Showing posts with label The Gym. Show all posts
Showing posts with label The Gym. Show all posts

Sunday, December 1, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - બીઆઈટીએસ, પિલાણીના રહેવાસની મારી દિનચર્યા - વ્યાયામશાળા

એક સરેરાશ ગુજરાતી યુવાન માટે  વ્યાયામશાળા (જિમ) અને ખેલકૂદ મેદાન (સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ) જેવી  'જગ્યાઓ'ની મુલાકાત લેવાનું સામાન્ય સંજોગોમાં એ સમયે થવાનું ન હતું. હા, વર્ષને વચલે દહાડે આપણા કોઈ મિત્રએ કોઈ સ્પર્ધાબર્ધામાં ભાગ લીધો હોય અને એટલા પુરતું જોવા જઈએ તો વળી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનૂ મુલાકાતે જઈએ ! જિમ એટલે તો મારે મન અખાડો જ હતો જ્યાં પહેલવાનો પોતાના અભ્યાસ માટે જતા હોય.

પરંતુ, અહીંના વસવાટ દરમ્યાન 'સૌ પહેલાં થયેલ અનુભવો'ની યાદીમાં જિમનું પણ નામ ઉમેરાવાનું હતું ! પહેલા સમેસ્ટરના પહેલા જ મહિનામાં અમારી મિત્રતા એક એવા સહપાઠી, XXX  સૈની, સાથે થઈ જે મેસમાં દર ત્રીજે કે ચોથે દિવસે બપોરના જમવામાં બનતી આખા અડદની કાળી દાળમાં બે ચમચા ઘી ભેળવીને પી જતો. થોડા જ દિવસોમાં એ પણ જાણવા મળી ગયું કે એ તો દરરોજ વહેલી સવારે જિમ જાય છે. મહિનો પુરો થતાં સુધીમાં તો મને અને બીજા બેત્રણ મિત્રોને પણ તેની સાથે સવારે બરાબર ૬.૦૦ વાગ્યે જિમ પહોંચતા તેણે કરી મુક્યા.

જિમની પાછળના ભાગમાં આવેલાં વિશાળ મેદાનમાં વચ્ચે ફુટબૉલ અને ક્રિકેટનું મેદાન હતું. તેને ફરતે લંબગોળાકારમાં બનેલ રનિંગ ટ્રેક હતો. અમારો એ મિત્ર તેના ચાર રાઉન્ડ લગાવે એટલો સમય અમે ત્યાં 'ઝડપથી' ચાલતા. પછીથી તે જિમમાં જુદી જુદી વજન ઊંચકવાની કસરતો કરે. અમારી ભૂમિકા તેને તેનાં સાધનો બાજુના ઘોડામાંથી લાવી આપવાની અને પાછાં મુકી આપવામાં મળતી 'કસરત' કરતા શિખાઉ શિષ્યો તરીકેની રહેતી.

૪૦ - ૪૫ મિનિટની 'કસરતો' પછી અમે પાછા હોસ્ટેલ આવી જતા અને પછી પંદરેક મિનિટ ઉપરની પાણીની ટાંકીમાં તાજાં જ ભરાયેલાં પાણીથી, બથરૂમમાં નળની નીચે જ નહાઈને 'પરસેવો અને ધૂળમાટી' સાફ કરતા. સાડા સાત - પોણા આઠ વાગ્યા સુધીમાં તો મેસ ચાલુ થાય એટલે પહેલી પંગતે નાસ્તો કરવા પહોંચી જતા. પરિણામે, 'પહેલી પંગતે બાર કલાકનો ઉપવાસ તોડતા ફાડુ' [ફાડુ - બે પેટ કરીને ખાનાર માટે વપરાતો મશ્કરીજનક  શબ્દ] તરીકે અમે બહુ જલદી નામચીન બની ગયા ! દિવસનાં બીજા સમયનાં ભોજન કરતાં થોડો વધારે સવારનો નાસ્તો કરવાની મારી એ ટેવ હજુ પણ છૂટી નથી !

અમારો એ 'જિમ-ભક્ત' ખરેખર તો ભારતીય સેનાની એન્જિનિયરિંગ શાખામાં ભરતી થવા  માટેની પ્રવેશ ટેસ્ટની ફિઝિકલ ફિટનેસ માટે શિસ્તબધ્ધ અભ્યાસ કરી રહ્યો હતો. બીજા સમેસ્ટરના મધ્ય સુધીમાં તો તેની એ તપશ્ચર્યાનું ફળ તેને મળી ગયું. ભારતીય સેનામાં અફસર તરીકે તેની પસંદગી થઈ ગઈ. એણે તો એન્જિનિયરિંગ પણ અહીંથી જ કર્યું હતું. એ બધી મીઠી યાદોને છોડતી વખતે તેનાં સ્વપ્નને સિધ્ધ થતું નિહાળવાની ખુશીની અનેરી ઝલક તેની આંખોમાંથી છલકાતી હતી !

અમારી પાછળ પણ તેણે લીધેલી મહેનત એળે ન ગઈ. અમે ત્યાંના બાકીના સમયમાં પણ  એટલી જ નિયમિતતાથી જિમ જતા રહ્યા. બીજાં વર્ષનાં અતે અમે રનિંગ ટ્રેકના એક રાઉન્ડ દોડવાની અને એકાદ કિલોનું વજનીયું ઊંચકી શકવાની કક્ષાએ પણ પહોંચી ગયા હતા.

ભણી લીધા પછી તરત જ નોકરીએ લાગ્યા બાદ સવારે ૮.૩૦ વાગ્યે ઘરેથી નીકળી જવાનું થતું, એ બહાને નિયમિત કસરત છૂટી ગઈ. જેને પરિણામે પછીનાં ૧૫ વર્ષમાં મારૂ વજન દસબાર કિલો વધ્યું, પણ શરીર પર ચરબીના થપ્પા ન ચડ્યા તેટલી એકસરતોની અસર રહી !. 

૧૯૯૨માં જીવનમાં પહેલી, અને હજુ સુધી છેલ્લી વાર, એસિડિટીને કારણે હું એક અઠવાડીયું 'સિક લીવ' લેવા મજબૂર બન્યો. તેને કારણે ફરીથી વહેલી સવારે અડધો કલાક પણ ચાલવા જવાનું શરૂ કર્યું, જે આજે પણ ચાલુ છે. મારા દિવસના નિત્યક્રમનો એ મારો સૌથી પ્રિય સમય છે !