Showing posts with label Shishir Ramavat. Show all posts
Showing posts with label Shishir Ramavat. Show all posts

Tuesday, February 5, 2013

"મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે" - શિશિર રામાવત


છેલ્લાં દોઢ વર્ષ સુધી 'ચિત્રલેખા'ની ધારાવાહિક નવલકથાની પરંપરાને ઉજાગર કરતી શિશિર રામાવતની "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"નું કથાનક સ્ત્રી દેહ વિક્રય વેપાર, સાજાં સારાં માનવી પર આવી પડતી અકલ્પિત શારીરીક અક્ષમતા અને સમયની સાથે,જાણ્યે-અજાણ્યે, પલટાતા માનવમનના આંતરપ્રવાહો જેવાં સંકુલ કથાબીજના ત્રિકોણીય પાયા પર છેલ્લાં દોઢેક વર્ષથી વહેતું રહ્યું છે.. 
જો કે તે માટે લેખકે, તેમના પત્રકારત્વના અતિજિજ્ઞાસુ અનુભવ અને હેતુલક્ષી અભિગમને કામે લગાડીને જે  ચીવટપૂર્વકનું સંશોધન અને વ્યાપક ફીલ્ડ વર્ક કર્યું છે, તે મહેનતને કારણે કથાનકનું પોત જેટલું રસપ્રદ બન્યું છે, તેટલું જ જીવંત પણ બન્યું છે.
નવલકથાનો કથાપ્રવાહ પ્રારંભ, મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં, અનેક ચટ્ટાનો અને વળાંકો વચ્ચેથી, ધસમસતો રહે છે.
પ્રથમ ભાગમાં નિહારીકાને દેહવિક્રયના વેપારમાટે 'કાચા માલ'રૂપી છોકરીઓના પુરવઠાની શ્રુંખલામાં પ્રવૃત ટોળકી દ્વારા  ઉપાડી જવું, તેને કારણે તેનાં માનસ પર પડેલા ઘાનું સમય સમયે તાજા થતું રહેવું, ઓમનો પોતાના ઍડવર્ટાઇઝીંગ વ્યવસાય પ્રત્યેનો સ્વસ્થ અને પુખ્ત અભિગમ, નિહારીકા તરફ પરિણયથી માંડીને લગ્નજીવન સુધી ઉદારચરિત લાગણીશીલ લગાવ, મંદિરાની જીવન પ્રત્યે આક્રમક અલ્લડતાની  સાથે વિવેકની પૌરૂષમય અકળ ઝીંદાદીલીનું સંયોજન જેવી પાત્રલેખનાત્મક ઘટનાઓની હારમાળાની મદદથી લેખક કથાનકના પ્રથમ ભાગમાં મુખ્ય પાત્રોનાં  વ્યક્તિત્વોને સુગઠિત કરવાની સાથે સાથે ધારાવાહિકના દરેક હપ્તામાં કથાનકને વિશાળ મંચ પર રમતું મુકી દેતા જણાય છે. લાગણી સભર સંવાદો, ચીવટથી કરેલાં સુરેખ વર્ણનો તેમ જ વર્તમાન અને ભૂતકાળને જોડવામાટે ફ્લેશબેકના સમયોચિત ઉપયોગની મદદથી લેખકે દરેક હપ્તાના ઘટનાક્રમને રસવંતો, અને વેગવંતો, રાખવામાં પણ સફળતા મેળવી છે.
કથાનકના મધ્યભાગમાં પ્રવેશમાટે લેખકે કથાને દસ-પંદર વર્ષનો કુદકો મરાવી દેવાનો  પ્રયોગ કર્યો છે.આ તબક્કે કથાનકના ફલકનું કેન્દ્ર નિહારીકાનું વ્યાવસાયિક જીવન બની રહે છે.વ્યાવસાયિક જીવનની વ્યસ્તતા અને સફળતાને કારણે જન્મી ચૂકેલ અહંને કારણે નિહારીકા ઓમથી લાગણીના સંબંધે દૂર થતી રહે છે. પ્રથમ ભાગમાં ઓમ અને નિહારીકાનાં પાત્રોની સંવેદીનશીલતાને લાગણીની પુખ્તતા સાથે વણાતી અનુભવી હોવાથી નિહારીકાના સ્વભાવમાં આ પ્રકારનું પરિવર્તન થોડું અચરજ જરૂર પેદા કરે. જો કે સમયની સાથે સાથે વ્યક્તિના સ્વભાવમાં કોઇ ફેરફાર ન જ થાય એમ કહેવાનો આશય નથી. પણ જે પાત્રને કથાનકના પ્રારંભના ભાગમાં એક ઠરેલ, બુધ્ધિશાળી અને લાગણીશીલ વ્યક્તિ તરીકે જોયું હોય, તેના સ્વભાવમાં આવા ધરમૂળના ફેરફારને થતા જોવાનો અવકાશ આપણને  આ મધ્ય ભાગમાં ન મળતો હોવાથી, આપણે નિહારીકાનાં પાત્રને સમજવામાં કશે ભૂલ તો નથી કરી રહ્યા ને એવું જણાયા કરે છે.
ખૂબ જ ઝડપથી બનતી રહેતી ઘટનાઓ સમજવામાં વ્યસ્ત, કોઇ કોઇ, વાચક તો નિહારીકાના વ્યક્તિત્વમાં આવેલ આ પરિવર્તનને પારખી પણ ન શકે એવું પણ કદાચ બને. તે જ રીતે, પોતાનો ઍડવર્ટાઇઝીગનો સફળ અને વ્યસ્ત વ્યવસાય હજૂ જ્યારે પૂર્ણ કળાએ ખીલેલો છે ત્યારે તેમાંથી ઓમની (અકાળ) નિવૃત્તિ પણ કદાચ સામાન્ય વાચકને ગળે ન ઉતરે. પરંતુ, વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ સફળતા મેળવી ચૂકેલ,આજની ચાળીસી પાર કરેલી પેઢીમાં આ બન્ને પ્રકારની મનોદશા જોવા મળે છે અને એ જ પેઢીના આ કથાના  લેખકે આજના પ્રવર્તમાન સામાજિક પ્રવાહનું પ્રતિબિંબ ઝીલી લીધું છે.
કથાનકના મધ્ય ભાગમાં પેદા થતી આવી અવઢવની સાથે સાથે, ડોલી એ મંદિરા જ છે તે જાણ્યા પછી તેને નિહારીકાનાં આંતર્‍ અને બાહ્ય જીવનની રજેરજની ખબર કેમ મળતી રહે છે, સભ્ય સમાજની સ્વિકૃત વ્યવસ્થાને આટલી હદે વળોટી ગયેલા નિશાંતની વાત જેસિકા નિહારીકાને બહુ જ મોડું થઇ ગયા પછી શા માટે કહે છે એવા સવાલો પણ વાચકના મનમાં પેદા થતા હશે.
આમ મધ્યભાગમાં કથાનક તેની દિશા ભુલી તો નથી રહ્યું ને તેવો વિચાર આવે ત્યાં સુધીમાં તો લેખક, બહુ જ સલુકાઇથી, કથાના અંતનો આરંભ કરી દે છે. અને કથાનો અંત ભાગ તો કોઇ ઍકશન-થ્રીલરની અદાથી વાચકને ચારે બાજૂએથી બનતી દિલધડક ઘટનાઓની જેમ ઘેરતો રહે છે. રહસ્યકથા લેખકના સ્વાંગમાં રમી રહેલા આપણી કથાના લેખકે દરેક વાચકને હવે પછીના અંકની ઉત્કટ જીવે રાહ જોતા જરૂર કરી દીધા હશે.
આમ, દીર્ઘ સમય સુધી ચાલવા છતાં વાચકને ઝકડી રાખતી ધારાવાહિક નવલકથા(ઓ) આપવાની પરંપરાનાં કીર્તિમાનને  "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"એ ચાર આંગળ ઉંચાં લઇ જવામાં તો સફળતા મેળવી છે જ. તે સાથે તલસ્પર્શી સંશોધન અને વ્યાપક ફીલ્ડવર્કના આધાર પર નવલકથાનાં સર્જન કરવાની આધુનિક રીતને ગુજરાતી સાહિત્યમાં રૂઢ કરવામાં પણ "મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે"નું આગવું યોગદાન રહેશે એમ મારૂં માનવું છે.
મને અજવાળાં બોલાવે... મને અંધારાં બોલાવે" ની શૈલી ધારાવાહિક સ્વરૂપે રજૂ કરવામાં અસરકારક રહી છે, તેથી હવે તેને જ્યારે પુસ્તકનાં સ્વરૂપે પ્રકાશીત કરાશે, ત્યારે લેખક આ કથાનકની રજૂઆતમાં કોઇ (અથવા કયા) ફેરફારો કરશે, તે જાણવામાટે રાહ જોઇએ.