Showing posts with label Talat Mahamood. Show all posts
Showing posts with label Talat Mahamood. Show all posts

Sunday, February 9, 2020

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૨૦


તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે [૧]
તલત મહમૂદ(જન્મ - ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪, લખનૌ) જેટલા મૃદુ ભાષી હતા તેટલા જ દેખાવડા હતા. ૧૯૪૯માં તેમણે મુંબઈ (એ સમયનું બોમ્બે)ને પોતાની કર્મભૂમિ બનાવી. તે પહેલાં કોલકતા (એ સમયનું કલકત્તા)માં તેમના સ્વરની નોંધ લેવાઈ ચૂકી હતી. ત્યાં તેમણે પાર્શ્વગાયક તરીકે કામ કરવાની સાથે પર્દા પર હિંદી અને બંગાળી ફિલ્મોમાં પણ નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી.૧૯૪૧માં એચએમવીએ તેમનાં ગૈરફિલ્મી ગીત સબ દિન એક સમાન નહીં થા, બન જાઉંગા ક્યા સે ક્યા મૈં, ઈસક તો કુછ ધ્યાન નહીં થા ની પહેલવહેલી રેકર્ડ બહાર પાડી
તલત મહમૂદના જન્મદિવસની યાદમાં આપણે તેમનાં વિસારે પડેલાં યુગલ ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આ મંચ પર આદર્યો છે. અત્યાર સુધી, આપણે 
આવરી લીધેલ છે.
આજના અંકમાં આપણે તલત મહમૂદનાં ગીતા (રોય) દત્ત સાથેનાં યુગલ ગીતો યાદ કરીશું.

ગીતા દત્ત (મૂળ નામ - ગીતા ઘોષ રોય ચૌધરી, જન્મ - ૨૩ નવેમ્બર, ૧૯૩૦, ફરીદપુર, બંગાળ) ખૂબ આગવા સુરનાં સામ્રાજ્ઞી હતાં, જેમણે પોતાના સ્વરનો જાદુ ભારતની અનેક ભાષાઓનાં ગીતમાં પાથર્યો. હિંદી ફિલ્મોમાં ગાવાની પહેલવહેલી તક તેમને પંડિત હનુમાન પ્રસાદે ભકત પ્રહલાદ (૧૯૪૬)નાં બે ગીતો - અબ જાની રે પહેચાની રે અને સુનો સુનો બિનતી હમારી પ્રભુજી, ભૂલ હુઈ મુઝસે ભારી -માં અમુક પંક્તિઓ ગાવામાં આપી. પછીનાં વર્ષે એસ ડી બર્મન દ્વારા સ્વરબધ્ધ કરાયેલ મેરા સુંદર સપના બીત ગયા (દો ભાઈ; ગીતકાર રાજા મહેંદી અલી ખાન) એ તેમને પાર્શ્વગાયિકાઓની પહેલી હરોળમાં લાવી મૂક્યાં.
એટલી જ સફળતા અપાવનાર તલત મહમૂદનું હિંદી ફિલ્મ ગીત  - અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો (આરઝૂ, સંગીતકાર: અનિલ બિશ્વાસ, ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી) તે પછી લગભગ ત્રણ વર્ષે ગાજતું થયું. તલત મહમૂદના તે પછીના રેડિયો અને ફિલ્મોના વ્યસ્ત સમયપત્રકમાં પણ તેઓ ભારતભરમાં જાહેર કાર્યક્રમો આપતા રહ્યા. ગીતા દત્ત પણ તેમાંના ઘણા કાર્યક્રમોમાં તેમની સાથે રહેતાં. હિંદી સિનેમાના સ્વર્ણકાળનાં પહેલાં પ્રકરણનાં આ બે આગવાં ગાયકો વચ્ચેનો વ્યાવસાયિક તંતુ ઘેરા રંગની મજબૂતીમાં ખીલતો રહ્યો.
૧૯૫૦ના દશકનાં પહેલા ભાગમાં બન્ને ગાયકોની આગવી કેડીની સફર દરમ્યાન બન્નેના સ્વરનો સામાન્ય ચાહક વર્ગ પણ બહોળા પ્રમાણમાં વીકસી ચૂક્યો હતો. જોકે, તેમની એ સમયની લોકપ્રિયતાના પ્રમાણમાં તેમનાં યુગલ ગીતોની સંખ્યા ઘણી ઓછી અનુભવાય છે.  બન્નેના સ્વર, અને તેને કારણે ગાયકીની શૈલી, માં ખાસો ફરક હતો. તલત મહમૂદનો રેશમી સ્વર નીચા સુરમાં નીખરતો, તો ગીતા દત્તના સ્વરની નીચા તેમ જ ઊંચા સુરોમાંની મખમલી મધુરાશ વિશાળ સીમાડાઓ સુધી પમરાતી રહી. તેમનાં યુગલ ગીતોમાં આ ફરકને એટલી સહજતાથી એકસુરના તારમાં વણી લેવાયો છે કે યુગલ ગીતોની ઓછી સંખ્યા હાંસિયામાં ધકેલાઈ જાય છે.
અરમાન ભરે દિલકી લગન તેરે લિયે હૈ - જાન પહેચાન (૧૯૫૦) – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ, ગીતકાર: શકીલ બદાયુની
તલત મહમૂદ અને ગીતા દત્તનાં યુગલ ગીતોની સફરનાં મંડાણ આનાથી વધારે સુરીલાં ગીતથી ન થઈ શકે. આવું સુમધુર યુગલ ગીત સાંભળતાંવેંત આ બન્નેનાં યુગલ ગીતો માટેની આપણી અપેક્ષાનું ઊંચાં શિખરોએ પહોંચી જવું બહુ જ સ્વાભાવિક છે.

હમ હૈ તેરે દિવાને કિસ્સે હૈ યે પુરાને, ગર તૂ બુરા ન માને - શબીસ્તાન (૧૯૫૧) - ચીતળકર સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ક઼મર જલાલાબાદી
તલત મહમૂદ અને ગીતા દ્ત્તનાં યુગલ ગીતોના ખજાનાનું બીજું મોતી પણ બહુ જ જાણીતું રહેલું ગીત છે. ગીતની વિડીયો ક્લિપ ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે કે ગીતનો મૂળ ભાવ એકબીજાંની પ્રેમભરી મજાકમશ્કરીઓનો છે. પરંતુ એ સમયની ફિલ્મોના પ્રેમીપંખીડાઓ પર્દા પર ભારે મર્યાદામાં આવી લાગણીઓ રજૂ કરતાં. એટલે તલત મહમૂદના સુરમાં, મજાક કરતાં, પ્રેમનો વધારે ભાવ સહજ જણાઈ રહે !
ગિટારના સ્વરની સાથે ગીતના મુખડાની પહેલી પંક્તિ ચિતળકર કોઈ અજાણ ગાયક માટે કરે છે, અને તે સાથે જ શ્યામના હોઠ પર તલત મહમૂદના સ્વરમાં પોતાની લાગણીઓ સ્ફુરી નીકળે છે !! 

હૈ યે મૌસમ-એ-બહાર, સુન જવાનીકી પુકાર - શબીસ્તાન (૧૯૫૧) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: ક઼મર જલાલાબાદી
'શબીસ્તાન'માં સી રામચંદ્ર અને મદન મોહને ચાર ચાર ગીતોને સ્વરબધ્ધ કર્યાં હતાં.
તલત મહમૂદ અને ગીતા દત્તનાં અન્ય યુગલ ગીતોની સરખામણીમાં કદાચ આ યુગલ ગીત ઓછું જાણીતું જણાય, પણ તેમના ચાહકોને આ યુગલ ગીત યાદ આવવામાં પળવાર પણ નહીં લાગે.
મદન મોહન પાસેથી આવી અનોખી રચના પછીથી સાંપડી હોય તેવું યાદ નથી આવતું.

કહો એક બાર મુઝે તુમસે પ્યાર.. મુઝે તુમસે પ્યાર - શબીસ્તાન (૧૯૫૧) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: ક઼મર જલાલાબાદી
સી રામચંદ્રએ બન્ને ગાયકોના સ્વરની અલગ ખાસીયતને રોમાંસની અનોખી અનુભૂતિના અંદાજમાં રજૂ કરી છે.
ગીતની એક બીજી વિડીયો ક્લિપ પણ છે. ગીતનું ફિલ્મમાં આ બીજું વર્ઝન છે કે કેમ તે વિશે મને માહિતી નથી.

કૈસે રોકોગે ઐસે તૂફાન કો - આનંદ મઠ (૧૯૫૧) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: શૈલેન્દ્ર
'કૈસે રોકોગે તૂફાન કો'માં ગીતાબાલી એક તરફ અંગ્રેજ અફસરને પડકાર ફેંકે છે તો બીજી તરફ પોતાના પ્રેમીને પણ કટાક્ષમાં પૂછે છે. હેમંત કુમારે ગીતા દત્તના સ્વરમાં આ ટીખળની મસ્તીને ઝીલી છે. તલત મહમૂદનો પ્રત્યુત્તર સંતાતા ફરતા દેશપ્રેમી બાગીની ભાવનાને રજૂ કરે છે.

યે પ્યાર કી રાતેં યે આજ કી બાતેં - બગદાદ (૧૯૫૨) - જી એમ દુર્રાની સાથે – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
ફિલ્મ અને ગીત કંઈક અંશે અજાણ્યાં છે, પણ ગીતા દત્ત અને તલત મહમૂદના અલગ સૂરોની એકસ્વર યુગલ વણાટ ગીતનં પોતમાં ઉઘડી રહે છે. જી એમ દુર્રાની ગીતના બીજા અને ચોથા અંતરામાં ગીતા દત્તનો સાથ પુરાવે છે.

ચોરી ચોરી દિલમેં સમાયા - કાફિલા (૧૯૫૨)– સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: મોતી બી.એ.
મુખડામાં તો તલત મહમૂદના ફાળે બે શબ્દોનો ટુહુકો જ કરવાનો રહે છે. અંતરામાં તલત મહમૂદની પંક્તિઓ તેમના સુરની નજ઼ાકતને અનુરૂપ સ્વરબાંધણીમાં વણી લેવાઈ છે. વાદ્યસંગીતમાં પિયાનોના સ્વર પણ બહુ આગવી શૈલીમાં ગીતનાં  માધુર્યને નીખારે છે.

શામ સુહાની નદીકે કિનારે - નિશાન ડંકા (૧૯૫૨) – સંગીતકાર: બસંત પ્રકાશ – ગીતકાર: એસ એચ બિહારી
નદી કિનારે પ્રેમની મસ્તીમાં લટાર મારતાં પ્રેમીઓની નિરાંતની બે ઘડીને સંગીતકાર પ્રખ્યાત વૉલ્ત્ઝ ધુનની મધ્ધમ લયમાં વ્યક્ત કરી છે. એકાંતની મધુર ક્ષણોમાં ઝળકી ઉઠતી એકબીજા માટેની તલપ પણ બન્ને અંતરામાં ગીતની લયમાં ઝડપ લાવીને વ્યક્ત થાય છે.

કહીં પ્રીત ભરા કોઈ ગીત ગા રહા - પાતાલ ભૈરવી (૧૯૫૨) – સંગીતકાર: ઘંટશાલ  - ગીતકાર: પંડિત ઈન્દ્ર
ફિલમનું મૂળ તેલુગુ વર્ઝન ધુમ ધુમ સફળતા વર્યું હતું.
(વેંકેટેશ્વર રાવ) ઘંટશાલ તેલુગુ ફિલ્મોના બહુજ સન્માનીય અને પ્રખ્યાત સંગીતકાર અને ગાયક હતા.
પ્રસ્તુત ગીતની બાંધણીમાં ગીતા દત્ત અને તલત મહમૂદના સ્વરનાં સહજ અંતરને તેમણે બહુ જ સરળ માધુર્યમાં રૂપાંતરિત કરી લીધેલ છે.

આજ કી રાત ભાગ મેરે જાગે, દેખું પિયા મુખ ચંદા - રતન દીપ (૧૯૫૨) - સંગીતકાર રોબિન બેનર્જી - ગીતકાર વિદ્યાપતિ
ગીત ભલે અજાણ્યું જણાય, પણ બન્ને ગાયકોની ગાયન શૈલીનાં અંતરને બરકરાર રાખીને કરાયેલ ગીતની બાંધણી હવે અજાણી નથી જણાતી. મુખડાનો ઉપાડ તલત મહમૂદ એમની શૈલીમાં કરે છે અને ગીતા દત્ત પછી તેમનો સંગાથ અંતરામાં કરે છે.

સુન લો એક કહાની - રતન દીપ (૧૯૫૨) - સંગીતકાર રોબિન બેનર્જી - ગીતકાર મહેન્દ્ર પ્રાણ ,માથુર
ફરી એક વાર સંગીતકાર તલત મહમૂદ અને ગીતા દત્તની દેખીતી રીતે વિરોધાભાસી લાગતી શૈલીનાં સાયુજ્યને સરળતાથી રજૂ કરે છે.

રતન દીપ મૂળ બંગાળીમાં ૧૯૫૧માં રજૂ થઈ હતી અને અઢળક સફળતા પામી હતી. પ્રસ્તુત ગીતનું બંગાળી વર્ઝન હેમંત કુમાર અને સુપ્રીતિ ઘોષના સ્વરોમાં છે. બન્ને વર્ઝનમાં ગાયકોની સહજ ખૂબીઓ અનુસાર ગીતની બાંધણીમાં સંગીતકારે કરેલા ફરક તરત જ ધ્યાન પર આવે છે.

ગૌણ આડવાત:ફિલ્મનું તમિળ વર્ઝન પણ બન્યું હતું.
અભિનેતા અભિ ભટ્ટાચાર્યએ હિંદી ફિલ્મોમાં પદાર્પણ આ ફિલ્મથી કર્યું હતું.
તલત મહમૂદ અને ગીતા દત્તનાં બાકીનાં યુગલ ગીતો આપણે હવે પછીના ૨૦૧૨૧ના અંકમાં પૂરાં કરીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, February 10, 2019

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૧૯

તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો

તલત મહમૂદ[1]ની જન્મતિથિ (૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪)ની યાદમાં આપણે 'તલત મહમૂદનાં ઓછાં સાંભળવા
મળતાં યુગલ ગીતો'ની વાર્ષિક લેખમાળા ૨૦૧૭થી શરૂ કરી છે. ૨૦૧૭ના સૌ પહેલા અકમાં આપણે, તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો માં તલત મહમૂદના કૉઈપણ સહગાયક સાથેનું એક તેમ જ એક જ સંગીતકારનું એક એવાં વિસારે પડેલાં યુગલ ગીતો ને યાદ કર્યાં હતાં. તે પછી ૨૦૧૮માં એક પગથિયું વધારે ઊંડા ઉતરીને, તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો માં જેમની સાથે બહુ જ ઓછી સંખ્યામાં યુગલ ગીતો થયાં હોય એવાં તલત મહમૂદનાં સહગાયકો સાથેનાં યુગલ ગીતોને યાદ કર્યાં હતાં.

આ વર્ષથી હવે આપણે તલત મહમૂદનાં જે સહગાયકો સાથે ઓછાં યુગલ ગીતો થયાં હોય એવાં એક એક શગાયકો સાથેનાં યુગલ ગીતોને યાદ કરીશું, જેમાં સૌપ્રથમ મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતોને આજના અંકમાં સાંભળીશું.

તલત મહમૂદ અને મુબારક બેગમ


મુબારક બેગમ[2]નું સ્થાન હિંદી ફિલ્મનાં પાર્શ્વગાયિકાઓમાં જરૂર સન્માનભર્યું રહ્યું છે, પુરુષ પાર્શ્વગાયકોમાં તલત મહમૂદનું સ્થાન જેટલું આગલી હરોળમાં ગણાતું એવું સ્થાન કદાચ સ્ત્રી પાશ્વગાયિકાઓમાં મુબારક બેગમના ફાળે ક્દાચ નથી ગણાતું. તેમ છતાં, એ પણ હકીકત છે કે તેમનાં ઘણાં સૉલો ગીતો હિંદી ફિલ્મનાં સર્વકાલીન શ્રેષ્ઠ સૉલો ગીતોમાં સ્થાન મેળવે છે. તેની સરખામણીમાં એ કક્ષાનાં યુગલ ગીતોમાં મુબારક બેગમનાં યુગલ ગીતોની સંખ્યા પાંખી કહી શકાય એટલી રહી છે. તલત મહમૂદ અને મુબારક બેગમનાં યુગલ ગીતોને આ માપદંડોથી ન માપી શકાય. તલત મહમૂદ અને મુબારક બેગમનાં હિંદી ફિલ્મનાં યુગલ ગીતોની સંખ્યા (માત્ર) ૬ છે. તેમાં ૧ ત્રિપુટી ગીત અને ૧ ગૈરફિલ્મી યુગલ ગીત ઉમેરીએ તો સંખ્યા માંડ ૮ ગીતોની થાય. પરંતુ તેમાંથી કમસે કમ બેએક ગીતો તો સર્વકાલીન યુગલ ગીતોની કક્ષાનાં છે તદુપરાંત, બાકીનાં યુગલ ગીતો ઓછાં સંભળાયેલાં કદાચ હશે, પણ ગીતમાધુર્યમાં જરા પણ ઉણાં નથી પડતાં.

મુબારક બેગમની કારકીર્દી '૫૦ના દાયકાની શરૂઆતનાં વર્ષોમાં શરૂ થઈ. તેમનાં તલત મહમૂદ સાથેનાં (૬+૧) યુગલ ગીતો પૈકી ૪ યુગલ ગીતો એવાં વર્ષોમાં રેકોર્ડ થયાં છે જેને આપણે તલત મહમૂદની કારકીર્દીના મધ્યાહ્નનાં અંતનાં વર્ષો કહી શકીએ. બાકીનાં ગીતો પછી છેક '૬૦ના દાયકાના મધ્યમાં છે જ્યારે તલત મહમૂદનો સીતારો આથમવા પહેલાં પોતાની મૂળ ચમક દર્શાવતો હતો. તલત મહમૂદ અને મુબારક બેગમનાં ચાહકો માટે આ ગીતો ભલે અજાણ્યાં નથી, પરંતુ એ કઈ ફિલ્મોનાં છે તે તો એ સમયે પણ ભાગ્યે જ કોઈને યાદ રહ્યું હશે, તો આજે તો ક્યાંથી જ યાદ હોય !

ઘિર ઘિર આયે બદરવા કારે...રંગ ભરે રસ ભરે પ્યારે - ડાક બાબુ (૧૯૫૪) – સંગીતકાર: ધની રામ – ગીતકાર: પ્રેમ ધવન

વર્ષાનાં ઘુમરાતાં કાળાં વાદળોની હાજરીમાં ખીલતા પ્રણય ભાવનું આ ગીત, સાંભળતાં વેંત જ યાદ આવી જાય એટલું જ ભુલાયું હશે !


તેરા બચપન એક કહાની...ભૂલ ન જાના બાલાપનકી કહાની - સંગમ (૧૯૫૪) – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: એસ એચ બિહારી

ગીતના મુખડાનો અને દરેક અંતરાનો પ્રારંભ તલત મહમૂદના સ્વરમાં થાય છે. દરેક અંતરાના અંતમાં મુબારક બેગમ તલત મહમૂદ દ્વારા યાદ કરાતી બાળપણની ક્ષણોની સાથે આજની ક્ષણોનો તરવરાટ ઉમેરે છે. અંતરાનો અંત યુગલ સ્વરોમાં થાય છે. ગીતની બાંધણીની આ ખુબી ઉપરાંત મુબારક બેગમની સૉલો પંક્તિઓ માટે પ્રયોજાયેલ લયનો ફેરફાર પણ નોંધપાત્ર છે.
આડવાત :
હિદી ફિલ્મની તવારીખમાં 'સંગમ' શીર્ષકની, ૧૯૪૧ની, પ્રસ્તુત ગીત સાંભળ્યું તે ૧૯૫૪ની અને સૌથી વધારે લોકપ્રિય બનેલી રાજ કપૂરની ૧૯૬૪ની, ત્રણ ફિલ્મો નોંધાયેલ છે.
મેરી ભી દાસ્તાન ક્યા દાસ્તાન હૈ… - તતાર કા ચોર (૧૯૫૫) - આશા ભોસલે સાથેનું ત્રિપુટી ગીત – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: પેમ ધવન

ફિલ્મનાં શીર્ષક પરથી જણાય છે કે ફિલ્મનો વિષય વોલ્ગા નદીના કિનારા પર આવેલ એક રાજ્ય, તતારસ્તાન,ની કોઈ લોક કથા પર આધારિત હશે. ગીતની શરૂઆત સાખીથી થાય છે, જેના શેર તલત મહમૂદ અને આશા ભોસલે રજૂ કરે છે તેનાં અનુસંધાને મુબારક બેગમ મુખડાને ઉપાડી લે છે. બહુ અનોખી ઢબનું ગીત બનાવ્યું છે.

મેં આ ગીત પહેલી જ વાર સાંભળ્યું છે.
આડ વાત :
'ખય્યામ' તખલ્લુસ અપનાવ્યા પછીની ખય્યામની આ ત્રીજી ફિલ્મ છે. પહેલી ‘ફૂટપાથ’ (૧૯૫૩) અને બીજી ‘ધોબી ડૉક્ટર’ (૧૯૫૪) હતી. 'ફૂટપાથ'નાં ગીતોને પ્રસિધ્ધિ મળી હતી, પણ ફિલ્મને ટિકિટબારી પર બહુ સફળતા નહોતી મળી. 'ધોબી ડૉક્ટર' અને 'તતાર કા ચોર' 'એ' ગ્રેડની ફિલ્મોમં ન જ ગણાય. આમ ખય્યામ પણ હજૂ સંઘર્ષના તબક્કામાં જ છે. તેમને સફળતા મળવાની હજૂ વાર હતી.
રાત કીતની હસીન, ઝિંદગી મહેરબાં, બાત કુછ નહીં બન ગયી દાસ્તાન - બાદલ ઔર બીજલી (૧૯૫૬)– સંગીતકાર: બિપીન બાબુલ – ગીતકાર: અન્જુમ જયપુરી

હિંદી ફિલ્મ સંગીતની કેવી વિચિત્રતાઓ છે કે આટલું કાવ્યમય, કર્ણપ્રિય ગીત, જે તે સમયે ઠીકઠીક પ્રચલિત પણ રહ્યું હશે, તે ફિલ્મ બોક્ષ ઑફિસ પર પીટાઈ જવાની સાથે આજે ગુમનનામી વિસરાવે ચડ્યું છે.

ચંદા કા રંગ લિયે, તારોંકે રંગ લિયે, સપનોંકી દુનિયા મેં આજ આ - હરિહર ભક્તિ (૧૯૫૬) – સંગીતકાર: કે દત્તા – ગીતકાર: એસ પી કલ્લા

કે દત્તા વિન્ટેજ એરાના બહુ સન્માનીય સંગીતકાર હતા પરંતુ સમયની ઓટમાં તેમણે આવી ધાર્મિક ફિલ્મો માટે સંગીત આપવું પડી રહ્યું છે.

બજેટ ગમે તેટલું ટુંકું હોય, પણ ફિલ્મનાં સર્જન પાછળ દરેક ક્સબી પોતાના પ્રાણ રેડી દેતો હોય છે, ત્યારે નસીબમાં આટલી ઘોર ઉપેક્ષા લખી છે તેવી તો તેમાના કોઈને જાણ પણ નહીં હોતી હોય ! આ ગીત જેટલી વાર સાંભળીશું તેટલી વાર આ વાત આપણાં મનમાં ઘુમરાયા કરે છે.

મુબારક બેગમે ગીતમાં એટલી કમાલ કરી છે કે યુટ્યુબ પર અપલોડ કરનાર કેટલાક મિત્રોએ ગીત લતા મંગેશકરે ગાયું છે તેમ નોંધ્યું છે.

ઈતને ક઼રીબ આકે ભી ક્યા જાને કિસ લિયે, કુછ અજનબીસે આપ હૈ, કુછ અજનબીસે હમ - શગૂન (૧૯૬૪) – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: સાહિર લુધ્યાનવી

તલત મહમૂદની કારકીર્દીના અંત ભાગમાં તલત મહમૂદના ફાળે જેટલા યાદગાર ગીતો આવ્યાં હતાં એટલાં કારકીર્દીના મધ્યાહ્ન દરમ્યાન મળતાં રહ્યાં હોત તો ઇતિહાસ કદાચ અલગ હોત એવી ચર્ચાને વધારે પ્રજ્વલિત રાખવામાં આ યુગલ ગીતનો પણ મહત્ત્વનો ફાળો હતો.

'શગૂન'નાં એકોએક ગીત આજે પણ યાદ કરાય છે, પણ ફિલ્મ ત્યારે પણ નિષ્ફળ રહી હતી અને આજે પણ ભુલાયેલી જ ગણાય છે.

ઝરા કહ દો ફિઝાઓંસે તુમ્હારી યાદ દિલાયે ના - ગોગોલ (૧૯૬૬) – સંગીતકાર: રોય ફ્રેન્ક – ગીતકાર: બાલકવિ બૈરાગી

બુઝતી શમાની રોશની વધારે પ્રકાશ કરે એ ઉક્તિનો પુરાવો જોઈતો હોય તો તલત મહમૂદના સંદર્ભમાં આ યુગલ ગીત એક વધારે પુરાવો છે.

'બી' ગ્રેડની પણ કદાચ ન ગણાય એવી સ્ટંટ ફિલ્મ. સાવ અજાણ્યા સંગીતકાર, પણ ગીત આજે પણ યાદ કરાય છે.
તલત મહમૂદ અને મુબરક બેગમનાં યુગલ ગીતોનું સમાપન એક ગૈર ફિલ્મી ગીતથી કરીશું.

હમ સુનાતે હૈં મોહમ્મદ મુસ્તફાકી દાસ્તાન

આ મોહમ્મદ પયંગબર સાહેબની સ્તુતિમાં ગવાતી સ્તુતિ - નાટ- છે.


તલત મહમૂદ - મધુબાલા ઝવેરી

મધુબાલા ઝવેરી[3] (જન્મ: ૧૯-૧-૧૯૩૫ / અવસાન: ૧૧-૯-૨૦૧૩)ની ફિલ્મ સંગીતનાં ક્ષેત્રની સક્રિય કારકીર્દી ૧૯૫૧ થી ૧૯૫૮-૫૯નાં આઠેક વર્ષની રહી. આ સમયમાં તેમણે ૨૭ મરાઠી અને ૩ ગુજરાતી એમ મળીને લગભગ ૧૧૦ જેટલાં ગીતો ગાયાં છે.મૂળ મરાઠી હોવા છતાં તેમણે તેમનં ગીતોમાં લગભગ બધા પ્રકારની ગાયકીને સફળપણે અદા કરી હતી, જેમકે ૧૯૫૫ની ફિલ્મ 'મૂળુ માણેક'માં કરસનદાસ માણેકની આ શુધ્ધ કાવ્ય રચનાની કવ્વાલીની શૈલીમાં આ રજૂઆત -

મને એ સમજાતું નથી કે (સંગીતકાર: ઈન્દુકુમાર પારેખ)

તલત મહમૂદ અને મધુબાલા ઝવેરીનાં યુગલ ગીતો સંખ્યાની દૃષ્ટિએ બહુ જ થોડાં છે. તેમાનાં મોટા ભાગનાં તો બહુ સાંભળેલાં પણ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ યુગલ ગીતો એક વાર સાંભળ્યા પછી એ જલદી ભૂલાશે નહીં.

જાઓ જાઓ આ ગયા બુલાવા જંગકા - રાજપુત (૧૯૫૧)- મન્નાડે સાથેનું ત્રિપુટી ગીત – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ

પહેલાં રજૂ થવાની દૃષ્ટિએ 'રજપૂત' મધુબાલા ઝવેરીએ ગાયેલાં ગીતોની પહેલી ફિલ્મ હતી. મધુબાલા ઝવેરી એ સમયેમાત્ર ૧૬ વર્ષનાં હતાં. અને તેમ છતાં તેમના સ્વરમાં ગીતના ભાવને અનુરૂપ રોમેન્ટિક લાગણીથી ભરેલો ઉપાલંભ સ્પષ્ટપણે સંભળાય છે.

તુમ કૌન હો રાજકુમારી, યે ચંદા સા મુખડા ઈધર તો કરો - રાજપુત (૧૯૫૧) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: ભરત વ્યાસ

ગીતની સીચ્યુએશન સ્વયંવરની સાથે સંકળાયેલી જણાય છે. મધુબાલા ઝવેરીના સ્વરમાં સ્વયંવર માટે ઉત્સુક મુગ્ધાવસ્થાની સાથે એજ રાજકુંવરીની ગરીમા અછતી નથી રહેતી.

પ્યારકી ઋત દોરંગી સજના મનમેં હોલી આંખોંમેં સાવન - અપની ઈઝ્ઝત (૧૯૫૨) – સંગીતકાર: હંસરાજ બહલ - ગીતકાર: અસદ ભોપાલી

પ્રેમમાં ડૂબેલ વ્યક્તિની વાચા હરાઈ જાય, મનમાં ફૂટતી હર્ષની સરવાણીઓ આંખમાં આવતાં આવતાં આંસુઓ બનીને વહી નીકળે - તલત મહમૂદ માટે આ પ્રકારના ભાવને મૃદુ સ્વરમાં રજૂ કરવા એ સહજ હતું, તો મધુબાલા ઝવેરી પણ એટલાં જ સ્વાભાવિક બની રહે છે.

દિલ મેરા તેરા દીવાના.. બસ ઈતના મેરા ફસાના હૈ - અપની ઈઝ્ઝત (૧૯૫૨) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ફણિ

અ ન્યોન્ય માટેના પ્રેમના ઈકરાર કરવાની ખુશી છલકતી હોય એવાં યુગલ ગીતોના ઉત્તમ નમૂના તરીકે જગ્યા મેળવી શકે તેવી રચના -.બન્ને ગાયકો એક પંક્તિ સાથે ગાય ત્યારે બન્નેના અવાજ પૂર્ણપણે એકસુર બની રહે..

જબસે મૈને દિલ લગાયા, દિલ કહીં લગતા નહીં - દોસ્ત (૧૯૫૪) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

ગીતની લય પંજાબી લોકગીત પર આધારિત છે, બન્ને ગાયકો ગીતના રમતિયાળ ભાવને સહજતાથી ન્યાય આપે છે.

અય ઝમાને બતા દો દિલો કી ખ઼તા હમકો બરબાદ કરકે તુઝે ક્યા મિલા - દોસ્ત (૧૯૫૪) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

પ્રેમી જનોના ભાગે પણ કરૂણાના સ્વર વહાવવાની ઘડીઓ પણ આવતી જ હોય છે. આ પ્રકારનાં ગીતો માટે તલત મહમૂદના સ્વરની અંદર જે કુદરતી કુમાશ હતી તેની સાથે મધુબાલા ઝવેરી પણ સુર મેળવે છે.

કહને કો બહોત કુછ કહેના થા ટકરાયી નઝર શરમા હી ગયે…- દીવાલી કી રાત (૧૯૫૬) – સંગીતકાર: સ્નેહલ ભાટકર – ગીતકાર: મધુકર રાજસ્થાની

બે પ્રેમીજનો એકાંતમાં મળે, પણ મિલનના રોમાંચને કારણે જે કહેવાનું છે તે નજર મળતાં જ વિસરાઈ જાય..

બન્ને ગાયકોના સ્વર ગીતના ભાવમાં તરબોળ જણાય છે.

હાફીઝ ખુદા તુમ્હારા હમેં ભૂલ ન જાના - નક઼ાબપોશ (૧૯૫૬) – સંગીતકાર: ધની રામ – ગીતકાર: મુનિર આરઝૂ કાઝ્મી

ફારસી -ઉર્દૂ બોલ મિશ્રિત રચનાની મધ્ય એ શિયાની સંસ્કૃતિને અનુરૂપ બાંધણીમાં પણ મધુબાલા ઝવેરીના સ્વરવિહારમાં કયાંય કચાશ નથી જણાતી….

દરેક અંકનું સમાપન મોહમ્મદ રફીના ગીતથી કરવાની પરંપરાને અનુસરવા માટે આપણે આજના અંકના મૂળ વિષયથી થોડી અલગ કેડી લઈશું.

કવિતા નામ હૈ જ્ઞાનકા ઈસે લીખનેવાલે જ્ઞાની - કવિ (૧૯૫૪) - તલત મહમૂદ અને મોહમ્મદ રફી – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગીતની બાંધણી ભજનની લયમાં છે પણ વિષય બે વ્યક્તિઓ વચ્ચે કવિ તરીકેની લાયકાત સિધ્ધ કરવા માટેના વિવાદનો છે. મોહમ્મદ રફીના ભાગે કવિનાં મોભાની ગર્વિષ્ઠતા સિધ્ધ કરવાનું આવ્યું છે તો તલત મહમૂદના ભાગે, નાતજાત, વંશવારસાથી પર, કવિની કાવ્યજનક સહજ મૃદુ પ્રકૃતિને રજૂ કરવાનું આવ્યું છે.


તલત મહમૂદનાં અન્ય સહગાયકો સાથેનાં વિસારે પડી રહેતાં યુગલ ગીતોને યાદ કરવાનો ઉપક્રમ આવતાં વર્ષોમાં પણ આગળ ધપાવતાં રહીશું…..

[1] Talat Mahmood – Documentary


[2] A Films Division film on Mubarak Begum


[3] મધુબાલા ઝવેરીનો સ્વરવિલય



આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, February 11, 2018

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૧૮



તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો
હિંદી ફિલ્મ સંગીતનાં સુજ્ઞ રસિકજનો માટે તલત મહમૂદને યાદ કરવા માટે કોઈ ખાસ કારણ કે પ્રસંગની જરૂર ન હોય. તેમનાં ફિલ્મનાં અને ફિલ્મ સિવાયનાં મળીને ૮૦૦થી વધારે ગીતોમાંનાં મોટા ભાગનાં ગીતો તો ચાહકોના હોઠે રમ્યાં જ કરતાં રહ્યાં છે. એટલે તેમની જન્મતિથિ (૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪)ના મહિનામાં તમને ખાસ યાદ કરવા માટે માધ્યમ પણ ખાસ જ પસંદ કરવું જોઈએ.
ગયાં વર્ષથી આપણે આપણી આ શ્રેણીમાં દર ફેબ્રુઆરીમાં તેમનાં ઓછાં સાંભળવા મળતાં યુગલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં આપણે તલત મહમૂદનાં, જૂદાં જૂદાં સહગાયકો સાથેનાં, વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો સાંભળ્યાં હતાં. એ યુગલ ગીતો પૈકી તેમનાં રાજકુમારી, સુરિન્દર કૌર, સુલોચના કદમ, મીના કપૂર કે નિર્મલા દેવી સાથે તો એક એક જ યુગલ ગીત રેકોર્ડ થયાં છે. તો સામે છેડે તેમનાં યુગલ ગીતોમાં લતા મંગેશકર સાથેનાં ગીતોની સંખ્યાનો સિહફાળો રહ્યો છે. આશા ભોસલે સાથેનાં યુગલ ગીતોની સંખ્યા પણ પ્રમાણમાં ઠીક ગણાય  એટલી છે.પછી ગીતા દત્ત, શમશાદ બેગમ, સુરૈયા, મધુબાલા ઝવેરી, મુબારક બેગમ, સુધા મલ્હોત્રા જેવાં સહગાયકો સાથેનાં યુગલ ગીતોની સંખ્યા ઘટતી જાય છે. પુરુષ સહગાયકો સાથે પણ તેમનાં યુગલ ગીતો રેકોર્ડ થયેલ છે. આ ઉપરાંત તેમનાં કેટલાંક બહુ ખ્યાત તો કેટલાંક સાવ ઓછાં સાંભળવા મળતાં ત્રિપુટી કે ત્રિપુટી+ ગીતો પણ છે. આમ ઓછાં સાભળવા મળતં તલત મહમૂદનાં યુગલ ગીતોની સફર પણ ઘણી જ રસમય છે.
(ડાબેથી) મીના કપૂર, ગીતા દત્ત, તલત મહમૂદ અને વાન શિપ્લે
આજના અંકમાં આપણે તલત મહમૂદનાં એવાં યુગલ ગીતો પર કેન્દ્રીત કરીશું જેમાં તેમનો સંગાથ એ  સહકલાકારો સાથે  ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં થયેલો છે.
પુરવાઈ પવન લહરાયે - તુમ ઔર મૈં (૧૯૪૭) - સુપ્રવા સરકાર સાથે – સંગીતકાર: રોબિન બેનર્જી – ગીતકાર: ઝાકીર હુસૈન
સુપ્રવા સરકાર સાથે તલત મહમૂદનાં યુગલ ગીતો ૧૯૪૯ સુધી બીજી એક બે ફિલ્મોમાં પણ જોવા મળ્યાં છે. આ બધી ફિલ્મોના સંગીતકાર કોઈને કોઈ બંગાળી સંગીતકાર જ હતા. આમ થવા પાછળનું કારણ તલત મહમૂદના કલકત્તાના તાજા રહેવાસની અસર હોઈ શકે
દિલ મેરા તેરા દિવાના - અપની ઇઝ્ઝત (૧૯૫૨) - મધુબાલા ઝવેરી સાથે – સંગીતકાર: હંસરા બહલ – ગીતકાર: પંડિત ફણિ 
૧૯૫૧થી ૧૯૫૮ સુધીની સક્રિય કારકીર્દીમાં મધુબાલા ઝવેરીએ ૫૫ હિંદી, ૨૭ મરાઠી અને ૩ ગુજરાતી ફિલ્મોમાં ૧૧૦ જેટલાં ગીતો ગાયાં છે. તેમનું પહેલવહેલું ગીત પણ તલત મહમૂદ સાથેનું જ યુગલ ગીત - તુમ કૌન હો રાજકુમારી યે ચંદા સા મુખડા ઈધર તો કરો (રાજપૂત, ૧૯૫૧)- પણ હંસરાજ બહલનું જ રચેલું હતું. એ સમયે મધુબાલા ઝવેરી ૧૬ જ વર્ષનાં હતાં.

ઘિર ઘિર આયે બદરવા કારે - ડાક બાબુ (૧૯૫૪)- મુબારક બેગમ સાથે – સંગીતકાર: ધનીરામ – ગીતકાર: પ્રેમ ધવન
સ્વરની કુદરતી કક્ષાના બે અંતિમ કહી શકાય એવા આ બે સ્વરો પણ યુગલ ગીતમાં હંમેશાં કમાલની હદે એકસ્વર બની રહેતા આવ્યા હતા. આ બેલડીને નામે સંખ્યામાં 'ઘણાં' ગીતો ભલે નથી, પણ તેમનાં 'ઘણાં' યુગલ ગીતો ખૂબ જ લોકપ્રિય પણ થયાં હતાં એ વાત બેશક છે. જો કે આ વાત એક અલગ પૉસ્ટનો વિષય છે, જે ભવિષ્યના આ શ્રેણીના અંકોમાં ચર્ચીશું.
ગીતને પર્દા પર પણ તલત મહમૂદે જ અભિનિત કર્યું હશે.
યુટ્યુબ પર ગીતનાં બે વર્ઝન સાંભળવા મળે છે. એક વર્ઝન તો પધ્ધતિસરનું યુગલ ગીત જ છે, જેમાં મુબારક બેગમ તલત મહમૂદની બરાબ્બર સંગત કરે છે. 
પરંતુ આ બીજું વર્ઝન છે જેમાં તલત મહમૂદ લગભગ સૉલો જ ગાતા જણાય છે!

જબ યહાં સે જાઉંગા મૈં ઔર ક્યા લે જાઉંગા - હાતિમતાઈકી બેટી - એસ બલબીર સાથે – સંગીતકાર: અલા રખા (એ આર) ક઼ુરેશી ગીતકાર: શેવાન રિઝ્વી
તલત મહમૂદને ફાળે નિર્ભેળ હળવાં ગીતો બહુ ઓછાં આવ્યાં સાંભળ્યાં છે. તળ પંજાબી લહેકાનાં આ ગીતમાં તલત મહમૂદ પણ બલબીર સાથે ખીલે છે.
એક બાર તો મિલ લો ગલે બીછડ હમ ચલે ન કોઈ ફરિયાદ રહે  -અંધેરી નગરી ચૌપટ રાજા (૧૯૫૫)- સુધા મલ્હોત્રા સાથે – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: ભરત વ્યાસ
લતા મંગેશકર બહેનોના ઝળહળતા ચંદ્રપ્રકાશમાં જે સિતારાઓના પ્રકાશ ઝંખવાઈ ગયાં તેમાં સુધા મલ્હોત્રા પણ હતાં. તલત મહમૂદના સ્વરની માર્દવતાને પૂરેપૂરી રીતે સંગત કરે એવો સુધા મલ્હોત્રાનો સ્વર પણ આ યુગલ ગીતને એક અનેરી મધુરપ બક્ષે છે.
મૈં હૂં અલીબાબા - ચાર ચાંદ (૧૯૫૩) - આશા પ્રેમલતા સાથે – સંગીતકાર: (શૌકત દહેલ્વી) નાશાદ – ગીતકાર: એ કરીમ
એકદમ હળવા મૂડનાં નૂત્ય ગીતમાં પણ તલત મહમૂદ પાછા નથી પડ્યા. તલત મહમૂદના ગીતોના જાણકાર ચાહક શ્રોતા મિત્રોને આ ગીત યાદ કરવું મુશ્કેલ ન લાગવું જોઈએ. હા, સહગાયકની ખબર ન હોય એ બનવાજોગ છે. 

તૂમ પે ક઼ુરબાન દિલ તૂમ પે સદકે નઝર - સખી લૂટેરા (૧૯૫) - ઉષા બલસાવર સાથે - સંગીતકાર: બી એન બાલી  ગીતકાર: અઝીઝ ઘાઝી
સાવ 'અજાણ' સહગાયક, 'અજાણ' સંગીતકાર 'સી' વર્ગની 'અજાણ ફિલ્મ પરંતુ હળવા મિજાજનું સાંભળવું ગમે એવું ગીત ! 
મેરે શરીક-એ-સહર - વલી-એ-આઝમ (૧૯૬૫)- હેમલતા સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: અહમદ વાસી 
કેટલાક સંદર્ભોમાં આ ગીત તલત મહમૂદે ગાયેલં અંતિમ ફિલ્મી ગીત દર્શાવાયું છે.  'જહાંઆરા'નાં ગીતો બાદ તેમને મળેલી પુનઃલોકપ્રિયતા છતાં પણ તાણાતાણ નાણાંની ફાળવણીવાળી આવી ફિલ્મ માટે પણ આવું ધર્મભાવનું ગીત ગાવાનું તલત મહમૂદે કોઈ જ ખચકાટ વગર સ્વીકાર્યું હશે.  

એક રસપ્રદ આડવાત
તલત મહમૂદની તેમના પુત્ર દ્વારા સંચાલિત વેબસાઈટ પર તલત મહમૂદના હસ્તાક્ષરમાં લખાયેલ આ ગીતની તેમણે ઉર્દૂમાં લખેલ નોંધ છે. ગીતનાં રેકોર્ડીંગ સમયે તેમણે સંગીતકાર ચિત્રગુપ્તનાં લેટરહેડ પર ગીતના શબ્દો લખી રાખ્યા છે.


તલત મહમૂદનાં ગીતો પરનો કોઈ પણ ઉલ્લેખ તેમનાં ગૈર-ફિલ્મી ગીતોના ઉલ્લેખ વગર અધૂરો જ ગણાય. જોકે આ વિષય આમ એક પૂરા લેખનો જ વિષય છે, પરંતુ આજના વિષય પૂરતો એટલો જ પ્રસ્તુત પણ છે.
વો જો રૂઠે તો મનાના ચાહિયે - ગૈરફિલ્મી (૧૯૬૯) - મૂકેશ સાથે – સંગીતકાર: મુરલી મનોહર સ્વરૂપ = ગીતકાર: જીગર મુરાદાવાદી / મિર્ઝા ગ઼ાલિબ
તલત મહમૂદ અને મૂકે ફિલ્મ ગીતોની સંગત બાબતે 'પગલે' બિવી ઔર મકાન, લવ એન્ડ ગૉડ' જેવી ફિલ્મોમાં ત્રિપુટી+ ગીતોમાં સંગાથે થયા હોય એવા જ પુરાવા જોવા મળે છે. તેમની યુગલ સંગત તો આવાં થોડા ગૈરફિલ્મી ગીતોમાં જ થઇ લાગે છે.

ઉપર જેનો સંદર્ભ ટાંક્યો છે તલત મહમૂદ પરની સાઈટ પર અહી રજૂ કરેલ ગીતો સિવાય, આજના વિષયને અનુરૂપ,  અન્ય બે ગીતો પણ જણાવે છે. કમનસીબે એ ગીતોની ઑડીયો સૉફ્ટ લિંક નથી મળી. એ ગીતો છે:

  • અબ મુશ્કિલ હો ફિર સે મિલના ભૂલ જાઓ તો અચ્છા હૈ - સાયા - આશિમા બેનર્જી સાથે - સંગીતકાર: રામ ગાંગુલી - ગીતકાર: વર્મા મલિક
  • ઔરોંકે લિયે - ટેક્ષી ૫૫૫ - અજાણ સ્ત્રી સ્વર સાથે – સંગીતકાર: સરદાર મલિક

આપણે આ શ્રેણીના દરેક અંકનો અંત મોહમ્મદ રફીનાં વિસારે પડતાં ગીતથી કરતાં હોઈએ છીએ. આજના અંક માટે એ માટે આપણે તલત મહમૂદ અને મોહમ્મદ રફીનું યુગલ ગીત પસંદ કરીએ તો જ તે શક્ય છે. મજાની વાત એ છે કે આ બંનેએ ગાયેલાં મોટા ભાગનાં યુગલ ગીતો તો બહુ જ જાણીતાં થયાં હતાં અને હજૂ આજે પણ તાજાં જ ગણી શકાય એવાં છે. દરેક નિયમને અપવાદ હોય એમ એક એવું યુગલ ગીત મળી આવ્યું છે, જે (કમસે કમ મેં) સાંભળેલું નથી.
ભર ભી દે જોલી અલ્લાહ નામ - લૈલા મજનૂ (૧૯૫૩) - મોહમ્મદ રફી સાથે સંગીતકાર: ગુલામ મોહમ્મદ – ગીતકાર: શકીલ બદાયુની
આ ફિલ્મમાં હીરો શમ્મી કપૂર છે, પણ ફિલ્મ 'તુમસા નહીં દેખા' પહેલાનાં સમય કાળની છે, જ્યારે શમ્મી કપૂરનો પાર્શ્વ અવાજ હજૂ તલત મહમૂ હતા. પ્ર્સ્તુત ગીતનો મુખડો અને પહેલો અંતરો ફકીરોનાં પાત્રો પાસે પર્દા પર ગવડાવાયો છે. બીજો અંતરો 'જામ-એ-તમન્ના જલવા દિખા દે' પરદા પર શરૂ કરે છે શમ્મી કપૂર અને તેમના અવાજ તરીકે તલત મહમૂ સ્વર સંભાળી લે છે.

 આવતા મહિનાના બીજા રવિવારે વિસરાતી યાદોનાં ઊંડાણોમાં માં છૂપાઈ સદા જીવંત યાદ રહેલાં  ગીતોને નવપલ્લવિત કરવા ફરી એક વાર મળીશું.