Showing posts with label Tadatmya Vaishnav. Show all posts
Showing posts with label Tadatmya Vaishnav. Show all posts

Wednesday, February 25, 2026

તાદાત્મ્ય - નવી પેઢીનું પગરણ.....

 

આજથી પિસ્તાળીસ વર્ષ પહેલાં, ૨૫ ફેબ્રુઆરી (૧૯૮૧) ના રોજ, વિધાતાએ અમારા જીવનમાં, અમારાં સંતાન (પુત્ર)ના જન્મના રૂપમાં, એક નવો અધ્યાય લખવાનું કામ હાથમાં લીધું. તે દિવસોમાં અમદાવાદ તણાવપૂર્ણ હતું, ચારે તરફ "અનામત" ના વિરોધનું વાતાવરણ હતું. જોકે, નામકરણ સમયે અમારા હવે વિસ્તાર પામેલા પરિવાર વચ્ચેના સંબંધના પ્રતીક તરીકે તાદાત્મ્ય (સંસ્કૃત. તત્ + આત્મ્ય; ભિન્ન પ્રતીતિ થવા છતાં વસ્તુત: અભિન્નપણું.)[1] નામ પસંદ કરવામાં અમને લગીરેય વિરોધ નહતો. એ સમયની પ્રથા અનુસાર, માતૃ પક્ષના નામ તરીકે 'તત્પર' સ્વીકારાયું.

તાદાત્મ્યને તેડેલા મહેશભાઈ - બાજુમાં સંદીપ અને ગાયત્રી; (પાછળ) તેમનાં મા અને મારાં પિત્રાઈ બેન દેવીબેન અને પીઠ દેખાય છે તે પુર્ણિમાકાકી 

લગભગ એક મહિના પછી, અમદાવાદનાં તણાવભર્યાં વાતાવરણથી દુર થવા અને પુરતો આરામ મળી રહે તે માટે સુસ્મિતા અને કુંજલતાબેન તાદાત્મ્યને સાથે લઈને ભુજ રહેવા ગયાં 

કુંજલતાબેન તાદાત્મ્ય સાથે – ભુજ


સુસ્મિતા પાછા આવ્યા પછી
, તાદાત્મ્યની હાજરી સાથેના નવા સંદર્ભમાં અમારૂ જીવન સ્થિર થવા લાગ્યું.

(ચૈતન્ય પટણી, હું, સંજય, તાદાત્મ્યને તેડીને સુસ્મિતા તાદાત્મ્ય, કુંજલતાબેન, બેન)

તાદાત્મ્યને પારણામાં હીંચકાવાનું ખૂબ ગમતું -  ખાસ કરીને રાત્રે સૂતી વખતે. તેને વાર્તાઓ સાંભળતા રહેવાનું અને તેમ નહીં તો વાતો કરતા રહેવાનું બહુ ગમતું. સામાન્ય રીતે, આ કામ સુસ્મિતાને ભાગે આવતું. જો કે, જો બેન (દાદી) અથવા મહેશભાઈ (દાદા) અમદાવાદમાં હોય, તો પછી બીજાં કોઈ ન ચાલે. પરંતુ કદાચ તેને આ કામમાં સૌથી વધારે મોટા અમ્મા (પરદાદી) ગમતાં. સાર એવા હીંચકા ખાધા  પછી, જ્યારે તે સંપૂર્ણપણે શાંત થઈ જાય, અને સૂઈ ગયો હોય તેવું લાગેતું, એટલે મોટા અમ્મા પારણાને હીંચકાવવાનું બંધ કરે. તાદાત્મ્ય, ભરપુર નીંદરમાં આવી જવા છતાં, હજુ હીંચકાવો એવો રાગ રેલાવે. એ તબક્કે, મોટા અમ્માને રાહત આપવાના અમારા પ્રયાસો તાદાત્મ્યને સ્વીકાર્ય ન હોય!

બાળકના પહેલવેલા વાળ ઉતરાવવાના સંસ્કારની વિધિ જાન્યુઆરી ફેબ્રુઆરી ૧૯૮૩ વિધિપૂર્વક કરવામાં આવી.

તાદાત્મ્ય-  બાળસહજ તોફાની સ્મિત અને નવા વાળની ઉગતી કાળી ઝાંય સાથે


તાદાત્મ્યના નવા વાળ ઉગવાની સાથે, મેં દાઢી વધારવાનો પ્રયોગ કર્યો હતો!

બાળપણના આ તબક્કામાં તાદાત્મ્યનો સતત રહેલો વિકાસ અમારા માટે પણ ખૂબ જ ખુશહાલીનો તબક્કો રહ્યો.


તાદાત્મ્યને વાંચનમાં જેમ જેમ રસ પડવા લાગ્યો તેમ તેમ અમને એની ઉમરે રસ પડે એવાં પુસ્તકો શોધતાં રહેવાની મજા માણવા મળવા લાગી. પછીથી તો હું મારા કામ અંગે જ્યારે પણ બહારગામ જતો ત્યારે એક પુસ્તક ખરીદી લાવવું એ તો લગભગ વણલખ્યો નિયમ બની ગયો હતો..


૧૯૮૩ થી ૧૯૮૪-૮૫ દરમિયાન
, અમારા પિતરાઈ ભાઈ સુધાકરભાઈ (ચમનલાલ ધોળકિયા) ને અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું હતું. પરિણામે, તેમના પુત્ર ભવ્ય સાથે તાદાત્મ્યને હમઉમ્ર સાથનો  સારો મોકો મળ્યો.


તેમાં થયું એવું કે તાદાત્મ્યને ઘરમાં ઘરમાં એટલી પ્રવૃતિઓ મળી ગઈ કે પ્રગતિનગરમાં પોતાને ઘરેથી જ બાળમંદિર ચલાવતાં પદ્માબેનની 'કેજી'માં તેને શરૂઆતમાં જરા પણ ગોઠ્યું. બહુ લાંબા સમય સુધી તાદાત્મ્ય સ્કૂલમાં હોય એટલો બેન (તાદાત્મ્યનાં દાદી)ને બહાર બેસવું પડતું હતું. થોડી થોડી વારે બહાર આવીને તાદાત્મ્ય જોઇ જાય કે બેન બહાર છે ને ! પછી સ્કૂલેથી છૂટે ત્યારે જાણે કાંઇ જ બન્યું નથી એમ આજે સ્કૂલમાં શું શીખવાડ્યું તેનું વિગતે વર્ણન કરે ! ઘરે આવીને પહેલું કામ મમરા અને સેવનો નાસ્તો કરવાનું રહેતું. પ્રાથમિક શાળામાં જવાનું શરૂ કર્યું ત્યારે પણ તાદાત્મ્યની સાથે લઈ જવાના નાસ્તામાં 'સેવમમરા' ખાસ પસંદ રહેતી. પછીથી તો એના શાળાના મિત્રોને પણ એ એટલું ભાવવા  લાગ્યું કે તેઓ પોતાનું પરાઠા વગેરેનું લંચબોક્ષ તાદાત્મ્યના સેવમમરા સાથે અદલાબદલી કરતા.

તાદાત્મ્ય - તેના ખૂબ જ લાક્ષણિક 'શરારતી' મૂડમાં

'કેજી' ફેન્સી ડ્રેસ હરિફાઈનો કાર્યક્રમ ગોઠવાયો હતો. તાદાત્મ્ય તેમાં એ લોકોના રિક્ષાવાળા 'માધુભાઈ' બન્યો. બીજો એક સહાધ્યાયી, તાદાત્મ્ય અમને સમજાવતો એમ, 'કેન્સીકેન્દ્રા' બનવાનો હતો. તાદાત્મ્યને પૂછીએ કે એ પાત્ર શું હશે તો બહુ ઠાઠથી સમજાવે કે એ એક જાતનું પક્ષી છે! કાર્યક્રમના દિવસે અમને ખબર પડી કે વાત 'કિંગ સિકંદર'ની થી રહી હતી.

એકંદરે, તાદાત્મ્યનાં પૂર્વ-પ્રાથમિક શાળાકાળનાં વર્ષો આંખના એક પલકારાની જેમ જ પસાર થઈ ગયેલાં લાગ્યાં.


એરીશ ઇક્વિપમૅન્ટના મારા સાથીદાર, અશ્વીનભાઈ પાલખીવાલાના સાળા - શ્રી અશોકભાઈ સી. ગાંધી - એજી સ્કૂલના ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા. તેથી, સદ્‍નસીબે, તાદાત્મ્યનો પ્રાથમિક શાળામાં પ્રવેશ ખૂબ જ સરળતાથી પાર પડ્યો.

શાળાએ જવા માટે તૈયારી કરતાં થોડી નારાજગી થોડી શરારતના તાદાત્મ્યના મૂડને ઝીલી લેવાના પ્રયાસમાં હલી ગયેલા કૅમેરાએ સુસ્મિતાની તસ્વીર અસ્પષ્ટ કરી દીધી.

અહીં પણ તાદાત્મ્યને તેના નવા મિત્રો સાથે મનમેળ બેસાડતાં થોડો સમય લાગ્યો,

તાદાત્મ્ય - રમતિયાળ મૂડમાં શાળાએ જવા માટે તૈયાર

તાદાત્મ્ય હવે શાળાની અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતો થઈ ગયો હતો. છઠ્ઠાં ધોરણમાં તાદાત્મ્યએ એક નાનકડી નાટિકામાં સમ્રાટ અશોકને દીક્ષા આપનારા બૌદ્ધ ભુક્ષુની ભૂમિકા ભજવી.


પછીથી તો તેનાં પ્રાથમિક શાળાકાળનાં વર્ષો તો લગભગ ઓટોપાયલટ પર જ પસાર થઈ ગયાં..

આજે હવે પાછળ જોતાં, એવું કહી શકાય કે તેની કિશોરવય સ્વાભાવિકતાની સાથે સાથે પોતાના આગવાં વ્યક્તિત્વનો વિકાસ પ્રાથમિક શાળાકાળ પુરો કરવાની સાથે જ શરૂ થઈ ગયો હતો!

જ્યારે તાદાત્મ્ય પ્રાથમિક શાળાના તબક્કામાં પહોંચ્યો, ત્યારે તેનો વિકાસ સ્વ-પ્રેરિત બની ચુક્યો હતો. હું મારા વ્યાવસાયિક પ્રવૃતિઓમાં વધારે પડતો વ્યસ્ત થઈ ગયો હતો. અમારી, ખાસ કરીને મારી, ભૂમિકા પણ તાદાત્મ્યના વિકાસ પથ માટે આવશ્યક સુવિધા પાડનાર બની રહી હતી. ક્યારેક જ્યારે સ્કૂલરિક્ષા ન આવતી, ત્યારે મારે તાદાત્મ્યને શાળાએ મુકવા જવાનું થતું. અમે રસ્તામાં તેના સહાધ્યાયી નીરજ (સક્સેના) ને લેવા જતા. અમે અમારી પ્રીમિયર પદ્મિની કાર ખરીદી  ત્યાર પછીથી તાદાત્મ્ય અને નીરજ હંમેશા આવા પ્રસંગોએ શાળાએ જવા માટે કાર સવારી માટે આતુર રહેતા. તનય (તાદાત્મ્યના પુત્ર) ના યજ્ઞોપવિત સમારંભ દરમિયાન (૨૦૨૪ માં) જ્યારે નીરજ મને મળ્યો, ત્યારે તેણે આવી સવારીઓને બહુ પ્રેમથી યાદ કરી. નીરજને બરાબર યાદ હતું કે ભારે ચોમાસાના દિવસોમાં શાળાએ જવાનાં એકાદ બે સ્થળોએ બહુ પાણી ભરાઈ જતું. તાદાત્મ્ય અને નીરજ એવી એકાદ જગ્યાએ કાર ફસાઈ જાય તેની આતુરતાથી રાહ જોતા. એ લોકોને રસ રહેતો કે ગંદા પાણીમાં ઉતરીને ગાડીને ધક્કા મારવાની મજા લુંટવા મળે. શાળામાંથી તેમને હક્કપૂર્વકની એક દિવસની રજા મળેએ પાછું બોનસ. જોકે, નીરજે વસવસો પણ વ્યક્ત કર્યો કે મેં તેમની ઇચ્છા ક્યારેય પુરી થવા દીધી નહીં!

જોકે એ બન્નેની ધક્કા મારવાની મજા માણવાની એક બીજી તક એ લોકો જ્યારે અગીયારમા ધોરણમાં હતા ત્યારે છપ્પર ફાડીને મળી. ગોરાકાકા (મારા કાકા - જનાર્દન્ભાઈ પ્રાણલાલ વૈષ્ણવ)એ પોતાનું મૉપેડ, લ્યુના, ક્લાસીસમાં જવાની સગવડ થાય એ માટે આપ્યું. જોકે લ્યુનાની હાલ એવી હતી કે એ રસ્તા પર્ચાલ્યું તેના કરતાં મીકેનીકને ત્યાં રીપેરીંગમાં વધારે રહ્યું. એ (બીચારાં) મૉપેડ પર તાદાત્મ્ય અને નીરજ ડબલ સવારીની અને રસ્તે ચાલતાં મૉપેડ રીસાય ત્યારે ખેંચીને મીકેનીક પાસે લઈ જવાનો 'લ્હાવો' માણ્યો.

મારાં વ્યાવસાયિક કામકાજ માટે હું દરરોજ વહેલી સવારે વટવા જવા નીકળી જતો અને (મોડી) સાંજે  પાછો આવતો. તેને કારણે મારે અને તાદાત્મ્યને સવાર પછી ફરી મળવામાં મોટો ગાળો પડી જતો. પરિણામે હું અને તાદાત્મ્ય, બંને ઘરે પહોંચતાની સાથે જ રૂબરૂ મુલાકાતની રાહ જોતા. તાદાત્મ્ય દરવાજા પર રાહ જોતો હોય. ઘંટડી વાગતાની સાથે જ, તાદાત્મ્ય દરવાજો ખોલે અને દરવાજા પર જ પોતાની દિવસની પ્રવૃત્તિઓનું બયાન રજૂ કરી દે!

જ્યારે અમે મીરા એપાર્ટમેન્ટમાં (૧૯૯૩માં) શિફ્ટ થયા, ત્યારે તાદાત્મ્યનો પ્રગતિનગરમાંની તેની રોજબરોજની આઉટડોર રમતો માટેનો સંપર્ક ટૂટી ગયો. એ નુકસાન તેણે ઇન્ડોર (મોડિફાઇડ) ક્રિકેટ-કમ-સ્ક્વોશના ઇન્ડોર જુગાડ વડે તે નુકસાન ભરપાઈ કર્યું. ડ્રોઇંગ રૂમથી પહેલા માળના પેન્ટહાઉસ લિવિંગ રૂમમાં સીડી પર ત્રણ પગથિયાં ચડીએ એટલે સામે ખુલ્લી દિવાલ હતી. તાદાત્મ્ય તેના બેટથી બોલને ફટકારીને બોલને બાઉન્સ-બેક કરવા દિવાલનો ઉપયોગ કરીને પોતાની રમત રમી લેતો.

એ વર્ષોમાં એક વર્ષે તાદાત્મ્યના વેકેશન દરમ્યાન અમે બહારગામ ફરવા જવાનું નક્કી કર્યું હતું. પણ વ્યવસાયનાં કામને કારણે એ આયોજન તો પડતું મુકવું પડ્યું. એટલે અમે છેલ્લી ઘડીએ અમારી સુમો લઈને સૌરાષ્ટ્રની ટ્રીપ પર જવાનું નક્કી કર્યું. પહેલે દિવસે રાજકોટ પહોંચ્યાં. ત્યાં પહેલાં અમે નિમેશ (મારાં ધનામાસી પ્ર્દ્યુમ્નભાઈ માંકડના પુત્ર)ને ઘરે ગયાં ત્યાંથી બધાં ભેગાં થઈને મારાં ફઈના અને (તાદાત્મ્યનાં નાનીના પણ) દીકરા સુધાકર (ચમનલાલ ધોળકિયા)ના પરિવારને સાથે લઈને આજી ડેમ ફરવા ગયાં પાછાં ફરતાં રાજકોટના (બરફ્ના ગોળા પર ખુબ મોટો આઈસક્રીમ રેડેલો) ગોલો બધાંએ ખાધો. રાત સુધાકરભાઈને ત્યાં રહીને બીજે દિવસે અમે જૂનાગઢ ગયાં. રાજકોટથી સુધાકરભાઈનાં સંતાનો ઉત્કંઠા અને ભવ્ય અમારી સાથે જોડાઈ ગયા. મહેશ (દિલીપરાય માંકડના પુત્ર - મારા ખાસ મિત્ર) જૂનાગઢમાં કલેક્ટર હતા. મહેશે સાસણમાં અમારી એક રાત રહેવાની વ્યવસ્થા કરાવી આપી. સવારનું જમણ મહેશને ત્યાં જમી અમે સાંજે સાસણ પહૉચ્યાં હવે મહેશનાં સંતાનો - અનંગ અને હીરવા- પણ અમારી સાથે હતા> બીજે દિવસે સાસણ વિહાર કરીને અમે અહમદપુર માડવી થઈને દીવ પહોંચ્યાં. દીવ અમે ત્રણ રાત અને બે દિવસ રહ્યાં. પાછાં ફરતી વખતે મહેશ અને તનાં પત્ની હર્મિલા (સુસ્મિતાનાં ફઈ બબીફઈનાં દીકરી) પોતાની કાર લઈને અહમદપુર માંડવીથી અમારી સાથે સોમનાથની સફરમાં જોડાયાં. વચ્ચે એજ ગામમાં ઘરમ ગરમ ગાંઠીયા તળાતા જોયા એટલે પૅક કરાવી લઈને રસ્તામાં તેની મજા માણતાં માણતાં સોમનાથ પહોંચ્યાં. ત્યાંથી મહેશ પરિવાર જૂનાગઢ ગયોઅને અને અમે રાજકોટ થઈને અમદાવાદ પાછાં ફર્યાં. 

દસમા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે ઘરે તૈયારી કરતી વખતે, ૧૯૯૬ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ રમાતો હતો. ગણિતની પરીક્ષાના સૌ પહેલું પેપર ગણિત હતું. આગલા દિવસે, સુસ્મિતા ચિંતા કરતી રહી, પરંતુ તાદાત્મ્યએ કોઈ જાતના ભાર વગર ટીવી પર કોમેન્ટરી જોઈ. 

૧૨મા ધોરણનાં લાંબા પરવડેલાં વેકેશન દરમ્યાન મારા માસીના દીકરા અક્ષય (ડોલરરાય અને ભાનુમાસી અંજારીઆ)ના પુત્ર હિતાર્થે તાદાત્મ્યને સ્કુટર ચલાવતાં શીખવી દીધું. તે પછી તાદાત્મ્યએ એ માટેનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ મેળવી લીધું.


તાદાત્મ્યના  ૧૨મા ધોરણની પરીક્ષા પુરી થયા પછી, કોર્ટમાં ચાલી રહેલા મુકદ્દમાને કારણે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશમાં વિલંબ થઈ રહ્યો હતો. BITS, પિલાની અને ગુજરાત રાજ્ય બોર્ડ વચ્ચે સંકલનની કેટલીક તકનીકી ખામીઓને કારણે BITS, પિલાનીમાં પ્રવેશનો વિકલ્પ પણ ઉપલબ્ધ નહોતો. જોકે, રત્નમણિ ખાતેના મારા સાથી પ્રકાશ ભટ્ટ KREC સુરતકલ, કર્ણાટકમાં અભ્યાસ કર્યો હતો  ( KREC ૨૦૦૨માં NITK માં અપગ્રેડ થયેલ હતી). તેમનાંમાર્ગદર્શનને પરિણામે REC માં પ્રવેશ મેળવવાનો વિકલ્પ અમારી સામે ખુલ્યો હતો. KREC, સુરતકલ વિશે પ્રકાશ ભટ્ટે બહુ મહત્વની મહિતિઓ આપી અને ત્યાંના શિક્ષણ માટે પણ બહુ ઊંચો અભિપ્રાય આપ્યો હતો. તે ઉપરાંત તેમણે તાદાત્મ્યની પહેલી પસંદગીની શાખા કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે પણ મહત્વની માહિતી મેળવી આપી -  એ શાખા માટે REC ત્રિચીને ટોચની પસંદગી માનવામાં આવતી હતી, ત્યારબાદ KREC, સુરતકલનું સ્થાન ગણાતું હતું.

એક દિવસ, હું મુંબઈથી મારી સત્તાવાર ટ્રીપ પરથી પાછો ફર્યો ત્યારે અખબારોમાં જાહેરાત હતી કે બધી REC માં ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને એટલા પુરતી પ્રવેશ પ્રક્રિયા માટે કાઉન્સેલિંગ આજથી શરૂ થવાનું છે.

અમે સમય ગુમાવ્યા વિના કાઉન્સેલિંગ સેન્ટર પર યોગ્ય સમયે પહોંચી ગયા. બસ પ્રક્રિયા શરૂ થવાની હતી, ત્યાં અમને જાણવા મળ્યું કે તાદાત્મ્ય મેરિટ લિસ્ટમાં બીજા ક્રમે છે. પ્રક્રિયા શરૂ થતાં જ, મેરિટ લિસ્ટમાં પહેલા નંબરે રહેલા વિદ્યાર્થીએ REC, ત્રિચીનો વિકલ્પ પસંદ કર્યો. તાદાત્મ્યએ તેનું નામ બોલાય તે સાથે જ પોતાની પસંદગી KREC, સુરતકલ હોવાનું જાહેર કરી દીધું. અમે તરત જ ફી ચૂકવી અને જરૂરી ઔપચારિકતાઓ પુરી કરી. જ્યારે અમે સ્થળ છોડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અમે પારસ ગાંધીના માતા-પિતાને મળ્યા. પારસ ગાંધીએ પણ KREC માં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે અમને જણાવ્યું કે સુરતકલ માટે પહેલી ઉપલબ્ધ ટ્રેન બે દિવસ પછી છે. આ પણ અમારા માટે બહુ મહત્વની માહિતી હતી.

અમે ઘરે દોડી ગયા. સુસ્મિતા માટે આ સમાચાર સુખદ આઘાતજનક હતા. તેણે અને તાદાત્મ્યએ તાદાત્મ્યના હોસ્ટેલ રહેવાસની તૈયારીઓની વિગતોનું આયોજન કરવાનું શરૂ કર્યું અને હું ટિકિટ બુક કરવા માટે નીકળી પડ્યો.

પ્રવાસના દિવસે રેલ્વે સ્ટેશન તરફ જતી વખતે, દિલ્હી દરવાજા પાસે અમને અસાધારણ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. અમે પૂરતો સલામત સમય ગાળો રાખ્યો હતો તેમ છતાં અમને ટ્રેન ચૂકી જવાની શક્યતા જણાવા લાગી. અમારી ગાડી તો જરા પણ આગળ ચાલી શકે તેમ નહોતી એટલે અમે ઉતરી જઈને ઓટોરિક્ષા પકડવા માટે એક પછી એક અડીને, બાજુ-બાજુ જામ થયેલા વાહનોના ધસારોમાંથી પસાર થવું પડ્યું. આખરે જ્યારે અમે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે અમને ખબર પડી કે ટ્રેન પણ મોડી પડી છે, પરંતુ હવે તેપ્લેટફોર્મ પર આવી ગઈ છે અને  દસ જ મિનિટમાં રવાના થશે. અમે પહેલું પ્લેટફોર્મ, ફૂટઓવરબ્રિજ અને પછી ટ્રેન જે પ્લેટફોર્મ હતી ત્યાં એક શ્વાસે દોડવાનું શરૂ કર્યું. અમારામાંથી છેલ્લાંએ ડબામાં પગ મૂક્યો ને ટ્રેન પ્લેટફોર્મ પરથી બહાર સરકવા લાગી! જોકે, તે પછીની સુરતકલ સુધીની ટ્રેનની મુસાફરી સુખદ હતી, કોંકણ તટ પરની ટ્રેનની સફર તો અમે એક શ્વાસે જોઈ. કદાચ, ભાગ્યએ અમદાવાદની બહાર તાદાત્મ્યના જીવનના શરૂ થનારા નવા અધ્યાયની ચમત્કારિક શરૂઆતનો સંકેત આપ્યો હતો.

હૉસ્ટેલના શરૂઆતના થોડા દિવસો દરમ્યાન તાદાત્મ્ય અને તેના ગુજરાતથી આવેલા અન્ય સહાધ્યાયીઓ ઓઅર જે વીતી હશે તેના વિશે તાદાત્મ્યએ ક્યારેય વધુ માહિતી નથી આપી. પોતાના વ્યક્તિત્વનાં પાસાંને અચાનક જ પરિપક્વ કરી નાખતા એ અનુભવને તાદાત્મ્યએ જીવનની તેની આગળની સફરમાં તેને ખૂબ સહજતાથી પાછળ છોડી દીધો.

ડાબેથી: તાદાત્મ્ય, સૌરભ ગર્ગ, નોએલ ફર્નાન્ડિસ, રાજેન્દ્ર શર્મા (પાછળ), આનંદ નવલગુંડ, કિરણ પઢિયાર (પાછળ), પારસ ગાંધી અને જિગ્નેશ ગોહિલ.

વેકેશન દરમિયાન તાદાત્મ્યની અમદાવાદ આવવાની ઘણી સફર કોંકણના ભર ચોમાસા દરમિયાન થતી. એવી સફરો દરમ્યાન રેલ્વે ટ્રેક પર ભૂસ્ખલનને કારણે ચાર થી આઠ કલાકના વિલંબના અનુભવો પણ તાદાત્મ્યએ  ભોગવ્યા. જાન્યુઆરી ૨૦૦૧માં તાદાત્મ્યનાં વેકેશન દરમ્યાન અમદાવાદની એક રહેણાક સમયે અમે ૨૪ જાન્યુઆરીએ નવું ટીવી ખરીદ્યું અને પછી ૨૬મી જાન્યુઆરીએ ભૂકંપનો અનુભવ કર્યો. તાદાત્મ્યને એ વેકેશનના બાકીના દિવસો  અમારા મીરા એપાર્ટમેન્ટની સામેના ઘરના કામચલાઉ આશ્રયસ્થાન રહેવું પડ્યું. ૨૦૦૨માં, સુરતકલથી તાદાત્મ્યની છેલ્લી અમદાવાદની મુલાકાત દરમ્યાન અમે જિંદાલ સૉ, નાના કપાયા (મુન્દ્રા, કચ્છ) માં મારા જોડાવાના પ્રસ્તાવને સ્વીકારવો કે નહીં તે નક્કી કર્યું, જેના નિષ્કર્ષ રૂપે અમારે નાના કપાયા સ્થળાંતર કરવાનું પણ નક્કી કરવાનું હતું.

તાદાત્મ્યના સુરતકલના રહેવાસ દરમ્યાન અમે પણ સુરતકલની બીજી બે ટ્રિપ કરી, જેમાંની એકમાં અમે સુરતકલની નજીકના સ્થળોની મુલાકાત લીધી. એ ટ્રિપમાં બેન (તાદાત્મ્યનાં દાદી) પણ અમારી સાથે હતાં.

બેન, સુસ્મિતા, તાદાત્મ્ય - સુરતકલના દરિયા કિનારે, ઢળતી સાંજના સમયે

અમારી બીજી યાત્રા કેરળની મુલાકાત હતી. આ ટ્રિપમાં તાદાત્મ્ય અમારી સાથે સુરતકલથી જોડાયો હતો.

કોટ્ટાયમ બૅક વોટર્સની સફર માટે બોટ પર, અમારાં સહયાત્રીઓ સાથે

આમ રૂવરૂ મળવા ઉપરાંત, પોસ્ટ વ્યવસ્થા દ્વારા પત્રોનું આદાન-પ્રદાન અને લેન્ડલાઇન ફોન દ્વારા વાત કરવી એ અમારાં બીજાં સંપર્ક માધ્યમો હતાં. KREC ના છાત્રાલય સત્તાવાળાઓએ દરેક છાત્રાલય બ્લોક માટે એક ટેલિફોન લાઇનની વ્યવસ્થા કરી હતી. અમે કોલ કરવા માટે એક નિશ્ચિત સમયપત્રક ગોઠવ્યું હતું જેથી તાદાત્મ્ય તેમના બ્લૉકના ફોનની નજીક હાજર રહી શકે. રાતના સમયે એસટીડીના દર થોડા ઓછા હોય એટલે બહુ ઘણાં વિદ્યાર્થીઓ આ સમયે ફોન કરવાની લાઈન હોય એટલે  ફોન પરની આ સમયે થતી વાતચીત માત્ર ખુશખબરની આપલે કે સમાચારોની જાણ કરવા પુરતી મર્યાદિત રહેતી. એ વાતચીતની બાકીની વિગતો પત્રવ્યવહાર દ્વારા આપલે થતી.

૨૦૦૨માં, તાદાત્મ્ય KREC થી સીધા બેંગલુરુના નોવેલમાં જોડાયા. અમે પછી બેંગલુરુની પણ મુલાકાત લીધી હતી, અને ત્યાંથી ઉટી અને મૈસુર ગયાં હતાં.

તાદાત્મ્ય અને સુસ્મિતા - કોરમંગલાનાં તાદાત્મ્યના પીજી રહેઠાણમાં

નોવેલના બે વર્ષના સમયકાળ દરમ્યાન તાદાત્મ્યએ પોતાના વિષયમાં જ અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે બહુ સક્રિયપણે મહેનત કરી. બેંગલુરુમાં આઈઆઈએસસીમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ કસોટીઑમાં  તેમને ધારી સફળતા ન મળી. આ પ્રક્રિયામાં, તેમને જાણવા મળ્યું કે આઈઆઈએમમાં ​​સિસ્ટમ્સ મૅનેજમૅન્ટનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ એક સારો વિકલ્પ છે.  આઈઆઈએમ બેંગલુરૂમાં પર્સનલ ઇન્ટરવ્યુ દરમ્યાન તેમને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશેના પોતાના મંતવ્યો વિશે પ્રશ્નનો સામનો કરવો પડ્યો. તેણે જણાવ્યું કે એ તો છેલ્લાં છ વર્ષથી ગુજરાતની બહાર છે એટલે અહીણાં અખબારોમાં જે કંઈ જાણવા મળે તેનાથી વધારે તેને કોઈ માહિતી નથી. આ જવાબથી ઇન્ટરવ્યુ લેનારાઓની અપેક્ષાઓ પૂરી નહીં થઈ હોય એટલે IIMB તાદાત્મ્યની પસંદગી થઈ નહીં. પરંતુ તેમણે IIM, લખનૌમાં પ્રવેશના તમામ તબક્કાઓ માટે સારો દેખાવ કર્યો અને ૨૦૦૪ માં IIML માં પ્રવેશ લીધો.

અમે બે વાર IIML ની મુલાકાત લીધી - પહેલી મુલાકાત પહેલા વર્ષના શિયાળા દરમિયાન ગોઠવી. એ મુલાકાત દરમ્યાન અમે કાશી અને અલ્હાબાદની યાત્રા કરી એ પછી અમે દીક્ષાંત સમારોહમાં ગયાં.  તે પછી અમે નૈનિતાલની યાત્રા કરી.


IIML માં જોડાતા પહેલા અને IIML છોડ્યા પછી તાદાત્મ્યની અમદાવાદની યાત્રાઓમાં બે દુ:ખદ અને એક સારી યાદો જોડાયેલ છે. પ્રથમ ઘટનામાં, જ્યારે તાદાત્મ્ય અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો, અમને એરપોર્ટ આવેલાંજોઈને તેને આનંદ થવાની સાથે ગમગીની પણ હતી કેમકે, મહેશ (મારા નજીકના મિત્ર - મહેશ દિલીપરાય માંકડ) ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અમે એક દિવસ પહેલા અમદાવાદ આવ્યાં હતાં.  મુન્દ્રાથી IIML માં જોડાવા માટે પાછા ફરતી વખતે, તાદાત્મ્યને - અમારા પ્રગતિનગરના દિવસોના તાદાત્મ્યના મિત્ર અને ડૉ. અશોકભાઈ અને ભાવનાબેન દેસાઈના પુત્ર - હર્ષિતના લગ્ન સમારંભમાં હાજરી આપવાની તક મળી. બીજા દુઃખદ કિસ્સામાં, જ્યારે તે IIML માં પીજી પુરૂં કર્યા પછી તેમનું છેલ્લું વેકેશન મુન્દ્રામાં માણી રહ્યો હતો, ત્યારે મધુમામા (મારા મામા - મધુકાંત મૂળશંકર છાયા)નું અવસાન થયું.

૨૦૦૬નું વર્ષ તાદાત્મ્યના જીવન અને કારકિર્દીમાં એક મહત્વનું સીમાચિહ્ન બની રહ્યું.



[1] તાદાત્મ્ય ત્રણ પ્રકારનું છેઃ

() ભ્રાંતિજ તાદાત્મ્ય- અહંકારનું સાક્ષી સાથે તાદાત્મ્ય

() કર્મજ તાદાત્મ્ય - કર્મની સૂક્ષ્મ અવસ્થાને પામેલ કોઇ સંસ્કાર, અને

() સહજ તાદાત્મ્ય - અહંકારની ચિદાભાસ સાથે એકરૂપતા.

Tuesday, March 22, 2016

મૉર ધૅન બૉલીવુડ - સ્ટડીઝ્‍ ઈન ઈન્ડિયન પૉપ્યુલર મ્યુઝિક



પરિચય - રજૂઆત : તાદાત્મ્ય વૈષ્ણવ
થોડા દિવસો પહેલાં મને 'મોર ધૅન બૉલીવુડ - સ્ટડીઝ્‍ ઈન ઈન્ડિયન પૉપ્યુલર મ્યુઝિક' શીર્ષસ્થ પુસ્તક વાંચવાની તક મળી. ભારતીય હિંદી સિનેમા, તેમ જ ગેરફિલ્મ સંગીત, પરના સંશોધન નિબંધોને આ પુસ્તકમાં ગ્રેગરી ડી. બૂથ અને બ્રૅડલી શૉપૅએ સંકલિત કરેલ છે.
'મોર ધૅન બૉલીવુડમાં ભારતમાં જેને લોકપ્રિય સંગીત કહીએ એવાં સંગીતના સ્વરૂપોના ઐતિહાસિક તેમ જ પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યની રજૂઆતની સાથે ભારતીય ફિલ્મ સંગીતનાં મહત્ત્વ અને યોગદાનની પણ ચર્ચાની સાથે લોકપ્રિય ગૈર-ફિલ્મ સંગીત પરનાં સંશોધનો પણ એક જ પુસ્તકમાં જોવા મળે છે. આમ એકંદરે, આ પુસ્તક નૃવંશીયસંગીતશાસ્ત્ર તેમજ સિનેમાના કે લોકપ્રિય સંગીતના અભ્યાસ અંગેનાં સંશોધનનાં દસ્તાવેજીકરણની સાથે સંકળાયેલ સંશોધકો, વિદ્યાર્થીઓ, ઈતિહાસકારો, કે સામાન્ય  રસિકજનોમાટે બહુ અગત્યનો માહિતીસ્ત્રોત પણ બની રહે છે.
મૂળતઃ લેખોનું પોત સંશોધનાત્મક લેખો હોવાને કારણે, અને અમુક લેખોના વિષયોમાં કંઇક અંશે ઓછો રસ હોવાને કારણે, મને ત્રણેક લેખમાં વધારે રસ પડ્યો છે.
પ્રકરણ ૧ - મુંબઈમાં વિદ્યમાન અવસરની ઐતિહાસિક ઘડી \ A Moment of Historical Conjuncture in Mumbai
આ પ્રકરણમાં ગ્રેગરી બૂથ પ્રસ્થાપિત કરે છે કે હિંદી ફિલ્મ ગીતનાં જે સ્વરૂપને ૧૯૯૦ સુધી આપણે જોતાં સાંભળતાં આવ્યાં છીએ તે સ્વરૂપ મહદ્‍ અંશે આઝાદી પછીનાં, ૧૯૪૮થી ૧૯૫૨નાં, પાંચ વર્ષોમાં ઘડતર પામ્યું. ૧૯૩૧થી ૧૯૪૭ના સમયને તેઓ હિંદી ફિલ્મ સંગીતનાં રંગરૂપ અને વ્યાવસાયિકતાના સંક્રાતિકાળ તરીકે ઓળખાવે છે. આ સમયમાં થયેલા કેટલાક ફેરફારોમાં ગીતોનાં ચિત્રાંકણમાં વધતાં જતાં કૌશલ્ય અને ગીતોમાં સ્ત્રી અવાજમાં થયેલ ફેરફાર જેવા ફેરફારોને મહત્ત્વના ગણી શકાય. આ ફેરફારો કરવામાં સૌથી મહત્ત્વનાં યોગદાન પ્રદાન આપનારાં પરિબળો કે વ્યક્તિઓને અલગ તારવવા માટે લેખકે જે જે આંકડાકીય અભ્યાસની મદદ લીધી છે તેનાં પરિણામ સ્વરૂપે તેઓએ ત્રણ સંગીતકારો - નૌશાદ, શંકર જયકિશન અને સી. રામચંદ્ર, બે ઍરેન્જર્સ - એન્થની વૅઝ અને સેબાસ્ટીઅન ડી'સોઝા - તેમ જ એક પાર્શ્વગાયક - લતા મંગેશકર-નાં કામને અલગ તારવેલ છે. આ દરેકનાં પોતપોતાનાં આગવાં અને અલગ કૌશલ્યનાં એકબીજાનાં પૂરક સંયોજનને કારણે આમ થવું શક્ય બન્યું એમ કહી શકાય. ફિલ્મ સંગીતની આધુનિક ઢબની વાદ્યસુબદ્ધતા, ભારતીય શાસ્ત્રીય સંગીત અને લોકપ્રિય પાશ્ચાત્ય સંગીત સાથેનું સંધાન અને સ્ત્રી અવાજની નવી પહેચાન જેવા મહત્વના ફેરફારો તેમની પોતાની અલગ અલગ સ્તરે ભજવાયેલી ભૂમિકાઓના માંથી નિપજેલ સામૂહિક પરિણામો સ્વરૂપે પ્રસ્થાપિત થતા ગયા. જાણે નિયતિએ 'યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે' હાજર રાખવા માટે જ તેમને પસંદ કર્યાં હતાં!
૧૯૪૮થી ૧૯૫૨ દરમ્યાન જે વ્યાવસાયિક સ્તરે જે ભાત અને સંગીતનું સ્વરૂપ વિકસ્યું તે મહદ્‍ અંશે છેક ૧૯૭૦ સુધી પ્રચલિત રહેલ જોવા મળે છે. તે પછીનાં વીસ વર્ષોમાં ફિલ્મ સંગીતનાં ક્ષેત્રે આવેલ સંગીતકારોની નવી પેઢી મહત્ત્વની ભૂમિકા ભજવવા લાગી હતી. ફિલ્મ સંગીતનાં મૂળભૂત માળખાંમાં જે ફેરફારો થયા તેનો અભ્યાસ કોઈ એક વર્ષમાં જેની એકથી વધારે ફિલ્મો આવી હોય તેમના હિસ્સા જેવાં પરિમાણોના આંકડાઓની મદદથી જાણી શકાય છે. એ એક વર્ષમાં જેનાં ઘણાં ગીતો 'બહુ જ લોકપ્રિય' થયેલ હોય તેવી કક્ષામાં તો દરેક વર્ષે બે-ત્રણ સંગીતકારો જ આવતા જોવા મળે છે. ૧૯૫૨ સુધીમાં એક વર્ષમાં એકથી વધારે ફિલ્મોમાં સંગીત આપનારા સંગીતકારોની સંખ્યામાં ૬૨%નો વધારો જોવા મળે છે. પછીનાં દસ વર્ષોમાં આ પ્રકારના સંગીતકારોનો હિસ્સો  લગભગ ૫૦%ની આસપાસ રહ્યો જે ૧૯૬૭માં ફરી એક વાર ૩૦%ની આસપાસ આવી ગયો. ૧૯૩૨-૧૯૪૭ દરમ્યાન આ આંકડો ૬૦%ની આસપાસ રહ્યો હતો. ૧૯૪૭થી ૧૯૫૭ના દશકામાં સૌથી વધારે કમાણી કરનાર ૬૦ ફિલ્મોમાંથી ૩૨% ફિલ્મો ૧૯૪૮થી ૧૯૫૨માં રજૂ થયેલી હતી. તેમાંથી પણ નૌશાદ, શંકર જયકિશન અને સી રામચંદ્રનો મળીને હિસ્સો ૬૮%  હતો.
પુરુષ ગાયકોમાં પણ ગણ્યા ગાંઠ્યા ગાયકોનાં વધતું આધિપત્ય પણ એક નવો પ્રવાહ બનવા લાગ્યો હતો. ૧૯૫૨ પછીથી ૧૯૬૯ સુધી મોહમ્મદ રફીનાં ગીતોનો  લગભગ સિંહ હિસ્સો રહ્યો, જે સ્થાન તે પછીથી કિશોર કુમારે લઈ લીધું હતું. જો કે સ્ત્રી પાર્શ્વ ગાયિકાઓની સરખામણીમાં તે સિવાય મહત્ત્વનું સ્થાન ધરાવતા પુરુષ ગાયકોની સંખ્યા ખાસી નોંધપાત્ર કક્ષાની હતી. સ્ત્રી પાર્શ્વગાયિકાઓના કિસ્સામાં તો ચિત્ર સાવ નાટકીય પણે બદલી ચૂક્યું હતું. ૧૯૫૨ પછીથી ભરેલા સૂરના ગળાં ધરાવતી ગાયિકાઓનો તો સમય જાણે સાવે લુપ્ત જ થઈ ગયો. ૧૯૫૧માં લતા મંગેશકર, આશા ભોસલે અને ગીતા દત્તનાં ગીતોનો હિસ્સો ત્રીજા ભાગથી થોડો વધારે હતો. ૧૯૫૭માં, અંગત કારણોસર ગીતા દત્ત મેદાનમાંથી ખસી ગયાં તે પછીથી માત્ર લતા મંગેશકર અને આશા ભોસલે ત્રીજા ભાગથી વધારે હિસ્સો પોતાનાં અંકે કરતાં થઈ ગયાં. આમ બહુ જ જૂદા જૂદા પરિમાણોથી આંકડાકીય વિશ્લેષણ કર્યા પછી લેખક સંગીત, ગીતોની બાંધણી અને રજૂઆતનાં સૌંદર્ય તેમ જ વ્યાવસાયિક પ્રથાઓ ની આપસી પરિસ્થિતિની વિગતે ચર્ચા હાથ પર લે છે.
લેખકનાં બધાં જ તારણો સાથે આપણે કદાચ સહમત ન પણ થઈએ - હું તો નથી જ થઈ શક્યો-  જેમ કે  'ફિલ્મમાં ગાયકી'ને બદલે 'ફિલ્મનાં ગીત'ની બાંધણીને  અંતરાની વાદ્યવૃંદસજ્જાની ચોક્કસ ગૂંથણી, તાલ, વાદ્યવૃંદમાં વાદ્યો અને સાજિંદાઓની સંખ્યા, રેકોર્ડિંગ ટેકનીક અને ગાયકોનાં વ્યાવસાયિકરણ જેવાં પરિમાણોના સંદર્ભમાં નૌશાદે વધારે સ્પષ્ટ બનાવી;  કે પછી, પુરુષ ગાયકોની ગાયન શૈલી સાયગલની શૈલીને જ અનુસરતી રહી જ્યારે સ્ત્રી ગાયકોની ગાયન શૈલીમાં લતા મંગેશકરે નવા ચાસ પાડ્યા. (હુ  આ વાકયના પાછળના ભાગ સાથે સહમત થઈશ.) 
લગભગ દરેક મુદ્દાને આંકડાકીય વિશ્લેષણની સાથે જ રજૂ કરાયેલ છે. મોટા ભાગનાં તારણો રસપ્રદ તો રહે જ છે. ગાયકને તેમ જ ગીતનાં ધ્વનિમુદ્રણને ગીતનાં ચિત્રાંકનથી અલગ કરી નાખતી પાર્શ્વ ગાયનની અને રેકોર્ડિંગની ટેકનીકમાં થયેલ વિકાસ ફિલ્મ સંગીતની સાથે સાથે હિંદી ફિલ્મોના વિકાસ માટે મશાલધારક બની રહ્યો એ તારણ સાથે આપણે બધાં જ સહમત થશું.
પ્રકરણ ૨: વૈશ્વિક મસાલા ઉદારીકરણ પછીનાં ભારતીય ફિલ્મ સંગીતની ડિજિટલ ઓળખો અને સૌંદર્યલક્ષી પ્રક્ષેપપથ \ Global Masala – Digital Identities and Aesthetic Trajectories in Post-Liberalization Indian Film Music - નાતાલી સર્રાઝીન
૧૯૯૦માં શરૂ થયેલ ઉદારીકરણના સમય પછીથી વૈશ્વિકીકરણ તેમ જ ટેક્નૉલોજિએ લોકપ્રિય સંગીત, ખાસ કરીને ફિલ્મ સંગીતની રચના, પર કેવી અસર કરી તેનો બહુ સારી રીતે લખાયેલ અહેવાલ અહીં રજૂ કરાયો છે.
'રોજા'નાં ટાઈટલ ગીતના પૂર્વાલાપનાં દરેક સેકન્ડનાં વિગતવાર વિશ્લેષણની મદદથી લેખિકાએ શ્રાવ્ય ઘટકને દૃશ્ય ઘટકનાં એક એક અંગ સાથે કેમ પહેલાં કરતાં કેમ વધારે અસરકારક રીતે સાંકળી શકવાનું શક્ય બન્યું છે તે સમજાવ્યું છે.
'સૌંદર્યલક્ષી નિર્ણયો' એ બીજો એક સરસ વિભાગ છે. અહીં સંગીતકારની ભૂમિકા ને બદલે હવે શ્રોતાને સાંભળવા મળતાં તૈયાર ગીતમાં સાઉંડ એન્જિનીયર કેમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તે પ્રતિપાદિત કરાયું છે. આ ફેરફાર ક્રાંતિકારી જરૂર હશે, પણ ઘણા ક્રાંતિકારી ફેરફારો જેમ બહુ છાતી ફુલાવવા જેવાં પરિણામો નથી લાવી શકયા તેમ જ આ ફેરફારનું પણ કહી શકાય. લેખિકા પોતે પાશ્ચાત્ય પરિપ્રેક્ષ્યમાંથી આવતાં હોવાને કારણે,  તેમ જ તેમને પોતાને જૂનાં સંગીત માટે બહુ ખાસ પ્રીતિ નથી તેથી, આવા મહત્ત્વના ફેરફારને લેખિકા પચાવી જઈ શકતાં જણાય છે.
પ્રસ્તુત લેખનાં સમાપનમાં લેખિકાનું કહેવું છે કે વિશ્વના મંચ પર હિંદી સિનેમાએ બહુ જતનથી ઘડાયેલી, ભારતીય લઢણની સંગીતમાં વણી લેવાયેલ  ઓળખ અને ઈચ્છાઓની સંભાળ એવી રીતે લેવી જોઈએ કે તે સંગીતનાં આંતરરાષ્ટ્રીય બજારના કાનને ગમે અને ભારતીય વંશ સિવાયનાં અન્ય લોકોને પણ રસપ્રદ નીવડે. વિશ્વના મંચ પર જૂદા જૂદાં ક્ષેત્રોમાં ભારત બહુ સક્રિયપણે પોતાની આગવી પહેચાન ઊભી કરી રહ્યું છે. તેમાં તેને સ્વરનાં એવાં માધ્યમની જરૂર રહેશે જે ભારતની વર્તમાન ઉર્જાનું નિરૂપણ તો કરતું જ હોય, પણ તે સાથે એક યોગ્ય આર્થિક ભાગીદાર તરીકેની ભારતની છબીને  પણ પેશ કરતું હોય. આ પ્રકારનાં સંગીતે સફળ થવા માટે ભારતમાં, અને ભારતની બહાર રહેતાં, ભારતીયોનાં સ્વપ્ન અને ઈચ્છાઓ માટે અવકાશ ઊભો કરવાની સાથે બીજાંઓની પ્રબુદ્ધ કલ્પનાઓમાં હંમેશ છવાયેલ રહેલ પલાયનવૃત્તિને પણ પોષવી પડશે.
દસમાં પ્રકરણ, ૧૯૩૦-૫૦ દરમ્યાન મુંબઈમાં જોવા મળતી ગતિમાન તસ્વીરોમાં અને જાકજમાળ  કૅબરૅમાં લેટિન અમેરિકન સંગીત \ Latin American Music in Moving Pictures and Jazzy Cabarets in Mumbai, 1930-1950,માં બ્રૅડલી શૉપૅ ૧૯૩૦ના દાયકાના મધ્યથી કરીને ૧૯૫૦ના દાયકાના શરૂઆતના સમય દરમ્યાન હોલીવૂડની ફિલ્મોમાં લેટિન અમેરિકન સંગીતના પ્રભાવની મુંબઈના મનોરંજન મંચ પર પડેલી અસરોની વિગતે વાત કરે છે. એ સમયમાં ગોવાનીઝ કે એંગ્લોઈન્ડિયન કે પારસી સમાજનાં લોકો જ હૉટલ કે થિયેટરમાં જાકજમાળ કૅબરૅ નૃત્યો જોવાં જતાં. એ સમયના આમ-ભારતીય પ્રેક્ષકની અભિરૂચિની કાલ્પનિક દુનિયાને આ નૃત્યો અને સંગીત વડે હિંદી ફિલ્મોએ સજાવવાની હતી. પ્રસ્તુત પ્રકરણના પહેલા ભાગમાં હોલીવૂડની ફિલ્મ Flying Down the Rio[i] થકી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનેલ  બ્રાઝિલનાં તળપદી નૃત્ય, કૅરિઑકા,ની હિંદી ફિલ્મોનાં સંગીત અને ગીતો પરની અસરોની ચર્ચા ઉદાહરણો સાથે કરવામાં આવી છે.  પ્રકરણના બીજા ભાગમાં મુંબઈમાં ભજવાતાં કૅબરૅ નૃત્યો અને લૅટિન અમેરિકાનાં સંગીત અને તેની નૃત્યો દ્વારા થતી રજૂઆતની હિંદી ફિલ્મો પરની અસર વચ્ચેના સંબંધની વાત કરવામાં આવી છે.
ભારતનાં કેટલાંક શહેરોમાં Flying Down to Rio (1933)ને ખાસી સફળતાથી રજૂ કરાઈ. મુંબઈની નાઈટક્લબો કે રેસ્તરાંઓ, હોટલ બૉલરૂમ્સ કે સામાજિક મનોરંજન કાર્યક્રમોમાં કે કૅબરૅ નૃત્યોનાં શ્રોતાઓને  આ ફિલ્મમાં બતાવાયેલાં કૅરિઓકા નૃત્યએ આકર્ષ્યાં. જે શ્રોતાઓને આ નૃત્ય શીખવું હતું તેઓ ક્યાં તો વારંવાર આ ફિલ્મ જોવા જતાં અથવા તો પછી નૃત્યશિક્ષણના વર્ગોનો આશરો લેતાં. ૧૯૪૦ના દાયકા સુધીમાં તો બહુબધાં જાઝ ઑરકેસ્ટ્રા ગ્રૂપને ખ્યાલ આવી ગયો હતો કેવધારેને વધારે કામ મેળવવા માટે લૅટિન અમેરિકન નૃત્યોને પોતાના શૉના ભાથામાં સમાવી લેવાનું બહુ ફાયદાકારક નીવડી શકે છે. એટલે  લતા મંગેશકર અને અમીરબાઈ કર્ણાટકીના સ્વરોમાં 'સમાધિ' (૧૯૪૯) માટે ગોરે ગોરે ઓ બાંકે છોરેની તર્જ માટે સી. રામચંદ્રએ
'ડૉલ ફેસ'(૧૯૪૫)નાં  Chico Chico from Puerto Ricoનો આધાર લીધો એમાં કોઈ નવાઈ ન લાગે.


નૌશાદનાં, 'કાનૂન'(૧૯૪૩)નાં  ગીત, એક તૂ હો એક મૈં હૂં (સુરૈયા),માં પણ લૅટિન સંગીતના સૂરોની લાક્ષાણિકતાઓ સાંભળવા મળે છે. આવાં વાતાવરણમાં, ૧૯૫૧ની 'અલબેલા'નાં સંગીતમાટે સી રામચંદ્રની ધૂનોની વાદ્યસજ્જામાટે એ સમયનાં ખ્યાતનામ વાદ્યવૃંદ 'હિઝ મ્યુઝિક મૅકર્સ'ના નિદર્શક ચિક ચૉકલેટનો વિધિવત સહયોગ થવો એ કોઈ અકસ્માત નહોતો!  દિવાના.. યે પરવાના ગીતમાં સ્ટેજ પર જે વાદ્યવૃંદ કળાકારો જોવા મળે છે તે ચિક ચૉકલેટનાં વાદ્યવૃંદના જ સભ્યો છે, જે લૅટિન અમેરિકન નૃત્ય પોષાકશૈલીમાં જ સજ્જ થયેલ છે.
મજાની વાત તો એ છે કે આ ગીતની ધૂન કે વાદ્યસજ્જા કે નૃત્યની રજૂઆત પૂરતી જ ૧૯૪૧ની 'વીક-એન્ડ ઈન હવાના' ફિલ્મનાં શીર્ષક ગીતની અસર મર્યાદિત નથી રહી, ગીતા બાલીનું વેશ પરિધાન અને નૃત્યભંગીઓ પર મૂળ ગીતની નાયિકા કારમૅન મિરાન્ડાની અસર જોઈ શકાય છે.
'અલબેલા'નાં દિલ ધડકે નજ઼ર શરમાયેમાં લેટિન અમેરિકન સંગીતનો ત્રણ+બેનો ઠેકો, કે મેરે દિલકી ઘડી કરે ટિક ટિકમાં રણઝણ રણઝણ થતા પિયાનોના સૂર પણ, બહુ સ્પષ્ટપણે સાંભળવા મળે છે. હિંદી ફિલ્મોનો મોટા ભાગનો શ્રોતાગણ તો લૅટિન અમેરિકન અસરવાળી ફિલ્મો કે ગીતોથી પરિચિત ન જ હોય, એટલે આ સંગીતના ઉપયોગથી હિંદી ફિલ્મનાં વાતાવરણની દુન્યવી મર્યાદાઓને અતિક્રમી તેમની કલ્પનાઓના તારને ઝણઝણાવાનું બહુ મુશ્કેલ પણ નહી રહ્યું હોય !
જોકે, હવાઈ કે આઈલેન્ડ કે સ્પૅનિશ કે આરબ કે ફ્રેન્ચ સંગીતની ધૂનોનો, બહુ જ સર્જનાત્મકપણે, હિંદી ફિલ્મ સંગીતકારોએ ગીતોની બાંધણીમાં ઉપયોગ પણ વ્યાપકપણે કર્યો છે. અપવાદરૂપ કિસ્સાઓમાં જોવા મળતી સીધી જ ઉઠાંતરીને બાદ કરતાં આપણી ફિલ્મોના દિગ્દર્શકો અને સંગીતકારોએ  આ બધાં સંગીતને આપણાં શાસ્ત્રીય કે લોકસંગીતની જેમ જ એટલી સ્વાભાવિક રીતે વણી લીધાં કે એ ગીતો સફળ પણ થયાં અને કર્ણપ્રિય પણ રહ્યાં.
પુસ્તકનાં દરેક પ્રકરણમાં રજૂ થયેલ મુદ્દાઓને વધારે સ્પષ્ટ કરવા કે ઉત્તર અમેરિકાનું જે સંગીત સહેલાઈથી ઉપલ્બધ ન હોય તે ઉપલબ્ધ કરવા માટે ઓક્સફર્ડની વેબ સંગીત સાઈટ પર આવા ઑડિયો કે વિડીયો ટ્રેક્સને મૂકવામાં આવેલ છે.
પુસ્તક પ્રકાશનની વિગતો:
પ્રકાશન વર્ષ : ૨૦૧૩ǁ ૩૮૦ પૃષ્ઠǁ ISBN-13: 9780199928835
ઑક્સફર્ડ સ્કૉલરશિપ ઑનલાઈન પર પ્રકાશન: જાન્યુઆરી, ૨૦૧૪
પેપરબૅક આવૃત્તિ : પ્રકાશન: ૧૨ ડીસેમ્બર, ૨૦૧૩| ૩૮૪ પૃષ્ઠ | ISBN: 9780199928859
લેખકોનાં અન્ય પુસ્તકો:
Behind the curtain: making music in Mumbai's film studios – Gregory D Booth


[i]  Flying Down the Rio