ગુજરાતી વિદ્યાર્થી વર્તુળ
અહીં એન્જિનિયરીંગ વિદ્યાશાખાઓમાં ગુજરાતમાંથી આવેલા
વિદ્યાર્થીઓની સંખ્યા સારી એવી રહેતી. મને લાગે છે દરેક વર્ષે ૨૦ થી ૩૦ની આસપાસ
જરૂર રહેતી હશે.
ગુજરાતી વિદ્યાર્થીઓ 'ગુજરાતી ક્લબ' પણ
ચલાવતા. દરેક સમેસ્ટરમાં કમ સે કમ બે મિલન ગોઠવવા ઉપરાંત ગુજરાતથી આવતા કે હવે પછી
આવવા માગતા વિદ્યાર્થીઓને શક્ય એટલી બધી મદદ પણ આ ક્લબ દ્વારા પુરી પડાતી. પહેલા જ શિયાળાના વેકેશનમાં નવસારી જવા માટે નીમ કા થાના - અમદાવાદ થઈને જવાનો
વિકલ્પ મને આ ગુજરાતી મિત્રોએ જ સૂચવ્યો હતો. તેટલું જ નહીં, પણ એ સફર દરમ્યાન એ લોકોએ મને ખુબ જ મદદ પણ કરી હતી.
આ મિલન મુલાકાત દરમ્યાન એકબીજા સાથે (ચીવટથી) ગુજરાતીમાં જ
વાત કરવી એવો વણકહ્યો નિયમ હતો. મજાની વાત એ છે કે લગભગ બધા જ ગુજરાતીઓ અહીં પણ
હિંદીમાં જ સ્વાભાવિકપણે વાત કરી જતા.
ત્યાંના આ હિંદીમય વાતવરણની જ અસરને પરિણામે મારાં હિંદી
(અને તેને પરિણામે, અંગ્રેજી પણ) બોલવામાંથી ગુજરાતીની જન્મસહજ, અવશ, છાંટ, આ બે વર્ષોમાં,
બિલકુલ નીકળી ગઈ. મારી વ્યાવસાયિક કારકિર્દીમાં મારે ગુજરાતમાં
રહીને ગુજરાતની બહાર જે બહુ જ કામ કરવાનું બન્યું, તેમાં
ગુજરાતીની છાંટ વગરનું હિંદી, અને તેને કારણે અંગ્રેજી પણ,
બહુ જ મદદરૂપ પરવડ્યું.
પહેલાં જ મિલન વખતે ડૉ. કે એમ ધોળકિયા ને પણ મળવાનું થયું. અહીંના તે એક
માત્ર ફેકલ્ટી મેમ્બર તરીકે હતા. અમે હતા ત્યારે તો
બધી જ હૉસ્ટેલના તેઓ ચિફ વૉર્ડન પણ હતા. એક માત્ર ગુજરાતી હોવા છતાં, ત્યાં પણ આટલી બધી સન્માનીય ઉચ્ચ પદવીએ તેઓ પહોંચી શકેલ તે વાતનો મને
અંદરખાને બહુ જ ગર્વ થયો હતો. જોકે મારી એ લાગણી મેં એ દિવસોમાં જાહેરમાં ક્યારે
પણ વ્યક્ત નહોતી કરી !
પરોક્ષ અનુભવો
બાઈક ટ્રેક્કીંગ
પહેલી ટર્મના મધ્ય સુધીમાં ઉનાળાની અસર થોડી ઓછી થઈ ત્યારે શિયાળુ
પ્રવૃત્તિ તરીકે અહીં બાઈક ટ્રેક્કીંગ પણ વ્યાપક અંશે પ્રચલિત છે તેવું ધ્યાન પર
આવ્યું. આઠ-દસ વિદ્યાર્થીઓનું જૂથ ‘બહાર’થી કલાકના
લગભગ આઠ આના જેવાં ભાડાંથી એક્ક્કેક સાયકલ ભાડે કરીને ૫૦-૭૫ કિલોમીટરની સહેલગાહ પર
નીકળી પડતા. મને ધ્યાન છે ત્યાં સુધી જે માર્ગ પર પર આવતાં ગામોની બહારનાં ધાબાઓ
પર સારૂં ખાવાનું મળી રહેતું એવા ચારેક રૂટ વધારે પ્રચલિત ગણાતા.
'બહાર'ની મહેફિલો
સ્વાભાવિક છે કે અહીં પણ વિદ્યાર્થીઓમાં એવો પણ એક વર્ગ હતો
જેમને હોસ્ટેલ જીવનની બધી મજા માણી લેવાના અભરખા પુરા કરવાના પણ શોખ હતા. આ શોખ પુરો
કરવાઓ એક બહુ પ્રચલિત વિકલ્પ હતો, સમેસ્ટરમાં બે - ત્રણ વાર 'બહાર'ની મહેફિલો. આવી મહેફિલો 'બહાર' બજારમાં આવેલ બેએક ધાબા પર ગોઠવાતી.
એ પાર્ટીનાં મુખ્ય આકર્ષણ 'હાર્ડ ડ્રિન્ક' અને
'નોન-વેજ' વાનગી રહેતાં. 'હાર્ડ ડ્રિન્ક' પણ, કોઈક જ
વારના અપવાદ સિવાય, 'બીયર' જ હોય. નોન -વેજ વાનગીમાં 'મસાલા તીતર' ભારે લોકપ્રિય વાનગી હતી. આ માટેનાં
કારણો મેં જાણવાનો પ્રયાસ નહોતો કર્યો. 'બહાર'ની આવી પાર્ટીઓની બીજી એક ખાસીયત પણ મને જાણવા મળી હતી. આખી
ઈન્સ્ટિટ્યૂટમાં જ એવો ધારો જ હતો કે 'બહાર'ની પાર્ટી માટે (મોટી થપ્પી ભરીને) 'રોટી' પોતપોતાની મેસમાંથી લઈ જવાતી ! 'બહાર'ના જમણમાં રોટીનો ખર્ચ બચે તો તેટલો 'બીઅર' કે 'તીતર'નો હિસ્સો વધારી શકાય
એવી આર્થિક ગણતરી હશે એમ માની શકાય. પોતપોતાની મેસમાંથી આ 'સગવડ'
દેખીતી રીતે બહુ સહેલાઈથી કરી લેવાતી હતી એમ જણાતું. આટલાં વર્ષોની
પ્રથા પડી ગઈ હશે, એટલે કદાચ એમ હશે ! આ પ્રથાનું મૂળ
જાણવાની કે તેને કારણે કોઈને કોઈ 'મુશ્કેલી' નડી હોય તેવું ન તો મારા ધ્યાન પર આવ્યું
હતું, કે ન તો મેં જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ધૂમ્રપાનનું ચલણ
ગુજરાતમાં જ અત્યાર સુધીનું કૉલેજ જીવન વીતાવેલા મારા જેવા
માટે અહીના વિદ્યાર્થીઓને ધૂમ્રપાન કરતા જોવા એ પણ બહુ મોટું આશ્ચર્ય હતું. એલ.
ડી. (એન્જિનિયરિંગ, અમદાવાદ)માં એન્જિનિયરિંગના અમારા ૧૨૦
સહપાઠીઓમાંથી ચાર પાંચ જણા પણ સિગરેટ પીતા હોય એવું પણ મારા ધ્યાન પર નહોતું
આવ્યું. જ્યારે અહીં ચાલીસ વિદ્યાર્થીના અમારા વર્ગમાથી દસેક જણા તો ધૂમ્રપાન કરતા
હતા.
જોકે એ લોકો અમારા જેવા ધૂમ્રપાન ન કરનારાની હાજરીમાં ધૂમ્રપાન
કરવાનું જરૂર ટાળતા ! કેમ્પસમાં જાહેરમાં પણ ધૂમ્રપાન ન કરવાનું શિસ્ત પણ મહદ્ અંશે
જોવા મળતું.
અમારામાંના બેએક જણા કદીકભાર ધૂમ્રપાન દ્વારા ‘નશો’
પણ કરતા હતા. જોકે તેમાં આદત કરતાં શોખ ખાતર પ્રયોગ કરી લેવાની દાનત
વધારે હતી, એ બાબતની પણ નોંધ લેવી રહી.
અવળી પડેલ બીઅરની 'વિદાય' મહેફિલ
BITS ખાતેના મારા બે વર્ષના રહેવાસ દરમ્યાન જો કોઈ ઘટનાને 'સૌથી વિચિત્ર' ઘટનાનો શરપાવ આપવો હોય તો Boozalarke
તરીકે પંકાઈ ગયેલ બીઅરની 'વિદાય મહેફિલ'ને મળે !
અમારી બેચના બીઅર રસિયાઓએ એમબીએ અભ્યાસની પૂર્ણાહુતિને મોડી
સાંજની બીઅર મહેફિલનું આયોજન કરીને યાદગાર બનાવવાનું ગોઠવ્યું.
વધારે પડતા બીઅરની અસર થઈ કે પછી વિદ્યાથી જીવનની છેલ્લી
સમુહ મહેફિલની મજાના બહાર આવી પડેલા ઉભરાનું કારણ હોય, મહેફિલની
ઉજવણી 'તોફાની' અને 'હલ્લાગુલા'વાળી ક્યારે બની ગઈ એ જ કોઈને ધ્યાન ન
રહ્યું.
પાછો યોગાનુયોગ પણ કેવો કે મહેફિલનું સ્થળ સ્ટાફ
ક્વાર્ટર્સને અડીને આવતા માર્ગની તરફ આવેલી અમારી હોસ્ટેલ વિંગ હતી.
'પાર્ટી'ની મજા માણી રહેલાઓને કંઈક ખોટું
થયું છે એવી ખબર જ ત્યારે પડી જ્યારે વૉર્ડન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો કાફલો
મહેફિલના સ્થળે આવી પહોંચ્યો. બધું એટલું અચાનક જ બન્યું કે આખી 'પાર્ટી' રંગે હાથ 'ઝડપાઈ'
ગઈ.
તડાફડ આદેશો છ્ટ્યા અને બધાએ તાત્કાલિક અસરથી હોસ્ટેલ છોડવી
પડી. એવે સમયે તો બીજે ક્યાં જવું એ સમજવા પુરતો સમય પણ એ લોકો પાસે નહોતો. એટલે
બધાએ નુતન માર્કેટમાં આશરો લીધો. કંઈક શ્વાસ લેવાનો સમય મળ્યો તે પછી મોડી રાતે એ
લોકોએ હ્યુમેનિટિઝ શાખાના અને અન્ય શાખાઓના એમના અન્ય મિત્રોના રૂમો પર રાત ગાળી.
અમને બધાને બીજે દિવસે જ ખબર પડી કે આટલી ઝડપથી કાર્યવાહી
થવાનું કારણ રોડની પેલી બાજુના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી થયેલી ફરિયાદ હતી.
ઇન્સ્ટિટ્યુટના રજિસ્ટ્રાર પણ ત્યાં રહેતા હતા. એમની ફરિયાદને કારણે આટલી આકરી
કાર્યવાહી થઈ હતી.
અમારા એક સહપાઠીની પૈતૃક હવેલી પિલાણી શહેરમાં હતી. એટલે
સવારે એ લોકો ત્યાં પહોંચ્યા. બહારથી જમવાનું મંગાવીને બે ત્રણ દિવસ ત્યાં ગાળવા
પડ્યા.
અમારા તરફની રહેમની વાટાઘાટોની ટીમે સૌ પહેલી છૂટ તો આ બધા
હોસ્ટેલની મેસમાં જમી શકે એ મેળવી.
અમારામાંના બીજા કેટલાકે વિદ્યાર્થીઓ પ્રત્યે કૂણી લાગણી
ધરાવતા પ્રોફેસારની મદદ માગી. એમના પ્રયત્નોને કારણે મેનેજમૅન્ટ શાખાના હેડ ઑફ ધ
ડીપાર્ટમેન્ટની, અને કંઈક અંશે હ્યુમેનિટીઝના ડીનની, પણ
અમને સહાનુભૂતિ મળી.
વાટાઘાટોની વ્યુહરચનાનો મુખ્ય આધાર તો એ બાબત પર લેવાયો કે
જો એક સાથે આટલા બધાને 'સજા'થશે તો
ઇન્સ્ટિટ્યુટનું નામ ખરાબ થશે. એક દલીલ એ પણ કરાઈ કે વળી બીજાં વર્ષે આટલા બધા
વિદ્યાર્થીઓને સમાવવા કેમ એ પણ મસ મોટી વ્યાવહારિક મુશ્કેલી હતી. તો વળી, આ બધા સાવ નરઘોળ ખરાબ છોકરાઓ નહોતા. તેમનો અત્યાર સુધીનો અહીનો રેકોર્ડ એ
વિશેની સાહેદી હતી. વળી, આ વિદ્યાર્થીઓમાં બેચના ટોપ
વિદ્યાર્થીઓ પણ હતા !
વાટાઘાટો દરમ્યાન શબ્દોના ખેલનો પણ બહુ સારો ફાયદો ઉઠાવાયો
હતો. દલીલ એમ કરાઈ કે ફરિયાદનો મુખ્ય સુર 'વધારે પડતો શોરબકોર' છે, શરાબની મહેફિલ નહીં. વાટાઘાટ કરનારી ટીમે વધુમાં એમ પણ દલીલ કરીકે જો આ બધા નશામાં 'એટલા બધા ધુત' હોત
તો એ લોકોને જ્યારે હોસ્ટેલની બહાર તગેડી મૂકવામાં આવ્યા ત્યારે એ રાત્રે બહાર
જઈને પણ તોફાન મસ્તી કરી હોત!
મહામુશ્કેલીએ થોડા દિવસ ચાલેલાં આ દુઃસ્વપ્નનો અંત આવ્યો. એ
બધાને ફરીથી અભ્યાસમાં જોડાવાની અને કોઈ જાતની રોકટોક વગર અંતિમ પરીક્ષા આપવાની
પરવાનગી મળી ગઈ.
આ ઘટનાને નવી દિલ્હીના ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના પાને પણ ચડી
જાવું શ્રેય પણ મળ્યું !!
Photographs credit:
Anirudhdh Khullar