Sunday, September 13, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : સપ્ટેમ્બર, ૨૦૨૦

 હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો ૧૯૬૦-૧૯૬૧

હસરત જયપુરી (મૂળ નામ ઈક઼બાલ હુસ્સૈન) – જન્મ: ૧૫-૪--૧૯૨૨ । ઈન્તકાલ:  ૧૭-૯-૧૯૯૯ - હિંદી

ફિલ્મોના ગીતકાર હોવા ઉપરાંત હિંદી અને ઉર્દુ ભાષાના અચ્છા શાયર પણ હતા. તેમની પોતાની આગવી શૈલી હતી. ભારી શબ્દોના પ્રયોગ વિના રચાયેલાં રોમાંચનાં ગીતો તેમની વિશેષ્ટતા ગણાતી , પણ તે સાથે તેમણે અલગઅલગ દરેક ભાવનાં ગીતો પણ એટલી જ સહજતાથી લખ્યાં છે. 'બરસાત' (૧૯૪૯) થી લઈને છેક 'મેરા નામ જોકર' (૧૯૭૦) સુધી તેઓ આર કે ફિલ્મ્સની શંકર જયકિશનની ટીમનું બહુ મહત્ત્વનું અંગ હતા. ૧૯૬૬માં શૈલેન્દ્રનાં અવસાન બાદ આ ટીમનાં વળતાં પાણીની થયેલી શરૂઆતને જયકિશનનાં ૧૯૭૧માં થયેલ અવસાને સાવ વિખુટી પાડી નાખી..

જયકિશન (મૂળ નામ જયકિશન ડાહ્યાભાઈ પંચાલ ) - જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯ - અવસાન - ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧)- ના પિતા પણ રાજવી ઘરાનાના સંગીતકાર હતા. જયકિશનનો ઉછેર પણ સંગીતમય વાતાવરણમાં થયો હતો. આ બધાં ઉપરાંત જયકિશનનો જીવ એક સ્વાભાવિક સંગીતકાર હતો. તેમની ધુનોમાં હંમેશાં એક નવી તાજગી અનુભવાતી. ફિલ્મોમાં પાર્શ્વ સંગીત પર તેમની હથોટી કિવદંતિને પેઠે યાદ કરાય છે. નવી નવી ધુનો, નવાં નવાં વાદ્યો અને સુરની અવનવી સજાવટના પ્રયોગોને તેઓ યુવાન વયની પસંદ અનુસાર ઢાળી શકતા.

ચાર જુદી સંસ્કૃતિ, ચાર જુદાં કૌટુંબીક વાતાવરણમાં ઉછેર, ચાર અલગ અલગ સ્વભાવ છતાં પણ સૌથી દીર્ઘ કાળ સુધી એકધારૂં કામ કરવાનો આ ચાર લોકોની ટીમનો રેકોર્ડ ફિલ્મ જગત જેવી સરકણી રેતીવાળી જમીનમાં જેટલો અલૌકિક હતો, એટલું જ અદ્‍ભૂત આ ચાર વચ્ચેનું ટ્યુનિંગ હતું. જેને પરિણામે તેમની દરેક ફિલ્મનાં ગીતો જેટલાં લોકપ્રિય અને યાદગાર ત્યારે હતાં એટલાં જ લોકપ્રિય આજે પણ છે. તેમનાં ગીતોએ તેમના પછીની પેઢીના વાદ્યકારો અને ગાયકોની પણ કારકીર્દી બનાવી દેવામાં સિંહફાળો આપ્યો છે.

હસરત જય્પુરીએ લખેલાં ગીતોની શકંર જયકિશનની રચનાઓમાંથી વિસારે પડેલાં ગીતો અલગ તારવવાં ઘાસની ગંજીમાંથી સોય કાઢવા  જેટલાં મુશ્કેલ તો પડે. એટલે મેં તે ગીતોના શરૂઆતના બોલ વાંચતાં જે ગીતની કોઈ એક ખાસીયત પણ તેત્કાળ યાદ ન આવે એવાં ગીતોને પહેલાં પસંદ કરવાનો ઉપક્રમ નક્કી કર્યો છે. તેમાંથી પછી ગાયકો અને ભાવનાં વૈવિધ્ય અનુસાર દરેક વૃતાંત માટેનાં ગીતની પસંદ કરવાનૂં કપરૂં કામ કરું છું. જયકિશનના જન્મ અને હસરતના અવસાનના  આ સપ્ટેમ્બર મહિનામાં આપણે, ૨૦૧૭થી, દર વર્ષે હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરીએ છીએ.  અત્યાર સુધી, આપણે

૨૦૧૭ માં વર્ષ ૧૯૪૯ થી ૧૯૫૪,

૨૦૧૮માં વર્ષ ૧૯૫૫ થી ૧૯૫૭, અને

૨૦૧૯માં વર્ષ ૧૯૫૮ અને ૧૯૫૯ નાં

 વર્ષોનાં ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આજે હવે, વર્ષ ૧૯૬૦ અને ૧૯૬૧નાં હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતોને યાદ કરીશું. ૧૯૬૦માં શંકર જયકિશનની પાંચ ફિલ્મોનાં હસરત જયપુરીનાં ૧૩ ગીતો અને ૧૯૬૧માં ૬ ફિલ્મોનાં ૨૩ ગીતોમાંથી આજનાં ગીતોને પસાંદ કર્યાં છે. ફિલ્મ સંગીતના જાણકારોની દૃષ્ટિએ 'જગલી'(૧૯૬૧)ની 'યાહૂ' ( જે યોગાનુયોગ શૈલેન્દ્રની રચના છે !) સફળતાએ શંકર જયકિશનની પછીનાં વર્ષોની સંગીત રચનાઓનાં માધુર્યની ચાંદનીને કૃષ્ણ પક્ષની ઘટતી કળાએ લઈ જવાનું કામ કર્યું હતું.

ઈતની બડી મહેફિલ ઔર એક દિલ કિસકો દું - દિલ અપના ઔર પ્રીત પરાઈ (૧૯૬૦)- આશા ભોસલે

ફિલ્મનાં ગંભીર કથાવસ્તુને હળવાશ આપવાં માટે, વાર્તા સાથે સાંકળીને મુકાયેલાં બધાં જ ગીત ખુબ જ કર્ણપ્રિય અને લોકભોગ્ય બન્યાં હોવાં છતાં એકાદ જ઼્મકદાર આઈટેમ ગીત ન હોય તો છપ્પન ભોગનો થાળ અધુરો ગણાતો હશે ! ખેર, શંકર જયકિશન માટે હેરી બેલા ફૉન્ટનાં Banana Boat ગીતની ધુન પર ગીત બનાવી લેવાનો પ્રયોગ કરી લેવાની આ બહુ ઉપયુક્ત તક હતી.બતા દે મેરી જાન કે તેરે દિલ મેં ક્યા હૈ - ચાલાક (રીલીઝ ન થયેલ ફિલ્મ)- મુકેશ

રાજ કપુર અને મુધુબાલાને ચમકાવતી આ ફિલ્મ મધુબાલાની લથડતી જતી તબિયતને કારણે રઝળી પડેલી ફિલ્મો પૈકી એક ફિલ્મ છે. ખુબ નાજુક તબિયત છતાં મધુબાલાએ આ ફિલ્મ પુરી કરવા સારી એવી જહેમત લેવા છતાં પણ ફિલ્મ પુરી ન જ થઈ શકી. આ ગીત મુકેશે દક્ષિણ આફ્રિકાના એક સ્ટેજ શૉમાં ગાયું હતું.


તિરછી નજ઼ર સે ન દેખ - એક ફૂલ ચાર કાંટે (૧૯૬૦
) - મોહમ્મ્દ રફી

જોહ્ની વૉકર માટે બનેલાં જ આ ગીતમાં જોહ્ની વૉકરની અદાયગીની શૈલીને પૂરેપૂરો ન્યાય અપાયો છે. તે સાથે શકર જયકિશને પોતાની પ્રયોગશીલતા માટે પણ જગ્યા કરી લીધી છે. પહેલી કડીની પ્રથમ પંક્તિઓને એક જ શ્વાસે ગાઈ લેવાતી ગોઠવાઈ છે. એ માટે જોહ્ની વૉકરને પણ પર્દા પર વણથંભ્યે તરતા બતાવાયા છે..હો મૈને પ્યાર કિયા હાય હાય ક્યા જ઼ુલ્મ કિયા = જિસ દેશમેં ગંગા બહેતી હૈ (૧૯૬) - લતા મંગેશકર, સાથીઓ

ફિલ્મની વાર્તા સાંભળતી વખતે સંગીત વિભાગની ટીમને થયું હતું કે ડાકુઓને સુધારવાની વાત કહેતી ફિલ્મમાં ગીતો માટે જગ્યા ક્યાંથી થશે ! પરંતુ રાજ કપુરની અંદરના શૉ મેનના જીવે ક્યાંક વાર્તાને અનુરૂપ આદર્શને ક્યાંક પોતાનાં પાત્રનાં ભોળપણને તો ક્યાંક પ્રેમ અને વિરહની લાગણીઓને વણી લઈને ગીતો માટે જગ્યા બનાવવાની સાથે પોતાની હિરોઈનને એક વાર સ્વિમિંગ કોસ્યુમમાં દેખાડી લેવાની તક (!) પણ ઊભી કરી લીધી !દેખો જી દેખો સુન લો યે બાત, જીવનમેં એક બાર આના સિંગાપોર - સિંગાપોર (૧૯૬૦) - લતા મંગેશકર , સાથીઓ

ગીતનાં ર્શીર્ષકને મુખડામાં જ વણી લેવાની પ્રથાને અનુરૂપ આ ગીત પર્દા પર ઈન્ડોનિશિયામાં જન્મેલ અભિનેત્રી મારિયા મેનાડો અને સિંગાપોરનાં જ રહેવાસી જેવા ચહેરાઓવાળી એક્સટ્રા છોકરીઓ પર ફિલ્માવાયું છે. 

આડવાત - ફિલ્મમાં શૈલેન્દ્રએ લખેલું બીજું એક શીર્ષક ગીત યે શહર બડા અલબેલા જહાં હર તરફ હસીનોંકા મેલા (ગાયક મુકેશ) પણ ગોઠવવામાં આવ્યું છે. જોકે તેમાં ફિલ્મનાં શીર્ષકને ઇન્ટરલ્યુડનાં સંગીતરૂપે વણી  લેવાયું છે, એટલે ગીતના શબ્દોમાં સીધું જ શીર્ષક વણી લેવાની તક હસરત જયપુરીએ ઝડપી લીધી હશે ?

અરે તૂ કહાં ખો ગયા બાલમ મતવારા મૈં ઢુંઢું તુઝે ગલીયાં ઔર ચૌબારા - સીંગાપોર (૧૯૬) - લતા મંગેશકર

શંકર જયકિશનની નૃત્ય ગીતની આગવી શૈલીની ધુનને ઢોલકના તાલ, ઠેકાની કમાલ અને દેશી તથા વિદેશી શૈલીને વણી લેતી વાદ્યસજ્જા અને તેને અનુરૂપ અનેકવિધ વાદ્યો સાથે તેમના સંગીત સહાયકો અને તેમનાં વાદ્યવૃંદે આ ગીત પદ્મિનીની નૂત્ય કાબેલિયતને દાદ મળી રહે તે કક્ષાનું બનાવ્યું છે.હવે પછી અહીં રજૂ કરાયેલાં ત્રણ ગીત ફિલ્મમાં એક જ પ્રસંગ તરીકે સંળંગ રજૂ કરાયાં હતાં.

સીટો પીટો રીટો….જાન-એ-બહાર અસલમ - જબ પ્યાર કિસી સે હોતા હૈ (૧૯૬૧) - લતા મંગેશકર, સાથીઓ

પૂર્વ પ્રદેશનાં લોકગીતને રજૂ થતું દર્શાવવા અનોખા બોલ પ્રયોજીને પછીથી એ ગાયકો હસરત જયપુરીના ઉર્દુ બોલને પણ ગાઈ લે !

ગીત મુકવાનો મૂળ આશય હવે પછી રજૂ થનાર ગીત માટે વાતાવરણ બંધાતું દેખાડવા માટેનો છે.

ઈસ હિરસુ હવસકી દુનિયા મેં - જબ પ્યાર કિસીએ હોતા હૈ (૧૯૬૧) - લતા મંગેશકર

હસરત જયપુરીની શૈલીની એક આગવી ઓળખ તેમની સાખીઓ રહી છે.  સામાન્યપણે તે મૂળ ગીતના ગાયકના સ્વરમાં જ રજૂ થતી જોવા મળતી હોય છે. પરંતુ અહીં શંકર જયકિશને ફિલ્મના દિગ્દર્શક નાસીર હુસૈન માટે તેને અલગથી લતા મંગેશકરના  સ્વરમાં રજૂ કરેલ છે.

ઈસ હિરસુ હવસ કી દુનિયા મેં
અરમાન બદલતે દેખે હૈં
ધોખા હૈ યહાં લાલચ હૈ યહાં
ઈમાન બદલતે દેખા હૈ

દૌલત કે સુનહરે જાદૂ સે 
અય દિલ તડપના અચ્છા હૈ
ચાંદી કે ખનકતે સિક્કો પર
ઈન્સાન બદલતે દેખા હૈ

થોડું ધ્યાનથી જોતાં / સાંભળતાં શંકર જયકિશનની એક બીજી કમાલ પણ નજરે ચડશે - શાયરીનું પઠન લતા મંગેશકરે બિલ્કુલ આશા પારેખની અભિનય શૈલી મુજબ જ કરેલ છે !


તે પછી હવે મુળ ગીત પરદા પર આવે છે.

તેરી ઝુલ્ફોં સે જુદાઈ તો નહીં માંગીથી, ક઼ૈદ માંગી થી રિહાઈ તો નહીં માંગી થી  -જબ પ્યાર કિસી સે હોતા હૈ (૧૯૬૧) - મોહમ્મદ રફી

હિંદી ફિલ્મની તવારીખમાં આ ગીત તેના બોલ અને સંગીત બન્ને માટે બહુ માનભર્યાં સ્થાને મુકાયેલ છે.

Anand Desai અને Antara Nanda Mondal દ્વારા અનુક્રમે સંગીત અને બોલનો બહુ વિશદ રસાસ્વાદ Love is… Claiming Rights: Teri Zulfon Se Judaai to Nahin Mangi Thi માં કરાયેલ છે.


નૈન તુમ્હારે મઝેદાર હો જનાબ-એ-આલી  - જંગલી (૧૯૬૧) - મુકેશ
, આશા ભોસલે

'૫૦ અને '૬૦ના દાયકામાં ફિલ્મોમાં કોમેડી કલાકારને એક ગીત ફાળવવું જ પડે તેવો વણલખ્યો નિયમ હતો. અહીં શંકર જયકિશન પ્રયોગ દાખલ તેના માટે મુકેશનો સ્વર પ્રયોજે છે. જોકે તેનાથી મોટી નવાઈ તો શશીકલાની કોમેડી સ્વાંગમાં હાજરી છે.જાના તુમ્હારે પ્યાર મેં શેતાન બન ગયા હું - સસુરાલ (૧૯૬૧)- મુકેશ

શંકર જયકિશન ફરી એક વાર કોમેડી ગીત માટે મુકેશને પસંદ કરે છે. મુકેશના સ્વરમાં છલકતાં  ભોળપણને પરદા પર મહેમૂદે પણ જીવંત કરેલ છે. એ મુજબ પહેલેથી જ નક્કી થયું હશે કે રેકોર્ડ થયેલું ગીત સાંભળીને મહેમૂદે તે મુજબ જ અભિનય કર્યો હશે તે તો ક્યાંથી ખબર પડે !અય આસમાન કે રાહી, તુ હી ગવાહી દેબા ….હાયે સાવન બન ગયે નૈન - કરોરપતિ (૧૯૬૧) - આશા ભોસલે

હસરત જયપુરી સમય આવ્યે કરૂણ ભાવનાં ગીતોને પણ એટલી જ સહજતાથી ન્યાય આપી શકતા એ બાબતની સાહેદી તો અહી મળી રહે છે, પરંતુ કરૂણ  ભાવનાં ગીતો માટે સામાન્યપણે લતા મંગેશકરનો જ સ્વર પસંદ કરતા શંકર જયકિશને અહીં આશા ભોસલેને કેમ પસંદ કર્યાં હશે ! ?કાબુલ કી મૈં નાર, મેરી આંખેં રસીલી કટાર - કરોરપતિ (૧૮૬૧) - ગીતા દત્ત, કિશોર કુમાર

અંતરાનાં ઈન્ટરલ્યુડ સંગીતના તાલથી એમ જણાય કે જયકિશને ગરબાના તાલનો પ્રયોગ કરીને પઠાણી ભાવનું ગીત બનાવી દીધું છે !

શંકર જયકિશનના ખાતામાં ગીતા દત્તનાં બહુ ઓછાં ગીતો છે. તે પૈકી એક ગીત સાંભળવા મળે છે તે  આપણા માટે પણ બોનસ છે.સુનો ભાઈ હમને પી લી હૈ થોડી - રૂપ કી રાની ચોરોંકા રાજા (૧૯૬૧) - તલત મહમુદ

તલત મહમુદ અને મુકેશ શરાબના નશાનાં ગીત ગાય તો ગીતના બોલ સાંભળ્યા સિવાય શરાબની હાજરી ભાગ્યે જ વર્તાય, મુકેશ તો રાજ કપૂર સાથેની મહેફિલોમાં શરાબ પીધા પછી પણ અવાજમાં લડખડાતા હશે કે કેમ તે પણ જાણવું રસપ્રદ બની રહે !

કે એલ સાયગલ તો બે ત્રણ પેગ વ્હિસ્કી પીધા સિવાય સેટ પર પગ જ ન મુકતા, પણ તેમનાં ગીતો કે સંવાદોમાં એ વ્હિસ્કીની અસર વર્તાતી નહીં. 'દેવદાસ' માટે તેમણે શું કર્યું હશે?

આડવાત - મૂળ ગીતમાં " 'પી' લી હૈ હમને" બોલને પર્દા પર " 'પા' લી હૈ હમને" કરાવીને સેન્સર બોર્ડે ભારતીય સભ્યતાની રખેવાળી કરી હતી !

આઈગા અઈગા યે ક્યા હો  ગયા - બોય ફ્રેન્ડ (૧૯૬૧) - મોહમ્મદ રફી, આરતી મુખર્જી

પર્દા પર ગીત શરૂ થતં પહેલાં દેવ આનંદ એક મહારાષ્ટ્રીયન 'ભાજીવાળી' સાથે અથડાઈ પડે છે. તેના મોઢેથી નીકળી પડેલ આઈગા આઈગાને હસરત જયપુરીએ ગીતના બોલમાં વણી લીધું છે.

ગીતમાં મધુબાલાનો દેવ આનંદની મશ્કરી કરવાનો અભિનય (કદાચ !) સહજ દેખાય છે.

શંકર જયકિશને તેમની પ્રયોગશીલતાને આરતી મુખર્જીના સ્વરના પ્રયોગથી એક વધારે વાર સાબિત કરી છે.  લતા અને રફીના રોયલ્ટી અંગેનાં મનદુઃખના વર્ષોમાં જયકિશને આવા બીજા પણ પ્રયોગ કર્યા છે.

આડવાત: મધુબાલા આવા હાવભાવ અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ (કાલા પાની (૧૯૫૮)માં પણ દર્શાવી ચુક્યાં છે. તો દેવ આનંદ તો તેનાથી પણ પહેલાં આ જા પંછી અકેલા હૈ (નૌ દો ગ્યારહ (૧૯૫૭)માં આવી મીઠી મશ્કરી માણી ચુક્યા છે.

અબ ચાર દિનોં કી છુટ્ટી હૈ ઔર ઉન સે જા કે મિલના હૈ - આસ કા પંછી (૧૯૬૧) - મોહમ્મદ રફી, સાથીઓ

રાજેન્દ્ર કુમાર માટે મુખ્યત્ત્વે મુકેશ અને એક એક ગીત સુબીર સેન અને મોહમ્મદ રફીના સ્વરના ગવડાવીને શંકર જયકિશનની પ્રયોગશીલતાનો એક વધુ દાખલો 'આસ કા પંછી'માં બેસાડ્યો છે. જોકે અહીં મોહમ્મદ રફી તો તેમની સહજ મસ્તીમાં ખીલી જ રહે છે .

આડવાત:  'સસુરાલ' (૧૯૬૧)માં રાજેન્દ્ર કુમાર માટે રફીના પાર્શ્વ સ્વરની અદ્‍ભૂત સફળતાએ પછીથી આવા પ્રયોગોનો અવકાશ ન રાખ્યો હો છતાં 'ઝિંદગી' (૧૯૬૪)માં શંકર જયકિશને મન્ના ડેના સ્વરમાં 'મુસ્કરા લાડલે મુસ્કરા' પણ ગવડાવ્યું જ છે !

હસરત જયપુરી રચિત શંકર જયકિશને સ્વરબધ્ધ કરેલાં, વિસારે પડતાં, ગીતોની આપણી સફર આગળનાં વર્ષોમા ચાલુ જ રહે છે.

આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: