Sunday, June 2, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - કેમ્પસ : પહેલી નજરે જોયેલું દશ્યફલક : પ્રથમદૃષ્ટિ વિહંગાવલોકન

 

પ્રવેશ કાર્યાલય પર નોંધણીની પ્રક્રિયા પુરી કરી. તે સાથે હવે લેખિત પરીક્ષા, મૌખિક ઈન્ટરવ્યુ અને પછી પરિણામની જાહેરાત વગેરેનું સમયપત્રક જણાવવામાં આવ્યું. આપણી આ સ્મૃતિયાત્રાને લાગે વળગે છે ત્યાં સુધી એનો અર્થ એટલો જ કે આ બધી પ્રવૃત્તિઓ કરતાં જે ચારેક દિવસ લાગશે તેનો ઉપયોગ કેમ્પસનો પરિચય કરી લેવાની સારી તક છે. પ્રવેશ ન મળે તો સાવ ડેલે હાથ દઈ આવ્યા વાળી ન થાય, અને જો પ્રવેશ મળે તો તો આટલો પરિચય ઉપયોગી તો થવાનો જ હતો.

તો ચાલોપિલાણી કેમ્પસની એ પહેલી મુલાકાતની જે સ્મૃતિઓ મનમાં રહી ગઈ છે તેની યાદ તાજી કરીએ.

નોંધ : એ ચાર દિવસોમાં અમુક સમયે હું એકલો હતો તો અમુક સમયે મારી સાથે કોઈને કોઈ જરૂર હતું. પરંતુ, કોણ સાથે હતું એ જરા પણ યાદ નથી આવી રહ્યું એટલે કેમ્પસનાં એવા સ્થળોની મુલાકાત માટે 'અમે' ને બદલે 'હું' નો જ પ્રયોગ અહીં કરવાનું ઉચિત માન્યું છે.

નોંધ : અહીં મુકેલી કેમ્પસનાં સ્થળો / મકાનોની તસવીરો કે આકૃતિઓ નેટ પરથી જુદી જગ્યાએથી લીધેલી છે. એટલી હદે એ તસવીરો આ સ્મૃતિકથાના સમયકાળની ન હોય એ શક્ય છે.  બેએક વર્ષ પહેલાં અમારી બેચના સહાધ્યાયી રામ કિશન ગોએંકા પિલાણીની રૂબરૂ મુલાકાતે ગયેલા. તેમણે લીધેલી તસવીરો અને વિડીયો ક્લિપ પણ સદર્ભ મુજબ અહીં ઉપયોગમાં લીધી છે.  તદુપરાંત, બીજા એક સહાધ્યાયી પ્રકાશ ભાલેરાવને Architecture+Design સામયિકમાં કેમ્પસમાં કરવામાં આવેલા ફેરફારોની તસવીરો પણ જોવા મળી. તેના પરથી સંબંધિત સાઈટ પરથી એ તસવીરો પણ અહીં મુકી છે.

[Ref.: Submerge in the BITS Pilani culture ….. ]


કેમ્પસનો વિસ્તાર મુખ્યત્ત્વે ઉત્તર - દક્ષિણ વચ્ચે પથરાયેલ લંબચતુષ્કોણ આકારમાં થયેલ છે. લંબચતુષ્કોણની ઉત્તર તરફની નાની બાજુએ મુગટની જેમ એક ભવ્ય ટાવર ઘડિયાળથી ઓપતું ઇન્સ્ટિટ્યુટનું મુખ્ય મકાન છે. તેની બરાબર સામે સામે દક્ષિણને છેડે ચક્ષુગમ્ય ધરી બનાવતું સરસ્વતી મંદિર આવેલ છે. ચતુષ્કોણનો વચ્ચેનો વિસ્તાર હરિયાળી લૉન અને ફુલોના છોડ વગેરેથી સજાવાયેલ છે. લંબચતુષ્કોણની બન્ને લાંબી બાજુઓ આ લોનના કિનારે વૃક્ષોની હાર છે, જેને અડીને બે મુખ્ય રસ્તાઓ છે. રસ્તાઓની બન્ને તરફ પણ ઉગેલાં વૃક્ષોની હરોળને વ્યાખ્યાયિત કરતા ફુલોના ક્યારાઓ છે. લંબતુષ્કોણની બહારની બાજુએ, બન્ને લાંબી બાજુઓને સમાંતર હોસ્ટેલ બ્લૉક્સ છે. બબ્બે બ્લૉક્સની વચ્ચે થોડી પાછળની તરફ એ બન્ને બ્લૉક્સ માટેની સ્ટુડન્ટ મૅસ આવેલી છે.

પિલાણીના બે વર્ષના રહેવાસ દરમ્યાન મારે બુધ ભવનમાં રહેવાનું હતું, એ બુધ ભવન મુખ્ય બિલ્ડીંગની દક્ષિણ તરફ, પહેલી સી-લૉન બ્લૉકના દક્ષિણ-પૂર્વ તરફના ખુણા બાજુએ આવેલ છે.

 

રામકિશન ગોએંકાએ મોકલેલ આ ક્લિપમાં બુદ્ધ ભવનની આગળની બાજુ જોઈ શકાય છે. લૉબીમાં ગ્રીલ પછળથી ઉમેરવામાં આવી છે. તે જ રીતે હવે વિદ્યાર્થીઓ સાઈકલ લઈને રહે છે તે પણ પરિવર્તન છે.



 નોંધ:

૨૦૧૧માં કેમ્પસમાં પાયાની સુવિધાઓને લગતા કેટલાક ફેરફારો શરૂ કરાયા, જે ૨૦૧૫માં પુરા થયા. આ ફેરફારોમાં મુખ્યત્વે તોશિક્ષણ અને પ્રશાસનને લગતી આધુનિક સગવડો સાથેનો નવૉ પ્રશાસન બ્લૉક, ,૦૦૦ વધારે વિદ્યાર્થીઓ સમાવી શકે એવી ,૫૦૦ વિદ્યાર્થી માટે વધારે સગવડભરી હોસ્ટેલની સુવિધાઓ, ૨૫૦ સ્ટાફ કુટુંબોને સમાવી શકે એ રીતે જુનાં ક્વાર્ટ્ર્સમાં સધારાઓ તેમ જરૂરી નવાં કવાર્ટર્સ, સ્ટુડન્ટ  મેસનું પણ આધુનીકીકરણ, નવી માળખાંકીય સેવાઓ વગેરે આવરી લેવાયા.


તે ઉપરાંત ગુંબજ આકારનાં વર્તૂળને કેન્દ્રમાં રાખીને ,૫૦૦ વિદ્યાર્થીઓ સમાઈ શકે તેવી, ખુલ્લાં સભાગૃહ તરીકે કામ આવે એવી, ૫૦ મીટર વ્યાસ ધરાવતી નાટ્યશાળાની પણ રચના, જૂના મુખ્ય બ્લૉક સામ જે, કરવામાં આવી.

અહીં એ પૈકી નવા પ્રશાસન બ્લૉક, જૂના મુખ્ય બ્લૉકની સામે એમ્ફિથિયેટર, ગુંબજાકાર નાટ્યશાળાની તરફથી દિવસ અને રાત્રિ દરમ્યાનનાં દૃશ્ય ની તસવીરો મુકી છે.

          [Ref.: Submerge in the BITS Pilani culture ….. ]


મુખ્ય બ્લૉકની લગભગ સમાંતરે, જમણી બાજુએ, બિરલા સાયન્સ મ્યુઝિયમ આવેલ છે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગનાં અનેક જીવંત મૉડેલ્સ સાથેનું આ મ્યુઝિયમ જોવું એ એક અનેરો અનુભવ છે. પહેલી વાર અછડતી મુલાકાત લીધા બીજા એક દિવસે મેં આખી બપોર ત્યાં ગાળી. એ પછીથી મ્યુઝિયમમાં ગાળવા માટે આટલો ગુણવત્તાયુક્ત સમય મને બે વર્ષમાં ક્યારે પણ  ન મળ્યો ! મ્યુઝિયમની બહાર, 'વિશ્વમાનવ' તરીકે સામાન્યપણે  ઓળખવામાં આવેલ એક ગ્રીક દેવતાનું શિલ્પ છે. એ દેવતા કોણ છે તે તો ખ્યાલ નથી પણ ગ્રહોને અંતરિક્ષની ભ્રમણક્ક્ષામાં મોકલતું હોય એવું એ શિલ્પ પહેલી જ નજરે મારાં મન પર, કાયમ માટે, અંકાઈ ગયું.  

મુખ્ય બ્લૉકની જમણી વિંગનો ઉપરનો લગભગ એક આખો માળ 'લાયબ્રેરી'ને ફાળવવામાં આવ્યો હતો. લાયબ્રેરીમાં સંસ્થાની દરેક વિદ્યાશાખાઓને લગતાં અનેક સંદર્ભ ગ્રંથો અને પાઠ્યપુસ્તકો સિવાયનાં સામયિકોનો ઇતર વાંચનનો ખજાનો હતો. અંગ્રેજી ભાષાનાં લગભગ દરેક રાષ્ટ્રીય અખબારો અને અમુક હિંદી અખબારો ત્યાં જ વાંચી શકાય એવી અલગ વ્યવસ્થા હતી. ધ ઈકોનોમિક ટાઈમ્સ, ફાઇન્સાયીલ એક્ષપ્રેસ અને બીઝનેસ સ્ટાન્ડર્ડ જેવાં આર્થિક અને વાણિજ્યને લગતાં દૈનિકોનો મારો લગભગ પહેલો નજદીકનો પરિચય એ ચાર દિવસોમાં થયો. એમનાં નિયમિત વાંચનની સાથે સાથે, અંગેજી સાહિત્યને લગતું સામયિકએન્કાઉન્ટર’, સાંપ્રત ઐતિહાસિક અને રાજકીય વિષયોની ચર્ચા રજૂ કરતુંસેમિનાર’, અને ઈકોનોમિક અને પોલિટિકલ વીકલી પણ, આ બે વર્ષ દરમ્યાન, મારાં નિયમિત વાંચન બની રહ્યાં  દરેક શાખાને લગતાં આંતરરાષ્ટ્રીય સામયિકો પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતાં  હાવર્ડ બિઝનેસ રિવ્યુના પાછલા અંકો માટે તો એક અલગ કબાટ હતો. 

એ જ રીતે, મુખ્ય બ્લૉકની ડાબી તરફ વર્કશૉપ્સ, કમ્પ્યુટર સેન્ટર, પોસ્ટ ઑફિસ, બેંક વગેરે આવેલાં હતાં એ સમયે ત્યાં આવેલી યુકો બેંકની એક માત્ર શાખા ઘરેથી ડીમાન્ડ ડ્રાફ્ટ વડે આવતાં નાણાંનું અમારા માટે એક માત્ર સ્રોતકેન્દ્ર હતું. ઘર સાથે લગભગ દર અઠવાડીયે, અને અમદાવાદના બે એક મિત્રો સાથે અનિયમિતપણે નિયમિત, થતા પત્રવ્યવહાર માટે પોસ્ટ ઑફિસની પણ નિયમિત મુલાકાત થતી રહેતી હતી. આગલા દિવસે લ્કહી રાખેલો પોસ્ટકાર્ડ પણ મોકલી આપવાની તક પણ મે ઝડપી લીધી હતી. ત્રીજા - ચોથા સમેસ્ટરમાં જાણવા મળ્યું તેમ કમ્પ્યુટરક્ક્ષના વિશાળ કક્ષમાં એક મહાકાય ડેટા પ્રોસેસિંગ યુનિટ, બીજા રૂમમાં ડેટા પન્ચિંગ મશીનોની શ્રેણીબદ્ધ હરોળ,પ્રિન્ટર માટેનો રૂમ અને સેન્ટરનાં નિયમન માટેના સ્ટાફની બેસવાની અલગ વ્યવસ્થા એ રીતે એ સમયનું કમ્પ્યૂટર સેન્ટર ગોઠવાયેલ હતું.

મુખ્ય બ્લૉકની પાછળની બાજુએ કહી શકાય એમ નેશનલ ઇલેક્ટોનિક્સ એન્જિનિયરિંગ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ (NEERI ) આવેલ છે.

મુખ્ય બ્લૉકની કેન્દ્રરેખા પર જ બરાબર દક્ષિણ છેડે સરસ્વતી મંદિર આવેલું છે. તેની રચના એવી રીતે કરાઇ છે કે જાણે સરસ્વતી દેવીની દિવ્ય દૃષ્ટિ હંમેશાં ઇન્ટિટ્યુટની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર બની રહે. મંદિરનાં સ્થાપત્યની સરળ ભવ્યતા ત્યાંના વાતાવરણની પવિત્રતા અને શાંતિમાં ઉમેરો કરે છે.

રામકિશન ગોએંકાએ મોકલેલ સરસ્વતી મંદિરની વીડિઓ ક્લિપમાં મંદિર અને તેનું પરિસર જોઈ શકાય છે.

મંદિરની પાછળ શિવ-ગંગા છે. પરિઘ પર લગભગ ૪૦૦ મીટરની નહેર છે જેનાં વર્તુળનાં કેન્દ્રમાં શિવજીની મૂર્તિ છે જેમનાં મસ્તિષ્ક પરગંગાજીની ધારાથતી રહે છે. નહેર અને મૂર્તિની બેઠકની વચ્ચે પાણી ભરેલો હોજ છે. મૂર્તિથી નહેર તરફની એક ત્રિજ્યા પર એક પુલ છે જેના પરથી થઈને હોજ અને નહેરને પસાર કરી મુખ્ય માર્ગ પર આવી જઈ શકાય છે.


શિવ ગંગાની ડાબી બાજુએ કેમ્પસનું 'બજાર' છે, જેને દિલ્હીનાં પ્રખ્યાતકૉનૉટ પ્લેસ'નું નામ અપાયું છે ! દરરોજ સાંજે ત્યાં વિદ્યાર્થીઓની સારી એવી ચહલપહલ હોય. 

પિલાણી બજારથી કેમ્પસમાં દાખલ થતો કેમ્પસનો મુખ્ય પ્રવેશ માર્ગ મુખ્ય બિલ્ડીંગ અને સરસ્વતી મંદિર વચ્ચેના લંબચોરસને લગભગ મધ્યમાં વિછેદે છે. કેમ્પસમાં દાખલ થતાં જ જમણા હાથે સ્વિમિંગ પુલ અને ડાબે હાથે જિમ અને સ્પોર્ટ્સ સંકુલ આવેલાં છે. જિમની પાછળના ભાગમાં આવેલાં વિશાળ મેદાનમાં વચ્ચે ફુટબૉલ અને ક્રિકેટનું મેદાન હતું. તેને ફરતે લંબગોળાકારમાં બનેલ રનિંગ ટ્રેક હતો.

સરસ્વતી મંદિર્ બજારની ડાબી બાજુએ કહી શકાય એમ ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. ઊંચી દિવાલો, લોખંડના દરવાજાથી સુરક્ષિત આ હોસ્ટેલ બ્લૉક બધા છોકરાઓ માટે તો 'કિલ્લો' જ બની રહેતો. આ બ્લોકની પણ ડાબી તરફ, બુધ ભવન પાસેથી જઈ શકાયે એવા માર્ગથી પહોંચી શકાયે એવાં સ્ટાફ ક્વાર્ટર્સ આવેલાં છે.

પ્રથમ દૃષ્ટિએ જ કેમ્પસ એક આદર્શ શિક્ષણ સંકુલ તરીકે મારા મનમાં વસી ગયો.  


હવે પછી પિલાણીમાં બે વર્ષનું વિદ્યાર્થી જીવન શરૂ કરતાં કેટલીક પ્રાથમિક જરૂરીયાતો પુરી કરવા સાથે સંકળાયેલી સ્મૃતિઓ તાજી કરીશું.



No comments: