Showing posts with label The BITS Campus. Show all posts
Showing posts with label The BITS Campus. Show all posts

Sunday, May 5, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - કેમ્પસ : પહેલી નજરે જોયેલું દશ્યફલક: હોસ્ટેલ ભણી

 ચિડાવાથી ઉપડેલી બસ પિલાણી પહોંચ્યા પછી શહેરના બહારના ભાગમાં વિકસેલ બજારના ભાગમાં બસ અડ્ડા તરીકે ઓળખાતી જગ્યાએ આવીને ઊભી રહી.  બસમાંથી ઉતરીને પિલાણી શહેર અને બજાર તરફ હજુ તો મારી પહેલી નજર પડે એટલી વારમાં તો ત્રણ ચાર પેડલ રીક્ષાવાળા મારી આસપાસ આવીને ગોઠવાઈ ગયા. મારે તેમની સામે પ્રશ્નાર્થ નજર કરવાની પણ જરૂર ન પડી કેમકે એ બધા ચાવીવળાં રમકડાંની જેમ લગભગ એક સાથે આવ્યા હતા તેમ જ એકસુરમાં 'દસ રૂપિયા' એમ ભાડું જાહેર કરી રહ્યા. મારો દેખાવ અને મારી સાથેનો સામાન જોઈને મારે કેમ્પસમાં કોઈ એક હોસ્ટેલ બ્લૉકમાં જવાનું છે તે તો સ્પષ્ટપણે અભિપ્રેત હતું. મને હવે પછીની સફરોમાં ખ્યાલ આવ્યો હતો કે એ લોકોએ જાહેર કરેલું 'દસ રૂપિયા' ભાડું હું પિલાણીનો 'નવો નિશાળીઓ' હોવાની ચાડી ખાઈ રહ્યું હતું અને એ લોકો અહીના રીઢા ખેલાડીઓ હતા. બીજી વાર આવ્યો અને તે પછી કોઇ પણ આ પ્રસંગે, ન તો આ રીતે રીક્ષાવાળાઓ ઘેરી વળતા કે ન તો 'દસ રૂપિયાનો પોકાર કરતા. બસમાંથી ઉતરી ને પસંદ પડે એ રીક્ષામાં બેસી જવાનું, હોસ્ટેલનું માત્ર નામ બોલવાનું અને પહોંચ્યા પછી પાંચ રૂપિયા ચુકવી દઈને આપણે આપણી રૂમ તરફ ચાલતા થવાનું એટલે રીક્ષાવાળો ફરીથી બસ અડ્ડા તરફ  રીક્ષા હંકારી મુકે.

ખેર, મારે ક્યાં જવાનું છે જવાનું છે એમ જણાવ્યું એટલે એક રીક્ષાવાળો રહ્યો અને બીજા બધા જતા રહ્યા. રીક્ષામાં બેઠા, થોડી ઢળતી સીટ પર હજુ તો ગોઠવાઉં તે પહેલાં તો અમારે પહૉચવાનું હતું એ બુધ ભવન તો જાણે  ફાસ્ટફોરવર્ડની ચાંપ દબાવી હોય એ રીતે આવી ગયું હોય એમ લાગ્યું. મેં રીક્ષાવાળાને ભાડું ચુકવ્યું એટલે પાછા ફરતાં પહેલાં તેણે મને પરિક્ષાર્થીઓએ જ્યાં નોંધણી કરાવવાની હતી એ હોસ્ટેલની ઑફિસ જવા માટેની દિશા તરફ આંગળી ચીંધી. તેણે રીક્ષાને પહેલું પેડલ માર્યું ત્યારે મારી નજર તેની સામે ગઈ. આંખના પલકારા જેટલા સમય માટે મને એવું લાગ્યું કે તેના ચહેરા પર સ્મિતની એક રેખા ફરકી ગઈ. એ આભાસ હતો કે વાસ્તવિકતા એ સવાલ તો ગૂઢ રહસ્ય જ રહેશે. મને જે દેખાયું એ સ્મિતમાં આ બીચારાના પ્રવેશ મળે તો સારૂં એવો દયાનો ભાવ હતો કે આ છોકરડાના પી.જી. હોસ્ટેલમાં ક્લાસ નહી એવી મજાકનો સુર હતો કે પછી કેટલું ભાડું થાય એટલી તો જાણકારી વિના આવ્યા છે એવો ગર્વ હતો એ સમજવાની મેં ન તો ત્યારે કોશિશ કરી હતી કે નથી એ સમજવાની કોશિશ કરવાની આજે પણ મારામાં હિંમત !!

હોસ્ટેલની ઑફિસે મારી નોંધણી કરાઈ અને હોસ્ટેલ્ની  જમણી બાજુના રસ્તા પરની દિશામાં પડતો પહેલા માળનો એક રૂમ મને ફાળવવામાં આવ્યો, મેસ ક્યાં આવી છે અને કયા કયા સમયે શું શું ખાવાપીવાનું ત્યાં મળશે તેની મને સુચના અપાઈ. મને જણાવાયું કે મારે પાંચ દિવસ માટેના રૂમ અને મેસના ખર્ચ માટેની રકમ ડિપોઝીટ પેટે જમા કરાવવાની રહેશ અને એ ચુકવણાની પહોંચ બતાવવાથી મને મેસ પર સમયે સમયે ભોજન મળી જશે. તદુપરાંત બીજે દિવસે સવારે મારે પ્રવેશ કાર્યાલય માટે ક્યાં જવાનું છે તે પણ સમજાવાયું. તે સાથે મને એ પણ જણાવાયું કે પરીક્ષાના સમયથી કમસે કમ એક કલાક પહેલાં પહૉચી જવું.

મને ફાળવાયેલ રૂમ શોધીને મે મારો સામાન ખોલ્યો. હોસ્ટેલના રૂમ પર પહોંચી જવાની સાથે મુસાફરીના થાક અને કટાળાએ હવે મને ઘેરી લીધો.  એટલે, સૌ પહેલાં તો મેં નહાવા જવાની તૈયારી કરી. શરીર ચોખ્ખું થાય અને થાક સાવ ઉતરી જાય એટલી તાજગી અનુભવવા માટે મને નહાવામાં ખાસ્સો અડધોએક લાગ્યો. એ પછી મેં હવે પહેલું કામ ઘરે પહોંચના સમાચાર આપતો પોસ્ટકાર્ડ લખવાનું કર્યું. બીજે દિવસે ટેસ્ટ પતી જાય એટલે પોસ્ટ બોક્ષ શોધીને તે રવાના કરી દેવાનો હતો.

મોડી સાંજ ઢળવા લાગી હતી. થોડો થોડો પ્રકાશ હતો. હું હવે હોસ્ટેલની પરસાળમાં આવ્યો. આજુબાજુ નજર કરી અને જગ્યાની ભૂગોળ મનમાં બેસાડવાનો મિથ્યા પ્રયાસ કર્યો.  પછી મને થયું કે ચાલો હોસ્ટેલ બ્લોકનું એક ચક્કર જ મારી આવું. આ કામમાં મેં લગભગ વીસેક મિનિટ ગાળી હશે, પણ એ સમય દરમ્યાન મને કોઈ બીજો પરીક્ષાર્થી મળ્યો હોય એવુ યાદ નથી આવતું.

હોસ્ટેલના રૂમમાં પાછો આવ્યો ત્યાં સુધીમાં થાકની સાથે સાથે પરીક્ષાનું ટેન્શન પણ હવે ઓગળી ગયું  હવે મને બરાબરની ભુખ પણ લાગી હતી. ઘડિયાળ તરફ નજર કરી તો સાંજના જમવાનો સમય થવાને હવે બહુ વાર નહોતી. પંદરેક મિનિટ બાદ હું મેસ તરફ જવા નીકળ્યો. ત્યાં શું જમ્યો એ તો અત્યારે યાદ નથી, પણ સંતોષપૂર્વકનું એ જમણ ખાધે જાણે વર્ષો થઈ ગયાં હોય એવું લાગતું હતું. મેસનાં ભોજનોની વાનગીઓ અને મજાની જે બહુ બધી યાદો છે તે તો અહીંના બે વર્ષના વસવાટની છે, એટલી એની વિગતે વાત આ યાદગાથામાં યોગ્ય સમય આવે કરીશું.

જમતી વખતે કોઈની સાથે અલપઝલપ આંખમિલાપ થયો હતો કે જમ્યા પછી હોસ્ટેલના રૂમ સુધી પહોંચતા પણ કોઈની સાથે હાથ ઊંચો કરવાની પણ કોઈ તક મળી હોય એવું પણ યાદ નથી આવતું.

જઠરાગ્નિને પુરતું ઈંધણ મળવાની પ્રાથમિકતા પુરી થઈ એટલે હવે પછીના ક્રમમાં મારી શારીરિક જરૂરિયાત ઊંઘી જવાની હતી. રૂમમાં પહોંચીને મેં સાથે લઈ આવેલાં સામયિકનાં પાનાંઓ વાંચવાની કોશીશ કરી. પણ એ તો પાનાં ઉથલાવવાઓ ઉપક્રમ પણ નીવડવાને બદલે, આંખ સામેથી પસાર થતા અક્ષરોએ  ઊંઘની ગોળી જેવી અસર કરી. એવી ઘસઘસાટ નીંદર આવી ગઈ કે પહેલી જ વાર આંખ ખુલી ત્યારે વહેલી સવારના સાડા પાંચેક વાગતા હતા.

હું હવે તાજોમાજો થઈ ગયો હતો અને પરિણામ શું આવશે તેની લેશમાત્ર ચિંતામા પડ્યા વિના પરીક્ષા આપવા તૈયાર હતો. ખુબ આરામથી સવારનો બધો નિત્યક્રમ પતાવીને જ્યારે હું સવારના નાસ્તા માટે મેસમાં પહોંચ્યો ત્યારે પણ હું કદાચ શરૂ શરૂની બૅચમાં જ હતો. આ વખતે હું સાંજ જેટલો ભુખ્યો ન હતો કે પછી નહોતો કોઇ પ્રકારની તાણમાં કે મને આજુબાજુ નજર કરવાનું ન સુઝે. હું સ્વભાવે થોડો અંતર્મુખી જરૂર છું પણ એટલો અતડો કે શરમાળ પણ નથી કે આસપાસ બેઠેલા કોઈ સાથે વિવેકાચાર પુરતા પણ બે શબ્દ ન બોલું.  પણ, કોઈ જોડે બે શબ્દની વાત થઈ હોય કે આંખનું બે ક્ષણનું મિલન પણ થયું હોય  તો પણ મને અત્યારે એ બાબતે કંઈ યાદ નથી આવતું એ હકીકતને હું નકારી પણ નથી શકતો.

ખેર, રૂમ પર આવીને મેં પ્રવેશ કાર્યાલય જવા માટેની તૈયારીઓ પુરી કરી અને પ્રવેશ કાર્યાલય તરફ ચાલી નીકળ્યો......