Showing posts with label Manna Dey's comedy songs. Show all posts
Showing posts with label Manna Dey's comedy songs. Show all posts

Sunday, May 17, 2020

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૨]

મન્ના ડેનાં સ્વરકૌશલ્યએ શાસ્ત્રીય રાગ પરની હિંદી ફિલ્મ ગીતરચનાઓને હાસ્યરસપ્રધાન ગીતોના પ્રદેશમાં પહોંચાડવાના સેતુની બહુ જ મુશ્કેલ છતાં એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવી. આ એ સમયની વાત છે જ્યારે શ્રેષ્ઠ ગીતો કરૂણ રસના ભાવ સિવાય ન બને તે સ્વીકૃત પ્રણાલિ હતી, 'શ્રેષ્ઠ' ગીતોમાટેનું તે પછીનું ઉદ્‍ભવ સ્થાન શુધ્ધ રોમાંસના ભાવોમાં ગણાતું હતું. હાસ્યરસપ્રધાન ભૂમિકાઓ જ 'ટિકિટબારી'ને નજરમાં રાખીને વિચારાતી, એટલે હાસ્યરસપ્રધાન ગીતો તો અત્રતત્ર પડી રહેલી 'ખાલી' જગ્યા ભરવા માટે છેલ્લા ઉપાયનું શસ્ત્ર મનાતાં. એ સમયે પણ 'કોમૅડી' પ્રકારમાં ગણાયેલાં ગીતોની રચનામાં સરળતાથી ગાઈ શકે તેવી ધુનની રચના કરવા પાછળની સંગીતકારની મહેનત; હલકા ફુલકા, પણ સસ્તા નહીં, તેવા બોલ લખવા પાછળ ગીતકારની મહેનત અને ગીતમાં હાસ્યની સુક્ષ્મ લાગણી તાદૃશ કરતી ગાયકની ગાયન શૈલી કે કલાકારની ગીતને 'સ્થૂળ હાસ્ય"માં ખૂંપી ન જવા દેવાની મહેનતની ભાગ્યે જ નોંધ લેવાતી. આ બધાંને પરિણામે પહેલી પાટલીથી છેલ્લી મોંધી સીટ સુધીનો ફિલ્મનો પ્રેક્ષક ગીતના સમયે પોતાની સીટ પર જ હોંશે હોંશે બેસી રહે તે તો મહત્ત્વનું હતું જ.

સ્વાભાવિક છે કે  કરૂણ રસનાં કે રોમાંસનાં બીજાં ગીતોની જેમ હાસ્યરસપ્રધાન ગીતોના બધા જ પ્રયોગ સફળ પણ ન થતા , અને કદાચ સફળ થતા તો વિવેચકોને કબુલ ન બનતા. કરૂણ કે રોમાંસનાં ગીતોની સ્પર્ધામાં પૂરેપૂરી સફળતા મેળવતાં હાસ્યર્સપ્રધાન ગીતો સંખ્યાની દૃષ્ટિએ ભલે કદાચ બહુ ઓછાં હોય, પણ એવાં ગીતોમાં મોટાં ભાગનાં ગીતો મન્ના ડેના સ્વરમાં સાંભળવા મળે છે તે પણ સ્વીકારવું જ પડે. મન્ના ડેના સ્વરની જે ખુબી તેમનાં શાસ્ત્રીય 'સફળ ગીતોમાં સંભળવા મળતી તેનાથી કંઈક અલગ જ ખુબીઓ તેમનાં 'અદ્‍ભુત' થી માંડીને 'સામાન્ય' હાસ્યરસપ્ર્ધાન ગીતોમાં નીખરી રહેલ છે.

મન્નાડેની જન્મ્શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે આપણે છેલા પાંચ  મણકાથી મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો પર આપણું ધ્યાન કેન્દ્રીત કરેલ છે. તે પૈકી ૪ મણકામાં આપણે મન્ના ડેનાં મેહમૂદ માટેમાં હાસ્યરસપ્ર્ધાન ગીતો સાંભળ્યાં અને છેલ્લા મણકામાં મન્નાડેનાં 'અન્ય (હાસ્ય) કલાકારો માટેનાં હાસ્યરસપ્રધાન ગીતો આપણે સાંભળ્યાં. એ મણકામાં ક્પુર ભાઈઓ, અશોક કુમાર અને વિજય આનંદ જેવા મુખ્ય ધારાના અકલાકારો અને જોહ્ની વૉકર જેવા કોમૅડી અભિનેતા માટેનાં ગીતો સાંભળ્યા હતા. આજાના આ શ્રેણીની સમાપ્તિના અંકમાં આપણે મન્નાડેનાં આઘા અને આઈ એસ જોહર માટેનાં ગીતો યાદ કર્યાં છે.


મન્ના ડે – આઘા

આઘા(જાન બૈગ) ની કોમેડીઅન તરીકે સફળતા તેમની કારકીર્દીનાં શરુઆતનાં વર્ષોમાં જ પ્રસ્થાપિત થઈ ગઈ હતી. કોમેડીઅનને એક ગીત ફાળવવું એ પ્રથા જેમ જેમ ચલણી બનતી ગઈ તેમ તેમ આઘા પણ પર્દા પર ગીતો ગાવા લાગ્યા હતા. તેમને કોઈ ચોક્કસ ગાયકનો જ અવાજ મળે તેવી પણ કોઈ પ્રણાલી બની તેમ તો ન જ કહી શકાય, પણ મન્ના ડે અને આઘાનો કોમેડી ગીતના સંબંધે પરિચય ૧૯૫૫માં 'ઈન્સાનીયત'માં થયો.

મૈં રાવણ લંકા નરેશ - ઈન્સાનીયત (૧૯૫૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ 

આ ગીતમાં આઘાના ભાગે અકસ્માતે હુનુમાનના વેશમાં જે પંક્તિઓ પરદા પર ગાવાની આવી છે તે તો મોહમ્મદ રફીએ જ ગાઈ છે. પરદા પર રાવણના હોકારા પડકારાને વાચા મન્ના ડે એ આપી છે.


બમ ભોલાનાથ બમ ભોલાનાથ - રાજતિલક (૧૯૫૮) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: પી એલ સંતોષી

ફિલ્મમાં કોમેડી દ્વારા કોમેડીઅનની ભૂમિકા મદદરૂપ બને એ પણ 'સ્વીકૃત ફોર્મ્યુલા' બની ચુકી હતી. આ ગીતમાં એ ફોર્મ્યુલા તાદૃશ્ય થતી જોવા મળશે.


ફૂલ ગેંદવા ના મારો - દૂજ કા ચાંદ (૧૯૬૩) – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પરદા પર જોયા વિના , શાત્રીય ગાયન શૈલી  પર આધારીત આ કક્ષાનાં ગીત સાંભળતાં તેની રચના, બોલ અને ગાયકી એમ બધાં અંગમાં મૂળ રચનાની શુધ્ધતાને નુકસાન પહોંચાડ્યા સિવાયનું હાસ્ય ગીત બનાવવાની મહેનત કાને પડે છે. જોકે, પરદા પર ગીત વડે હાસ્ય નીપજાવવાનો જ ઉદેશ્ય હોય એટલે આ પ્રયાસ કંઈક અંશે સ્થૂળ બની જતો અનુભવાય. પરંતુ તે સ્વીકારી જ લેવું રહ્યું.

પ્રસ્તુત ગીત હાસ્ય રસ પ્રધાન ગીતોના આદર્શ માપદંડ તરીકે સ્વીકારાયેલં ગીતોમાં અગ્રસ્થાને રહેલાં ગીતોમાં સ્થાન પામે છે. 


હો ગોરી ગોરી તેરી બાંકી બાંકી ચિતવનમેં જીયા મોરા બલખાયે - આધી રાત કે બાદ (૧૯૬૫) – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન 

સ્વદેશી અને વિદેશી તાલ અને વાદ્યસંગીતને ગીતમાં વણી લઈને વિવિધ ભાવનાં ગીતોને આગવી કર્ણપિયતા બક્ષવાના પ્રયોગો માટે ચિત્રગુપ્ત જાણીતા છે. અહીં શાસ્ત્રીય ગાયન સૈલીથી શરૂઆત કરીએ પાશ્ચાત્ય શૈલી પર સરકી જવાનું કૌશલ્ય ગીતને હાસ્યપ્રધાન બનાવી રાખવામાં સફળ રહે છે. ગીતના દરેક તબક્કે મન્ના ડે ગીતના હળવા મિજાજને બખૂબી જાળવી રાખે છે. 


મન્ના ડે - આઈ એસ જોહર  

આઈ એસ જોહર (ઈન્દર સેન જોહર)ની પહેચાન મોટા ભાગનાં લોકોને એક કોમેડીઅન તરીકેની હશે, પરંતુ તે ફિલ્મોની અને નાટકો નાં પટકથા લેખન, દિગ્દર્શક તેમ જ નિર્માતા જેવી અનેકવિધ ક્ષમતાઓ ધરાવતા હતા. કેટલોક સમય તેમણે હિંદી ફિલ્મો વિશેનાં એક જાણીતાં સામયિક 'ફિલ્મફેર'માં ચબરાકીયા સવાલ-જવાબની કોલમ પણ સફળતાથી ચલાવી હતી. હોલીવુડની પણ અનેક જાણીતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે. અભિનેતા  તરીકેની તેમની પહેલી ફિલ્મ હતી 'એક થી લડકી ' (૧૯૪૯) અને તેમણે લખેલી અને દિગ્દર્શિત કરેલી પહેલી ફિલ્મ હતી 'શ્રીમતીજી (૧૯૫૨)..

અરે હાં દિલદાર કમડોવાલે કા હર તીર નિશાને પર - બેવક઼ૂફ (૧૯૬૦) - શમશાદ બેગમ  સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ગીત રેડીઓમાંથી ગવાય છે તેમ બતાવવા માટે ખરેખર રેડીયોની પાછળથી ગાવું એ વિચાર આઈ એસ જોહરને જ સૂઝે ! તેમાં પણ શરૂઆતમાં સ્વાભાવિકપણે છબરડા પણ થાય તેવી માર્મિક રમૂજ પણ ઉમેરાય છે. મના ડે, અને શમશાદ બેગમ પણ, ગીતમાં ખીલી ઊઠ્યાં છે. 


'બેવક઼ૂફ' આઈ એસ જોહર દ્વારા જ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ હતી. પરદા પર આઈ એસ જોહર પણ હોય એવાં બીજાં બે ગીતો પણ ફિલ્મમાં મન્ના ડેના સ્વરમાં છે. દેખ ઈધર ધ્યાન તેરા કિધર હૈ (આશા ભોસલે સથે) માં આઈ એસ જોહરે સ્ત્રીવેશ ધારણ કર્યો છે, એટલે તેમના માટે આશા ભોસલે સ્વર આપે છે. સ્ત્રી પર લટ્ટુ બે 'સજ્જનો' માટે મન્ના ડે એકાદ લીટી ગીતમાં ગાય છે. ધડકા દિલ ધક ધક સે મૂળ તો હેલન પર ફિલ્માવાયેલું નૃત્ય ગીત છે.

યે દો દિવાને દિલકે - જોહર મેહમૂદ ઈન ગોવા (૧૯૬૫) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: કલ્યણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આઈ એસ જોહરે 'જોહર મેહમૂદ ઈન ઓવા' પછી ફિલ્મનાં સીર્શ્કમં 'જોહર' હોય એવી ઘણી ફિલ્મો કરી. દરેક ફિલમાં એ સ્થળની અમુક જાણીતી બાબતોને કેન્દ્રમાં રાખીને ફિલ્મની કથા તેઓ ગુંથી લેતા. ફિલ્મનાં શીર્ષકમાં એ સ્થળનું નામ પણ સામેલ હોય..

ઉત્તરોત્તર દરેક ફિલ્મ વધારેને વધારે સ્થૂળ બનતી ગઈ તે વાતની દુઃખદ નોંધ આપણે અહીં  લેવી પડે.


પ્યાર કિયાં તો મરના ક્યા  - રાઝ (૧૯૬૩) સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: શમીમ જયપુરી

ગીતના મુખડાના બોલથી જ જ ખબર પડી જાય છે કે આ કયાં ગીતની પૅરોડી છે.


આ પછીનાં ગીતો પણ કૉમેડી કે ગીતની ગુણવત્તાની દૃષ્ટિએ હજુ નીચે જ ઉતરતાં જણાઈ રહ્યાં છે. આપણે જે વિષય હાથ પર લીધો છે તેને દસ્તાવેજીકરણની દૃષ્ટિએ ન્યાય કરવા માટે કરીને આપણે એ ગીતોની માત્ર નોંધ જ અહીં લઈશું.

બચપનકી હસીં મંઝિલ પે જબ હુસ્ન ગુઝર કે આયે - જોહર ઈન બોમ્બે (૧૯૬૭)- ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી

બેશરમ સે શરમ ન કર, હેરા ફેરી સે મત ડર - તીન ચોર (૧૯૭૩) - મોહમ્મદ રફી, મુકેશ સાથે – સંગીતકાર: સોનિક ઓમી – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

હમ સબકા હૈ શુભચિંતક- ખલિફા (૧૯૭૬) - કિશોર કુમાર સાથે – સંગીતકાર: આર ડી બર્મન - ગીતકાર: ગુલશન બાવરા 

ક્યા મિલ ગયા સરકાર તુમ્હેં ઇમર્જન્સી લગા કે - નસબંદી (૧૯૭૮) - મહેન્દ્ર કપૂર સાથે - સંગીતકાર કલ્યાણજી આણંદજી - ગીતકાર હુલ્લડ મુરાબાબાદી

આઇ એસ જોહર વિષયોની આટલી વિવિધતા વિશે વિચારી શક્યા, પણ એ વિચારના અમલમાં તેઓ એ વિચારને, અને પરિણામે મન્ના ડેના સ્વરને પણ, સરાસર અન્યાય કરી ગયા એ ખેદ સાથે મના ડેનાં કોમેડી ગીતોની આ શ્રેણી આજે અહીં પૂરી કરી છીએ.

મન્ના દેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ શ્રેની મન્ના ડે - ભૂલ્યા ના ભુલાશે પણ અહીં પૂરી કરીશું.

જોકે આ શ્રેણીમાં આવરી લેવાયેલ ગીતો સિવાયનાં પણ મન્ના ડેનાં હજુ અસંખ્ય બીજાં ગીતો છે. એ બધાં ગીતોને આપણે આપણી મન્ના ડે - ચલે જા રહેં હૈ' શ્રેણીના વાર્ષિક અંકોમાં યાદ કરતાં રહીશું.

 +    +     +

 દરેક શ્રેણીના બધા જ અંકો એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો

મન્ના ડે - ભૂલ્યા ના ભૂલાશે

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો



Sunday, April 26, 2020

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો [૧]


મન્ના ડેમી કારકીર્દીમાં હાસ્યરસપ્રધાન ગીતોની સફરની અદિ હટો કાહેકો બનાઓ બતીયાં (મંઝીલ, ૧૯૬૦)થી શરૂ થયેલી ગણી શકાય આ સીમાચિહ્ન ગીતને પર્દા પર મેહમૂદે અભિનિત કર્યું હતું. એ ગીતની અપ્રતિમ સફળતાને કારણે મન્નાડેના સ્વરમાં મેહમૂદ માટે ગીત ગવડાવવાની એક પ્રથા તો સ્થપાય એ તો સ્વાભાવિક જ હતું. તે સાથે મન્નાડેના સ્વરમાં અન્ય હાસ્ય કળાકારો માટે પણ ગીત ગવડાવવાનું બીજા સંગીતકારોને પણ પસંદ પડવા ન લાગે તો જ નવાઈ કહેવાય. મન્ના ડેની જન્મ શતાબ્દી નિમિત્તે શરૂ કરેલ આ ખાસ શ્રેણીના આખરી પડાવમાં આપણે મન્નાડેનાં અન્ય કળાકારોમાટેનાં હાસ્યરસપ્રધાન ગીતોને યાદ કરીશું.
જોકે એ વિષય પર આગળ વધતાં પહેલાં મન્ના ડે એ ફિલ્મ જગતમાં 'હીરો' તરીકે ઓળખાતા, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા, કળાકારો માટે પણ જે પ્રસંગોપાત હાસ્યરસપ્રધાન ગીતો ગાયાં છે તેવાં ગીતોને યાદ કરી લઈએ.
પ્રથમ હરોળના કળાકારો માટે ગાયેલાં મન્નાડેનાં હાસ્યરસપ્રધાન ગીતો
મન્ના ડે એ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવતા કળાકરો માટે ઘણાં નોંધપાત્ર ગીતો ગાયાં છે, જે આપણે સાત અલગ અલગ અંકોમાં આપણે બહુ વિગતે યાદ કર્યાં હતાં.એ અંકોમાં આપણે અમુક કળાકારો માટે મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતોની નોંધ લીધી પણ હતી. આજે એ ઉપરાંતનાં કૅટલાંક ગીતો અહીં યાદ કરીશું.
કપુર ભાઈઓની ત્રિપુટીમાટે મન્નાડેનાં કૉમેડી ગીતો
'૪૦ના દાયકાના અંતમાં હિંદી ફિલ્મ જગતના સુવર્ણ યુગના પાર્શ્વગાયકોનાં પદાર્પણ થયાં તે પછીના '૫૦ના અને '૬૦ના દાયકામાં મોહમ્મદ રફી, મુકેશ, કિશોર કુમાર કે મન્ના ડે જેવા ગાયકો વચ્ચે જ બધા અભિનેતાઓએ પર્દા પર લગભગ દરેક ભાવનાં ગાયેલાં ગીતોનો સમાવેશ થઈ જાય. એમાં એક મન્ના ડે કદચ  એક જ એવા અપવાદ ગણી શકાય જેમણે રાજ, શમ્મી અને શશી એમ ત્રણેય કપૂર ભાઈઓ માટે કૉમેડી ગીતો પણ ગાયાં હોય.
મન્ના ડે અને રાજ કપૂર
રાજ કપૂરના મુખ્ય પાર્શ્વ ગાયક તરીકેનું સ્થાન ભલે મુકેશનું હતું, પણ મન્નાડે એ પણ રાજ કપૂર માટેના મુકેશ પછીની પસંદના પાર્શ્વ ગાયક તરીકે સ્થાન અંકે કર્યૂં  હતું. 'આવારા' (૧૯૫૧) માં બન્નેના સંગાથની શરૂઆતથી જ મન્ના ડે એ રાજ કપૂર માટે લગભ્ગ દરેક ભાવનાં ગીતો ગાયાં છે. તેરે બીના આગ યે ચાંદનીમાં (આવારા, ૧૯૫૧) કરૂણ ભાવ કે પ્રેમના ભાવમાં લથબથ પ્યાર હુઆ ઈકરાર હુઆ ની સાથે હળવા મિજાજનું નૃત્ય ગીત મુડ મુડ કે ન દેખ કે હળવાશથી ગંભીર વાત કહેતું દિલકા હાલ સુને દિલવાલા (બધાં, શ્રી ૪૨૦, ૧૯૫૫) સુધી હજૂ માત્ર અને માત્ર કૉમેડી ગીત કહી શકાય એવું ગીત મન્નાડેના ફાળે નહોતું આવ્યું.
મામા ઓ મામા ઓ પ્યારે મામા - પરવરિશ (૧૯૫૮) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: હસરત જયપુરી
'પરવરિશ'માં આંસુ ભરી હૈ સિવાય રાજ કપૂરનાં બધાં જ ગીતો મન્ના ડેએ ગાયાં હતાં. એટલે પ્રસ્તુત ગીતમાં મેહમૂદ માટે મોહમ્મદ રફીનો અવાજ જાય તે તો સ્વાભાવિક જણાય. 
એ પછી રાજ કપૂર માટે કૉમેડી ગીત  'દિલ હી તો હૈ (૧૯૬૩)માં મન્નાડે એ ગાયું.
લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે - દિલ હી તો હૈ (૧૯૬૩) – સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ ફિલ્મમાં રોશને  રાજ કપૂર માટેનાં બધાં જ ગીતો મુકેશના સ્વરમાં જ રેકોર્ડ કર્યાં. એ બધાં  જ ગીતો હતાં પણ ખુબ ઊંચી કક્ષાનાં. પરંતુ શાસ્ત્રીય રાગ પર આધારિત કૉમેડી ગીત ગાવાની વાત આવી હશે એટલે રોશન મન્ના ડે તરફ ઢળ્યા હશે. તેમાં પાછૂં ગીત રાજ કપૂરે છદ્મવેશમાં ગાયું છે એટલે બીજા સ્વરનો ઉપયોગ કરવો વધારે સ્વાભાવિક પણ ગણાયું હશે.

મન્ના ડે અને શમ્મી કપૂર
મન્નાડે શમ્મી કપૂર માટે અબ કહાં જાયેં હમ  કે 'ઉજાલા'નાં અન્ય ત્રણ ગીતો સિવાય 'ક્વચિત' પસંદગીના જ પાર્શ્વગાયક રહ્યા. મન્ના ડે અને શમ્મી કપૂરનાં એ બધાં ગીતો આપણે અલગથી સાંભળી ચૂક્યાં છીએ.
મેરી ભૈંસ કો ડંડા ક્યું મારા - પગલા કહીં કા (૧૯૬૯) – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
અહીં પણ શમ્મી કપૂર માટે મુખ્ય પાર્શ્વ ગાયક તો મોહમ્મદ રફી જ હતા. પરંતુ ગીતની ખાસ સીચ્યુએશન માટે શંકર જયકિશને ફરી એક વાર શમ્મી કપૂરના પાર્શ્વ સ્વર માટે મન્નાડેનો પ્રયોગ કર્યો છે.

મન્ના ડે અને શશી કપૂર
સુન લે પ્યાર દુશ્મન દુનિયા - પ્યાર કિયે જા (૧૯૬૬) - કિશોર કુમાર, લતા મંગેશકર, આશા ભોસલે સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ગીત સાવે સાવ કૉમેડી ગીતની કક્ષામાં તો ન મુકાય, પણ બે પ્રેમી યુગલો પોતાના પ્રેમની 'જાલિમ દુનિયાની જોહુકમી'  સમક્ષ જાહેરાત હળવાશથી જરૂર કરે છે.

પ્રથમ હરોળના અન્ય કળાકારો માટે મન્ના ડેનાં કૉમેડી ગીતો
મન્ના ડેએ  અશોક કુમાર માટે ગાયેલાં ગીતોની વાત કરતાં આપણે મન્ના ડે એ તેમના માટે ગાયેલાં બે સાવ અલગ જ પ્રકારનાં કૉમેડી ગીતોની વાત કરી હતી. તેમાંથી બાબુ સમજો ઈશારે (ચલતી કા નામ ગાડી, સંગીતકાર એસ ડી બર્મન, ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી) જેટલું સફળ બન્યું તેટલું સફળ જા રે બેઈમાન તુઝે જાન લિયા જાન લિયા (પ્રાઈવેટ સેક્રેટરી, ૧૯૬૨ – સંગીતકાર: દિલીપ ધોળકિયા ગીતકાર: પ્રેમ ધવન) ન ગણાય
મન્ના ડે અને વિજય આનંદ
મન્ના ડે અને વિજય આનાંદ કોંમેડી પ્રકારનાં ગીતમાં સાથે હોય એવાં ગીતનું અકસ્માત 'મળી આવવું એ આખી શ્રેણી દરમ્યાન બહુ ઓછાં સાંભળવા મળેતાં ગીતોને સાંભળવાની જે કોઈ તકો મળી તેમાં સૌથી વધારે મજા પડી ગઈ હોય એવી તક છે.
મિસ્ટર ઓ મિસ્ટર સુનો એક બાત - આગ્રા રોડ (૧૯૫૭) - ગીતા દત્ત સાથે - સંગીતકાર રોશન - ગીતકાર પ્રેમ ધવન
ફિલ્મ્ના સિધ્ધ્હસ્ત દિગ્દર્શકોમાં નામના ધરાવતા વિજય આનંદ ગીતોનાં ફિલ્મીકરણના તો જાદુગર મનાતા હતા. પોતે  દિગ્દર્શિત કરેલ ફિલ્મનાં કોઈક ગીતમાં તે આલ્ફ્રેડ હિચકોકની જેમ દેખાઈ પણ દેતા. ફિલ્મમાં કેમેરાની આગળ 'હીરો' તરીકે તેમના પ્રયાસ બહુ સફળ નથી ગણાયા. અહીં તેઓએ થ્રિલર ફિલ્મોના ખાસ કસબી ગણાતા (નગીના, ૧૯૫૧ થી પ્રકાશમાં આવેલા) રવિન્દ્ર દવેનાં દિગ્દર્શન હેઠળ કેમેરા સામે કામ કર્યું છે.
મન્ના ડે અને ગીતા દત્તનાં યુગલ ગીતો પણ સંખ્યામાં બહુ થોડાં જ છે. આમ અહીં એ બન્નેને પણ સાથે સાંભળવાનો લ્હાવો પણ મળે છે.
અન્ય કૉમેડી કલાકારો માટે મન્ના ડેએ ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો
મેહમૂદ માટે મન્નાડેના સ્વરમાં રેકોર્ડ થયેલ સીમાચિહ્ન ગીત હટો કાહે કો બનાઓ જૂઠી બતિયાં (મંઝિલ, ૧૯૬૦) પછી મન્ના ડેએ જે કોમેડીઅન માટે ગીત ગાયું એ હતા એ સમયના ટોચના કોમેડીઅન જોહ્ની વૉકર.
મન્ના ડેનાં જોહ્ની વૉકર માટેનાં કૉમેડી ગીતો
જોહ્ની વૉકરમાટે પર્દા પાછળના સ્વર માટે મોહમ્મદ રફી જ છવાયેલા હતા. મોહમ્મદ રફીએ તેમની ગાયકીની શૈલીમાં જોહ્ની વૉકરની અદાઓને એટલી હદે આત્મસાત કરી હતી કે માત્ર તેમનું ગીત સાંભળતાં જ ખયાલ આવી જાય કે આ તો જોહ્ની વૉકરનું ગીત છે.
અર્રે કિસને ચીલમન સે મારા = બાત એક રાત કી (૧૯૬૨) – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાન્પુરી 
એને યોગાનુયોગ કહેવો કે મન્ના ડેનાં નસીબનો ચમકારો કહેવો, પણ એસ ડી બર્મનને ફરી એક વાર  એક કૉમેડી ગીત માટે તળ શાસ્ત્રીય રચના પર અભિનવ પ્રયોગ કરવાનું સુઝ્યું. 'બાત એક રાત કી'માં જોહ્ની વીકરનાં બીજાં ગીતો - આજ કા દિન હૈ ફિક઼ા ફિક઼ા - મોહમ્મદ રફીએ તેમની આગવી શૈલીમાં ગાયાં જ હતાં. ઠુમરીની શૈલીમાં ગવાતાં આ મુજ઼રા નૃત્યનાં ગીત માટે એસ ડી બર્મનની પસંદ મન્ના ડે હતા. જોહ્ની વૉકરને આ વાત કેમ ગળે ઉતરી હશે તે કલ્પવું મણ મુશકેલ છે. પણ સો વાતની એક વાત, આપણને ફરી એક વાર મન્ના ડેનું સર્વાકાલીન સીમાચિહ્ન કૉમેડી ગીત સાંભળવા મળ્યું.
અહીં પણ જોહ્ની વૉકરની અદાઓ માટે ખાસ જગ્યા બનાવાઈ જ છે અને મન્ના ડે તેને અદલોદલ ન્યાય પણ કરી રહે છે.

જ્હોની વૉકર માટે મન્ના ડે એ હવે પછી જે કંઈ ગીતો ગાયાં તે કલ્યાણજી આણંદજી દ્વારા જ સ્વરબધ્ધ કરાયેલાં છે.
મેરે મહેબૂબ મુઝ કો -  હસીના માન જાયેગી (૧૯૬૮) - આશા ભોસલે સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી
'રૂઠેલી' પ્રેમિકાને મનાવવાનો ઈજારો એકલા હીરોલોગનો જ નથી હોતો, કૉમેડીઅન પણ એ મસાલામાં પોતાની કૉમેડીનો એકાદ નવો સ્વાદ ઉમેરવાની કોશીશ કેમ ન કરી લે !
એક અનાર દો બીમાર - બાઝી (૧૯૬૮) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: શકીલ બદાયુની
ફિલ્મોમાં અમુક ઢાંચા એવી જબરી ઘરેડમાં બેસી ગયા હોય  કે સંગીતકાર સાથે સાવ નવા જ ગીતકારની જોડી બને તો પણ એ 'મસાલા'ના પ્રયોગથી જે વાનગી મળે તેના સ્વાદમાં બહુ મોટો ફરક ન હોય !

હાયે રે રામા રામ ક઼સમ આયા રે કૈસા જ઼માના - એક હસીના દો દીવાને ((૧૯૭૨) – સંગીતકાર: કલ્યાણજી આણ્ંદજી – ગીતકાર: ક઼મર જલાલાબાદી
જોહ્ની વીકરની કક્ષાના કૉમેડીઅનને ફિલ્મમાં લીધા હોય એટલે તેમને પણ એક ગીત તો તો ફાળવવું જ પડે ! આ પ્રકારનાં ગીતો માટે હવે તો અનેક તૈયાર ઢાંચા પણ મળી રહેવા લાગ્યા હતા. બ્સ, એમાંથી એક ઢાંચો ઊઠાવ્યો, શબ્દો લખ્યા અને સંગીત સજાવ્યું એટલે એક વધારે ગીત કૉમેડી ગીત એસેમ્બ્લી લાઈન પરથી બહાર પડી જાય.

મના ડેનાં નસીબની આડી ચાલ દરેક વખતે આપણને પર્વતની ટોચ પરનાં કૉમેડી ગીતથી શરૂ કરીને દરેક અંકના અંત સુધીમાં તો ઊંડી ખાઈમાં ધકેલી દેતી હોય એવો જ અનુભવ થયા કરે છે.
જોકે આજે આપણને આ નિરાશામાંથી બહાર લાવે એવું એક ગીત છે જે મન્ના ડે  'જોહ્ની વૉકર'માટે ગાયું પંણ છે અને નથી પણ ગાયું.
મુઃહ સે મત લગા કે યે ચીઝ હૈ બૂરી - જોહ્ની વૉકર (૧૯૫૭) - મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: હસરત જયપુરી
'જોહ્ની વૉકર ફિલ્મ માટેનાં આ ગીતમાં જોહ્ની વૉકર માટે તો સ્વર મોહમ્મદ રફીનો જ છે પણ પર્દા પર જૉહ્ની વૉકરના કેટલાક મિત્રો પણ સાથ પુરાવે છે જે મન્ના ડેના સ્વરમાં છે. રફી તો જોહ્ની વૉકર માટે પૂરેપૂરા ખીલ્યા જ છે, પરંતુ મન્ના ડે પણ એકે એક સુરમાં તાલ મેળવવામાં પાછળ નથી રહેતા.


હવે પછીના અંકમાં આપણે મન્ના ડેની જન્મ શતાબ્દીની યાદમાં શરૂ કરેલી આ લેખશ્રેણી પૂરી કરીશું.

Sunday, April 5, 2020

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો - મેહમૂદ [૪]


મન્ના ડેના સ્વરમાં મેહમૂદ્દ માટે ગવાયેલાં કાસ્યપ્રધાન ગીતોના ત્રણ અંક પાર કરતાં કરતાંમાં આપણે દેખીતી રીતે '૭૦ અને ક્યાંક '૮૦ના દાયકા સુધી ચક્કર કાપી લીધાં છે. પણ હકીકતે આપણી દડમજલ હજૂ મેહમૂદની કારકીર્દીનાં ૧૯૬૬/૬૭નાં વર્ષની આસપાસ જ અટકી પડેલી છે. એક હાસ્ય કલાકાર તરીકે મેહમૂદે આપાણાં રોજબરોજનાં જીવનનાં પાત્રોને પરદા પર અભિનિત કરવાનો અભિગમ રાખ્યો છે.જોકે '૬૦ના દાયકાના અર્ધે સુધીમાં પહોંચતાં, મેહમૂદની કારકીર્દીમાં હવે પાત્ર પસંદગીમાં વૈવિધ્ય જળવવા છતાં તેમણે પોતાને ફાળે ફરજીયાત ફાળવવામાં આવતાં ગીતોની સીચ્યુએશન, એ ગીત ગાવાની શૈલી, પાત્રને અભિનિત કરવા માટેનાં પોતાનાં ટાયલાંવાયલા જેવાં અંગોમાં જાણ્યે અજાણ્યે એક અજબ પ્રકારની એકવિધતા દાખલ થઈ જવા દીધેલી જણાય છે.
તે સામે, તેમની ફિલ્મોમાં જૂદા જૂદા સંગીતકારોનો સમયાંતરે ઉમેરો થતો ગયો છે. પરંતુ '૬૦ના દાયકાની શરૂઆતમાં મેહમૂદનાં મન્ના ડે દ્વારા ગવાયેલાં ગીતોમાં શાસ્ત્રીય પશાદભૂની પાછળ નવા પ્રયોગો થતા દેખાવાની જે ખુબી દેખાતી હતી, તે હવે કોઈ પણ સંગીતકાર પુનઃજીવિત કરી શકતા જોવા નથી મળતા.
જોકે એ વર્ષોમાં ફિલ્મી ગીતોનાં સ્તરમાં પણ '૫૦ના દાયકા જેવાં દીર્ઘકાલીન અસર કરતી મીઠાશ તો ઓસરતી જતી જણાતી જ હતી. ફિલ્મોનાં ફિલ્માંકનમાં તકનીક સુધરતી ગઈ, કલાકારો સ્ટાર્સ બનવા લાગ્યા, સંગીતકારોની ફી પણ વધતી ગઈ પણ એ સંગીતકારોનાં ગીતોમાં પહેલાં જે એક અવર્ણનીય જાદુ અનુભવાતો તે હવે સફળતાની દેવી પાસે ક્યાંક ભોગ દેવાતો બની જતો જોવા મળવા લાગ્યો હતો.
આ બધાં પરિબળોની એકસામટી અસર મન્ના ડેનાં મેહમૂદ માટેનાં હાસ્યપ્રધાન ગીતોની સહજ ગુણવત્તા પર પડે તે ભલે આપણને ઓછું સ્વીકાર્ય  હોઈ શકે, પણ સમજી જરૂર શકાય તેમ છે.
જોકે આટલો વસવસો પ્રદર્શિત કરતાં કરતાં યાદ આવી જાય છે કે મન્નાડેનાં જન્મ શતાબ્દીનાં વર્ષમાં તેમનાં ગીતો યાદ કરવા પાછળનો આપણો મૂળ આશય તેમનાં ખુબ જાણીતાં અને વખણાયેલાં ગીતોને મમળાવતાં રહેવાનો તો હતો જ નહીં. આપણે તો મન્ના ડેનાં ગીતોની સફર તેમણે અલગ અલગ નાયકો માટે ગાયેલાં ગીતોનાં માધ્યમથી કરવા માટે આ લેખોનું ખેડાણ કરી રહ્યાં છીએ.

મન્ના ડેએ મેહમૂદ ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતોના આ ચોથા, અને આખરી, મણકાની શરૂઆત આપણે ઉપર વર્ણવેલ સંદર્ભમાં કરીએ છીએ.
વર્ષવાર ક્રમ જાળવીને સંગીતકારને કેન્દ્રમાં રાખવાની આપણી વ્યવસ્થા અનુસાર હવે પર્દા પર મેહમૂદનાં પાત્રો માટે રવિએ મન્ના ડેના સ્વરમાં સર્જેલ રચનાઓથી આજના અંકનો આરંભ કરીશું.
દે દાતા કે નામ દે દે,,, તુઝકો રખ્ખે રામ તુઝકો અલા રખ્ખે - આંખેં (૧૯૬૮) - આશા ભોસલે, મેહમૂદ  સાથે – સંગીતકાર: રવિ - ગીતકાર: સાહિર લુધ્યાનવી
દેશપ્રેમ અને જાસુસી કથાના વાઘા ચડાવાયેલી આ એ સમયની 'સફળ' રહેલી મસાલા ફિલ્મ હતી.મેહમૂદ અને માલા સિંહા ભિખારીઓના છદ્મવેશમાં એમના સાથીની શોધમાં નીકળી પડ્યાં છે. ઠેલણ ગાડીમાં ધુમલ બેઠાં બેઠાં કોઈક યંત્ર વડે એ સાથી પાસેનાં કોઈ 'બગ'ની ભાળ મેળવવા મથતા રહે છે. જોકે હિંદી ફિલ્મોમાં હાસ્ય કલાકારોને વિલન સામેની લડતમાં સફળ પામે તે પણ એક બહુ પ્રસ્થાપિત ચલણ હતું. એ મુજબ અહીં પણ આ ત્રિપુટી સફળતા વરે છે.
ફિલ્મમાં રવિનાં રચેલાં ગીતો રવિને સામાન્ય તરાહનાં હતાં. તે સમયે ફિલ્મની સાથે સાથે ચાલી પણ ગયાં હશે. મન્ના ડે અને આશા ભોસલે તેમની ભૂમિકાઓ સંન્નિષ્ઠતાથી અદા કરી જાય છે. 

મુસ્લિમ કો તસ્લીમ અર્ઝ હૈ - દો કલિયાં (૧૯૬૮) = અછંદાસ પંક્તિઓ મેહમૂદના સ્વરમાં  સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિર લુધ્યાનવી
નોકરી ધંધા વગરના યુવાન તરીકે ચલતાં ફરતાં સલુનનો આ જુગાડી નુસ્ખો કેટલો સફળ રહ્યો હશે તે તો ગીતમાં દર્શાવતા તેના (બે)હાલ પરથી અંદાજી શકાશે.

ખાલી ડબ્બા ખાલી બોટલ દે દે મેરે યાર - નીલકમલ (૧૯૬૯) – સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિત લુધ્યાનવી
શેરીએ શેરીએ ફરીને રદ્દી એકઠી કરવાનો વ્યવસાય લગભગ દરેક સમયે એટલો જ પ્રચલિત રહ્યો છે. જોકે ન તો ત્યરે, કે ન તો અત્યારે,મેહમૂદની જેમ આ વ્યવસાયનાં લોકો ડબ્બા બાટલીઓના હાર પહેરીને નીકળી પડે ! દરેકની પોતપોતાની આગવી આલબેલ જ તેમની પ્રસિધ્ધિનું અસરકારક માધ્યમ હતું. 
 

સાઈકલ પે હસીનોં કી ટોલી - અમાનત (૧૯૭૫) = આશા હોસલે,  મોહમ્મદ રફી સાથે – સંગીતકાર: રવિ – ગીતકાર: સાહિર લુધ્યાનવી
દેખીતી રીતે તો ફિલ્મની રજૂઆતા ૧૯૭૫માં થઈ હોય એમ જાણાય, પણ મનોજ કુમાર કે સાધનાની ઉમર, રવિની ગીતોની બાંધણીની શૈલી (એ સમયે પ્રચલિત બનેલ મતલબ નીકલ ગયા હૈ તો પહેચાનતે નહીં અને દૂર રહ કે કરો બાત, કે ઓછું જાણીતું કેડિટ ટાઈટલ ગીત હર એક દિલમેં અરમાન હૈ અમાનત - બધાં ગીતોના ગાયક મોહમ્મદ રફી- યાદ કરીએ) જેવી બાબતોથી જરૂર  સ્પષ્ટ થાય કે ફિલ્મની રજૂઆત કોઈ કારણસર અટકી ગઈ હશે અને એકાદ દાયકા પછી તે પરદા પર દેખાઈ હશે. કૉલેજ જતાં યુવાનોનું સાઈકલ પર  પિકનિક પર જવું, સાથેની છોકરીઓની મીઠી છેડછાડ કરવી - એ બધું પણ એ સમયમાં બહુ ચલણી હતું.
તે પછી ક્રમમાં આવનારા કલ્યાણજી આણંદજીએ દેખીતી રીતે તો મેહમૂદ માટે મન્ના ડે પાસે એક જ ગીત ગવડાવ્યું છે. જોકે મેહમૂદ માટે તેમણે લોરી સુના સુના કે (પુર્ણિમા, ૧૯૬૫), ગલી ગલી ગાંવમેં (પારસ, ૧૯૭૧) કે હોશિયાર રહેના ખબરદાર રહેના (વરદાન, ૧૯૭૪) જેવાં ત્રણેક ગીતો તો મેહમૂદના સ્વરમાંજ તો બીજાં અમુક ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં પણ રેકોર્ડ કર્યાં છે. 
મેરે દિલ સે દિલ કો જોડ દો - સુહાગ રાત (૧૯૬૮)- સંગીતકાર કલ્યાણજી આણંદજી - ગીતકાર ઈન્દીવર
છેડ છાડની આવી સ્થૂળ શૈલી અને તેવાં જ સરેરાશ ગીતો  મેહમૂદના ચાહકોનાં નસીબમાં લખાઈ ચુક્યાં જણાય છે. 
આજના, અને મન્ના ડે મેહમૂદ માટે ગાયેલાં હાસ્યપ્રધાન ગીતોની આપણી શ્રેણીના છેલ્લા સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ છે. ૧૯૬૩માં હિંદી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યા પછી શરૂઆતની થોડી સંધર્ષમય શરૂઆત બાદ લક્ષ્મી-પ્યારેની જોડીએ થોકના હિસાબે ગીતો બનાવવાનું ચલણ પ્રસ્થાપિત કરવાનું શ્રેય પણ પોતાને અંકે કરી લીધું.
અહીં એક વાતની કબુલાત કરી લેવી ઊચિત રહેશે. અહીં રજૂ કરેલાં ગીતો ઉપરાંત પણ હજૂ બીજાં કોઈ લક્ષ્મીકાંત પ્યારેલાલે મેહમૂદ માટે રચેલાં મન્ના ડેનાં ગીતો કદાચ હશે તો પણ મેં તે ખોળવાની મહેનત નથી લીધી. આટલાં ગીતોથી જ તેમણે રચેલાં આ પ્રકારનાં ગીતોના વ્યાપનો પૂરતો અંદાજ આવી જસ્જે તેમ મારૂં સંન્નિષ્ઠપણે માનવું છે.
ઓ મેરી મૈના માન તૂ લે મેરા કહેના - પ્યાર કિયે જા (૧૯૬૬) -ઉષા મંગેશકર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
મેહમૂદ અને તે સમયે હજુ મોટા બૅનરની ગણાતી ફિલ્મોમાં પાપા પગલી ભરતી, મુમતાઝ કોઈક અજબ પ્રકારનું ગીત ગાતાં ગાતાં ગજબ પ્રકારનું નૃત્ય કરી રહ્યાં છે. ફિલ્મ નિર્માતાઓ શેને શેને હાસ્ય જગાવનાર સીચ્યુએશન ગણશે તે હવે તો અકળ બની જતું  ભાસે છે .

એ ફોર એપલ બી ફોર બેબી - સાધુ ઔર શેતાન (૧૯૬૮) - આશા ભોસલે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
મેહમૂદનો બાળક જેવી મુદ્રાઓ કરવાનો પ્રયાસ સફળ થતો હોત તેવું તો આ ક્લિપ જોતાં જણાય છે.

ક઼તલ હુઆ નાઝોંકા પાલા મેરા - મેરી ભાભી (૧૯૬૯) - સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
લક્ષ્મીકાંત પ્યારેલાલે કન્યા વિદાયનાં ગીતની પૅરોડીનો પ્રયોગ કર્યો છે.

જવાની તેરા બોલા, બુઢાપા તેર અમુહ કાલા - અનોખી અદા (૧૯૭૩( - આશા ભોસલે સાથે - સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ   ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
મેહમૂદ અહીં એક બૂઢા દારૂડીયાનું પાત્ર ભજવે છે.

મના ડે - મેહમૂદની જોડી ને સંકળતાં હાસ્યપ્રધાન ગીતોની શ્રેણી અહીં પુરી કરીએ છીએ, ત્યારે દિલમાં ખેદનો ભાવ ખટકે છે. શાસ્ત્રીય સંગીત આધારિત ગીતોના પ્રયોગથી હાસ્યરસપ્રધાન રચનાઓ બનાવવાના પ્રયાસમાં શરૂ થયેલો તેમનો સહયોગ શરૂઆતમાં બહુ આશાઓ પેદા કરી ગયો. તે સમયે બીજા કલાકારો પણ આ પ્રયોગ આધારિત મન્ના ડેનાં ગીતો પણ બહુ જ ઉત્તમ કક્ષાનાં બન્યાં. એક બાજુ મેહમૂદ જેમ જેમ તેમની કારકીર્દીમાં આગળ વધતા ગયા તેમ તેમ સમાજનાં નવાં નવાં લોકોનાં પાત્રોને જીવંત કરવાના તેમના અનોખા અભિગમને તેમનાં અભિનયમાં વધતી જતી સ્થૂળતાએ ગ્રહણ લગાડવાનું શરૂ કરી દીધું. બીજી બાજુ જે સંગીતકારોએ મન્નાડે પાસે ઉત્તમ હાસ્યરસપ્રધાન ગીતો ગવડાવ્યાં તેઓ જ હવે અતિસામાન્ય ગીતો ઘસડવા લાગ્યા હોય તેવું જણાવા લાગ્યું. પરિણામે બન્ને કળાકારોની પ્રતિભાઓ સાથે સરાસર અન્યાય થતો રહ્યો.  આમ અફસોસ એ પણ રહે કે હાસ્ય પેદા થવા માટે બનેલાં ગીતો સાંભળતાં સાંભળતાં શ્રોતાએ ગમગીન બનતાં જવું પડ્યું.
હવે પછી આપણ એઅન્ય હાસ્ય કલાકારો માટે મન્ના ડેએ ગાયેલાં ગીતોને યાદ કરીશું.


મન્ના ડેનાં મેહમૂદ માટે ગાયેલાં હાસ્યરસપ્રધાન ગીતો પર ક્લિક કરવાથી એક જ ફાઈલમાં આ ગીતો જોવા / ડાઉનલોડ કરવા મળશે.