Sunday, May 29, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - ઘરથી કૉલેજ અને કૉલેજથી ઘર સુધીની આવનજાવન : બસ સેવાનો વિકલ્પ

 

એલ ડીનાં એ વર્ષો દરમ્યાન એક બીજી એવી આવશ્યક પ્રવૃતિ હતી જે થતી તો તેના સ્વાભાવિક ક્રમમાં હતી, પણ જેની અમારાં પાંચ વર્ષોની યાદો સાથેની ઘનિષ્ઠ સાંકળને એ સમયે અમે બહુ મહત્ત્વ નહોતું આપ્યું. એ પ્રવૃત્તિ હતી ઘરથી કૉલેજ અને કૉલેજથી ઘર  સુધીની દરરોજની આવનજાવન.

એ સમયે આ દરરોજની આવનજાવન માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ (અમ્યુટ્રાસ)જાહેર બસ સેવાઓ અને સાઈકલ એ બે વિકલ્પો સૌથી વધારે ચલણમાં હતા. એકાદ બે કોઈ રડ્યાખડ્યા અપવાદોને બાદ કરતાં સ્કુટર પર કોઈ જ ન આવતું. હું અને મારા એ સમયનાં ગુજરાત સરકારનાં સચિવાલય અને હાલનાં પોલીટેકનીકની નજદીક આવેલ સરકારી  'એલ'કૉલોનીના કેટલાક મિત્રો ચાલતા પણ આવતા જતા. જોકે આ પૈદલ પરિવહનનો વિકલ્પ પણ અપવાદ જ કહી શકાય.

મારા વરિષ્ઠ મિત્ર, શ્રી સુરેશ જાની, અગાઉ જણાવી ગયા છે તેમ પહેલાં વર્ષમાં એ બહુ રીતે બીમાર પડ્યા. બીમારી અને તે પછીની ફરીથી સ્વાસ્થ્ય મેળવવામાં તેમના લગભગ ત્રણ મહિના વેડફાયા. તે પછી પણ જ્યારે કૉલેજ જવાનું શરૂ થયું ત્યારે સાઈકલ પર જઈ શકાય એટલી શક્તિ તો નહોતી જ મળી. એટલે એમણે બસ સેવાનો લાભ લેવાની જરૂર પડી. તેઓ જણાવે છે કે સવારે સવારે તો બેસવાની જગ્યા મળી જતી, પણ સાંજે તો અમ્યુટ્રાસની બસની સફર ત્રાસ જ પરવડતી!

આવા અપવાદરૂપ સંજોગોમાં બસની સફર જરૂર અગવડભરી લાગે. પણ તે સિવાય વિદ્યાર્થીકાળના એ દિવસોમાં તો સમુહમાં આવનજાવનની મજામાં બસની ગીર્દીની ધક્કામુક્કી કે ઊભા ઊભા પગ પર પરસેવા ઉતારવા પણ આકરૂં  નહીં  જ લાગતું હોય એમ અશોક ઠક્કરની 'નવ અને આડત્રીસની સાંઈઠની નબરની બસ' આ યાદો પરથી જણાય છે –

અમારું ઘર મણિનગરમાં છે અને ૧૯૬૬ થી ૧૯૭૧ના ગાળા દરમિયાન હું બસ લઈને યુનિવર્સિટી જતો. મણિનગરનું પરૂં ખુબ મોટું છે અને ત્યાંથી ઘણા વિદ્યાર્થીઓ મારી જેમ બસ લઈને યુનિવર્સિટી એરીયામાં જતા. એ વખતે AMTS નો વહીવટ ખુબ સારો હતો.  મણિનગરથી યુનિવર્સિટીની રેગ્યુલર ટિકિટ પચાસ પૈસાની થતી અને વિદ્યાર્થીઓ માટે ફક્ત પાંચ પૈસાની કન્સેશન ટિકિટ મળતી.

અમે એટલા બધા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી એરીયામાં જતા કે ત્રણ જુદા જુદા નંબરની બસો આ રૂટ ઉપર દોડતી - ૫૨/૨, ૫૨/૩ અને ૬૦ નંબર. એ વખતે ૬૦ નંબરની બસ રોજે ૯:૩૮ કલાકે મણિનગરથી ઉપડે અને બાવીશ મિનિટમાં બરાબર દસ વાગે યુનિવર્સિટી પહોંચાડી દે. યાદ રહે કે ૫૨/૨ અને ૫૨/૩ ની બસને ૪૫ મિનિટ થતી. પણ ૬૦ નંબરની બસ મણિનગરના સ્ટેશનથી ફુલ ભરાઈને ઉપડે એટલે બીજે ક્યાંય થોભવાનું નામ જ ના લે. બસના ડ્રાઈવર એક આધેડ ઉમરના કાકા હતા. એમની ઉમરનો તો કોઈ અંદાજ નથી, પરંતુ બસમાં આટલા બધા જુવાનિયાની સાથે એ પણ જુવાન થઇ જતા અને બસ મારી મુકતા. વળી પાછા બસની અંદરથી અમારા જેવા તોફાનીઓ કાકાને ખુબ પ્રોત્સાહન પણ આપતા. તમારે જો સાઈઠ નંબરની નવ ને આડત્રીસ ની બસ માં મુસાફરી કરવી હોય તો વહેલાસર મણિનગરના ટર્મિનસ ઉપર જઈને લાઈનમાં ઉભા રહી જવું પડે.

એ વખતની અમારી ટુકડીમાં અશોક ઠક્કર, સુરેશ દેસાઈ, મુકેશ પરીખ, મુકુલ પરીખ, ભરત દેસાઈ, ઉમેશ પરીખ, સુશાંત મહેતા, જીતેન્દ્ર શાહ, અરુણ શાહ, જીતુ ભાવસાર અને પમુ પરીખ, એટલા એલ ડી ના આપણી બેચના ભાઈઓ હતા. બીજા થોડા આપણાથી એક વરસ આગળવાળા પણ હતા અને થોડા સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ હતા. વસવસો ફક્ત એ જ વાતનો હતો કે આ બજરંગ બસમાં છોકરીઓ કોઈ ના આવતી.

આ ગ્રુપમાંથી અશોક, સુરેશ, મુકુલ અને મુકેશ એ અત્યારે અમેરિકામાં સેટલ થયા છે. ભરત દેસાઈ, જે ઇલેક્ટ્રિકલમાં હતો, તે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં છે. કમનસીબે ઉમેશ, સુશાંત અને અરુણ અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા. ઉમેશ અને સુશાંત બંને ઇલેક્ટ્રિકલમાં હતા અને અરુણ શાહ મિકેનિકેલમાં હતો.

સુશાંત મહેતાને અમે બધા મામા કહેતા. આગળ લખ્યું તેમ અમે બધા નવ ને આડત્રીસની સાઈઠ નંબરમાં જવા માટે વહેલા વહેલા જઈને લાઈનમાં ઉભા રહી જતા. પણ અમારો મામા આમાં અપવાદ હતો. અમારા બધાની સરખામણીમાં મામાનું ઘર સ્ટેશનની સહુથી નજીક હતું. પણ એને લાઈનમાં ઉભવાનો ખુબ કંટાળો આવતો. એટલે એ ઘરેથી એવી રીતે નીકળે કે બસ શરુ થઇ ને કોર્નર ઉપર ટર્ન લે ત્યારે જ મામા પ્રગટ થાય અને ડ્રાઈવર પાછો બસ ને થોડી ધીમી પણ પાડે જેથી મામા એમાં કૂદકો મારીને ચડી જાય. આ મામાનો ને ડ્રાઈવરનો રોજનો નિયમ. મને નથી યાદ કે પાંચ વર્ષમાં મામા એક પણ વખત આ બસ ચુક્યો હોય.

એક આ છેલ્લી વાત કરીને આ ચેપ્ટર પૂરું કરું. ૧૯૭૦ ની સાલમાં ડિસેમ્બર મહિનામાં રાજ કપૂરની મેરા નામ જોકર ફિલ્મ રિલીઝ થઇ. એ વખતે અમે છેલ્લાં વર્ષમાં હતા. ફિલ્મ રિલિઝ થવાના બે-ત્રણ મહિના પહેલા મેરા નામ જોકરના ગીતો રિલિઝ થયાં. પોર્ટેબલ ટેપ રેકોર્ડર હજુ ભાગ્યેજ જોવા મળતાં એવા એ દિવસોમાં એક ભાઈ હાથમાં પોર્ટેબલ ટેપ રેકોર્ડર લઈને આવ્યા અને બસમાં ચડ્યા. એ વખતે પહેલી વાર મેં એમનાં ટેપ રેકોર્ડર  પર "એ ભાઈ જરા દેખ કે ચલો" સાંભળ્યું અને હું એ ગીતનો દીવાનો થઇ ગયો. આજે પચાસ વર્ષ પછી પણ આ ગીત મારુ ફેવરિટ ગીત છે.

સવારના નવ ને આડત્રીસની સાઈઠ નંબરની બસમાં મુસાફરી કરવી એટલે એક અજબ લ્હાવો હતો. એમાં જે ધમાલ કરતા અને જોક્સ કરતા તે સુરેશ દેસાઈ આજે પણ યાદ કરે છે. 

કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન!

કૉલેજ આવનજાવનની આવી મીઠી  યાદો યાદ આવી જાય તો જરૂરથી જણાવજો તો આપણે તેને બીજાંઓની સાથે પણ વહેંચીંશું. એ દરમ્યાન હું હવે તૈયારી કરવા લાગું છું અમારી પૈદલ અને સાઈકલ આવનજાવનની યાદોની…..

4 comments:

Anonymous said...

Nostalgic. Reminded me of my similar journey to college in bus no. 47

Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળો said...

બસની સફર કરનાર લગભગ દરેકને કંઇક ને કંઈક યાદગાર અનુભવો થયા જ હોય એટલી બધી આ યાત્રાઓ ઘટનાસભર રહેતી હતી.

પરંતુ, એ સમયે આ પ્રવૃતિ જ એટલી ફરજિયાતપણે થતી કે આપણે કદાચ એ તરફ બહુ ધ્યાન ન આપ્યું હોય એટલે એ અનુભવો વિસ્મૃતિમાં અશ્મિશેષ થઈ પડેલ હોય.

Unknown said...

Incredible memories, fun, enjoying life every day, at the same time studying higher education in Engineering. Nowadays we can not remember family members' phone numbers but still can remember 50 years ago bus number and arrival time. I really enjoyed this well-written blog. (Ashok T and Ashok V)

Suresh R. Desai (srdesai@yahoo.com)

Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળો said...

સુરેશ,

તમારો પ્રતિભાવ લખી મોકલવા બદલ આભાર.

તમારી વાત સાવ સાચી છે કે એન્જિનિયરિંગનું ઉચ્ચ ભણતર ભણતાં ભણતામ કેટકેટલી નાની નાની મજાઓ કરી અને એ સમયને માણ્યો.

કમનસીબે એ મજાઓ એ સમયે ભણતરની સરખામણીમાં ગૌણ પ્રવૃત્તિ હતી, તેથી તેની યાદો વિસરાઈ ગઈ.

૫૦ વર્ષ પછી આપણે રીમોટ સંદર્ભમાં એકઠા થઈ શક્યા એટલે ઢબુરાઈ ગયેલી અમુક યાદોને તાજી કરી શકાઇ છે. જોકે આ તો હિમશીલાની ટોચ માત્ર જ છે.

આગળ જતાં જે જે વિષય પરની જે કંઈ યાદો તાજી થાય તે જરૂરથી જણાવજો.

અશોક વૈષ્ણવ