Showing posts with label Dattaram. Show all posts
Showing posts with label Dattaram. Show all posts

Sunday, June 11, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - જૂન ૨૦૨૩

દત્તારામ - આપ આયે તો ઉજાલા સા હુઆ મહેફિલમેં

દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર) - જન્મ ૧૯૨૯ - અવસાન ૮ જૂન, ૨૦૦૭ - ની  ૧૯૫૭થી શરૂ થયેલી સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી કેમ ૧૯ હિંદી અને ત્રણ પ્રાંતિક ભાષાઓની  ફિલ્મોમાં જ કેમ સંકેલાઈ ગઈ તે વિશે અનેક ચર્ચાઓ થતી રહી છે અને જેમ જેમ તેમનાં ગીતો સાંભળવાના અવસરો મળે છે તેમ થતી પણ રહેશે. એ બધી  ચર્ચાઓ ભલે એક તારણ પર ન આવી શકતી હોય પણ દત્તારામનું સંગીત એ બધી જ ફિલ્મોમાં ક્યારે પણ સુર ઉતરી ગયેલું નથી લાગ્યું એ વિશે હંમેશાં એકમત રહ્યો છે.

'૬૦ના દાયકાના મધ્ય કાળ પછી કલ્યાણજીઆણંદજી અને તેમનાથી પણ પછીની પેઢીના કહી શકાય એવા લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આર ડી બર્મન જેવા સંગીતકારોને ફાળે મોટાં નિર્માણગૃહોની ફિલ્મો જવા લાગી હતી. એટલે દત્તારામ જેવા સંગીતકારોએ પોતાની હાજરીની નોંધ લેવાતી રહે એ આશયથી પણ બી/સી ગ્રેડની ફિલ્મોનાં સંગીત આપવાની સ્થિતિ આવી ગઈ હતી.  આમ 

થવા છતાં એક સમયના બહુ જ આશાસ્પદ અને બહુ જ પ્રતિભાવાન આ સંગીતકારોનાં કૌશલ્યને ફિલ્મની કક્ષાની કોઈ સીધી અસર ભલે થઈ નહીં, પણ એ ફિલ્મોને મળતી નિષ્ફળતાને, કે એ ફિલ્મોનાં નિર્માણનાં અન્ય નબળાં પાસાંઓને, કારણે, ઘણી વાર, તેમનું સંગીત પણ ઓછું અસરકારક અનુભવાતું. 

દત્તારામ પણ ફિલ્મ જગતના એ પ્રવાહની આ વ્યાપક અસરના ભંવરમાં અટવાઈ ગયા હોય એવું બન્યું એ બાબત ખાસ આશ્ચર્યકારક પણ ન કહી શકાય.

દત્તારામ સર્જિત જાણીતાં તેમ જ ઓછાં જાણીતાં ગીતોને યાદ કરવાના 'દિલ્લી આટલી નજદીક છતાં કેટલી  દૂર' શીર્ષક હેઠળના આપણા આ ઉપક્રમ હેઠળ અત્યાર સુધી , આપણે


૧૯૫૭ થી ૧૯૫૯
નાં વર્ષનાં ગીતો ૨૦૧૮માં ,

૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષનાં ગીતો ૨૦૧૯માં,

૧૯૬૨ અને ૧૬૩નાં વર્ષનાં ગીતો ૨૦૨૦માં, અને

૧૯૬૫નાં વર્ષનાં ગીતો ૨૦૨૧માં,

૧૯૬૮નાં વર્ષનાં ગીતો ૨૦૨૨માં 

સાંભળ્યાં છે તેમાં દત્તારામનો તેમની કળા પરથી હાથ ઉતરી ગયો હોય એમ બિલકુલ નથી જણાતું.

આજે  ૧૯૭૦ની 'ચોરોંકા ચોર' અને ૧૯૭૧ની 'એક દિન આધી રાત' જેવી બે બી ગ્રેડની ફિલ્મોનાં  દત્તારામ રચિત ગીતો આપણે સાંભળીશું. ગીતોની મિઠાશ માણવાની સાથે  સાથે આપણે આ બે ફિલ્મો પછી દત્તારામની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી પર સિનેમાની આર્કલાઈટનો પ્રકાશ હંમેશાં માટે બંધ થઈ ગયો  એ કડવી હકીકતનો ઘુંટડો પણ ગળવો પડશે. 

'ચોરોંકા ચોર' (૧૯૭૦)

નામ પરથી જ ખયાલ આવી જાય કે 'ચોરોંકા ચોર' મારધાડની બી ગ્રેડની ફિલ્મ હશે. '૬૦ના દાયકાના મધ્ય ભાગ પછીથી દારા સિંગની મુખ્ય અભિનયવાળી લગભગ એવી ૧૬ ફિલ્મો બહુ ચાલી નીકળી હતી જેમાં મુમુતાઝ હિરોઈન હતી. આમાંની બધી ફિલ્મોમાં સંગીત કોઈને કોઈ એવા પ્રતિભાવાન સંગીતકારનું રહેતું કે જેને નસીબે ક્યાં તો યારી ન આપી હોય કે પછી લક્ષ્મી=પ્યારે જેવા નસીબના દરવાજા ખડખડાવાતા ઉગતા સંગીતકારોનું જ હૉય. દારા સિંગની જેટલી પણ ફિલ્મો સફળ રહી એ દરેકનું સંગીત પણ બહુ સફળ રહ્યું, કે પછી કદાચ એમ પણ કહી શકાય કે સંગીતની સફળતાએ ફિલ્મની સફળતામાં મોટો ભાગ ભજવ્યો. 

'ચોરોંકા ચોર'માં ચાર ગીતો હતાં જે બધાં ફારૂક઼ ક઼ૈસરે લખ્યા હતાં.

દિલ ધડકા, દિલ ધડકા, વહી શોલા ફિર ભડકા - શ્યામા હેમાડી, ઉષા મંગેશકર 

ટુંકા બજેટની સીમા પણ પાળવાની સાથે ઓછાં જાણીતાં ગાયકોને તક આપવાની સાહસિકતા દત્તારામ અહીં સુપેરે અદા કરે છે.



ઓ બંધુ, પતલી કમર તીરછી નજ઼ર કભી ઈધર કભી ઉધર - મહેંદ્ર કપૂર, શારદા 

યોગાનુયોગ કહી શકાય કે દત્તારામ શંકર જયકિશનના ઓછાયાની બહાર ન નીકળી શક્યા એવા આરોપનું સમર્થન કહી શકાય એવું વિચારતાં કરી દે એવાં બે પરિબળો - શંકર જયકિશનની પહેલી જ ફિલ્મ 'બરસાત' (૧૯૪૯)નાં તીરછી નજ઼ર હૈ પતલી કમર હૈ વાળા બોલ અને ગાયિકા તરીકે શારદાની હાજરી - અહીં જોવા મળે છે. 

જોકે શેરી ગીત તરીકે ફિલ્માવાયું હોય એવાં આ ગીતને દત્તારામે પોતાની શૈલીથી જ સંગીતબધ્ધ કર્યું છે તે વિશે બેમત ન હોઈ શકે.

ઓ મેરે દિલદાર ન કર તુ ઇન્કાર, મેરે દિલમેં બસના, મેરી આંખોંમેં  રહના - મોહમ્મદ રફી, આશા ભોસલે 

'લાઉડ'કહી શકાય એવાં ફિલ્માંકન માટે દત્તારામ પણ 'લાઉડ' કશી શકાય તેવી રચના આપે છે, પણ ગીતને પુરતો ન્યાય મળી રહે તે માટે મોહમ્મદ રફી અને આશા ભોસલે જેવાં 'સજ્જ' ગાયકોની પસંદગી કરેલ છે.


આયી સોફિયા, હો તેરા મેરા પ્યાર દેખકે સબકા દિલ જલા, છૂપકે પ્યાર કર લે તેરા મેરા દિલ હાલ હૈ એક ચુલબુલા - આશા ભોસલે

કદાચ ગોવાના કારણે દત્તારામને ફાળે ક્લબનાં ગીતો આવતાં રહેવાનો ક્રમ અહીં તો વળી ફિલ્મની મસાલા ફોર્મ્યુલાની 'ફરજિયાત' જરૂરને અનુસાર હોવાને કારણે પણ સહજ પણે જળવાયો એવું કહી શકાય. જોકે દત્તારામ ગીતની ધુનને નવા જ સ્વરૂપે રજુ કરી રહે છે.


https://vimeo.com/397999138

એક દિન, આધી રાત (૧૯૭૧)

આ ફિલ્મના મસાલામાં પાછૉ રહસ્યનો સ્વાદ પણ ઉમેર્યો હશે એમ જણાય છે. 

આપ આયે તો ઉજાલા સા હુઆ મહેફિલમેં, સામને બૈઠિયે તસ્વીર બના લું દિલમેં - મોહમ્મદ રફી – ગીતકાર: અસદ ભોપાલી 

'૫૦ના અંત અને '૬૦ના દાયકામાં બહુ પ્રચલિત પિયાનો પર ગવાતાં પાર્ટી ગીતનાં વાતાવરણને મોહમ્મદ રફીના ઉંચા સુરમાં ગવાયેલ ગીત વડે ફરીથી જીવંત કરી આપ્યું છે.


મૈં હું જહાં તુ ભી વહી હૈ, તુઝસે કોઈ પ્યારા નહીં હૈ આ મેરી બાહોંમેં જાન - એ - તમન્ના - સુમન કલ્યાણપુર – ગીતકાર: અસદ ભોપાલી

શંકર જયકિશને પ્રથમ વાર હરે કાંચકી ચુડીયાં (૧૯૬૭)માં પછી રે ઓ પંછી યુગલ ગીતમાં મુખ્યત્વે જે નવાં જ વાદ્યનો ઉપયોગ કર્યો હતો એ વાદ્ય પર દત્તારામ અહીં ફરીથી હાથ અજમાવે છે. જોકે પાર્ટી ગીત જેવી ધુન હોવા છતાં સુમન કલ્યાણપુરના સ્વરમાં ગીતના પ્રેમના સ્વીકારના ભાવને અનુરૂપ માર્દવ જળવાઈ રહે તેમ કરવામાં પણ દત્તારામ સફળ રહે છે.


મેરા દિલ ઝૂમ ઝૂમ ગાયે ..... સબકો હેપ્પી ક્રિસ્ટમસ - આશા ભોસલે – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર

ઉસ્તવની ઉજવણીને ફિલ્મમાં ગોહવવાની તક મળે તો કેમ ચુકાય !


સામને આ પરદા હટા હટા હટા  ..... દેખે ઝરા તુજ઼મેં હૈ ક્યા - મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર

મસાલા ભરેલી વાનગી જ તૈયાર કરવી હોય તો કવ્વાલીની રંગતથી વધારે લોકપ્રિય સામગ્રી ક્યાં શોધવી ! દત્તારામ કવ્વાલીની નજ઼ાકતને સરળતાથી જાળવી લે છે.


છેડો છેડો ના સૈયાંકી બાતેં. સખી લાખ સંભાલુંગી હાલત બીગડ જાએગી - ઉષા તિમોથી, આશા ભોસલે – ગીતકાર: નુર દેવાસી 

બીજા બધા મસાલા વપરાઈ ગયા હોય તો છેલ્લે નૃત્ય ગીત મુકી દેવાનો ઉપાય હિંદી ફિલ્મોમાં અકસીર ઉપાય રહ્યો છે. 


 

હવે દત્તારામને સ્વતંત્રપણે કામ મળવું ઓછું તો થઈ ગયું હતું, એવામાં ૧૯૭૩માં જયકિશનનું પણ નાની વયે અવસાન થયું. એટલે શંકરને એકલે હાથે બહુ કામ મળતું ન હતું. એ સંજોગોમાં દત્તારામે તેમના જુના મિત્રો લક્ષ્મી-પ્યારે અને આર ડી બર્મનની સાથે છુટક છૂટક કામ પણ કર્યું. પણ '૮૦ના દાયકામાં હિંદી ફિલ્મોમાં સંગીતની જે શૈલીનું પ્રભુત્વ થતું ગયું તેની સાથે દત્તારામને જરા પણ મેળ બેસતો નહોતો. એટલે તેમણે ગૌરવભેર પોતાના જન્મસ્થળ ભણીની વાટ પકડી. છેલ્લાં વર્ષોમાં તબીયત લથડી ત્યારે તેમની પાસે પોતાની સરખી સારવાર કરાવી શકવાની પણ સગવડ નહોતી. જે વ્યક્તિને નસીબે જીવનમાં મુશ્કેલીઓના કાંટા પણ ન વેર્યા કે ન તો અઢળક સફળતા આપી, તેણે દત્તારામના અંતને પણ મધ્ય માર્ગે જ ટુંકાવી આપ્યો.

તબ્બસુમે તેમના હૃદયસ્પર્શી કાર્યક્રમ Unheard musicians of Bollywood: Dattaram   માં તેમનાં ગીતોની યાદોને વણી લેતાં કહ્યું છે તેમ દત્તારામનાં સંગીતની યાદો તેમનાં ચાહકોનાં દિલમાં તો વસી જ છે, પણ નવી પેઢીને પણ ક્યાંકને ક્યાંક જરૂર ગમશે તો નસીબે તેમને જે કંઈ ઓછું આપ્યું તે તેમનાં ચાહકોની યાદો પુરૂં કરી આપી શકશે.


 દત્તારામે સ્વતંત્ર સંગીતકાર તરીકે રચેલાં ગીતોની સફરની લેખમાળા 'દિલ્લી આટલી નજદીક છતાં કેટલી  દૂર' ના બધા મણકા એકસાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરશો.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.


Sunday, June 12, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જૂન, ૨૦૨૨

દત્તારામ – દેખી તેરી દુનિયા અરે દેખે તેરે કામ

દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર_ - જન્મ ૧૯૨૯ - અવસાન ૮ જૂન, ૨૦૦૭ - એ હિંદી ફિલ્મ સંગીતની તવારીખમાં 'અંધારામાં રહેલ તારકવર્ગની પ્રતિભાઓ તરીકે નોંધાયેલ પ્રતિભાશાળી સંગીતકારોની પ્રથમ હરોળમાં સ્થાન મેળવે છે. આમ થવા પાછળ સ્વતંત્ર સંગીતકાર થયા પછી શંકર જયકિશનના સહાયક તરીકે ચાલુ રહેવાની રણનીતિ ભૂલ ભરી હતી, કે શંકર જયકિશનની સંગીત શૈલીના ઓછાયામાંથી બહાર નીકળીને પોતાની ઓળખ ઊભી ન કરી કે એટલા ભલા હતા કે બીજા સંગીતકારો ખાસ પ્રસંગ માટે ઢોલક વગાડવા બોલાવે તો પહોંચી જવું એવી બધી બાબતો વિષે થતી રહેલી ચર્ચાઓ એ નિષ્કર્ષ પર નથી પહોંચતી. પરંતુ દત્તારામનાં પાછલાં વર્ષોની ફિલ્મોની રચનાઓ સાંભળતાં એક વાત તો સ્પષ્ટ રહે જ છે કે સફળતાની માવજત ન મળ્યા છતાં તેમનાં સંગીતની તાજગી એટલી જ જણાય છે જેટલી શરૂઆતની સફળ ફિલ્મોની રચનાઓમાં જોવા મળતી હતી.

દત્તારામની સંવત્સરીના મહિનામાં આપણે આ મંચ પર  સ્વતંત્ર સંગીતકાર તરીકે દત્તારામ દ્વારા રચાયેલાં ગીતોની યાદ, વર્ષ ૨૦૧૮થી, તાજી કરી રહ્યં છીએ. અત્યાર સુધી , આપણે  દત્તારમે રચેલાં

૧૯૫૭ થી ૧૯૫૯નાં વર્ષનાં ગીતો ૨૦૧૮માં ,

૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષનાં ગીતો ૨૦૧૯માં,

૧૯૬૨ અને ૧૬૩નાં વર્ષનાં ગીતો ૨૦૨૦માં, અને

૧૯૬૫નાં વર્ષનાં ગીતો ૨૦૨૧માં

સાંભળી ચુક્યાં છીએ.

૧૯૬૬ અને ૧૯૬૭નાં વર્ષો ખલી ગયા બાદ દત્તારામે ૧૯૬૮માં ફરિશ્તા અને ૧૯૬૯માં - ફરિશ્તા, બાલક અને બેક઼સુર- એમ ત્રણ ફિલ્મો માટે રચેલાં ગીતો આજે આપણે સાંભળીશું.

ફરિશ્તા (૧૯૬૮)

આ બી ગ્રેડની ફિલ્મ માટે દત્તારામનો સાથ ગીતકાર અસદ ભોપાલી આપે છે.

દુનિયા એક જ઼મેલા હૈ …… ઓ દિવાને હમસે આ મિલ મિલા લે દિલસે દિલ - આશા ભોસલે

હિંદી થ્રિલર ફિલ્મો માટે કંઈ પણ ઉત્તેજનાપૂર્ણ ઘટના બનવાની હોય એટલે ક્લબ માં ગવાતું નૃત્ય ગીત મુકવું જ જોઈએ એવો શિરસ્તો પડી ગયો છે. ગિટારને મુખ્ય વાદ્ય તરીકે ઉપયોગમાં લઈને દત્તારામ પોતાની અપેક્ષિત ભૂમિકાને ન્યાય આપે છે.

દેખી તેરી દુનિયા અરે દેખે તેરે કામ - મુકેશ

ફિલ્મનાં મુખ્ય પાત્રની મનોસ્થિતિને અનુરૂપ શેરી નૃત્ય ગીત પણ ગોઠવાઈ જ જાય ! મુખ્ય કલાકારના મનમાં કંઈક ગંભીર ગડમથલ ચાલે છે, એટલે દત્તારામે મુકેશના કંઠનો પાર્શ્વસ્વર તરીકે ઉપયોગ કરવનું નક્કી કર્યું હશે !

એક ખુબસુરત લડકી મેરી નયી મુલાક઼ાતી - કિશોર કુમાર, આશા ભોસલે

શરારતો ભર્યાં ગીત માટે કિશોર કુમારની સહજ હરકતોને, પહેલી જ વાર, ઉપયોગમાં લેવાનો દત્તારામનો પ્રયોગ 'આરાધના' (૧૯૬૯) પછીના કિશોર કુમાર ૨.૦ના ઉદયનું એંધાણ હશે !

ભૈયા મેરે પ્યારે ભૈયા રાખી બંધાઓ ભૈયા - આશા ભોસલે

ભાઈને હાથે રાખડી બાંધવાના પરંપરાગત પ્રસંગને દત્તારામ અનોખી સૂઝથી રમતિયાળ ગીતનાં સ્વરૂપમાં રજૂ કરે છે.

ઋત બદલી મોરે રસિયા મિલે, રસિયા મિલે જી મન બસીયા મિલે - આશા ભોસલે

પરદા પર હીરોઈન પોતાના પ્રેમની કબુલાત વ્યક્ત કરે છે એવા ભાવને દત્તારામે લાડ લડાવીને રજુ કર્યા છે.


બાલક
(૧૯૬૯)

માણસ જન્મથી જ ખારાબ સંજોગો લખાવીને આવે છે ક એ કેમ એવા આદર્શવાદી વિષય પર બનાવાયેલ આ ફિલ્મના લેખમાં જ ટિકિટબારી પરની નિષ્ફળતા લખી હશે?

દત્તારામ અને ગીતકાર ભરત વ્યાસ પોતાના સંન્નિષ્ઠ પ્રયાસોથી તેમાં કંઈક બદલાવ કરી શકવાની કોશિશ કરે છે.

સુન લે બાપુ યે પૈગામ, મેરી ચિઠ્ઠી તેરે નામ - સુમન કલ્યાણપુર

આ ગીત સાંભળતાંની સાથે જ યાદ આવી ગયું કે એ વર્ષોમાં પણ આ ગીત રેડિયો પર ઘણું સાંભળ્યું છે. એ બતાવે છે કે 'અબ દિલ્લી દૂર નહીં' (૧૯૫૭)ની સફળ રચનાઓનાં સર્જનના એક દસકા પછી પણ દત્તારામના કસબને ઝંખપ નથી લાગી.

ભગવાનકી દેખો ભૂલ , બિછડ ગયા ડાલીસે એક ફૂલ - મોહમ્મદ રફી

ફિલ્મની વાર્તાનો અર્ક સમાવી દેનારાં બેકગ્રાઉન્ડ ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં બહુ હાથવગો ગણાતો. દત્તારામે મોહમ્મદ રફીને પસંદ કરીને ગીતને પ્રસંગોચિત બનાવી આપ્યું છે.

ચંદનીયા…. ચંદનીયા હૈ રાત સજન રહિયો કે જૈયો - આશા ભોસલે

દત્તારામની સામે એક વર્ગની જે મોટી ફરિયાદ હતી કે તેઓ શંકર જયકિશનની શૈલીમાં જ ગીતો રચતા તે આ મુજરા નૃત્ય ગીતમાં ચરિતાર્થ થાય છે.

મેરા નામ હૈ મહેમૂદ રહતા હું હર જગા મૌજુદ – શાંતિ માથુર

નન્હા મુન્ના રાહી હું (સન ઑફ ઇન્ડિયા, ૧૯૬૨)ની ગાયક શાંતિ માથુરનો અહીં કરેલો પ્રયોગ દત્તારામની સંગીત નિર્દેશક તરીકેની તેજ સૂઝની ગવાહી પુરે છે.


બેક઼સૂર (૧૯૬૯)

આ પણ બી ગ્રેડની જ ફિલ્મ હશે, પણ તેની બહુ વિગતો પ્રાપ્ય નથી જણાતી. ફિલ્મમાં ચાર ગીતો હતાં જે ફારુક઼ કૈસરે લખ્યાં છે.

ઓ સનમ મેરા સાથ દેના પ્યારકી રાહમેં - સુમન કલ્યાણપુર, મોહમમ્દ રફી

સમયની દૃષ્ટિએ ભલે દત્તારામની કારકિર્દીની સંધ્યા કહી શકાય, પણ દત્તારામની આ રોમેન્ટિક રચના હજુ એટલી જ તરોતાજા છે.

રુખસાના હાયે રુખસાના….. દેખોજી મેરે પીછે મત આના - મોહમ્મદ રફી, આશા ભોસલે

'૬૦ના દાયકાની શરૂઆતનાં ગીતો જેવી જ રચના દત્તારામ દાયકાના અંતમાં પણ એટલી જ સરળતાથી કરી લે છે.
નામ ગુલાબી હૈ મેરા - આશા ભોસલે

ચુલબુલાં ક્લબ ગીતો બનાવતી વખતે દત્તારામ હજૂ પણ એટલા જ ખીલે છે.

ફિલ્મનાં ચોથાં ગીત - મોહબ્બત સે કહ દો (આશા ભોસલે)-ના નેટ પર ડિજિટલ સગડ નથી મળી શક્યા.

દત્તારામનાં ગીતો ન મળે પરિસ્થિતિ હવે થવા લાગી છે ત્યારે અણસાર આવવા લાગે છે કે હવે તેમની કારકિર્દીનો સૂર્ય અસ્તાચળને અંતિમ તબક્કે છે. એ અહેસાસ  સાથે હવે પછીના, છેલ્લા,મણકામાં, દત્તારામની છેલ્લી બે ફિલ્મોનાં ગીતોનો પરિચય કરીશું.





Sunday, June 13, 2021

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : જૂન, ૨૦૨૧

 દત્તારામ – મેરે આંસુઓ પે ન મુસ્કરા

દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર_ - જન્મ ૧૯૨૯ - અવસાન ૮ જૂન, ૨૦૦૭- ની હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે, કમનસીબે, સૌથી મોટી ઓળખાણ એક સ્વતંત્ર સંગીતકાર તરીકે નહીં પણ શંકર જયકિશનના વાદ્યવૃંદના રીધમ ઍરેન્જર અને તબલાં કે ઢોલક પરના આગવા 'દત્તુના ઠેકા' માટે રહી. રીધમ પર તેમની નિપુણતા કે સંગીત દિગ્દર્શક તરીકે આવશ્યક એવી સર્જનાત્મકતાની કંઈક અંશની ઉણપ કે પછી સફળ ફિલ્મોને સફળ કારકિર્દીમાં ફેરવી શકવાની વાણિજ્યિક કુનેહનો અભાવ જેવી અનેક બાબતો વિશે બહુ લખાયું અને ચર્ચાયું છે. એક વાત જે ખાસ ધ્યાન પર નથી આવી કે, ધારી સફળતા ન મળવા છતાં તેમણે જે કંઇ ફિલ્મોમાં સંગીત આપ્યું તેમાં તેમનું સંગીત જરા પણ હતાશ સુરના આલાપ ગાતું નહોતું જણાયું.

દત્તારામની સંવત્સરીના મહિનામાં આપણે આ મંચ પર  સ્વતંત્ર સંગીતકાર તરીકે દત્તારામ દ્વારા રચાયેલાં ગીતોની યાદ, વર્ષ ૨૦૧૮થી, તાજી કરી રહ્યં છીએ. અત્યાર સુધી , આપણે  દત્તારમે રચેલાં

૧૯૫૭ થી ૧૯૫૯નાં ગીતો ૨૦૧૮માં ,

૧૯૬૦ અને ૧૯૬૧નાં ગીતો ૨૦૧૯માં, અને

૧૯૬૨ અને ૧૮૬૩નાં ગીતો ૨૦૨૦માં

સાંભળી ચુક્યાં છીએ.

૧૯૬૪માં દત્તારામને ફાળે એક પણ ફિલ્મ નથી આવી. છેલ્લી કેટલીક ફિલ્મોને ટિકીટ બારી પર સફળતા નહોતી મળતી, એટલે દત્તારામ પાસે જેં કંઈ પણ કામ આવતું હશે તે હવે બહુ ઓછું થતું જણાય છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ ડુબતો માણસ જીવ બચાવવા જેમ તરણાંનો સહારો પણ લઈ લે, કદાચ તેમ જ દત્તારામે પણ હવે જે કંઇ કામ મળે તે લઈને પણ સ્વતંત્ર સંગીતકાર તરીકેની તેમની નાવ તરતી રહેતી દેખાય તેવા આશયથી સી ગ્રેડની ફિલ્મો પણ સ્વીકારવાનું શરૂ કર્યું હોય એમ જણાય છે.

૧૯૬૫માં, દત્તારામે ત્રણ ફિલ્મોમાં સંગીત આપ્યું - માગધી ભાષામાં બનેલી 'મોરે મન મિતવા' અને દારાસિંગને મુખ્ય પાત્રમાં ચમકાવતી 'રાકા' અને 'ટારઝન કમ્સ ટુ દિલ્હી'. દત્તારામનાં સંગીત સર્જનનાં દરેક પાસાં સાથે આપણો ઊંડાણથી પરિચય થાય એ આપણો ઉદ્દેશ્ય હોવાથી ૧૯૬૫ની દત્તારામે સંગીતબધ્ધ કરેલી આ ત્રણેય ફિલ્મોનાં યુટ્યુબ પર ઉપલબ્ધ બધાં જ ગીતો આપણે આજના અંકમાં સાંભળીશું.

મોરે મન મિતવા (૧૯૬૫)

માગધી ભાષામાં બનેલી ફિલ્મ 'મોરે મન મિતવા' સામાજિક વિષય પર આધારીત હતી. તેમાં મુખ્ય ભૂમિકામાં નાઝ, સુધીર અને સુજીત કુમાર હતાં.[1]

કુસુમ રંગ લહેંગા મંગાદે પિયવા હો - આશા ભોસલે, મોહમ્મદ રફી – ગીતકાર: હરિશ્ચંદ્ર પ્રિયદર્શી

ભારતનાં ગ્રામ્ય પ્રદેશોનાં ગીતોમાં પ્રેમિકા પોતાના પ્રેમી પાસે અવનવી માગણીઓ મુકે અને પ્રેમી તેને હોંશે હોંશે સ્વીકારે તેવા ભાવનાં ગીતોનું વૈવિધ્ય એ બહુ રસપ્રદ વિષય રહ્યો છે.. પ્રસ્તુત ગીત પણ એ જ પ્રકારનું ગીત છે, જેમાં કુસુમ રંગનો લહેંગો, અને તે પછી ઓઢણી અને એમ એક પછી એક માગણીઓ રજુ થતી જાય છે. દત્તારામ ઢોલક વડે લોક ધુનની મીઠાશને જાળવી રાખે છે..

મોરે મન મિતવા સુના દે ઓ ગીતવા, બલમવા હો પ્રીતવા જગઈ હે મોરે મનમાં - મુકેશ, સુમન કલ્યાણપુર 

માગધી ભાષામાં જ લખાયેલું આ યુગલ ગીત બે પ્રેમીજનો વચ્ચે થતા પ્રેમાલાપનું એક સરળ ગીત છે.

મેરે આંસુઓ પે ન મુસ્કરા, કઈ ખ્વાબ થે જો મચલ ગયે - મુબારક બેગમ - ગીતકાર: હરિશ્ચંદ્ર પ્રિયદર્શી

જ્યારે કોઈ ગીત ચીરસ્મરણીય થવા સર્જાયું હોય છે ત્યારે તેને મુખ્ય ધારામાં ન હોય તેવા ગીતકાર કે ગાયક કે પ્રાંતીય ભાષામાં બનેલી ફિલ્મ કે પરદા પરનાં ઓછાં જાણીતાં કલાકારો જેવાં કોઈ બંધનો નડતાં નથી.

તેમ જ ગીત ભલેને ગમે તેટલું પ્રખ્યાત થાય, પણ તેને કારણે સંગીતકાર કે ગાયકનાં નસીબનું પાડડું હટશે કે કેમ તે તો લેખ લખતી વખતે નિયતિને પણ ખબર નહીં જ હોય, એટલે તે પણ સંગીતકાર કે ગાયક્ને થનાર ફાયદાને ભાગ્યના ભરોસે જ અધ્યાહાર રાખી દેતાં હશે!

ખેર, એ બધી વાતોને એક તરફ રાખીને દરેક અંતરાની શરૂઆતમાં ગીતનાં માર્દવને, કે બોલના ઉચ્ચારની શુધ્ધતાને, જરા સરખી પણ આંચ આવ્યા દીધા વગર મુબારક બેગમ જે રીતે ઊંચા સુરમાં જઈને પાછાં ગીતના મુળ સુરમાં  આવી જાય છે તે જ ફરી ફરીને સાંભળ્યા કરવાનું જ મન થાય છે.

રાકા (૧૯૬૫)

શરૂઆતની એકાદ બે જ ફિલ્મોને ટિકિટ બારી પર જે સફળતા મળી તેણે દારા સીંગ માટે તો હિંદી ફિલ્મોની વણઝાર જ લગાવી દીધી. આ બધી ફિલ્મોના સંગીતકાર ખુબ જ નિપુણ હોય પણ સફળતા સાથે હંમેશાં ૩૬નો આંકડો જ ધરાવતા હોય. દારા સીંગ તો અભિનયક્ષમતાનો નહોતા તો દાવો કરતા કે કદાચ તેમને ફિલ્મોની સફળતાની બહુ પડી પણ નહીં હોય, પણ તેમની કુસ્તીનાં ક્ષેત્રની ઓળખને કારણે ઉતર ભારતનાં નાનાં શહેરોના અને ગ્રામ્ય વિસ્તારોના તેમના ચાહક વર્ગે તો દરેક ફિલ્મને ખોબે ને ખોબે રળતર કમાવી આપ્યું. લક્ષ્મીકાંત પ્યારેલાલ અને મુમતાઝના અપવાદ સિવાય આ ફિલ્મોના સંગીતકારોને કે મુખ્ય અભિનેત્રીઓને આ ફિલ્મોની સફળતા ખાસ ફળી નહીં તે પણ એટલી જ અજીબોગરીબ વાત કહી શકાય.

ફિલ્મના ગીતકાર અસદ ભોપાલી હતા.

આદમી મજબુર હૈ, તક઼દીર પર ઈલ્ઝામ હૈ, બાત કહને કી નહીં, યે સબ તેરા હી કામ હૈ - મોહમ્મદ રફી

પહેલી નજરે તો ગીત એક સાધુ મંદિરની બહાર એક્ઠાં થયેલાં ભક્તોને બોધ આપી રહ્યા હોય તેવું જણાય. દત્તારામે અંતરાનાં સંગીતમાં પણ એ ભક્તોની હાજરીને કોરસ ગાન તરીકે વણી લીધી છે.

પરંતુ મુમતાઝ અને ગંગાને આવતાં દેખાડાયા પ્છી કેમેરા તેમના ઉપર જ ફોકસ થવા લાગે, ક્લોઝ-અપ્સમાં બન્ને અભિનેત્રીઓના ચહેરા પર બદલાતા ભાવને કારણે ગીતના બોલને આ બન્નેનાં જીવન સાથે પણ સંબંધ છે તેવું જણાવા લાગે છે.

આડ વાત : આ ગીત સાથે જોડાયેલી અન્ય કોઇ વાત જાણવા માટે બીજા બ્લૉગ્સ પર શોધખોળ કરતાં અતુલ'સ સોંગ અ ડે પરની સંબંધિત પોસ્ટમાંથી જાણવા મળે છે કે અહીં મુમતાઝ સાથે દેખાતી અભિનેત્રી,ગંગા, 'પડોસન' (૧૯૬૮)નાં ગીત, કહેના હૈ આજ તુમ કો યે પહેલી બાર માં સાયરા બાનુની સહેલી તરીકે ગીતના પાર્શ્વગાયક (પરદા પર) કિશોર કુમાર છે તેવો ભાંડો ફોડી આપે છે.

હમ ભી નયે તુમ ભી નયે દેખો સંભલના - આશા ભોસલે, કમલ બારોટ, મોહમ્મદ રફી, મન્ના ડે

ડાકુઓ, ચાંચિયાઓ વગેરેના અડ્ડાઓ પર નવરાશના સમયે આવાં જાહેર નૃત્ય ગીતો દ્વારા મનોરંજન થતું હોય એવા પ્રસંગને અનુરૂપ આ ગીત જણાય છે.

દીલકી બેતાબિયાં લે ચલી હૈ વહાં, ઝિંદગી હૈ જહાં, હાલ-એ-દિલ પુછો ના - લતા મંગેશકર

ફિલ્મમાં દારા સીંગ, મુમતાઝ અને ગંગા એવા પ્રણય ત્રિકોણનો એક ખૂણો, ગંગા, પણ પોતાના પ્રેમનો ઇઝહાર તેની સહેલીઓ સાથે કરે છે.

દત્તારામે વાંસળીને મુખ્ય વાદ્ય તરીકે વાપરીને ગીતના આનંદના ભાવને મીઠાશથી ભરેલ છે.

બોલો ના, કોઈ મિલા રાહ મેં, અચ્છા, ઔર દિલ ખો ગયા, ફિર ક્યા હુઆ, આયે હાયે ગજ઼્જબ હો ગયા - આશા ભોસલે, સાથીઓ

સહેલીઓ અને મુખ્ય અભિનેત્રીની પુછતાછને અસદ ભોપાલીએ ગીતના બોલમાં વાપરી લેવાનો અનોખો પ્રયોગ કર્યો અને દત્તારામે તેને ગીતમાં વણી પણ લીધો… અંતરાના બોલની પહેલી પંક્તિમાં જ્યાં જ્યાં વધતી જતી ઉત્તેજનાના ભાવના બોલ છે તત્પુરતું દત્તારામે ગીતને ઊંચા સુરમાં પણ રમતું મુક્યું છે.

તેરી મહેરબાની હોગી, હાયે બડી મહેરબાની હોગી - મોહમ્મદ રફી, આશા ભોસલે

હિંદી ફિલ્મમાં પ્રયોજાયેલી કવ્વાલીઓમાં પહેલી હરોળમાં સ્થાન મેળવી શકે એવી કવ્વાલી એ સમયે તો પ્રચલિત થયેલ, પણ ફિલ્મની સાથે શ્રોતાઓની યાદમાંથી ઝડપથી વિસરાઈ ગઈ. દત્તારામની કારકિર્દીની ચાંદનીને પણ આવાં જ ગ્રહણ નડતાં રહ્યાં  

હો નૈન સે નૈન ઉલ્ઝ ગયે રે સૈંયા, દિલકી બાત સમઝ ગયે રે સૈંયા, - આશા ભોસલે

મુખડા અને અંતરાનાં સંગીતમાં પાશ્ચાત્ય વાદ્યો વડે અને ગીતના ગાયનને ઢોલક વડે તાલ આપવાનો પ્રયોગ પણ દત્તારામ બહુ સરળતાથી કરી લે છે.

ટારઝન કમ્સ ટુ દિલ્હી (૧૯૬૫)

મુંબઈના પારસી બોડી બિલ્ડર આઝાદને મુખ્ય ભૂમિકામા ચમવાતી, ઝિંબોનાં ભારતીય સંસ્કરણરૂપ, ફિલ્મ ૧૯૫૮માં રીલીઝ થઈ, ઉત્તર ભારતનાં નાનાં શહેરો અને ગામડાંઓની સર્કીટમાં તે ખુબ ચાલી. તેની પાછળ પાછળ એ સમયે ભારતમાં કુસ્તીમાં જેમની ખુબ ખ્યાતિ થઈ ચુકી હતી એવા દારા સીંગને પણ આ પ્રકારની ફિલ્મોમાં ઉતારવામાં આવ્યા. ફિલ્મોમાં રોકાણ બહુ ન કરવું પડતું, પણ વળતર બહુ જ સારૂં રહેતું. પરિણામે ટારઝન અને કિંગ કોંગ  જેવાં પાત્રોને વણી લેતાં શીર્ષકો સાથેની ફિલ્મોની વણઝાર લાગી ગઈ.

પ્રતુત ફિલ્મમાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં છે.

સુન રે સુન અલબેલે કબસે હમ હૈં અકેલે… પ્યાર જતા કે હારી, દિલમેં બુલા કે હારી, અબ તો આ જા આ આ આ – સુમન કલ્યાણપુર

શહેરમાં આવેલા ટારઝને શહેરની મોજમજાઓની રંગીલી જીવન બાજુનો પણ પરિચય તો કરાવવો જ જોઇએ !

હુસ્ન એક઼રાર કરે, ઈશ્ક ઈનકાર કરે, ઐસે નાદાન સે અબ કૈસે કોઈ પ્યાર કરે - લતા મંગેશકર

આટલી દેખાવડી યુવતી જંગલના હીરોને દિલ દઈ બેસે, પણ પેલા સીદા સાધા મસ્તરામનેવળી પ્રેમબ્રેમ જેવી વાતોનો અનુભવ તો શેનો જ હોય ! બસ, હવે આ ભાઈને કેમ મનાવવો તેની મનોવ્યથાને વ્યક્ત કરવા માટે પણ એક ગીતનું જ માધ્યમ ઠીક પડે !

હિંદી ફિલ્મોમાં આ પ્રકારનાં ગીતો માટે પાશ્ચાત્ય વાદ્યોથી સજ્જ ધુન પર ગીતની રચના કરવી એ પણ એક વણલખ્યો નિયમ લાગે છે...

કારી કારી અખીયોંસે પ્યારી પ્યારી બતીયોંસે, ઓ સજના ઓ બલમા, ઓ સજના  બલમા હાયે, કાહે મેરી નિંદીયાં ચુરાયે - આશા ભોસલે, મોહમ્મદ રફી

ફિલ્મમાં માસ્ટર ભગવાન હોય તો તેમનું પણ એક નૃત્ય ગીત મુકીને ફિલ્મને વધારે મસાલેદાર કેમ ન બનાવી લેવી ?

દિલ  લગાલે દિલવાલે તુઝે સમજાતે હૈં, યે ઉમર ફિર ના આયેગી - આશા ભોસલે, ઉષા મંગેશકર

શહેરમાં આવી ચડેલા ટારઝનને પોતાની યોજનામાં ભળવા માટે મનાવવા માટે નૃત્યાંગનાઓનાં નાચગાનનો સહારો લેવાયો છે.

નિગાહેં ચાર કરૂં યે મેરી તમન્ના હૈ, કિસીસે પ્યાર કરૂં યે મેરી તમન્ના હૈ - આશા ભોસલે

જંગલના હીરોને મનાવવા તેમનાં જ ઘરમાં જઇને શહેરી અદામાં મીઠડું ગીત ગાવાનો પાસો નખાયો છે.

છમ છમ બાજે પાયલ મતવાલી, કભી જિયા ગભરાયે કભી નૈન શરમાયે, પિયા કૈસી નજર તુને ડાલી - આશા ભોસલે, ઉષા મંગેશકર

જંગલના હીરોને મનાવવા માટે હવે તેના જ પ્રદેશ - આફ્રિકા- ની ધુન પર આધારિત નૃત્ય ગીતની મદદ લેવાઇ લાગે છે ! દત્તારામ એ પ્રદેશનાં ડ્રમની ધુનને પૂર્વાલાપમાં છેડીને વાતાવરણ ખડું કરવાં સન્નિષ્ઠ ભૂમિકા ભજવી રહે છે.



દત્તારામની કારકિર્દીની નાવની ગતિ ભલે ધીમી થઈ ગયેલી જણાય, પણ તે સાચી દિશા ખોળી લેવાની બાબતે હજુ પુરા જોશથી પ્રયત્નશીલ છે તે તો દેખાય જ છે,.

દત્તારામ રચિત ગીતોની આપણી આ સફર પણ હજુ ચાલુ જ છે.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.



[1] Part 1 and  Part 2