Showing posts with label Dr. Sharon Moalem. Show all posts
Showing posts with label Dr. Sharon Moalem. Show all posts

Sunday, May 3, 2020

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ – બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ


સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ  [જેટલાં વધારે બીમાર તેટલું વધારે લાંબું અસ્તિત્વ]
બીનરૂઢિવાદી તબીબ ખોળી કાઢે છે કે આપણને બીમારીની જરૂર શી છે
(પછીની આવૃત્તિઓમાં બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ તરીકે નવનામકૃત)
લેખક ડૉ. શેરોન મોએલેમ - સહલેખક જોનાથન પ્રિન્સ
પ્રકાશક હાર્પર કૉલિન્સ, ન્યુ યોર્ક, NY 10022
© ૨૦૦૭ શેરોન મોએલેમ
પુસ્તકનું શીર્ષક બીજી વાર તો વાંચવું જ પડે કેમકે આપણી આંખો તો આ પ્રકારના શબ્દપ્રયોગ જોતાંવેંત 'ધ સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ' તરીકે અતિજાણીતા ઉત્ક્રાંતિવાદના પ્રશિષ્ટ  સિધ્ધાંતની જ વાત
હશે એમ માનવા ટેવાયેલાં છીએ. વાંચવા જ ટેવાયેલ છે. પ્રસ્તુત  પુસ્તક બીનસાહિત્યિક રચના છે પરંતુ તેનાં આ નવાઈ પાડતાં શીર્ષકને કારણે પણ જો તે વાંચવાનું શરૂ કરશો, તો કોઈ થ્રીલર વાંચતાં હો તેમ પુસ્તક પૂરૂં કર્યા સિવાય હાથમાંથી મુકી નહીં દઈ શકાય. લેખકનો આશય જો આટલો જ હોત તો પણ તેમને પોતાના ઉદ્દેશ્યસિધ્ધિમાં સફળતા તો મળી જ રહેત.
પ્રસ્તુત પુસ્તકનો સંબંધ જેટલો તબીબીશાસ્ત્ર સાથે છે તેટલો જ સંબંધ પરંપરાગત માન્યતા સાથે પણ છે. પુસ્તકના લેખક ડૉ શેરોન મોએલેમ પુસ્તકને 'શા માટે' એમ વિચારતાં કરવા માટે,અને સાથે સાથે 'એમ કેમ નહીં'   એમ પ્રશ્ન કરતાં કરવા માટે, રજૂ કરે છે.  એકંદરે, પુસ્તક 'દિલકશ તબીબી રહસ્યમય સફર' તરીકે રજૂ થાય છે, જેમાં આપણે અહીં સુધી શી રીતે પહોંચ્યાં , હવે પછી ક્યાં જશું અને એ બન્ને બાબતે આપણે કંઈ પણ કરી શકીએ તેમ છીએ કે કેમ તે વિશેની ખોજ છે.
આપણાં શરીર, આપણી તબિયત, આપણા આરોગ્ય તેમજ પૃથ્વી પરની લગભગ દરેક સજીવ હસ્તી સાથેના સંબંધ વિશે મૂળૂળતપણે નવેસરથી આપણને વિચારતાં કરવાનો ડૉ. શેરોન મોએલેમનો પડકાર છે.  પરિચય, તકનીકી ચર્ચાનાં આઠ પ્રકરણો અને ઉપસંહાર જેવા ત્રણ અલગ વિભાગનાં લગભગ ૨૦૮ પાનાંનાં પુસ્તકનાં મૂળ વસ્તુ દ્વારા  લેખક આપણને ઉત્ક્રાંતિના ઈતિહાસની અભિનવ અને ચિત્તાકર્શક તપાસચર્ચામાં જકડી રાખે છે. એમ કરતાં કરતાં ડૉ. મોએલેમ આપણી સમક્ષ રજૂ કરે છે કે આપણે જેને આજે રોગ કહીએ છીએ તેવી કેટલીય તબીબી પરિસ્થિતિઓએ આપણા વડવાઓને અસ્તિત્વની ચોપાટમાં ટકી રહેવાની તક પૂરી પાડી છે.  તે સાથે, પુસ્તક એ પણ જાણ કરે છે કે આટઆટલાં સંશોધન પછી પણ, આધુનિક તબીબીશાસ્ત્ર માનવ આરોગ્યની બાબતમાં ખરેખર કેટલું ઓછું જાણે છે. 'પરિચય'માં જ વર્ણવેલા બે કિસ્સાઓ આપણને તંદુરસ્ત દીર્ઘાયું જીવન ભોગવવા માટે વિચાર કરવા માટે નવો દૃષ્ટિકોણ આપે છે.
તે પછીનાં આઠ પ્રકરણોમાં એકેક બીંમારી કે આનુવાંશિક વિકારની વિગતે ચર્ચા રજી કરવામાં આવી છે. એ ચર્ચાનો સુર પુસ્તકના કેન્દ્રવર્તી વિચાર - ઉત્ક્રાંતિને એવાં જ આનુવંશિક લક્ષણો પસંદ છે જે સજીવોને ટકી રહેવામાં અને પ્રજનન કરવાંમાં મદદરૂપ હોય; જે લક્ષણો સજીવોને નબળાં પાડે કે આપણાં આરોગ્યને જોખમકારક હોય તે તેને પસંદ નથી. આપણને ટકી રહેવામાં કે પ્રજનન કરવામાં સ્પર્ધાત્મક સરસાઈ આપતાં જનીનને મળતી અગ્રપસંદને પ્રાકૃતિક પસંદગી કહેવામાં આવે છે - ની વિગતે છણાવટ કરવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો, 'જે જનીન એવું લક્ષણ પેદા કરે જે સજીવને ટકી રહેવાની કે પ્રજનન કરવાની સંભાવના ઘટાડે છે તે, - બહુ લાંબા સમય પુરતું તો નહીં જ - ફેલાઈ નથી શકતું.
આ આઠ પ્રકરણો શરૂ કરતાં પહેલાં લેખકે આપણી કેટલીક પૂર્વમાન્યતાઓને કોરાણે મુકવાની શરત કરી છે –
  •      આપણે એકમેવ નથી - દરેક સજીવ તેની અંદર કે તેની આસપાસ હજારો બેક્ટેરીઆ કે જીવજંતુઓ કે ફૂગ જેવી ભાતભાતની સજીવ, અજીવ વસ્તીથી ઘેરાયેલ છે.
  •       ઉત્ક્રાંતિ આપમેળે નથી થતી. - દરેક સજીવમાં ટકી રહેવાની અને પ્રજનન કરવાની વૃતિ ઠાંસી ઠાંસીને  ભરી દેવામાં આવી છે. જ્યારે કોઈ પણ સજીવ પોતાના ટકી રહેવાની કે પ્રજનન કરવાની સંભાવના વધારવા પ્રયત્ન કરે ત્યારે ત્યારે ઉત્ક્ર્રાંતિ થવા લાગે છે. અત્યારે જેમ કોવિડ-૧૯ વાઈરસની પ્રજનન વૃધ્ધિ માનવ જાત માટે મોતનું કારણ બને છે તેમ ક્યારે એક સજીવની ઉત્ક્રાંતિ બીજાં સજીવનાં મોતનું કારણ પણ બને. આને પરિણામે હજારો લાખો સજીવોમાં પોતાને ટકાવી રાખવા માટેનાં ઓજાં મોટૉ જલપ્રપાત પણ સર્જી શકે છે. 
  •      કોઈ સજીવનું બીજાં સજીવ સાથેનું આદાનપ્રદાન જ માત્ર તેમની ઉત્ક્રાંતિ પર અસર નથી કરતું - પૃથ્વી સાથેનાં તેનાં આદાનપ્રદાનની પણ એટલી જ અસર પડી શકે છે.

તકનીકી બારીકીઓથી અજાણ એવો સામાન્ય વાચક એના જેવા જ અન્ય સામાન્ય વાચકોને પુસ્તકનો પરિચય કરાવે ત્યારે તકનીકી બાબતોને તે યથાતથ ઉઠાવીને પણ રજૂ કરે તો પણ એ વિષય બાબતે વાચકના જ્ઞાનમાં તસુભારનો પણ વધારો શક્ય નથી. પ્રસ્તુત પુસ્તક માટે પણ આ વાત જેટલી લાગુ પડે છે તેટલી જ નક્કર બીજી પણ વાત છે કે આઠ પ્રકરણ જેવી ચર્ચાને તે તકનીકી બાબત છે એમ વિચારીને છોડી દેવા જેવી પણ નથી. લેખકે બહુ જ સરળ ભાષામાં આ ખી ચર્ચા આપણી સમક્ષ રજૂ કરી છે તેમાંના વિષય બાબત સમજણ પડે કે નહીં, કે ઘણાં તારણો સાથે દેખીતી રીતે આપણે સહમત થઈએ કે નહીં, પણ એટલું તો ચોક્કસ છે કે પુસ્તકના મૂળ હેતુ વિશેના આપણા દૃષ્ટિકોણને સમજવામાં તો જરૂરથી મદદ મળશે.
હાલ તો અહીં દરેક પ્રકરણનું શીર્ષક અને તેમાં આવરી લેવાયેલ બીમારી કે આનુવંશિક વિકારની યાદી  અહીં રજૂ કરી છે -
§  પ્રકરણ ૧ : Ironing it out - હેમોક્રોમેટોસિસ (Hemochromatosis), લોહી ચુસવું કે વહેડાવવું, માનવ શરીરમાં લોહનો વપરાશ
§  પ્રકરણ ૨  : A spoonful of sugar helps the temperature go down - મધુપ્રમેહ, આબોહવામાં ફેરફારો, અને બદામી ચરબી (brown fat)
§  પ્રકરણ ૩ : The cholesterol also rises – સૂર્યપ્રકાશ,  વિટામીન ડી, કોલેસ્ટરોલ અને જાતિનું શારીરીક ઘડતર
§  પ્રકરણ ૪ : Hey, Bud, can you do ma a Fava - શાકભાજી, ફૅવા (fava) કઠોળ અને મેલેરીઆનો ફેલાવો
§  પ્રકરણ ૫ : Of microbes and man - બેક્ટેરીઆની પ્રાણઘાતકતા, ગીનીઆ કૃમિઓ, અને પરજીવી બીમારીઓ
§  પ્રકરણ ૬ : Jump into the gene pool - ડીએનઍ પરિવર્તનો અને કુદાકુદ કરતાં (jumping)” જનીનો
§  પ્રકરણ ૭ : Methyl madness : અંતિમ (phenotype) તરફનો માર્ગ = આનુવંશિક રીતે દબાવી દેવું અને બાળપણની સ્થૂળતા
§  પ્રકરણ ૮ : That’s life: Why you and your iPod must die  - કેન્સર કોષો અને બાળકજન્મ:
પુસ્તકની ચર્ચાનું તારણ કરતાં કરતાં લેખકો એટલી અપેક્ષા રાખે છે કે આપણે આ ત્રણ બાબતોને જરૂરથી સમજીશું -
  •       જીવન સતત સર્જનની સ્થિતિમાં જ હોય છે. ઉત્ક્રાંતિ ક્યારે પણ અટકતી નથી. સમયની સાથે તેનું સ્વરૂપ અને વ્યાપ બદ્લતાં રહે છે.
  •       આ પૃથ્વી પર પોતાનો અલગ ચોકો કરીને કોઈ  પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકે. પૃથ્વી પરનાં દરેક સજીવ એકબીજાંની સાથે સાથે જ વિકાસ પામ્યા કરે છે.
  •       બીમારી સાથેના આપણા સંબંધ વિશે આપણે જેટલી કલ્પના કરી શકીએ, કે આટઆટલાં વર્ષોની પ્રગતિને કારણે જે કંઈ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકી હશે, તે બધાં કરતાં પણ બીમારી સાથેનો આપણો સંબંધ વધારે સંકુલ છે.

દરેક સજીવની જીંદગી એક એવું અદ્‍ભૂત સંપૂર્ણ એકમ છે જે તેનાં ઘટકોના સરવાળા કરતાં અનેક ઘણું મોટું છે. વળી, કુદરતને તો સ્વ્હાભાવિક્પણે જ અવ્યવસ્થા પેદા કરવાની એવી રઢ હોય છે કે અપણાં જીવનજીવનનો નાનામાં નાઓ અંશ થોડી પણ વ્યવસ્થિત હાલતમાં જોવા મળે તો તે એક ચમત્કાર જ કહી શકાય. એ ચમત્કાર ઉત્ક્રાંતિનું કૌતુક છે. આ બધી પરિસ્થિતિઓમાં આમ કરવાથી કે તેમ ન કરવાથી, પેલું ખાવાથી કે આ ન ખાવાથી સાજાં રહેવાશે કે માંદાં પડાશે  જેવી ધારણાઓ વડે આપણી તંદુરસ્તી વિશે આશ્વસ્ત બની બેસવાને બદલે તે જેટલાં માન માટેની હકદાર છે કમસે કમ તેટલા આદરથી તેને જોવાનું આવશ્યક બની રહે છે. એ સમજી લેવું જોઈએ કે બીમારીઓ કોઈ અલગ પરિસ્થિતિ નથી, કે નથી તે પોતાની આગવી રીતે પોતાનું અસ્તિત્વ બનાવી રાખતી. કોઈ પણ બીમારીની શરૂઆત, પ્રસાર કે લોપનો સીધો અને ગાઢ સંબંધ આ પૃથ્વી પરનાં દરેક પ્રકારનાં જીવનનાં, દરેક પ્રકારનાં અને બધાં જ,એકમેક સાથેનાં જોડણ પર જ છે.
શક્ય છે કે આ પ્રકારની સમજણને કારણે, કદાચ, આપણે સંક્રમણકારક પ્રતિબળોની ઉત્ક્રાંતિ કે લોપ માટેની આપણી શોધ તેમની પ્રાણઘાતકતાથી હટાવીને તેમની નુકસાન ન કરતી બાજુ તરફ વાળીએ, જેથી આપણી તેમની સાથેની લડાઈ માટે રોગપ્રતિરોધક રસીઓની શસ્ત્ર દોડને બદલે આપણે આપણાં જીવન જીવવાની રીતને નવા દૃષ્ટિકોણથી જોવાનું શીખતાં રહી શકીએ - આમ પણ રોગની સામેની પ્રતિરોધકતાની લડાઈ આપણે ખરેખર જીતી શકીશું તે કોઈને પણ પાકી ખબર છે ખરી?
આખી વાતનો સાર એ છે કે ઉત્ક્રાંતિ જેટલી હદે ગજબ વિસ્મ્યકારી લાગે છે તેટલી , સ્વઅભાવિકપણે, તે સંપૂર્ણ કે ખામીરહીત છે નહીં. તેમાં થતાં દેખાતાં દરેક અનુકૂલનમાં ક્યાંકને ક્યાંક તો, કંઈકને કંઈક તો, સમાધાન થયું જ છે. 'સર્વાઈવલ ફૉર ધ સિકેસ્ટ'નું આ જકડી રાખતું વાંચન આપણને બીમારીઓ વિશેના આપણા અભિગમને અને જનીનશાસ્ત્રનાં આપણા ં જીવનમાં મહત્ત્વ વિશેના આપણા દૃષ્ટિકોણને નવી નજરે જોવામાં માદદરૂપ જરૂર થઈ શકશે.
+         +        +
લેખકનાં અન્ય પુસ્તકો
1.     How Sex Works: Why We Look, Smell, Taste, Feel, and Act the Way We Do (published: April 2008)
2.     Inheritance: How Our Genes Change Our Lives—And Our Lives Change Our Genes (Published: April 2014)
3.     The Better Half: On the Genetic Superiority of Women (Published: April, 2020)

+         +        +
ઋણસ્વીકાર - DNVGL Business Assurance India, Sri Lanka and Bangladesh Region ના મારા સમવ્યવસાયિક સાથી  ડૉ. દિલીપ અંધારે દર મહિને વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના વિષયને લગતો એક  વીજાણુ જ્ઞાનવર્ધકપત્ર મોકલે છે. એપ્રિલ ૨૦૨૦ના તેમના પત્રમાં તેમણે હાલની પરિસ્થિતિમાં 'સર્વાઈવલ ફોર ધ સિકેસ્ટ' વિશે બહુ જ રસપ્રદ રજૂઆત કરી હતી. તેમની એ રજૂઆતને કારણે મને આ પુસ્તક વાંચવાની પ્રેરણા મળી તે માટે હું ડૉ. દિલીપ અંધારેનો ઋણસ્વીકાર કરૂં છું. ડૉ. અંધારે વ્યાવસાયિક અને પર્યાવર્ણીય આરોગ્યના ક્ષેત્રાંમાં સક્રિય તબીબ છે. - અશોક વૈષ્ણવ