દત્તારામ - હાલ-એ-દિલ હમારા જાને ના.. યે બેવફા જ઼માના
રાજ કપૂરની પહેલી ફિલ્મ 'આગ' ૧૯૪૮માં તેઓ રામ ગાંગુલીના સહાયક હતા. રાજ કપૂરની તે પછીની ફિલ્મ 'બરસાત' (૧૯૪૯)માં તેઓ શંકર જયકિશનના સહાયક બન્યા. શંકર જયકિશન સાથેનો આ સંબંચ ૧૯૭૭ની ફિલ્મ 'ધૂપ છાંવ'સુધી ચાલુ રહ્યો. 'અરસાત' પછીથી ધીમે ધીમે તબલા / ઢોલક વાદનની તેમની આગવી શૈલી 'દત્તુ ઠેકા' તરીકે હિંદી ફિલ્મ જગતમાં મશહૂર થઈ.
૧૯૫૭ની આરકે ફિલ્મ્સની 'અબ દિલ્લી દૂર નહીં' દ્વારા તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવાનું શરૂં કર્યું. ૧૯૭૧ સુધીમં તેમણે ૨૧ જેટલી ફિલ્મોમાં જ સંગીત આપ્યું. જેમનાં ઘણાં ગીતો સફળ રહ્યાં હોય, તેમ છતાં જે સંગીતકારોને 'સફળ સંગીતકારો'ની પ્રથમ હરોળમાં ક્યારે પણ સ્થાન નથી મળ્યું એવી હિદી ફિલ્મ સંગીતની આગવી ક્લબના સભ્ય બની રહેવાનું દત્તારામનાં નસીબમાં પણ લખાયું હશે ! તેમની કારકીર્દીની શરૂઆતમાં રાજ કપૂરની મદદ પણ વિધિના લેખ બદલવામાં કામ ન આવી.
૨૦૧૮થી આપણે દત્તારામની યાદ તાજી કર્તી લેખમાળા શરૂ કરી છે. ૨૦૧૮ના અંકમાં આપણે આપણે દત્તારામે રચેલાં ૧૯૫૭થી ૧૯૫૯નાં વર્ષોનાં કેટલાંક ગીતો સાંભળ્યાં હતાં. આજના અંકમાં આપણે દત્તારામનાં ૧૯૬૦ અને ૧૯૬૧નાં વર્ષોનાં બહુ જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતો સાંભળીશું. આ વર્ષોમાં એવાં ગીતો જરૂર છે જે એ સમયે ખાસાં લોકપ્રિય થયં હતાં, પણ ગીતોની એ સફળતા દત્તારામની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકીર્દીને પ્રથમ હરોળના સંગીતકારોની કક્ષામાં સ્થાન અપાવી શકવા જેટલી પ્રબળ ન નીવડી શકી.
કાલા આદમી (૧૯૬૦)
આપણામાંના મોટા ભાગનાંને આ ફિલ્મ વિષે કંઈ જ ખબર નહીં હોય, પણ તેનું આ ગીત - દિલ ઢુંઢતા હૈ સહારે સહારે - લગભગ બધાને યાદ હશે.
આ ફિલ્મનાં બીજાં ગીતો આજે કદાચ યાદ ન હોય તો અહીં સાંભળશો તો જરૂરથી ગમશે.
આંખ મિલાકે વાર કરૂંગી રોકો – ગાયિકા: સુમન કલયણપુર – ગીતકાર: હસરત જયપુરી
'પૂર્ણતઃ' ક્લબ ડાન્સનાં આ ગીતમાં દત્તારામ સુમન કલ્યાણપુરના સ્વરનો બહુ સહજતાપૂર્વક પ્રયોગ કરે છે. ગીત મિનુ મુમતાઝ પર ફિલ્માવાયું છે.
અખીયાં મિલાકે તૂને મુઝકો હી જીત લિયા – ગાયિકા: લતા મંગેશકર – ગીતકાર: હસરત જયપુરી
અહીં સીચ્યુએશન, હિંદી ફિલ્મોનાં ગીતોના એક બહુ પ્રચલિત પ્રકાર, 'પાર્ટી'ની છે. ગીતનું ફિલ્માંકન મુખ્ય અભિનેત્રી શ્યામા પર છે એટલે પાર્શ્વસ્વર લતા મંગેશકરનો છે ! ગીતના પૂર્વાલાપ અને અંતરા વચ્ચેનાં વાદ્યસંગીતની બાંધણીમાં શકર જયકિશનની શૈલીની છાંટ પણ જોવા મળે છે, પરંતુ દત્તુ ઠેક્કાની ધ્યાન ખેંચતી હાજરી ગીતને પૂર્ણ રૂપથી દત્તારામની રચના કરી રહે છે.
શ્રીમાન સત્યવાદી (૧૯૬૦)
દત્તારામ 'પરવરિશ' (૧૯૫૮) પછી ફરી એક વાર રાજ કપૂર અભિનિત ફિલ્મ માટે સંગીત આપી રહ્યા છે.'પરવરિશ'માં તેમણે આંસુ ભરી હૈ જીવનકી રાહેં સિવાયનાં રાજ ક્પૂર દ્વારા પરદા પર ગવાયેલાં ગીતો માટે મન્ના ડેના સ્વરનો પ્રયોગ કર્યો હતો. ગીતો લોકપ્રિય પણ થયાં હતાં. અહીં હવે રાજ કપૂરનાં બધાં ગીતો મુકેશના સ્વરમાં જ રેકોર્ડ કરાયાં છે, જે પૈકી હાલ-એ-દિલ હમારા જાને ના જાને ના યે જમાના અને અય દિલ દેખે હૈ હમને બડે બડે સંગદિલ તો ખાસાં એવાં લોકપ્રિય પણ થયેલાં.
ૠત અલબેલી મસ્ત સમાં, સાથ હસીં હર બાત જવાં – ગાયક: મુકેશ – ગીતકાર: ગુલઝાર દિન્વી
ગીત ફિલ્માવાયું છે હિંદી ફિલ્મોનાં ગીતો એ સમયના એક પ્રચલિત પ્રકાર - 'ટાંગા / વિક્ટોરિયા' ગીત - તરીકે પણ દત્તારામે એ પ્રકારનાં ગીતોમાં રિધમ માટે ઘોડાના ડાબલાના અવાજનો આભાસ થાય તેવી રિધમનો ઉપયોગ કરવાને બદલે પોતાના આગવા દત્તુ ઠેકાનો અભિનવ રીતે પ્રયોગ કર્યો છે.
એક બાત કહું વલ્લાહ યે હુસ્ન સુભાન અલાહ - ગાયકો: મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, મુકેશ – ગીતકાર: ગુલઝાર દિન્વી
મહેમૂદના પાર્શ્વસ્વર તરીકે દત્તારામે મહેન્દ્ર કપૂરનો બહુ અસરકારકતાપૂર્વક પ્રયોગ કરેલ છે. રૂસણાંમનામણાંના એક વધારે હિંદી ફિલ્મોના ગીતોના પ્રકારને હળવી સીચ્યુએશનમાં પણ દત્તારામ બહુ સાહજિકતાથી ન્યાય આપે છે.
યુટ્યુબ પર એક સ-રસ વિડીયો ક્લિપ - PreSong Dances - જોવા મળે છે જેમાં આ ફિલ્મનાં ગીતોમાં નૃત્ય સંગીતના સ્વરૂપમાં ફિલ્માવાયેલા ટુકડાઓના પૂર્વાલાપ રજૂ કરાયા છે. અહીં દત્તારામની વાદ્યવૃંદ સંયોજન બાબતની સજ્જતા જોવા મળે છે. તેઓએ દરેક ટુકડામાં જૂદાં જૂદાં વાદ્યોને પ્રાધાન્ય આપ્યું છે.
ડાર્ક સ્ટ્રીટ (૧૯૬૧)
કોઈ પણ સંગીતકાર કે કલાકારને જ્યારે પ્રથમ હરોળની ફિલ્મોમાં કામ ન મળે એટલે પોતાની કારકીર્દીને ટકાવી રાખવા માટે તેને હિંદી ફિલ્મોમાં જેને બી કે સી ગ્રેડની ફિલ્મો કહે છે તેમાં કામ કરવાનું સ્વીકારવું પડતું હોય છે. નસીબ સવળું ચાલે તો હરોળ કુદીને આગળ આવી શકવાની તક મળે, નહીંતર એ બી કે સી ગ્રેડની ફિલ્મોમાં તમારાથી શક્ય એટલું સારૂં કામ કરીને દહાડા વિતાવવા પડે. દત્તારામ પણ હવે આ કળણમાં પગ મૂકવાનું જોખમ ખેડી રહ્યા લાગે છે.
અજબ હૈ યે દુનિયાકે રાઝ, જો ભી મિલે વો મસ્કાબાજ – ગાયિકા: ગીતા દત્ત – ગીતકાર: ગુલશન બાવરા
એક સમય હતો જ્યારે ગીતા દત્તના સ્વરનો સ્પર્શ આ પ્રકારનાં ગીતોમાં નવો જાન રેડી દેતો, પણ હવે કદાચ એ માટે બહુ મોડું થઈ ગયું કહેવાય. ગીતા દત્તને પસંદ કરવા પાછળ બી /સી ગ્રેડની ફિલ્મોનાં બજેટની સંકડામણ, મુખ્ય ધારાનાં ગાયકોનો સમય મેળવવા માટે મોટાં બૅનરની ફિલ્મો સાથેની હરીફાઈ જેવી કડવી વાસ્તવિકતાઓ પણ હોઈ શકે છે.
ઈતને બડે જહાંમેં અપના ભી કોઈ હોતા – ગાયિકા: સુમન કલ્યાણપુર
એક આનંદનું અને બીજું કરૂણ ભાવનું હોય એવાં સ્ત્રી-સ્વરનાં જોડીયાં ગીતોના પ્રકારનાં આ ગીતને દત્તારામ બધી જ દૃષ્ટિએ સફળતાથી ન્યાય આપે છે. આ બન્ને ગીતો સુમન કલ્યાણપુરનાં શ્રેષ્ઠ ગીતોની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યાં છે.
Version 1
Version 2
ફર્સ્ટ લવ (૧૯૬૧)
દત્તારામ દ્વારા સંગીતબધ્ધ થયેલી એક વધુ ફિલ્મ, જે ખુદ ભલે આજે ગુમનામીની ગર્તામાં ભુલાઈ ગઈ છે, પણ તેનાં ગીતોની યાદ વીસરાઈ નથી.
મુઝે મિલ ગયી હૈ મોહબ્બતકી મંઝિલ, કોઈ પૂછ લે યે મેરે હમસફર સે – ગાયક: મુકેશ – ગીતકાર: ગુલશન બાવરા
દત્તારામ ફરી એક વાર મુકેશના સ્વરમાં એક સફળ ગીતની રચના કરે છે.
માનો યા ના માનો, મેરી ઝીંદગીકી બહાર હો – ગાયકો: મુકેશ, સુમન કલ્યાણપુર – ગીતકાર: ગુલશન બાવરા
ગીતની ધુન મુકેશનાં યુગલ ગીતોની એક નિશ્ચિત ફોર્મ્યુલા પર બનાવીને દત્તારામે નવો પ્રયોગ કરવાનું જોખમ ખેડવાનું ટાળ્યું છે.
આ ફિલ્મમાં મુકેશનાં ઉપર યાદ કરેલ સૉલો જેટલું જ મહત્ત્વનું સ્થાન સુમન કલ્યાણપુરનાં સૉલો - બીતે હુએ દિન કુછ ઐસે હી થે, યાદ આતે હી દિલ મચલ જાએ (ગીતકાર: ગુલશન બાવરા)-નું પણ છે. દત્તારામે સુમન કલ્યાણપુરના સ્વરમાં કરૂણ ભાવને બહુ અસરકારક રીતે ઘૂંટ્યો છે. આ ગીતને પણ સુમન કલ્યાણપુરનાં શ્રેષ્ઠ ગીતોની, વિવેચકો તેમ જ સામાન્ય શ્રોતાઓ એમ બન્ને પ્રકારના દૃષ્ટિકોણથી, અગ્રીમ હરોળમાં સ્થાન મળતું રહ્યું છે.
ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧)
સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવાનાં સ્પર્ધાત્મક દબાણ હેઠળ દત્તારામને હવે જેને હિંદી ફિલ્મ જગતમાં બી/સી ગ્રેડની, ઓછાં જાણીતાં નિર્માણ ગૃહો દ્વારા પ્રમાણમાં નવાં કહી શકાય તેવાં મુખ્ય કલાકારોને લઈને બનાવાતી ફિલ્મોમાં કામ કરવાની ફરજ પડવાનું જણાવા લાગ્યું છે, જોકે આ કારણે તેમને જૂદી જૂદી શૈલીના ગીતકારો સાથે કામ કરવાની તક પણ સાપડી.
ફૂલ બગીયામેં ભવરેં આયેં, અકેલી ચમેલી ઘબરાયે – ગાયિકા: મુબારક બેગમ – ગીતકાર: પ્રદીપજી
મુજરાના ગીતના પ્રકારમાં દત્તારામ મુબારક બેગમના સ્વરની ખૂબીઓને પણ સહજતાથી વણી લીધી છે.
કિધર મૈં જાઉં સમજ઼ ના પાઉં,...કભી કિસીકી ખુશિયાં કોઈ લૂટે ના – ગાયક: મુકેશ – ગીતકાર: પ્રદીપજી
ફરી એક વાર દત્તારામે કરૂણ ભાવનાં પુરુષ ગીતમાટે મુકેશનો બહુ જ સફળ પ્રયોગ કર્યો છે. ગીતના પ્રકારની દૃષ્ટિએ આ ગીત 'પિયાનો'ગીતના પ્રકારનું છે, એટલે દત્તારામે વાદ્યવૃદમાં પિયાનોને મુખ્ય વાદ્ય તરીકે સ્થાન આપ્યું છે..
ન જાને કહાં તુમ હો ન જાને કહાં હમ હૈ – ગાયકો: મન્ના ડે, સુમન કલ્યાણપુર – ગીતકાર: પ્રદીપજી
ખુલ્લાંમાં ગવાતા રોમેન્ટીક ગીતોની સીચ્યુએશન માટે દત્તારામની પસંદ મન્ના ડે તરફ ઢળતી રહી છે.
આડવાત :કટીલે કટીલે નશીલે નશીલે કૈસે જ઼ોંકે આયે, હવાકે જ઼ોકે આયે – ગાયિકા: સુમન કલ્યાણપુર અને સાથીઓ – ગીતકાર: શૈલેન્દ્ર
મન્ના ડે અને સુમન કલ્યાણપુરના સ્વરોમાં ગવાયેલું આ ગીત પર્દા પર, અનુક્રમે, રાજેન્દ્ર કુમાર અને મીના કુમારી પર પરદા પર ફિલ્માવાયું છે. એ સમયે મીના કુમારી તો સ્ટાર તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં. સુમન કલ્યાણપુર અને મન્ના ડેની પોતપોતાની આગવી ક્ષમતા છતાં પાર્શ્વગાયનનાં એ વખતનાં સ્પર્ધાત્મક રાજકારણના પ્રવાહોને કારણે તેઓ પ્રથમ પસંદનાં ગાયકો ન બની શક્યાં, જ્યારે આ બધામાં કદાચ સૌથી વધારે મર્યાદિત ક્ષમતા ધરાવતા રાજેન્દ્ર કુમારને નસીબની એવી મદદ મળી કે તે ફિલ્મ જગતના ઈતિહાસમાં 'જ્યુબિલી-કુમાર' તરીકેના સ્થાનના હકદાર બન્યા.
ગીતની બાંધણી સલીલ ચૌધરીની અને વાદ્ય સજ્જા શંકર જયકિશનની શૈલીની નજીક જણાય તેવાં આ ગીતની લય એકદમ દ્રુત હોવા છતાં ગીતનાં સ્વાભાવિક માધુર્યને જરા પણ આંચ નથી આવી.
આપણા દરેક અંકને, તે અંકના વિષય સંબંધિત મોહમ્મદ રફીનાં ગીતથી સમાપ્ત કરવાની આપણી પરંપરા અનુસાર આજે આપણે દત્તારામનાં સંગીત નિદર્શનવાળી જે ફિલ્મોનાં ગીત સાંભળ્યાં તે દરેક ફિલ્મમાંનું મોહમ્મદ રફીનું એકેક ગીત સાંભળીશું. ખાસ નોંધનીય બાબત એ છે આ દરેક ગીત દત્તારામની સંગીત નિપુણતાનાં વૈવિધ્યનો (બોલતો) પુરાવો છે.
બીમા લાઈફ બીમા પોલિસી ! બાબુ ઇન્સ્યોરન્સ કરા લો, મિસ્ટર ઇન્સ્યોરન્સ કરા લો - કાલા આદમી (૧૯૬૦) – ગીતકાર: હસરત જયપુરી
હિંદી ફિલ્મોમાં જ્હોની વૉકરનાં ગીતોની આગવી ઓળખ રહી છે.
રંગ રંગીલી બોતલ કા દેખો જાદૂ - શ્રીમાન સત્યવાદી (૧૯૬૦) – ગીતકાર: ગુલઝાર દિન્વી
મહેમૂદ પર ફિલ્માવાયેલાં ગીતોનો પણ એક આગવો પ્રકાર છે, જોકે ગીતનું પાર્શ્વગાયન મોહમ્મદ રફીએ કરેલ છે.
મુઝે જગ દી બના દે મલિકા - ડાર્ક સ્ટ્રીટ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે
દત્તુ ઠેકાના આગવા પ્રયોગથી સજ્જા ભાંગડા નૃત્ય શૈલીનું ગીત.
ઓ દેખો આયી બહારેં લાયી, વો દેખો આયી મેરી સેનૉરિટા - ફર્સ્ટ લવ (૧૯૬૧) - સુમન કલ્યાણપુર સાથે – ગીતકાર: ગુલશન બાવરા
'૬૦ના દાયકાં બહુ પ્રચલિત એવું 'પિકનિક' ગીત.
મેરા બંદર ચલા હૈ સસુરાલ, દેખો ઝરા લટકા, હોય બેટાજી કે લાલ લાલ ગાલ - ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧) - કમલ બારોટ સાથે – ગીતકાર: પ્રદીપજી
શેરીમાં ગવાતાં ગીતનો પણ હિંદી ફિલ્મોનો એક મહત્ત્વનો પ્રકાર છે. દત્તારામે સ્ત્રી સ્વરમાં કમલ બારોટના સ્વરનો બખૂબી પ્રયોગ કર્યો છે. કમલ બારોટ પણ એક ઓછાં નસીબવાળાં કલાકાર હતાં. તેમના ભાગે આ પ્રકારનાં યુગલ ગાનો ગાવાનું જ નસીબે લખી આપ્યુ!
દત્તારામનાં સંગીત નિદર્શનની આપણી સફર હજૂ આગળ પણ ચાલુ રહેશે.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.
1 comment:
This is the most comprehensive and in-depth history of Dattaramji that I have ever seen. My compliments and thanks to Ashok Vaishnav for such effort.
Post a Comment