૨૦૧૩ના વર્ષની આ વાત હશે. વેબ ગુર્જરી સાથે જોડાયે મને હજુ થોડા મહિના જ થયા હતા. એક દિવસ જુગલકિશોરભાઈ વ્યાસે મને કહ્યું કે તેમના એક મિત્ર વલીભાઈ મુસાએ કેટલાક સાહિત્યકારોનું પોતાને ત્યાં એક મિલન ગોઠવ્યું છે, તમે પણ આવો. સાહિત્ય સાથેનો મારો સંબંધ એક વાચકથી વિશેષ નહીં, એટલે મારો પહેલો પ્રતિભાવ તો ચોખ્ખી ના જ કહેવાનો હતો. પરંતું જુગલકિશોરભાઈના પ્રેમભર્યા આગ્રહે મને પલાળી નાખ્યો અને મેં, આખરે, સાથે જવાની હા પાડી.
એમનાં આમંત્રણને સ્વીકારવામાં અનુભવેલ ભારે અચકાટની મારી વાત મેં વલીભાઈને પણ પહેલી
જ મુલાકાત વખતે કહી. તેઓએ મારી કેફિયત બહુ
જ શાંતિથી સાંભળી અને પછી તેમનાં ટ્રેડમાર્ક કહી શકાય એવાં મર્માળુ સ્મિત સાથે મને
બીજાં આમંત્રિતોની સાથે વાતોમાં ભેળવી દીધો. તે પછી તો જ્યારે જ્યારે વલીભાઈ આવાં
મિલનો ગોઠવે ત્યારે મને પણ અચૂક બોલાવે જ. પણ બહુ અપવાદરૂપ કિસ્સાઓ સિવાય મેં તેમને
ખરાબ ન લાગે તેવાં બહાનાં કાઢીને ના જ કહી. મારાં આવાં વર્તન છતાં તેમણે ક્યારે પણ
આમંત્રણ આપવાનું બંધ ન જ કર્યું.
એ પછી તો વેબ ગુર્જરીનાં સંપાદન મંડળમાં ઘણાં વર્ષો સાથે રહેવાની અને કામ કરવાની
તક મળી. પરંતુ વલીભાઈ મારી તાસીર બરાબર સમજી ગયા હતા, એટલે જૂજ અપવાદ રૂપ કિસ્સાઓ સિવાય તેમણે મારી સાથેનો
વ્યવહાર નિયમિતપણે ચાલતી ઇ-મેલને આપલેથી જ ચલાવ્યો.
આટલું જ લખીને અટકી જઈએ તો એમ જણાય કે અમારો સંબંધ માત્ર ઔપચારિક સ્તરે જ રહી
ગયો હશે. સામાન્યપણે મારા ઇ-મેલમાં હું તો ખપ પુરતી વાત સાવ જ ટુંકેથી કરવાવાળો
રહ્યો. એટલે, વાત જો મારા પક્ષની જ હોત તો કદાચ એમ થયું પણ હોત. પણ સામે
પક્ષે તો વલીભાઈ હતા ! તેમણે એ સબંધમાં એક એવી અનોખી ઉષ્માની અનુભૂતિ મેળવી રાખી
હતી કે એકબીજાના સીધા સાદા ઇ-મેલમાં પણ તે ભાવ દેખાયા વિના ન રહે.
આજે હવે જ્યારે વલીભાઈની નશ્વર હાજરી નથી રહી ત્યારે પાછળ વળીને જોતાં તેમનાં
વ્યક્તિત્વનું આ અનોખું પાસું મારી સામે
ઊભરી આવે છે. વલીભાઈ સંબંધ રાખવાવાળા હતા, પણ તે સાથે તેઓ સંબંધોના
પારખુ પણ હતા. કોઈ પણ સંબંધને એ સામેવાળી વ્યક્તિના પ્રતિસાદ અને વ્યવહારની
સીમામાં બહુ સરળતાથી ગોઠવી શકતા. મને લાગે છે કે જે સંબંધ રાખવા જેવા નથી એવી તેમને
સ્પષ્ટ સમજ પણ થઈ ગયા પછી પણ એ સંબંધને
તોડી નાખવા કરતાં ધીમે ધીમે આપમેળે ઘટવા દઈને એક સ્વાભાવિક ક્રમમાં તેઓ બંધ થઈ જવા
દેતા હશે.
આમ કહું છું ત્યારે એ પણ યાદ આવે છે કે તેઓ પોતાને જે વાત સાચી લાગે છે તે
સામેવાળાને તડને ફડની રીતે ન કહેતા. પણ તેઓ જે કહેવા માગે છે તેનો ભાવ તેમની શૈલી
અને શબ્દોમાં સાવ અછતો પણ ના રહેતો. બહુ થોડા સમયમાં જ વેબ ગુર્જરીના મારા જેવા જ
સ્વભાવવાળા અન્ય મિત્રોને તેમનાં આ
વ્યક્તિત્વના આ પાસાંની સમજ તો પડી ગઈ હતી. પણ મારી જેમ એ સમયે એમને પણ લાગતું કે
વલીભાઈ તેમનું મંતવ્ય, તેમની લાગણી, વધુ પડતી નરમ રીતે કહી રહ્યા છે. જોકે પછી તો એવા ઘણા
પ્રસંગો બન્યા જ્યારે તેમની આવી દેખાતી નરમાશ પાછળની તેમની વિચારસરણીની સ્પષ્ટતાને તેઓ બહુ જ સરળતાથી
વ્યવહારમાં પણ મૂકી શકતા જોવા મળ્યા.