Showing posts with label Dusted Off. Show all posts
Showing posts with label Dusted Off. Show all posts

Sunday, August 7, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૫)



૧૬-૪-૨૦૧૬ના મણકાથી શરૂ થયેલ જાણીતાં ગીતોને પરદા પર રજૂ કરતાં ઓછાં જાણીતા કળાકારોની ઓળખ સફર -૫-૨૦૧૬ના અંક આગળ વધાર્યા પછી હરીશભાઈ રઘુવંશીએ ૪-૬-૨૦૧૬ના રોજ આપણે માત્ર મુકેશના સ્વરમાં જ ગવાયેલાં ગીતોને રજૂ કરનારા કળાકારોનો પરિચય કરાવ્યો. એ જ દિશામાં ૨૪-૭-૨૦૧૬ના રોજ આપણે મન્ના ડેનાં વિશિષ્ટ ગીતોને સાંભળ્યાં જેને રજૂ કરનાર કળાકારો બહુ જાણીતાં નથી થયા. એ કળાકારોની ઓળખ આજના અંકના અંતમાં કરીશું.
એક સમયે જ્યારે જ્હોની વોકરનો સીતારો બુલંદ હતો ત્યારે તેમના માટે એક ગીત તો ફિલ્મમાં હોય જ. આ પ્રકારનાં ગીતો માટે મોટા ભાગે મોહમ્મદ રફીના સ્વરનો જ ઉપયોગ થતો. જેમ જેમ મહેમુદ એક પ્રભાવકારી કોમેડીઅન તરીકે પ્રસ્થાપિત થતા ગયા તેમ તેમ એમનાં ગીતો માટે મન્ના ડેનો સ્વર વપરાતો થયો. શરૂ શરૂમાં આ શ્રેણીમાં રચાયેલાં ગીતો ગીત તરીકે અનોખું સ્થાન પણ કંડારી ગયાં.
આજે આપણે મન્નાડેનાં એવાં ગીતોને પસંદ કર્યાં છે, જે વિશિષ્ટ છે, જેની રચનામાં શસ્ત્રીય રાગનો આધાર પણ લેવાયો છે, પરંતુ એ ગીતો ફિલ્મમાં, મૂળભૂત રીતે, એક કોમેડી સીચ્યુએશનમાં મૂકાયેલ છે.
શરૂઆતમાં આ ગાયન પ્રકારની કેડી કંડારવાનું શ્રેય જે ગીતોને આપી શકાય તેવાં ગીતો સાંભળીએ. આ ગીતોને પર્દા પર રજૂ કરતા કળાકારો બહુ જ નામી કોમેડીઅન છે. આમ આ ગીતોને પોતાની આગવી ઓળખ આપવામાં પર્દા પર રજૂ કરતા કળાકાર, સંગીતકારની આગવી સૂઝ અને ફિલ્મની સફળતા એવાં અનેક પરિબળોએ પોતપોતાનો ફાળો પણ નોંધાવ્યો છે.
મામા હો મામા - પરવરીશ (૧૯૫૮) - મન્ના ડે, મોહમ્મદ રફી - સંગીતકાર: દત્તારામ - ગીતકાર: હસરત જયપુરી
મન્ના ડેના સ્વરને પર્દા પર રાજ કપૂર અને મોહમ્મદ રફીના સ્વરને મહેમુદે જીવંત કરેલ છે. રાજ કપૂરની નૃત્ય પરની હથોટીને પણ દાદ તો દેવી પડશે...

અરે હટો કાહેકો જૂઠી બનાઓ બતીયાં - મંઝિલ (૧૯૬૦) - મન્ના ડે - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
મહેમૂદે ગીતના દરેક ભાવને બેઠાં બેઠાં જ નૃત્યની અલગ અલગ અંગભંગિઓમાં જે અદાથી પેશ કરેલ છે તે આવનારા સમયમાં તેમના કોમેડીઅન તરીકેની બુલંદીનાં ડંકા નિશાન રૂપ છે.

આડવાતઃ
આમ તો આ બંદીશ આપણી 'એક બંદીશ, અનેક સ્વરૂપ' શ્રેણીમાં હાજરી પૂરાવવા માટે પોતાની ઉમેદવારી નોંધાવે છે. અહી આપણે ગુલામ અલીની એક રજૂઆત સાંભળીને આપણે જે ગીતની વાત કરીએ છીએ તેનો ફિલ્મમાં ઉપયોગ થવા છતાં પણ તેની ખૂબીઓનો અંદાજ કેવો જાળવી રખાયો છે તેની નોંધ લઈશું.


કિસને ચિલમન સે મારા નઝ઼ારા મુઝે - બાત એક રાત કી (૧૯૬૨) - મન્ના ડે - સંગીતકાર: એસ ડી બર્મન - ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ફિલ્મનાં જ્હોની વૉકર પર ફિલ્માવાયેલાં બીજાં બધાં ગીતો જ્હોની વોકરની હવે તેમની અપેક્ષિત થઈ ચૂકેલ શૈલીમાં મોહમ્મદ રફીએ ગાયાં છે. પરંતુ કવ્વાલીની અનોખી બાંધણીમાં રચાયેલ આ ગીત માટે બર્મનદાએ મન્ના ડેને યાદ કર્યા છે.
ફૂલ ગેંદવા ન મારો, લગત કરેજવામેં ચોટ - દૂજ કા ચાંદ (૧૯૬૪) - સંગીતકાર: રોશન - ગીતકાર : સાહિર લુધ્યાનવી
મન્ના ડેના સ્વરનો ઉપયોગ કોમેડી સિચ્યુએશનમાં જ્હોની વૉકર અને મહેમુદ સિવાય અન્ય કલાકાર પર કરાયો, અને અત્યંત સફળ પણ રહ્યો. 

આડવાત:
આ પહેલાં પણ સાહિર લુધ્યાનવીએ 'ફૂલ ગેંદવા ન મારો'ને એક રોમેંટીક સિચ્યુએશનમાં સચિન દેવ બર્મનનાં સંગીતમાં આશા ભોસલેના સ્વરમાં 'ફંટૂશ' માટે પ્રયોજેલ. પણ એને  'દૂજકા ચાંદ' જેવી સફળતા નહોતી મળી.


અને મૂળ રાગ ભૈરવીમાં રસૂલન બાઈએ ગાયેલ ઠુમરી સાંભળીશું તો ફિલ્મ માટે તેમાં કરાયેલ ફેરફારને સમજી શકાશે.

આમ આ પ્રકારનાં - શાસ્ત્રીય મૂળ પર રચાયેલ કોમેડી ગીતો - માટે મન્ના ડે ફીટ થઈ ગયા. જો કે શરૂઆતમાં જે ગીતો આવ્યાં તે એટલાં નાવીન્યપૂર્ણ અને અનોખાં હતાં કે મન્નાડેના ચાહકોને કોઈ જ ફરિયાદ નહોતી.
પૈસા નહીં હોતા જો યે .....ઐસા મૈં નહીં હોતા - સૌતેલા ભાઈ (૧૯૬૨) - મન્ના ડે, અનિલ બિશ્વાસ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: શૈલેન્દ્ર
ગાયકીની દૃષ્ટિએ ખાસું અઘરૂં  ગીત.
હૈ બહોત દિનોંકી બાત - ભાભી (૧૯૫૭) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
નૌટંકીની શૈલીમાં રચાયેલી એક મજેદાર રચના
ફિર વોહી દરદ હૈ ફિર વોહી જિગર - અપરાધી કૌન (૧૯૫૭) - મન્ના ડે – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
રહસ્ય ફિલ્મોમાં પણ ગીત માટેની સીચ્યુએશન માટે કોમેડી ગીત તો ચાલી જાય !
હૈ પ્યાર કે દો મતવાલે એક હમ હૈ ઔર એક તુમ - અપરાધી કૌન (૧૯૫૭) - મન્ના ડે, ગીતા દત્ત – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ રહસ્ય ફિલ્મમાં બબ્બે ગીતો તો કોમેડી સીચ્યુએશન પર ફિલ્માવાયાં છે. ખેર, આપણને તો મતલબ છે ગીત માણવાથી અને કલાકારો ઓળખવાથી.... 

જા રે બેઈમાન તૂઝે દેખ લિયા જા - પ્રાઈવેટ સેક્રેટરી (૧૯૬૨) – સંગીતકાર: ડી. દિલીપ – ગીતકાર: પ્રેમ ધવન
ફરી એક વાર છ્દ્મ વેશનો આશરો. ફિલ્મમાં સાથે કામ કરતાં, વિરોધી છાવણીનાં, લોકો છદ્મવેશીને ભલે ન ઓળખી શકે, પણ આપણે તો ઓળખી જ ગયાં છીએ.
હા, અને આ ડી. દિલીપ એટલે ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે બહુખ્યાત (હવે સ્વ.) દિલીપ ધોળકિયા એ પણ આપણને ખબર જ છે !

ઓ ગોરી તોરી બાંકી બાંકી - આધી રાત કે બાદ (૧૯૬૫) - મન્ના ડે – સંગીતકાર: ચિત્રગુપ્ત ગીતકાર: પ્રેમ ધવન

ફરી એક વાર રહસ્ય ફિલ્મમાં એક કોમેડી ગીત !


આડવાતઃ

આ ફિલ્મમાં સંગીત નિદર્શનમાં સહાયક દિલીપ ધોળકિયા હતા. તેમણે બહુ ફિલ્મોમાં ચિત્રગુપ્તના સહાયક તરીકે કામ કર્યું હતું. તે પછી ખાસા સમય માટે તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલના સહાયક તરીકે પણ કામ કર્યું હતુ.



આજના વિષયના વ્યાપને ધ્યાનમાં લઈએ તો પણ મન્ના ડેનાં આ પ્રકારનાં ગીતો તો જેટલાં યાદ કરો તેટલાં મળી આવે. પરંતુ,  આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, ૨૪-૭-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાંના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-



હવે પછીના અંકમાં બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોના સાવ જ અજાણ બની રહેલ કળાકરો સાથેની સફર ચાલુ રાખીશું.
 આભાર નોંધ: “આન મિલો આન મિલો શ્યામ સાંવરે”ને પર્દા પર ભજવનાર કળાકારો માટેની માહિતી શ્રી હરીશભાઈ રઘુવંશીએ પૂરી પાડી આપી છે.શ્રી હરીશભાઈનો હાર્દિક આભાર.

Sunday, July 24, 2016

જાણીતાં ગીતોનાં ઓછાં જાણીતાં કળાકારો (૪)



આપણે ૧૬-૪-૨૦૧૬ના મણકામાં આપણે પ્રસ્તુત વિષયનો પરિચય કર્યો હતો. તે પછી -૫-૨૦૧૬ના અંકમાં આપણે આપણી સફરને આગળ ધપાવ્યા પછી શ્રી હરીશભાઈ રઘુવંશીએ  ૪-૬-૨૦૧૬ના રોજ આપણને મુકેશનાં જાણીતાં ગીતોના પરદા પર ઓછા જાણીતાં કળાકારો સાથે મેળાપ કરાવી આપ્યો. એ ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકારોની ઓળખાણ આજના આ લેખના અંતમાં થઈ શકશે.
આજે આપણે હવે એ જ રીતે મન્ના ડેના સ્વરમાં ગ્વાયેલ ગીતોના પર્દા પર ઓછા જાણીતા કળાકરોની વાત કરીશું.
મન્ના ડે એક એવા સક્ષમ પાર્શ્વગાયક હતા જેમના અવાજની ખૂબીઓ તેમને કોઈક જગ્યાએ વાણિજ્યિક સફળતાનાં ધોરણોને પાર કરવામાં નડી ગઈ. જેમ કે, તેઓ શાસ્ત્રીય ગાયનમાં નિપુણ હતા, એટલે એ સિવાયની સીચ્યુએશનમાં તેમનો બહુ ઉપયોગ કરવામાં સંગીતકારો પાછળ રહી જતા હતા. તેમના અવાજમાં એક એવી ખૂબૂ હતી જે સામાન્ય લોકો માટે ફરીથી ગાવામાટે તેમણે ગાયેલી ધુન મુશ્કેલ બનાવી દેતી. આ કારણે જે સુગેય, સરળ રચનાઓ હતી તે ગીતો જેમને સ્વરની સીમાઓ નડતી તેવા ગાયકોને ફાળે પહોંચી જતી. એટલે પછી એમ કહેવાતું કે મન્ના ડેનાં ગાયેલાં ગીતો સારાં બહુ, પણ લોકપ્રિય ઓછાં થાય !!
ખેર આપણો વિષય આ ચર્ચાનો નથી. પણ તેમના અવાજની આવી ખૂબીઓને કારણે તેમનાં બહુ ઘણાં ગીતો એવાં હતાં જે સામાન્ય સિચ્યુએશનમાટે ન રચાતાં. એટલે આવાં ગીતોને પર્દા પર રજૂ કરનાર કળાકાર પણ અસામાન્ય - એટલે કે પ્રથમ હરોળનાં નાયક/ નાયિકાઓ ન હોય - હોય તેવું પણ બહુ વાર થતું. બસ, આ છે આપણો વિષય......
ચલી રાધે રાની અખિયોંમેં પાની અપને મોહનસે મુખડા મોડ કે - પરિણીતા (૧૯૫૩) - મન્ના ડે - સંગીતકાર : અરૂણકુમાર મુખર્જી -  ગીતકાર:  ભરત વ્યાસ
બંગાળની બૌલ લોક ગીતની આગવી શૈલીમાં રચાયેલું છે. ફિલ્મમાં તેનાં બે વર્ઝન છે જે આ એક જ ક્લિપમાં સાંભળવા મળે છે.


ખરૂં કારણ નથી જાણવા મળ્યું કે આ ગીતને ગીતા દત્તના સ્વરમાં શા માટે રેકર્ડ કરવામાં આવ્યું હતું. 

આન મિલો આન મિલો શ્યામ સાંવરે - દેવદાસ (૧૯૫૫) - ગીતા દત્ત, મન્ના ડે – સંગીતકાર: સચિન દેવ બર્મન ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ પણ બૌલ શેલી પરની રચના છે. એક બહુ જ કર્ણપ્રિય યુગલ ગીત.

કેતકી ગુલાબ જૂહી ચંપક બન જૂલે - બસંત બહાર (૧૯૫૬) - પંડિત ભીમસેન જોશી, મન્ના ડે – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર

શંકર જયકિશનની પ્રસ્થાપિત થઈ ચૂકેલ લોકપ્રિયતાને 'બસંત બહાર'નાં શાસ્ત્રીય રાગ પર આધારીત ગીતોએ અનોખો આયામ બક્ષ્યો. તેમાં પણ અજાણ કહી શકાય તેવા કળાકાર માટે અને તે પણ સ્પર્ધામાં હારી જવાની સ્થિતિમાં મુકાવાનું છે તેમ નક્કી હોવા છતાં એ પ્રકારની સીચ્યુએશનમાં પંડિત ભીમસેન જોશીની કક્ષાના ગાયકનો સ્વરપ્રયોગ કરવો એ બહુ મોટી વાત કહી શકાય.



ન તો કારવાં કી તલાશ હૈ, ન તો હમસફરકી તલાશ હૈ - બરસાતકી રાત (૧૯૬૦) - મન્ના ડે, એસ ડી બાતિશ, આશા ભોસલે, સુધા મલ્હોત્રા, મોહમ્મદ રફી અને સાથીઓ – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી

હિંદી ફિલ્મમાં કવ્વાલીઓનું સ્થાન અદકેરું રહ્યું છે. આ કવ્વાલી તો તાજ પરનો હીરો ગણાય છે.



તુમ જો આઓ તો પ્યાર આ જાયે, જિંદગીમેં બહાર આ જાયે - સખી રોબીન (૧૯૬૨) - મન્ના ડે, સુમન કલ્યાણપુર – સંગીતકાર: રોબીન બેનર્જી ગીતકાર: યોગેશ ગૌડ

કેટલું મધુરૂં યુગલ ગીત...


લાગા ચુનરીમે દાગ છુપાઉં કૈસે - દિલ હી તો હૈ (૧૯૬૩) - મન્ના ડે – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી  
શાસ્ત્રીય થાટ પર મન્ના ડે ગાયેલ અનેક રચનાઓમાંથી બહુ જ લોકપ્રિયતા પામેલી રચનાઓ પૈકી એક. મૂળ ગીતના પરદા પર ગાયક તો રાજ કપૂર છે એ તો આપણને તેમના છદ્મવેશ ઉપરાંત પણ ખબર પડી જ ગઈ છે. થિયેટરમાં બેઠેલાં બધાંને જ ખબર પડે કે વેશ બદલેલ કળાકાર કોણ છે, પણ ફિલ્મમાં કોઈને જ ખબર ન પડે!

પૂછો ન કૈસે મૈને રૈન બીતાઈ - મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩) – સંગીતકાર: સચિન દેવ બર્મન ગીતકાર: શૈલેન્દ્ર 

ગીતના પહેલા ભાગમાં પિતા બાળક અશોક કુમારને સંગીતના પાઠ ભણાવે છે. બાળકના સ્વરની એક પંક્તિ કોઈ સ્ત્રી ગાયિકા પાસે ગવડાવાઈ છે, પણ તેનું નામ ક્રેડીટ્સમાં નથી.
ચલત મુસાફિર મોહ લિયો રે પીંજરેવાલે મોનિયા - તીસરી કસમ (૧૯૬૪) - મન્ના ડે અને સાથીઓ – સંગીતકાર: શંકર જયકિશન  - ગીતકાર: શૈલેન્દ્ર

રાજ કપૂર તો આવીને ગીતની મજા માણવામાં એક નાનાં સાં વાદ્યથી તાલ આપવાનો ફાળો આપે છે.


ઉસકો નહીં દેખા હમને કભી, પર ઈસકી જરૂરત ક્યા હોગી, અય માં તેરી સૂરત સે અલગ ભગવાનકી સૂરત ક્યા હોગી - દાદીમા (૧૯૬૬) - મન્ના ડે અને મહેન્દ્ર કપૂર – સંગીતકાર: રોશન ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીતમાં મા તરીકે ૧૯૫૩ની ફિલ્મનાં અનારકલી છે.

જીવનસે લમ્બે બંધુ યે જીવનકે રસ્તે - આશીર્વાદ (૧૯૬૮)- મન્ના ડે – સંગીતકાર: વસંત દેસાઈ ગીતકાર: ગુલઝાર
મન્ના ડેના સ્વરની બધી જ ખૂબીઓ અહીં સાંભળવા મળશે.


કાલ કા પહિયા ઘૂમે ભૈયા લાખ તરહ ઈન્સાન ચલે - ચંદા ઔર બીજલી (૧૯૬૯) – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: નીરજ

આ ગીત મહદ અંશે બેકગ્રાઉન્ડમાંથી ગવાય છે એમ પણ કહી શકાય 



બલમા મોરા આંચરા - સંગત (૧૯૭૬) - મન્ના ડે, લતા મંગેશકર – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: યોગેશ

છે તો આ કળાકારો ફિલ્મનાં મુખ્ય કળાકારો પણ તેઓનાં  નામ હજૂ લોકજીભે ચડ્યાં નથી.



તેરી ગલીયોંમેં હમ આયેં - મિનૂ (૧૯૭૭) - મન્ના ડે, અંતરા ચૌધરી – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: યોગેશ

સલીલ ચૌધરીની કારકીર્દીના અંતકાળ કહી શકાય તેવાં વર્ષોમાં પણ તેઓ આવાં અદ્‍ભૂત ગીતો આપણને આપી ગયા છે.

આજના વિષયના વ્યાપને ધ્યાનમાં લીએ તો પણ મન્ના ડેનાં આ પ્રકારનાં ગીતો તો જેટલાં યાદ કરો તેટલાં મળી આવે. પરંતુ,  આજ પૂરતો અહીં વિરામ લેતાં પહેલાં, ૪-૬-૨૦૧૬ના મણકામાં રજૂ થયેલ ગીતોમાના જે કળાકારોને ઓળખી શકાયા છે તે આ મુજબ છે-

  • મૈં જાનતી હૂં, તુમ જૂઠ બોલતે હો- મેમ દીદી (૧૯૬૧), લતા મંગેશકર, મુકેશ – સંગીતકાર: સલીલ ચૌધરી ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકાર : તનુજા કે સી મેહરા, ડેવીડ અબ્રાહમ, જયંત

  • સપનોંમેં મેરે કોઈ આયે જાય, ઝલકી દિખાયે ઔર છૂપ જાયે - પૂનમકી રાત (૧૯૬૫) - લતા મંગેશકર અને ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર કળાકારો : મનોજ કુમારની સાથે બીજા અંકમાં ફિલ્મ 'લાડલા'નાં ગીતમાં આપણે પરિચય કરી ચૂક્યાં છીએ તે કુમુદ છુગાની અને અંતરામાં @૨.૨૧ જે પ્રવેશે છે તે નંદિની

  • ઝિંદગી હૈ ક્યા ...બોલો ઝિંદગી હૈ ક્યા - સત્યકામ (૧૯૬૯) - કિશોર કુમાર, મહેન્દ્ર કપુર અને સાથીઓ સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: કૈફી આઝમી - પર્દા પર કળાકારો : અસરાની, ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર જ ઓળખાઈ શકાયા છે

  • હાલ ચાલ ઠીક ઠાક હૈ, સબ કુછ ઠીક ઠાક હૈ - મેરે અપને (૧૯૭૧) - કિશોર કુમાર અને સાથીઓ સાથે – સંગીતકાર: સલીલ ચૌધરી - ગીતકાર: ગુલઝાર - પર્દા પર કળાકારો : વિનોદ ખન્નાનાં નેતૃત્ત્વવાળી આ મિત્રટુકડીમાં પૈંટલ, દિનેશ ઠાકુર કે ડેની ડેંઝોગ્પા જેવા અમુક કળાકારો ઓળખાઈ શકે છે.

હવે પછીના અંકમાં મન્નાડેના સ્વરમાં એક બહુ જ પ્રચલિત થયેલ, પણ બહુ જ ખાસ પ્રકારનાં ગીતો દ્વારા બહુ જાણીતાં / ઓછાં જાણીતાં ગીતોમાં જાણીતા કે ઓછા જાણીતા કળાકારો દ્વારા કરાયેલ વિશિષ્ઠ અદાયગી સાથેની સફર ચાલુ રાખીશું……………