Showing posts with label અંગત નોંધપોથી. Show all posts
Showing posts with label અંગત નોંધપોથી. Show all posts

Sunday, October 29, 2023

યે કહાની હૈ દિયેકી ઔર તૂફાન કી

 

૩૦મી ઓક્ટોબર ૨૦૨૩નાં 'ચિત્રલેખા'માં આ લેખ પ્રકાશિત થયો. સત્ય ઘટનાઓને વણી લેતા તબીબી વ્યવસાયની જાહેરાત સમા આવા લેખો આપણે લગભગ નિયમિતપણે વાંચતાં રહીએ છીએ, એમ આ લેખ પણ વાંચ્યો હોત અને લેખમાં જેમની વાત થયેલ છે એ તબીબ અને જેમની લડતનો લેખમાં ઉલ્લેખ છે એ મુકુંદભાઈ બુટાલા પ્રત્યે અભિભૂતિની લાગણી સાથે એ લેખ યાદગીરીની કંદરાઓમાં વિસરાવા માટે  સંગ્રહાઇ ગયો હોત. પણ અહીં જે વ્યક્તિની લડતની વાત છે એ મુકુંદભાઈ બુટાલા અમારાં ઘરની સામેના જ ફ્લેટમાં છેલ્લાં ત્રીસેક વર્ષથી સાથે રહેતા 'સૌથી નજદીક"ના પાડોશી છે. એટલે એ સંબંધે,   લેખમાં વર્ણવેલ તેમની લડાઈના આ સમગ્ર તબક્કાને ઘણી ઘનિષ્ટતાથી જોવાનું થયું છે. આજે આ લેખ વાંચતાં મુકુંદભાઈની આ લડતની આ લેખમાં નથી જણાવી એવી કેટલીક વિગતો આંખ સામે તરવા લાગી. એ યાદોને અહીં રજૂ કરી લેવાનું આપોઆપ જ મનમાં સ્ફુર્યું અને તેથી અહીં કાયમ માટે યાદ રહે એ માટે ગ્રંથસ્થ પણ કરી લીધેલ છે. 

         નોંધ:

હવે પછી જે કંઈ મેં લખ્યું છે તે એ ઘટનાક્રમનાં મારા પોતાના અંગત દૃષ્ટિકોણથી થયેલાં અવલોકનો અને તારણો છે.  એટલે મુકુંદભાઇના, કે તેમનાં અંગત સ્વજનોના, દૃષ્ટિકોણથી તે સાવ         જ અલગ હોઈ શકે છે એ મર્યાદાનોં હું અહીં એકરાર કરૂં છું. આમ કરવામાં કશેક હકીકતથી વેગળું લખાયું હોય, કે પછી  ક્યાંક તેમની લાગણી દુભાય તેવું પણ લખાયું હોય, તો હું તેમની ક્ષમા ચાહું છું. 

સામાન્યપણે મુકુંદભાઈની છાપ ઓછાબોલા વ્યક્તિ તરીકેની પડે. પણ એમના આ બહારથી દેખાતાં આ વ્યક્તિત્વની પાછળ બહુ સંવેદીનશીલ વ્યક્તિ તરીકેની ઓળખ મળી રહે તેવા અનેક પ્રસંગોનો આટલાં વર્ષોમાં મને પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. હા, તેઓ સ્પષ્ટવક્તા અને શિસ્તના આગ્રહી ખરા. પરંતુ મને તો તેમાં પણ તેમની સંવેદનશીલતા અનુભવાઈ છે. છેલ્લે એમના ઘરે ભજનકીર્તન વગેરેનો પ્રસંગ હતો ત્યારે બહારથી આવનારાં મહેમાનોને ફ્લેટની સારી છાપ પડે એટલે નજરે પડતી  બધી દીવાલો વગેરે તેમણે સ્વખર્ચે ધોળાવી નંખાવેલ. પ્રસંગ ટાણે બહારથી આવતાં મહેમાનોથી લિફ્ટ ચલાવવામાં કોઈ ભૂલચૂક થાય અને લિફ્ટ બગડે તો બધાંને તકલીફ પડે એવી સૂક્ષ્મ  સમસ્યા પણ તેમની નજરની બહાર નહોતી ગઈ. તેમણે પોતાની ઓફિસના એક માણસને લિફ્ટ ચલાવવા માટે ઊભો રાખેલ. તેમનાં આયોજનમાં સામાન્ય દેખાતી બાબતોથી સૂક્નિક્ષ્મ બાબાતો સુધી આવરી લેવાની પરવા હોય તેઓ નાની મોતી કચાસો તો ન જ ચલાવી લે એ તો સમજી જ શકાય.

સવારે દસ વાગ્યે નિયમિતપણે એ પોતાના કામ માટે જવા ઘરની બહાર નીકળ્યા જ હોય. એમની આત્મનિર્ભરતાની ખુમારી એટલી કે કાને ઓછું સંભળાતું થયું તો પણ જાતે જ સ્કૂટર ચલાવીને ઓફિસ જાય. એમની કિમોથેરાપી ચાલુ થઈ તે પછી તેમણે જેવું સારૂં લાગે એટલે તેઓ આ ક્રમ પ્રમાણે જ ઓફિસ જતા. હા, વાસ્તવિકતાને સ્વીકારીને હવે તેઓ રીક્ષામાં જતા. બહુજ સંવેદીનશીલ ખરીદીઓની જવાબદારી તેઓ તેમનાં  કાર્યસ્થળે  વહન કરતા હતા છતાં તેમની આટલી લાંબી કારકિર્દી દરમ્યાન તેમની કાર્યનિષ્ઠા અને પ્રમાણિકતા પર કદી ક્યારેય એક નાનો સરખો પણ ડાઘ નથી પડ્યો. એટલે જ, સામાન્યપણે નિવૃતિની જે ઉમર હોય તે પછી લગભગ બે દાયકા સુધી તેમણે માનભેર કામ કર્યું. ખરીદી જેવી  બેધારી જવાબદારી પ્રમાણિકતાથી નિભાવવા છતાં દરેક સપ્લાયર સાથે તેમના સંબંધો એટલા સારા હતા કે તેમની એક જ હાકલે મીરા ફ્લેટનાં તેમનાંઅંગતગણાય એવાં કામો કરવા પણ એ બધા ખુશી ખુશી હાજર જ હોય !    

ઉપર જણાવ્યો એ ભજનના પ્રસંગ સમયે તો તેમણે આવી ગંભીર બીમારી આવી પડશે એવી કોઈ જ શક્યતા બહારથી નહોતી જણાતી શક્ય છે કે તેમણે જણાવા નહીં દીધી હોય, કેમકે, તે પછી લગભગ બેએક અઠવાડીયામાં જ તેમની બીમારીનાં બાહ્ય ચિહ્નોએ પોતાનું સ્વરૂપ છતું કરવાનું શરૂ કરી દીધેલ. આ ઉમરે આવી બીમારીથી ભલભલાની હિમ્મત ભાંગી પડે. પણ, મુકુંદભાઈએ તેમની સ્વસ્થતા જાળવી રાખીને હવે જે સમય મળ્યો છે તેનો પૂરેપૂરો લાભ લઈને સૌ પ્રથમ તો નાણાકીય જવાબદારીઓ અંગે જે પણ કંઈ કચાશો હોય તે બધાંને દૂર કરવાનાં પગલાંઓ લેવાની જવાબદારી અશ્વિનભાઈ (તેમના સાળા)ને સોપી  દીધી.

ઇન્વેસ્ટીગેશનને દરેક તબક્કે ભવિષ્યની દરેક શક્યતાઓ અંગે તેઓ જાતે જ સ્પષ્ટતાઓ કરાવતા ગયા. છેલ્લે જ્યારે નિર્ણય લેવાનો તબક્કો આવ્યો ત્યારે  ઉપરોક્ત લેખમાં જણાવેલ સારવાર માટે તેઓ તૈયાર છે એવો સ્પષ્ટ નિર્ણય તેઓ લઈ ચૂક્યા હતા. એ નિર્ણય લીધા પછી મને બોલાવીને તે વિષે જાણ કરવા જેટલી ચીવટ પણ તેમણે જાળવી હતી. એ સમયે, તેમના આ નિર્ણય પાછળ પણ તેમની માનવસહજ જિજીવિષા કરતાં પણ જેમ પોતાની જિદગી દરમ્યાન દરેક સમસ્યાઓનો સામે ચાલીને પડકાર જીલ્યો એમ આ લડાઈને પણ પૂરેપુરી લડ્યા સિવાય હથિયાર હેઠાં ન મૂકવાની ખુમારી સ્પષ્ટપણે અનુભવી શકાતી હતી.  સારવારને દરેક તબક્કે તેઓ જાતે ચાલીને રીક્ષામાં જ હોસ્પિટલ આવતા જતા રહયા છે! તેમની મદદમાં રહેલ દરેક સ્વજનને જરૂરથી વધારે તકલીફ ન આપવાના મુકુંદભાઈ અને તેમનાં પત્ની વીણાબહેનના અભિગમના દાખલાઓ ટાંકવામાટે તો બીજો એક લેખ લખવો પડે!

આટલા અસામાન્ય નિર્ણય લેવામાં અને હવે તેના અમલના ખુબ જ મુશ્કેલ તબક્કામાં તેમણે જે તકલીફ પ્ડી હશે તેઓ તો આપણને બહારનાંને અંદાજ ક્યાંથી આવે ! એટલે જ, આ તબક્કે આ લડાઈમાં મળેલ સફળતા માટે આજની તબીબી સજ્જતા અને સંગત સ્વજનોની હૂંફ અને જહેમતને શ્રેય મળે એમાં મુકુંદભાઈના આત્મવિશ્વાસની ખુમારી અને અતિમુશ્કેલ  પરિસ્થિતી વચ્ચે પણ સ્પષ્ટપણે વિચારી શકવાની અને મુશ્કેલ નિર્ણયો પણ લઈ શકવાની મુકુદભાઈની વિરલ સ્વાભાવિક લાક્ષણિકતાનો ફાળો ઘણો મોટો હશે એમ માનવું જ પડે.

સારવાર પહેલાંની તપાસ, ખુબજ જટિલ અને કષ્ટદાયક સારવાર અને હવે પણ જરા પણ આસાન ન કહી શકાય તેવા પુન:સ્વાસ્થ્યની દીર્ઘકાલીન સંભાળ જેવી કલ્પનાતીત પરિસ્થિતિઓ  વચ્ચે પણ મુકુંદભાઈ અને વીણાબહેન પોતાનું  જીવન જીવવાનું કર્તવ્ય શક્ય  એટલે અંશે બીજાં પર બોજ ના બની પોતે જ વહન કરે છે તે જોઈને તેમનાં પડોશી હોવાનું અહોભાગ્ય મળ્યાની જ  લાગણી અનુભવાય!