Showing posts with label My Hostel Days. Show all posts
Showing posts with label My Hostel Days. Show all posts

Sunday, December 3, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - મારા હોસ્ટેલના દિવસો

 

ચોથાં વર્ષના છેલ્લા દિવસોમાં જ અમને મારા પિતાજીની બદલી નવસારી કૃષિ મહાવિદ્યાલયમાં પ્રશાસનના મુખ્ય અધિકારી તરીકે થઈ છે તે જાણ થઈ ગઈ હતી. એ વેકેશનમાં અમે નવસારીની બાજુમાં કાલિયાવાડી ગામમાં રહેવા પણ પહોચી ગયાં હતાં. 

સમસ્યા હોસ્ટેલમાં મને એડમિશન મળશે કે નહીં તે હતી. છેલ્લાં ચાર વર્ષથી જે બધા હોસ્ટેલમાં રહેતા હતા એ લોકો તો એ જ સાથીઓ સાથે રહે તે સ્વાભાવિક હતું. તેમણે તો નવાં વર્ષ માટે પોતાની રૂમ નક્કી કરી અને સામાન પણ મુકી દીધેલો. આ પરિસ્થિતિમાં મારી જગ્યા કેમ કરીને કરી શકાય એ જ સમજાતું નહોતું. પરંતુ વી પી ત્રાડા અને વાગડાના દિલમાં અમારી ચાર વર્ષની મિત્રતાએ જે એક કૂણો ખૂણો બનાવ્યો હતો તેને પરિણામે તેઓએ મોટું મન કરીને ત્રણ વ્યક્તિઓ માટેની ખુણાની રૂમ નક્કી કરી અને મારી જગ્યા કરી આપી. 

આવા સહૃદય સંગાથમાં આનંદથી વીતેલ હોસ્ટેલનાં એ વર્ષની મારી કેટલીક યાદો અહીં રજૂ કરતાં પહેલાં અશોક ઠક્કરે એક બહુ સ - રસ કિસ્સો મોકલ્યો છે તે માણીએઃ

છાશનો એક પ્યાલો

એ વખતે અમારી બસની ટુકડી જુદી હતી અને કોલેજની ગેંગ જુદી હતી. કોલેજની ગેંગ માં અશોક ઠક્કર (ઠક્કરીયો), અશોક વૈષ્ણવ (વૈષ્ણવડો), યોગેન્દ્ર શાહ (યોગલો), પ્રિયદર્શી શુક્લ (બાબિડો), ત્રાડા (ત્રાડો), વાગડા (વાગડો), અશ્વિન શાહ (અશ્વિનીયો), અનિલ મહેતા (અનીલિયો) અને બિપિન મહેતા (બીપનો) મુખ્ય હતા. આ નવ રત્નોમાં થી પહેલા ચાર અમદાવાદમાં પોતાના ઘેર રહેતા, જયારે બાકીના પાંચ હોસ્ટેલમાં રહેતા. આ કારણથી લાંબી નવરાશ હોય તો અમારો અડ્ડો મોટા ભાગે હોસ્ટેલમાં રહેતો.

હોસ્ટેલમાં જુના ગીતો સાંભળવાથી માંડી ને કેરમ રમવું, દુનિયા આખીના પ્રશ્નો હલ કરવા, નાની નાની બાબતો ઉપર ખુબ હસવું, ઠઠ્ઠા મશ્કરી કરવા, છોકરીઓની વાતો કરવી, લાગ મળે ત્યારે બાજુમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જઈને છોકરીઓ ને સીટીઓ મારવી, વિગેરે પ્રવૃત્તિઓને અમે ઈતર પ્રવૃત્તિઓ કહેતા. એક બે જણ ને વળી ઇંગ્લીશ નોવેલો વાંચવાનો વ્હેમ. એ Perry Mason ની ડિટેકટિવ નોવેલો વાંચે અને પાછા હાથમાં લઈને ઠોંસ મારતા ફરે! એક જણ તો કુતુહલતાથી કાયમ પૂછતો કે આ પેરી મેસન છે કે મેરી પેસન છે? 

અગાઉ મેં બસ સેવાનો વિકલ્પ માં  'નવ અને આડત્રીસની સાંઈઠની નબરની બસ'ની વાત કરી હતી. એ બસ બરાબર દસ વાગે અમને યુનિવર્સિટી ફેંકી દે. (એ જમાનામાં  જયારે બસ નો ડ્રાઈવર ખુબ ઝડપ થી પહોંચાડી દે ત્યારે "ઉતારી દે" એમ નહિ, "ફેંકી દે" એમ કહેવાતું). અમારો પહેલો ક્લાસ સામાન્ય રીતે દસ ને વીસે શરુ થાય. હૂં દસ વાગે બસમાંથી ઉતરી ને સીધો હોસ્ટેલના મેસ માં જતો. ત્યાં અશ્વિન શાહ, પોતાનું , જમવાનું પતાવીને, મારી રાહ જોઈને બેઠો હોય. મેસના મેનેજરને ય ખબર હોય કે ટૂંક સમયમાં અહીં બેઠેલા નંગને મળવા બીજો નંગ પધારશે. એટલે એ છાશનો એક એક પ્યાલો અમારા બંને માટે તૈયાર રાખે.

મેનેજરને પાછું મોઘમ રહેવું પડે. એટલે એ અમારા પ્રત્યેની લાગણી જરાય છતી ના થવા દે. એ એના એક માણસને ઈશારો કરે કે છાસના પ્યાલા આ ટેબલ ઉપર આપી આવ. અમારી આંખમાં આભારની લાગણીનો સ્વીકાર મેનેજરના આછા સ્મિત થી થાય. પેટ માં ઠંડક કરી ને હું ને અશ્વિન ઝડપ થી દસ ને વીસના ક્લાસમાં પહોંચી જઈએ.

થોડા વર્ષો પહેલા જયારે શાહરુખ ખાનનુંઓમ શાંતિ ઓમમુવી જોયું અને એમાં "એક ચુટકી સિંદૂર" નો ડાયલોગ સાંભળ્યો ત્યારે આ "એક પ્યાલો છાશનો " ફરી વાર યાદ આવી ગયો.

તે પછી, દુનિયામાં મલાઈદાર લસ્સીઓ  તો ઘણી પીધી, સૌરાષ્ટ્રની કાળજે ટાઢક પહોંચાડતી છાસ્યું પણ માણી, પરંતુ આ છાશના આ એક પ્યાલા આગળ એ બધા હેઠા! 

આડ વાતઃ

એ વર્ષમાં મેસમાં મારા બે મહેમાનોએ મેસનાં ભોજન ચાખ્યાં હતાં. એક મહેમાન તો હતા મારા પિતાજી. એક વખતે તેમને પોતાની ઑફિસના કામે અમદાવાદ આવવાનું હતું. એટલે રાત અમારી સાથે ગાળી અને બીજે દિવસે સવારે મેસમાં જમીને પોતાના કામ જવું એમ તેમણે ગોઠવેલું. ત્રાડા અને વાગડ તેમને અમારી મેસમાં જમડવા બાબતે ખાસ્સા ઉચાટમાં હતા. પરંતુ, મારા પિતાજીએ તેમનો કૉલેજનો અભ્યાસ એચ એલ કૉલેજ ઑફ કોમર્સની હોસ્ટેલમાં રહીને કર્યો હતો. એટલે તેમને માટે અમારી મેસમાં જમવું એ પહેલો અનુભવ નહોતો. વળી. હું જ્યારે ૧૯૬૫ - ૬૬ દરમ્યાન પ્રિ. સાયંસના અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર હતો ત્યારે તેઓ બેત્રણ વાર ત્યાં પણ જમી ગયેલા. એટલે અમારી મેસમાં તેઓ તો (અમને દેખાતી હતી એવી) કોઇ જાતની મુશ્કેલી વગર જમી ગયા. આમ પણ એચ એલની હોસ્ટેલનાં એ સમયના જમવાની સરખામણીમાં તેમણે આ બન્ને મેસના ભોજન વિશે સાનુકૂળ પ્રતિભાવ જ દર્શાવ્યો હતો !

બીજા મહેમાન હતા મારો ખાસ મિત્ર - સમીર ધોળકિયા. આમ તો એ ગાંધીનગર રહે. પણ કોઈ વાર એવું કામ આવી પડે કે ગાંધીનગરથી તેને બહુ વહેલા નીકળવું પડે એમ હોય ત્યારે એ સવારનું જમવાનું અમારી મેસમાં ગોઠવતો. પહેલી વાર જમ્યો ત્યારે મને ચીડવવા માટે કરીને તેણે ભોજનનાં પેટ ભરીને વખાણ કર્યાં. હું તો તેને ઓળખું, એટલે મે એ વખાણ પર ખાસ ધ્યાન ન આપ્યું. પણ ત્રાડાથી આટલાં બધાં વખાણ સહ્યાં ન ગયાં. તે પછી તો જ્યારે જ્યારે સમીર અમારે ત્યાં જમે ત્યારે જમણનાં વખાણ કરે અને ત્રાડાનું દિલ વધારે ને વધારે કકળે !!   

મારા હોસ્ટેલમાં આવ્યા પછી અમે 'નવરાશની પળો'ની વાનગીઓમાં થોડો ફેર કર્યો. અમે ત્રણ રૂમ પાર્ટનર્સે કેરોસીનથી ચાલતો સ્ટવ લઈ લીધેલો. એટલે હવે અમે મિત્રો ભેગા  થઈએ ત્યારે ચા જાતે બનાવીને પીવી એમ ગોઠવ્યું. ખાંડ અને દુધની ઝંઝટ તો ફાવે એમ નહોતી એટલે અમે બ્લૅક ટી બનાવીને પીવાનું નક્કી કર્યું. હું તો ચા પીતો નહીં, એટલે વળી બ્લૅક કૉફી પણ ઉમેરાઈ. જોકે અમે આમ લહેરી લાલા હતા પણ અંદરોઅંદરના વ્યવહારમાં એટલા જ ચોક્કસ હતા. એટલે (વાઘબકરી પત્તી) ચા અને (નેસ્કૅફે) કૉફીનો ખર્ચો બધા સરખે ભાગે વહેંચી લેતા.

તે ઉપરાંત ત્રાડા સૌરાષ્ટ્રના મગફળી ઉત્પાદક પ્રદેશના વતની હતા. એટલે મગફળીની સીઝનમાં તે ઘરેથી બેત્રણ થેલા ભરીને મગફળી લઈ આવે. તેની સાથે એકાદ ભીલી ત્યાં જ બનેલો તાજો ગોળ પણ હોય. એટલે જેટલા દિવસ એ મગફળી અને ગોળ ચાલે એટલા દિવસ 'નવરાશ'ના નાસ્તામાં શિંગ અને ગોળ પણ મળે. 

મેસમાં રવિવારે સાંજે ચુલો ઠંડો હોય. એટલે બધા જ ક્યાંક્ને ક્યાંક બહાર ફરવા નીકળી પડે અને પેટપૂજા કરતા આવે. મારે કારણે અમારી ત્રણ પાર્ટર્નર્સની બહુધા પસંદગી ગુજરાત કૉલેજનાં દાળવડાં ખાવાની રહેતી. અહીં પણ અમે અમારા પુરતો ફેરફાર કર્યો. વાગડાનું વતન મહેસણા બાજુ હતું. એટલે એ જ્યારે પણ ત્યાંની મુલાકાત લઈને આવે ત્યારે એકાદ બરણી તાજું ધી ભરી લાવે. અમે હવે અમારી હસ્તરસોઈકળાને ખીલવીને, દરેક આંતરે રવિવારે, એ ઘીની મદદથી રવાનો શીરો બનાવતા થયા. તેમાં મેં ઓમલેટ અને ફ્રેંચ ટૉસ્ટ પણ ઉમેર્યાં.

રવિવારની હૉસ્ટેલની બીજી ચલણી પ્રવૃત્તિ હતી ફિલ્મ જોવાની. અમે ત્રણ રૂમ પાર્ટનર્સ પણ બીજા મિત્રો સાથે આ પાર્ટીમાં જોડાતા. જોકે અહીં તો હું નોંધવા માગું છે એવી બે ફિલ્મો છે જે મેં એકલા જોઈ અને એ બદલ લગભગ બધા મિત્રોની સરખી ગાળો પણ ખાધી. પહેલી ફિલ્મ હતી, ગાંધી રોડ પર રૂપમમાં જોયેલી મૃણાલ સેનની 'ભુવન શોમ' અને બીજી હતી આશ્રમ રોડ પર નટરાજમાં જોયેલી 'ઑલીવર'. 'ઑલીવર' તો હું બપોરના ૧૨ વાગ્યાના શૉમાં જોવા ગયેલો એટલે પહેલાં તો કોઈને ખ્યાલ જ ન આવ્યો કે હું એકલો એકલો ફિલ્મ જોઈ આવ્યો છું. એ રવિવાર હતો અમારી છેલ્લી પરીક્ષાઓની વચ્ચે પડતો એક માત્ર રવિવાર. બીજે દિવસે પરીક્ષા પત્યા પછીની ચર્ચાઓ દરમ્યાન મેં હળવેકથી જાહેર કર્યું કે હું ગઈ કાલે 'ઑલીવર' જોઈ આવ્યો. બસ,પછી તો એક તો 'ઑલીવર' અને બીજું ચાલુ પરીક્ષાએ ફિલ્મ જોવી એમ બેવડા ગુના માટે મારી પર કેવી પસ્તાળ પડી હશે એ તો બધાં સમજી જ શકશે!    

હોસ્ટેલના આ મોજમસ્તી ભર્યા દિવસોનો અંત મારા અંગત પક્ષે કરુણાંત રહ્યો. હોસ્ટેલમાં આવતાં પહેલાં મેં મર્ફીનો ટ્રાંસીસ્ટર રેડીયો ખરીદ્યો હતો. બરાબર છેલ્લી પરીક્ષા પત્યા પછી રૂમ પર આવીને સામાન પૅક કરતી વખતે ધ્યાન પર આવ્યું કે એ રેડીયો તો ચોરાઈ ગયો છે. જે કોઇએ આ કામ કર્યું હતું એ એટલી સિફતથી કર્યું હતું કે આ કામ કોણે કર્યું હોઈ શકે એટલી ચર્ચા કરવાનો પણ હવે કોઈને સમય નહોતો. એટલું જ નહીં એ રેડીયો ખોઈ બેસવાનો અફસોસ કરવાનો પણ મારી પાસે સમય નહોતો! બહુ બધી બાબતોમાં આદર્શ સમા મારા મોટા કાકાના અવસાનનાં વર્ષના મધ્યમાં અનુભવેલ દુઃખ પર રીતે રેડીયો ખોવાનો થયો એ વાતે નુકસાનની પીડા ઘણી વધારે અનુભવાઈ. 

 

એલડીમાં ૧૯૬૬થી ૧૯૭૧નાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ દરમ્યાનની યાદોની આ સફર અહીં પુરી થાય છે.

હવે આ સફરનો છેડો કારકિર્દીના નવા વળાંક સાથે કેમ જોડાયો તેના પર એક પશ્ચાતવર્તી નજર કરીને  આ યાદગાથાની ઈતિ કરીશું.