૅમ ફાઈનલમાંથી આ ત્રણમાંના કોઇ એકે મળીને ૬૫ ફાઈનલ જીતી છે. જો ૨૦૦૩થી ૨૦૧૦નો સમય ફેડરરનો સુવર્ણકાળ કહી શકાય તે પછીના દસકામાં નદાલ અને ડ્જોકોવિકે ફેડર કરતાં વધારે ગ્રાંડ સ્લૅમ જીત્યાં છે.

તેમની દરેક મૅચ જીવ સટોસટની જ હોય છે. પણ મૅચ પત્યા પછી એકબીજાની સાથે સ્પર્ધા ખતમ થઈ જાય છે. આ ત્રણની સહસ્પર્ધાની ભાવનાએ માત્ર તેમની પોતપોતાની રમતનું સ્તર જ ઉંચું નથી કર્યું પણ ટેનિસની રમતને એક નવાં સ્તરે પહોંચાડી છે. તેમની રમતને કારણે ટેનિસમાં અન્યથા જેમને કોઇ જ રસ નહોતો એવાં લોકોને પણ રસ પડવા લાગ્યો છે.

એક જ કાળમાં ત્રણ ત્રણ ખેલાડીઓએ સિદ્ધ કરેલાં આટઆટલાં કીર્તિમાનો પાછળ તેમની પોતાની આગવી ક્ષમતા જેટલી મહત્ત્વની રહી છે એટલો જ મહત્ત્વનો ફાળો તેમના વચ્ચેની તંદુરસ્ત હરિફાઈનો પણ ગણી શકાય. આ વાત સમજવા માટે આપણે સમયકાળમાં થોડા પાછા જઈએ. બ્યૉર્ન બૉર્ગ પાચ વિલ્મ્બ્લ્ડન પુરુષ સિંગલ્સ જીત્યા બાદ અમેરિકન ઓપનમાં ચોથી વાર પણ સફળ ન થઈ શક્યા તે પછી તેમણે અચાનક જ નિવૃત્તિ લેવાનું નક્કી કરી લીધું. એ સમયે તેમના શબ્દો આ મુજબ હતા

તમે જ્યારે કૉર્ટ પર હો ત્યારે તમને થવું જૉઇએ કે વાહ કેટલું સરસ !, હું ટેનિસ બૉલને ફટકા મારી રહ્યો છું, મારે દરેક પૉઈન્ટ જીતવાનો છે, અને મારો દરેક શૉટ 'સારો' શૉટ જ હોવો જોઈએ. જો તમે એવું ન વિચારી શકો, કે અનુભવી શકો, તો પછી રમવું મુશ્કેલ બનવા લાગે છે.

સફળતાની ટોચ પર પહોંચ્યા પછી એક શિખર પણ જો સર ન થઈ શકે તો જે પ્રકારની નિરાશા મનમાં ઘર કરી જાય તેવા પ્રકારનો ભાવ તેમણે અનુભવ્યો હશે એમ એક વિશ્લેષક વર્ગ માને છે. વ્યક્તિમાં સફળ બની રહેવાનું જોશ અને પ્રેરણા જેટલાં અંદરથી પ્રગટે છે તેટલું જ મહત્ત્વ બાહ્ય પરિબળોનું છે. બૉર્ગને એક તરફ પોતાની શક્તિઓને દાવ પર લે એવી સ્પર્ધા નહોતી અનુભવાતી તો બીજી તરફ એ જ શક્તિઓ તેમને કોઇ જ કામ ન આવતી જણાતી હતી.

તેની સામે, ફેડરર અને નદાલ તેમજ ડ્જોકોવિકની સ્પર્ધા જેટલી વેધક હતી એટલી જ એકબીજાંને પુરક પણ નીવડતી હતી. એક ખેલાડી એક વિક્રમ કરે તો બીજો તેને આંબી જવા મચી પડે, પણ તેમ છતાં ત્રણેય વચ્ચે ક્યારેય એવો તબક્કો ન આવે કે હારતા જ રહેવાય કે જીતતા જ રહેવાય. ત્રણેય વચ્ચેની સ્પર્ધા ખરા અર્થમાં સહકારમય સ્પર્ધા (Coopetition)હતી.


ફેડરરનાં વિદાય સન્માન સ્વરૂપ હાલમાં જ રમાયેલ લેવર કપમાં બન્ને જણા બૉર્ગની કપ્તાની હેઠળ ડબલ્સ ટીમ તરીકે રમ્યા. મૅચ પુરી થઈ ત્યારે બન્નેની આંખમાં આંસુ એ મેચ હારવાનાં નહીં પણ હવે પછી ક્યારે આમનેસામને નહી હોય તે અફસોસનાં હતાં.

રોજર ફેડરરને ટેનિસે જે કંઈ આપ્યું છે તેમાનું ઘણું એમણે ટેનિસને પરત કર્યું છે, એટલું જ નહીં પણ ટેનિસની કમાણીમાંથી તેમણે રોજર ફેડરર ફાઉન્ડેશન સ્થાપિત કર્યું છે જે ગરીબ બાળકોને શિક્ષણ વગેરેમાં મદદ કરે છે. એક માહિતી અનુસાર છેલ્લાં ૧૮ વર્ષમાં ૧૮ લાખથી વધારે બાળકોને મદદ પહોંચાડી છે[2].

ફેડરર સ્વિત્ઝર્લેંડનાં પ્રવાસનના પ્રસાર માટેના બ્રાંડ એમ્બેસેડર છે. જર્મનીનાં હાલે તેમ જ સ્વિત્ઝર્લેંડના બીએલમાં તેના નામના માર્ગ પણ છે.

પાંચ પાંચ સેટની આકરી મેચ પછી પણ ફેડરરને જાણે પરસેવો જ ન વળ્યો હોય એવું લાગતું, એટલે જ તેમને 'રેકેટ સાથેની કાવ્યમય પ્રેરણા' પણ કહેવાય છે. અન્ય કેટલાક રમત વિશ્લેષકો તેમની રમતને એક 'આધ્યાત્મિક અનુભૂતિ' પણ કહે છે.

ટેનિસ વિશે તેઓ તેમનાં વિદાય નિવેદનમાં તેઓ કહે છે કે જ્યારે હું બૉલ બૉય હતો ત્યારથી ટેનિસનો ચાહક છું .આજે પણ હું એટલો જ ચાહક છું. હું ટેનિસ કદી છોડી ન શકું.  

લેવર કપની મૅચ પછી બ્યોર્ન બૉર્ગે ફેડરર માટે કહેલ શબ્દો ફેડરરનાં ટેનિસ માટેનાં યોગદાનની ખરી કદર કરે છે - રમતથી મોટું કોઈ જ નથી હોતું, પણ ફેડરરે ટેનિસ(ની સ્વીકૃતિ અને સન્માન) માટે સમગ્ર વિશ્વભરમાં જે કઈ કર્યું છે તે અદ્‍ભૂત છે. આપણને બધાંને તેમના માટે ગર્વ છે.



[1] 

[2] 


Sunday, October 30, 2016

હિંદી ફિલ્મોનાં ગીતોમાં દીવાળી



દર વર્ષે દીવાળીના દિવસો નજીક આવે ત્યારે દિવાળીના મૂડને રજૂ કરતાં ગીતોને શોધી શોધીને સાંભળવાં એ પણ મારે માટે ઉજવણીનો એક નિયમ જ બની ગયો છે. દર વખતે જૂદા જૂદા લેખો મળી જાય એટલે દિવાળીનાં ગીતોને એક જ જગ્યાએ સંગ્રહી લેવાનું જામતું નહીં. આ વખતે દિવાળી પરનાં ગીતો યાદ કરવા જતાં યાદ તો ત્રણ જ ગીત આવ્યાં -
લાખોં તારે આસમાન મેં..દેખ કે દુનિયાકી દિવાલી દિલ મેરા ચૂપચાપ જલા - હરિયાલી ઔર રાસ્તા (૧૯૬૨)- મુકેશ, લતા મંગેશકર- શંકર જયકિશન – શૈલેન્દ્ર
એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હૈ, ઉજ઼ડા હુઆ ગુલશન હૈ, રોતા હુઆ માલી હૈ - નઝરાના (૧૯૬૧) - મુકેશ - રવિ - રાજેન્દ્ર કૃષ્ણ
સાથે યાદ આવ્યું કે આ ગીતનું 'વો ભી દિવાલી'ની ઉજવણીને રજૂ કરતું એક બીજું વર્ઝન પણ છે :
મેલે હૈ દિવાલી કે રંગીન દિવાલી હૈ - લતા મંગેશકર
ત્રીજું ગીત છે 'ગાઈડ' (૧૯૬૫)નું, જે ગીતોનાં ફિલ્મીકરણમાટે બહુ જાણીતા એવા દિગ્દર્શક વિજય આનંદની એક વધુ બેમિસાલ કમાલ છે. ફિલ્મની નાયિકાની કારકીર્દીના આલેખની ઉપર જતી રેખાને સાંકળતા સ્ટેજ શૉના પહેલા જ અંતરામાં -  @8.25 - દીવાળીને વણી લીધી છે.
પિયા તોસે નૈના લાગે રે  નૈના લાગે રે - ગાઈડ (૧૯૬૫) - લતા મંગેશકર - એસ ડી બર્મન - શૈલેન્દ્ર 

આ ત્રણ ગીતોનું યાદ આવવું, કમસે કમ મારા કિસ્સામાં, આમ તો કંઈ નવાઈની વાત નથી. ત્રણે ગીત '૬૦ના દાયકાનાં છે, જે સમયની ફિલ્મો જોતાં જોતાં જૂની ફિલ્મો અને એ ફિલ્મોનાં ગીતો માટેનો રસ કેળવાયો હતો ! આજના લેખ પૂરતી મહત્ત્વની વાત એ છે કે આમ થવાથી આ સમય પહેલાંનાં દિવાળી ગીતોને એક જ સાથે સંગહી લેવાની મારી ઈચ્છાને હવે પૂરતું કારણ મળી ગયું.બસ, એ શોધખોળ કરતાં જે ગીતો મને મળ્યાં છે તે અહીં ફિલ્મનાં રજૂ થવાનાં વર્ષના ક્રમમાં આપની સમક્ષ સાદર રજૂ કર્યાં છે :
સૌથી પહેલી જ ફિલ્મ મળી જેનાં શીર્ષકમાં જ "દિવાલી" છે. ૧૯૪૦ની એ ફિલ્મનું સંગીત  ખેમચંદ પ્રકાશે નિર્દશિત કર્યું હતું, મોતીલાલ અને માધુરી તેમાં મુખ્ય ભૂમિકાઓમાં હતાં અને જયંત દેસઈ ફિલ્મના દિગ્દર્શક હતા એટલી માહિતી નેટ પર મળે છે. ઇન્ટરનેટના મરજીવાઓ ફિલ્મનાં ગીતો સુધી હજૂ પહોંચ્યા નથી જણાતા.
જો કે ૧૯૪૦નાં જ વર્ષનું એક બીજું ગીત પણ  મળી આવેલ છે -
આઈ હૈ હોલી આઈ હૈ દિવાલી - સંસ્કાર (૧૯૪૦)- જ્યોતિ, હરીશ - અશોક ઘોષ - કન્હૈયાલાલ
એ પછીના દશકમાં આપણને ગીતોનો બહુ સમૃદ્ધ ફાલ મળે છે -
દિવાલી ફિર આયી સજની - ખઝાનચી (૧૯૪૧) - શમશાદ બેગમ - ગુલામ હૈદર - વલી સાહબ
પંજાબનાં ઘરોમાં કોઈ પણ ઉત્સવની ઉજવણી સમયે ઢોલકના તાલના સંગાથે જે વાતાવરણ જોવા મળે તે આ ગીતમાં દૃશ્યમાન થાય છે
આયી દિવાલી આયી દિવાલી - રત્તન (૧૯૪૪) - જોહરાબાઈ અંબાલેવાલી - નૌશાદ - ડી એન મધોક
દિવાળીના દીવાઓની જ્યોત પર ફીદા થતાં પતંગીયાઓ અને બહાર ચાલી રહેલી દિવાળીની ઉજવણી પોતાના પ્રેમીજનના પ્રેમોલ્લાસની જ્યોતમાં ભળી ન જવાનો, કે ન તો ઉજવણીમાં તેનો સાથ હોવાનો, ગ઼મ નાયિકાના મનમાં ઘુંટે છે.
ઘર ઘર મેં દિવાલી હૈ, મેરે ઘરમેં અંધેરા - કિસ્મત (૧૯૪૩) - અમીરબાઈ કર્ણાટકી - અનિલ બિશ્વાસ - પ્રદીપ
પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે જ નાયિકાનાં જીવનમાં અંધારૂં છે એ ખેદ સિવાય પણ પોતાનાં જીવનમાં અનેક સમસ્યાઓના ફટાકડાઓ ફૂટતા રહેવાથી જિંદગીમાં ક્યાંય આશાનો ઉજાશ નથી કળાતો એવી ફરિયાદ પણ નાયિકા આ પ્રસંગે કરે છે
આયી દિવાલી દીપોંવાલી - મહારાણા પ્રતાપ (૧૯૪૬)- ખુર્શીદ, સાથીઓ - રામ ગાંગુલી - સ્વામી રામાનંદ
ગીતની ધુન, લય અને વાદ્યસજ્જામાંથી જ  દિવાળીની ઉજવણીનો આનંદ છલકે છે 
આયી દિવાલી દીપ જલા લા - પઘડી (૧૯૪૮) - સીતારા કાનપુરી, શમશાદ બેગમ - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની
દિવાળીની ઉજવણીમાં આખું કુટુંબ હેલે ચડ્યું છે....
દિવાલી કી રાત પિયા ઘર આનેવાલે - અમર કહાની (૧૯૪૯) - સુરૈયા - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
પરંપરાગત રીતે ઘરનો પુરુષ વર્ગ આજિવિકા રળવા બહારગામ વસતો હોય, એટલે દિવાળીને ટાંકણે ઉત્સવની ઉજવણી એ સાથે આવીને કરે એવી આશામાં મીટ માંડેલી નાયિકાના મનના ભાવ અહીં રજૂ થાય છે 
આયી હૈ દિવાલી - શીશ મહલ (૧૯૫૦) - ગીતા દત્ત, શમશાદ બેગમ - વસંત દેસાઈ - નઝીમ પાનીપતી
મહેલ, રાજ દરબાર અને આખું નગર દિવાળીને આવકારે છે
શામ ઔર હુઈ ઔર દીપ જલે - બસેરા (૧૯૫૦) - મુબારક બેગમ, સુલોચના કદમ - એમ એ રૌફ ઉસ્માની - સરદાર ઈલ્હામ
એ જ સાંજ, એ જ દીપ પણ મનમાં ભાવ સાવ જ અલગ પેદા થાય. એક જ ગીતમાં બે સાવ અલગ મૂડ આવરી લેવાયા છે
જગમગતી દિવાલી કી રાત આ ગયી - સ્ટેજ (૧૯૫૧) - આશા ભોસલે - હુસ્નલાલ ભગતરામ - શર્શાર શૈલાની
ઉત્સવની ઉજવણીનો આનંદ ગીતમાં ઝગમગે છે 
યુટ્યુબ પર ગીતનું એક બીજું વર્ઝન જોવા મળે છે જેમાં ગાયક તરીકે લતા મંગેશકર જણાવાયાં છે (?)

દીપ જલે ઘર ઘર મેં આયી દિવાલી - ઘર ઘરમેં દિવાલી (૧૯૫૫) - લતા મંગેશકર, શમીન્દર - રોશન - પ્રેમ ધવન

શીર્ષકમાં 'દિવાળી'શબ્દપ્રયોગ થયો હોય એવી એક બીજી ફિલ્મ. ફિલ્મનાં બીજાં કેટલાંક ગીતો ઇન્ટરનેટ પર મળે છે, પણ આ ગીત હજૂ ઇન્ટરનેટની પહોંચમાં આવ્યું જણાતું નથી.

ઈસ રાત દિવાલી કૈસે - સબ સે બડા રૂપૈયા (૧૯૫૫) = મોહમ્મદ રફી, શમશાદ બેગમ, આશા ભોસલે શૌકત દેહલવી - પી એલ સંતોષી
ઘરની અંદર દંપતિનાં મિલનની ઘડી અને બહાર દિવાળીની રાતની ઉજવણીનો કવ્વાલી શૈલીમાં સંગમ.. 

કેવો મજાનો યોગાનુયોગ છે કે દિવાળીનાં ગીત ધરાવતી બીજી એક ફિલ્મનાં પણ શીર્ષકમાં 'પૈસા' છે...

દીપ જલેંગે દિવાલી આયી - પૈસા (૧૯૫૭)- ગીતા દત્ત - રામ ગાંગુલી - નઝીર અકબરાબાદી
ઉત્સવની ઉજવણીના આનંદને ગીતા દત્ત તેમના અવાજનાં ઊંડાણ સુધી ઘુંટે છે
જહાં મેં આયી દિવાલી - તાજ (૧૯૫૬) - લતા મંગેશકર - હેમંત કુમાર - રાજેન્દ્ર કૃષ્ણ
દિવાળીના દીવાઓના ઝગમગાટથી વિરહની જ્યોતથી દાઝી જવાની પીડા વધારે અસહ્ય બને છે 
કૈસે દિવાલી મનાયે હમ લાલા, અપના તો બારાહ મહિને દીવાલા -પૈગામ (૧૯૫૯) - મોહમ્મદ રફી - સી રામચંદ્ર - પ્રદીપ
શ્રમજીવી અને મધ્યમ વર્ગ માટે તો દિવાળીનું બોનસ મળે તો પણ ચાદર તો એક સંધો ત્યાં તેર તૂટે એ બારાહ મહિને દીવાલા  જ હાલત રહેવાની...
આયી અબ કે સાલ દિવાલી - હક઼ીક઼ત (૧૯૬૪) - લતા મંગેશકર - મદન મોહન - કૈફી આઝમી
ફરજ માટે હંમેશાં ખડે પગે રહેતાં લશ્કર માટે તો દિવાળીમાં પણ પોતાનાં નજ્દીકનાં લોકોથી અંતર તો સહન કરવું જ પડે, અને તેમાં પણ યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિ ચાલતી હોય ત્યારે એક બાજૂ યુદ્ધની ભયાનકતાની ખાઈ અને બીજી બાજૂ પોતાનાંઓથી દૂર હોવાની પીડાની ખીણ જેવી દશા પણ ભોગવવી પડે...
દિવાલી આઈ રે ઘર ઘર દીપ જલે - લીડર (૧૯૬૪) - લતા મંગેશકર, મોહમ્મદ રફી, સાથીઓ - નૌશાદ - શકીલ બદાયુની
સ્ત્રી નૃત્યકારોના હાથમાં દીવા ને પુરૂષ નૃત્યકારોના હાથમાં મશાલ નગારાંની દાંડીની ચોટ પર સમાજના બન્ને વર્ગ માટે દિવાળીના અલગ અલગ સંદેશ કહી જાય છે.
અહીંથી આગળ મારી શોધ દરમ્યાન મને એવું જણાયું કે '૭૦ કે '૮૦ના દાયકામાં 'દિવાળી' ગીતો ફિલ્મોમાં મુકવાનું નહિવત થઈ ગયું છે, કેમકે મને છેક '૯૦ના દાયકાના અંતનાં કે તે પછીનાં ગીતો જ જોવા મળ્યાં.
ખેર. મારો રસ તો આમ પણ મને જે ગીતો યાદ આવ્યાં તે પહેલાંના ગીતો અને એ ગીતોના વિષય, ગાયકો, સંગીતકારો નાં વૈવિધ્ય બાબતોમાં જ રસ હતો, જે તો આટલાં ગીતોના દીપમાંથી ફૂટતા પ્રકાશનાં અનેકવિધ તરંગો એ જ સંતુષ્ટ કરી આપ્યો છે. એટલે આજના લેખમાટે અહીં જ વિરમતાં પહેલાં એક એવું ગૈરફિલ્મી ગીત જરૂર રજૂ કરીશ, જેનાં ગાયક,સંગીતકાર અને ગીતકારનાં સંયોજને આપણને કેટલાંક બેનમૂન ગૈર ફિલ્મી ગીતો આપ્યાં હતાં. એ પછીથી સંગીતકારને ફિલ્મી દુનિયા બહુ ફળી અને તેમનાં ફિલ્મનાં ગીતો જ એક સીમાચિહ્ન બની રહ્યાં- 
મૈં ઘીકા દિયા જલાઉં, ઘર આઓ - સી એચ આત્મા - ઓ પી નય્યર - સરોજ મોહિની નય્યર 


દિવાળીનું પર્વ આપણને સૌને જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમકી ગંગા બહાતે ચલો (સંત જ્ઞાનેશ્વર, ૧૯૬૧)ની ભાવના પ્રજ્વળિત રાખવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે આપ સૌને દિવાળીનાં પર્વની ખુશીઓ મંગળમય રહો એ શુભેચ્છા....