Showing posts with label Shankar Jaikishan. Show all posts
Showing posts with label Shankar Jaikishan. Show all posts

Sunday, October 9, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ઓક્ટોબર, ૨૦૨૨

 શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૬ (આંશિક)

શંકર (સિંઘ રઘુવંશી) - જન્મ ૨૫-૧૦-૧૯૨૨ - અવસાન ૨૪-૪ -૧૯૮૭ – જયકિશન જોડીમાંના શંકર અને શૈલેન્દ્ર-હસરતની ભાગીદારીવાળા શૈલેન્દ્ર (મૂળ નામ શંકરદાસ કેસરીલાલ; જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ - અવસાન ૧૪ ડિસેમ્બર ૧૯૬૬) એમ એ ચારના ખુબ જ જાણીતા ચતુષ્કોણની બાજુ બાજુનાં પાસાંઓનાં અનોખાં મજબુત જોડાણથી સર્જાયેલાં અનેક ગીતો હિંદી સંગીતના પ્રેમીઓને દીર્ઘ કાળથી પ્રફુલ્લિત કરતાં રહ્યાં છે.

'૫૦ના દાયકામાં ફિલ્મોમાં સરેરાશ ૫ થી ૧૦ ગીતો રહેતાં હતાં. એ સમયના મોટા ભાગના સફળ સંગીતકારો દરેક ફિલ્મમાં ત્રણ કે ચાર સફળ ગીતો આપી શકતા, તે સમયે શંકર જયકિશન પાસે જાણે એવી જડીબુટ્ટી હતી કે લગભગ બધી જ ફિલ્મોનાં બધાં જ ગીતો હિટ નીવડતાં. પરિણામે ટુંક સમયમાં જ, તેમના સમકાલીનો જ્યારે વર્ષની એક કે બે ફિલ્મો કરતા હતા ત્યારે સૌથી વધારે ફી માંગવા છતાં, શંકર જયકિશન વર્ષની ત્રણ થી પાંચ ફિલ્મો - ત્રીસથી ચાલીસ પિસ્તાલીસ ગીતો - પર કામ કરતા થઈ ગયા.

શરૂ શરૂમાં તો શંકર અને જયકિશન મોટા ભાગે સાથે મળીને જ બધું કામ કરતા, પણ આટલાં બધાંવધતાં ગયેલાં કામના ભારણને પહોંચી વળવા બન્નેએ, પોતપોતાની સ્વાભાવિક ક્ષમતા અનુસાર,  કામને વહેંચી લેવાનું શરૂ કરવું પડ્યું એવું ફિલ્મ સંગીતના એ સમયના વિવેચકો નોંધે છે. એ કામના ભાગલાની સાથે સાથે બન્ને એ પોતપોતાની પસંદ અનુસાર ગીતકારોને પણ વહેંચી લીધા. એ ગોઠવણ અનુસાર શંકર અને શૈલેન્દ્ર અને જયકિશન અને હસરત એમ બે ટીમ બની ગઈ. એમ પણ કહેવાય છે કે જયકિશનનાં લગ્ન બાદ તેઓ મોટા ભાગનું કામ ઘરેથી કરતા અને શંકર તેમના સંગીત સ્ટુડીઓ પરથી કામ કરતા.

જોકે ફિલ્મ વિવેચકો એટલુ તો જરૂર સ્વીકારતા હતા કે સંજોગોના આવા ખેલ છતાં શંકર અને જયકિશનનો આપસી તાલમેલ એવો હતો કે અંતિમ સ્વરૂપે બહાર પડેલ ગીત કોણે બનાવ્યું હશે તે તો અટકળોનો જ વિષય રહેતો. રેકોર્ડીંગના સમયે બન્ને એકબીજા દ્વારા તૈયાર કરીલી મૂળ રચનામાં પોતપોતાની શૈલી અનુસારના આગવા સ્પર્શના ચમકારા પણ સહેલાઈથી ઉમેરી દેતા. એમ પણ કહેવાય છે કે સંજોગોની માંગ અનુસાર બન્ને સાથીઓ પોતાના ગીતકારોની અદલબદલ પણ કરી લેતા. 

વિવેચકો અને દર્શકો બન્નેની આવી અઢળક ચાહના મેળવેલી શંકર જયકિશન અને શૈલેન્દ્ર-હસરતની ટીમના શંકર સિંધ રઘુવંશીના જન્મના મહિનામાં તેમની યાદને વધુ તાજી કરવાના આશયથી શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓની શ્રેણી ઓક્ટોબર ૨૦૧૮થી આ મંચ પર શરૂ કરી. તેમનાં બધાં જ ગીતોમાંથી ઓછાં સાંભળવા મળેલ ગીતોને અલગ  તારવવા માટે બધાં ગીતોને ફરી એક વાર બહુ ધ્યાનથી સંભળવની જે તક મળી એ તો મારા માતે બહુ જ આનંદનો વિષય બની ગયો.. અત્યાર સુધી

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક)

 નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

૧૯૫૩માં ૬ ફિલ્મો અને ૧૯૫૪માં ૫ ફિલ્મોનાં પુર પછી ૧૯૫૫માં થોડી રાહત થઈ ત્યાં તો ૧૯૫૬માં ફરી શંકર જયકિશનને ફાળે ૭ માતબર ફિલ્મો આવી પડી. ૨૦૨૧માં રજુ થયેલા પહેલા અંશિક ભાગમાં આ ૭ પૈકી ત્રણ ફિલ્મો -હલાકુ, કિસ્મતકા ખેલ અને બસંત બહાર-નાં ચુંટેલાં ગીતોની યાદ તાજી કર્યા બાદ હવે આજના મણકામાં બીજી ત્રણ ફિલ્મો - ચોરી ચોરી, ન્યુ દિલ્હી અને રાજહઠ-નાં ઓછાં સાંભળવા મળતાં કેટલાંક ગીતોની યાદ તાજી કરીશું.

ચોરી ચોરી (૧૯૫૬)


ફિલ્મનું પોસ્ટર જોતાંવેંત જ એટલો તો ખ્યાલ આવી જાય છે કે એ સમયની સફળ જોડી રાજ કપૂર અને નરગીસનૉ રોમેન્ટિક વાર્તામાં જ્હોની વૉકર અને ભગવાનની કૉમેડીની છોળંછોળ હશે. જોકે બન્ને કૉમેડીયનોનૉ કૉમેડી થોડી નકારાત્મક ભૂમિકા ભજવયા પછી પ્રેમી પંખીડાંને મદ્દરૂપ પણ થઈ જ જાય છે.

જોકે શંકર જયકિશનને પોતાનો કરતબ દેખાડવા માટે જેટલી તકો મળી છે તેમનો એ લોકોએ બેનમૂન ઉપયોગ કરી લીધો છે. શૈલેન્દ્રનું યે રાત ભીગી ભીગી ફિલ્મ ઇતિહાસનાં શ્રેષ્ઠ રોમેન્ટિક યુગલ ગીતોમાં અગ્રસ્થાને છે તો જહાં મૈં જાતી હું વહીં ચલે આતે હો મારાં અતિપ્રિય યુગલ ગીતોમાં આગળ પડતાં સ્થાને છે.

તુમ અરબોંકા હેર ફેર કરનેવાલે રામજી સવા લાખકી લાટરી ભેજો અપને ભી નામ જી - મોહમ્મદ રફી, લતા મંગેશકર

દેખીતી રીતે તો આ ગીત ભગવાન હોય એટલે તેમને એક ગીત ફાળવવું જ જોઈએ એ ફોમ્યુલાની શરત પુરૂં કરતું ગીત ગણાય, પણ શૈલેન્દ્રના બોલ ગીતને જેટલું રસપ્રદ બનાવે છે તેટલું જ શંકર (જયકિશન)ની ધુન અને બન્ને અંતરાનાં સંગીતની વાદ્ય સજ્જા ગીતને કર્ણપ્રિય પણ બનાવે છે.


મનભાવન કે ઘર જાએ ગોરી ઘુંઘટમેં શરમાએ ગોરી હમેં ના ભુલાના …. - લતા મંગેશકર, આશા ભોસલે

હિંદી ફિલ્મોમાં કન્યા વિદાયના પ્રસંગની જગ્યા હોય એટલે જે ગીત મુકાય તેમાં સંગીતકાર અને ગીતકારે પોતાની આગવી સૂઝ તો દર્શાવવી જ પડે. અહીં પણ શંકર (જયકિશન) ગીતને એક નૃત્ય ગીતની જેમ મુકીને એક કાંકરે બે પ્રકારની ધુનનો પ્રયોગ કરી લેવાનો પ્રયોગ પણ કરી લીધો છે. 



ન્યુ દિલ્હી (૧૯૫૬)


એક ઉત્તર ભારતીય નવયુવાનની દિલ્હીમાં નોકરી મળ્યાથી રહેવા માટે ભાડે ઘરની શોધ પ્રાંતવાદની ગલીઓમાં અટવાઈ જાય છે એ વિષય પરની વાર્તા જ્યારે યુવાન (કિશોર કુમાર)ને એક 'મદ્રાસી' છોકરી (વૈજયંતીમાલા)ને ઊંબરે જઈને ટકે છે તે પછી દર્શકોને રમૂજ , વિમાસણો, પ્રેમ અને ગેરસમજણોની પરંપરામાં ઘુમતી કરે છે.

જોકે કિશોર કુમાર હોય એટલે જે તેમના સ્વરમાં ગવાયેલાં ગીતો અને વૈજયંતિમાલા માટે વિવિધ પ્રકારનાં નૃત્ય ગીતો માટે શંકર જયકિશનને મોકળું મેદાન મળી રહે છે. એ ગીતોમાંના અરે ભાઈ નિકલ કર આ ઘર સે, નખરેવાલી…. દેખનેમેં દેખ લો કિતની ભોલી ભાલી, મિલતે હી નજ઼ર આપ મેરે દિલમેં સમા ગયે (બધાં ગીતોના ગાયક કિશોર કુમાર) કે તુમ સંગ પ્રીત લગાઈ રસિયા (લતા મંગેશકર) જેવાં ગીતો આજે પણ યાદ કરાય છે.

ઝિંદગી બહાર હૈ મોહબ્બત કી બહાર - લતા મંગેશકર

ફિલ્મમાં આ ગીત 'નખરેવાલી'ની પાછળ પાછળ જ ફિલ્માવાયું છે.

ગીતની ધુન અને વાદ્ય સજ્જા પર શકર (જયકિશન)ની આગવી નૃત્ય ગીત રચના શૈલીની અસર પુરેપુરી છે,. તે સાથે જ, ભારતીય તાલવાદ્યની સાથે પાશ્ચાત્ય વદ્યો સાથેનાં અંતરાનાં સંગીતમાં જે વૈવિધ્ય છે તેમની વિશાળ ફલક પર ફેલાયેલી સર્જનાત્મકતાની સાહેદી પૂરે છે. 



બારી બરસી ખટ્ટન ગયા તે ખત કે લે આયા સોટ્ટી - લતા મંગેશકર, કોરસ

આમ તો આ પંજાબી લોક નૃત્ય જ છે , પણ શંકર (જયકિશન)એ તેને કેવી અનોખી ધુનમાં રજુ કર્યું છ એતે સમજવા માટે પહેલાં એક પંજાબી ફિલ્મમાં તેનું પારંપારિક રૂપ જોઈએ

અને પછી શંકર (જયકિશન)ની રજુઆત સાંભળીએ.


ગોરી તેરે સપનોંકે સજના આયે તેરે અંગના કર લે સોલા સિંગાર, હો જા જાને કો અબ તૈયાર લે કે ડોલી ખડે હૈ કહાર - લતા મંગેશકર, સાથીઓ

એક વધારે કન્યા વિદાય ગીત જે શંકર (જયકિશન) ફરી એક નવાં રૂપમાં રજુ કરે છે.



રાજહઠ (૧૯૫૬)



રાજહઠ સોહરાબ  મોદી નિર્મિત ઐતિહાસિક પૃષ્ઠભૂ પર વિકસતી બે પ્રેમીઓની દાસ્તાનની ફિલ્મ હતી. સોહરાબ મોદીને અનુકૂળ બે રજવાડાંઓનાં પેઢીઓથી ચાલ્યાં આવતા વેરની કથા અને પ્રદીપ કુમાર અને મધુબાલાને અનુકૂળ આવે તેમ એ બે રજવાડાનાં સંતાનો વચ્ચે ખીલતાં પ્રણય અંકુર કહાની ટિકિટ બારી પર તો સફળ થઈ જ હતી.

ઐતિહાસિક સંદર્ભોને અનુસાર સંગીત નિયોજનના સંન્નિષ્ઠ પ્રયાસો પર શંકર (જયકિશન)ની વિશાળ (પાશ્ચાત્ય) વાદ્ય સમુહની ગીત રચનાઓની સફળતાની ફોર્મ્યુલાનાં સંમિશ્રણવાળાં ગીતો ક્યાક પરાણે મુકેલાં પણ લાગે, પણ આખરે તો જે ટિકિટ બારી પર ચાલ્યું એ જ સારૂંનો ન્યાય જ પ્રવર્તી રહે છે. 

માત્ર ગીતના બોલ અને સંગીતને જ ધ્યાનમાં લેતાં ફિલ્મનાં શૈલેન્દ્રનાં ગીતો - ચલે સિપાહી ધુલ ઉડાતે (મન્ના ડે સાથીઓ), મેરે સપનેમેં આના રે (લતા મંગેશકર), નાચે અંગ અંગ રે તેરે આગે (લતા મંગેશકર, સાથીઓ - તેમ્જ હસરત જયપુરીનાં અન્ય ગીતો આજે પણ સંભળવાં ગમે છે.

આ જા આ જા નદીયા કિનારે … તારોંકી છૈયા પુકારે - લતા મંગેશકર , સાથીઓ

ગીતના પૂર્વાલાપને ધ્યાનથી સાંભળીશું તો તેમાં શંકર જયકિશનનાં કોઈ બીજી ફિલ્મનાં ગીતની ધુન હોવાનો અંદેશો જ્ણાય છે, જોકે એ ગીત મને ઊંડે ઊંડે હૈયે સંભળાય છે પણ હોઠ પર નથી આવી રહ્યું !

લગભગ દરેક સારા સંગીતકાર કોઇ ગીત માટે બે ત્રણ ધુન તો બનાવતા જ હોય છે. પણ શંકર જયકિશનની ફિલ્મો અને ગીતોમાં તેમનીઅનેક દુનો જે રીતે સમાઈ છે અને પછી ક્યાંક બહુ જ અસરકારક રીતે ફરી  નવી રચના રૂપે બહાર આવી છે તે તો ખરેખર નોંધપાત્ર વિશેષતા જ કહી શકાય. આર કે ફિલ્મ્સ માટેની આવી ધુનોનો બહુ મોટો સંગ્રહ રાજ કપુર પાસે હતો જે તેમણે મેરા નામ જોકર બાદ પણ અન્ય સંગીતકારો પાસે ઉપયોગમાં લીધો હતો એમ કહેવાય છે.


કહાં સે મિલતે મોતી આંસુ મેં મેરી તક઼દીર મેં  - લતા મંગેશકર

હિંદી ફિલ્મોમાં દરેક પ્રેમ કથામાં કોઈને કોઈ અડચણ તો આવે જ અને તેને કારણે બે પ્રેમીઓ વચ્ચે જે વિયોગ સર્જાય તે કરૂણ ગીતો માટે બહુ યોગ્ય તક બની રહેતી.


પ્યારે બાબુલ સે બિછડ કે….ઘરકા અંગના સુના કર કે ગોરી કહાં ચલી ઘંઘટમેં…. - લતા મંગેશકર. સાથીઓ

શંકર જયકિશનની સર્જનશક્તિની વિપુલતા વિશે જો કોઈ પ્રમાણપત્રની જરૂર પડે તો કોઈ પણ એક વિષય પરનાં તેમનાં ગીતો તપાસી જવાં જ પુરતાં છે.

પ્રસ્તુત વિદાય ગીતમાં તેમની સંગીત રચનાઓની એક અન્ય વિશેષતા પણ ધ્યાન પર લઈએ.- અન્ય સંગીતકાર જ્યારે ધીમી લયમાં કે મંદ્ર સપ્તકમાં કોઈ ગીત રચવાનું પસંદ કરે એવા ભાવનાંગીતમાં શંકર જયકિશન પ્રમાણમાં વધારે ઝડપી લય કે ઉંચા સુરનો જ અચુક પ્રયોગ કરતા જોવા મળશે!


આ ગયી લો આ ગયી મૈં ઝૂમતી ….હો અખિયોં કો અખિયોં સે ચુમતી - લતા મંગેશકર

હિંદી ફિલ્મોમાં મહદ અંશે વપરાતો છદ્મવેશનો અહીં પ્રયોગ જોવા મળે છે.

પોતાના પ્રેમીને મળવા માટે વિરોધી દળનાં રાજ્યમાં પ્રવેશ કરવ અમાટે મધુબાલા ગ્રામીણ યુવતીનો વેશ અજમાવે છે.

આવા કિસ્સાઓમાં થતું હોય છે તેમ પ્રેક્ષકને એ પાત્ર બરાબર ઓળખાય પણ ફિલ્મનાં પાત્રોને જરા પણ ગમ ન પડે. એટલે જે પાત્ર સાથે સંદેશ વ્યવાહર સાધવો હોય તેને ઉદ્દેશીને એક ગીત મુકવામાં આવે.

અહીં મધુબાલા સાથે સારંગી જેવાં લોક વાદ્યમાં સજ્જ એક અન્ય જોડીદાર પણ જોવા મળે છે. શંકર જયકિશને  પણ લોક વાદ્યોનો ઉપયોગ જરૂર કર્યો છે પણ વિશાળ ઑર્કેસ્ટ્રા સાથે ગીત રચના કરવાની તેમની ઓળખ સમી કાર્યપદ્ધતિ અહીં એ વાદ્યોના પ્રયોગને એટલી હદે ઢાંકી દે છે કે સમગ્ર ગીતની રચના ફિલ્મના સમય કાળ સાથે સુસંગત નથી જણાતી !


૧૯૫૬નાં વર્ષ માટે શૈલેન્દ્રનાં ગીતોની શંકર (જયકિશન)દ્વારા કરાયેલી ગીતરચનાઓની એક વધુ ફિલ્મ - પટરાણી - બાકી રહે છે. પરંતુ તેમાં ગીતોની જે સંખ્યા છે અને ફિલ્મના વિષયનુંજે અલગપણું છે તે એક સ્વતંત્ર પૉસ્ટ માટેની સામગ્રી બની રહે તેમ છે, એટલે તેના વિશેની વિગતે વાત હવે પછીના (ઓક્ટોબર ૨૦૨૩ના) મણકામાં કરીશું.




આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, September 11, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર, ૨૦૨૨

 

હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો - ૧૯૬૩

હસરત જયપુરી  (મૂળ નામ ઈક઼્બાલ હુસ્સૈન - જન્મ ૧૫-૪-૧૯૨૨ । અવસાન ૧૭-૯-૧૯૯૯) એક એવા

ગીતકાર છે જેમણે  ૧૯૪૯માં 'બરસાત'થી શરૂઆત થી બહારનું કામ કરવાની છૂટ હોવાને કારણે મૃત્યુ પર્યંત ૧૯૯૯ સુધી મોટા અને નાના, કદાચ સૌથી વધારે, સંગીતકારો સાથે કામ કર્યું હશે. અને તેમ છતાં તેમના શંકર જયકિશન (મૂળ નામ જયકિશન ડાહ્યાભઈ પંચાલ - જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯ - અવસાન ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને શૈલેન્દ્ર સાથે અંગત અને વ્યાવસાયિક સંબંધો અનેખા રહેવા સાથે ઘનિષ્ટ પણ રહ્યા. એમ કહેવાય છે કે હસરત જયપુરીનાં સર્વપ્રથમ ગીત જિયા બેક઼રાર હૈ ની ધુન શંકરે તૈયાર કરી હતી તો બીજાં જ ગીત, છોડ ગયે બાલમની ધુન જયકિશને તૈયાર કરી હતી.

'બરસાત'ની સફળતાએ કામનાં એવાં પુર ઉમટાવ્યાં કે તેને પહોંચી વળવા શંકર અને જયકિશને કામની સમજીને વહેંચણી કરી લીધી. ગીતોની સીચ્યુએશન તેઓ પોતપોતાની સ્વાભાવિક પસંદ અનુસાર કરી લેતા અને પછી એક એવો વણલખ્યો નિયમ હતો કે શંકરનાં સ્વરબધ્ધ કરેલાં ગીતો શૈલેન્દ્ર લખે અને જયકિશને સ્વરબ્ધ્ધ કરેલાં ગીતો હસરત જયપુરીએ લખવાનાં.

'૫૦ના દાયકામાં ઘણી ફિલ્મોમાં શંકર-શૈલેન્દ્રને ફાળે વધારે ગીતો આવ્યાં હોય એવું બનતું. પણ તે સમયે જયકિશન પુરી ખેલદિલીથી ગીતોની વાદ્યસજ્જા અને બેકગ્રાઉન્ડ સંગીતની જવાબદારી સંભાળી લેતા. પણ હિંદી ફિલ્મ ઉદ્યોગ જેવાં ખટપટીયાં ક્ષેત્રમાં કોઈ પણ ટીમ, અને તે પણ પાછી ચકાચૌંધ સફળતાની હારમાળા સર્જતી રહેતી ટીમ,આવી મિઠાશથી કામ કરી લે તે વિઘ્નસંષીઓ અને કેટલાક હરીફોને શેનું પચે? એ લોકોની સીધી કે આડકતરી ભંભેરણીઓ વચ્ચે પણ આ ટીમ પોતાની એકતા અને સંન્નિષ્ઠતાને , લગભગ '૬૦ના દાયકાના મધ્ય સુધી, જાળવતી આવી.

પરંતુ સતત અફળાતાં મોજાંઓ સામે કાળમિંઢ પથ્થરને પણ ઘસારા લાગે તો તો આ તો માનવ મનનો મેળો હતો. વધતો જતો કામનો બોજ, કેટલાક બાહ્ય સંજોગો અને સતત ખણખોદે સંબંધોના અભેદ્ય લાગતા કિલ્લામાં ક્યાંક નાની સી તિરાડ તો ઊભી કરી જ દીધી. પરિણામે શંકર અને જયકિશન દેખીતી રીતે તો શંકર જયકિશન છત્ર હેઠળ સાથે કામ કરતા હતાં પણ તેમનાં કામ ઘણે ભાગે અલગ અલગ કેડી પર કંડારાતાં રહ્યાં. જોકે ૧૯૬૬માં શૈલેન્દ્રનાં મૃત્યુ સુધી તો આ ચારની ટીમ લગભગ એકસૂત્ર બનીને કામ કરતી રહી એ બાબતે બહુ શંકા સેવવાને સ્થાન નથી. પણ ઢીલા પડતા જતા અંકોડાઓને જયકિશનનાં મૃત્યુ (૧૯૭૧)એ છૂટા પાડી નાખવાનો છેલ્લો ઘા માર્યો. શંકર છેક સુધી શંકર જયકિશન તરીકે જ કામ કરતા રહ્યા, પણ હસરત જયપુરીની બાદબાકી વધતી ચાલી.

જોકે આ આંતરપ્રવાહો આપણો વિષય હરગિજ નથી. આપણો રસ તો માત્ર, અને માત્ર, જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાં, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરવાનો (જ) છે..  અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯,

૨૦૨૦માં વર્ષ ૧૯૬૦-૧૯૬૧નાં

૨૦૨૨માં વર્ષ ૧૯૬૨નાં, અને

ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આજના અંકમાં આપણે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનવડે સંગીતબધ્ધ થયેલ, વર્ષ ૧૯૬૩નાં,ગીતોને યાદ કરવાનો છે. આ ગીતો પૈકી કેટલાંક વિસારે પણ પડવા લાગ્યાં છે તેઓ કેટલાંક આજે પણ એટલાં જ લોકપ્રિય છે. થોડો મસાલો ઉમેરવો તો એમ પણ કહી શકાય કે એ લોકપ્રિય ગીતોને આજના લેખની પ્રસ્તાવનાના, શંકર અને જયકિશનના અલગ પડતા જતા રસ્તાના સુર સાથે પણ સંબંધ છે.

૧૯૬૩

૧૯૬૩નાં વર્ષમાં શંકર જયકિશને દિલ એક મંદિર, એક દિલ સૌ અફસાને અને હમરાહી એમ ત્રણ ફિલ્મોમાં સંગીત આપ્યું. દિલ એક મંદિર અને એક દિલ સૌ અફસાનેમાં દરેકમાં ૭ ગીતો હતાં જે પૈકી હસરત જયપુરીએ ત્રણ ત્રણ ગીતો લખ્યાં હતાં. હમરાહીમાં ૭ ગીતો હતાં જેમાંથી હસરત જયપુરીને ફાળે છ ગીતો આવ્યાં. દરેક ફિલ્મોમાં બાકીનાં ગીતો શૈલેન્દ્રએ લખ્યાં છે.

દિલ એક મંદિર તમિળ ફિલ્મ નેન્જિલ ઑરે આયલમ (૧૯૬૨)ની હિદી આવૃતિ હતી. આખી ફિલ્મ માત્ર ૨૭ જ દિવસમાં પુરી કરાઈ હતી. દરેક વર્ષે સાત સાત આઠ આઠ ગીતો સાથેની ચાર ફિલ્મો કરી રહેલ શંકર જયકિશન ટીમ પાસે જ કદાચ આટલા દિવસોમાં ફિલ્મને ઉત્કૃષ્ટ સંગીત સાથે સજાવી શકવાનું ગજું  હતું. ખુબ ગમગીન વિષય પર બનેલી હોવા છતાં ફિલ્મ ખુબ સફળ રહી હતી. રાજેન્દ્ર કુમાર અને રાજ કુમારને તો તેમનાં પાત્રોને અનુસાર શ્રેણીના ફિલ્મફેર ઍવૉર્ડ્સ મળ્યા જ હતા પણ ફિલ્મના સંવાદ લેખક અર્જુન દેવ રશ્ક઼ને પણ શ્રેષ્ઠ સંવાદ લેખકનો ઍવૉર્ડ મળ્યો હતો.

હમ તેરે પ્યારમેં સારા આલમ ખો બૈઠે હૈં, તુમ કહતે હો કે ઐસે પ્યારકો ભુલ જાઓ - લતા મંગેશકર

હલકાં ફુલકાં ગીતોના લેખકની સામાન્ય છાપની બિલ્કુલ વિરૂદ્ધ ભાવનું ગીત હસરત જયપુરીએ ખુબ દક્ષતાથી લખ્યું છે. તેમની કાવ્યશક્તિનાં ઊંડાણને સમજવા ગીતના બોલ પર ધ્યાન આપીએ - 

પંછી સે છુડાકર ઉસકા ઘર, તુમ અપને ઘર પર લે આયે

યે પ્યારકા પિંજરા મન ભાયા, તુમ જી ભર ભર કર મુસ્કરાયે

જબ પ્યાર હુઆ ઈસ પિંજરેસે, તુમ કહને લગે આઝાદ રહો

હમ કૈસે ભુલાએં પ્યાર તેરા, તુમ અપની જુબાંસે યે ન કહો,

અબ તુમ સા જહાંમેં કોઈ નહીં હૈ, હમ તો તુમ્હારે હો બૈઠે

ઈસ તેરે ચરનકી ધૂલસે હમને અપની જીવન માંગ ભરી

જબ હી તો સુહાગન કહલાઈ, દુનિયા કી નજ઼રમેં પ્યાર બની

તુમ પ્યારકી સુંદર મુરત હો, ઔર પ્યાર હમારી પૂજા હૈ

અબ ઈન ચરનોંમેં દમ નિકલે, બસ ઈતની ઔર તમન્ના હૈ

હમ પ્યારકે ગંગાજલ સે બલમ જી તન મન અપના ધો બૈઠે

સપનોં કા દર્પન દેખા થા, સપનોંકા દર્પન તોડ દિયા

યે પ્યારકા આંચલ હમને તો દામનસે તુમ્હારે જોડ લિયા

યે ઐસી ગાંઠ હૈ ઉલ્ફતકી, જિસકો ન કોઈ ખોલ શકા

તુમ આન બસે જબ ઈસ દિલમેં દિલ ફિર તો કહીં ન ડોલ શકા

ઓ પ્યારકે સાગર હમ તુમ્હારી લહરોમેં નાવ ડૂબો બૈઠે

યોગાનુયોગ કેવો છે કે ગીતનું તમિળ વર્ઝન, સોનાથુ નિથના… … સોલ સોલ પણ તેના ગીત લેખકે છેલી ઘડીની સ્ફુરણાથી જ સર્જેલું છે.

આડવાત:

સરખામણીઓને આપણા લેખોમાં સામાન્યપણે સ્થાન નથી હોતું, પણ શંકર જયકિશન શૈલેન્દ્ર અને હસરત એકસૂત્ર ટીમ સાથે કેવૂં કામ કરી શકતા હતા તે સમજવા પુરતું ફિલ્મમાં લગભગ સમાંતર ભાવમાં મુકાયેલું શંકર-શૈલેન્દ્ર સર્જન, રૂક જા રાત ઠહર જા રે ચંદા, સાંભળવું જોઈએ. 

યહાં કોઈ નહીં તેરા મેરે સિવા,કહતી હૈ ઝૂમતી ગાતી હવા, તુમ સબકો છોડ કે આ જાઓ .... - મોહમ્મદ રફી

(શંકર)જયકિશનની આગવી શૈલીનો વાયોલિન એન્સેમ્બેલ સાથેનો પૂર્વાલાપ, રાજેન્દ્ર કુમારની અભિનય શૈલીને ગાયકીમાં તાદૃશ કરતી મોહમ્મદ રફીની ગાયકી વગેરે અંગોની પુરી સજાવટ સાથેનું 'ફોર્મ્યુલા' ગીત છે.


દિલ એક મંદિર હૈ…. પ્યારકી જિસમેં હોતી હૈ પૂજા યે પ્રીતમકા ઘર હૈ - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર, કોરસ

મોહમ્મદ રફીના ઊંચા સુરમાં ગવાતી સાખીની એક પંક્તિ, જાનેવાલે કભી નહીં આતે, જાનેવાલેકી યાદ આતી હૈ, પુરતો હસરત જયપુરીનો સ્પર્શ અંતરાના બોલમાં તેમનાં કવિત્વનાં ઓછાં દેખાતાં પાસાંમાં ગીતના ભાવને ઉજાગર કરવામાં છતો થાય છે:

હર ધડકન હૈ આરતી બંધન આંખ જો મીચી હો ગયે દર્શન

મૌત મિટા દે ચાહે હસ્તી યાદ તો અમર હૈ

હમ યાદોંકે ફૂલ ચઢાયેં આંસુઓંકે  દીપ જલાયેં

સાંસોંકે હર તાર પુકારે તે પ્રેમ નગર હૈ

દોઢ સપ્તકના આરોહ અવરોહમાં બાંચણી કરાયેલ રચનામાં જયકિશને કોરસનો વાદ્યસજ્જા રૂપે કાઉન્ટર મેલોડી તરીકે ઉપયોગ કરીને પોતાની સર્જનશીલતાને ખીલવા દીધી છે.

આડવાત :

શંકર જયકિશન ટીમના આગવા સ્પર્શને સમજવા પુરતું ગીતનું તમિળ વર્ઝન ઓરૂવર વાઝુમ આયલમ સાંભળવું ગમશે.


એક દિલ સૌ અફસાનેમાં મૂળ તો મધુબાલા મુખ્ય પાત્રમાં હતાં. ફિલ્મનું ઘણું ખરૂં શૂટીંગ ૧૯૫૯માં જ થઈ ચુક્યું હતું, પણ મધુબાલાની તબિયત લથડવાને કારણે કામ ખોરંભે ચડી ગયું. પછીથી વહીદા રહેમાનને લઈને મધુબાલાવાળાં બધાં દૃશ્યો ફરીથી ફિલ્માંકન કરીને ફિલ્મ ૧૯૬૩માં રજુ થઈ

એક દિલ ઔર સૌ અફસાને હાયે મોહબ્બત હાયે જ઼માને - લતા મંગેશકર 

હસરત જયપુરીએ આ પહેલાં પણ શંકર જયકિશનનાં સંગીતમાં શીર્ષક ગીતો તો લખ્યાં જ છે અને જયકિશને તેને તેમની વાદ્યપ્રચુર શૈલીથી સજાવ્યાં પણ છે.

હા પણ, ઉર્દુ મિશ્રિત ગીતના બોલ આપણું ધ્યાન જરૂર આકર્ષે છે -

દિલ જો ન હોતા કુછ ભી ન હોતા, આંખ ન રોતી ઔર દર્દ ન ઉઠતા

અપના યે દામન બોલ ભી ગાતા, કૌન કીસી કે પ્યારમેં યું ખોતા

દિલ જો લગાયા ચૈન ન પાયા, સારે જહાંકા ઈલ્જ઼ામ ઉઠાયા

ગાકે સુનાયે અપના તરાના, યે તો જનમ જનમ સે હોતા હી આયા

તુ મેરી મંઝિલ પ્યાર કા સાહિલ, જાઉં કિધર મૈં હૈ તુ હી મુક઼ાબિલ

ઓ મેરે હમદમ એક હૈ મુશ્ક઼િલ, કર કે હમ તુઝકો હાસિલ

આડવાત :

મોટા ભાગે ભરપુર વાદ્યસજા સાથે એકાદ ગીત જ શંકર જયકિશન એક ફિલ્મમાં પ્રયોજતા. પણ તેમની આગવી 'વૉલ્ત્ઝ' લયમાં સજ્જ દૂર કે ઓ ચંદા આ મેરી બાહોંમે આ માં શંકર પણ એ શૈલીનો અસરકારક પ્રયોગ કરીને શંકર જયકિશન શૈલીની અભિન્ન એકસૂત્રતા બતાવે છે.

કુ્છ શેર સુનાતા હું મૈં જો તુમસે મુખ઼ાતિબ હૈ, એક હુસ્નપરી દિલમેં હૈ યે ઉનસે મુખ઼ાતિબ હૈ  - મુકેશ ગીતના બોલ પરથી ખયાલ આવી જાય કે આ હસરત જયપુરીની રચના છે. પણ કોઈ જ પ્રયાસ વિના આપણું ધ્યાન ખેંચે છે ગીતની બાંધણી, જે દિલની અંદરનાં દર્દના આંતરપ્રવાહને પ્રેમની કબુલાત જેવા પ્રસંગે મોઢાં પર રમતાં હાસ્યમાં સંતાડી દેવાની રાજ કપૂરની ચાર્લી ચેપ્લિન શૈલી અભિનયની દ્યોતક બની રહે છે.

આડવાત :

જયકિશન- હસરત ગંભીર ભાવની રજૂઆતમાં ગુંથાઈ ગયા તો હળવાં ગીતોની તેમની ખાલી પડતી જગ્યાને શંકર-શૈલેન્દ્ર સુનો જી સુનો અજી મહેરબાં હમારી ભી સુનો જેવાં રમતિયાળ રોમેન્ટીક ગીતોથી ભરી લે છે.

ઓ જાદુગર પ્યારકે યે બતા દિલ મેરા ક્યું તેરા હો ગયા - લતા મંગેશકર

સામાન્યપણે એવું મનાતું આવ્યું છે કે નૃત્ય ગીતોની સજાવટ શાસ્ત્રીય સંગીતમાં તાલીમ પામેલ શંકર જ કરતા. પણ અહીં જયકિશન જાણે કે એ માન્યતા બેબુનિયાદ છે તેમ બતાવતા હોય તેમ નૃત્ય ગીતને પોતાની આગવી શૈલીમાં રજુ કરે છે.


હમરાહીનાં આઠ ગીતોમાંથી પાચ જયકિશન-હસરતને ફાળે હોય એમાં, ઘણાંને 'જબ પ્યાર કિસીસે હોતા હૈ' (૧૯૬૧)માં આઠ ગીતોમાંથી છ ગીતોમાંથી ફલિત થતા શંકરજયકિશન છત્રમાં રહીને પોતાની સ્વતંત્ર કેડી કોતરવાના જયકિશનના પ્રયાસનાં એંધાણ વરતાતાં હતાં.

જોકે એ ચર્ચાનાં કળણમાં પગ મુકીને આપણા વિષયના હાર્દને ખુંપાવી દેવાનું આપણને પોશાય તેમ નથી. પણ 'હમરાહી'નાં વિષય અને ગીતોની બાંધણીમાં, અને આખરે ફલિત થયેલ પરિણામમાં, આપણને બીજા એક પ્રવાહની પડતીની શરૂઆત દેખાઈ શકે છે.

રાજેન્દ્ર કુમારને 'જ્યુબિલી કુમાર'નાં પદે પહોંચાડવામાં શંકર જયકિશને વિકસાવેલ ગીતોની આગવી બાંધણીની શૈલીને યશ આપવામાં આવે છે. પોતાની ભાવિ પ્રેમિકાને મીઠી છેડછાડથી પોતાના પ્રેમપાશમાં લેતું બાગ બગીચામાં  ગવાતું ગીત (જેમાં નાયિકાનો ગુસ્સો ગીત પુરૂં થતાં પ્રેમમાં પરિવર્તિત પણ થઈ જાય!), પ્રેમના એકરારને ઉજાગર કરતું રોમેન્ટીક યુગલ ગીત, પછી પ્રેમમાં ભંગાણ પડે એટલે રાજેન્દ્ર કુમારને વિરહ દર્શાવવાનું સરળ કરી આપતું, વિરાન જગ્યાઓમાં ગવાતું, કરૂણ ગીત વગેરેનું મૉડેલ હવે 'હમરાહી'માં થોડું મોળું પડતું જણાય છે.

શંકર જયકિશને શમ્મી કપુર શૈલી કે રાજેન્દ્ર કુમાર શૈલીના કરેલા પ્રયોગોને કારણે એ ફિલ્મોને અઢળક વાણિજ્યિક સફળતા મળતી રહી. પરંતુ એ ફોર્મ્યુલાની બીબાંઢાળ નકલોએ શંકર જયકિશનની કારકિર્દીને લૂણો લગાડવાનું કામ કર્યું એમ કહેવું કદાચ અતિશયોક્તિ નહીં લાગે.

'હમરાહી' એ બીબાંની એક વધારે નીપજ છે.

મૈં અલબેલા જવાં હું રંગીલા, અય દિલ મંઝિલ હૈ પ્યાર કી, જ઼ૂમ જૂમ ગાઉં નઝારોં પે છાઉં સનમ, મેહફિલ બહાર કી - મોહમ્મદ રફી

ક્રેડીટ ટાઈટલ્સ સાથે ગવાતાં આ ગીતમાં યુરોપનાં કોઈ શહેરના માર્ગો પર મોંઘીદાટ ગાડીમાં નીકળેલો આ શ્રીમંત નબીરો છોકરીઓ પર પોતાનો પ્રભાવ જમાવવા ઝૂમી રહ્યો છે.

ફિલ્મમાં રાજેન્દ્ર કુમારનાં પાત્રની ઓળખની પ્રેક્ષક પર જમાવવાની આ કોશીશ જેમ ત્યાંની યુવતીઓ  પર નાકામાયબ રહે છે તેમ પ્રેક્ષક પર પણ ખાસ અસર નથી કરતી કેમકે તેને તો ખબર જ છે કે રાજેન્દ્ર કુમારની ફિલ્મમાં આગળ શું શું થશે!


વોહ ચલે ઝટકકે દામન મેરી આરઝૂ મિટાકે - મોહમ્મદ રફી

છોકરીઓની મીઠી છેડછાડનાં બીબાંમાંથી પેદા થયેલી એક વધારે નીપજને (શંક્રર) જયકિશન પુરી નિષ્ઠાથી સંગીતબદ્ધ કરે છે.

મુજ઼કો અપને ગલે લગા લો, અય મેરે હમરાહી - મોહમ્મદ રફી, મુબારક બેગમ

આ ગીત માટે જયકિશને મુબારક બેગમની પસંદગી કેમ કરી તેને અનુલક્ષીને બહુ બધી કહાનીઓ પ્રચલિત છે.પરંતુ તેમને આ ગીત માટે મુબારક બેગમ જ કેમ પસંદ પડ્યાં હતાં તે ક્યાંય ભલે વાંચવામાં ન આવતું હોય, પણ જે રીતે મુબારક બેગમને તેઓ રજુ કરે છે તેમાં તેમની સર્જનશીલતાનો આગવો સ્પર્શ તો અણછતો નથી રહેતો. આ યુગલ ગીત ફિલ્મ સંગીતનાં યુગલ ગીતોમાં એક સીમાચિહ્ન બની રહ્યું.

વો દિન યાદ કરો, વો ચુપકે સે મિલના વો હંસના હસાના, વો દિન યાદ કરો - મોહમમ્દ રફી, લતા મંગેશકર

મહેમૂદે પરાણે હાસ્ય નીપજાવવાના પ્રયાસોનાં ગીતો ગાવાનું શરૂ કર્યૂં તે પહેલાં તેમની અને શોભા ખોટેની જોડી ફિલ્મનાં હીરો અને હીરોઈન જેટલી લોકચાહના ભોગવતી. તેમની હાજરી અને તેમને માટે રચાતું એક ખાસ ગીત ફિલ્મની સફળતાનું એક આગવું પરિબળ ગણાતું.


યે આંસુ મેરે દિલકી જુબાન હૈ,મૈં હસ દું તો હસ દેં આંસુ, મૈં રો દું તો રો દે આંસુ - મોહમ્મદ રફી

રાજેન્દ્ર કુમારને કરૂણ ભાવ સાથે રજુ કરવાના સંન્નિષ્ઠ પ્રયાસો માટે બનાવાયેલાં બીબામાંથી નીપજેલું ગીત એ સમયે તો અમને પણ ગમતું હતું,આહ=જે જોકે થોડું કૃત્રિમ લાગે છે તે વલી અલગ બાબત છે.


'હમરાહી' તેની ટિકિટ્બારી પરની ઠીક્ઠાક સફળતા છતાં 'શમ્મી કપૂર' કે 'રાજેન્દ્ર કુમાર' છાપ ફિલ્મોનાં વળતાં પાણી કે શંકર જયકિશનની પડતીની શરૂઆત કહી શકાય કે કેમ તે નક્કી કરવા માટે આપણે હવે પછીના મણકાઓની રાહ જોવી રહી …. 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.