દત્તારામ - આપ આયે તો ઉજાલા સા હુઆ મહેફિલમેં
દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ
વાડકર) - જન્મ ૧૯૨૯ - અવસાન ૮ જૂન, ૨૦૦૭ - ની
'૬૦ના દાયકાના મધ્ય કાળ પછી કલ્યાણજીઆણંદજી અને તેમનાથી પણ પછીની પેઢીના કહી શકાય એવા લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આર ડી બર્મન જેવા સંગીતકારોને ફાળે મોટાં નિર્માણગૃહોની ફિલ્મો જવા લાગી હતી. એટલે દત્તારામ જેવા સંગીતકારોએ પોતાની હાજરીની નોંધ લેવાતી રહે એ આશયથી પણ બી/સી ગ્રેડની ફિલ્મોનાં સંગીત આપવાની સ્થિતિ આવી ગઈ હતી. આમ
થવા છતાં એક સમયના બહુ જ આશાસ્પદ અને બહુ જ પ્રતિભાવાન આ સંગીતકારોનાં કૌશલ્યને ફિલ્મની કક્ષાની કોઈ સીધી અસર ભલે થઈ નહીં, પણ એ ફિલ્મોને મળતી નિષ્ફળતાને, કે એ ફિલ્મોનાં નિર્માણનાં અન્ય નબળાં પાસાંઓને, કારણે, ઘણી વાર, તેમનું સંગીત પણ ઓછું અસરકારક અનુભવાતું.દત્તારામ પણ ફિલ્મ જગતના એ
પ્રવાહની આ વ્યાપક અસરના ભંવરમાં અટવાઈ ગયા હોય એવું બન્યું એ બાબત ખાસ
આશ્ચર્યકારક પણ ન કહી શકાય.
દત્તારામ સર્જિત જાણીતાં તેમ જ
ઓછાં જાણીતાં ગીતોને યાદ કરવાના 'દિલ્લી આટલી નજદીક છતાં કેટલી દૂર' શીર્ષક હેઠળના આપણા આ ઉપક્રમ
હેઠળ અત્યાર સુધી ,
આપણે
૧૯૫૭ થી ૧૯૫૯નાં વર્ષનાં ગીતો ૨૦૧૮માં
,
૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષનાં ગીતો ૨૦૧૯માં,
૧૯૬૨ અને ૧૯૬૩નાં વર્ષનાં ગીતો ૨૦૨૦માં, અને
૧૯૬૫નાં વર્ષનાં ગીતો ૨૦૨૧માં,
૧૯૬૮નાં વર્ષનાં ગીતો ૨૦૨૨માં
સાંભળ્યાં છે તેમાં દત્તારામનો
તેમની કળા પરથી હાથ ઉતરી ગયો હોય એમ બિલકુલ નથી જણાતું.
આજે
૧૯૭૦ની 'ચોરોંકા ચોર' અને ૧૯૭૧ની 'એક દિન આધી રાત'
જેવી બે બી ગ્રેડની ફિલ્મોનાં દત્તારામ રચિત ગીતો આપણે
સાંભળીશું. ગીતોની મિઠાશ માણવાની સાથે સાથે આપણે આ બે
ફિલ્મો પછી દત્તારામની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી પર સિનેમાની
આર્કલાઈટનો પ્રકાશ હંમેશાં માટે બંધ થઈ ગયો એ કડવી હકીકતનો
ઘુંટડો પણ ગળવો પડશે.
'ચોરોંકા ચોર' (૧૯૭૦)
નામ પરથી જ ખયાલ આવી જાય કે 'ચોરોંકા ચોર'
મારધાડની બી ગ્રેડની ફિલ્મ હશે. '૬૦ના દાયકાના મધ્ય ભાગ
પછીથી દારા સિંગની મુખ્ય અભિનયવાળી લગભગ એવી ૧૬ ફિલ્મો બહુ ચાલી નીકળી હતી જેમાં
મુમુતાઝ હિરોઈન હતી. આમાંની બધી ફિલ્મોમાં સંગીત કોઈને કોઈ એવા પ્રતિભાવાન
સંગીતકારનું રહેતું કે જેને નસીબે ક્યાં તો યારી ન આપી હોય કે પછી લક્ષ્મી=પ્યારે
જેવા નસીબના દરવાજા ખડખડાવાતા ઉગતા સંગીતકારોનું જ હૉય. દારા સિંગની જેટલી પણ
ફિલ્મો સફળ રહી એ દરેકનું સંગીત પણ બહુ સફળ રહ્યું, કે પછી કદાચ એમ
પણ કહી શકાય કે સંગીતની સફળતાએ ફિલ્મની સફળતામાં મોટો ભાગ ભજવ્યો.
'ચોરોંકા ચોર'માં ચાર ગીતો
હતાં જે બધાં ફારૂક઼ ક઼ૈસરે લખ્યા હતાં.
દિલ ધડકા, દિલ
ધડકા, વહી શોલા ફિર ભડકા - શ્યામા હેમાડી, ઉષા
મંગેશકર
ટુંકા
બજેટની સીમા પણ પાળવાની સાથે ઓછાં જાણીતાં ગાયકોને તક આપવાની સાહસિકતા દત્તારામ
અહીં સુપેરે અદા કરે છે.
ઓ બંધુ, પતલી કમર તીરછી નજ઼ર કભી ઈધર કભી ઉધર - મહેંદ્ર કપૂર, શારદા
યોગાનુયોગ
કહી શકાય કે દત્તારામ શંકર જયકિશનના ઓછાયાની બહાર ન નીકળી શક્યા એવા આરોપનું
સમર્થન કહી શકાય એવું વિચારતાં કરી દે એવાં બે પરિબળો - શંકર જયકિશનની પહેલી જ
ફિલ્મ 'બરસાત' (૧૯૪૯)નાં તીરછી નજ઼ર હૈ પતલી કમર હૈ વાળા બોલ અને ગાયિકા તરીકે શારદાની
હાજરી - અહીં જોવા મળે છે.
જોકે
શેરી ગીત તરીકે ફિલ્માવાયું હોય એવાં આ ગીતને દત્તારામે પોતાની શૈલીથી જ સંગીતબધ્ધ
કર્યું છે તે વિશે બેમત ન હોઈ શકે.
ઓ મેરે દિલદાર ન કર તુ ઇન્કાર, મેરે દિલમેં બસના, મેરી આંખોંમેં રહના - મોહમ્મદ રફી, આશા ભોસલે
'લાઉડ'કહી
શકાય એવાં ફિલ્માંકન માટે દત્તારામ પણ 'લાઉડ' કશી
શકાય તેવી રચના આપે છે, પણ ગીતને પુરતો ન્યાય મળી રહે તે માટે
મોહમ્મદ રફી અને આશા ભોસલે જેવાં 'સજ્જ' ગાયકોની
પસંદગી કરેલ છે.
આયી સોફિયા, હો તેરા મેરા પ્યાર દેખકે સબકા દિલ જલા, છૂપકે પ્યાર કર લે તેરા મેરા દિલ હાલ હૈ એક ચુલબુલા - આશા ભોસલે
કદાચ
ગોવાના કારણે દત્તારામને ફાળે ક્લબનાં ગીતો આવતાં રહેવાનો ક્રમ અહીં તો વળી
ફિલ્મની મસાલા ફોર્મ્યુલાની 'ફરજિયાત' જરૂરને
અનુસાર હોવાને કારણે પણ સહજ પણે જળવાયો એવું કહી શકાય. જોકે દત્તારામ ગીતની ધુનને
નવા જ સ્વરૂપે રજુ કરી રહે છે.
એક દિન, આધી રાત (૧૯૭૧)
આ ફિલ્મના મસાલામાં પાછૉ
રહસ્યનો સ્વાદ પણ ઉમેર્યો હશે એમ જણાય છે.
આપ આયે તો ઉજાલા સા હુઆ મહેફિલમેં, સામને બૈઠિયે તસ્વીર બના લું દિલમેં - મોહમ્મદ
રફી – ગીતકાર: અસદ ભોપાલી
'૫૦ના અંત અને '૬૦ના દાયકામાં બહુ પ્રચલિત પિયાનો પર ગવાતાં પાર્ટી ગીતનાં વાતાવરણને મોહમ્મદ
રફીના ઉંચા સુરમાં ગવાયેલ ગીત વડે ફરીથી જીવંત કરી આપ્યું છે.
મૈં હું જહાં તુ ભી વહી હૈ, તુઝસે કોઈ પ્યારા નહીં હૈ આ મેરી બાહોંમેં જાન - એ - તમન્ના - સુમન કલ્યાણપુર – ગીતકાર: અસદ ભોપાલી
શંકર જયકિશને પ્રથમ વાર હરે
કાંચકી ચુડીયાં (૧૯૬૭)માં પછી રે ઓ પંછી યુગલ ગીતમાં મુખ્યત્વે જે
નવાં જ વાદ્યનો ઉપયોગ કર્યો હતો એ વાદ્ય પર દત્તારામ અહીં ફરીથી
હાથ અજમાવે છે. જોકે પાર્ટી ગીત જેવી ધુન હોવા છતાં સુમન કલ્યાણપુરના સ્વરમાં
ગીતના પ્રેમના સ્વીકારના ભાવને અનુરૂપ માર્દવ જળવાઈ રહે તેમ કરવામાં પણ દત્તારામ
સફળ રહે છે.
મેરા દિલ ઝૂમ ઝૂમ ગાયે ..... સબકો હેપ્પી ક્રિસ્ટમસ - આશા ભોસલે – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર
ઉસ્તવની
ઉજવણીને ફિલ્મમાં ગોહવવાની તક મળે તો કેમ ચુકાય !
સામને આ પરદા હટા હટા હટા ..... દેખે ઝરા તુજ઼મેં હૈ ક્યા - મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકાર: ફારૂક઼ ક઼ૈસર
મસાલા
ભરેલી વાનગી જ તૈયાર કરવી હોય તો કવ્વાલીની રંગતથી વધારે લોકપ્રિય સામગ્રી ક્યાં
શોધવી ! દત્તારામ કવ્વાલીની નજ઼ાકતને સરળતાથી જાળવી લે છે.
છેડો છેડો ના સૈયાંકી બાતેં. સખી લાખ સંભાલુંગી હાલત બીગડ જાએગી - ઉષા તિમોથી, આશા ભોસલે – ગીતકાર: નુર દેવાસી
બીજા બધા મસાલા વપરાઈ ગયા હોય તો છેલ્લે નૃત્ય ગીત મુકી દેવાનો ઉપાય હિંદી ફિલ્મોમાં અકસીર ઉપાય રહ્યો છે.
હવે દત્તારામને સ્વતંત્રપણે કામ મળવું ઓછું તો થઈ ગયું હતું, એવામાં ૧૯૭૩માં જયકિશનનું પણ નાની વયે અવસાન થયું. એટલે શંકરને એકલે હાથે બહુ કામ મળતું ન હતું. એ સંજોગોમાં દત્તારામે તેમના જુના મિત્રો લક્ષ્મી-પ્યારે અને આર ડી બર્મનની સાથે છુટક છૂટક કામ પણ કર્યું. પણ '૮૦ના દાયકામાં હિંદી ફિલ્મોમાં સંગીતની જે શૈલીનું પ્રભુત્વ થતું ગયું તેની સાથે દત્તારામને જરા પણ મેળ બેસતો નહોતો. એટલે તેમણે ગૌરવભેર પોતાના જન્મસ્થળ ભણીની વાટ પકડી. છેલ્લાં વર્ષોમાં તબીયત લથડી ત્યારે તેમની પાસે પોતાની સરખી સારવાર કરાવી શકવાની પણ સગવડ નહોતી. જે વ્યક્તિને નસીબે જીવનમાં મુશ્કેલીઓના કાંટા પણ ન વેર્યા કે ન તો અઢળક સફળતા આપી, તેણે દત્તારામના અંતને પણ મધ્ય માર્ગે જ ટુંકાવી આપ્યો.
તબ્બસુમે તેમના
હૃદયસ્પર્શી કાર્યક્રમ Unheard musicians of
Bollywood: Dattaram માં તેમનાં ગીતોની યાદોને વણી લેતાં કહ્યું છે
તેમ દત્તારામનાં સંગીતની યાદો
તેમનાં ચાહકોનાં દિલમાં તો વસી જ છે, પણ નવી પેઢીને પણ
ક્યાંકને ક્યાંક જરૂર ગમશે તો નસીબે તેમને જે કંઈ ઓછું આપ્યું તે તેમનાં ચાહકોની
યાદો પુરૂં કરી આપી શકશે.
દત્તારામે સ્વતંત્ર સંગીતકાર તરીકે રચેલાં ગીતોની સફરની લેખમાળા 'દિલ્લી આટલી નજદીક છતાં કેટલી દૂર' ના બધા મણકા એકસાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરશો.
આવતા
મહિનાના બીજા રવિવારે, વિસરાતી
યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત
રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment