અજિત મર્ચંટ (જન્મ: ૧૫ - ૮- ૧૯૨૫ । અવસાન: ૧૮-૦૩-૨૦૧૧) એવા સંગીતકારોમાંના છે જેમની પ્રતિભાને ભલે
જનસામાન્યને સ્વીકૃત એવી વાણિજ્યિક સફળતા ન મળી હોય, પણ જેમણે સુગમ સંગીતના ચાહકોના એક આખા વર્ગનો સંગીતનો રસ
કેળવ્યો છે. ફિલ્મ
સંગીતના ક્ષેત્રે તેઓનું પ્રદાન બહુ મોટી માત્રામાં નથી નોંધાયું, પણ ફિલ્મ ઈતિહાસના ચોપડે એ લોકોનું નામ સન્માનીય રહ્યું છે.
અજિત મર્ચન્ટ જન્મે ભલે ક્ચ્છી
ભાટીઆ વેપારી કોમના હતા, પણ તેમનો જીવ સંગીતનો હતો. નાનપણથી જ
તેમના પિતાશ્રી સાથે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં તેઓ જતા. તેમણે પોતાની
કારકીર્દીની શરૂઆત રંગમચ પરના કળાકાર તરીકે કરી હતી. એ સમયે, ગુજરાતી
સાહિત્યમાં 'ચંચી'નાં હુલામણા નામ તરીકે પ્રસિધ્ધ ચં.ચી, (ચંદ્રવદન ચીમનલાલ) મહેતા 'એક ડાયરો' નામનું
રેડીયો નાટક તૈયાર કરી રહ્યા હતા, આ
નાટકનું કથાવસ્તુ દક્ષિણ ગુજરાતના ખારવાઓની વાત પર અધારિત હતું. નાટકનું જ્યારે રીહર્સલ ચાલી રહ્યું હતું તે
સમયના રેડીઓ કાર્યક્રમોના નિયમો અનુસાર એ કાર્યક્રમના સંગીતકારે પણ હાજર રહેવુમ પડતું. કોઈ કારણસર 'એક ડાયરો'ના વરણી થયેલા સંગીતકાર અવિનાશ
વ્યાસ હાજર નહોતા. ચંચી મહેતાએ ત્રાસીહારીને આ કામ માટે રાજી નહોતો એવા અજિત
મર્ચન્ટને પોતાનાં બે ગીત
પકડાવી દીધાં. બસ તે દિવસથી અજિત મર્ચંટની જીવનનાવ સંગીત સર્જનનાં વહેણમાં તરી
નીકળી. આ રેડીયો નાટક પર પછીથી અજિત
મર્ચંટે 'દીવાદાંડી' (૧૯૫૦) ફિલ્મ પણ બનાવી હતી અને બે ગીતો પૈકી એક, પાંદડી
શી હોડી દેજો (મીના કપૂર - ગીતકાર ચંન્દ્રવદન ચી. મહેતા)તેમણે આ ફિલ્મમાં મૂક્યું
૧૯૪૫માં અજિત મર્ચંટે એક સમયે અનિલ બિશ્વાસના સહાયક રહેલા, ફિમ સંગીતકાર, અશોક ઘોષના સહાયક તરીકે કામ કરવાનું શરૂં કર્યું. ૧૯૪૮માં તેમને સ્વતંત્ર સંગીતકાર તરીકે હિંદી ફિલ્મ ;રેફ્યુજી' અને ગુજરાતી ફિલ્મ 'કરિયાવર'માં તક મળી. આંકડાની દૃષ્ટિએ તો અજિત મર્ચંટના ખાતે આઠ હિંદી અને લગભગ એટલી જ ગુજરાતી ફિલ્મો બોલે છે. તેમનાં સંગીતનું બીજું બહુ મોટું ક્ષેત્ર હિંદી, મરાઠી અને ગુજરાતી નાટકો રહ્યાં છે. લગભગ ૨૫૦ જેટલાં નાટકોનું સંગીત તેમણે સર્જન કર્યું હશે, પણ નાટકોના સાઉન્ડ ટ્રેકની કોઈ દસ્તાવેજિત નોંધ થતી નથી એટલે તેમનું એ સંગીત તો સમયની સાથે વિસ્મૃત થઈ ગયું. અજિત મર્ચટે ઑલ ઈન્ડીયા રૅડીયો પર પણ દસેક વર્ષ સંગીત નિર્દેશક તરીકે કામ કર્યું. જ્યારે તેમણે ત્યાંથી રાજીનામું આપ્યું ત્યારે ત્યાંના રાજકારણની રમતમાં તેમનાં સંગીતનાં બધાં જ નિશાનોને લાયબ્રેરીમાંથી ભૂંસી નાખવામાં આવ્યાં. અજિત મર્ચટે ૫૦ જેટલી દસ્તાવેજી ફિલ્મોનું અને બહુ બધી એડ-ફિલ્મોનું સંગીત પણ આપ્યું છે.
મોટા ભાગે 'બી'ગ્ર્ડની ફિલ્મોનાં ટાંચાં બજેટ
અને ઓછાં મળેલાં કામ વચ્ચે પણ અજિત મર્ચંટે તેમના દ્વારા રચાયેલાં ફિલ્મનાં ગીતો
માટે તેમણે અનોખી પ્રયોગાશીલતા જાળવી રાખી હતી. લતા મંગેશકર, મીના કપૂર, ગીતા રૉય, વાણી જયરામ, આશા ભોંસલે, શમશાદ બેગમ, સુલોચના
કદમ, સુધા મલ્હોત્રા, શાંતા આપ્ટે, સુમન
કલ્યાણપુર, કૃષ્ણા
કલ્લે, ઉષા ખન્ના, ઉષા મંગેશકર, અનુરાધા
પૌડવાલ, શુભા જોશી, મહંમદ રફી, મુકેશ, મન્ના ડે, મહેન્દ્ર
કપૂર, પ્રદીપ, જગજિતસિંઘ, દિલીપ
ધોળકિયા, ભૂપીંદર
સિંઘ, બદરી પવાર, અંબરકુમાર દેવ, ભવાનીશંકર
વ્યાસ જેવાં અનેકવિધ ગાયક ગાયિકોના
સ્વરોને તેમણે પોતાનાં ગીતોમાં પરોવ્યા છે.
બહુ કમનસીબની વાત છે કે એક સાવ
અનોખી માટીના સંગીત સર્જકની યાદ ચીર સ્થાયી બની છે ત્રિપરિમાણીય ત્રણ ગીતોમાં -
તારી આંખનો અફીણી તારા બોલનો
બંધાણી - દીવાદાડી (૧૯૫૦) - દિલીપ ધોળકિયા – ગીતકાર: વેણીભાઈ પુરોહિત
છેક છેલ્લી ઘડીએ, ફિલ્મનાં એડિટીંગ સમયે 'ફાઈનલ કટ'માં રહેશે કે કેમ તે પણ
અનિશ્ચિતતા હેઠળ સર્જાયેલાં આ ગીતે એક નવી જ કેડી કંડારી નાખી. એ ગીતનાં રેકોર્ડિંગ
સમયે, યોગાનુયોગ, રાજ કપૂર
પણ હાજર હતા. રેકોર્ડીંગ પુરૂં થયું એટલે તેમણે કહ્યું હતું કે 'આ ગીત અમર થશે' 'દીવાદાડી'નાં ગીતોની રેકોર્ડ્સ બહાર
પડ્યે આજે લભગભ ૬૦ વર્ષનાં વહાણાં વીતી ગયાં છે, પણ 'તારી આંખનો અફીણી'નો કેફ આજે પણ સંગીત ચાહકોનાં દિલો પર એટલો જ સવાર છે.
(ખાસ નોંધ - આ ગીતની સર્જનપ્રકિયાનું શ્રી બીરેન કોઠારીએ બહુ જ રોચક ઢંગથી સવિસ્તર લેખ, ‘તારી આંખનો અફીણી’: સર્જનની સફર ,માં વર્ણન કર્યું છે. એ લેખનાં શીર્ષક સાથે દેખાતી હાયપર લિંક પર ક્લિક કરવાથી એ લેખ વાંચી શકાશે.)
લાગી રામ ભજનની લગની લાગી - બહુરૂપી (૧૯૬૯) - જગજિત સિંઘ - ગીતકાર: વેણીભાઇ પુરોહિત
જગજિત સિંઘના અવાજને ઓળખીને
તેમને પહેલવહેલો મોટો બ્રેક અજિત મર્ચટે આપ્યો. જગજિત સિંધ આ હકીકત માટે અજિત
મર્ચંટનું ૠણ પોતાના કાર્યક્રમોમાં ખુબ ભાવથી વ્યક્ત કરતા. પોતાનાં ૨૦૦૪માં રજૂ
થયેલ આલ્બમ ‘મુન્તઝર'માં પણ તેમણે આ ગીતને સમાવ્યું છે.
જગજિત સિંઘ પાસે એક ગીત ગવડાવ્યા બાદ અજિત મર્ચંટે તેમની પાસે તેમની કારકીર્દીનું બીજું ગીત પણ ગવડાવ્યું -
ઘનશ્યામ નયનમાં ગુપચુપ ગુપચુપ
ભટકે ભટકે, એ મનને વાટ અચાનક મળતી - ધરતીના છોરૂ (૧૯૭૦) - જગજિત સિંઘ, સુમન કલ્યાણપુર – ગીતકાર: વેણીભાઈ પુરોહિત
ગીતની બાંધણી જેટલી પૂર્ણપણે એક
રોમાંસભર્યાં કાવ્યના સ્વરૂપે જ કરવામાં આવી છે, એટલી જ નજ઼ાકતથી અજિત મર્ચટે ગીતની સ્વરબાંધણી કરી છે.
રૂપ તુમ્હારા આંખોંસે પી લું, કહ દો અગર તુમ મર કે ભી જી લું - સપેરા (૧૯૬૧) - મન્ના ડે – ગીતકાર: ઈન્દીવર
'તારી આંખનો અફીણી'એ ગુજરાતી ગીતોમાં અહ=જિત મર્ચન્ટને જેટલી ખ્યાતિ અપાવી છે
એ કક્ષાની ભલે નહીં, પણ હિંદી
ફિલ્મ સંગીતની તવારીખની આગલી હરોળમાં અજિત મર્ચન્ટનું મામ આ એક જ ગીતે મુકી
આપ્યું. અંતરામાં ઊંચા સુરમાં પણમાં મન્ના ડે ના સ્વરનું રોમાંચસભર માર્દવ આજે
પચાસ વર્ષ પછી પણ રૂંવાડાં ઊભાં કરી દે છે.
આવા અનેક આયામી સંગીતકાર દ્વારા નિદર્શિત ૮ હિંદી ફિલ્મોનાં ૫૦ જેટલાં ગીતોમાંથી આંગળીના વેઢે ગણાય એટલાં ગીતો આજે નેટ પર સચવાયાં છે. યુ ટ્યુબ પર જે ગીતો અપલોડ કરાયાં છે તેવાં ગીતો અહીં યાદ કર્યાં છે.
ઉજડી હુઈ હૈ ઈશ્ક઼ કી દુનિયા તેરે બગૈર - રેફ્યુજી (૧૯૪૮) - સુલોચના કદમ- ગીતકાર: પંડિત ફણિ
ગીતની બાંધણી વિન્ટેજ એરાનાં ગીતોમાં જે વધારે પ્રચલિત હતી એવી શૈલીમાં કરાયું છે.
આ પછીથી છેક ૧૯૫૬માં ફરી એક વાર અજિત મર્ચન્ટને હિંદી ફિલ્મ માટે તેડું આવ્યું.
પંછી ગાને લગે પ્રભાતી, આયા સરદ સવેરા, જાગ
સુંદરી - ઈન્દ્ર લીલા (૧૯૫૬) – ગીતકાર: સરસ્વતી કુમાર દીપક
સમયની સાથે અજિત મર્ચન્ટ પણ
પોતાની શૈલીમાં બદલાવ કરી ચૂક્યા છે. સાખીથી શરૂ કરીને જ મોહમ્મદ રફીની ગાયકીની
ખુબીઓને ગીતમાં પુરતી મોકળાશ મળતી રહી છે.
સુન લો જિયા કી બાત.. હો પિયા કર લો જિયા કી બાત - ઈન્દ્ર લીલા (૧૯૫૬) - આશા ભોસલે – ગીતકાર: સરસ્વતી કુમાર દીપક
વાતાવરણમાં પ્રણયના ભાવને
પ્રેરતાં પરિબળો જ્યારે આટલી બધી રીતે અનુકૂળ હોય ત્યારે સમયનો ઉપયોગ પ્રેમની મીઠી
મીઠી વાતો કરી લેવાનું પ્રેમિકા, ખુદ હસતાં
રમતાં,યાદ કરાવે છે.
કોઈ લાખ કરે ચતુરાઈ રે, કરમ કા લેખ મીટે ના રે ભાઈ - ચંડી પૂજા (૧૯૫૭) - પ્રદીપજી – ગીતકાર: પ્રદીપજી
એ સમયમાં પ્રદીપજી પાસે
ગવડાવાયેલાં બધાં જ ગીત ખુબજ લોકપ્રિય થયાં હતાં.
એક ધરતી કા રાજકુમાર દેખો જી ચલા હવા પે સવાર - ચંડી પૂજા (૧૯૫૭) - શમશાદ બેગમ – ગીતકાર: પ્રદીપજી
'૬૦ના દાયકામાં રેડીયો સિલોન પર, કે એલ સાયગલનાં અદ્ભૂત બાળકહાની ગીત એક રાજે
કા બેટા લે કર ઉડનેવાલા ઘોડા
(પ્રેસિડેન્ટ, ૧૯૩૮ - સંગીતકાર આર સી બોરાલ - ગીતકાર
કિદાર શર્મા)ની સાથે, આ ગીત બહુ સાંભળવા
મળતું. જે વર્ષો શમશાદ બેગમનાં વળતાં પાણીનાં ગણાતાં હતાં. બાળ ગીત તરીકે રચાયેલાં
આ ગીતમાં એ સમયે પણ શમશાદ બેગમની બધી જ ખુબીઓ બરકરાર રહે છે. આ ગીત આજે ફરીથી
સાંભળીએ છીએ તો પણ ખુબ જ કર્ણપ્રિય લાગે છે.
એ જી ઓ જી કહો, બડી આજ કી ડરાવની હૈ રાત જ઼રા જાગતે રહના - ચંડી પૂજા (૧૯૫૭) - મોહમ્મદ રફી, શમશાદ બેગમ – ગીતકાર: પ્રદીપજી
ઘોડા ગાડી પર ગવાતું હોય એવી ધુનમાં રચાયેલું જણાતું આ ગીત બે પ્રેમીઓ વચ્ચેના હળવા
મિજાજમાં ચાલતા સંવાદ રૂપે રચાયું છે.
રીતુ રાજાને તીર ચલાયા જિયા લલચાયા...સજનિયા આ - રામ ભક્ત વિભિષણ (૧૯૫૮)- સુધા મલ્હોત્રા – ગીતકાર: સરસ્વતી કુમાર દીપક
વસંત ઋતુમાં પિયાનો વિરહ વધારે
અકારો લાગે છે. બાગમાં ભ્રમરો પણ આંખમાં આંખ મેળવીને ગુન ગુન ગુંજારવ કરે છે, પરીઓ અને ગગનની સુંદરીઓ પણ પ્રેમમાં મસ્ત બનીને અંગડાઇઓ લે
છે દુનિયામાં ખળભળાટ મચાવે છે, એવા
વાતાવરણમાં સખીઓ ચંદા તળે ઝૂલો બિછાવો અને તારાઓની વેણી સજાવો જેવાં કંઈ કંઈ
મનલુભાવન કલ્પના તરંગોથીથી
મન તર છે.
આવી અલૌકિક રોમાંચભરી કલ્પનાઓને
અજિત મર્ચટે એટલી જ સલુકાઈથી સુધા મલ્હોત્રાના સ્વરમાં સુરબધ્ધ કરી છે.
રાતને ઘેસુ બીખરાયે, મેરા દિલ મુઝકો તડપાયે, કિસને છીના હૈ મેરે ચાંદકો - સપેરા (૧૯૬૧) - મન્ના ડે, સુમન કલ્યાણપુર – ગીતકાર: ઈન્દીવર
'૫૦ના દાયકાના અંત ભાગમાં જ્યારે
મોહમ્મદ રફી મુખ્ય હરોળના અબિનેતાઓ માટેના પાર્શ્વ ગાયન માટે પોતાનું સામ્રાજ્ય
બીછાવી રહ્યા હતા તે સમયે બી ગ્રેડની ફિલ્મોમં મન્ના ડે નાં યુગલ ગીતોનું એક આગવું
સ્થાન હતું. એ સમયનાં એ કક્ષાની ફિલ્મોનાં મન્ના ડેનાં લગભગ બધાં જ યુગલ ગીતોની
રચનાઓ પણ પ્રથમ હરોળમાં ન ગણાતા સંગીતકારોએ કરી હતી. જે સંગીત ચાહકોને '૫૦ -'૬૦નાં દાયકાનાં ગીતો પસંદ છે-યાદ છે, તેમનાં આ યુગલ ગીતો સાંભળવાં આજે પણ એટલાં જ ગમે છે.
'તારી આંખનો અફીણી'ની ધુનની જે અનેક પ્રતિકૃતિઓ બની તેમાની એક આ પણ છે. 'તારી આંખનો અફીણી' જેવો જાદુ ભલે ન હોય પણ ગીતના અંતરાનું સંગીત કાજળ ઘેરી
રાતમાં પ્રિયજનથી દૂરી વિરહને વધારે ઘેરો બનાવે છે.
બૈરી છેડ ન ઐસે રાગ દિલમેં જાગ જાયે આગ - સપેરા (૧૯૬૧) - સુમન કલ્યાણપુર – ગીતકાર: ઈન્દીવર
અહીં અજિત મર્ચંટ સપેરા સંગીતને
નૃત્ય ગીતનો આધાર બનાવે છે. કાઉન્ટર મેલોડીમાં અને અંતરામાં તેમણે કરેલી
વાદ્યસજ્જા તેમનાં સંગીત કૌશલની સાહેદી પુરાવે છે.
મૈં ભી હું મજબુર સાજન દિલ ભી હૈ મજબુર - ચેલેન્જ (૧૯૬૪) - મુકેશ, આશા ભોસલે - ગીતકાર પ્રેમ ધવન
મૂળ ગીત મુકેશના સ્વાભાવિક
સુરને અનુકૂળ રહે તેમ સજાવાયું છે, પણ અજિત
મર્ચંટ અંતરામાં એકદમ ઊંચા સુરમાં જતાં વાયોલિન સમુહના સ્વરોથી ગીતના વિરહના ભાવને
વધારે ઉત્કટ બનાવે છે.
બદલે રે બદલે રે રંગ બદલે ઝ્માના કઈ, હૈ મોહબ્બત વહી કી વહી - ચેલેન્જ (૧૯૬૪) - લતા મંગેશકર – ગીતકાર: પ્રેમધવન
મુખડાની શરૂઆતમાં મુળ પંક્તિના
બોલ મુકવાની જગ્યાએ 'બદલે રે'ની ધીમે ધીમે ઊંચા જતા સુરમાં ત્રણ વાર રજૂઆત, બીજી પંક્તિની ફરીથી ઊંચા સુરમાં સજાવટ, એકદમ ઝડપી તાલમાં ઢોલકની સંગત, મુખડા અને અંતરાના અંતમાં કોરસનું ઊંચા સુરમાં 'બદલે રે'નું ગાન અને કાઉન્ટર મેલોડીમાટે
વચ્ચે વાંસળીના નાના નાના ટહુકા - એક જ ગીતમાં કેટલું બધું વૈવિધ્ય !
મુહબ્બતને કિયા બદનામ મુઝકો યું જ઼્માનેને….મૈં હો ગઈ રે તેરે લિયે બદનામ - ચેલેન્જ (૧૯૬૪) - આશા ભોસલે – ગીતકાર: પ્રેમ ધવન
ગીતના ઉપાડમાં હાર્મોનિયમના
સુરની જે રીતે ગુંજ બોલે છે તેનાથી અંદાજ આવી જાય કે આ ગીત મુજરા નૃત્ય છે. સાખીના
બોલમાં આશા ભોસલેની ગાયકી આપણા અંદાજને સાચો ઠેરવે છે. પરંતુ નિશ્ચિત ચોકઠામાં જ
ચાલે તે અજિત મર્ચંટ નહીં ! મુખડાનો ઉપાડ એકદમ કોમળ સ્વરોમાં કરાયો છે. જે પછીથી
પહેલા અંતરા સુધી ચાલે છે. બીજા અંતરાનું વાદ્ય સંગીત હવે લાગણીમાં ઉત્તેજનાના
અણસાર આપે છે, જે
અંતરાના આરંભમાં આશા ભોસલેના સ્વરમાં પણ ઝીલાય છે. અંતરાના અંત સુધીમાં ગીત ફરીથી
મૂળ નાજુકતાથી થતી ફરિયાદના સુરમાં આવી જાય છે.
ક઼ાતિલ હૈ તેરી હર અદા, હર દિલ હૈ તુઝ પે ફિદા રાહી અપની મંઝિલ ભુલે દેખ કે ચહેરા તેરા - લેડી કિલર (૧૯૬૮) - મુકેશ – ગીતકાર: ઈન્દીવર
હિંદી થ્રિલર ફિલ્મોમાં વિલન
અને તેના ચમચાઓ ક્લબોમાંથી પોતાની પ્રવૃતિઓ ચલાવે, હીરો તેમની શોધમાં છદ્મવેશમાં પહોંચે, નૃત્યાંગના (મોટે ભાગે હેલન)નું નૃત્ય ચાલતું હોય ત્યારે
સારા અને નરસાં વચ્ચેના આટાપાટા મંડાય એવી સીચ્યુએશન તો મુકવી જ પડે. સંગીતકારોએ
આવી પરિસ્થિતિઓમાં મોટે ભાગે બહુ જ રમતિયાળ, છતાં ઘેરાં રહસ્યને અનુરૂપ સંગીત સાથેનાં ગીતો બનાવ્યાં છે.
અજિત મર્ચંટ પણ આ પડકારને બહુ સહજતાથી ઝીલી બતાવે છે. પાશ્ચાત્ય શૈલીનું
પૂર્વાલાપનું નૃત્ય સંગીત તેમની સમયની માંગ સાથે આવશ્યક લવચીકતા પેશ કરે છે તો
મુખડા અને અંતરામાં ખુબ જ નાજુક ઢબે જોડાતું સમુહ ગાન અને પિયાનો, એકોર્ડીયન
વગેરે વાદ્યોનો સુરીલો સંગાથ અજિત મર્ચંટની લાક્ષણિક સર્જનાત્મકની દુહાઈ દે છે.
ચાચાને ચાચી કો ચાંદીકી ચમચી સે ચટની ચટાઈ - લેડી કિલર (૧૯૬૮) - મન્ના ડે, કૃષ્ણા કલ્લે – ગીતકાર: ઈન્દીવર
ગીતના બોલમાં જે રીતે 'ચ'નો ઉપરાછાપરી પ્રયોગ કરાયો છે
તેના પરથી જ ગીત એકદમ રમતિયાળ હશે તે સહેજે કલ્પી શકાય છે. પણ અજિત મર્ચટની
સર્જનાત્મકતાએ ગીતને પાશ્ચાત્ય નૂત્ય ગીતની ધુનમાં ગોઠવીને
ગીતને ચટકીલું બનાવવાની સાથે કાનને પણ આસ્વાદ્ય બનાવી લીધું છે. દિગ્દર્શકે
હિચકોકની શૈલીમાં આવાં તોફાની ગીતની આડમાં એક ખુન થતું બતાવીને દર્શકને રહસ્યનો
ધીમો ઝટકો જોરથી લગાવી લીધો છે.
ઔરોંકા કા ચહેરા પાંવ તેરા,....દીવાના હૈ સારા ગાંવ તેરા - લેડી કિલર (૧૯૬૮) - મહેન્દ્ર કપુર – ગીતકાર: ઈન્દીવર
'રૂસણાં-મનામણાં' ગીત પર અજિત મર્ચન્ટ સહજતાથી હાથ અજમાવી લે છે.
આટલાં મર્યાદીત સંખ્યાનાં ગીતોમાં પણ અજિત મર્ચન્ટનાં સંગીતની રેન્જમં આપણને પુરતું વૈવિધ્ય સાંભળવા મળી ગયું. નસીબે જો થોડોક સાથ આપ્યો હોત, તો તેમને ફાળે એવી ફિલ્મો પણ આવત જે ટિકિટબારી પણ સફળ થઈ હોત, અને તો એ ફિલ્મોનાં ગીતો પણ આજે સચવાયાં હોત. ખેર, યુટ્યુબના મરજીવાઓની મહેનત અને ખંતના પરિણામે આપણને આટલાં ગીતો હજૂ પણ સાંભળવા મળ્યાં છે તે પણ ઓછા આનંદની વાત નથી !
અજિત મર્ચંટનાં ગુજરાતી ગીતોની
વાત ફરી ક્યારેક કરીશું...
સાભાર ૠણ સ્વીકૃતિ :
૧.
અજિત મર્ચંટ - યુવાન વયનો સ્કૅચ - સ્રોત - ઉર્વિશ કોઠારીનો લેખ : અજિત
મર્ચંટની વિદાયઃ ભીની આંખે છેલ્લી સલામ
૨. 'દીવાદાંડી
સમા સંગીતકાર અજિત મર્ચંટ" - શ્રી
બીરેન કોઠારીનો 'અહા ! જિંદગી' સામયિક નો લેખ